ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કેવળ પ્રાણીઓ જ નહીં, મનુષ્યનું જીવન પણ પ્રકૃતિ પર નિર્ભર હોય છે. અલબત્ત, જરૂરિયાતનું સ્થાન વ્યાપારે લીધું એ સાથે જ મનુષ્યે પ્રકૃતિના સંતુલનને ખોરવવાનો આરંભ કર્યો. એ પછી તેણે પાછું વાળીને જોયું જ નથી. સંતુલનને પુન:સ્થાપિત કરવાના નામે તે અનેક જાતના ધમપછાડા કરે છે, પણ ‘બુંદ સે બિગડી હૌજ સે નહીં આતી’ના ન્યાયે એ ટૂંકા ગાળાનાં, બિનઅસરકારક પગલાં સાબિત થતાં રહ્યાં છે.
પૂર્વ આફ્રિકાના દેશ કેન્યામાં પર્યાવરણવાદીઓ તેમજ કેન્યાની અદાલત અને વર્તમાન પ્રમુખ વિલીયમ રુટો સામસામા આવેલા છે. કેન્યામાં વૃક્ષછેદન પર છેલ્લા છ વર્ષથી પ્રતિબંધ મૂકાયેલો છે. સપ્ટેમ્બર, ૨૦૨૨થી કેન્યાનું પ્રમુખપદ સંભાળનાર રુટોએ આ પ્રતિબંધ ઉઠાવી લેવાની તજવીજ કરી છે. વૈશ્વિક સ્તરે હવામાન પરિવર્તનની જોરશોરથી તરફેણ કરતા રહેનાર વિલીયમ રુટોએ પ્રતિબંધ ઉઠાવવા પાછળનાં સચોટ કારણો દર્શાવ્યાં છે. વન્ય પેદાશ પર નિર્ભર અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલાં ક્ષેત્રોના દરવાજા ખોલવાની તેમને તાતી જરૂરિયાત જણાઈ છે. તેમના જણાવ્યા અનુસાર પરિપકવ થયેલાં વૃક્ષો વનમાં સડી રહ્યાં છે. લાકડાંની અને એ સિવાયની અન્ય પેદાશોના અભાવને કારણે સ્થાનિકોને તકલીફ પડી રહી છે. આથી વન્ય પેદાશના વ્યાપારીઓ પોતાનો વ્યવસાય કરી શકે એ માટે પ્રતિબંધ ઉઠાવવાનો નિર્ણય તેમની સરકારે લીધેલો છે. અલબત્ત, પંદરસો કરોડ વૃક્ષોને રોપવાની ઝુંબેશ ચાલુ રહેશે એમ તેમણે જણાવ્યું છે.
અમુક વન્ય સમુદાયો આ પ્રતિબંધ ઉઠાવવા માટે સરકારને વિનંતી કરી રહ્યા હતા, કેમ કે, એને કારણે તેમની આજીવિકા પર વિપરીત અસર થઈ રહી હતી. તેમની ફરિયાદ હતી કે તેઓ અનેક વન્ય પેદાશોનો ઉપયોગ કરી શકે એમ નથી. પ્રતિબંધ ઉઠાવવાને કારણે હવે અનેક સુસ્ત નગરોમાં સ્ફૂર્તિનો સંચાર થશે. એક સમયે વન્ય પેદાશોના વ્યાપારથી ધમધમતાં આ નગરો હવે નવેસરથી ચેતનવંતા બનશે.

પર્યાવરણવાદીઓએ આ નિર્ણયનો વિરોધ કરતાં જણાવ્યું છે કે ગેરકાયદે કાપનારા અને બાળીને કોલસો પેદા કરનારા લોકો આનો દુરુપયોગ કરશે અને વનોનું નિકંદન કાઢી નાખશે. વનના વિસ્તારને વધારવાના આયોજન પર પણ આનાથી પાણી ફરી વળશે. ‘ગ્રીન આફ્રિકા ફાઉન્ડેશન’ના સ્થાપક અને પ્રમુખ આઈઝેક કલુઆએ આ બાબતે ચેતવણી આપતાં જણાવ્યું કે પ્રતિબંધ ઉઠાવવાને કારણે વનનું મોટે પાયે નિકંદન નીકળતું જશે અને અત્યાર સુધી જે કંઈ પ્રાપ્તિ થઈ છે એ બધી ધોવાઈ જશે. છેદન કાનૂની રીતે થાય એની પર નજર રાખવા માટે સરકારે અલાયદું એકમ બનાવવું જોઈએ.
કેન્યા ફોરેસ્ટ સર્વિસ (કે.એફ.એસ.) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમના દ્વારા વૃક્ષના છેદન પર નિયંત્રણ રખાશે. પ્રતિબંધને કારણે દેશને ચારસો કરોડ કેન્યન શિલિંગ કરતાં વધુ રકમનું નુકસાન થયું છે.
