ફરી કુદરતને ખોળે

જગત કીનખાબવાલા

જેવી સુંદર રચના કુદરતે પક્ષીઓની કરી છે તેવી રીતે પક્ષીને માળાની ગૂંથણીનું કૌશલ્ય/Skill આપેલું છે. દરેક જાતના પક્ષીને કુદરતે પોતાની જરૂરિયાત મુજબ માળો બનાવવાની કાબેલિયત આપેલી છે. તેઓ  સુંદર, કાર્યાત્મક/Functional, વૈજ્ઞાનિક ગૂંથણી, મજબૂત માળો સમજી વિચારીને સાવચેતીથી સલામત જગ્યાએ બનાવી લે છે. આમલો બનાવતી વખતે ખાસ કરીને પોતાની પસંદગીની માદાને તે માળો સુંદર અને સલામત લાગશે તે ધ્યાનમાં રાખીને માળો બનાવે છે અને નર તે સમય ગાળામાં માદામય રસિક/ romantic  બની જાય છે.

          માળો એટલે પક્ષી માટે દર વર્ષે ઈંડા મુકવાનું ઘર. ઈંડાને સેવે, બચ્ચાને ખોરાક આપી ઉડવાનું શિક્ષણ આપી ઉડતા શીખવાડે અને ત્યારબાદ બચ્ચા કુદરતમાં વસે. કુદરતમાં વાસી ગયા બાદ તે માળાનો ઉપયોગ બીજી ઋતુમાં ફરી ગર્ભ ધારણ કરે ત્યારે ફરીથી માળો વાપરી શકે છે. તે સિવાય માળો એટલે તેમનું કાયમી રહેઠાણ નથી.

દરેક પક્ષીની માળો ગૂંથવાની રીત અને કલા કાયમી એક સરખી ચાલી આવતી હોય તેવી રીતે માળો બનાવતા હોય છે. એટલે એમ સમજી શકાય કે માળો જોઈને જાણકાર વ્યક્તિ સમજી શકે કે કાયા પક્ષીનો માળો છે. વારસોવરસ તેમાં ફેરફાર નથી થતા હોતા. હા માળામાં ભરવા માટેનો કાચોમાલ જે તે સ્થળે મળે તેની ઉપર ચોક્કસ આધાર રાખે છે.

હાલમાં વિકાસની દોટમાં સુગરી જેવા અને અન્ય પપક્ષીઓને માળો ગૂંથવા માટે જોઈતો કાચો માલ આસપાસના વિસ્તારમાંથી મળતો ઓછો થતો જાય તેમતેમ તેઓ પોતાનો કાયમી વસવાટનો વિસ્તાર છોડીને બીજા વિસ્તાર તરફ કાયમી જતા રહેતા હોય છે. ક્યારેક તેઓ નો રચેલો માળો કોઈએ તોડી નાખ્યો હોય તો છેલ્લી ઘડીએ તેઓએ ઈંડા ગમે ત્યાં મૂકી દેવા પડતા હોય છે અને ઈંડા સફળ થવાની શક્યતા ખુબજ ઓછી થઇ જાય છે.

પક્ષીઓની પ્રજનનની ચોક્કસ ઋતુ હોય છે અને તે પ્રમાણે તેઓ અનુકૂળ ઋતુમાં માળો બનાવી ઈંડા મૂકી બચ્ચાનો ઉછેર કરતા હોય છે. ઘણી જાતના પક્ષી પોતાના એક વતનના ખુબ ઠંડા પ્રદેશમાં શિયાળો બેસતા પહેલાં ઋતુપ્રવાસ પણ નિયમિત રીતે યોગ્ય સમયે કરતા હોય છે અને પોતાના નિર્ધારિત બીજા વતનમાં પ્રજનની ઋતુમાં પહોંચી જતા હોય છે. આવા પક્ષીઓમાં ખાસ કરીને સુરખાબ/ Flamingo ખુબ જાણીતું પક્ષી છે જે કચ્છના રણના ચોમાસાના પાણી ભરાયેલા વિસ્તારમાં જેવા ખુલ્લા વિસ્તારમાં હજારો માઈલની મુસાફરી કરી ઈંડા મુકવા માટે આવે છે. જ્યારે ચાતક/ Jacobin Robin જેવા પક્ષી હિમાલયના ખુબજ ઠંડા શિયાળામાં ગુજરાત તેમજ મધ્ય ભારત અને વિવિધ વિસ્તારમાં આવી પ્રજનન કરી પાછા પોતાનો પ્રજનન ઋતુ પુરી થાય ત્યારે ફરીથી પાછા પોતાના બીજા વિસ્તારમાં જતા રહેતા હોય છે. આમ તેમને વસવાટના કાયમી બે વિસ્તાર હોય છે અને બંને જગ્યામાં ઋતુ પ્રમાણે જીવન ગુજારતા હોય છે.

