અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
એકત્રીસ વ્યક્તિચિત્રોને પ્રગટ કરતાં આ પુસ્તકમાં અનેક વિરલ વ્યક્તિત્વોનો આલેખ પ્રસન્નકર બને છે.
અહીં જેમનાં વ્યક્તિચિત્રો આલેખાયેલા છે એમાંની છ તો પરદેશી વ્યક્તિઓ છે-મિસ મોરિસન, જ્હોન અને માર્ગારેટ, રાણી ઈલિઝાબેથ, લેડી પેમિલા હિક્સ, લોર્ડ માઉન્ટબેટન અને હેરલ્ડ વિલ્સન. આ બધાં લેખકના સીધા સંપર્કમાં આવ્યાં હોય એવું પણ હંમેશાં બન્યું નથી. તેમ છતાં આ છયેના વ્યક્તિત્વમાં રહેલો રસ લેખકે મધુકરવૃત્તિથી પીધો છે. બાકીનાં પચ્ચીસ વ્યક્તિત્વોમાં ગુજરાત કે ભારત જેને કારણે રળિયાત બન્યું છે એવા મૂર્ધન્ય સાહિત્યકારો, સમાજના કલ્યાણકામીઓ, રાજનીતિજ્ઞો ને જીવનનિષ્ઠ મનુષ્યો છે, જેમાં ઉમાશંકર જોશી, બચુભાઈ રાવત, દર્શક, યશવંત શુક્લ, સ્નેહરશ્મિ, જુગતરામ દવે, ઇન્દિરા ગાંધી, હિતેન્દ્ર દેસાઈ જેવાં જાણીતાં ને બાલેશ્વર દયાળ, મૈત્રેયી દેવી, નિર્મળા બહેન ગાંધી, ડાહ્યાભાઈ નાયક જેવાં વાચક-ભાવકને થોડાં દૂરનાં જણાય તેવાં વ્યક્તિત્વોને લેખકે નિકટનાં અને પરિચિત બનાવી દીધાં છે.
આવી મહાન હસ્તીઓને આ રીતે જોવાનું, તેમનાથી સંબંધાવાનું લેખકથી કેમ બની શક્યું હશે એવો પ્રશ્ન સહેજે થાય. જેનો ઉત્તર ‘પ્રાજ્ઞજન મનુભાઈ’માંથી સાંપડે છે. એ કહેવાયું છે તો મનુભાઈ વિશે પણ દરેક વ્યક્તિ સાથે લેખકના વ્યક્તિત્વને જોડવા માટેનું કારણ બન્યું છે : ‘સંસારમાં સંબંધોનુંય અકળ એવું ગણિત હોવાનો અનુભવ થાય છે. આપણી રોજિંદી ઘટમાળમાં અનેક માણસોની આવનજાવન ચાલતી હોય તેમાં કોઈ એક સજ્જન ઘડીક પોરો ખાવા રોકાય અને તે ઘડીએ આપણું મન અનાયાસ કોળી ઊઠે. એમને મળતાંની સાથે જ મનને થાય કે આ માણસ મુકામ કરવા જેવો છે. માનવ–સંબંધોમાં આવું ગૂઢ તત્ત્વ-અનનોન ફેક્ટર જોવા મળે છે…’
આ અનનોન ફેક્ટરે જયન્તભાઈને, એમના પરિચયમાં આવેલાં વ્યક્તિત્વો જાતે રંગાયા વિના સૌ રંગ જોઈ શકતા ગોવર્ધનરામના શિષ્ટ નાયક સરસ્વતીચન્દ્રની જેમ રસી દીધા છે. મનુષ્યને પામવાની નરવી, નીતરી ને નિર્દશ દ્રષ્ટિ અહીં સઘળે વરતાય છે. આ સંબંધો બધે જ મીઠા છે એવું પણ નથી. પહેલું જ વ્યક્તિચિત્ર મિસ મોરિસનનું છે. લંડનમાં જેમના હાથ નીચે કામ કરવાનું આવ્યું છે તેવાં મોરિસન કોઈ અકળ કારણોસર પ્રો. પંડ્યા સાથે સદભાવથી વર્તી શકતાં નથી તેમ છતાં તેમની બદલી થતાં લેખક તરફથી તેમને સૌ કરતાં મોટી ભેટ મળે છે ને સાથે એક પત્ર, જેમાં લેખકે પૂછ્યું છે : ‘વોન્ટ યૂ કમ ટુ અપસેટ મી સમ ટાઈમ? પ્લીઝ ડૂ’ ને ઉમેરાયું છે, એમનું સ્મરણ કોઈકોઈ વાર અપસેટ કરવા આવે છે ત્યારે એ જીવનનો મધુપર્ક બનીને રહી જાય છે.’ મિસ મોરિસનને લેખકનો આ મોટો અર્ધ્ય છે. એમનું નામ આ સંગ્રહમાં પ્રથમ ક્રમે મુકાયું છે એ બીજો અર્ધ્ય.
