મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર

 માનવીના સૌંદર્યનું વર્ણન કરતી વખતે તેની આંખ,નાક કે હોઠને ધ્યાનમાં લેવામાં આવ્યા છે, તેનાં પ્રમાણમાં કાનને નહિવત લક્ષ્યમાં લેવાયા છે. મૃગનયની લલના કે લીંબુની ફાડ જેવી આંખ ધરાવતા નરબંકાઓ વિશે કહેવાયું છે. માત્ર આંખ જ નહિ, મહિલાઓની આંખ પર આવેલી ભ્રમરો અને પાપણોંમાં પણ કવિઓએ સૌંદર્યો જોયાં છે. નાકને તો મણસની આબરૂના પર્યાય કે પ્રતીક ગણવામાં આવે છે, જેણે ઇજ્જત ગુમવી તેનું નાક કપાયું અને જેની આબરૂ સચવાઈ ગઈ તેણે નાક રાખ્યું એમ કહેવાય છે. હોઠને  પરવાળા જેવા કહીને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. માણસનાં કપાળની તેના પર  તિલક કરવા માટેની પવિત્ર ભૂમિ તરીકે પસંદગી થઈ છે. ફક્ત મનુષ્યના કાનને અવગણવામાં આવ્યા છે.

કાનને જો ધ્યાનપૂર્વક જોવામાં આવે તો એમ લાગે છે કે તેમને બહારથી લાવીને ચોંટાડી દેવામાં આવ્યા હશે. માટીના પિંડને માનવદેહનો  ઘાટ આપતી વખતે કિરતાર કેમ જાણે કયા વિચારમાં ડૂબી ગયો હશે કે કાન બનાવવાનું જ ભૂલી ગયો. પછીથી ભૂલ સમજાતા માટીના બે લોંદા લઈને તેને કાનનો ઘાટ આપીને ચોટાડી દીધા હશે. જેમ છેવાડાના મણસોના રહેણાકો ગામની બહાર હોય છે તેમ કાનનું સ્થાન પણ મણસના ચહેરાની બહાર ડાબા અને જમણા દરવાજા સ્વરુપે રાખવામાં આવ્યું છે. આ રીતે માત્ર મનુષ્યોએ જ નહિ ખુદ ભગવાને પણ કાનની અવગણના કરી છે..

પ્રાણીશાસ્ત્રમાં પ્રાણીઓને વિહગ વર્ગ અને સસ્તન વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ક્યાં  પ્રાણીઓ વિહગ વર્ગમાં અને ક્યાં  પ્રણીઓ સસ્તન વર્ગમાં આવે તે સહેલાઈથી યાદ રાખવા માટે એક સૂત્ર છે. “ઈંડા તેને મીંડા અને કાન તેને થાન” જેને કાનની જ્ગ્યાએ એક મીંડા આકારનું કાણું હોય તે પક્ષીઓ અને જેને મીંડા આકારના હોલ પર કાન ફીટ કરી દેવામાં આવ્યો હોય તે સસ્તન વર્ગનાં પ્રાણીઓ છે. આમ પ્રાણીશાસ્ત્ર પણ કહે છે કે મનુષ્ય અને બીજા પ્રાણીઓના કાન એસે‌મ્બલ કરીને ગોઠવ્યા હશે. જેમ રેડિયો કે ટીવીમાં તરંગો ઝીલવા માટે એ‌ન્ટેના રાખવામાં આવે છે તેમ કાન એ સાંભળવા માટેનું આપણું એ‌ન્ટેના  છે.