ખાસ કરીને ચકલી જેવા માનવ વસાહત આસપાસ જીવતા પક્ષીને માળામાં ભરવા માટે કાચોમાલ ન મળે તો તેઓ પ્લાસ્ટિકના ટુકડા, દોરા, કાપડના ગાભા વગેરે બખોલમાં ભરીને માળો બનાવી લેતા જોવા મળ્યા છે. હાલના સમયમાં પક્ષીને માળો ગૂંથવા માટેનો કાચો માલ વગેરે ન મળે તો બુલબુલ, દૈયડ/ Magpie robbins, કાબર/ mayna, દેવચકલી/ Indian Robins જેવા પક્ષીઓ ચકલી માટે ગોઠવેલા માળામાં પોતાના ઈંડા મુકતા જોવા મળે છે. જ્યારે મુનિઆ/ Indian Silverbills સામાન્ય રીતે સુગરીના વપરાઈ ગયેલા અને બચ્ચા ઉડી જાય ત્યારબાદના જુના માળામાં અને ચકલીના માળામાં ઈંડા મુકતા જોવા મળે છે તે બહુ સામાન્ય વાત છે.

સુગરી જેવા પક્ષીનો માળાની રચના ખુબજ આગવી હોય છે. સુગરીનો માળો ઊંધો લટકતો હોય છે. એટલે કે સુગરી નીચેથી ઉપર જઈ શકે તેવો માળો હે છે. નીચેથી દાખલ થવાનો રસ્તો સાંકડો હોય છે, માળાનો વચ્ચેનો ભાગ પહોળો હોય છે જયાં ઈંડા મૂકે છે અને તે સહેજ વણાકમાં બારીકીથી રચેલો હોય છે જે કારણે ઈંડા કે બચ્ચા નીચે રગડી પડતા નથી. છેક  ઉપર ના ભાગમાં નર સુગરી અનુકૂળ વૃક્ષની પાતળી ડાળી ઉપર બારીકાઇથી પહેલો ટાંકો લઇ માળો ગૂંથવાની શરૂઆત કરે છે. નર સુગરી એક કરતાં વધારે માળા ગૂંથે છે. તેમાંથી માદા સુગરી જે માળો પસંદ કરે તે માળો ઉપયોગમાં લેવાતો હોય છે જે તેમની એક વિશિષ્ટ ખાસિયત છે.

સુગરીની જેમ નાના શક્કરખોરો/ Purple Sunbird માળો પાતળી ડાળીના છેડે બનાવે છે જેથી માળો શિકારી પક્ષી અને સાપથી બચીને રહે. પોતાના વજનના કારણે સાપ કે મોટા પક્ષી માળાની પાતળી ડાળ ઉપર બેસી શકતા નથી અને માટે તેઓ ત્યાં ઈંડા કે બચ્ચા ખાવા માટે ત્યાં પહોંચી શકતા નથી. માળા માટે પાતળી સળીઓ, રેસા વગેરે વાપરે છે અને વચ્ચે ઈંડા મુકવા માટે પોચી વસ્તુઓ ભેગી કરીને ગાદી જેવો ભાગ બનાવે છે જેનાથી ઈંડા અને બચ્ચાની અનુકૂળતા સચવાય. વચ્ચેના ઈંડા મુકવાના ભાગમાં પોચી ગાદી જેવો ભાગ બનાવાની વ્યવસ્થા લગભગ દરેક પક્ષીના માળામાં જોવા મળે છે.

દરજીડો/ Tailor bird પોતાની માળો ગૂંથવાની કાબેલિયતને કારણે ઘણો જાણીતો છે. માળો ગૂંથવા માટે તે પામ જેવા વૃક્ષના પાંદડાની પટ્ટીઓ બનાવી દરજીની જેમ એક પટ્ટીને બીજી પેટ્ટી સાથે સીવે છે અને માળો માળો ગૂંથે છે. ગૂંથેલા માળાની અંદરના ભાગમાં તે પોચું ઘાસ અને બીજો કાચો માલ ભરીને ગાડી બનાવી તેમાં ઈંડા મૂકે છે. આ નાનું પક્ષી જે ખુબજ ચબરાક અને ચંચળ છે તે સતત ઉડાઉડ કરે છે અને તેનો માળો જોવો તે એક લહાવો ગણાય. તેના માળાના ટાંકા જુવો તો દરજી જેવી સિલાઈના માપસરના ટાંકા જોવા મળે અને તેનાથી માળાને મજબૂત અને સલામત બનાવે છે.

