કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
જીંદગીમાં સંજોગો બધા સાનુકૂળ રહ્યા હોય તો ‘પાસ’ તો જરૂર થવાતું હો ય છે, પરંતુ ‘નાપાસ’ થવાના પ્રસંગો પણ કાંઇ થોડા હોતા નથી. આજ નાપાસ થયાના થોડા પ્રસંગો યાદ કરવા છે.
[1] “સંબંધી-સગા” થવાની ઉતાવળ: વાત છે 1955ની સાલની. મારા કાકાના સસરાનું ગામ ભટવદર, અને ભટવદરમાં બીજાયે ઘણા સગા રહે. કુટુંબના વડીલ તરીકે મારા બાપાને અવાર-નવાર તેમને ત્યાં જવાનું થાય. આજે પણ ગામડા ગામનો એવો રિવાજ કે આડોશ-પાડોશ, સ્નેહી-સંબંધીને ત્યાં મહેમાનને ચા-પાણી પીવામાટે તેડી જાય. ભટવદરમાં ભગવાનભાઇ ગોરસિયા આબરૂદાર પટેલ. એમને ત્યાં તો મારા બાપાને ફેરે ફેરે ચા-પાણી અર્થે જવાનું બને જ ! મારા બાપા અને ભગવાનભાઇનો એવો જીવ મળી ગયો કે એક દિવસ ભગવાનભાઇએ દરખાસ્ત મૂકી કે “ ભીખાપટેલ ! મારે દીકરિયું છે પાંચ અને તમારે દીકરા છે પાંચ. હાલોને આપણે “સગા” થઈએ !” મારા બાપા કહે,” આતો ગોળ પેય ગળ્યું ! તો પછી…તમારી આ ‘ઢીંગલી’ મેં પાસ કરી લીધી. હવે હાલો મારી સાથે મારે ગામ.અને ભગવાનપટેલ આવ્યા અમારે ઘેર.મારાથી નાના મારા ભાઇ નરશીને દેખાડ્યો. [મારી સગાઈતો કહે છે કે ભાખણભરિયા હાલતા તે દિ’ કરી વાળેલી.] ઘડીક વિચાર કરી ભગવાનપટેલ કહે,” મને દીકરો બેક મોટો લાગે છે !” તો મારા બાપા કહે,” કંઇ વાંધો નહીં, આપણે સગા થવું એ વાત પાક્કી જ છે તો પછી એ ભલે બાકી રહ્યો, એ…. રામજી ! અહીં ઓરો આવ્ય, આ છોકરામાં ધ્યાન પડે છે તમારું ?” અને રામજીની સામું જોઇ ભગવાનપટેલ બોલ્યા કે “ હા, આ બરોબર ! આપણે દીકરી દીધી તમારા આ રામજી છોરા વેરે ! અને ચૂંદડી-ઘરેણું ચડાવી વેવિશાળ જાહેર કર્યું.
હવે બન્યું એવું કે પાંચમે વરસે ભગવાનપટેલના આવ્યા સમાચાર કે “મોટી બે દીકરિયુંની સાથોસાથ આ નાની દીકરી “સમુ” નાયે વીવા કરી વાળવા છે, એટલે લગ્ન લઈ બ્રાહ્મણ આવશે, વધાવી લેજો”. અમે મુંઝાયા. આ તો બાળલગ્ન કહેવાય ! અને રામજીને તો હજુ ભણવાનું ઘણું બાકી હતું. ભગવાન પટેલ જેવા સારા સગા હોવાછતાં અમારે એ સંબંધ ફોક કરવો પડ્યો. તમે જ કહો ! એકબીજાની લાગણીમાં આવી જઈ, આગળ-પાછળનું ઝાઝું વિચાર્યા વિના ઉતાવળે લીધેલા નિર્ણયથી સંબંધ તો વિંખાયો પણ ભગવાનભાઇ જેવા સાથેની ગાઢ મૈત્રીમાં ભંગ પડ્યો ! ભટવદર સગાને ત્યાં મારાબાપા જાય તો ભગવાનભાઇ મોઢું બતાવતા બંધ થઈ ગયા !
