શૈલા મુન્શા
અમેરિકાની શાળામાં જ્યારે દિવ્યાંગ બાળકો સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે સહુ પ્રથમ થોડા મોટા બાળકો સાથે કામ કરતી હતી. લગભગ છ થી અગિયાર વર્ષના બાળકો. એને Life Skill નો ક્લાસ કહેવામાં આવતો અને પહેલા ધોરણથી માંડી પાંચમા ધોરણ સુધીના બાળકો એક વર્ગમાં હોય. વિવિધતાનો ભરેલો થાળ જાણે!
અમેરિકામાં સ્કૂલમાં બાળકોના એડમિશન ગમે ત્યારે થતાં હોય, કારણ નોકરીની બદલી, ઘરની બદલી આ બધી સહજ વાતો કહેવાય અને પબ્લિક સ્કૂલમાં એ જ અરિયામાં રહેતા બાળકોને એડમિશન માટે ના ન કહી શકાય.
સામાન્ય ક્લાસમાં જ્યારે નવું બાળક આવે એને ગોઠવાતાં બહુ વાર ન લાગે, પણ જ્યારે દિવ્યાંગ બાળકોનાં ક્લાસમાં નવું બાળક આવે ત્યારે ફક્ત એને જ નહિ, બીજા બાળકોને અને શિક્ષકને પણ સમય લાગે.
વર્ષની શરૂઆતમાં જ એક નવું એડમિશન હતું. દશ વર્ષનો ડેવિડ પાંચમાં ધોરણમાં હતો. એની ફાઈલ જોતાં ખ્યાલ આવ્યો કે આ બાળક ઉંમર પ્રમાણે ભલે પાંચમાં ધોરણમાં હતો, પણ એનો માનસિક વિકાસ ચારપાંચ વર્ષના દિવ્યાંગ બાળક જેવો હતો. ચહેરા પરથી ખ્યાલ આવે કારણ આ બાળકોની એક ખાસિયત હોય છે. આ બાળકોના ચહેરા ગોળ હોય અને લગભગ બધા સરખા જ લાગે. આપણી ભાષામાં કહીએ તો આ બાળકોમાં ગાંડપણનું પ્રમાણ વિશેષ હોય. આવા ચહેરાવાળા બાળકો મોંગોલિયન બાળક તરીકે ઓળખાય.
ડેવિડ ઊંચો, ચહેરો ગોળ અને વજન ખાસ્સું. જ્યારે જુઓ ત્યારે હસતો જ હોય. ટુંકા વાળ અને ચમકતા દાંત! બોલે કાંઈ નહિ પણ જાણે ગીત ગણગણતો હોય એવું લાગે. ક્લાસમાં થોડાં નાંનાં બાળકો પણ ખરાં, એમની પાસે ડેવિડ કદાવર લાગે.
ડેવિડના મગજની કઈ ચાવી કયા તાળામાં લાગે તે ખબર ન પડે. જેમ કોમ્પ્યુટર પર કોઈ વાર્તા લખતાં હોઈએ અને સેવ કરીએ તે પહેલાં કોઈ ખોટું બટન દબાઈ જાય ને પળમાં બધું ભૂંસાઈ જાય તેમ આ બાળકોના મનની પાટી ઉપર જે કાંઈ અંકાયું હોય તે કઈ ઘડીએ અને કયા કારણે ભૂંસાઈ જાય એ સમજવું અઘરૂં પડે.
સામાન્ય રીતે તો ડેવિડ હંમેશાં ખુશમિજાજમાં હોય પણ ક્યારેક કમાન છટકે તો તાંડવ મચી જાય.
ડેવિડને વાર્તાની બુકમાં પ્રાણીઓના ફોટા જોવા ગમે, સાથે હાથમાં જો ક્રેયોન કલર પેન્સિલ આવે તો બુકમાં લીસોટાં કરવા ગમે. ડેવિડ એવું કરે ત્યાં સુધી તો ઠીક, પણ એનું જોઈ બીજા બાળકો પણ એમ કરે! ઘણું ખરું તો અમે કલર પેન્સિલ સહેલાઈથી ડેવિડના હાથમાં ન આવે એનું ધ્યાન રાખીએ, પણ જો બોક્ષ એના હાથમાં આવી ગયું તો પછી પાછું લેવું મુશ્કેલ.
