નીલેશ રાણા

રાત્રિનો છેલ્લો પ્રહર, તેરસની ચાંદની અંધકારને ઓગાળવામાં સફળ થવા લાગી હતી. અચાનક આડે આવેલી નાનકડી વાદળીને ધક્કો મારતા ચંદ્રે ધરા પર નજર ફેરવી. નાનકડું શહેર,
એના છેવાડે વહેતી નદી, કિનારેથી થોડી દૂર પુરાણી હવેલી. બાજુમાં વૃદ્ધ થતું પીપળનું વૃક્ષ… રોજિંદું દૃશ્ય… અરે! આ શું? આ સમયે? એક યુવતી વૃક્ષની નીચે હાથમાં બગલથેલો પકડી નજર
દોડાવી રહી હતી. અહીં ક્વચિત્‌ મળવા આવતા પ્રેમીઓનો મળવાનો સમય તો અફળ પામી ગયો હતો. તો પછી…
થોડે દૂરથી પ્રસરતો ઘુવડનો અવાજ, પવનની ધીમી દોડ, થોડાં પર્ણો ખર્યા. માથા પર હાથ ફેરવતાં યુવતીએ ઉપર જોયું. શંકાએ મનમાં પગપેસારો કર્યો. હિંમત થોડી ઓસરતાં ડરકંપનમાં
પલટાયો. બગલથેલા પરની પકડ વધુ મજબૂત બની થોડે દૂર આવેલી ઝાડી પાછળથી પગરવનો અવાજ, સતેજ થતી નજર, સખા થતાં કાન, દૃશ્ય વધુ સ્પષ્ટ થતાં જ વળતી પળે અનુભવાતી
હાશ, જાણે ફૂલ ખીલતાં પ્રસરતી ફોરમ. પાસે આવતાં જ પુરુષનો ધડકતો અવાજ સંભળાયો, “બાપજી… હું આવી ગ્યો.’
“આવવામાં આટલીવાર? હું મારો જીવ પીપળે લટકાવીને ક્યારની ઊભી છું.’ સ્વરમાં તીખાશ.
“શું કરું, લજવાતા પુરુષ આગળ બોલ્યો “ભેરુઓ સાથે મોડે સુધી વાતો કરતાં ઊંઘ મોડી આવી.’
“પણ મારી નીંદરનું શું?”
“ગુસ્સો થૂંકી નાંખો બાપજી.’
“હા, મારી પાસે બીજો કોઈ ઉપાય નથી.”
“હવેલીમાં મળવાને બદલે આ સમયે તમે મને અહીં મળવા બોલાવ્યો.’ સહેજ પાસે સરકતાં એ બોલ્યો, “શું સાહેબ પાછા આવી ગ્યા?’
“આવવામાં જ હશે. તને ડર લાગે છે?’
“અહીં મળવા બોલાવ્યો એટલે ડર તો લાગે જને!’
“ડર તો મનેય લાગે છે.’
“પણ હું સમજ્યો નઈ!’
“મેં મન મક્કમ કરી લીધું છે. છેવટનો નિર્ણય કર્યો છે. પાણીમાં ભુસ્કો મારવાનો.’
“બાપજી… શું બોલો છો? આત્મહત્યા.”
“મૂરખ, મારું તરવું કે ડૂબવું… હવે તારા હાથમાં છે.”
“અજાણ્યો થા મા. તું સંધુય સમજે છે.’
“બાપજી…’
“તું મારી વાત માનીશ?’
“મેં ક્યારે ના પાડી છે.”
“તું… તું સાથ આપશેને? જો.. જો સાંભળીને ફરી ના જતો.. ફરી ના જતો..’
ફરી ઘુવડનો અવાજ, પવનનું અડપલું, પર્ણોનું ખરવું અને પુરુષના મનમાં ફાળ… “આજે બાપજીનો મિજાજ અને અવાજ અલગ છે. હવે?’ એ સ્વગત બબડ્યો.
“કેમ, શું વિચાર કરે છે?’ પ્રશ્ન કરતાં યુવતીએ ખભા પરની શાલ ઠીક કરી. “મને એમ કે તું નહીં આવે.’
“હું આવ્યો તો છું.’ ચહેરા પરની મૂંઝવણ અંધકારમાં લપાઈ ગઈ. એણેય ગભરાતા ચારે તરફ નજર ફેરવી. આ શું થઈ રહ્યું છે ન સમજતા હૃદય જોરથી ધડકવા લાગ્યું.
