વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
“મા, આ મિતુ છે. મૈત્રેયી.” ધ્રુવની સાથે આવેલી એ યુવતીની ધ્રુવે ઓળખાણ કરાવી.
સામે ઊભેલી યુવતી તરફ નજર નાખી. ખભા સુધી માંડ પહોંચે એટલી વાળની લંબાઈ, આંખો પર ગોગલ્સ. નેવી બ્લ્યૂ જીન્સ પર યલૉ ટોપ.
એને જોઈને મને થોડી અકળામણ થઈ આવી. ધ્રુવ અને મિતુને ત્યાં જ બેસવાનું કહીને અંદર ધ્રુવના પપ્પાને બોલાવા ગઈ. ધ્રુવ એટલે મારો મોટો દીકરો. આજે એ એને ગમતી એક છોકરીને અમને મળવા લઈને આવ્યો હતો.
“બહાર તમારી પુત્રવધૂ આવી છે.” થોડા અણગમા સાથે મારાથી બોલાઈ ગયું અને પછી હું ચા અને નાસ્તો બનાવવા કિચનમાં ચાલી ગઈ.
ખાસ્સો એવો અડધો પોણો કલાકે ચા નાસ્તો લઈને બહાર આવી ત્યારે તો શિવ પણ કૉલેજથી આવી ગયો હતો. બહારનું વાતાવરણ એકદમ ખુશહાલ હતું. શિવ અને એના પપ્પા પણ જાણે મિતુને કેટલાય વર્ષોથી જાણતા હોય એમ એની સાથે ભળી ગયા હતા.
નાસ્તામાં બનાવેલા ગરમ ગરમ સમોસા, રવાના લાડુ અને ઘરનો ચેવડો જોઈને મિતુને નવાઈ લાગી.
“અરે વાહ! આવો મઝાનો નાસ્તો તમે જાતે બનાવ્યો છે. નો વંડર, એટલે જ આ તમારા બંને ચિરંજીવ મસ્ત મોટુમલ બની ગયા છે, રાઇટ મા?”
“એય, આમ ના બોલ..નજર લાગી જશે. ખબર છે, મમ્મીની આ કેટલા વર્ષોની સાધના છે? એમ કંઈ અમસ્તા કશું નથી મળતું.” ધ્રુવ બોલ્યો.
“મમ્મીએ અમને ખવડાવીને એટલે તંદુરસ્ત બનાવ્યા છે કે, કોઈ કર્કશ પત્ની મળે તો અમે મેદાન છોડીને ભાગી જવાના બદલે એને પહોંચી વળીએ.” શિવ પણ એ મસ્તીમાં ભળ્યો.
વાતાવરણ આખું આનંદિત બની ગયું પણ મને મનમાં ગુસ્સો આવ્યો, “ મારાં છોકરાઓને મોટુમલ કહેવાનો હક કોણે એને આપ્યો છે?”
કલાક તો વાતોમાં ક્યાંય પસાર થઈ ગયો અને મિતુ નમસ્તે કરીને એના ઘરે જવા ઊભી થઈ
મારા સિવાય સૌ એને બહાર સુધી મૂકવા ગયા. માત્ર હું સમસમીને બેસી રહી. અમારી આ પહેલી મુલાકાતથી મિતુ માટે મારા મનમાં કડવાશ સિવાય અન્ય કોઈ ભાવ ન ઊભો થયો.
“કેમ આમ તો આખા ગામમાં સૌને કંઈકને કંઈક આપે છે તો મિતુને કેમ ખાલી હાથે પાછી જવા દીધી?” પાછા આવીને એમણે મને પૂછ્યું.
મનનો રોષ મનમાં ભંડારીને હું કિચનમાં ચાલી ગઈ. મને ખબર હતી કે, ધ્રુવ મને મિતુ કેવી લાગી એ અભિપ્રાય માંગશે અને ખરેખર સાંજે જમવાના ટેબલ પર એણે પૂછ્યું.
“તને ગમીને બસ, વાત પૂરી.” મેં જવાબ આપ્યો.
“મા તને ગમે એ પણ જરૂરી છે.” ધ્રુવે ભોંઠા પડીને જવાબ આપ્યો.
શું જવાબ આપું? પહેલી વાર મળવા આવી હતી તો કેવા કપડાં પહેરવા જોઈને એની પણ એને ખબર ના હોય તે આમ સર્કસ-સુંદરી જેવા કપડાંમાં આવી ગઈ? એવું કહેવાનું મન થયું પણ હું ચૂપ રહી.
