વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

પુસ્તક પરિચય

સાહિત્યકાર જયંત ખત્રીનું ચિત્રકાર સ્વરૂપ

પુસ્તક પરિચય

પરેશ પ્રજાપતિ

ચિત્રસાધનાના પથિક:ડૉ. જયંત ખત્રી
સંપાદક: કનુ પટેલ

 

વાર્તાકાર તરીકે ડૉ. જયંત ખત્રીનું (૨૪-૯-૧૯૦૯ થી ૬-૬-૧૯૬૮) નામ જાણીતું છે. જીવનની કઠોર વાસ્તવિકતાઓ, બૌદ્ધિક ચિંતન, વંચિત અને પીડિતનાં જીવન પ્રત્યે સભાનતા, શારિરીક આવેગોનું સંયમપૂર્ણ છતાં વાસ્તવિક અને કલાત્મક નિરૂપણ, પ્રતિકો અને રૂપકોનો ઉપયોગ, વાર્તાને પલટો આપવાની વિશિષ્ટ શૈલી વગેરે તેમનાં લેખનની આગવી લાક્ષણિકતાઓ છે.‘ફોરાં’ (૧૯૪૪), ‘વહેતાં ઝરણાં’ (૧૯૫૨) અને ‘ખરા બપોર’ (મરણોત્તર, ૧૯૬૮) સંગ્રહોમાં વાર્તાલેખનનો તેમનો કસબ ઝીલાયો છે.

પરંતુ, બહુ ઓછી જાણીતી વાત છે કે ડૉ. જયંત ખત્રી અચ્છા ચિત્રકાર હતા. પુસ્તક ‘ચિત્રસાધનાના પથિક:ડૉ. જયંત ખત્રી’માં તેમનું ચિત્રકાર તરીકેનું અજાણ્યું પાસું ઉજાગર કરવામાં આવ્યું છે.વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઇ ખત્રી (ડૉ. ખત્રીનાં પુત્ર)ના કહેવા પ્રમાણે ડૉ. જયંત ખત્રીનાં ઓરિજિનલ (મૂળ) ચિત્રોની રજૂઆત સાથે તેમની ચિત્રકાર તરીકેની વિશેષતા અને લાક્ષણિકતાઓ વર્ણવતું આ સૌ પ્રથમ પુસ્તક છે. પુસ્તકનું સંપાદન નાટ્યકાર, ચિત્રકાર તેમજ અભિનેતા તરીકેની આગવી પ્રતિભા ધરાવતા કનુ પટેલે કર્યું છે.

આ પુસ્તક છ વિભાગમાં વહેંચાયેલું છે. કુલ ૨૬૪ પાન ધરાવતા આ પુસ્તકના પહેલા વિભાગમાં ડૉ. જયંત ખત્રીનાં પેન્સિલથી દોરેલાં રેખાચિત્રો, રંગીન ચિત્રો, છાયાચિત્રો ઉપરાંત ટાંકણીથી ખોતરીને બનાવેલાં એમ વિવિધ માધ્યમોમાં બનાવેલાં અનેક ચિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કનુ પટેલે દરેક ચિત્રોમાં તેની વિશેષતાઓ ઝીણવટપૂર્વક ચર્ચી છે. જેમ કે રેખાચિત્રોમાં આડી, ઊભી, ત્રાંસી, વળાંકવાળી એમ વિવિધ પ્રકારની લીટીઓનો ઉપયોગ; આ ચિત્રોમાં રેખાઓની લયબદ્ધતા; આડી, ઊભી કે ત્રાંસી લીટીઓના સંયોજન અને તેનાથી ચિત્રમાં પડતો પ્રભાવ વગેરે જેવી બાબતોને શક્ય એટલી સરળ ભાષામાં સમજાવવા પ્રયત્ન કર્યો છે. પુસ્તકમાં છાયાચિત્રોની સવિસ્તર સમજ પીરસવામાં આવી છે. સામાન્ય રીતે શ્વેત અને શ્યામ રંગોનું માધ્યમ ગણાતા છાયા ચિત્રોમાં જયંત ખત્રીએ અન્ય કેટલાંક રંગોનો અદભૂત ઉપયોગ કર્યો હતો. પુસ્તકમાં છેલ્લે આપેલાં રંગીન ચિત્રોમાં એ જોઇ શકાય છે.આ ચિત્રોમાં છાયા- પ્રકાશના સંયોજન માટે ડૉ. ખત્રીએ કરેલી રંગ પસંદગી, રંગોના લસરકાની ખુબીઓ ને ખાસિયતો વગેરે બાબતોની કનુ પટેલે સરસ છણાવટ કરી છે. એ ઉપરાંત તેમણે ચિત્રોમાં દ્રશ્ય સંયોજન વિશે અર્થસભર ચર્ચા કરી ચિત્રોના સંદર્ભ ઉકેલી આપીને ચિત્રકાર ડૉ. ખત્રીના મનોજગતનો ઉઘાડ કરી આપ્યો છે.