ફડકફુતકી /Indian Prinia પણ એક નાનકડું પક્ષી છે જેનો માળો પણ આગવો હોય છે. તેની એક ખાસિયત છે કે જો તે માળાની જે જગ્યા શોધે છે ત્યારે માળાની ઉપરના ભાગમાં મોટા પાંદડા વાળો છોડ શોધીને તે પાંદડાને છોડમાંથી કાપ્યા વગર તેનો ઉપયોગ કરીને વળાંક આપીને માળો બનાવે છે. તે માળામાં તે વણાંકવાળા ભાગમાં બીજા રેસાથી ટાંકા લે છે અને તે કારણે તે પાંડુ સુકાતું નથી અને તે કારણે તે પાંદડામાં ફાટ/ તિરાડ પડતી નથી અને માળાને વધારે લાંબા સમય સુધી વધારે સલામતી અને મજબૂતી મળે છે. આ ઉપરાંત તે કારણે તે જગ્યાએ માળો છે તે શિકારને ધ્યાનમાં આવતું નથી અને છદ્માવરણ/ camoufloge બની જાય છે. આ ખુબજ ચાતુર્ય ભરેલું કામ છે અને ઈંડા તેમજ બચ્ચાને શિકારથી બચાવીને રાખે છે.

ગીધ વિવિધ જાતના હોય છે. તેમના માળાની વિશિષ્ટા માળાનું કદ/ size ની હોય છે. તેઓ માળો ખુબ મોટો બનાવે છે. ૫ ફુઠથી શરુ કરીને ૧૦ ફૂટના ઘેરાવાના હોય છે. દર વર્ષે તે જૂનો માળો વાપરે છે અને સમયાંતરે તે માળાને મોટી ડાળીઓ ઉમેરીને મોટો કરતા હોય છે. આવા મોટા માળા ૨૦ ફૂટ શુદ્ધિના જોવા મળે છે. આ કારણે મોટામાં મોટા માળાનું વજન ૨૭૦૦ કિલગ્રામ કરતા પણ વધારે જોવા મળેલું છે.

કબૂતર પણ સલીઓનો વેરવિખેર ઢંગધડા વગરનો માળો બનાવે છે. તેઓની વસ્તી ખુબ વધી રહી છે અને વૃક્ષ ઓછા થઇ રહયા છે માટે જ્યા પણ જગ્યા મળે ત્યાં થોડી સળીઓ ગોઠવી દઈ ઈંડા મૂકી દે છે. ઊંચા માળે બાલકનીમાં પણ મુકેલા છોડના કુંડામાં સળીઓ ગોઠવી અથવા સીધે સીધા ઈંડા કુંડાની માટીમાં મૂકી દે છે.

બુલબુલ જેવા પક્ષી ગીચ ઝાડીમાં સલામત રહે અને બહાર દેખાય નહીં તેવી જગ્યાએ સળીઓને વાળીને કપ જેવો ગોળ આકારનો માળો બનાવે છે. જયારે ગોળ કપ જેવો માળો ગૂંથીને શૌબિંગી/ Common Iora  જેવા પક્ષી તેની ઉપર મજબૂતી માટે કરોળિયાના જાળાથી લીપણ કરે છે. કરોળિયાના જાળા એક ચીકણો પદાર્થ હોય છે. મૂળભૂત રીતે કરોળિયાએ પોતાના શરીરના પ્રોટીનમાંથી રેસા બનાવેલા હોય છે જે શૌબિંગી  જેવા પક્ષીના માળાને મજબૂતી તેમજ માળો પાણીથી પલળે તો માળો સલામત રહી શકે છે.

માળો બનાવવા માટે હંમેશા વૃક્ષની સળીઓ, રેસા/ fiber, પાંદડા, કરોળિયાના જાળાં, માટી જેવા પદાર્થ વપરાતા હોય છે. જે માળા દીવાલ ઉપર માટી ચોંટાડીને ફિન્ચ, તારપૂંછ/ તારોડિયું / Swallo જેવા પક્ષી પાણીની નજીકના સલામત વિસ્તારમાં ચીકણી માટીને પોતાની લાળથી ભીની કરી દીવા ઉપર ચોંટાડી દે છે જે સુકાતા કઠણ થઇ જાય છે અને માળો છત ઉપર ચોંટેલો રહે છે.

આખાયે વિશ્વમાં દરેકજાતના પક્ષી પોતાણી જરૂરિયાત પ્રમાણે વિવિધ પ્રકારના અને આગવા માળા બનાવતા જોવા મળે છે.

પ્રકૃતિએ જીવતા ભગવાન છે અને પ્રકૃતિ દરેક જીવની કાળજી લઇ જીવાડે છે.

*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

*Love – Learn  – Conserve*


લેખક:

જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214