ફિર દેખો યારોં
બીરેન કોઠારી
હવામાનની વિપરીતતાનો સામનો આજકાલ સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. અવિચારીપણે અને આડેધડ કરાતા આવેલા વિકાસનાં વિપરીત પરિણામો પછાતમાં પછાતથી લઈને અતિ વિકસીત દેશો પણ ભોગવી રહ્યાં છે. આમ છતાં, વિકાસની આ દોડ અટકવાનું નામ લેતી નથી.
દક્ષિણ અમેરિકાનો ઉરુગ્વે દેશ તેમાં વ્યાપી રહેલા જળસંકટ થકી આવી જ પરિસ્થિતિનો શિકાર બન્યો છે. આ દેશના શાસકોની જાગૃતિ એવી હતી કે સ્વચ્છ જળ મેળવવાને માનવના મૂળભૂત અધિકાર તરીકે તેમણે બે દાયકા અગાઉ પોતાના બંધારણમાં સમાવેશ કરાવ્યો હતો. આમ કરનાર તે વિશ્વનો સંભવત: સૌ પ્રથમ દેશ હતો. પોતાના બંધારણમાં કરેલી આ જોગવાઈએ વિશ્વના અનેક દેશોને માર્ગ ચીંધ્યો હતો. છતાં અત્યારે તેની પર તોળાઈ રહેલું જળસંકટ એટલું તીવ્ર છે કે ઘરના નળમાં ખારું પાણી આવી રહ્યું છે અને પોતાના આ મૂળભૂત અધિકાર માટે લોકોએ શેરીઓમાં ઊતરીને વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે.
આ સંજોગો અને તેની વાસ્તવિકતા જાણવા જેવી છે. વિપુલ જળસ્રોત ધરાવતા આ દેશમાં પર્વતો નથી. પવનોનો અવરોધ ન હોવાથી અહીં તેની ગતિ અતિ ઝડપી છે, અને વાવાઝોડાં ફૂંકાવાનું પ્રમાણ વધુ છે. તાપમાનનો તફાવત અહીં ઝાઝો નથી હોતો, અને વરસાદ વર્ષભર એકધાર્યા પ્રમાણમાં વરસતો રહે છે. આ દેશનું અર્થતંત્ર મુખ્યત્વે નિકાસ પર આધારિત છે, અને લેટિન અમેરિકન ધોરણ અનુસાર તે ઉચ્ચ આવક ધરાવતો દેશ છે.

ત્રણેક વર્ષથી પડી રહેલા દુષ્કાળને કારણે પીવાનું પાણી પૂરું પાડતા પાસો સેવેરીનો જળાશયનું તળિયું આવી ગયું છે. પીવાનું પાણી પૂરું પાડતી રાજ્ય સંચાલિત કંપનીએ આ તંગીને નિવારવા માટે વર્ષના આરંભથી આ જળાશયમાં તબક્કાવાર રીઓ દ લા પ્લાતા નામની ખાડીમાંથી ખારું પાણી ઉમેરવાનું શરૂ કર્યું. મે, ૨૦૨૩ના આરંભિક તબક્કામાં આ પાણીમાં સોડિયમ અને ક્લોરાઈડનું પ્રમાણ મહત્તમ પ્રમાણિત સ્તર સુધી પહોંચી ગયું, જેની સીધી અસર પાણીના સ્વાદ પર થઈ. સાથોસાથ સ્વાસ્થ્ય પર તેની સંભવિત વિપરીત અસર બાબતે પણ સવાલ ઊભા થયા. અલબત્ત, સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આ રસાયણો કેવળ પાણીના સ્વાદ અને ગંધને જ અસર કરે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે તે જોખમી નથી.
આમ, દેખીતી રીતે આ પરિસ્થિતિ માટે હવામાનની વિપરીતતા જવાબદાર લાગે. એમ છે પણ ખરું, છતાં એ એકમાત્ર પરિબળ નથી. સંશોધકો અને પ્રચારકો વરસોથી ચેતવી રહ્યા છે કે નિકાસ આધારિત ખેતીવાડી અને વનસંવર્ધન બિનટકાઉ છે. ઉરુગ્વેના વિશાળ જળસંચયનો સાવ નાનકડો હિસ્સો મનુષ્યોના ઉપયોગ માટે છે. પીવાલાયક પાણીનો મહત્તમ જથ્થો વિવિધ ઉદ્યોગો માટે ખર્ચાઈ જાય છે. આ દેશમાં નિર્માણ પામી રહેલા ગૂગલ ડેટા સેન્ટર સામે પણ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે, કેમ કે, તેના દ્વારા લાખો લીટર પીવાલાયક પાણી વેડફાઈ રહ્યું છે.