“મેં નિર્ણય કરી લીધો છે. હવે તારે અત્યારે જ નક્કી કરવાનું છે.”
“વાતનો ફોડ પાડોને!’
“બસ હદ થઈ ગઈ. હવે નથી સહેવાતું કે રહેવાતું.”
“પણ… એવું તો શું બની ગયું?’
“મેં છેવટનો ફેંસલો કરી લીધો છે.’
“કેવો ફેંસલો?”
“ચાલ આપણે ભાગી જઈએ.’
“બાપજી… જી… આપણે ભાગી…’ હોઠ પહોળા થયા પણ શબ્દો..
“સાંભળીને નવાઈ લાગી!’
“તમારે ભાગી જવાનું છે..”
“હા… હા…”
“તેય મારી સાથે? મજાક કરો છો.’
“ક્યાં જઈશું? અત્યારે… મારી સાથે!”
“તું લઈ જાય ત્યાં… ચાલશે..’ યુવતીના ચહેરા પર હલકો પ્રકાશ પથરાયો. “ભરોસો રાખુંને?’
“તમે હવેલીના અને હું… ભાગવું સહેલું નથી. જાણો છો, સાહેબના હાથ ઘણા લાંબા છે.’
“જાણું છું. એમના હાથોની પહોંચથી દૂર જવા હું તૈયાર છું. જો તારામાં સાથ આપવાની હિંમત હોય તો.’
“તમને એ… એ ઠીક લાગે છે.’
“આ પળે તો એમ જ લાગે છે.’
“અચાનક આજે… આ ફેંસલાનું કારણ?’ થડનો સહારો લેતાં પુરુષ ધીમા અવાજે બોલ્યો.
“આજે નહીં છેલ્લા બે મહિનાથી હિંમત ભેગી કરી છે.’
“સાહેબ તમારાથી નારાજ છે?’
“તારા સાહેબ નહીં, હું નારાજ છું, પરેશાન છું.’
“મેં તો તમને ખુશ જોયા છે. ઘરમાં, પાર્ટીમાં..’
“એ ખુશી નકલી છે, બનાવટી.’
“સાહેબે તમારો જીવ દુભવ્યો છે?’
“તને શું સમજાવું? હું એમની પત્ની છું, પણ માત્ર નામની શોભા ખાતર, પ્રેમ માટે નહીં, પ્રમોદ માટે.. માત્ર રાત્રિનો શણગાર..”’
“આ…. આ… તમે….’ અવાજ થોથવાયો.
“એટલે જ તો તારી નજર ઓળખતા… તારી પાસે આવી નથી. તમે મોટા ઘરના અને હું…. મારી સાથે રે’વું ગમશે?’
“હા… હા કેમ નહીં?’
“તમારી રે’ણીકરણી, આદતો મારાથી ન પોષાય તો? એને માટે પૈસાની જરૂર પડશે.” એ ઉતાવળે બોલ્યો.
“મને ખબર છે. શરૂઆતમાં મુસીબત જરૂર પડશે એટલે જો.’ બગલથેલો એની સામે ધરતાં આમાં થોડા પૈસા અને ઘરેણાઓ છે. એકાદ બે મહિના ચાલશે. ત્યાં સુધીમાં તું… તું… ના… ના સાથે હું પણ.. કામ શોધી લઈશું.”
“બાપજી, તમે શું બોલી રહ્યા છો?’
“તું મને રાખશે એમ રહેવા તૈયાર છું. બસ તું મને અહીંથી દૂર લઈ જા. હું જીવવા માગું છું.”
“હું એમ જ કહું છું તમે જીવો, પણ અહીં.”
“આ લંકામાં… જ્યાં રોજ મારી ચિંતા બળે છે.’
“મને લાગે છે તમે ખોટી ઉતાવળ કરી રહ્યા છો.’
“પગ ઢીલા થઈ ગયા? મારી સાથે ભાગી જવામાં ડર લાગે છે કે શરમ?’
“મારી વાત તો સમજો.’
“પિંજરમાં પુરાયેલા પંખીને પંપાળવામાં મજા આવી ત્યારે ડર કે ધર્મસંકટ નડ્યું નહીં અને અત્યારે..”