ડૉ. જયંત ખત્રીએ ઘણા સામયિકોનાં શિર્ષકો, વાર્તાઓની પશ્ચાદભૂ આધારિત નાયક- નાયિકાઓ કે અન્ય પાત્રોનાં પણ ઘણાં ચિત્રો તૈયાર કર્યા હતા.વાર્તાકારે કરેલા વર્ણન પરથી પાત્રસર્જન મુશ્કેલ મનાય છે. આ પુસ્તકમાં આવાં કેટલાંક ચિત્રોમાં વાર્તાનો અમુક અંશ વાચવા મળે છે. તે પરથી વાચક કેટલેક અંશે ચિત્રો માણી શકે છે.

એકંદરે એમ કહી શકાય કે આ પુસ્તકના પ્રથમ ખંડમાં જયંત ખત્રીએ નવરાશના સમયે બનાવેલાં ચિત્રોથી માંડી સમયના અભાવે ત્વરિત બનાવેલાં ચિત્રો; કેનવાસ પરનાં તેમજ કાગળનાં ટુકડા પર બનાવેલાં ચિત્રો; જાહેર સ્થળોનાં તેમજ પારિવારિક સભ્યોનાં ચિત્રો ઉપરાંત પૂર્ણ તેમજ કેટલાંક અપૂર્ણ ચિત્રો એમ દરેક પ્રકારનાં ચિત્રોનો સમાવેશ કરી ડૉ. જયંત ખત્રીની ચિત્રકળાના તમામ પાસાં પર દ્રષ્ટિપાત કરવાનો કનુ પટેલે સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે.

ચિત્રકાર ઉપરાંત જયંત ખત્રી વાર્તાકાર પણ હતા. તેથી એક કળાનો બીજી કળા પર પ્રભાવ પડે એ સ્વાભાવિક છે. સાહિત્ય પર ચિત્રકળાની અસર વર્ણવતું આ વિભાગમાં એક અલાયદું પ્રકરણ સામેલ છે.

બીજા વિભાગમાં જયંત ખત્રીનાં હસ્તલિખીત અંકની ચિત્રસૃષ્ટિનો સમાવેશ કરીને વાર્તાઓના અભ્યાસ અને લાક્ષણિકતાઓની વાત કરવામાં આવી છે.

ત્રીજા વિભાગમાં વિવિધ સાહિત્યકારોએ જયંત ખત્રી વિશે વખતોવખત લખેલાં લખાણો, સંસ્મરણો અને પત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે; જે ચિત્રકાર ડૉ. જયંત ખત્રીની એક વ્યક્તિ તરીકેની છબી નિખારે છે. તેમાં ડૉ. મનુભાઇ પાંધીએ ટૂંકમાં પરંતુ સુંદર રીતે પોતાનાં મિત્ર એવા ડૉ. ખત્રીનું જીવનકવન રજૂ કર્યું છે.

ડૉ. જયંત ખત્રીના જીવન આધારિત સતીશ વ્યાસે લખેલા દ્વિઅંકી નાટક ‘ધૂળનો સૂરજ’નો પુસ્તકમાં ચોથા વિભાગ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

પાંચમા વિભાગમાં જયંત ખત્રીની નોંધપોથી તથા તેમનાં પહેલી પત્નિ વસુબેનને અરસપરસ લખેલા પત્રો છે. આ વિભાગોમાં ડૉ. ખત્રીનું વ્યક્તિત્વ ઉજાગર થવા ઉપરાંત તેમની બૌદ્ધિકતા તથા રેશનલ અભિગમનાં દર્શન થાય છે.