મા વગરની મિતુ હોસ્ટેલમાં રહીને ભણી હતી. એની મોટી બહેન પરણીને અમેરિકા સેટલ થઈ ગઈ હતી. બે વર્ષ પહેલા એના ભાઈના લગ્ન થયાં પછી ઘરમાં થોડી વ્યવસ્થા ગોઠવાતી જતી હતી એમ ધ્રુવે જણાવ્યું.
એક નિશ્ચિત દિવસે મિતુના પપ્પા લગ્નનું નક્કી કરી ગયા. એ દિવસે મિતુ માટેની આચારસંહિતાનું લિસ્ટ મેં ધ્રુવને પકડાવી દીધું.
‘પરણીની આવ્યા પછી મિતુએ વાળ નહીં કપાવાના.
‘હાથમાં બંગડીઓ પહેરવાની..
‘લગ્નમાં અને ઘરમાં મહેમાન હશે ત્યાં સુધી માથે ઓઢવું પડશે.
‘મહેમાનોની સામે ધ્રુવને નામ લઈને નહીં બોલાવાનું….’
લિસ્ટ એટલું લાંબુ હતું કે શિવે તો એને વીસસૂત્રી કાર્યક્ર્મ નામ આપી દીધું. થોડી થોડી વારે એ ધ્રુવને પૂછી લેતો કે એણે કેટલાં સૂત્રો મિતુને ગોખાવી દીધાં?
અંતે મિતુ પરણીને મારા ઘરમાં આવી. એના પપ્પાએ ધામધૂમથી લગ્ન કર્યા. લગ્નમંડપમાં મિતુને જોઈને મારી નજર એની પર ખોડાઈ ગઈ. ક્યાં પહેલી વાર જોયેલી મિતુ અને ક્યાં આજની મિતુ! લાલ બનારસી સાડીમાં લપેટાયેલી મિતુ સાચે જ લાવણ્યમયી લાગતી હતી.
આર્કિટેક્ટ વહુ મળતી હતી. કરિયાવર લેવાનો હતો નહીં. અન્ય જર-જવેરાતના બદલે પપ્પા પાસે મિતુએ પોતાના માટે લ્યૂના માંગી લીધુ હતું.
લગ્ન પછી આઠ-દસ દિવસ માટે ધ્રુવ અને મિતુ મસૂરી ફરવા ચાલ્યાં ગયાં. પાછા આવીને ફરી એની એ જ મિતુ. એના માટે આપેલી આચારસંહિતાનું મહેમાનો હતા ત્યાં સુધી પાલન કર્યું પણ પાછી એ એના અસલ મૂડમાં આવી ગઈ. ઘરમાં કે બહાર સાડી પહેરવાની બંધ કરી દીધી. કહેતી હતી કે ચાલતા અને કામ કરતાં નથી ફાવતું. ધ્રુવને નામથી કે ડાર્લિંગ કહીને બોલાવતી. શિવ સાથે તોફાન મસ્તી કર્યા કરતી. ભૂખ લાગે તો ડબ્બા ખોલીને નાસ્તાના બૂકડા મારતી. વાતેવાતે મને વળગી પડતી. આ બધું મને અકારું લાગતું, મારા સિવાય સૌને ગમતું અને એ તો એની મસ્તીમાં જ રહેતી.
સમજ્ણ નહોતી પડતી કે, મિતુની મસ્તી મારા માટે ક્યાં સુધી સહ્ય બનશે? અરે બનશે કે કેમ?
આજે મિતુની મસ્તી કયા મોડ પર જઈને ઊભી રહી એની વાત કરું..
બન્યું એમ કે એક દિવસે ઑફિસેથી આંધીની જેમ એ પાછી આવી. અમને બંનેને સાથે બેસાડીને ગળામાં ફૂલોની માળા પહેરાવી દીધી. નાના છોકરાંની જેમ તાળીઓ પાડતી બોલી, “ હેપ્પી એનવર્સરી..”
અરે! અમને તો યાદ પણ નહોતું અને એને ક્યાંથી ખબર?
