દીપક ધોળકિયા

દિલ્હીમાં મેરઠના સિપાઈઓ ન ગયા હોત તો શું વિદ્રોહ થયો હોત? ઇતિહાસ આવા સવાલોના જવાબ નથી આપતો પણ અવધમાં વિદ્રોહ થવાનાં  સ્વતંત્ર કારણો હતાં. બંગાળમાં મંગલ પાંડેએ પ્રગટાવેલી વિદ્રોહની મશાલના તિખારા અવધ પહોંચતાં ત્યાં અસંતોષની આગ સળગતી હતી તેમાં ઘી ઉમેરાયું. બરાકપુરના કાંડ પછી અવધમાં બંગાલ આર્મીની ૧૯મી અને ૩૪મી રેજિમેંટ વચ્ચે ડ્યૂટી બદલતી હતી તે વખતે સિપાઈઓએ બ્રિટિશ ફોજમાં કારતૂસોને કારણે થયેલા વિદ્રોહ વિશેની વાતો પહોંચાડી એટલે  એ વાતો સામાન્ય જનતામાં પણ પહોંચી.

વાજિદ અલી શાહથી પહેલાં

૧૭૫૭માં પ્લાસીમાં જીત મેળવ્યા પછી ક્લાઈવે મીર જાફરને ગાદીએ બેસાડ્યો. પરંતુ મીર જાફર ઇચ્છતો હતો કે અંગ્રેજોએ જે શરતો મૂકી હતી તે માફ કરે, કારણ કે સિરાજુદ્દૌલાના ખજાના વિશે મળેલી માહિતી ખોટી હતી અને મીર જાફર આ શરતો પૂરી કરી શકે તેમ નહોતો. બંગાળના ગવર્નર હેનરી વેંસીટાર્ટને મીર જાફર પસંદ નહોતો એટલે એણે એને હટાવવાની ચાલ શરૂ કરી. મીર જાફરના દીકરા મીરાનનું પણ મૃત્યુ થઈ ગયું હતું એટલે એના પછી કોણ, એ સવાલ હતો. એના જમાઈ મીર કાસિમને વેંસીટાર્ટે લાલચ આપી અને મીર જાફરને પદ છોડવાની ફરજ પડી. ધીમે ધીમે મીર કાસિમ પણ અંગ્રેજોની વિરુદ્ધ થઈ ગયો અને એણે મોગલ બાદશાહ, અવધના શૂજાઉદ્દૌલાની સાથે મળીને બક્સર પાસે ૧૭૬૪માં અંગ્રેજો સામે લડાઈ કરી.

બક્સરની લડાઈમાં ઈસ્ટ ઇંડિયા કંપનીએ ત્રણેયની સહીયારી સેનાને પરાજિત કરી. તે પછી કંપનીએ મરાઠાઓ વિરુદ્ધ અવધને ‘બફર’ રાજ્ય તરીકે ટકાવી રાખવાનું નક્કી કર્યું અને ૧૮૦૧માં વેલેસ્લીએ અવધના નવાબ સાથે સંધિ કરી. આ સાથે અવધ કંપનીના તાબાનું રાજ્ય બની ગયું. આંતરિક વહીવટ તો નવાબના હાથમાં રહ્યો અને અમુક રકમના બદલામાં કંપનીની ફોજ નવાબને રક્ષણ આપવાની હતી.

પરંતુ, કંપનીનો ઇરાદો તો બહુ શરૂઆતથી સ્પષ્ટ હતો. ૧૮૩૧માં ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંકે લખ્યું કે બ્રિટિશ સરકારે અવધના સંરક્ષક અને ટ્રસ્ટી તરીકે આંતરિક વહીવટ સુધારવો જોઈએ. આવા જ બીજા અભિપ્રાયો પણ હતા, પરંતુ ડલહૌઝીનું કહેવું હતું કે અવધમાં સુધારા થઈ શકે તેમ જ નહોતું એટલે એના નવાબને હટાવીને કંપનીએ સીધું શાસન પોતાના હાથમાં લઈ લેવું જોઈએ.