છેલ્લા છઠ્ઠા વિભાગમાં ડૉ. ખત્રીનાં જીવનની મહત્વની ઘટનાઓની તવારીખ તથા તેમણે બનાવેલાં રંગીન ચિત્રો છે. અગાઉનાં પ્રકરણોમાં કરાયેલી રંગ અને સંયોજનની ચર્ચા સમજવા વાચકને આ રંગીન ચિત્રો ઉપયોગી સાબિત થાય છે.

0

મુંબઇના ઉદ્યોગપતિ કાંતિસેન શ્રોફ (કાકા) અને ડૉ. જયંત ખત્રી વચ્ચે ગાઢ મેત્રી હતી. આ મૈત્રીનું મજબૂત બંધન બંનેનો ચિત્રકળાપ્રેમ હતો. તેથી કાંતિસેન શ્રોફની જન્મશતાબ્દી ઉજવણી વખતે ડૉ. જયંત ખત્રીની ચિત્રકળા સાથોસાથ બંનેની મૈત્રીનું કાયમી સંભારણું અંકે કરવાના હેતુથી આ પુસ્તકનું સર્જન થયું છે.પુસ્તક વાંચીને એ વાતે નવાઇ થાય છે કે સુંદર, અર્થસભર અને સર્જનાત્મકતાથી છલકાતાં ચિત્રો સર્જનાર ડૉ. જયંત ખત્રી, ચિત્રકળાના પદ્ધતિસરના અભ્યાસ વગર માત્ર સ્વઅભ્યાસબળે ચિત્રકળાના પથ પર પોતાની સૂઝથી ચાલ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે પોતાની જીવનસંગીની ગુમાવ્યા બાદ 93 વર્ષની પાકટ વયે કાંતિસેન શ્રોફે પણ ચિત્રકળાની ઓથે શેષ જીવન વિતાવ્યું હતું.

કનુ પટેલે કાગળ પર માત્ર લંબાઇ પહોળાઇ એમ બે માધ્યમ છતાં ચિત્રોમાં ઉંડાણ કેવી રીતે લાવી શકાય છે એ ડૉ. ખત્રીનાં ચિત્રો દ્વારા સમજ આપી છે. તેમણે સમકાલિન ચિત્રકારોની સાપેક્ષે ડૉ.જયંત ખત્રીનાં ચિત્રો કેવી રીતે અલગ તરી આવે છે તેની પણ છણાવટ કરી છે. પુસ્તક વાંચતી વખતે એમ લાગે કે કનુ પટેલે પુસ્તકમાં ‘રનીંગ કોમેન્ટરી’ની જેમ ડૉ. ખત્રીનાં એક એક ચિત્રો દર્શાવી તેની ખૂબીઓ દ્વારા ચિત્રકળાનાં વિવિધ પાસાં ઉજાગર કર્યા છે. કોઇ રમતની ‘રનીંગ કોમેન્ટરી’ સાંભળવા રમતથી સંપૂર્ણ જ્ઞાત (‘ખાં’) હોવો જરુરી નથી, એ જ રીતે આ પુસ્તક વાંચવા કે માણવા વાચકને ચિત્રકળાની પૃષ્ઠભૂમિ હોય અથવા કળાજ્ઞાન હોય એ આવશ્યક નથી; બલકે વાચક શબ્દોના દોરમાં પરોવાતી ચિત્રકળાની પાયાની માહિતી અને તેની ખૂબીઓથી જાણે-અજાણે અવગત થતો જાય છે.

*** * ***

પુસ્તક અંગેની માહિતી:

ચિત્રસાધનાના પથિક: ડૉ. જયંત ખત્રી

સંપાદક: કનુ પટેલ

પૃષ્ઠસંખ્યા :248 + 16 રંગીન
કિંમત :₹600/-

પ્રથમ આવૃત્તિ : ડિસેમ્બર, 2022

પ્રકાશક:ગોરધન પટેલ ‘કવિ’, વિવેકગ્રામ પ્રકાશન, વિવેકાનંદ રૂરલ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, નાગલપુર રોડ, માંડવી (કચ્છ)- 370465 | સંપર્ક: +91 98252 43355


પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com

Leave a comment