પૂછ એને કે જે શતાયુ છે;
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે.

શ્રી સવા બારણે લખ્યા કર તું,
શબ્દથી બીજુ શું સવાયું છે.

આંખમાં કીકી જેમ તું સાચવ,
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે.

સત્યને કોણ ધારે એ જોયા કર,
એ કાં સુદર્શન છે, ને કાં અડાયું છે.

આપણો દેશ છે દશાનનનો,
આપણો માંહ્યલો જટાયુ છે.

કોઈનું ક્યાં થયું કે તારું થાય,
આ શાહીનું ટીપું તો પરાયું છે.

તારે માટે ગઝલ મનોરંજન,
મારે માટે તો પ્રાણવાયુ છે.

– મનોજ ખંડેરિયા