બીરેન કોઠારી

વર્તમાન યુગમાં અનેકવિધ કારણોસર બાળકોમાં વિસ્મયનો લોપ થઈ રહ્યો છે. પણ પંદર- વીસ વર્ષ પહેલાં સુધી ખાસ કરીને બે બાબતો બાળકોને સદાય આકર્ષતી. સર્કસ અને જાદુનો ખેલ. સિનેમા ખરું, પણ તેમાં આ બન્નેની સરખામણીએ આકર્ષણ ઓછું, કેમ કે, આમાં તમામ બાબતો નજરની સામે જ ભજવાતી જોવા મળે. આંખોને આંજી નાખે એવી ઝાકઝમાળ અને મોં પહોળું થઈ જાય એવું કૌતુક જીવંત રીતે દેખાય. ગામમાં કે શહેરમાં સર્કસ આવે એટલે પહેલાં તો છાપામાં એની જાહેરખબરો જોઈને મનમાં માહોલ બંધાવા લાગે. ફરતી રીક્ષામાં થતી સમજાય નહીં એવી હિન્દીમાં થતી જાહેરાતો, રીક્ષામાંથી ફેંકાતા સાવ રદ્દી, પાતળા, મોટે ભાગે પીળા રંગનાં ચોપાનિયાં, એમાં કાળા ધાબા જેવા છપાયેલાં એકાદ બે ચિત્રો, જેમાં એકાદું ચિત્ર હાથીનું હોય એવો ખ્યાલ આવે અને એકાદમાં કોઈક છોકરીને અંગકસરતના દાવની મુદ્રામાં દેખાડી હોય. સર્કસનો મુકામ ગામમાં લાંબા સમય માટે હોય. એટલે મનમાં ધીમે ધીમે એ જોવાની તૈયારી થતી રહે.

સર્કસ જોવાની ખરી મઝા રાતના છેલ્લા શોમાં. સાંજના શોમાંય ચાલે. પણ રાત્રે એનો ઠાઠ જુદો જ હોય. ચકાચૌંધ કરી દેતી રોશની, ભડક રંગ વડે દોરાયેલાં ચિત્રોવાળાં પાટિયાં, જેમાં બે મોટા દાંત દેખાડતો  હીપ્પોપોટેમસ, એકાદ બે જોકરના ચહેરા, મોટરસાયકલ અને જીપના સ્ટંટનાં દૃશ્ય વગેરે જોવા મળે. પહેલાં સાયકલ ચલાવતા રીંછનું કે વાઘનું ચિત્ર ખાસ જોવા મળતું. આ બધાંની સાથે સાથે ડીઝલથી ચાલતા જનરેટરનો તાલબદ્ધ અવાજ ભળી ગયો હોય, અને સાઉન્ડ સીસ્ટમ પર ન સમજાય એવાં હિંદી ગીતો વાગી રહ્યાં હોય.

એક તરફ પતરાં મારીને બનાવેલી કેબીનમાં પાંજરા જેવી જાળીની પાછળ લાલ, પીળા, લીલા વગેરે જેવા રંગોની ટિકીટોની થપ્પી લઈને બેઠેલો દક્ષિણ ભારતીય ચહેરાવાળો માણસ અને ટિકીટબારી પર લખેલા વિચિત્ર ગુજરાતી અક્ષરોમાં ટિકીટના દર જોવા મળે. ટિકીટ લઈને લોખંડના ઉભા કરેલા પ્રવેશદ્વારમાંથી અંદર દાખલ થઈએ એટલે લાંબો પેસેજ હોય, જેમાં પ્રવેશતાં જ ઘાસ, પ્રાણીઓની લાદ વગેરેની મિશ્ર સુગંધ નાકમાં પ્રવેશી જાય. આ પેસેજની બન્ને બાજુએ બે-ચાર હાથી, ત્રણ-ચાર ઘોડા અને ઊંટ બાંધેલા હોય અને એ ઘાસ ખાતા હોય. એની પાછળ અસંખ્ય નાના નાના તંબૂઓ બાંધેલા જોવા મળે. સર્કસના માહોલમાં રીતસર પ્રવેશી ગયા હોઈએ એવું લાગે.

