તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.

આ લેખમાં હું આપ સૌને ખૂબ જ જટિલ એવા વિષયની થોડી માહિતી આપવા પ્રયત્ન કરું છું.

કોઈ પણ ઈજા થાય ત્યારે, અથવા લાંબી ચાલેલી ખાંસી વખતે ડૉક્ટર કહે કે ફોટો પડાવી લાવો, ત્યારે આપણને તરત જ હાડકું ભાંગ્યાની કે ફેફસાની કોઈ બીમારીનો અંદાજ આવે છે, અને ફોટો જોઈ ડૉક્ટર ખાતરી કરે ત્યારે આપણે આવી તપાસ પાછળના વિજ્ઞાનનો આભાર માનીએ છીએ.

જર્મન ફિઝીસિસ્ટ વિલ્હેમ રોન્ટેજને (1895) એક્સ-રે કિરણો શોધ્યાં ત્યારથી અત્યાર સુધી સાદો ફોટો (Plain X-ray) હાડકાંની અને ફેફસાંની તપાસનો મુખ્ય પર્યાય રહ્યો. પણ છેલ્લાં ૫૦ વર્ષમાં જેમ-જેમ વિજ્ઞાનની અન્ય શાખાઓમાં, ખાસ કરીને કોમ્પ્યુટર ટેક્નોલૉજીનો વિકાસ થયો એ સાથે તબીબી તપાસ અને સારવારમાં પણ હરણફાળ જોવા મળી.

(૧) સાદો એક્સ-રે (Plain X-ray) સૌથી જૂની રીત, અત્યારે લુપ્ત થવાની અણી પર.

આમાં ક્ષ-કિરણો શરીરના ભાગમાંથી પસાર કરવામાં આવે છે. આ કિરણો અમુક ભાગમાંથી પસાર ન થાય (તે ભાગમાં કિરણો શોષાઈ જાય) ત્યારે બાકીનાં કિરણો પસાર થઈ ફોટોગ્રાફિક પ્લેટ પર નિશાની મૂકે, અને ન પસાર કરે એવા ભાગનો ફક્ત પડછાયો જ પડે, અને જો એમાં ખામી સર્જાઈ હોય (દા.ત. ભાંગેલું હાડકું) તો એ દેખાય, કારણ કે ત્યાં કિરણો શોષાયા વગર પાર નીકળ્યાં હોય. ફોટોગ્રાફિક પ્લેટને ત્યાર પછી પ્રોસેસ/ડેવલપ કરવી પડે. આમાં ઘણો સમય લાગે અને ક્ષ-કિરણોની આડ-અસરનો પણ ભય રહે છે. આથી હવે બધી જ પ્રક્રિયા કોમ્પ્યુટરથી થાય અને ડિજિટલ એક્સ-રે મળે છે. આમ શરીરના કોષો વધતા-ઓછા પ્રમાણમાં ક્ષ-કિરણોને રોકે અથવા પસાર થવા દે એના ઉપરથી ડૉક્ટર-રેડિયૉલૉજિસ્ટ નિદાન કરે. વળી જ્યારે શરીરમાં ક્ષ-કિરણોને રોકે એવી બહારની વસ્તુ હોય તે પણ જોઈ શકાય છે. દા.ત. બુલેટ, બંદૂકના છરા (pillets).

હજી પણ સાદો એક્સ-રે/ડિજિટલ એક્સ-રે ખૂબ જ ઉપયોગી છે, જેમ કે હાડકાંની તપાસ, ફેફસાંના રોગો, પેટના રોગો ફાટેલી હોજરી/આંતરડાં (Perforations), કિડની અને પિત્તાશયની અમુક પથરીઓ (Stones), આંતરડાંનો અટકાવ (obstruction), દાંતનો સડો (cavities), વગેરે.

