ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
અગાઉની બે કડીઓમાં ગિટાર વિષેની પ્રાથમિક માહિતિ જાણ્યા અને ચુનંદાં ગિટારપ્રધાન ગીતો માણ્યા પછી આજની કડીમાં કેટલાંક વધુ ગીતો માણીએ.
૧૯૫૩ની ફિલ્મ ‘દિલ એ નાદાન’નું સંગીત ગુલામ મહંમદે તૈયાર કર્યું હતું. તેમના નિર્દેશનમાં તલત મહમૂદે ગાયેલા ગીત ‘જીંદગી દેનેવાલે સૂન’ ના પ્રિલ્યુ્ડમાં લીડ ગિટારના યાદગાર અંશો કાને પડે છે. તે ઉપરાંત પશ્ચાદભૂમાં પણ અવારનવાર ગિટાર સંભળાતી રહે છે.
૧૯૬૧માં રજૂ થયેલી ફિલ્મ ‘શમા’માં પણ ગુલામ મહંમદનું સંગીત હતું. એ ફિલ્મના સુરૈયાએ ગાયેલા ગીત ‘ધડકતે દિલ કી તમન્ના હો મેરા પ્યાર હો તુમ’માં મુખડા અને પહેલા અંતરા વચ્ચેના તેમ જ બીજા અને ત્રીજા અંતરા વચ્ચેના ઈન્ટરલ્યુડમાં આગવો પ્રયોગ સાંભળવા મળે છે. પહેલાં સારંગીના, પછી સિતારના અને ત્યાર પછી હવાઈયન ગિટારના અંશો વડે સજાવટ કરવામાં આવી છે. જ્યારે પહેલા અને બીજા અંતરા વચ્ચે ગુલામ મહંમદની લાક્ષણિક શૈલીને ઉજાગર કરતા હવાઈયન ગિટારના અંશ માહોલને ભર્યોભર્યો કરી દે છે.
ગુલામ મહંમદે ફિલ્મ ‘પાકીઝા’નાં ગીતો ૧૯૬૨ આસપાસના અરસામાં રેકોર્ડ કરાવી લીધાં તે પછી ચોક્કસ કારણોસર લાંબા અરસા સુધી ફિલ્મનું નિર્માણકાર્ય અટકી ગયું. આખરે ૧૯૭૧માં ફિલ્મ તૈયાર થઈને પરદા ઉપર રજૂ થઈ તે પહેલાં ૧૯૬૮માં ગુલામ મહંમદ દુનિયા છોડી ચૂક્યા હતા. ગીતોએ આ ફિલ્મને લોકપ્રિય બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો. તે પૈકીના ગીત ‘મૌસમ હૈ આશિકાના’ના ઈન્ટરલ્યુડ્સમાં હવાઈયન ગિટારના ટૂકડાઓ ગીતને આગવો ઉઠાવ આપે છે.
૧૯૬૫ની ફિલ્મ ‘મેરે સનમ’ના સંગીતકાર હતા ઓ.પી.નૈયર. એ ફિલ્મના ગીત ‘હુએ હૈ તુમ પે આશિક હમ’ના ઈન્ટરલ્યુડ્સમાં ઈલેક્ટ્રીક સ્પેનીશ ગિટારના તોફાની અંશો યાદગાર બની રહ્યા છે.
ફિલ્મ ‘તીસરી મંઝીલ’ (૧૯૬૬)નાં ગીતો આજે પણ ખુબ જ લોકપ્રિય છે. સંગીતકાર રાહુલદેવ બર્મનની કારકીર્દિ આ ગીતો બહાર આવ્યાં તે પછી એકદમ ઉંચકાઈ ગઈ હતી. એ ફિલ્મના ગીત ‘આજા આજા મૈં હૂં પ્યાર તેરા’ના વાદ્યવૃંદમાં વિવિધ વાદ્યોની ભરમાર છે. તેમ છતાં શરૂઆતથી જ સ્પેનીશ ગિટારના અંશો છવાયેલા રહે છે.