પછી તો અમારી આરતી ઉતારી. મારા માટે બનારસી સાડી અને એમના માટે પુલોવર લઈ આવી હતી. સ્ટુડિયોમાં જઈને ગ્રુપ ફોટો સેશન કરાવ્યું. એ પોતે પણ પારંપારિક વેશભૂષામાં માથે સાડીનો પાલવ ઢાંકીને ઊભી રહી. ‘અંગૂર’ ફિલ્મ જોઈને બ્લ્યૂ ડાયમંડમાં જમ્યા. ક્વૉલિટી આઇસ્ક્રીમ અને છેલ્લે બનારસી પાન. મિતુના ધાંધલ-ધમાલથી આખો દિવસ ખાસ બની ગયો.
મનથી તો બહુ સારું લાગ્યું છતાં કોણ જાણે કેમ પણ એ જેટલા સ્નેહથી મા કહેતી તો એવા સ્નેહથી એને પ્રતિસાદ તો ના જ આપી શકી. છોકરાઓના પપ્પાએ મા વગરની છોકરીને જેટલી સહજતાથી અપનાવી લીધી એટલી સહજતા મારામાં ન આવી.
થોડા સમય પછી છ મહિનાની ટ્રેનિંગ માટે ધ્રુવને જર્મની જવાનું થયું. હું ઇચ્છતી હતી કે ધ્રુવની સાથે એ પણ જર્મની જાય, પણ ધ્રુવનો ખર્ચો કંપની આપવાની હતી એટલે મિતુએ સાથે જવાની ના પાડી દીધી. ધ્રુવના ગયા પછી એ પોતાના પપ્પાના ઘેર જતી રહી. ખરેખર તો મારે એને રોકવી જોઈતી હતી પણ હું એમાં પાછી પડી.
ઘરમાં મારા સિવાય સૌ ધ્રુવ કરતાં એને વધુ મિસ કરતાં. છોકરાઓના પપ્પા તો બે-ચાર દિવસે મિતુને મળવા વેવાઈના ઘેર પહોંચી જતા. ક્યારેક મને પણ પરાણે ઘસડી જતા. શિવ તો કેટલીય વાર મિતુ સાથે બહાર જતો, મૂવી જોઈ આવતો.
દિવસો પસાર થતા હતા. એક દિવસ એમને પેટમાં અસહ્ય દુઃખાવો શરૂ થયો. આમ તો દસ પંદર દિવસથી તકલીફ શરૂ થઈ હતી પણ આજે તો ઘણી વધારે પીડા થતી હશે એવું લાગતું હતું.
રાતોરાત હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. પ્રોસ્ટેટની તકલીફ હતી, સર્જરી કરવી જ પડે એમ હતી. સરકારી હોસ્પિટલના જનરલ રૂમની એ રાત તો જીવનભર નહીં ભૂલાય. દુર્ગંધ મારતી રૂમમાં સૂવાની વાત તો દૂર બેસવાનુંય દુષ્કર હતું.
બીજી સવારે દસ વાગે સર્જરી નક્કી થઈ. એમને ઓપરેશન માટે લઈ ગયા. બંધ આંખે હું ઈશ્વરનું નામ લેતી બેસી રહી. શિવને ઘણી દોડાદોડ પડતી હતી.
“નમસ્તે બહેન.” આંખ ખોલી તો સામે મિતુના પપ્પા.
“અમને એટલા પરાયા માની લીધા કે સમાચાર સુદ્ધાં ન આપ્યા?” એમના અવાજમાં પીડા હતી.
“શું કરું, બધું એટલું અચાનક બની ગયું . શિવ એકલો અને ઘણી દોડાદોડ પડી.”
“એટલે જ અમને કહેવાનું ને? કાલે ધ્રુવને ખબર પડે તો શું કહેશે?” એ બોલ્યા.
આટલી વાત થયા પછી પણ મને મિતુ ક્યાં છે એ પૂછવાનું યાદ ન આવ્યુ.
બે કલાક પછી એમને ઓપરેશન રૂમમાંથી બહાર લાવ્યા ત્યારે એમની નિઃસહાય અવસ્થા મારાથી જોઈ ન શકાઈ.
એમને લઈને જે રૂમમાં પહોંચ્યા એ કાલનો જનરલ વૉર્ડ નહોતો.
“જનરલ વૉર્ડમાંથી ડીલક્સ રૂમમાં ક્યારે કોણે બધું શિફ્ટ કરાવ્યું?” સ્ટ્રેચરની સાથે ચાલતા શિવને પૂછ્યું.
“ભાભીએ..”