ઘણી વાર અમુક રસાયણ જે એક્સ-રેને પસાર થવા ન દે (Radio-opaque chemical), એ વાપરીને પણ તપાસ કરાય છે, જેમાં નસ (Vein/Artery)માં એ પ્રવાહી નાખીને પછી ફોટો લેવાય, જેને Venography/Angiography કહેવાય છે. હૃદયની બીમારીમાં Cadiac/Corronary Angiography કરવામાં આવે છે, તે આપને ખબર હશે. વળી આમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી DSA Angiography કરાય અને ફક્ત લોહીની નળીઓનો જ ફોટો કાઢી શકાય છે. જૂનું પાક્યા કરતું ઘારું(Fistula)માં પણ આવી દવા નાખી કેટલું ઊંડે છે તે જાણી શકાય છે. (Fitulography/Sinography).

આ પ્રકારના સાદા એક્સ-રેથી મગજ કે માંસપેશીઓને તપાસી શકાતી નથી.

ફ્લૉરોસ્કોપીમાં સીધું જ પડદા ઉપર જોઈ શકાય છે, પણ એમાં ક્ષ-કિરણો વધારે વપરાય અને નુકસાન થવાની શક્યતા વધે છે. છતાં હજી હાડકાંના ડૉક્ટર ઑપરેશન કરે ત્યારે C-Arm નામના એક્સ-રે મશીન સુગમતાને લીધે વાપરે છે. અને કાર્ડિયાક કેથીટરાઝેશનના (cardiac catheterization – હૃદયની નળી બ્લૉક થઈ હોય તેવા) કેસમાં વપરાય છે.

સ્ત્રીઓમાં થાન(Breast)ની ગાંઠો કે કેન્સરની તપાસ માટે ખૂબ જ ઓછા પ્રમાણમાં ક્ષ-કિરણો વાપરી Mamography નામની તપાસ થાય છે, અને વર્ષે એક વાર કરાવવાથી જેને અમુક કારણોથી થાનનું કેન્સર થવાની વધારે શક્યતા હોય તેમને જલદી નિદાન કરી જરૂરી સારવાર કરી વધતા કેન્સરથી બચાવી શકાય છે.

(૨) Computed Tomography or Computed Axial Tomography (CT, CAT scan) નામથી ઓળખાતી તપાસમાં પણ ક્ષ-કિરણો વપરાય છે, પણ ઓછા પ્રમાણમાં. ફોટો લેવામાં ખૂબ જ નાના Slices કરીને એક જ જગ્યાના ફોટા લઈ કોમ્પ્યુટરની મદદથી ભેગા કરી ફોટો ઉપજાવી શકાય છે, જે ઘણી રીતે શરીરના ભાગને સચોટતાથી દર્શાવે છે. 3D image એટલે કે નરી આંખે બધી બાજુથી જોઈ શકાય એવો ફોટો મળે છે, અને નિદાન ચોક્કસ કરી શકાય છે. દા.ત. કેન્સરની તપાસ, તેની વધઘટ, સારવારની અસર અને ફરીથી ઊથલો થાય એ સમજી નિર્ણય લેવામાં મદદ મળે છે.

આ બિનનુકસાનકારક, ઝડપી પદ્ધતિ છે અને ખાસ કરીને માથાની ઈજા અને મગજને નુકસાન થવાના પ્રસંગોએ વપરાય છે. જો કે આ પદ્ધતિ એક્સીડેન્ટના કેસોમાં, શરીરના અન્ય ભાગોની તપાસ માટે અને કેન્સર, રસી ભરાવી, ગાંઠો (Tumors), વગેરે માટે પણ વપરાય છે.

