તવારીખની તેજછાયા
પ્રકાશ ન. શાહ
સ્વતંત્રતા, સામાજિક ન્યાય, માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનામાં કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ ઉમાશંકરના કિસ્સામાં પૂર્વશરત નહીં તો પણ ભૂમિકા જેવું રહ્યું છે.
![]()
બસ, ગઈ કાલની તરત ઉમાશંકર જયંતી (21 ૨૧ જુલાઇ ) : ચારેક દાયકા પાછળ ચાલ્યો જાઉં છું અને શામળાજીમાં ઉમાશંકર જોશીને બોલતા ભાળું છું. નકરું ભાળું જ શીદને, સાંભળું પણ છું. અવસર જેપી પ્રણિત લોકસમિતિના રાષ્ટ્રીય અધિવેશનનો હતો. બિહારથી આચાર્ય રામમૂર્તિ તો દિલ્હીથી રજની કોઠારી સામેલ થયા હતા. તો, ગુજરાતના જેપી આંદોલનના જોગંદર ભોગીલાલ ગાંધી અને કટોકટી કાળે ‘ભૂમિપુત્ર’-ખ્યાત ચુનીભાઈ વૈદ્ય તો હોય જ. ઉદ્ઘાટનનું ટાણું હતું અને, કેમ કે કવિ મંગલ વચનો ઉચ્ચારવાના હતા, આસપાસની શાળાઓનાં બાળકો બેલાશક હકડેઠઠ હતા.કવિ વતનની ભોમકામાં હતા અને વળી સમમનસ્કો વચ્ચે હતા…
ઉઘાડમાં જે ખીલ્યા છે! એમણે કહ્યું, સાચું કહું, મને કેવું લાગે છે… જાણે પિયરમાં ન આવ્યો હોઉં! બાળુડાં તો ઘેલાં ઘેલાં, ને એકદમ એમના હેવાયાં થઈ ગયાં. બાળ કિલ્લો સર કરી કવિએ બુરજબંધી હાથ ધરી, પિયર ને સાસરાને જોડવાની રીતે. પળવાર તો મને થયું, પેટલીકર પંડમાં પધાર્યા. પણ ઉમાશંકર આગળ ચાલ્યા, આપણી નાનકડી દુનિયા અને વિશાળ દુનિયા, એમાં સમાવું તે શું- એની રાજ્યશાસ્ત્રીય ને સમાજશાસ્ત્રીય ચર્ચા ભણી વળ્યા…
અને શો ચમત્કાર! સહસા સ્વાયત્તતાના મુદ્દા પર નાંગર્યા. એ દિવસોમાં ગુજરાતમાં યુનિવર્સિટીઓની સ્વાયત્તતાનો મુદ્દો સુરખીઓમાં હતો અને કવિ એનો મહિમા કરવા ઈચ્છતા હતા તે તરત પકડાયું. આજે નોકરિયાત મંડળી ઈચ્છતાં તંત્રોને શિક્ષણ સંસ્થાઓ અને એમની સ્વાયત્તતાનો મુદ્દો કેટલો પકડાશે, નહીં પકડાશે, દઈ જાણે.
૧૯૮૧માં, સિત્તેરમે, ઉમાશંકર ‘સમગ્ર કવિતા’ લઈને આવ્યા. એનાં પ્રાસ્તવિક વચનોમાં એમના, આપણને તો વિક્રમ વરતાય એવા જીવનક્રમનો એમણે સોજ્જો ખ્યાલ આપ્યો છે:‘ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો? સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં,- એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ…
’૨૦૧૧ – ૧૨ માં નિરંજન ભગતની નિગેહબાનીમાં અમે ગેરસરકારી રાહે ઉમાશંકર શતાબ્દીનું આયોજન કરી રહ્યા હતા ત્યારે સ્વાતિ જોશીએ પરિપ્રેક્ષ્યની ગરજ સારતો એક સરસ લેખ કર્યો હતો, જેમાં ઉમાશંકર જોશીને જાહેર જીવનના કવિ તરીકે ઓળખાવ્યા હતા. શબ્દ ક્યાંથી ક્યાં લઈ ગયો, એ કેફિયતનુમા ઉદ્્ગારોમાંથી તે તરત પમાય છે.
