તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.
તાવ આવવો અથવા જ્વર (Pyrexia) થવો એ સામાન્ય રીતે બધાને ખબર હોય કે શરીરનું તાપમાન જે હોવું જોઈએ એનાથી વધ્યું છે. તો પહેલા સામાન્ય શરીરનું તાપમાન એટલે શું, એ સમજીએ. શરીરની આંતરિક ક્રિયાઓ માટે શરીરનું તાપમાન જળવાઈ રહેવું આવશ્યક છે. પણ યાદ રહે કે આ સામાન્ય તાપમાન દરેકને માટે સહેજ ફેરફાર સાથે જુદું હોઈ શકે. સવાર કરતાં સાંજનું વધારે હોય, વળી કસરત કે કામ કર્યા પછી પણ વધારે હોય. ઉંમર, સ્ત્રી/પુરુષ, વાતાવરણ, વગેરેની ઉપર પણ આધાર હોય છે. વળી શરીરના કયા ભાગે કઈ પદ્ધતિથી લેવાયું છે તે પણ ધ્યાનમાં રાખવું પડે.
સામાન્ય મનુષ્યના શરીરનું તાપમાન (Body Temperature), બગલમાં (Axilla), મોઢામાં (Mouth/Oral), ગુદાદ્વારમાં (Anal/Rectal), ચામડી (Skin) ઉપર, કે કાનમાં (Otic) થર્મોમીટર રાખી લેવાય છે. થર્મોમીટર અત્યાર સુધી પારાના (Mercury Thermometer) હોય છે, પણ હવે ડિજિટલ (Analogue-Digital Thermometer with disposable probe) અને ચામડી-કપાળ ઉપર લગાડવાની પટ્ટી (Thermo-Sensitive Strips) અને ઇન્ફ્રારેડ મશીન (Temperature Sensitive Infrared Device) જેવાં સાધનો પણ વપરાય છે. પારો ભરેલાં કાચનાં થર્મોમીટર ટૂટવાથી પારાના ઝેરનો ડર રહે છે.
સામાન્ય રીતે તાવ ડિગ્રી ફેરનહિટ (Fahrenheit) કે સેલ્સિયસ (Celsius)માં મપાય છે.
માપવાની જગ્યાઓ પ્રમાણે સામાન્ય શરીરનું તાપમાન, (Normal Body Temperature as per site)ઃ
મોઢામાં – ૩૭.૭ ડિગ્રી સેલ્સિયસ (૩૩.૨ થી ૩૮.૨)
બગલમાં અને કાનમાં – ૩૭.૨ ડિગ્રી સેલ્સિયસ ૩૫.૫ થી ૩૭.૦)
ગુદાનું – ૩૭.૫ (૩૪.૪ થી ૩૭.૮) આ રીતે લેવાયેલું તાપમાન વધારે સચોટ છે.
નોંધઃ સેલ્સિયસમાંથી ફેરનહિટમાં ફેરવવા માટે, સેલ્સિયસને ૧.૮થી (અથવા ૯/૫) ગુણીને ૩૨ ઉમેરવા.
F=(CX1.8)+32 or F=(CX9/5)+32).