[2] હળદરની ખેતી બાબતે ઉલળી કૂદકો માર્યો : મહેંદ્રસિંહ શેખવા-અમારા ગ્રામસેવકની બદલી સાવરકુંડલા થયેલી. હું, બાબુભાઇ જાદવાણી, મગનભાઇ જોષી અને બીજા બે જણ- અમારે સાવરકુંડલા જવાનું થયું,અને શેખવાભાઇને મળવા બોલાવ્યા. શેખવાભાઇ તો ખેતીની સારી બાબતો સૌ ખેડૂતોને પહોંચાડવામાં ખરા માહીર ! કહે,”હીરજીભાઇ ! આટલા બધાનો તમારો મેળ જોઇ, અહીંની હળદરની ખેતી દેખાડવાનું મને મન થયું છે, છે ગાળો ?” મેં કહ્યું, તમે દેખાડતા હો એ જોવા-સમજવા ગાળો લેવો જ પડેને ? હા, આવી જાઓ જીપમાં.” અને અમે ગયા ગોપાળગ્રામ-ઢસા જ્યાં હળદર વાવી હતી તે ખેડૂતને ખેતરે. તો હળદર ખેંચી લીધેલી.ગયા ઘેર.ડેલીમાં ઘરતાં જ ફળિયાંમાં હળદરના ગાંઠિયાનો મોટો અણીશગ ઢગલો ભાળ્યો,ને માળું મન લલચાયું હળદરની ખેતી કરવા !
હળદર તલક છાંયડામાં થઈ શકતો પાક છે એવી માહિતી મેં મેળવેલી, એટલે સાગના પ્લાંટેશન વચાળે થોડીક હળદરનો પ્રયોગ કરી જોવાની ગણતરીથી મેં દસ મણ બિયારણનું બાનું આપ્યું. ત્યાંથી બહાર નીકળ્યા પછી અમારા વડીલ બાબુભાઇ કહે, મને વધુ વિસ્તારમાં હળદર વાવવાનું મન થાય છે, એ ભાઇને ફોન કરીને કહો કે તમારે જે ભાવ લેવો હોય તે લેજો, પણ અમારે તમારા હળદરના આખા ઢગલાની જરૂર છે.” અને સાચ્ચે જ, બે ટ્રેક્ટર લઈ બધી જ હળદર ભરી આવ્યા અને ખેતી કરી. હળદરની માવજત, સેવા-ચાકરી રસથી કર્યાં. હળદર થઈ ખુબ સારી પણ જે સમયે લીલી હળદરની માંગ બજારમાં હોય ત્યારે જો હળદરની કાપણી કરી હોય તો પૂરા ભાવ લઈ શકાય એવો અનુભવ નહીં ને એ વખત વીતી ગયો ! પછી તો કરી સૂકવણી,પણ કંઇ વળ્યું નહીં. નાનકડો પ્રયોગ કરી, બધી વિગતો જાણ્યા વિના જે મોટી બથ ભરાઇ ગઈ અને હળદરની ખેતી નુકશાની વહોરાવી ગઈ.
