ફિર દેખો યારોં

બીરેન કોઠારી

ફ્રાન્‍સના કાન્‍સ શહેરમાં દર વર્ષે યોજાતો ફિલ્મોનો મહોત્સવ ‘ફેસ્ટીવલ દ કાન્‍સ’ યુરોપમાં યોજાતા ત્રણ મહત્ત્વના ફિલ્મોત્સવ પૈકીનો એક છે. બાકીના બે ફિલ્મોત્સવ વેનિસ અને બર્લિનમાં યોજાય છે. ૧૯૪૬થી સાતત્યપૂર્વક યોજાતા રહેલા આ ફિલ્મોત્સવમાં વિશ્વભરના દેશોમાંથી નામાંકન મોકલવામાં આવે છે, અને તેમાં ફિલ્મ પસંદગી પામે તો એ પ્રતિષ્ઠિત સન્માન ગણાય છે. ભૂતકાળમાં ભારતમાંથી ‘નીચા નગર’(૧૯૪૬), ‘દો બીઘા જમીન’(૧૯૫૪), ‘બૂટપોલિશ’(૧૯૫૫), ‘પાથેર પાંચાલી’(૧૯૫૬), ‘મસાન’(૨૦૧૫) જેવી ફિલ્મોને આ મહોત્સવમાં વિવિધ શ્રેણીનાં સન્માન પ્રાપ્ત થયાં છે. સ્વાભાવિકપણે જ જે તે દેશ માટે એ ગૌરવની બાબત ગણાય.

પણ ઈરાનમાં આનાથી ઉંધું બન્યું. ૨૦૨૨માં યોજાયેલા કાન્‍સ ફિલ્મોત્સવમાં ઈરાનની એક ફિલ્મ ‘લૈલાઝ બ્રધર્સ’ પ્રદર્શિત કરાઈ હતી, જેના નિર્માતાઓ હતા સઈદ રૌસ્તાઈ અને જવાદ નૂરુઝબૈગી. સઈદ તેના દિગ્દર્શક પણ હતા. કૌટુંબિક પૃષ્ઠભૂમિનું કથાવસ્તુ ધરાવતી આ ફિલ્મના નિર્માતાઓ પર ઈરાનની સરકાર રોષે ભરાઈ છે. આ ફિલ્મને સરકારની મંજૂરી વિના પ્રદર્શિત થવા માટે મોકલવામાં આવી હતી એમ જણાવીને સરકારે બન્ને નિર્માતાઓની ધરપકડ કરી છે અને તેમને છ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે. તેમની પર ‘ઈસ્લામી પ્રણાલિ વિરુદ્ધ થઈ રહેલા વિરોધીઓના પ્રચારમાં મદદરૂપ થવાનો’ આરોપ છે.

Leila's Brothers (2022) - IMDb
તસવીર નેટ પરથી સાભાર

એ હકીકત છે કે કાન્‍સ ફિલ્મોત્સવમાં પ્રદર્શન માટે મોકલવામાં ઈરાની સરકારની મંજૂરી મેળવવામાં ન આવી હતી. સઈદના જણાવ્યા અનુસાર સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ફિલ્મનાં ‘સૌથી અગત્યનાં દૃશ્યો’માં જ કાપકૂપ સૂચવાઈ હતી. સરકારની પરવાનગી વિના ફિલ્મને મોકલવામાં આવે તો એ કંઈ એટલો ગંભીર અપરાધ બનતો નથી. વધુમાં આ ફિલ્મનું નામાંકન ત્રણ શ્રેણીમાં કરાયું હતું, જેમાંથી બે પારિતોષિક તેને પ્રાપ્ત થયા છે. આથી ઈરાન માટે એ આનંદની વાત ગણાવી જોઈએ. તેને બદલે બન્ને નિર્માતાઓને દોષી ઠેરવવામાં આવ્યા છે. કેમ કે, સરકારને પેટમાં કંઈક બીજું જ દુ:ખે છે. મહોત્સવમાં પોતાની ફિલ્મને પ્રાપ્ત થયેલું પારિતોષિક સ્વીકારતી વખતે વિશ્વભરના દર્શકો સમક્ષ સઈદે નાનકડું વક્તવ્ય આપ્યું હતું. મે, ૨૦૨૨માં ઈરાનના આબાદાન શહેરમાં ધરાશાયી થઈ ગયેલી દસમજલી ઈમારત અને તેને પગલે થયેલી જાનહાનિ અંગે તેમણે આ વક્તવ્યમાં વાત કરી હતી. આ ઈમારતના બાંધકામ સાથે સત્તાવાળાઓ સંકળાયેલા હતા, અને તેમની વિરુદ્ધ ઠેરઠેર દેખાવ કરવામાં આવ્યા હતા. આવી દુર્ઘટના કંઈ પહેલી વારની નહોતી. આ કારણે સઈદે તેની રજૂઆત આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ કરીને ઈરાનની અસલિયત દર્શાવવાનું પગલું ભર્યું. તેના પ્રત્યાઘાત તરીકે ૨૦૨૨ના જૂનમાં જ આ ફિલ્મની રજૂઆત પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