(૩) અલ્ટ્રાસોનોગ્રાફી (Ultasonography, USG, Sonogram) એ ખૂબ જ હાથવગી, બિનનુકસાનકારક તપાસની પદ્ધતિ છે. આમાં ક્ષ-કિરણો વપરાતાં નથી, પણ જે આપણા સાંભળવાના અવાજનાં મોજાંઓથી ઘણા વધારે છે એવા અવાજના મોજાનો ઉપયોગ થાય છે. (Beyond our audible range). અવાજના મોજાં શરીરમાં પસાર થાય અને ઘણી માંસપેશીઓ કે રોગી ભાગમાં અથડાઈ પાછાં ફરે (Echos, પડઘા) તેને યોગ્ય સાધનથી ઝીલી લઈ એનો ફોટો મળે છે. આ પદ્ધતિમાં કશું નુકસાન થતું નથી તેથી પ્રેગનન્સી (Pregnancy) દરમિયાન બાળકની માહિતી મળે છે, ખોડખાંપણ કે એકથી વધારે બાળક થવામાં, મૃત બાળક, બાળકની ડિલિવરી પહેલાંની સ્થિતિ, વગેરે જાણવા માટે આનો બહોળો ઉપયોગ છે. ગર્ભાશય, અંડકોશ અને અંડનળીઓની માહિતી પણ મળે જેથી Ectopic pregnancy, Hydrosalpinx, pyosalpinx, cancer of Uterus, વગેરેનું નિદાન થઈ શકે છે. હવે તો અત્યાધુનિક 3D-4D Sonography Machine આવી ગયાં છે, જે Test Tube Baby જેવા જટિલ પ્રયત્નોમાં ખાસ કામ આવે છે.

સોનોગ્રાફી બીજા ઘણા રોગોમાં પણ વપરાય છે, એક્સીડેન્ટ (Accidental Injuries) જેવા કેસો ઉપરાંત કલેજું કે બરોળ ફાટવી (Ruptured liver & spleen), હૃદયની મોટી ધમની ફૂલેલી હોય (Aneurism), કિડનીની પથરી, પેશાબની કોથળીની પથરી અને કેન્સર, પ્રોસ્ટેટ ગ્રંથિની ગાંઠ, વગેરે.

સોનોગ્રાફીની પદ્ધતિ બીજી ઘણી રીતે વપરાય છે, જેમાં સ્ત્રીની જનનેન્દ્રિયમાં પ્રોબ (એક સાધન) નાખી Transvaginal Sonography, ગુદાદ્વારમાંથી Transrectal, અન્નનળી કે ગુદાદ્વાર દ્વારા Endoscopic Sonography, આંખની Ocular Sonography, વગેરે છે.

ડોપ્લર સોનોગ્રાફી (Doppler Sonography) એ ખૂબ જ સ્પેશિયલ પ્રકારની પદ્ધતિમાં લોહીની નળીઓમાં લોહી ફરતું, એની ઝડપ અને હૃદયના ધબકારા પણ સાંભળી શકાય છે, દા.ત. Foetal Doppler Sonography, પગની લોહીની નળીઓની તપાસ (Leg Vessels-Artery and Veins) માટેની Doppler technique. ગળાની મગજને લોહી પહોંચાડતી નળીઓની તપાસ Carotid Doppler Examination, હૃદયની Heart Doppler તપાસ, વગેરે.

આટલું જાણ્યા પછી હજી ઘણું બાકી રહે છે. વિકસતા તબીબી વિજ્ઞાનની અવનવી વાતોનો અંત નથી. એક ડૉક્ટર માટે પણ બધાનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું શક્ય નથી, તો આપને વધારે અને ઊંડી માહિતી ન આપતાં વિચારું છું કે ફક્ત જરૂરી સમજ કેળવાય એટલી જ માહિતી આપવી. બાકી અભ્યાસુને આજનું ઇન્ટરનેટ અને અન્ય પુસ્તકો ક્યાં નથી?

હવે આ લેખમાં થોડી માહિતી PET Scan MRI વિષે આપું છું.

(૧) Magnetic Resonance Imaging/MRI – મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગની શોધ ૧૯૭૧માં પૌલ લૌતરબરે (Paul Lauterbur) કરી. આ CTS પછી એની થોડી ઊણપ માટે પૂરક સાબિત થયું. આમાં તીવ્ર પ્રકારના ચુંબકીય ક્ષેત્ર (Strong Magnetic Field) સાથે રેડીઓ કિરણો (Radio waves)નો ઉપયોગ થાય છે. આપણું શરીર ૭૦% પાણી છે તેથી જે એટમિક (Hydrogen and Protons) ફેરફારો થાય તે નોંધી (Record) લેવાય અને ફોટા રૂપે કોમ્પ્યુટરથી આપણે જોઈ શકીએ છીએ. જોકે આમાં ચુંબકીય ક્ષેત્ર પેદા થતું હોવાથી ખૂબ કાળજી લેવી પડે. શરીરના હાડકામાં ધાતુની પ્લેટ/સળિયા હોય (Metal Plates/Rods), હૃદયનું પેસ મેકર (Heart Pacemaker), હૃદયના વાલ્વ્સ (Heart Valves), ધાતુની ક્લિપો (Metal Clips), કાનમાં નાખેલું મશીન (Ear Implant), અને બંદૂકની ગોળીઓ કે છરા (Bullets, its fragments and pellets) હોય તો આ તપાસ કરી શકાતી નથી.