ક્લાસમાં અમે બે શિક્ષકો તો હંમેશાં જ હોઈએ. અને ક્લાસમાં બે મોટી બારી, જેના કાચ ઉપર કરી બારીની બહાર જઈ શકાય એટલે વિશેષ ધ્યાન રાખવું પડે.
એકવાર ડેવિડને ચિત્રોવાળી બુક આપવાની ના પાડી કારણ સવારથી એણે અમારી નજર ચુકાવી ત્રણ બુકમાં ક્રેયોનના લીસોટાં કર્યા હતા. અમે કાંઈ વિચારીએ તે પહેલાં તો ડેવિડ બારી ખોલી બહાર ભાગી ગયો. બીજાં બાળકો બેબાકળાં થઈ ડેવિડના નામની બુમ પાડવા માંડ્યા. તરત અમે ઓફિસનું બઝર દબાવી જાણ કરી કે એક બાળક અમારા ક્લાસમાંથી બહાર નીકળી ગયો છે. મીસ હોપેક પણ તરત બહાર નીકળી ડેવિડને પાછો લાવવા ગઈ.
શાળાની ચારેતરફ લોખંડની ફેન્સ છે તેથી દિવસ દરમ્યાન કોઈપણ વિદ્યાર્થી સ્કૂલની બહાર ન જઈ શકે, પણ ડેવિડને પકડવો જરૂરી હતો. મીસ હોપેકે જોયું કે ડેવિડ તો ભાગીને સ્કૂલનાં નાનકડાં પાર્કમાં મન્કી બાર પર રમતો હતો.
ખરી મઝા તો એ દિવસે આવી જ્યારે મારું હસવું અને મારી ગભરામણ બન્ને રોક્યા રોકાતા નહોતાં.
રાબેતા મુજબ અમે બાળકોને જમવા કાફેટેરિઆમાં લઈ જતાં હતાં. ક્લાસની બહાર બધાને લાઈનમાં ઊભા રાખી હું આગળ વધી અને બાળકો મારી પાછળ ચાલવા માંડ્યા. સવારથી જ ડેવિડ ખૂબ મસ્તીમાં લાગતો હતો. હસતો હસતો જઈને બીજા બાળકોને કાંઈક અટકચાળો કરી આવતો.
અચાનક લાઈનમાંથી બહાર આવી ડેવિડે મને પાછળથી ઊંચકી લીધી. ક્ષણભર તો મને સમજ જ ન પડી અને ડેવિડ તો ગોળ ગોળ ફરતો ખડખડાટ હસતો હતો. “Devid please put me down, put me down” ની મારી વિનંતીને કોણ સાંભળે? એકબાજુ મને હસવું આવતું હતું ને બીજી બાજુ થોડો ડર પણ હતો, ક્યાંક એને કે મને વાગી ન બેસે!!
છેવેટે કલર પેન્સિલનું બોક્ષ મીસ હોપેકે એને બતાવ્યું ત્યારે એણે મને નીચે ઉતારી. આજે પણ જ્યારે એ પ્રસંગ યાદ આવે ત્યારે ત્યારે મારા ચહેરા પર હળવું હાસ્ય ફરકી જાય છે!
મનના પટારામાં આવા કેટલાય પ્રસંગો ગોપાયેલા છે! મન પણ કેવું અજાયબ છે, આ બાળકોના મનમાં શું ચાલતું હશે એ તો સમજની બહાર છે પણ એમની કોઈ અનોખી વાત વર્ષો પછી પણ યાદ આવે ત્યારે ક્યારેક મનોમન હસવું પણ આવે તો ક્યારેક મન ગ્લાનિથી પણ ભરાઈ જાય છે.
એટલી જ આશા રાખું કે આ દિવ્યાંગ બાળકોને સતત પ્રેમ મળતો રહે અને એમની નિર્દોષતા કાયમ રહે!!
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com