લેખકની નરવી દ્રષ્ટિ પાછળ રહેલું છે એમનું સ્વસ્થ ને નીડર પત્રકારત્વ, ગરિમામય સર્જકત્વ ને ભીનું માનવહૃદય. આથી અહીં તેઓ કેટલાંક એવાં વ્યક્તિત્વોને પણ ન્યાય આપી શક્યા છે જેને પ્રજાએ કદાચ ઉપેક્ષ્યાં પણ હોય. આ પ્રકારનાં પાત્રોને એટલા સમભાવથી લેખકે જોયાં છે કે જાણે તેમનો ઝોક એમના પ્રતિ જ દાખવવા તેમણે ઈચ્છ્યું હોય તેવું જણાય. ક્યાંક, કોઈક ખૂણે આવા લોકોમાં પણ કશુંક તો જાગે છે પણ કમનસીબે તેઓ એમને ખબર ન પડે એ રીતે ચાતરી ગયાં છે એટલું જ. આવું થવાથી એમની આવડતમાં ફરક પડતો નથી એમ કહેવા તાકતા લેખકે આથી જ ઇન્દિરા ગાંધી વિશે ‘લોપાઈ ગયેલી પ્રવાહધારા’માંજણાવ્યું છે :પ્રેમાળ પિતા (નહેરુજી)એ, જેટલા બની શકતા હતા તેટલા શિક્ષક બનીને, દીકરીને જીવનઘડતરમાં ઉપયોગી થાય તેવા પત્રો લખેલા. પરંતુ દેખાયું એવું કે પિતા અને પુત્રીના આરાધ્ય દેવ કંઈક જુદા હશે. બંનેની કાર્યશૈલીમાં જે ફરક પડી ગયો એ ઉપાસ્યદેવ જુદા હોવાને કારણે. ‘સંયમપૂર્વક ને પૂરા સમત્વથી ઈન્દિરાજીને એક સર્જક જ સમજી શકે. વિચારનો આવો અહિંસક ને મિતભાષી ઉપયોગ અહીં અનેક જગાએ થયેલો જોવા મળે છે. તો ક્યાંક, પ્રજા જેને ચાહે ને આદર કરે તેવાં ચરિત્રોની બીજી બાજુ પણ લેખક ધ્યાનપૂર્વક જુએ છે ને આલેખે છે. ‘પ્રાજ્ઞજન મનુભાઈ’માં લેખક નોંધે છે : ‘મનુભાઈનો પરિચય આપવાની વાત, કવિતાના ઉઘાડની જેમ પ્રસન્ન ભાવસ્થિતિ – ડીલાઈટ-માં શરુ કરેલી જોઇને કોઈ રખે માની લે કે મનુભાઈ હળવાશથી લેવા જેવા માણસ છે.’ પછી વાતને સાચવતાં એમ પણ જણાવે છે : ‘જો કે ફિલસૂફો હળવા-ગંભીરની વૈખરીથી ઊફરા ચાલતા હોય છે.’ લેખકની તુલા ક્યાંય આમ-તેમ થતી નથી એની સાદ્યંત નોંધ લેવા જેવી છે.