MRI Scanના ફાયદાઓ:

શરીરરચનાના ખૂબ જ માહિતી સભર ફોટા મળે, દુ:ખાવા રહિત, એક્સ-રે જેવી કશી આડ અસર નથી. આ તપાસ દરમિયાન નાની જગ્યામાં બંધ કૅબિનમાં, હલ્યા વગર લાંબા સમય સુધી પડી રહેવું પડે તેથી ખૂબ અગવડ ભર્યું લાગે, ખાસ કરીને જેને બંધ જગ્યાઓનો ડર લાગતો હોય.(Claustrophobia). જો શરીરમાં ધાતુની કશી પણ વસ્તુ હોય તો નુકસાન થવાની શક્યતા એ છે કે તીવ્ર મેગ્નેટના લીધે એ મૂળ જગ્યાએથી ખેંચાઈ જાય અને કોઈ વાર મિસાઇલ ની જેમ છૂટે (Missile Effect) અને ક્યાંક વાગે અને નુકસાન કરી શકે છે. આથી આવી કોઈ પણ છુટ્ટી ધાતુની વસ્તુ એ મશીનની અંદર કે શરીર પર ના રહે તેનું ખાસ ધ્યાન રખાય છે. દર્દીએ પણ આની સંપૂર્ણ માહિતી ડૉક્ટર/ટેકનીશિયનને આપવી જરૂરી છે. જોકે દર્દીને ડર ના લાગે તે માટે તેની સાથે સતત વાતચીત થઈ શકે છે, અને તેને કંઈ તકલીફ હોય તો તેને આપેલ સાધનથી જાણ કરી શકે છે (Buzzer). તપાસ દરમિયાન ઘણા અવાજો સંભળાયા કરે છે, તેથી ઘણા લોકોને કાનમાં ઈઅર પ્લગ નાખી અપાય છે.

આ ખર્ચાળ તપાસ છે અને તપાસ માટે ઘણો સમય પણ લેવાય છે. પણ તેનાથી વાગવા ટૂટવાના પ્રસંગોમાં, હાથ પગનાં ફ્રૅકચર, માથાની ઈજાઓ, લોહી વહી જવું, જેમ કે મગજમાં લોહી જમા થવું (Brain Stroke, Ruptured Aneurysm), મગજમાં કેન્સર કે બીજી ગાંઠો (Pituitary Tumor), કમરનાં હાડકાં અને મજ્જાતંતુની ઈજાઓ (Spinal Cord & Vertebral Injuries), સ્નાયુ અને સ્નાયુબંધની ઈજાઓ (Muscle and Tendon Tears), ચેપી દર્દો, જન્મજાત ખોડ (Anomalies), તાણની બિમારી (Epilepsy/Seizures), લોહીની નળીઓમાં અટકાવ (Blocks & Thrombosis), વગેરે સારી રીતે તપાસી શકાય છે.

સ્ત્રીઓ જો સગર્ભા હોય તો આ તપાસ ના કરાય તો સારું.

હવે તો નાનાં (Portable MRI) મશીન આવી રહ્યાં છે. જે હાથ-પગની તપાસ માટે ખૂબ ઉપયોગી થશે.

અને છેલ્લે ફક્ત નોંધ માટે જાણો કે CONTRAST MRI and MR ANGIOGRAPHY પણ થાય છે. જેમાં એક્સ-રે કિરણોને અવરોધતું પ્રવાહી (Contrast Chemical) નસમાં આપી ફોટા લેવાથી ખૂબ જ સહેલાઈથી નુકસાન વાળો ભાગ/લોહીની નળી જોઈ શકાય છે.