હોલીવુડના ખ્યાતનામ નિર્માતા, દિગ્દર્શક, પટકથાલેખક અને અભિનેતા માર્ટિન સ્કોર્સેઝેએ આ નિર્માતાબેલડીને ‘ન્યાય મળે’ એ માટે પીટિશન કરીને સૌને તેમાં સહી કરવાની અપીલ કરી છે. એક સ્થાનિક ઈરાની અખબારના અહેવાલ અનુસાર: ‘આરોપીઓ પ્રચારના પ્રભાવ તળે, નાણાં અને પ્રસિદ્ધિની લ્હાયમાં સત્તાવિરોધી તત્ત્વો સાથે મળી ગયેલા છે.’ એક ઈરાની ફિલ્મનિર્માતાએ પોતાનું નામ દીધા વિના એક અખબારને જણાવ્યું હતું કે સઈદને થયેલી સજાને કારણે ઈરાની સિનેમા બિરાદરીમાં વ્યાપકપણે ચિંતા પ્રસરી ગઈ છે.’ આ નિર્માતા દ્વારા પોતાનું નામ જાહેર ન કરવાનું કારણ પણ પોતાની સલામતિનું જ હતું. તેમણે કહ્યું, ‘અમને લાગે છે કે પ્રતિબંધ અને અંકુશોની એક નવિન પદ્ધતિનો ઉદય થઈ ચૂક્યો છે.’ એકાદ વરસ પહેલાં સરકાર વિરુદ્ધ વ્યાપક પ્રમાણમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. તેની પ્રથમ વાર્ષિક તિથિ સપ્ટેમ્બર, ૨૦૨૩માં આવી રહી હોવાથી ઈરાનની સરકાર મતભેદ અને પોતાની ટીકા બાબતે વધુ પડતી સંવેદનશીલ બની રહી જણાય છે.

ઈરાનમાં કટ્ટરવાદ અને મુક્ત અભિગમ વચ્ચેનો સંઘર્ષ સતત ચાલતો આવ્યો છે, જેમાં કટ્ટરવાદનું પલ્લું હંમેશાં નમતું રહ્યું છે. ઈરાની ફિલ્મોની એક આગવી શૈલી છે, જેનો પોતાનો અલાયદો પ્રશંસક વર્ગ છે. સ્વતંત્રતાની અભિવ્યક્તિના મહત્ત્વના માધ્યમ કહી શકાય એવા સિનેમાની અસર જનસમૂહ પર ઘણી પડતી હોય છે. અલબત્ત, તપાસ કરતાં જણાશે કે આ અસર ચિરંજીવ બની રહેતી નથી. આમ છતાં, સરકારોને એવો ભય સતાવતો રહે છે કે ફિલ્મો પોતાની વિરુદ્ધ જુવાળ પેદા કરી શકે એમ છે. તેઓ આ બાબતે કોઈ જોખમ લેવા નથી માંગતા, આથી ઘણાખરા કિસ્સામાં તેઓ રજ્જુસર્પભ્રાંતિનો ભોગ બને છે.

થોડા વખત અગાઉ ઈરાની ફિલ્મનિર્માતા અસગર ફરહાદીએ કહેલું, ‘કળાનો પાબંદી સાથે થતો ટકરાવ પાણીના પથ્થર સાથે થતા ટકરાવ જેવો હોય છે. છેવટે પાણી કોઈ પણ રીતે પોતાનો રસ્તો કરી લે છે.’ આ ઉદાહરણ ‘લૈલાઝ બ્રધર્સ’ના નિર્માતાઓને લાગુ પાડી શકાય. ઘરઆંગણે તેમની સર્જકતાની અભિવ્યક્તિને રુંધવામાં આવી તો તેમણે વિશ્વને આંગણે એ કરી દેખાડી.

ફિલ્મ પરનાં નિયંત્રણ બાબતે ભારતની શી સ્થિતિ છે? ‘વિવિધતામાં એકતા’ જેની વિશેષતા ગણાતી એવા આપણા દેશમાં અનેક સમુદાયો કોઈ ફિલ્મની રજૂઆત પછી પોતાની લાગણી દુભાવા માટે તત્પર બેઠા છે. ‘નૈતિકતાના રખેવાળો’ કોઈ દેવીદેવતાનું ફિલ્મમાં અવમૂલ્યન ન દેખાડાય એની ચોંપ રાખતા ફરે છે, કેમ કે, એ કૃત્યનો એકાધિકાર એમનો એકલાનો છે. સેન્‍સર બૉર્ડ સત્તાતંત્રને અનુકૂળ આવે એ રીતે કાપકૂપ સૂચવતું રહે છે. પણ મોટે ભાગે તો ‘નૈતિકતાના રખેવાળો’ જ સેન્‍સર બૉર્ડની ભૂમિકા ભજવતા રહે છે. આ બધું હોવા છતાં એટલું અવશ્ય કહી શકાય કે ઈરાન જેવી પરિસ્થિતિ હજી સુધી આપણે ત્યાં ઊભી નથી થઈ. આ આશ્વાસન કંઈ જેવુંતેવું છે?


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૧ – ૦૮ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)