“જરા સમજો, વિચારો..’
“તું મારી વાત સમજતો નથી કે સમજવા માગતો નથી. બસ તું મને અહીંથી દૂર લઈ જા. મેં તને મનનો માણીગર માની લીધો છે.’
“હું તમારી વાત સમજું છું, પણ આ સાચો સમય નથી.’
“જો પો ફૂટવામાં છે. આજ સાચો સમય છે. આજે, અત્યારે આ પળે નક્કી કરવાનું છે તારે.. પછી આવી તક ફરી નહીં મળે. સાહેબ થોડીવારમાં જ ઘરે પહોંચી જશે, કે પહોંચી ગયા હશે. પછી મોડું થઈ જશે.’
“મારા સાહેબ તો આવતીકાલે આવવાના હતા ને.’
“કોર્ટનું કામ પતી જતા. આજે આવવાના છે, માગ સમય ઓછો છે, જલદી કર.’
“બાપજી…’ થોડો ઘોણો ઊંડો શ્વાસ લેવામાં વાપરતા.
“મારું માનો.. તમે પાછા વળી જાવ.. આવી ખોટી ભૂલ ન કરો.’
“તમને વિનંતી કરું છું. મારી વાત માનો, તમે પાછા વળી જાવ.’
એક પ્રલંબ નિશ્વાસ “એ શક્ય નથી.’
“કેમ… કેમ?”
“હું ત્યાં એક ચિઠ્ઠી મૂકીને આવી છું. હવે પાછા ફરાય એમ નથી.”
“ચિઠ્ઠી…. ચિઠ્ઠી…’ નાનકડી ચીસ..
“વૃક્ષ પર જાગેલાં પંખીઓનો આછો કલબલાટ, હવે કાન સુધી પહોંચતો વહેતી નદી મધુર ધ્વનિ.”
“હા.. હા.. ચિઠ્ઠી મૂકીને આવી છું, એમાં શું?’
“અરે, ભગવાન એમાં… એમાં શું લખી આવ્યા છો?’
“જાણવું છે..?’
“ઓહ બાપજી… આ તમે શું કર્યું?’
“જો હું બધું છોડીને આવી છું. મારે માત્ર ટ્રોફી બનીને નથી જીવવું. તને છાનુંછપનું મળવાથી કંટાળી ગઈ છું. આવી અધૂરી જિંદગીમાં શ્વાસ લેવાતો નથી. કાંટાનો ડંખ સહી શકાય, ફૂલોનો નહીં. તું મારી ચિંતા ન કર. બસ ચાલ મારી સાથે.”
“પણ એ ચિક્ઠી…. એમાં શું…”
“જાણવું છે… આપણા સંબંધની સચ્ચાઈ.
“લખ્યું છે કે હું મારી મરજીથી ઘર છોડીને ભાગી રહી છું.. બસ ચિંતા ઓછી થઈ.’
“ચિઠ્ઠી લખીને તમે મોટી ભૂલ કરી છે.’
“એમ..’ કહેતા યુવતી હસી પડી.
“તમે ગાંડપણ છોડી દો..’
“હું એ સરહદ પાર કરી ચૂકી છું.’
“મારું માનો, પાછી વળી જાવ, સાહેબ આવે એ પહેલાં પાછળના બાગનો દરવાજો ખોલી બંગલામાં દાખલ થજો, જેથી કોઈની નજર તમારા પર ન પડે.’
“અને ધારો કે તારા સાહેબ આવી ગયા હોય અને એ ચિઠ્ઠી એમના હાથમાં આવી ગઈ હોય તો?’
“તો પગે પડી એમની માફી માગી લેજો કે ભૂલ થઈ ગઈ. મને ખાતરી છે તેઓ જરૂર માફ કરી દેશે.’
“તને ખાતરી છે?’
“હા.. હા.. મને ગળા સુધી ખાતરી છે, જલદી કરો.’
“શાબાશ…”
“ચાલો તમે મારી વાત માની તો ખરી…”
“અને ધારો કે એ ચિઠ્ઠીમાં મેં એમ લખ્યું હોય…”
“એમ… એટલે..?’
બગલથેલો યુવાનના હાથમાં સોંપતા “મારી ઇચ્છાવિરુદ્ધ તું બળજબરીથી મને ઉઠાવીને લઈ ગયો છે.’