સર્કસની આવી સૃષ્ટિના એક સર્જક જેમિનિ શંકરન ૨૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ, ૯૮ વર્ષની જૈફ વયે અવસાન પામ્યા. અત્યારે પચાસની પાર પહોંચેલા મોટા ભાગના લોકો પોતાના બાળપણમાં શંકરનની આ સૃષ્ટિથી પૂરેપૂરા, પણ પોતાની જાણબહાર પરિચિત હશે. કેમ કે, બાળપણમાં જોવાયેલાં સર્કસમાંના મોટા ભાગના શંકરનનાં હોય એવી પૂરેપૂરી શક્યતા. સર્કસ શંકરનનું જીવન અને કવન બની રહ્યું હતું. યુવાવસ્થાથી તેમને સર્કસનો જે ચસકો લાગ્યો એ આજીવન રહ્યો.

કેરળના કોલાશેરીમાં 13 જૂન, 1924ના રોજ જન્મેલા શંકરન સાત ભાઈબહેનોમાં પાંચમા ક્રમે હતા.  સાતમું ધોરણ પસાર કર્યા પછી પોતાના પિતાજી સમક્ષ એક્રોબેટિક્સ શીખવાની ઈચ્છા વ્યક્ત કરી. પરિવારના પ્રોત્સાહન થકી તેમણે કીલેરી કુન્નીકન્નન પાસે ત્રણ વર્ષ સુધી સર્કસનો અભ્યાસ કર્યો. એક શાળામાં વ્યાયામના પ્રશિક્ષક રહી ચૂકેલા કુન્નીકન્નન કેરળમાં સર્કસના આદ્યસ્થાપક મનાય છે. કેરળનું સૌ પ્રથમ સર્કસ શરૂ કરનાર તેમનો જ એક વિદ્યાર્થી હતો. કુન્નીકન્નન સર્કસની સ્કૂલ ચલાવતા. આ દરમિયાન તેમણે કરિયાણાની દુકાન ચલાવવાનો પણ નિષ્ફળ પ્રયત્ન કરી જોયો. એ પછી તેઓ સૈન્યમાં જોડાયા અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કલકત્તામાં વાયરલેસ ઓપરેટર તરીકે કામ કર્યું. ચાર વર્ષ સૈન્યમાં કાર્યરત થયા પછી 1946માં તેઓ પાછા વતન આવી ગયા. સર્કસ પ્રત્યેનો તેમનો અનુરાગ ઓસર્યો નહોતો, બલ્કે પ્રબળ બન્યો હતો. હવે તેમણે કુન્નીકન્નનના શિષ્ય એમ.કે.રમણ પાસે તાલિમ લેવાનો આરંભ કર્યો.

બે વર્ષની સઘન તાલિમ પછી શંકરન હોરિઝોન્ટલ બાર તેમજ ઝૂલાના ખેલના નિષ્ણાત બન્યા. તેમણે ફરી એક વાર કલકત્તાની વાટ પકડી, કેમ કે, એ સમયે કલકત્તા સર્કસનું કેન્‍દ્ર સમું હતું. શંકરનને ‘બૉસ લાયન સર્કસ’માં ‘ટ્રેપીઝ આર્ટિસ્ટ’ (ઝૂલાના ખેલના ખેલાડી) કામ મળી ગયું. તેમની ખ્યાતિ ઝડપથી પ્રસરવા લાગી અને માગ વધવા માંડી. તેઓ પહેલાં ‘નેશનલ સર્કસ’ અને પછી ‘રેમન સર્કસ’માં જોડાયા.

