ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગીતકાર યોગેશનું આખું નામ યોગેશ ગૌડ. ૬૦ ના દશકમાં ફિલ્મોમાં આવ્યા એ પહેલાં જ ગૌડ અટકધારી વ્રજેન્દ્ર ગૌડ એટલે કે એમના મોટા ભાઈ ફિલ્મી દુનિયામાં સંવાદ અને પટકથા લેખક તરીકે નામ કમાઈ ચૂક્યા હતા. તેજસ્વી યોગેશને એમની કોઈ મદદ ન મળી અને યોગેશ ત્રણેક વર્ષ પહેલાં ૫૭ ની વયે અવસાન પામ્યા ત્યારે સદંતર ગુમનામીની ગર્તામાં હતા. બીજા અનેક કલાકારોની જેમ એમને પણ સંવેદનશીલતા અને અસમાધાનકારી વૃત્તિ નડી. હા, મોટા ભાઈ વ્રજેન્દ્ર પોતે ગીતકાર અને ગઝલકાર પણ હતા એ આપણે આગળ ઉપર જોઈશું.
યોગેશે મુખ્ય ધારાના એક જ સંગીતકાર સલીલ ચૌધરી માટે મહદંશે ગીતો લખ્યા. ( આનંદ, રજનીગંધા, અન્નદાતા, અનોખા દાન, છોટી સી બાત ) . બીજા અજાણ્યા સંગીતકારો માટે પણ થોડુંક કામ કર્યું. શરુઆત ૧૯૬૨ માં સખી રોબિન થી કરી ( તુમ જો આઓ તો પ્યાર આ જાએ ) પણ ઝળક્યા ‘ આનંદ ‘ ફિલ્મથી, જેના એમણે લખેલા ગીતો સુવિદિત છે. બર્મન દાદા માટે ‘ મિલી ‘ ના ગીતો લખ્યા ( ‘ આએ તુમ યાદ મુજે ‘ અને ‘ બડી સૂની સૂની હૈ ઝિંદગી યે ઝિંદગી ‘). એમના સૌથી લોકપ્રિય ગીતોમાંનુ એક એટલે ‘ મંઝિલ ‘ ( ૧૯૭૯ )નું ‘ રિમઝીમ ગિરે સાવન ‘.
એમણે લખેલા મર્યાદિત ગીતોમાંથી બે ગઝલ :
આંખોં આંખોં મેં હરેક રાત ગુઝર જાતી હૈ
તુમ નહીં આતે હો તો યાદ ભી ક્યોં આતી હૈ
હમ ખયાલોં મેં બુલા લેતે હૈં અક્સર તુમકો
જબ તબિયત ઝરા તન્હાઈ મેં ગભરાતી હૈ
હરેક આહટ પે હમ ચૌંક ઊઠા કરતે હૈં
જિસ તરહ બિજલી ઘટાઓં મેં ચમક જાતી હૈ..
– ફિલ્મ : મારવેલ મેન – ૧૯૬૪
– મુબારક બેગમ
– રોબિન ચેટર્જી
માના મેરે હંસી સનમ તૂ રશ્કે – માહતાબ હૈ
પર તૂ હૈ લાજવાબ તો મેરા કહાં જવાબ હૈ
હૈરત સે યૂં ન દેખિયે ઝર્રા હુઆ તો ક્યા હુઆ
અપની જગહ પે જાનેમન ઝર્રા ભી આફતાબ હૈ
તેરે શબાબ કા સુરૂર છાયા જો દો જહાન પર
મેરી નિગાહે – શૌક સે આયા યે ઈંકલાબ હૈ ..
– ફિલ્મ : એડવેંચર્સ ઓફ રોબિનહૂડ – ૧૯૬૫
– મુહમ્મદ રફી
– જી એસ કોહલી
(એક અનોખી ગઝલ જેમાં દરેક શેરમાં માશુકની સૌંદર્ય – પ્રશસ્તિની સાથોસાથ આશિકની ખુમારી પણ છે.)
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