અમજદ શાહના અવસાન પછી વાજિદ અલી શાહ ગાદીએ આવ્યો હતો. એને પ્રજા પ્રત્યે કૂણી લાગણી હતી. પ્રજા પણ એને ચાહતી હતી. એ ઉદાર અને સારો વહીવટકાર પણ હતો અને એમાં લોકોને અન્યાય ન થાય એનું ધ્યાન રાખતો. એને સંગીત નૃત્યમાં વધારે રસ હતો. દાદરા, ઠુમરી, કથક નૃત્યનાટક ‘રહસ’ અને કૃષ્ણ અને ગોપીઓના રાસની રચનાઓ એણે જ કરી. કલાવિધાઓને એણે બહુ પ્રોત્સાહન આપ્યું. પોતે પણ કવિ હતો અને સમારંભોમાં જાતે જ નાચગાનમાં ભાગ લેતો. લખનઉની આગવી સાંસ્કૃતિક પિછાણ છે તેનો બધો જ યશ વાજિદ અલી શાહને નામે ચડે છે. કંપનીનું કહેવું હતું કે નવાબને નાચગાનમાં જેટલો રસ હતો તેટલો રસ વહીવટમાં નહોતો, એ કારણે રાજ્યનો વહીવટ રસાતાળે પહોંચ્યો હતો. આ બહાનું જ હતું.

દિલ્હીની ડાયરી લખનાર મોઇનુદ્દીન ખાન જુદું જ ચિત્ર ખેંચે છે. એણે વાજિદ અલી શાહની બીજી બાજુ દેખાડી છે, જેનાથી આપણે પરિચિત નથી કારણ કે આપણી ઇતિહાસની સમજનો આધાર અંગ્રેજોએ લખેલાં પુસ્તકો છે.

મોઇનુદ્દીન લખે છે કે ૧૮૪૭માં વાજિદ અલી શાહ નવાબ બન્યો તે પછી તરત જ એણે ફોજને સંગઠિત કરવાનું શરૂ કર્યું. એણે લખનઉમાં સવારની નમાઝ પછી બધા લશ્કરી માણસોને પરેડ માટે આવવાનો આદેશ આપ્યો. સવારે પાંચ વાગ્યે સૈનિકો એકઠા થતા ત્યારે વાજિદ અલી શાહ પણ કમાંડરના યુનિફૉર્મમાં હાજર રહેતો. એ દરરોજ ચાર-પાંચ કલાક ડ્રિલ કરાવતો. જે રેજિમેંટ આવવામાં મોડી પડે તેને  આખો દિવસ શસ્ત્રો ધારણ ન કરવાની સજા થતી. નવાબ પોતે જ મોડો પડે તો પોતાને જ બે હજાર રૂપિયાનો દંડ કરતો અને એની રકમ બધી ટુકડીઓને વહેંચી દેવાતી.

અંગ્રેજોને આમાં શંકા પડી કે વાજિદ અલી શાહ શા માટે પોતાની ફોજ તૈયાર કરે છે? એનું બહારના દુશ્મન સામે રક્ષણ કરવાની જવાબદારી કંપનીની હતી. દરબારીઓએ પણ નવાબ પર દબાણ કર્યું કે અંગ્રેજોને શંકા પડે એવું કંઈ પણ ન કરવું જોઈએ.

નવાબ તે પછી નાચગાનમાં લીન રહેવા લાગ્યો. એ જાણતો હતો કે આંતરિક વહીવટની જવાબદારી કંપનીની નહોતી તો પણ કંપની ઉંબાડિયાં કરતી રહેતી હતી. લોકોમાં પણ કંઈક અસંતોષ તો હતો જ એટલે રેસિડન્ટ સુધી પણ ફરિયાદો ગઈ. તેના પરથી એણે તારણ કાઢ્યું કે નવાબને ગાદીએથી ઉતારી નાખવો અને કંપની બધો કારભાર સંભાળી લે. ડલહૌઝી તો એના માટે તૈયાર જ હતો.

૧૮૫૬ની ૧૧મી ફેબ્રુઆરીએ જનરલ ઑટ્રૅમે વાજિદ અલી શાહને તખ્ત પરથી ઉતારીને અવધ પર કંપનીનું વર્ચસ્વ સ્થાપી દીધું. વાજિદ અલી શાહને કલકત્તા લઈ ગયા અને મટિયા બુર્ઝમાં એને રાખ્યો. ૧૮૫૭નો બળવો શરૂ થયો ત્યારે એના એક પુત્ર બિર્જિસ કાદરને લોકોએ ગાદીએ બેસાડ્યો અને એની માતા બેગમ હઝરત મહલે અંગ્રેજો સામે મોરચો માંડ્યો. એ વખતે નવાબને ફોર્ટ વિલિયમમાં કેદ કરી લેવાયો. એને લખનઉ પાછા આવવું હતું પણ બળવો થઈ પડતાં એની ઇચ્છા મનમાં જ રહી ગઈ.

વાજિદ અલી શાહના હૈયામાંથી હિજરાતા શબ્દો ઠુમરી બનીને નીકળ્યા…

બાબુલ મોરા, નૈહર છૂટો રી જાય….