વૃક્ષછેદન, તેની પરનો પ્રતિબંધ અને પ્રતિબંધ ઉઠાવવાના નિર્ણયની પૃષ્ઠભૂમિ જોવાથી આ સમસ્યા કંઈક અંશે સમજી શકાશે. 2018માં વિસ્તારની દૃષ્ટિએ ભારતથી લગભગ છઠ્ઠા ભાગના આફ્રિકન દેશ કેન્યાના ૭.૪ ટકા પ્રદેશમાં વન હતું. વૈશ્વિક સરેરાશ અનુસાર એ 10 ટકા હોવું જોઈએ. એ સમયે કેન્યાની કુલ પાંચેક કરોડની વસતિમાંથી પચાસ હજાર લોકો પ્રત્યક્ષપણે અને ત્રણેક લાખ લોકો પરોક્ષપણે વનપેદાશોના વ્યાપાર સાથે સંકળાયેલા હતા. પ્રતિ વર્ષ પાંચ હજાર હેક્ટરના દરે કેન્યામાં વનવિસ્તાર ઘટતો જતો હતો. તેને પગલે વાર્ષિક ૬.૨ ઘન મીટર પાણીનો જથ્થો પણ ઓછો થતો જતો હતો. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. પરિસ્થિતિના સમગ્રતયા અભ્યાસ પછી આ ટાસ્ક ફોર્સે કરેલી અનેક ભલામણો પૈકીની એક એટલે વૃક્ષછેદન પરનો પ્રતિબંધ, જેને હવે છ વર્ષ પછી ઉઠાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એવું નથી કે કેન્યાના પ્રમુખ આ બધું અજાણપણે કરી રહ્યા છે. વૃક્ષછેદન પર નિયંત્રણ માટે, નવાં વૃક્ષને રોપવા માટે જરૂરી લાયસન્સની વિધિ તેમજ અન્ય આયોજન તૈયાર છે. કે.એફ.એસ. દ્વારા લાયસન્સ આપવાની તેમજ વેરાની ચૂકવણીની પ્રક્રિયા ઑટોમેટિક કરી છે. કામ પૂર્ણ થયા પછી સંબંધિત એજન્સીને તેમનું કામ નિયમોને અનુરૂપ પૂર્ણ થયાનું ‘એક્ઝિટ સર્ટિફિકેટ’ આપવામાં આવશે. વૃક્ષરોપણની પ્રક્રિયા ઝડપભેર શરૂ કરવામાં આવશે. કેવળ પરિપકવ વૃક્ષોને જ કાપવામાં આવશે. ‘બહારનાં’ વૃક્ષોનું આયુષ્ય પચીસથી ત્રીસ વર્ષનું હોય છે, એ પછી તેમની પુન:રોપણી ન કરવામાં આવે તો એ સડી જાય છે. ટૂંકમાં તમામ જરૂરી તકેદારી રખાઈ હોવાનું સરકારનું કહેવું છે.
પર્યાવરણવાદીઓ અને કર્મશીલો ઉપરાંત ‘લૉ સોસાયટી ઑફ કેન્યા’ (એલ.એસ.કે.) દ્વારા પણ સરકારના સંબંધિત વિભાગ સામે મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં મુખ્ય મુદ્દો સરકારે આ પગલું લેતાં અગાઉ લોકચર્ચા ન યોજી એ છે, તદુપરાંત આ નિર્ણય પાછળ કોઈ વૈજ્ઞાનિક તર્ક ન હોવાનું પણ તેમણે કહ્યું છે. હાલ પૂરતો અદાલતે ચૌદ દિવસ માટે પ્રતિબંધને ઉઠાવવાના નિર્ણયને અટકાવ્યો છે.
બન્ને પક્ષનાં પાસાં જોતાં ખ્યાલ આવે છે કે કેન્યામાં વનવિસ્તાર ઘટતો જવાની અને તેને કારણે પર્યાવરણ પર થઈ રહેલી વિપરીત અસરની સમસ્યા હજી એટલી જ તીવ્ર છે. પ્રતિબંધ ઉઠાવવાનું મુખ્ય કારણ દેશના અર્થતંત્ર પર થઈ રહેલી વિપરીત અસર છે. સૌ જાણે છે કે એક વાર વૃક્ષછેદન શરૂ થાય પછી ગમે એટલું નિયંત્રણ રાખવામાં આવે તો પણ એનો ખાસ અર્થ સરતો નથી.
આ બાબત કેવળ કેન્યાને જ નહીં, જગતના કોઈ પણ દેશને લાગુ પડે છે. આપણા દેશમાં આ સમસ્યા દિન બ દિન વધતી રહી છે. વનવિસ્તાર સંકોચાવાની અસર પર્યાવરણ ઉપરાંત જનજીવન પર પણ પડતી હોય છે. સત્તાવાળાઓ કાગળ પર આ બાબતે નિસ્બત જતાવે છે. કપાતાં જતાં વૃક્ષો કશું બોલી શકતાં નથી, પણ તેમનો આર્તનાદ વિવિધ સ્વરૂપે અનેકગણો મોટો થઈને આપણા સુધી પહોંચે છે, અને ઘણા ખરા કિસ્સામાં તબાહ કરે છે. આપણે કાગળ પર જાગીએ કે પગલાં લઈએ એનો કશો અર્થ નથી.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭ – ૦૮ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