“આ કામ એના વગર કોઈનાથી થાય એમ નહોતું. લડી બાખડીને ઊભાઊભ સુપ્રિટેન્ડટ સાથે રહીને આ રૂમ તૈયાર કરાવ્યો.” મિતુના પપ્પાના અવાજમાં દીકરી માટેનો ગર્વ છલકાયો.
રૂમ એકદમ સાફસૂથરો. બંને પલંગ પર સાફ ચાદરો, સફેદ ટેબલ ક્લૉથ. રૂમના કબાટમાં વ્યવસ્થિત ગોઠવાયેલા અમારા કપડાં, એક તરફની પેન્ટ્રીમાં પ્લેટો, ચા, ખાંડ વગેરે જરૂરી ચીજો નજરે પડી.
થોડી વારમાં મિતુ ચા લઈને આવી. સારું લાગ્યું.
જ્યારે એ થોડા ભાનમાં આવ્યા ત્યારે એમને જોઈને ખાતરી થઈ કે સાચે એમની પીડા અસહ્ય હશે નહીંતર એમની લાડકી મિતુને યાદ કર્યા વગર ના રહેત.
પછી તો મિતુએ એક પછી એક ફરમાન બહાર પાડ્યાં.
“પપ્પા તમે અને ભાઈ ઘેર જાવ. ભાઈ સાથે મારા અને મા માટે જમવાનું મોકલી દેજો. શિવ સાથે બેસીને દવાઓનું લિસ્ટ ચેક કરીને શિવને પણ એના પપ્પા સાથે ઘેર જવાનું અને બીજા દિવસનું પેપર પણ ત્યાંથી જ આપવા જવાનું કહી દીધું.
થાક અને ઉજાગરાથી મારી આંખો ઘેરાવા લાગી. સાંજે આંખ ખુલી ત્યારે મિતુ્ને એમના પલંગ પાસે બેઠેલી જોઈ. સાંજનું જમવાનું આવી ગયું હતું. મારા માટે પાન મંગાવવાનું એ ભૂલી નહોતી. જમ્યા પછી મને હેરાનગતિ ન થાય એવી રીતે રાત્રે જાગવા માટે એનો અને એના ભાઈનો વારો નક્કી કરી લીધો.
એક આરામ ખુરશી પર હાથનો તકિયો બનાવીને એણે સૂવાની તૈયારી કરી.
“ત્યાં ભાઈને બેસવા દે, તું અહીં મારી પાસે પલંગ પર આવી જા. આખો દિવસ પગ વાળીને બેઠી નથી..”
એક શબ્દ બોલ્યા વગર આવીને પલંગ પર નાના બાળકની જેમ ટૂંટિયું વાળીની સૂતી. દિવસભર દૃઢતા અને ઉગ્રતાથી કામ લેતી છોકરી અત્યારે એવી તો નિર્દોષ લાગતી હતી કે મને એને મારી બાથમાં લેવાની ઇચ્છા થઈ આવી.
એનેય મા યાદ આવતી હશે. ભાભી સાવ નાની છે. મોટી બહેન પરદેશમાં છે, ક્યારેક રડી લેવું હોય ત્યારે કોનો પાલવ શોધતી હશે! પહેલી વાર દીકરી જેવું વહાલ ઉમટ્યું.
બીજી તરફ પડખું ફેરવીને સૂતેલી મિતુના માથે હાથ ફેરવવાની અદમ્ય ઇચ્છા થઈ આવી. એમ કરવા જતાં મારી આંગળીઓ એની પાંપણોને અડકી. ભીની લાગતી પાંપણોનો સ્પર્શ થતાં પૂછ્યું,
“શું થયું દીકરા, પાપાજીની ચિંતા કરે છે ને પણ ડૉક્ટરોએ કહ્યું છે કે બે દિવસમાં ઠીક થઈ જશે.”
એ એકદમ મારા તરફ ફરી. ક્ષણભર મને જોઈ રહી પછી મને વળગીને એકદમ રડી પડી.
“પહેલાં મને એ કહો કે, તમે અમને ખબર કેમ ના આપી? પાપાજી આટલા બીમાર હતા અને મારી યાદ પણ ના આવી?”
એ ક્ષણથી હું મારી જાતને અપરાધીના કઠેરામાં ઊભેલી જોઉં છું અને પૂછું છું, “ કેમ, તને તારી દીકરીની યાદ ન આવી?”
માલતી જોશીની વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