ફૈઝાબાદના મૌલવી અહમદુલ્લાહ શાહ સામે ચિનહટમાં અંગ્રેજોના ભૂંડા હાલ

 પ્રજાજનો વિસ્ફોટ માટે તલપાપડ હતા. દિલ્હીમાં અંગ્રેજોની હારના સમાચાર મળતા હતા આથી લોકોમાં જોશ વધતું જતું હતું. આ સ્થિતિમાં ફૈઝાબાદના મૌલવી અહમદુલ્લાહ શાહે જે ભાગ ભજવ્યો તે બહુ નોંધપાત્ર છે. એમણે અંગ્રેજોના હાથમાંથી ફૈઝાબાદને મુક્ત કરાવ્યું એટલું જ નહીં, આખા અવધમાં બળવો ફેલાવવામાં ફૈઝાબાદમાં મૌલવીની મસ્જિદ કેન્દ્ર જેવી બની રહી. એમના પ્રતિરોધને કારણે ૧૮૫૮ની પાંચમી જૂને એમનું અવસાન થયું ત્યાં સુધી ફૈઝાબાદમાં અંગ્રેજો માટે પગ મૂકવાની જગ્યા નહોતી. અવધમાં લખનઉ સિવાયના બધા જ તાલુકાઓ અંગ્રેજ મુક્ત થઈ ગયા હતા. કાનપુરના નાનાસાહેબ, આરાના કુંવર સિંહ ૧૮૫૭ના વિદ્રોહમાં મૌલવીના ગાઢ સાથી હતા.

૧૮૫૭ની ૩૦મી જૂને કંપની બહાદુરની સરકારે એના ૧૮૫૭ના ઇતિહાસની સૌથી મોટી ભૂલ કરી અને કદી ન ભુલાય તેવી છક્કડ ખાધી. મૌલવી અહમદુલ્લાહની ૨૨મી ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની આગેવાની સુબેદાર ઘમંડી સિંહ અને સુબેદાર ઉમરાવ સિંહના હાથમાં હતી. લખનઉ પાસે ઇસ્માઇલગંજના ગામ ચિનહટની લડાઈમાં આ રેજિમેન્ટે અંગ્રેજી ફોજને ધોળે દિવસે તારા દેખાડી દીધા.

મૌલવી હજી પણ ફોજ ઊભી કરવામાં લાગ્યા હતા. એમણે પાવાયનના જમીનદાર જગન્નાથ સિંહની મદદ માગી. જમીનદારે એમને મળવા બોલાવ્યા. મૌલવી જમીનદારના  કિલ્લામાં પહોંચ્યા ત્યારે એમની સાથે દગો થયો. એ કિલ્લામાં આવ્યા કે તરત જગન્નાથ સિંહના ભાઈઓએ એના પર ગોળીઓની રમઝટ બોલાવી દીધી. તે પછી જગન્નાથ સિંહે એનું માથું કાપી લીધું અને રક્ત ટપકતું માથું શાહજહાંપુરના અંગ્રેજ કલેક્ટરને ભેટ ધર્યું. બદલામાં પચાસ હજાર રૂપિયાનું ઇનામ લઈ આવ્યો.

ચિનહટની લડાઈમાં અંગ્રેજો લોટમાં લીટાં માનીને આગળ વધ્યા હતા. અવધના ચીફ કમિશનર સર હેનરી લૉરેન્સને એવા સમાચાર મળ્યા કે ક્રાન્તિકારીઓ પાસે છ હજારની ફોજ છે પણ ૧૮૫૭ની ૩૦મી જૂને અંગ્રેજ ફોજ લડાઈના મેદાનમાં પહોંચી ત્યારે એનો સામનો કરવા વિદ્રોહીઓની પંદર હજારની ફોજ હાજર હતી. એમાં અંગ્રેજોનો કચ્ચરઘાણ નીકળી ગયો. અંગ્રેજી ફોજના કેટલાયે મોટા અફસરો માર્યા ગયા. હેનરી લૉરેન્સ પણ ઘાયલ થયો અને બે દિવસ પછી એનું મૃત્યુ થયું. અંગ્રેજી ફોજ લખનઉમાં રેસીડન્સી તરફ પાછી હટી ગઈ.