[3] “જથ્થાબંધ કામ” ના લોભે ઉધારીમાં ખેતીકામ કર્યું : વરસો પહેલાં મારા નાનાભાઇ નરશીએ એગ્રો સર્વિસ સેંટર શરૂ કરી ટ્રેકટરો દ્વારા ભાડેથી ખેડૂતોના ખેતીકામો કરવાનું ચાલુ કરેલું. બાજુના ગામ-ગઢાળીના એક ખેડૂતે એક મહિનો પૈસાની ખમત માગી ૧૦૦ વીઘા જમીનમાં ટ્રેકટરની ખેડ કરી દેવા માગણી કરી. અમારે કામની સિઝન ઢીલી હતી અને કામ સો વિઘા જેવું એક જ જગ્યાએ મળતું હતું,અને મહિના કેડે તો એ ભાડાના પૈસા કંઇ નથી દેવાનો એવું થોડું છે ? માની અમેતો ખેતીકામ કરી દીધું. ભાડાની રકમ કંઇક 1400-1500 જેવી થતી હતી. એણે કરેલા વદાડ પ્રમાણે મહિનો વિત્યો એટલે યાદ અપાવ્યું,તો કહે હજુ થોડા દિ’ ખમો. બે મહિના,અઢી મહિના, ત્રણ મહિના થયા પણ માળો પૈસા દેવામાં ગલ્લા તલ્લા કરે ! જણ હતો જાણીતો,પણ એનાં પેટમાં પાપ હશે એવી અમને ખબર નહીં. છેવટે એક દિવસ આકરા થઈ ઉઘરાણી કરી તો માળો ઉલળ્યો ! “હીરજીભાઇ ! પૈસાતો સામા તમારે દેવા પડે એમ છે.” કેમ ?” હું તો આભો જ બની ગયો.તે કહે-“ તમારા ટ્રેક્ટરે તો જમીન પોચી કરવાને બદલે એવી ટોરી નાખી હતી કે મારે લાકડાના હળનો હલસો [સમૂહ] કરી ઊખેડવી પડી ! ખરચો તો મારે થયો છે,ને ઉલટાના ઉઘરાણી કરો છો ?” બોલો,શું કહેવું આમને ? ત્રણ ત્રણ મહિના ટટળાવ્યા પછીયે બાંડો જવાબ દઈ દીધો ! દેવદેરાં ચડતાં ચડતાં અમારાથીયે જથ્થાબંધ કામની લાલચે ખોટી ઉતાવળ થઈ ગઈ ને હડમાનની હડીએ ચડી જવાયું. એ ખેડૂતનો સ્વભાવ-દાનત કેવા છે એ વિષે કોઇ અન્ય ઓળખીતાનો અભિપ્રાય લઈને પછી ઉધારે કામ કરવાને બદલે ઉલળી કૂદકો મારી દીધો ને ૧,૫૦૦ રૂપિયાનું આંધણ મૂકાઇ ગયું. પછીથી તો ધંધો ન થાય તો ન કરવો બાકી ઉધારે કોઇનું કામ કરવું નહીં તેવું નીમ લીધું.
[4] “સાગ” વાવી-સોનું લણવાની વાતમાં આવી ગયા : વરસો પહેલાં એક એવો જુવાળ ઊભો થયેલો કે “સાગ વાવો અને સોનું લણો” લોકો પાસેથી યુક્તિ પૂર્વક પૈસા ખંખેરાવાની એવી સ્કીમો યુક્તિબાજોએ કાઢેલી કે “૫૦૦ રૂપિયા રોકો,અને સાગનો છોડવો દોતી પંદર વરસે લાખો કમાઓ” અમે એવી પૈસા રળાવી આપતી કંપનીની સ્કીમોમાં તો નાણાં ન રોક્યા, પણ “સાગની ખેતીમાં ખૂબ કમાણી હશે” એવુ માની લઈ, અમારી વાડીમાં ૨૫ વીઘામાં બહારથી સ્ટંપ લાવી સાગ-સેવનનું વાવેતર કર્યું, અને ડ્રીપ બેસાડી, ખાતર-પોતરની માવજત આપવામાં કોઇ ખામી ન રહેવા દીધી. ગાદલું ને ગોદડું બે જ આપવાનું બાકી રાખેલું, પણ સાગે જોઇએ એવો હોંકારો ન આપ્યો. ઉંચાઇ પકડી ગયો,પણ માળો ડીલે લોંઠકો થાય તો કંઇ ઇમારતી બર નીકળે, અને તો કંઇક પૈસા ભળાય ! નીચે પથ્થરવાળી અમારી ચીકણી જમીન અને અમારું નપાણિયું અને ગરમ વાતાવરણ સાગને ફાવશે કે નહીં તેનો લાંબો અભ્યાસ કર્યા વિના કરી નાખેલી ઉતાવળ અમને નડી અને ૬-૭ વરસે સાગને જેસીબી મૂકી કાઢવો પડ્યો. જે અમારી ૨૫ વીઘા જમીનની ૭ વરસની કમાણી લઈને ગયો !