આ પદ્ધતિનો ઉપયોગ કરી ઘણી જટિલ મગજની સર્જરી થાય છે. (MRI guided stereotactic Surgery).

(૨) પોઝીટ્રોન એમીશન ટોમોગ્રાફી (POSITRON EMISSION TOMOGRAPHY) જેને સાઇંટિગ્રાફી (SCINTIGRAPHY) પણ કહે છે.

આ એક પ્રકારની કોષના અંદરના ભાગ સુધી (at cellular level) ની તપાસ થાય છે, અને શરીરના ભાગ અને તેના કાર્યની માહિતી મળે છે. મોટે ભાગે આ CTS સાથે વપરાય છે. (PET-CT), રેડીઓ એક્ટિવ રસાયણ શરીરમાં દાખલ કર્યા પછી, એટલે કે નસ દ્વારા (Intravenous Injection), મોઢાંથી ગળીને (Swallowing), કે શ્વાસ વાટે લઈને (Inhalation) ક્ષ-કિરણો વાળો પદાર્થ (Radiopharmaceutical) શરીરમાં દાખલ કરીને સ્પેશિયલ જાતના કૅમેરા વડે ફોટો લેવાય છે. હવે તો વધારે માહિતી માટે નવી MOLECULAR IMAGING WITH PET or SPECT (Single Photo Emission Computed Tomography) જે કોષ અને મોલેક્યુલ સુધીની તપાસાર્થે વપરાય છે. આ તપાસમાં શરીરની બંધારણ (Anatomy)ના દેખાય પણ તપાસનો ભાગ HOT SPOTs અને COLD SPOTs ની રીતે તેનું ફીઝિઓલોજીકલ/મેટાબોલિક કાર્ય દર્શાવે છે, જેનાથી ડૉક્ટર નિદાન કરી શકે છે.

ઉપયોગમાં મગજની બીમારીઓ, હાડકાં, કેન્સર અને કેન્સરની ગાંઠો, લસીકા ગ્રંથિઓ, હોજરી, આંતરડાં, હૃદય, કીડની, ફેફસાં અંતઃસ્રાવની ગ્રંથિઓ જેવી કે થાયરોઇડ જેવી તપાસ થાય છે. મગજના જ્ઞાનતંતુના રોગોમાં આ ખૂબ જ ઉપયોગી છે દા.ત. સ્મૃતિભ્રમ (Alzheimer) હૃદયના રોગો (Condition of Heart), હૃદયની બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટી (Coronary bypass grafting surgery-CABS/Angioplasty). લોહીનું વહેણ (Blood flow), ઑક્સિજનનો ઉપયોગ (Use of oxygen અને શર્કરાની માહિતી માટેની પણ આ તપાસ છે.

આ દુખાવા રહિત તપાસ છે, ખૂબ જ ઓછા પણ રેડિયેશન કિરણોનો ઉપયોગ છે તે છતાં સગર્ભા સ્ત્રીઓની અને ધાવણ વખતે આ તપાસ થઈ શકતી નથી. આ તપાસમાં કલાકો અને દિવસોનો સમય લાગે છે. મોંઘી હોવા છતાં તપાસની સર્જરી (Exploratory Surgery) કરતાં સસ્તી છે, અને ચોક્કસ માહિતી મળે છે, કારણ કે રોગની કોષીય શરૂઆતમાં જ તેનું નિદાન થાય છે. ક્ષ-કિરણોનો (radioactive) પદાર્થ ખૂબ જલદી તેની શક્તિ ગુમાવે છે એટલે નુકસાનની શક્યતા ઓછી છે છતાં દર્દીને બાળકો અને સગર્ભા સ્ત્રીથી જરૂરી હોય ત્યાં સુધી દૂર રહેવું જોઈએ. પાણી પુષ્કળ પીવું જોઈ એ જેથી ક્ષ-કિરણોવાળું રસાયણ શરીરમાંથી જલદી બહાર નીકળી જાય.


ક્રમશ: 


ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.