એ અરસામાં મહારાષ્ટ્રની ‘વિજય સર્કસ કંપની’ બંધ થવાને આરે હોવાના સમાચાર શંકરનને મળ્યા. તેમણે આ તક ઝડપી લીધી અને છ હજાર રૂપિયામાં એક ભાગીદાર સહદેવન સાથે તેને ખરીદી લીધી. વર્ષ હતું 1951નું. ત્રણ હજાર રોકડા ચૂકવ્યા અને બાકીના હપતે. પોતાની રાશિ ‘જેમિનિ’ (મિથુન) પરથી તેમણે આ કંપનીનું નામકરણ કર્યું ‘જેમિનિ સર્કસ’. કંપની ખાસ મોટી ન હતી. થોડાં પ્રાણીઓ હતાં, જેમાં બે સિંહનો સમાવેશ થતો હતો. દેશના ચોથા સ્વાતંત્ર્ય દિન 15 ઑગષ્ટ, 1951થી ‘જેમિનિ સર્કસ’ બીલીમોરા ખાતે કાર્યરત થયું. તેને કારણે શંકરન ‘જેમિનિ’ના પર્યાય બની રહેવાના હતા અને તેમની ઓળખ ‘જેમિનિ શંકરન’ તરીકે આજીવન બની રહેવાની હતી.

એ સમયે સમગ્ર દેશમાં ગણતરીનાં પ્રાણી સંગ્રહાલય હતાં. વિવિધ જંગલી પશુઓ જોવાનું કૌતુક સૌને રહેતું. અલબત્ત, ઘણાં રાજવી પરિવારોનું અંગત પ્રાણીસંગ્રહાલય રહેતું. દેશના સ્વાતંત્ર્યને પગલે રજવાડાં નાબૂદ થયાં. ઘણા રાજવી પરિવારોને આર્થિક ભીંસનો સામનો કરવાનો આવ્યો. એમાંના ઘણાએ પોતાની પાસેનાં વન્ય પશુઓ સર્કસ કંપનીઓને વેચ્યાં. આમ, આ સંજોગોમાં સર્કસમાં વન્ય પશુઓનું આકર્ષણ મુખ્ય બની રહ્યું. માત્ર પ્રાણી સંગ્રહાલયમાં કે પુસ્તકમાં જોવાં મળે એવાં પ્રાણીઓ સર્કસમાં જોવા મળતાં. સર્કસમાં ખેલ કરતાં પ્રાણીઓ પર અત્યાચાર થતો હોવાની સભાનતા હજી પ્રગટવાને વાર હતી. જેમિનિ શંકરન પોતાના સર્કસમાં અનેક આકર્ષણો ઉમેરતા ગયા. તેમણે ઉરાંગઉટાંગ અને ઝેબ્રા જેવાં વિદેશી પ્રાણીઓને આયાત કર્યા.

અનેકવિધ પ્રાણીઓની સાથોસાથ અનેક કલાકારો અને તેમનાં અચંબો પમાડતાં કરતબ ‘જેમિનિ સર્કસ’નું આકર્ષણ બની રહ્યાં. દેશના વિભિન્ન પ્રદેશોમાં તેના શો યોજાવા લાગ્યા. વિદેશમાં પણ ‘જેમિનિ સર્કસ’ લોકપ્રિય બનતું ગયું. જેમિનિ શંકરને ઘણી વાર ચાર્ટર્ડ પ્લેનમાં એક દેશથી બીજા દેશ જવાનું થતું. સર્કસના જંગી રસાલાના સ્થળાંતર માટે સ્પેશ્યલ ટ્રેન કરવી પડતી. સામાન્યમાં સામાન્ય માણસથી લઈને ઉચ્ચ સામાજિક મોભો ધરાવતા લોકો માટે સર્કસનું આકર્ષણ સમાન હતું. જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્‍દિરા ગાંધી, મોરારજી દેસાઈ જેવા જે તે સમયના વડાપ્રધાનો, ડૉ. એસ. રાધાકૃષ્ણન, ઝાકીર હુસેન જેવા રાષ્ટ્રપતિઓ, વી.કે.કૃષ્ણમેનન જેવા નેતાઓ પણ સર્કસ જોવા આવતા. તો વિદેશમાં માઉન્‍ટબેટન પરિવાર, માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર) જેવા મહાનુભાવો સર્કસ જોવા આવતા. (2011માં આ લખનાર ‘જમ્બો સર્કસ’ જોવા ગયો ત્યારે તેના પેસેજમાં જવાહરલાલ નહેરુ, ડૉ. રાધાકૃષ્ણન, ઈન્‍દિરા ગાંધી સાથે એ સર્કસમાલિકની તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્યારે જાણ નહોતી કે એ સર્કસમાલિક બીજું કોઈ નહીં, પણ જેમિનિ શંકરન હતા.)