આ બાજુ વિદ્રોહીઓએ સુલતાનપુરના મુખિયા અને ચિનહટની લડાઈમાં વિદ્રોહીઓની ફોજના કમાંડર બરકત અહમદની આગેવાની હેઠળ પંચાયતની રચના કરી, જેમાં મૌલવી અહમદુલ્લાહ શાહના સરદારો ઉમરાવ સિંહ અને ઘમંડી સિંહ ઉપરાંત, જયપાલ સિંહ, રઘુનાથ સિંહ અને શહાબુદ્દીન હતા.

બેગમ હઝરત મહલ

૧૮૫૭ના ઇતિહાસમાં વાજિદ અલી શાહનાં બેગમ હઝરત મહલને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેટલી પ્રસિદ્ધિ નથી મળી, તેમ છતાં પણ અવધમાં અંગ્રેજો સામેના વિદ્રોહમાં એની ભૂમિકાને કારણે એનું નામ સુવર્ણાક્ષરે અંકિત છે. ચિનહટની લડાઈમાં ફતેહ મેળવ્યા પછી સાતમી જુલાઈએ પંચાયતે વાજિદ અલી શાહના સગીર વયના પુત્ર બિરજિસ કદ્રને ગાદીએ બેસાડ્યો અને બેગમ હઝરત મહલના હાથમાં વહીવટ અને જંગનું સુકાન સોંપ્યું.

બેગમ હઝરત મહલનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો હતો અને એને નવાબ વાજિદ અલી શાહના હરમની બાંદી તરીકે માબાપે વેચી નાખી હતી. અહીં એના પર વાજિદ અલી શાહની નજર પડી. તે પછી એને ‘ખવાસિન’ (ચાકર)બનાવી દેવાઈ. એ રીતે એ નવાબના સંપર્કમાં આવી. નવાબે એને ‘પરી’ જાહેર કરી અને એની સાથે લગ્ન કર્યાં. તે પછી એમને પુત્ર જન્મ્યો ત્યારે એ અવધનાં બેગમ બન્યાં અને એમને હઝરત મહલ નામ મળ્યું.

બિરજિસ કદ્ર નવાબ બન્યો તે પછી દસ મહિના સુધી એમણે કારભાર સંભાળ્યો. પરંતુ કંપનીએ અવધને આંચકી લેવાનો મનસૂબો કર્યો હતો એટલે બ્રિટનની રાણી વિક્ટોરિયાએ જાહેરનામું બહાર પાડ્યું પણ બેગમ મચક આપવા તૈયાર ન થઈ. એમણે જવાબી જાહેરનામું બહાર પાડ્યું અને પોતે રાજમાતા  છે એવી જાહેરાત કરી.

એમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો અને અંગ્રેજોનો મુકાબલો કરવા માટે જાતિ અને ધર્મના ભેદભાવ દબાવી દીધા અને પ્રજાને લડવા માટે પ્રોત્સાહિત કરી. પરંતુ બળવાખોરોમાં શિસ્તનો અભાવ હતો. ખુદ હઝરત મહલના હુકમોનો અનાદર થતો હતો.  અંગ્રેજી ફોજે લખનઉને ઘેરો ઘાલ્યો ત્યારે એમને જોરદાર વિરોધનો સામનો ન કરવો પડ્યો અને જીતી ગયા. તે સાથે જ બેગમે અવધ છોડી દીધું અને નેપાલ ચાલ્યાં ગયાં. અંગ્રેજ હકુમતે એમને પેન્શન આપવાનું નક્કી કર્યું પણ આ સ્વાભિમાની વીરાંગનાએ એની ના પાડી દીધી. ૧૮૭૯માં એમનું કાઠમંડુમાં મૃત્યુ થયું.તસવીરમાં એમનો મકબરો જોવા મળે છે.

આ વીરાંગનાને વંદન કરીએ,


સંદર્ભઃ

૧.The Last Days of the Company (1818-1858): Vol. I –‘The Expansion of British India’

By G. Anderson and M. Subedar(Published in 1918) ( ઇંટરનેટ પર ઉપલબ્ધ)

૨. Two Native Narratives of Mutiny in Delhi. Charles Theopolis Metcalfe, 1898 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

૩. The Indian war of Independence V. D. Savarkar (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

૪.  https://thewire.in/history/the-revolt-of-1857-maulavi-ahmadullah-shah-the-rebel-saint-of-faizabad

૫. https://www.jagran.com/uttar-pradesh/lucknow-city-untold-story-about-battle-of-chinhat-18308287.html

૬. https://en.wikipedia.org/wiki/Barkat_Ahmad

૭. આ લખનારની આપહેલાંની શ્રેણીના બીજા ભાગનાં પ્રકરણ ૨૮ અને પ્રકરણ ૨૯.

()()()()()

દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી