ચિરાગ પટેલ
ભારતીય વેદ/વેદાંત/પુરાણો પર અઢળક લેખો/વિવેચનો/પુસ્તકો અનેક ભાષામાં લખાયા છે. અનેક વિદ્વાનોએ આ શાસ્ત્રોમાં ખેડાણ કર્યું છે. હું એવો વિદ્વાન કે શાસ્ત્રોમાં પારંગત નથી. વળી, હું સંસ્કૃત ભાષા પણ અલ્પ માત્રામાં સમજી શકું છું. પરંતુ, વર્ષોથી એક જિજ્ઞાસુ તરીકે શાસ્ત્રોનો મેં અભ્યાસ કર્યો છે એટલે હું પોતાને શાસ્ત્રોના અભ્યાસુ તરીકે અવશ્ય ઓળખાવું છું.
અમુક તથ્યો વિષે વાંચતા અને વિચારતા અનેકવાર નવાઈ પામી ગયો છું કે, હજારો વર્ષો પહેલાં એવો વિચાર કે આચાર કેવી રીતે શક્ય બન્યા હશે? હું પોતે વિજ્ઞાન/એન્જીનીયરીંગનો વિદ્યાર્થી છું એટલે તથ્યોને એ દ્રષ્ટિએ વિચારું છું. ઘણીવાર મેં મારા પુસ્તકોમાં નોંધ કરી રાખી છે. લગભગ સોળ વર્ષના ભારતીય શાસ્ત્રોના અભ્યાસે મને નવી દ્રષ્ટિ આપી છે. ઘણીવાર પ્રચલિત માન્યતાઓથી વિરુદ્ધ હોય એવા સત્ય મારા ધ્યાનમાં આવ્યાં છે. કોઈવાર મારો અભ્યાસ અલગ માર્ગે દોડ્યો છે. ઘણી વાતોમાં મને શાસ્ત્રોમાં આલેખેલ માહિતી કવિની કલ્પના લાગી છે, તો ઘણી બાબતો અચંબો પમાડી ગઈ છે.
મારી મતિમાં જેટલું સમાયું છે એ આ લેખમાળા રૂપે સહુની સાથે ઋષિ પ્રસાદની કૃપા વહેંચવા જઈ રહ્યો છું.
મારી રૂપરેખા આ પ્રમાણે રહેશે:
૧) હું જે શાસ્ત્રનો અભ્યાસ કરું છું, એમાં મારી દ્રષ્ટિએ ચર્ચવાયોગ્ય માહિતીની નોંધ કરતો હોઉ છું. મૂળ ગ્રંથમાંથી એવાં જ શ્લોક/મંત્ર/ઋચા હું આ લેખમાળામાં લઇશ.
૨) આરંભમાં જે-તે પૌરાણિક/વૈદિક સાહિત્યના ઋચા/મંત્ર/સામ/શ્લોકના ગુજરાતી અનુવાદ હશે. એમાં મને ઉચિત લાગતાં અનુવાદ લઈશ. સાથે મૂળ ગ્રંથમાંથી એનો સંદર્ભ ક્રમ મુકીશ, જેથી ઈન્ટરનેટ પર સંસ્કૃત/ઈંગ્લીશ/હિન્દી/ગુજરાતી વગેરે ભાષામાં ઉપલબ્ધ માહિતી સાથે સરખાવી શકાય. મેં ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત અનુવાદ, આર્યસમાજ દ્વારા પ્રકાશિત અનુવાદ અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ અનેક અનુવાદ – એમ ત્રણ સંદર્ભનો ઉપયોગ કર્યો છે.
૩) પછી, મારી દૃષ્ટિએ એ શ્લોક/મંત્ર/ઋચાનું વિવેચન કરીશ.
સંસ્કૃતમાં એક જ શબ્દના અનેક અર્થ જોવા મળે છે અને હું સ્વાભાવિક રીતે આધુનિક સંદર્ભ ધરાવતા અર્થનો ઉપયોગ કરીશ. વળી, વેદોના શબ્દો આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારના અર્થ ધરાવે છે. એવું કહેવાય છે કે, વેદોના શબ્દોનો અર્થ ના જાણતો વ્યક્તિ પણ જો માત્ર મંત્રોનું પઠન કરતો જાય તો પણ આપોઆપ એ શબ્દોમાં રહેલ ત્રણેય પ્રકારના ભાવને સમજતો થઈ જાય છે. વેદોના શબ્દોને ઋષિઓના આ આશિર્વાદ છે. મને તેનો સ્વાનુભવ છે.
પ્રત્યેક વેદમંત્રના ઋષિ, દેવતા અને છંદ હોય છે. જે મંત્રની અભિવ્યક્તિ કરે છે તે ઋષિ. કોઈ વ્યક્તિ કહે કે એને શ્રી નરેન્દ્ર મોદી ઓળખે છે. પરંતુ જ્યારે શ્રી નરેન્દ્ર મોદી સ્વયં કહે કે તેઓ પેલી વ્યક્તિને ઓળખે છે; ત્યારે એ અભિવ્યક્તિની અસર ઊંડી હોય છે. એટલે, કયા ઋષિ કયો મંત્ર/શ્લોક/ઋચા જણાવે છે એ ઘણું જ મહત્વ ધરાવે છે. પ્રત્યેક કાર્ય માટે શક્તિનો કોઈ પ્રવાહ રહેલો હોય છે. મંત્રમાં કહેવામાં આવે કે, “હે સૂર્ય! મારી બુદ્ધિને શુદ્ધ કરો”. તો આ મંત્રમાં સૂર્યના શક્તિ કે પ્રકાશ પ્રવાહને સંબોધીને ઋષિ પોતાની બુદ્ધિ શુદ્ધ કરવાની કામના કરે છે. એટલે, વેદમંત્રોના દેવતા જાણવા ઘણું જ મહત્વ ધરાવે છે. છંદ શબ્દોના ભાવને જગવનાર એવી અક્ષરોની ગૂંથણી છે.
આ ભગીરથ કાર્યમાં મારી આરાધ્યા મા જગદંબા, માતા-પિતા, પત્ની, બાળકો, સંબંધીઓ, મિત્રો અને અનેક ગુરુજનોના સાથ અને આશિષનો ઋણ સ્વીકાર કરું છું!
પ્રણામ!
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