તાવ આવવાની પ્રક્રિયા-(Mechanism of raise in body temperature)
આપણા શરીરનું તાપમાન કેવી રીતે જળવાઈ રહે છે, એ પ્રશ્ન થાય છે? આપણા મગજમાં હાઈપોથેલેમસ (Hypothalamus) નામનો ભાગ છે, ત્યાં એને કંટ્રોલ કરવાનું કેન્દ્ર છે. એ તાપમાન જાળવી રાખવાના મશીન જેમ કામ કરે છે (Like Thermostat). એના ઉપર શરીરમાં રોગના કારણે અથવા અમુક રસાયણોની અસર થવાથી એ એનું કામ બરાબર કરી શકતું નથી, ત્યારે તાવ આવે. આ ખૂબ જ જટિલ રાસાયણિક પ્રક્રિયા છે, જેનું વિવરણ અત્યારે આવા લેખમાં અસ્થાને છે. એ બધાને પાઇરોજન (Pyrogens) કહેવાય છે, જે બેક્ટેરિઆ, વાઇરસ કે શરીરના કોષોના અમુક પ્રોટીન છે, દા.ત. એન્ડોટોક્ષિન (Endotoxins), પ્રોશ્ટાગ્લેન્ડિન ઈ-૨ (PGE2), સાઇટોકીનિન (Cytokines), ઇન્ટરલ્યુકિન (Interleukins), ઇન્ટરફેરોન (Interferon), સીરોટોનિન (Serotonin) વિ. અને આની અસર આપણી અજાગ્રત ચેતાતંત્રને (Autonomous Nervous System) ઉત્તેજિત કરે છે, અને વિવિધ પ્રક્રિયાઓથી તાવની અસર વર્તાય છે, જેમ કે ઠંડી લાગવી, ધુજારી ચડવી, પરસેવો થવો, હૃદયના ધબકારા વધવા, બીપી વધવું, વગેરે.
સમયાનુસાર તાવ વધતો-ઓછો થવાની અમુક પ્રકારની ચોક્કસ પ્રક્રિયા (Pattern) રોગ પ્રમાણે હોય છે. લગાતાર તાવ રહે (ન્યુમોનિઆ, ટાયફોઇડ), એકાંતરે, એકાદ બે દિવસને આંતરે (મેલેરિયા), આછો કાયમી દરરોજ (ટી.બી./Tuberculosis), અચાનક આવે (Abrupt) અને અચાનક થોડી વારમાં ઊતરી જાય, આખા દિવસ દરમ્યાન વધતો ઓછો થાય, થોડા દિવસ મટીને ફરીથી આવે વગેરે. આ બધાનો ચાર્ટ/ગ્રાફ બનાવીએ, તો કયો રોગ હશે તેણી પણ જાણકારી મળે. ડૉક્ટરો પહેલાં આ પદ્ધતિ નિદાનાર્થે વાપરતા હતા, પણ તપાસનાં નવાં સાધનો આવ્યાં પછી હવે તે ઉપયોગી નથી રહી.
તાવનાં કારણો – Causes of Fever જોઈએ.
(૧) બેકટેરિયા, ફંગસ કે વાઇરસનો ચેપ, મલેરિયા કે ફાઇલેરિયાના પેરેસાઇટ, સામાન્ય શરદી, ફ્લૂ (H1N1 type etc), અછબડા (Chikenpox), એઇડ્ઝ (AIDS), ન્યુમોનિયા (Pneumonia), ગૂમડાં (Boils. Abcesses), રસીકરણ (Vaccinations), પેશાબનો ચેપ (Urinary Tract Infections), મગજના આવરણનો ચેપ (Meningitis), શરીરના કોઈ ભાગમાં રસી ભરાવી (Appendicitis, Cholicystitis), વગેરે
(૨) અમુક દવાઓની અસર-નશો કરવા વપરાતી દવાઓ અને રસાયણો.
(૩) કેન્સર, દા.ત. લોહીનું કેન્સર (Leukaemia)
(૪) લોહી ચઢાવવાની અસર (effects of Blood transfusion)
(૫) ઓટોઇમ્યુન રોગો/ઇમ્યૂનિટીને અસર થવાથી (Autoimmune Diseases, SLE and reduced/compromised Immunity in cancers etc.)
(૬) લોહીની નળીઓની બીમારી કે એમાં લોહી જામી જવું (Vasculitis, Deep Vein Thrombosis, Pulmonary Embolism)
(૭) શરીરના બંધારણીય કોશો ની બીમારી (Connective Tissue Disorders, Rheumatoid Arthritis, Gout)
(૮) શરીરને ખૂબ વાગવાથી (Traumatic Fever/Crush Syndrome.)
આ સિવાય પણ ઘણાં કારણો હોય છે. સંપૂર્ણ તપાસ કર્યા પછી પણ તાવનું કારણ ના મળે અને ત્રણ અઠવાડિયાં ઉપર સમય વીતી જાય તો એને ફીવર ઑફ અનનોન ઑરિજિન (FUO) કહે છે, જોકે ઘણા કિસ્સામાં કેન્સર (Malignancy), ન પકડી શકાયેલી શરીરમાં ઊંડે છુપાયેલી રસી (Deep Abcess), આંતરશ્રાવની (થાઇરોઇડની) કે એઇડ્ઝ જેવા રોગોમાં આમ બને છે.