સોવિયેત સંઘના મોસ્કોમાં યોજાતા આંતરરાષ્ટ્રીય સર્કસ મહોત્સવ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું માન ‘જેમિનિ સર્કસ’ને પ્રાપ્ત થયું હતું. 1963માં મોસ્કો જતાં અગાઉ, તત્કાલીન વડાપ્રધાન નહેરુએ તીન મૂર્તિ ભવન ખાતે સર્કસની સમગ્ર ટીમનું સ્વાગત કર્યું હતું. મોસ્કો, સોચી અને યાલ્ટા (હવે યુક્રેનમાં) જેવાં શહેરોમાં ‘જેમિનિ સર્કસ’ના શો યોજાયા હતા.

આગળ જતાં રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’ (૧૯૭૦), કમલ હસનની ફિલ્મ ‘અપૂર્વ સહોદરર્ગલ (૧૯૮૯, હિન્‍દીમાં ‘અપ્પુ રાજા) જેવી સર્કસના કથાનકવાળી ફિલ્મોમાં ‘જેમિનિ સર્કસ’ પડદે પણ દેખાયું.

‘જેમિનિ સર્કસ’ એક હરતાફરતા પ્રાણી સંગ્રહાલય જેવું બની રહેલું. વીસ હાથીઓ, ચાલીસ સિંહ, પંદર વાઘ, ત્રીસ ઘોડા, છ ઊંટ, ત્રણ રીંછ અને બે જળવ્યાઘ્ર (સી લાયન) ધરાવતું તે ભારતનું સૌથી મોટું સર્કસ હતું. વિદેશી કલાકારોનું આકર્ષણ પણ તેમાં ઉમેરાતું ગયું.

સતત આગેકૂચ કરી રહેલા ‘જેમિનિ સર્કસ’ પછી શંકરને વધુ એક સર્કસ શરૂ કરવાનું નક્કી કર્યું. પટણામાં, ૧૯૭૭માં તેમણે ‘જમ્બો સર્કસ’નો આરંભ કર્યો. આ બન્ને સર્કસ વધુ ને વધુ લોકપ્રિય બનતાં રહ્યાં. એક સમયે ‘જેમિનિ સર્કસ’માં છસો અને ‘જમ્બો સર્કસ’માં ચારસો જેટલા કલાકારો કામ કરતા હતા. એંસીના દાયકામાં રંગીન ટેલીવિઝન ને વિડીયો કેસેટ પ્લેયરનું આગમન થતાં સિનેમાગૃહોના અસ્તિત્વ પર ખતરો તોળાતો હોવાનું લાગ્યું, પણ સર્કસની લોકપ્રિયતા અડીખમ રહી. સામાન્ય માણસ માટે સાવ હાથવગા મનોરંજનનું, ચમકદમક ભરી અજાયબ સૃષ્ટિની ઝાંખી કરાવતું માધ્યમ તે બની રહ્યું.

ત્રણેક વખત ‘જેમિનિ સર્કસ’માં અકસ્માત થયા, જેમાં આગના બનાવ મુખ્ય હતા. અલબત્ત, જેમિનિ શંકરને તેનાથી હાર્યા વિના હિંમતભેર સર્કસના શો ચાલુ રાખેલા. વચગાળામાં સર્કસમાં અન્ય ભાગીદારો ઉમેરાતા, પણ આખરે બન્ને સર્કસ જેમિનિ શંકરનની માલિકીનાં જ રહ્યાં.