ઢળી પડ્યા વિના લેખક નમી પડ્યા હોય તેવાં ચરિત્રોમાં માઉન્ટ બેટન, માઉન્ટ બેટનની પુત્રી લેડી પેમિલા ને યશવન્તભાઈનાં ચિત્રો છે. માઉન્ટ બેટન વિશે લેખકને વિગતે લખવાનું બને છે ત્યારે બેટનનાં પુત્રી પેમિલાની મદદ મળી રહે છે. એ અવસરને વધાવતાં ચરિત્રકાર નોંધે છે : ‘જીવનના નકશામાં સહરાની સાથે લીલી નાઘેરો પણ હશે જ…’મેઈન’ની શોધમાં જાણ્યે –અજાણ્યે, જુદા જુદા કાંઠે લાંગરતું જીવન એ સ્વયં વિદ્યાપીઠ છે. એમાંથી સ્નાતક થઈને બહાર આવતો વિદ્યાર્થી સદભાવનો કરિયાવર લઈને આવતો હોય છે. પેમિલા આ કુળનાં છે.’આ જ પેમિલાના પિતા માઉન્ટ બેટને સોળ માસના ગાળામાં બ્રિટિશ રાજ સંકેલી લેવાનું કામ કરતી વખતે નહેરુને કહેલું, ‘બ્રિટિશ રાજ સંકેલી લેનારા છેલ્લા વાઈસરોયમાં મારી ગણના ન કરશો. કરી શકો તો નૂતન ભારતના પ્રથમ વાઈસરોય તરીકે કરજો.’ ત્યારે ‘નહેરુનો ઉત્તર આ હતો : ‘તમારી મોહિની ભયાનક છે એમ મેં સાંભળેલું ખરું પણ તેનો મર્મ અત્યારે સમજી શકું છું.’ બંને ચરિત્રોને તેના દેશકાળ સમેત જોવાનો મોકો અહીં મળે છે.
જયન્ત પંડ્યાના સફાઈદાર ગદ્યની અનેક તરાહોમાં એક પ્રકારનું બ્રાહ્મણત્વ ઝળકે છે. અહીં ક્યાંક રૂપકની છટા છે. જેમ કે, ‘કુમાર’ એ ઘડાતા જતા અને ઘડાઈ ચૂકેલા સાહિત્યકારોનું એવું એક પારણું કે જેની દોરી બચુભાઈએ કદી ઢીલી મૂકી ન હતી.’(બચુભાઈ –એક વિદ્યાપીઠ).
ગદ્યનો લય કાવ્યાત્મક ઢંગે વહેતો મૂકવામાં પણ લેખકની સજ્જતા દેખાય. ‘લોપાઈ ગયેલી પ્રવાહધારા’માં ઇન્દિરા ગાંધીના કરુણ મૃત્યુ વિશે લેખકનો પ્રતિભાવ લયાન્વિત ગદ્યના નમૂના તરીકે જોવા જેવો છે. ‘મન ઉપર છવાઈ ગયેલી ખિન્નતાને ક્યાંય કરાર વળતો ન હતો. આવો કરુણ અંત ? એક વેગવંત પ્રવાહનું આવું એકાએક લુપ્ત થઈ જવું ? આવું નિર્માણ કોઈના ભાગ્યમાં ન હજો.’ લેખકની ખિન્નતા સૌને અડી જાય એવી સ્પર્શક્ષમ બની શકી છે.
ક્યાંક શબ્દો આગવી રીતે પ્રયોજાયા હોવાનું પણ જોવા મળે છે. ‘એક તારક ખરી ગયો’ (અશોક મહેતા)માં લેખક કહે છે :’તે વખતે પંડિત જવાહરલાલ નહેરુ, જયપ્રકાશ નારાયણ.. અશોક મહેતા અમારા મનોઆકાશના તેજસ્વી તારકો હતા. એમના ઉદગારો એ અમારી સંપત્તિ. અમને ગમ્યા હોય એવા તેમના ઉદગારો ચર્ચાઓમાં કૂદાકૂદ કરતા.’
તો ક્યાંય ચિત્રાત્મક વર્ણનશૈલી પણ આકર્ષે છે. વેડછીનું આબેહૂબ ચિત્ર એનો ઉત્તમ નમૂનો છે : ‘વેડછી એક નાનકડું ગામ; આદિવાસી કન્યા સમું નિરાભરણ અને નિર્દોષ. કુદરતે એને પહાડ, ખીણ, સરોવર કે સાગરકાંઠો, કશાની બક્ષિસ આપી નથી. વેડછીની ખૂબી એ છે કે કોઈ પણ બહારના આભૂષણની મદદ વિના તેણે પોતાનું આંતરિક સૌંદર્ય ઉછેર્યું છે.’