ડૉક્ટર જરૂર લાગે એ પ્રમાણે તાવમાં કરવામાં આવતી તપાસ કરાવે છે.
(૧) લોહીની તપાસ – પેરિફેરલ સ્મિયર (PS-Periferal Smear and Culture), અને શ્વેતકણોની તપાસ (WBC Count), જંતુઓ છે કે નહીં તે (Bacteraemia/Virus), લીવર (LFT) અને થાઇરોઇડની (T3, T4 & TSH) તપાસ.
(૨) પેશાબની સામાન્ય અને અન્ય તપાસ (Urinary Rroutine Examination/Culture) અને બેક્ટેરિઆની હયાતી (Presence of Bacteria/Pathogens).
(૩) એક્સ રે (Chest X-ray) અને બીજાં સાધનોથી ફોટા પડાવવા, દા.ત. સોનોગ્રાફી (USG), સીટી સ્કૅન (CTS), એમઆરઆઈ (MRI).
(૪) ઇમ્યુનિટી ને લગતા ટેસ્ટ.
આ બધા ટેસ્ટની મોટે ભાગે જરૂર પડતી નથી, અને સામાન્ય રીતે ફેમિલી ડૉક્ટરથી જ તાવ મટી જતો હોય છે. પણ ઉપર જણાવ્યા પ્રમાણે ખૂબ જ ઊંચું તાપમાન અને ઘણા દિવસો સુધી ચાલે તો દાખલ થઈ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર પાસે સારવાર કરાવવી જોઈએ.
તાવની સારવારઃ
(૧) જરૂર ના પડે
(૨) તાવ ઊતરવાની દવાઓ દાત. પેરાસીટેમોલ (Paracetamol)/એસીટામીનોફીન (Acetaminophene) કે બ્રુફેન (Brufen). બાળકને એસ્પિરીન કદી ના આપવી. (Never give Aspirin to children).
(૩) એન્ટિબાયોટિક સ(Antibiotics) જો જરૂર જણાય તો એન્ટિવાઇરલ (Antiviral) દવાઓ.
(૪) ઠંડા પાણીનાં (બરફ નહીં) પોતાં મૂકવાં, કપાળે, અને બગલ અને જાંઘની જગ્યાએ. (Cold Sponging)
(૫) પુષ્કળ પાણી પીવું અને જો થઈ શકે તો પચે એવો હલકો ખોરાક લેવો.
જો તાવ વધારે હોય અને સાથે અશક્તિ, ભૂખ ના લાગવી, શરીરની ચામડી ઉપર ચાઠાં/ફોલ્લા થાય, તાણ (Convulsions/Seizures) આવે (ધ્રુજારી નહીં), ગળામાં સોજો અને દુખાવો, માથું દુ:ખે, પસીનો થાય, માનસિક અસર જેમ કે ઊંઘ જેવું લાગ્યા કરે, બેભાનાવસ્થા લાગે, કાન દુ:ખે, ગળું પકડાઈ જાય, ગળામાં ખોરાક/પાણી ઉતારવામાં તકલીફ થાય, શ્વાસ લેવામાં મુશ્કેલી થાય, ઊલટી, પાતળા/ઝાડા થાય અથવા લોહી પડે, અને તાપમાન ૩૯.૪ સેલ્સિયસથી વધે (Hyperpyrexia), તો ડૉક્ટરને તાત્કાલિક બતાવી અને જરૂર હોય તો દવાખાનામાં દાખલ થવું જોઈએ.