વીસમી સદીના અંતિમ કાળમાં સમગ્ર વિશ્વનો તખતો પલટાઈ રહ્યો હતો. પર્યાવરણલક્ષી બાબતો અંગે જાગૃતિ આવવાનો આરંભ થઈ ગયો હતો. પશુઓ પર ક્રૂરતાના નિવારણ અંગેના કાયદા ઘડાઈ રહ્યા હતા અને તેનું પાલન ચુસ્તપણે થવા લાગ્યો હતો. ૧૯૯૮માં ભારત સરકારે સર્કસમાં વન્ય પશુઓના ઉપયોગ પર પૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો. આને કારણે કેવળ ‘જેમિનિ’ કે ‘જમ્બો’ સર્કસને જ નહીં, સમગ્ર સર્કસ ઉદ્યોગને આકરો ફટકો વાગ્યો. એક તરફ સર્કસમાંનાં પ્રાણીઓને પાછાં વનમાં છોડાય એમ નહોતું, અને બીજી તરફ સર્કસમાં તેમનો ઉપયોગ પ્રતિબંધીત બન્યો. આથી, સર્કસમાલિકોના ભાગે કેવળ એ પ્રાણીઓને સાચવવાના જ રહ્યા. આને પગલે આર્થિક ભારણ વધતું ચાલ્યું. અનેક નાનાં સર્કસ ધીમે ધીમે બંધ થવા લાગ્યાં. અલબત્ત, હાથીઓના ઉપયોગને શરતી મંજૂરી અપાઈ હતી.

શંકરનની હયાતિમાં જ તેમનાં બન્ને સર્કસનો હવાલો તેમના પુત્રો અજય શંકર અને અશોક શંકરે સંભાળી લીધો હતો. અલબત્ત, શંકરનની સક્રિયતા ઘટી નહોતી. 2013માં ભારત સરકાર દ્વારા સર્કસમાં હાથીઓના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકાયો. દરમિયાન ઈન્‍ટરનેટ સર્વવ્યાપી બની ચૂક્યું હતું. એકવીસમી સદીની નવી પેઢીમાં વિસ્મય અને કુતૂહલનો અભાવ સામાન્ય બાબત જણાઈ રહી હતી. આમ છતાં, ‘જેમિનિ સર્કસ’ અને ‘જમ્બો સર્કસ’ ચાલુ રહ્યાં હતાં. તેમને મરણતોલ ફટકો કોવિડના સમયગાળા દરમિયાન પડ્યો. મોટા ભાગના કલાકારો પોતાના વતનમાં ચાલ્યા ગયા. જે બચેલા તેમનું વેતન અને નિભાવખર્ચ રોજના પચાસેક હજારનો હતો. સર્કસનાં સાધનો કટાવા માંડ્યા હતા. મહાવરાના અભાવે કલાકારોની ચપળતા ઘટી રહી હતી. આમ છતાં, શંકરને આશા ગુમાવી નહોતી. સરકાર એક-દોઢ કરોડની વ્યાજમુક્ત લોન આપે તો બધું પાછું પાટે ચડી જાય એવી તેમની ગણતરી હતી.

છેક સુધી સ્વસ્થ રહેલા જેમિનિ શંકરનને છેલ્લે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૯૮ વર્ષની પાકટ વયે તેમણે શ્વાસ મૂક્યો એ સમયે ‘જેમિનિ સર્કસ’નો શો કેરળના કાન્‍હનગડમાં ચાલી રહ્યો હતો, જ્યારે ‘જમ્બો સર્કસ’ બંગલૂરુમાં ભજવાઈ રહ્યું હતું.

મલયાલમમાં તેમની આત્મકથા(જીવનકથા)નું પ્રકાશન થયેલું છે. તે અંગ્રેજી કે હિન્‍દીમાં અનુવાદિત થાય તો અનેક રોમાંચક વિગતો અન્ય ભાષાના રસિકો સુધી પહોંચી શકે. અત્યારે પચાસ વટાવી ચૂકેલી પેઢીની અનેક સ્મૃતિઓ સર્કસ સાથે સંકળાયેલી હશે. એ સ્મૃતિઓનું સર્જન કરવામાં મહત્ત્વનું પ્રદાન કરનાર જેમિનિ શંકરનના અવસાન સાથે ભારતીય સર્કસઉદ્યોગના એક દીર્ઘ અને ભવ્ય પ્રકરણનો પણ નિ:શંકપણે અંત આવ્યો છે એમ કહી શકાય.


(લેખ સૌજન્ય: ‘નવનીત સમર્પણ’, જુલાઈ, ૨૦૨૩)

(ચિત્રાંકન: શચિ કોઠારી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


(તસવીર: નેટ પરથી)