ક્યારેક કહેવતોને સાંકળતા પ્રયોગોમાં ઉષ્મા છે : ‘મૂંઝાયેલા લોકોને એને અજવાળે માર્ગદર્શન મળતું. કાળના ઉદધિમાં એ દીવો સમાઈ ગયો તેની સાથે એક અદીઠ પિયરનો દીવો પણ રાણો થઈ ગયો,’ (‘અમૃતલાલ યાજ્ઞિક’)
નિબંધનો એક અનુભવ કોઈ વિવેચકે કહ્યું છે તેમ એમાં લેખકના વ્યક્તિત્વ પ્રકાશમાં નાહી રહ્યા હોવાનો અનુભવ હોવો જોઈએ એ અહીં પ્રતીત થાય છે. કશી ધાર વિના, જેટલું છાજે તેટલું ને તેવું કહેવા છતાં વ્યક્તિત્વની અદબ કઈ રીતે જાળવી શકાય તેનું ઉદાહરણ ‘યુગપુરુષ મનુશીજી’માં જોવા જેવું છે : ‘જે જમાનામાં પર્યાવરણનો પિંડ બંધાયો ન હતો તે વેળા મનુશીજીએ વૃક્ષોનું મહિમ્નસ્તોત્ર ગાયું હતું … ગાંધીજી કે કોગ્રેસ સાથે ન ફાવ્યું તો ત્યાંથી ખસી ગયા. અને ખસી ગયા પછી પણ પોતે ગાંધીજીને અનુસરે છે એમ કહેવા માટેય ‘આઈ’ને આગળ કરીને કહ્યું કે ‘આઈ ફોલો ધ મહાત્મા.’ સ્વયમિતા ન હોય તો અસ્મિતા ક્યાંથી આવે? મુનશીજી સ્વયમ ને અસ્મદ બંનેના, ઉપાસક અને ચાહક રહ્યા.’
પ્રસ્તાવનામાં જણાવ્યું છે તેમ, લેખકને ડર છે અહીં જાત વ્યક્ત થઈ જવાનો. પણ અહીં વ્યક્ત થાય છે એક જાતવાન મનુષ્ય. લેખકનું અનાવૃત્ત વ્યક્તિત્વ અહીં ઊપસ્યું છે. ક્યાંક તો નિર્મમ રીતે પણ. આથી જ યશવન્તભાઈ વિશે વાત કરતાં લેખક જાતને આ રીતે વ્યક્ત કરી શક્યા છે : ‘એમની સાથે સહનાવવતુ, સહનૌભુનક્તુ અને સહવીર્ય કરવાવહૈના ઠીક ઠીક પ્રસંગોમાં કોઈવાર ગામઠી બ્રાહ્મણની જેમ હું ચડભડી ઊઠું, વાગે એવું એકાદ વેણ કહી બેસું. એનો ઘા યશવન્તભાઈ ખમી ખાય.. મનેય પાછળથી પસ્તાવો થાય. છતાંય બીજી વાર આવું નહીં જ બને એની ખાતરી નહિ.’ જાત વિશેનું આ કઠોર પરીક્ષણ –નિરીક્ષણ અહીં આલેખાયેલાં એકત્રીસ વ્યક્તિત્વોની સાથોસાથ લેખકને પણ પ્રાજ્ઞજન ઠેરવે એવું છે.
બાલેશ્વર દયાળ વિશે તેમણે નોંધ્યું છે તે એમની શૈલીને પણ એટલું જ લાગુ પડે છે : ‘કૃતકતા અને અતિશયોક્તિ એમનો પડછાયો લેવાનું ટાળે.’ આથી જ અહીં ચરિત્રોને બહાને પ્રગટતું હળવું ચિંતન પણ શિલાલેખીય બન્યું છે. સ્વજનોના ચાલતા થવાની વેદનાથી આઘાત પામીને લેખક કહે છે, ‘વાળનો ને જગતનો ઊલટો સંબંધ છે. વાળ કાળા હોય ત્યારે જગત રૂપેરી ભાસે છે ને વાળ રૂપેરી બને ત્યારે જગત શ્યામળું ભાસે છે.’
ભલેને જગત શ્યામળુ ભાસે પણ લેખકે તો તેને રૂપેરી દ્રષ્ટિથી નિહાળીને એમની સંવેદનશીલતાનો હૃદ્ય પરિચય આપ્યો છે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