૧૯૬૭માં રજૂ થયેલી ફિલ્મ ‘એન ઈવનીંગ ઈન પેરીસ’માં શંકર-જયકીશનનું સંગીત હતું. એનાં ગીતો અસાધારણ સફળતાને વર્યાં હતાં. એ પૈકીના ગીત ‘રાત કે હમસફર’ના પ્રિલ્યુડમાં વાયોલીન્સના લાંબા વાદન પછી સ્પેનીશ ગિટારનો ટૂકડો વાગે છે અને તે પછી ગિટારનું સ્ટ્રમીંગ અવારનવાર કાને પડતું રહે છે.
https://www.youtube.com/watch?v=i1eemJxxOR4
શંકર-જયકીશનનું સંગીતમઢ્યું એક વધુ ગીત સાંભળીએ. ૧૯૬૮ની ફિલ્મ ‘બ્રહ્મચારી’ના યુગલગીત ‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’ના પ્રિલ્યુડમાં તો ગિટારનું જ પ્રાધાન્ય છે, તે ઉપરાંત ઈન્ટરલ્યુડ્સમાં પણ ગિટારનું સ્ટ્રમીંગ સંભળાતું રહે છે.
૧૯૭૨માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘એક બાર મુસ્કુરા દો’માં ઓ/પી.નૈયરનું સંગીત હતું. તેના ગીત ‘તુ ઔરોં કી ક્યું હો ગયી’ના વાદ્યવૃંદમાં ગિટાર એકદમ પ્રભાવક અસર ઉભી કરે છે.
‘યાદોં કી બારાત’ (૧૯૭૩) એક સંગીતપ્રધાન ફિલ્મ હતી. સંગીતકાર રાહુલદેવ બર્મનના નિર્દેશનમાં તૈયાર થયેલાં બધાં જ ગીતો લોકપ્રિય થયાં હતાં. પ્રસ્તુત ગીત ‘ચૂરા લિયા હૈ તુમ ને જો દિલ કો’ના પ્રિલ્યુડમાં સાંભળવા મળતા ગિટારના અંશો ગીતનું અવિભાજ્ય અંગ બની રહ્યા છે.
૧૯૭૪ની ફિલ્મ ‘ઈમ્તિહાન’નું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યું હતું. તેના ગીત ‘રૂક જાના નહીં તુ કહીં હાર કે’માં ગિટાર જાણે કે ગાયકીનો સતત પીછો કરતી હોય તેવું લાગે છે. તે ઉપરાંત પહેલા અને બીજા અંતરા વચ્ચેના ઈન્ટરલ્યુડમાં ખુબ જ કર્ણપ્રિય ગિટારવાદન કાને પડે છે.
ફિલ્મ ‘જૂલી’ (૧૯૭૫)થી સંગીતકાર રાજેશ રોશને કારકીર્દિની શરૂઆત કરી. તેનું ગીત ‘દિલ ક્યા કરે જબ કિસી કો’ સાંભળતાં ખ્યાલ આવે છે કે ગિટારના ખુબ જ કર્ણપ્રિય અંશો ગાયકીને સાથ આપી રહ્યા છે.
૧૯૭૫માં જ પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’નાં ગીતો રાહુલદેવ બર્મનના નિર્દેશનમાં બન્યાં હતાં. તેનું ગીત ‘એક મૈં ઔર એક તૂ’ ગિટારના અંશોથી ભરપૂર છે.
ફિલ્મ ‘સરગમ’ (૧૯૭૯)ના ગીત ‘ડફલીવાલે ડફલી બજા’ ના મૂખડા અને પહેલા અંતરા વચ્ચેના અને તે પછી પહેલા અને બીજા અંતરા વચ્ચેના ઈન્ટરલ્યુડ્સમાં સ્પેનીશ ગિટારના અંશો આસાનીથી પારખી શકાય છે. સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલનું છે.
https://www.youtube.com/watch?v=2s9lq9rLwp8
૧૯૮૩ની ફિલ્મ ‘માસૂમ’નું સંગીત રાહુલદેવ બર્મને તૈયાર કર્યું હતું. તેના ગીત ‘તુઝ સે નારાજ નહીં જીંદગી’ માં ગાયકીને સમાંતર તેમ જ ઈન્ટરલ્યુડ્સમાં અવારનવાર ગિટાર કાને પડ્યા કરે છે.
આ શ્રેણીમાં પ્રભાવક ગિટારવાદન ધરાવતાં કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો સાંભળ્યા પછી આવતી કડીમાં વધુ એક તંતુવાદ્યના ઉપયોગવાળાં ગીતો વિશે વાત કરીશું.
નોંધ :
૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com