[5] પશુના બાહ્ય દેખાવમાં મોહી ગયા :
[અ]…… ખ્યાલ તો હતો જ કે “ ગાય-ભેંશ જેવું દુઝાણું ખરીદવું હોય તો તે વિયાંણેલું હોય તેવું ખરીદાય,અને નજર સામે દોહરાવીને એ શેલો વાળવા દે છે ને, એના ચારે આંચળ સરખા વરસે છે ને? દોહવામાં અકોણાઇ તો નથી કરતું ને ? એ હથવાર થઈ ગયેલ નથીને ? તે દૂધ કેટલું કરે છે ? વગેરેની જાત ખાતરી કરી પછી જ વહીવટ કરાય.અને આપણે જો વેચવાનું થાય તો બને ત્યાં સુધી વિયાંણા પહેલાં જ વેચી દેવાય,એવી વાતની ખબર હોવાછતાં 2012ની સાલમાં એક ગાય ખરીદવામાં ખોટી ઉતાવળ કરી ગયા અને દુ:ખી દુ:ખી થઈ ગયા. ગાય હતી બાજુના જ ગામના ખેડૂતની. વાને ગોરી, માથે-કાને-શિંગડે ‘ગિર’નાં જ લક્ષણો દેખાડતી, બાધલ અડાણ અને પૂરી હાડેતી. એણે કહ્યું કે “વિયાંવાને એક મહિનાની વાર છે” એ ભાઇના વેણ ઉપર વિશ્વાસ રાખી રૂપિયા ૩૨ હજાર રોકડા દઈ દોરી લીધી. એક મહિનો ઉતર્યો, બે મહિના ઉતર્યા, ત્રણ મહિના ઉતર્યા પણ ગાય વિયાંવાના એંધાણ જ વરતાવે નહીં ! છેવટે સાડા ત્રણ મહિને વિયાણીતો ખરી,પણ બચ્ચાં જણ્યાં બે ! દૂધ એને પાવું કે આપણે દોહવું ? અને દોહવા બાબતે એવી ગાંડાઇ આદરી કે ન શેલો વાળવા દે કે ન આંચળને અડવા દે ! એવા પાટા ઉલાળે કે કરવું શું ? પછી તો આગલા પગ ખીલા સાથે બાંધી પરાણે દોહવાય એટલું દોહીને વેતર પૂરું કરેલું બોલો ! થકવાડી દીધા એ ગાયે તો અમને. નીકળ્યા હતા “દૂઝણું“ ખરીદવા અને સામાના વિશ્વાસમાં આવી ગાય ખરીદવામાં અમે કરેલી ઉતાવળ અમને કેવી ભારે પડી ગઈ કે જેની વાત થાય તેમ નથી !