તાવ/રોગ અટકાવવા આટલું કરી શકાયઃ
(૧) સાફસૂથરા વાતાવરણ અને શરીરને સુરક્ષિત કરીને સારવાર કરવી જેથી ચેપ ના લાગે. (Cleanliness & other protective measures, like use of gloves)
(૨) રસીકરણ કરાવવું. (Vaccination)
(૩) અમુક પ્રકારની દવાઓનો નિષેધ – એમ્ફિટેમિન, કોકેઇન, અને અત્યારે વારંવાર સમાચારપત્રોમાં ચમકતી દવાઓ. (Illegal Drugs)
એક વાત ખાસ યાદ રાખવી કે બધા તાવ જોખમી હોતા નથી અને ઘણીવાર દવા કર્યા વગર જ મટી જાય છે, તાવ એ રોગ નથી (Not a disease by itself), પણ કોઈ રોગની નિશાની (symptom) માત્ર છે. એટલે એ રોગનું યોગ્ય નિદાન (Proper Diagnosis) કરી એ પ્રમાણે દવા કરવાથી મટે છે. સામાન્ય તાવ ઉતારવાની દવાઓ ફક્ત તાપમાન ઓછું કરે પણ તેના કારણમાંનો રોગ મટે નહીં. તાવ ફાયદાકારક બને છે જ્યારે તે શ્વેતકણો ને કાર્યરત કરવામાં મદદ કરે છે અને રોગના જંતુઓને મારવામાં મદદ કરે છે, જંતુઓના ઝેરને ઓછું કરે, અને ટી કોષોને પસરવામાં અને વધવામાં મદદ કરે છે.
તાવથી ઘણી વાર લોકો ખૂબ જ ગભરાઈ જાય છે, ખાસ કરીને બાળકને તાવ ચઢે ત્યારે, અને એટલી હદ સુધી કે આવા ‘ફીવર ફોબિયા’ (Fever Phobia)થી ન કરવાનું કરી બેસતાં હોય છે. એકવાર સર્જન હોવા છતાં મારે અડધી રાત્રે ભણેલા અને પોશ એરિયામાં રહેતા એક બાળકના તાવનો કૉલ એટેન્ડ કરવો પડેલો. જોયું તો બાળકની મમ્મીએ બાળકને બરફના પાણીમાં, બાથરૂમમાં ડુબાડી રાખેલું અને બાળક ધ્રુજતું, ચીસો પાડતું હતું. મેં તાત્કાલિક એને બહાર લેવા કહ્યું તો એ બહેન માનવા પણ તૈયાર નહોતાં!
નોંધી લો- (Important Note).
જવલ્લેજ ખૂબ તાવની અસર રૂપે (Hyperpyrexia) તાણ (Convulsions/Seizures) આવે ત્યારે તેની અસર મગજને નુકસાન કરે ત્યાં સુધી થાય છે. અને કોઈવાર જાનનું જોખમ થાય. મેનિન્જાયટિસ (Meningitis), કે મગજમાં/કાન દ્વારા (Otitis media) જો મગજના ભાગમાં રસી (Brain Abscess) થઈ હોય તો આમ થઈ શકે. પણ અત્યાર સુધી કેમ રોગ પકડાયો નહી અને દવા કેમ ના થઈ? તાણ અને ધ્રુજારી વચ્ચેનો તફાવત ના સમજી શકાય તો ગભરાટ વધી જાય છે.
બીજી એક ખાસ વાત કે તાપમાન એકાએક વધી જવાનું કારણ વાતાવરણનું ઊંચું તાપમાન. દા.ત. ઘણાં કારખાનાંમાં, ખાસ કરીને ઉનાળામાં થાય છે, પણ અને એને તાવ ના કહેવાય, જેની તાત્કાલિક સારવાર ના થાય તો એ ઘાતક સાબિત થાય છે. શરીરને જલદી ઠંડું કરવું એ એની મુખ્ય સારવાર છે. આવા કેસને, હાઇપરથર્મિયા (Hyperthermia) કહેવાય.
એ જ રીતે થાઇરોઇડની બીમારીમાં થાઈરોઈડના વધારે પડતા સ્ત્રાવને કારણે ખૂબ ઊંચું તાપમાન થાય (Thyroid storm) તે પણ ઇમર્જન્સી છે, પણ તેની સારવાર જુદી પડે છે.
ક્રમશ:
ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