૨૦૦૪માં પીવાના પાણીને મૂળભૂત અધિકાર તરીકે બંધારણમાં અહીં સ્થાન આપવામાં આવ્યું ખરું, પણ આ નીતિના આયોજન અને અમલમાં સુસંગતતા આવી શકી નહીં. જળસંકટ પહેલાં સર્જાતું ખરું, પણ વરસાદ પડે એ સાથે જ તેનો અંત આવી જતો. આથી શાસકો પણ એ બાબતે વિચારવાનું બંધ કરી દેતા. વિરોધ પક્ષો કે અન્ય સંબંધિત સંસ્થાઓએ પણ આ બાબતે કોઈ લાંબા ગાળાની વ્યૂહરચના ઘડવા માટે દબાણ કર્યું નહીં.
લેટિન અમેરિકા અને કેરીબીઅન માટેના, ઉરુગ્વેના પાટનગર મોન્તેવિદેઓસ્થિત ‘યુનેસ્કો’ના જળવિદ્ મિગેલ દોદીઆના જણાવ્યા અનુસાર આ દેશે પાણી સાથેના પોતાના સંબંધમાં પરિવર્તન આણવાની જરૂર છે. તેમના કહેવા અનુસાર જળ સાથે ઉરુગ્વેનું સાંસ્કૃતિક બંધન છે. તેને કારણે અહીં એવી માન્યતા પ્રચલિત છે કે જળરાશિ અનંત છે અને તેની દરકાર રાખવાની કશી જરૂર નથી. માન્યતાને બદલવાની, નવિન વિચારને અપનાવવાની આ તક છે.
આ પરિસ્થિતિમાં સ્વાભાવિકપણે જ શીશીમાં વેચાતા પાણીની માગ વધી છે અને તેના વેચાણમાં જબ્બર ઉછાળો આવ્યો છે. તે ખરીદવાની બધાની ક્ષમતા નથી. આથી સરકારે કટોકટીના પગલાંરૂપે શીશીમાં વેચાતા પાણીને કરમુક્તિ આપી છે, તેમજ પાંચેક લાખ લોકોને તેનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે એમ ઘોષિત કરાયું છે. નળમાં આવતું ખારું પાણી જોખમી નથી, એમ સરકારે અધિકૃત રીતે જણાવવાની સાથોસાથ બાળકો, સગર્ભાઓ તેમજ કિડની અને બ્લડપ્રેશરના દર્દીઓને તેનું સેવન ન કરવાનો અનુરોધ કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને બાળકોના ખોરાકમાં મીઠાનો ઉપયોગ ન કરવાની સૂચના પણ આપી છે.
આનો ઊકેલ શો? અને ક્યારે? મારીઓ બીદેગાન નામના હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર પરિસ્થિતિને સામાન્ય થવા માટે જરૂરી વરસાદની માત્રાની ગણતરી કરવી અઘરું કામ છે. સપ્ટેમ્બરના આરંભ સુધીમાં અપેક્ષા મુજબ વરસાદ વરસે તો સત્તાવાળાઓએ નક્કી કરવાનું રહેશે કે પાણીમાં સોડિયમ અને ક્લોરાઈડનું પ્રમાણ ઘટાડીને સામાન્ય કરવું કે પછી દુષ્કાળ ચાલે તો તેનું પ્રમાણ યથાવત રાખવું. આમાંથી કદાચ ધીમે ધીમે બહાર અવાશે.
ઉરુગ્વે જેવી જ પરિસ્થિતિ તેના પાડોશી દેશ આર્જેન્ટિનાની છે. આપણે વિચારવાનું એ છે કે આપણા દેશમાં પણ પેય જળને મૂળભૂત અધિકાર ગણાવવામાં આવ્યો છે, પણ તેનું કોઈ આયોજન છે ખરું? સરકાર પોતાની રાહે આયોજન વિચારે અને તેનો અમલ કરે ત્યારે ખરું, એક નાગરિક તરીકે જળ જેવા અમૂલ્ય સ્રોતનું સંવર્ધન કરવાની આપણી કોઈ ફરજ ખરી કે નહીં? જળ નાણાં ખરીદવાથી પેદા કરી શકાતું નથી, આથી વ્યક્તિગત અને પારિવારિક સ્તરે તેનો વેડફાટ અટકાવીએ તોય ઘણું. નહીંતર સહેલા પાઠ અઘરી રીતે શીખવાની તૈયારી રાખવી પડશે.
(શિર્ષકપંક્તિ: એન. ગોપી, અનુવાદ: રમણીક સોમેશ્વર)
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૩ – ૦૮ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