[બ]………. ખેડૂતોમાં એક એવીયે કહેવત છે કે ‘દૂઝાણું દોહીને લેવાય, અને બળદિયો અવાણીને ખરીદાય” વાત સાવ સાચી છે. અમારે ઘરની ગાયુના બે વાછરડા ઉછેરી એકરંગા બળદની જોડી બનાવેલી. એમાં જીવડું અડી જવાથી એક બળદ મરી ગયો ને જોડી ખંડિત થઈ ગઈ. અમે ચહેરે-મોરે અને રંગે-રૂપે અમારા બળદ જેવો હોય એવા બળદને ખરીદવાની તપાસમાં હતા અને વાવડ મળ્યા કે ગુંદાળામાં આવો એક બળદ વેચાવ છે. અમે ત્યાં ગયા.બળદ જોયો. રંગ,રૂપ, ઉંચાઇ,મોકલી, શિંગડાંનો ઘાટ અસ્સલ અમારા બળદ જેવા જોઇ, બળદ અમને ખૂબ ગમી ગયો, અને રૂપિયા ૪,૧૦૦ રોકડા આપી બળદ દોરતા જ આવ્યા.ઘેર આવી અમારા બળદની સાથે ઊભો રાખ્યો તો આંખ્યો ઠરી. માન્યું કે આપણે આપેલ ૪,૧૦૦ રૂપિયા વસૂલ !
પણ રજકાવાયું ખેડવા લોખંડી હળે નાંગળ્યાં,ને બે ઉથલ વળ્યા ત્યાં માળો બેસી પડ્યો ! અલ્યા ભારે કરી, આતો ખૂંટલ નીકળ્યો ! ધરમાંથી કાઢી-ફોહલાવી ઊભો કરી ફરી ધરમાં નાખ્યો તો આઘેરેક હાલી ફરી બેસી ગયો.અમે તો એ વેચનાર ભાઇને ફરિયાદ કરી કે ‘તમે અમને ખૂંટલ બળદ આપ્યો.’ તો કહે “ હેં ભાઇ ! તમે હતા તો ખેડૂત,કાંઇ કુંભાર નો’તા ! બળદિયાને ખરીદતાં પહેલાં અવાણીને લીધો હોતતો ? અમે ક્યાં અવાણવાની ના કીધી’તી ? હવે તો એ બળદ શેરાય ગયો ગણાય.તમે પાછો મૂકી જાઓ તો પછી કોઇ ખરીદે જ નહીં.તમારા કર્યાં તમે ભોગવો, આવજો !”
અમે છ મહિના સુધી શરૂઆતમાં હળવું સાંતી, પછી થોડું ભરતિયું ગાડું, અને છેલ્લે લોઢાનું હળ, એમ ધીરે ધીરે બળે વળગાડી માંડ ખૂંટલવેડા ભૂલવાડેલા ! બળદના રૂપ-રંગ જોઇ અવાણવાનું ભૂલી ગયા અને ખોટી ઉતાવળનું કેવું માઠું પરિણામ ભોગવ્યું તે અમારું મન જાણે છે.
[6] ભૂંડડાંના ત્રાસે ધીરજ ખોવરાવી : 2010ની સાલમાં મગફળીની ખેતીનો અભ્યાસ કરવા ચીન જવાનો મોકો મળેલો,અને ત્યાંની સફળ ખેતી પદ્ધતિને પંચવટી બાગમાં અમલમાં મૂકી મગફળીનું વાવેતર કર્યું. પણ ભૂંડનો એટલો બધો ત્રાસ શરૂ થયો કે ન પૂછો વાત ! બીજ વાવ્યાં ત્યારથી રાત્રિ-રખોપું શરૂ કરવું પડ્યું. એના ત્રાસથી ઉગરવા ફરતું કાપડ બાંધી જોયું, ઝટકો મૂકી જોયો, પણ બધામાં નાપાસ ! વિચાર આવ્યો કે આપણી વાડી ફરતું ફેન્સિંગ તો છે, તેની સાથે નીચેથી અઢી-ત્રણ ફૂટ ઊંચી લોખંડની ઝાળી-નેટ લગાવી દીધી હોય તો ભૂંડના ત્રાસમાંથી કાયમખાતે વાડી બચી જાય.