૧૯૮૧નાં હજુ હમણાં ટાંક્યાં પ્રાસ્તાવિક વચનોમાંથી જ આગળની થોડીક પંક્તિઓ ટાંકું એટલે એમનું જાહેર જીવનના કવિ હોવું તે શી વસ છે એ વિશે વધુ કંઈ કહેવાનું રહેશે નહીં:
‘સ્વતંત્રતા, સામાજિક ન્યાય, માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનામાં કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ જાણે કે કાવ્યરચનાની પૂર્વશરત નહીં તો પણ ભૂમિકા જેવું રહ્યું છે. આ બંને વસ્તુઓ સર્જનકાર્યની વિરોધી જેવી લેખાતી હોય છે, મને એવી લાગી નથી- કહો કે મારે માટે એ બાબતમાં પસંદગીને અવકાશ જ નથી.’
વિશાળ ગુજરાતી વાચક સમાજે ઉમાશંકરને કવિ તરીકે વાંચ્યા-વધાવ્યા હશે, પણ એમનું જાહેર જીવનના કવિ હોવું વર્ગખંડોના પાઠ્યક્રમમાં કેવું ને કેટલું પહોંચ્યું હશે તે આપણે જાણતા નથી- ભલે ભોમિયા વિના ભણ્યાભમ્યા હોય ઉમાશંકર, આપણે સારુ તો એ ભોમિયાઓ પૈકી ખરા જ ને!રાજ્યસભાના સભ્ય તરીકે અને પછીથી કેન્દ્રની સાહિત્ય અકાદમીના એ પોતે સાભિપ્રાય સંભારતા તેમ ‘ચૂંટાયેલા’ પ્રમુખ તરીકે, એમને દિલ્હીનો બાહ્યાભ્યંતર પરિચય છે, એવો જ પરિચય જેમકે દાંડીકૂચના સૈનિક ને ખ્યાત પત્રકાર કવિ શ્રીધરાણીને પણ લાંબા દિલ્હીવાસને કારણે સહજ હતો.
એક તબક્કે બલ્લુકાકાને (દુરારાધ્ય બ.ક.ઠા.ને) સુંદરમ્-ઉમાશંકર બેઉ કરતાં શ્રીધરાણીમાં કશુંક વિશેષ વરતાયેલું. શ્રીધરાણીનું દિલ્હી અને ઉમાશંકરનું દિલ્હી સાથે મળીને સત્તા-પ્રતિષ્ઠાન સામેનો સ્વતંત્ર સર્જક મિજાજ તે શું એ આબાદ ઉપસાવી આપે છે; અને આગળ ચાલતાં એમાંથી સ્તો નવયુગી નાગરિક એજન્ડા પણ નિ:સ્ત્રવે છે. શ્રીધરાણીની લાંબી રચનામાંથી બે પંક્તિઓ: સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ/જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ… શ્રીધરાણીએ સ્વરાજની પહેલી પચીસીમાં ઝીલેલી આ છબિ છે.
સ્વરાજની બીજી પચીસી બેઠે ત્રીજું વરસ ચાલે છે અને ૧૯૭૬ ના એપ્રિલમાં (રાજ્યસભાની મુદત પૂરી થતાં) ઉમાશંકર ‘અલ્વિદા દિલ્હી’ લઈને આવે છે. એની છેલ્લી થોડી પંક્તિઓ:
નવી, સાતમી દિલ્હી, ખબર છે તને તો-ઈતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.ખેડુની-શ્રમિકની વાંકી વળેલી પીઠ પર ઊભી છેએને વધુ વાંકી વાળતી દુનિયાની રાજધાનીઓરૂડી રૂડી વાતોને નામે.સાતમી દિલ્હી, નીચે ઊતરી શકીશ, જીવી જઈશ.દિલ્હીપણાને કરી તારી- અને મારી પણ-દિલી અલ્વિદા?
ઉમાશંકર, પ્રસંગે, ચોક્કસ રચનાઓનું પ્રકાશન મુદ્રિત સ્વરૂપે કરતાં પૂર્વે પઠનથી કરતા. એમની આ રચના પણ ૧૯૭૬ના માર્ચમાં લખાઈ અવાજ થકી પ્રકાશન પામી છે જાન્યુઆરી ૧૯૭૭માં, અને તે પણ ગુજરાતી સાહિત્ય પરિષદે યોજેલ કવિસંમેલનમાં. (બાય ધ વે, ’૭૭નો જાન્યુઆરી સાંભરે છે ને? કટોકટીની કાલરાત્રિ પછી પોહનાં ઉંબર અઠવાડિયાં છે અને કવિ દિલ્હીને એના દિલ્હીપણાની અલ્વિદાનો અવાજ લઈને આવે છે, આર્ત અને આર્ષ.)
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૯ – ૦૭ -૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
