શૈલા મુન્શા

ઝરણું ક્યે બહુ લાગે થાક,
ટીચર તો લેસનમાં રોજ રોજ આપે છે દૂર દૂર વહેવાના આંક,
ઝરણું ક્યે બહુ લાગે થાક

-કૃષ્ણ દવે

ખળખળ વહેતા ઝરણાં જેવી અમારી એમીલી. જેમ વહેતું ઝરણું જાણે નહિ કે એનું નસીબ એને નદી બની સાગરને મળવા દેશે કે ક્યાંક ધીખતી ધરામાં વિલીન થઈ જાશે તેમ એમીલીનુ ભાવિ પણ એને કોણ જાણે ક્યાં દોરી જાશે?

પાંચ વર્ષની એમીલી દેખાવે ખુબ સુંદર. ચહેરાનો ઘાટ એવો સરસ કે ભલભલી મોડેલોને ઝાંખી પાડે. ભગવાને બધું આપ્યું પણ મગજની પાટી સાવ કોરી રાખી. એકે અક્ષર એના પર મંડાયો નહિ. કોઈ વસ્તુની સમજ નહિ, કશાની અસર નહિ, પડે તો પણ ચહેરા પર વેદનાની નિશાની નહિ. માનસિક રીતે જેને સાવ મંદ કહી શકાય એવી બાળકી.

અમારા ક્લાસમાં આવી પણ કોઈ ઓળખ કોઈ સંબંધનો તાંતણો જોડાય નહિ. એક જોડાણ ખૂબ મજબૂત, ક્યાંક પણ ખાવાનું દેખાય તો ઝૂંટવતા વાર લાગે નહિ. બધા સાથે એને જમવા લઈ ના જવાય. ઝડપ એટલી કે તરાપ મારીને કોઈની પણ થાળી ઝૂંટવી લે. બીજી કોઈ વસ્તુની ગતાગમ ભલે ન પડે પણ આંખ એટલી ચકોર કે ક્લાસમાં ક્યાંક જો નાસ્તો કે પોપકોર્નનુ પકેટ પડ્યું હોય તો ઘડીના છઠ્ઠા ભાગમાં ત્યાં પહોંચી જાય. કુદરત પણ કમાલ છે દિમાગી હાલત બરાબર ન હોય તોય અને બાલ્ય અવસ્થા હોય તો પણ ભૂખ ની સુઝ બધાને પડે છે.

તે દિવસે તો ખરી ધમાલ થઈ. બપોરના અમે બાળકો ને નાસ્તો અને જ્યુસ આપતા હોઈએ છીએ. હું મારી કોફી બનાવવા માટે પાંચ મિનિટ બહાર ગઈ અને મીસ. મેરીએ બાળકોને પોપકોર્ન અને જ્યુસ આપ્યાં. એમીલીને ખવડાવવા માટે મારી રાહ જોતી હતી, ત્યાં ન જાણે કેવી રીતે એમીલી એના હાથમાંથી છૂટી ગઈ, અને પળવારમાં તો પોપકોર્નનુ આવી બન્યુ. ચારેકોર પોપકોર્ન વેરણછેરણને બાળકોનાં મોં જોવા જેવા.

ઘણીવાર વિચાર આવે કે આ નાનકડી બાળકીના હૈયામાં શું ચાલતું હશે? ન બોલે, ન હસે, ન રડે ન એક જગ્યાએ બે મિનિટ રહે. શાળાનો સમય પૂરો થતાં સુધીમાં તો અમે થાકી જઈએ છીએ તો એના માતા પિતાના શું થતું હશે?

એમીલી જેવા બાળકોને લીધે અમારા ક્લાસમાં હંમેશાં બે શિક્ષકો જોઈએ જ. હું જમવા જાઉં ત્યારે મી.રોન મીસ મેરી ને મદદ કરવા આવે. એમની એવી ટેવ કે પોતાનુ જમવાનુ અને કોકનો મોટો કપ પોતાની સાથે લેતા આવે અને ક્લાસમાં મૂકે. અમે કેટલીય વાર એમને કહ્યું હતું કે તમે કાં તો જમીને આવો અથવા તમારૂ ખાવાનુ જમવાના રૂમમાં મૂકીને આવો પણ સાંભળે એ બીજા.

તે દિવસે જ્યારે જમીને હું ક્લાસમાં આવી તો જમીન પર ચારેતરફ બરફને એમીલીનાં કપડાં કોકથી તરબતર. થયું એવું કે મી.રોન એક ક્ષણ માટે ઉઠી ને બીજા બાળકને મદદ કરવા ગયા, અને કેબિનેટ ઉપર મૂકેલો એમનો કોકનો કપ એમીલીએ ઝડપી લીધો અને આખો કપ પોતાના મોઢા પર ઊંધો વાળ્યો. એણે તો કોકથી સ્નાન કર્યું પણ કામ અમારૂં વધ્યું. એમીલીને સાફ કરીને બીજા કપડાં પહેરાવ્યા, કારપેટ સાફ કરી અને ચારેતરફ વેરાયેલા બરફના ટુકડા ઉપાડ્યા.

મી. રોને કાનની બુટ પકડી કે હવે ક્યારેય ખાવાનું લઈને ક્લાસમાં નહિ આવું.

આ દિવ્યાંગ બાળકો સાથે કામ કરતાં ઘણી બાબતોનો ખ્યાલ રાખવો પડતો હોય છે. નાનકડી બેદરકારી એમને કોઈ નુકશાન ના પહોંચાડે એ માટે સતત ચપળ અને ચકોર રહેવું પડે. ક્યારેક વિચાર આવે કે ઈશ્વર કેમ આવો ક્રુર થઈ શકતો હશે? કે પછી ખરે પૂર્વજન્મની કોઈ લેણાદેણી હશે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો કોઈ દવાની આડઅસર કે પછી વારસાગત જીન્સમાં કોઈ પ્રમાણ ઓછુવત્તું થયું હશે. દરેક માનસિક રીતે મંદ બુધ્ધિના બાળકોની ખાસિયત પણ કેટલી અનોખી હોય છે.
આ દિવ્યાંગ બાળકોને સરખી માવજત મળે તો એમનામાં ઘણો સુધારો જોવા મળી શકે છે અને મારા હાથ નીચે કેટલાય બાળકો પસાર થઈ ચુક્યાં છે જેમને અમે પહેલા ધોરણના રેગુલર ક્લાસમાં મોકલ્યાં છે અને એમની પ્રગતિના અમે સાક્ષી છીએ. આ બાળકોને જરા સરખો પ્રેમ આપો તો સામે અઢળક પ્રેમ મળે છે અને એપ્રેમ મને જીવવાની શક્તિ આપે છે.
અસ્તુ,


સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com