નાનોભાઇ વજુ રહે અમદાવાદ.એને કર્યો ફોન કે “તપાસ કરી અમદાવાદમાંથી ૧૦૦ વીઘા ફરતી લગાડી શકાય તેવી લોખંડની નેટ જલ્દી મોકલાવી દે. તેણે તો બીજા જ દાડે ૫,૦૦૦ રનીંગ ફૂટ નેટ મોકલી દીધી અને અમે ત્રણ-ચાર દિવસમાં વાડી ફરતેની ફેન્સિંગ સાથે લગાડી દીધી, ને થયું કે હાશ ! હવે ભૂંડના ત્રાસમાંથી તો બચ્ચ્યાં ? રાત્રિ-રખોપું બંધ કર્યું. પણ ત્રીજા દિવસે આંટો મારતાં મગફળીના પ્લોટમાં ભૂંડડાંએ કરેલું નુકશાન નજરે ચડ્યું. અરે ! ઘોળા દિવસે ચીકુડીના ઘેરામાંથી નીકળી, નેટના કાણાં સોંસરવા ગરકી ભૂંડના બચ્ચાંને ભાગતાં ભાળ્યા ! હવે સમજાયું કે “નેટ જલ્દી મોકલો” એવા અમારા આદેશ પાલનની ઉતાવળમાં નેટ નાનાં કાણાંવાળી છે કે મોટા કાણાંવાળી એનીયે ચોક્કસાઇ કરાયા વિના ઉતાવળથી નેટ ખરીદાઇ ગઈ અને પરિણામે નેટના કાણાં મોટાં આવી જતાં, બચ્ચાં નેટ સોંસરવા નીકળી જાય,અને મોટા ભૂંડ નેટમાં માથું મારે ત્યાં કાણું વધુ મોટું થઈ જતાં ભૂંડ પણ આરપાર આવી-જઈ શકે સગવડ સચવાઇ રહી. સવાલાખ રૂપિયા નેટ પાછળ ખર્ચાયા છતાં અમારાથી થઈ ગયેલ ઉતાવળ અમને ભૂંડના ત્રાસમાંથી ન બચાવી શકી.
[7].માપબારી ઉતાવળે તો બિયારણમાં “દગા” શરૂ કરાવ્યા: પાંચેક વરસ પહેલાં ધોળા તલની સરખામણીએ કાળા તલની જબરી માંગ ઊઠેલી. ખેડૂતો બસ કાળા તલનું બીજ…કાળા તલનું બીજ.. એમ કાળાતલના બિયારણની ગોતણે ચડી ગયેલા. પાડોશી દેવોભાઇ મોંઘાભાવે ખરીદી લાવેલ બીજમાંથી થોડો નમૂનો કાઢી મને બતાવતાં કહે, “ જૂઓ તો કેમ લાગે છે આબિયારણ ?“ મેં એ તલને બે હથેળી વચ્ચે ભીંસ આપી ચોળ્યા,તો હથેળીમાં રંગ ચોટ્યો, મેં કહ્યું,”દેવાભાઇ ! આમાં થોડું પાણી નાખોતો” અને થોડું પાણી નાખી, ખૂબ દબાણ આપી ઘસ્યા તો ઉપરથી કાળો રંગ જાંખો થઈ, અંદરથી તલનો રંગ ધોળો દેખાયો. એ બીજ વાવવાનું બંધ રખાવેલું બોલો ! કાળાતલ….કાળાતલ કરી કરી ખેડૂતોએ બિયારણ બાબતે એવી માંગ ઊભી કરેલી કે વેપારીઓ ધોળા માથે કાળો રંગ ચડાવી ખેડૂતોને છેતરવાના ધંધે ચડી ગયેલા.
માપથી જાજી ઉતાવળ વિવેકભાન ભૂલાવી નિર્ણય લેવામાં કેવી થાપ ખવરાવી જાય છે એના આ દ્રષ્ટાંતો પરથી ધડો લઈ ધ્યાન આપતા જે કોઇ થઈશું એને પછી પાછળથી પસ્તાવાનો વારો નહીં આવે એટલું તો ખરું ને મિત્રો !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
