શ્રાવણ નીતર્યો
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલોજી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલોજી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલોજી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલોજી.

આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલોજી
પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલોજી.

આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલોજી
પેલું કોણ હસે મરમાળ ? હો કોઈ ઝીલોજી.

આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલોજી
આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલોજી.

આ સમણા કેરા કરા પડે કોઈ ઝીલોજી
આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલોજી.

આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલોજી
એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલોજી.

આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલોજી
આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલોજી.

આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલોજી
પેલી ઝરણાંની વણઝાર હો કોઈ ઝીલોજી.

આ જતિસતીનાં તપ રેલે કોઈ ઝીલોજી
પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલોજી.

 
—–બાલમુકુંદ દવે

શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. નાગપંચમીથી શરુ થઈને જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ. ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક મહત્વની હસ્તીને જ જાણે ભૂલી જાય છે! સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ-જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા,જેલના એક ખૂણામાં શું શું અને કેવું કેવું અનુભવે છે ? કદી એની કલ્પના કરી છે?

 

શ્રાવણ આવે ને…

શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.
છાતીમાં ધગધગતી કેવી એ લ્હાય?
કાયા તો ઝીલે લઈ ભીતર સંગ્રામ,
વદપક્ષની રાતે મુજ  હૈયું વ્હેરાય.
લમણે તો લાખ તોપમારો ઝીંકાય, હાય… શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

સાત સાત નવજાત હોમીને સેવ્યો,
નવ નવ મહિના આ ઉદરમાં પોષ્યો.
જન્મીને જ જવાને આવ્યો જ શાને?
કંસડાનો કેર ત્યારે કાપ્યો ન કા’ને?
ગોવર્ધનધારી કેમ બિચારો થાય? હાય … શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ,વાહ!
જગ તો ના જાણે ઝાઝુ, દેવકીને આજ.
વાંક વિણ, વેર વિણ,પીધા મેં વખ,
ને તોયે થાઉં રાજી, જોઈ યશોદાનું હખ.
આઠમની રાતે જીવે ચૂંથારો થાય,
કેમે ન ખમાય, બહુ પીડા અમળાય..હાય… શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

—દેવિકા ધ્રુવ


સુશ્રી દેવિકાબેન ઘ્રુવનાં સંપર્ક સૂત્રો
ઇ-મેલ ddhruva1948@yahoo.com