તુંડે તુંડે મતિર્ભિના તેમ કર્ણે કર્ણે આકૃતિર્ભિન્ના હોય છે. લંબાઇ, પહોળાઈ અને આકારમાં પણ દરેક મનુષ્યના કાન જુદા જુદા હોય છે. કેટલાક મનુષ્યના કાન એટલા સીધા હોય છે કે ટટ્ટાર ઉભેલા લશ્કરના જવાનની યાદ અપાવે તેવા હોય છે. કેટલાક આરામ કરવાની ઇચ્છા થવાથી આડા પડ્ય પહેલાની સ્થિતિમાં  સહેજ ત્રાંસા હોય છે. કેટલાક કાન એવા હોય છે કે  જાણે કોઇએ પાનનું બીડું વાળવાનું કામ અર્ધેથી પડતું મૂક્યું હોય તેમ લાગે છે. કેટલાક કાન દિવાળીમાં દીવા પ્રગટાવવા માટેના કોડિયા જેવા દેખાય છે. કાનની બુટ આમ તો લટકણિયા લટકાવી શકાય તેવી- લટલતી હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેને ગાલ પર ચોંટાડી દીધી હોય છે.

આંખ બંધ કરવા માટે કુદરતે પોપચાં આપ્યા છે તે રીતે કાનને ઢાંકણ કેમ ન કર્યા તેવી  અનેક લોકોની ફરિયાદમાં મારો સૂર પણ પુરાવું છું. વૈજ્ઞાનિકોએ પણ કાન માટે કૃત્રિમ ઢાંકણ બનાવવા માટે  ખાસ પ્રયત્નો કર્યા હોય તેમ લાગતું નથી. કોઇ દૃશ્ય ન જોવું હોય ત્યારે આપણે આંખ બંધ કરી શકીએ છીએ પરંતુ અણગમતા ધ્વનિઓને રોકી શકાય તેવી વ્યવસ્થા તરફ કુદરત અને  વૈજ્ઞાનિકો એમ કોઇએ ધ્યાન આપ્યું નથી.

નવરાત્રિના તહેવારોમાં શેરી, લત્તા કે સોસાયટીમાં આપણા સૂવાના સમયે જ ગરબા શરૂ થવા લાગ્યા છે. તેમાં વપરાતા ડી. જે.નું કામ તો કાનના પડદા તોડવાનું હોય તેમ લાગે છે. આવા ડી જે ના અવાજ વચ્ચે ઊંઘવા માટે સફળ થવાની ખાતરી ન હોવા છતાં મેં અનેક પ્રયાસો કર્યા છે. સૌ પ્રથમ હાજર એ હથિયાર એમ વિચારીને બે હાથની આંગળીઓ વડે  ડાબા અને જમાણાં કાનમાં નાખીને કાનને  બુચ મારવા પ્રયત્ન કર્યો. પરંતુ સતત આ રીતે કાનમાં આંગળા ખોસી રાખવાનું મુશ્કેલ બન્યું. પછી ઘરમાંથી રૂ શોધીને તેના અત્તરવિહિન પૂમડાં કાનમાં નાખ્યા. પરંતુ તેમ કરતા કવિ મકરંદ દવેનું કાવ્ય “અમે રે સૂકું રૂનું પૂમડું” યાદ આવ્યું. પણ અહીં કોઇ રંગીલું રસદાર અત્તર હાજર હોવાની શકયતા ન હતી. ઉપરાંત આ સૂકા રૂનાં પૂમડાં ઘોંઘાટને રોકવા અસમર્થ નીવડતા. તેથી ઇશ્વરને કાન પર ઢાંકણ મૂકવાનું કેમ સુઝ્યું નહિ તે વિચાર સતત પરેશાન કરતો.

અત્યાર સુધી આપાણે કાનનાં હાર્ડવેર બાબતે વાત કરી. હવે તેનાં સોફ્ટવેર વિષે વિચારીએ. કેટલાક લોકો કોઈની કાન ભંભેરણીથી દોરવાઇ જતા હોય છે. આ પ્રકારના લોકોને ‘કાચા કાનના’ કેમ કહેવામાં આવે છે તે મારી સમજમાં આવતું નથી. કાન તો ઘડવૈયાએ અન્ય લોકોની જેમ તેમને પાકા ઘડીને જ આપ્યા હોય છે. કોઇની ભંભેરણીનો ભોગ બનનારના કાનનો કોઇ જ દોષ  હોતો નથી. તે બિચારો તો ચિઠ્ઠીનો ચાકર જ હોય છે. તેને જે સંદેશ મળ્યો તે જેવો ને તેવો મગજને ડિલિવર કરે છે. પરંતુ અવિચારી મગજ પેલી ભંભેરણીથી દોરવાઈ જાય છે. આમ વાંધો તો શરીરના રાજા કહેવાતાં એવાં  મગજનો હોય છે. પરંતુ “સમરથકો નહિ દોષ ગોંસાઈ“. અથવા તો “હલકુ લોહી હવાલદારનું” ગણીને કાનને ડીગ્રેડ  કરીને  ‘કાચા” કહેવાય છે.

એ જ પ્રમાણે આપણે જ્યારે કોઇ વ્યક્તિને સતત સાંભળીને કંટાળી જ‌ઇએ છીએ ત્યારે તેણે  “કાન પકવી નાખ્યા” એમ કહેતા હો‌ઇએ છીએ અહીં પણ થાક તો મગજને લાગતો હોય છે, પરંતુ કાનને વગર કારણે  પાકી ગયા કહેવામાં આવે છે.

કશુંક દૃશ્ય, ઘટના, વાત કે વિચારને નજરંદાજ કરવાના હોય તેમાં કાનની કોઇ ભૂમિકા હોતી નથી તો પણ તેને  માટે “આંખ આડા કાન કરવા’ કેમ કહેવામાં આવે છે તે સમજાતું નથી.

એક રાત્રે એવું બન્યું કે ચારે તરફ સૂનકાર હતો. નિદ્રાદેવીને પધારવા માટેનું યોગ્ય વાતાવરણ હતું. તેવામાં અચાનક મારા કાનમાં કોઇ વ્હીસલ વગાડતું હોય એવું લાગ્યું. અહીં કોઇ મનુષ્ય કે જીવજંતુ નથી તેની ખાતરી કરી લીધી. આ વ્હીસલ કેમ વાગતી હશે? તેને વગાડનાર કોણ હશે? તે વિચારે નિદ્રા હરામ થઈ ગઈ. માત્ર રાત્રે જ નહિ, દિવસે પણ આરામથી બેઠો હોઉં ત્યારે આ વ્હીસલ વાગવા લાગી. કોઈની સલાહથી નાક, કાન અને ગળું એમ ત્રણેય માટે એક જ  ફાળવેલા  નિષ્ણાત દાકતર  પાસે ગયો. દાકતરે તપાસીને નિદાન કર્યું કે તમને  ‘ટીટેનસ’ નામનું દર્દ થયું છે જે ઉંમરને કારણે થયું છે. આમ મારા કાનમાં વ્હીસલ વગાડનાર મારી ઉંમર જ છે અને ડોક્ટરનાં કહ્યા મુજબ મારી ઉંમર હવે વ્હીસલ બ્લોઅર તરીકે મને ચેતવણી આપે છે કે મારી બહેરા થવાની શક્યતા છે. અવાજ ન સાંભળય તે માટે ઉઘાડવસ થાય તેવા ઢાંકણ મૂકવાને બદલે હવે કાન પર  કાયમી સીલ મારી દેવામાં આવશે એ ખ્યાલથી ગભરાયો. પરંતુ પછી જાણીતા લેખક સ્વ. અમૃતલાલ વેગડ યાદ આવ્યા. તેમણે ક્યાંક લખ્યું છે કે બહેરા માણસો સજ્જન હોય છે. વળી જાણકરો કહે છે કે દુનિયામાં જેટલું પણ બોલાય છે તેમાં સાંભળવા જેવું નહિવત હોય છે. આથી ક્યારેક સારું સાંભળવામાં આવ્યું હોય તેને માટે ‘સાંભળ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું’  ગણવાનું વિચાર્યું અને પોતે કામગીરી બંધ કરીને પણ મને સજ્જનનું લેબલ લગાવવા ઈચ્છતા કાનનો આભાર માન્યો.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.