રામાયણ – સંશોધકની નજરે

પૂર્વી મોદી મલકાણ

બાલ હનુમાન માતા અંજની દેવી

जय हनुमान ज्ञान गुन सागर
जय कपीस तिहुँ लोक उजागर॥१॥

राम दूत अतुलित बल धामा
अंजनि पुत्र पवनसुत नामा॥२॥

પ્રભુ શ્રીરામનાં મિત્રોમાં જાંબુવાન સિવાયનાં અન્ય મિત્રો જેવા કે સુગ્રીવ, હનુમાન વગેરેને આપણે વાનર તરીકે જાણીએ છીએ. પણ એ પ્રશ્ન ખરેખર વિચારણીય છે કે, પ્રભુ રામ સાથે મનુષ્યની જેમ જ વાત કરતાં આ મિત્રો શું વાનર જાતિનાં જ હતાં કે કોઈ અન્ય જાતિના? કારણ કે વાનર અને મનુષ્ય વચ્ચે બહુ મોટો ફર્ક રહેલો છે. અલબત્ત બુધ્ધિની વાત કરીએ તો વાનરો આજે ય મનુષ્યોનાં સમકક્ષી જ કહેવાય છે, પણ તેમ છતાં યે વાનર એ વાનર છે અને મનુષ્ય એ મનુષ્ય છે. એય કેવળ દેખાવથી જ નહીં પણ વાણી અને વર્તનથી યે આપણે જુદા છીએ. વાનર વિષે વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે,
वने भवं वानम्, राति गृहणाति ददाति वा –
वानं वन सम्बन्धिनं फलादिक गृहणाति ददाति वा ।

જે વનમાં ઉત્પન્ન થવાવાળા ફળોને ખાય છે તે વાનર કહેવાય છે. વર્તમાન સમયમાં જે જંગલો અને પહાડોમાં રહે છે અને ત્યાં જ ઉત્પન્ન થનારા ફળફૂલ ખાઈ ને તેના પર નિર્વાહ કરે છે તેમને વનવાસી અથવા ગિરિજન કહેવામાં આવે છે. આ પ્રકારે વનવાસીઓને વાનર વર્ગમાં ગણી શકાય છે. વાનર શબ્દ ને કોઈપણ જાતિ, ઉપજાતિ કે પ્રજાતિમાં ગણવામાં નથી આવતો.

એક શોધ અનુસાર પ્રભુ શ્રીરામનો જન્મ જ્યારે થયો તે અગાઉ હનુમાનજીનો જન્મ થયેલો. અગર વર્ષમાન્યતાને માનીએ તો લગભગ ૭૧૨૯ વર્ષ પહેલાં હનુમાનજીનો જન્મ થયેલો. જ્યારે આર્કિયોંલોજિસ્ટ કહે છે કે, આજથી લગભગ ૯ લાખ વર્ષ પહેલાં અમુક વિલક્ષણ પ્રકારની માનવજાતિ પૃથ્વી અને જળમાં હતી જેને પૂંછ અથવા ફિન હતી. પણ જેમ જેમ કુદરત માનવ અસ્તિત્ત્વને બદલવા લાગ્યો તેમ તેમ આ પૂંછ અને ફિનનું કામ ઓછું થતું ગયું, જેને કારણે તેનું અસ્તિત્ત્વ પણ મટતું ગયું. પણ આ વાત છે ૯ લાખ વર્ષ પહેલાંની, અને આપણે વાત કરીએ છીએ તે ૭૦૦૦ વર્ષ પહેલાંની. આ સમય એવો હતો જ્યારે માનવોએ સુસભ્ય સમાજ બનાવવાની શરૂઆત કરી દીધી હતી તેનું પ્રમાણ આપણને રામાયણમાં જોવા મળે છે. અગર ૭૦૦૦ વર્ષ પછીની વાત કરીએ અથવા તો શાસ્ત્રોક્ત વાણી વિકસિત થયાં પછી જોઈએ તો જાણ પડે છે કે, જેનાં દ્વારા જાતિ એવં જાતિનાં ચિન્હોને પ્રગટ કરવામાં આવે છે તે પ્રાણીદેહનાં અવયવોની નિયત રચના એ જાતિનું ચિન્હ બનતી હોય છે. દા.ખ.ત બ્રાહ્મણોની શિખા તે તેમની જાતિનું ચિન્હ છે. તેજ રીતે હનુમાન, સુગ્રીવ, અંગદ વગેરેનું ચિત્ર જોવામાં આવે છે ત્યારે તેમની પૂંછ જોવા મળે છે, પણ તેમની સાથે રહેલી માદાને પૂછડી હોતી નથી ઉપરાંત તે માદાનું શરીર સ્ત્રી જેવું જ હોય છે. ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો હનુમાન અને તેની માતા અંજનીદેવીનું ચિત્ર કે સુગ્રીવ અને તેની પત્ની તારાનું ચિત્ર. બીજી રીતે કહીએ તો નર અને માદા વચ્ચે રહેલ આ ભેદ બીજા અન્ય કોઈપણ પ્રાણીવર્ગમાં જોવામાં નથી આવ્યો. આ કારણે આપણે એમ કહી શકાય કે, કેવળ પૂંછને કારણે હનુમાન, સુગ્રીવ આદી ને વાનર કે બંદર માની શકાય તેમ નથી. આ બાબતનું પ્રમાણ આપણને હનુમાન ચાલીસાની આ લાઇન ઉપરથી મળે છે.    

 जय हनुमान ज्ञान गुन सागर

जय कपीस तिहुँ लोक उजागर॥१॥

અર્થાત:- ત્રણેય લોકને ઉજાગર કરનાર, કપિ નામની જાતિમાંથી આવનાર અને જ્ઞાન અને ગુણનાં સાગર એવા હનુમાનની જય હો. 

 જાતિને ઉજાગર કરવામાં પૂંછ સિવાય બીજી વસ્તુ “ભાષા” પણ આપણે ગણી શકી છીએ. અગર ભાષાની દૃષ્ટિએ જો જોઈએ તો ખ્યાલ આવે છે કે, હનુમાન આદી વાનરોની ભાષા મનુષ્યોને મળતી આવતી હતી. વાલ્મીકિ રામાયણમાં કહ્યું છે કે; ઋષ્યમૂક પર્વત ઉપર હનુમાન અને શ્રીરામ વચ્ચે પ્રથમ મિલન થયું. તે સમયે બંને વચ્ચે વાતચીત થઈ.

नानृग्वेदविनीतस्य नायजुर्वेदधारिणः।
नासामवेदविदुषः शक्यमेवं प्रभाषितुम्॥
नूनं व्याकरणं कृत्समनेन बहुधा श्रुतम्।
बहुव्याहरतानेन न किञ्चिदपशब्दितम्॥
 
संस्कारक्रमसंपन्नामद्र तामविलम्बिताम्।
उच्चारयति कल्याणी वाचं हृदयहारिणीम्॥

કિષ્કિંધાકાંડ ૩/૨૮,૨૯, ૩૦, ૩૨ )
આ વાતચીત પછી રામચંદ્રજી લક્ષ્મણને કહે; ઋગ્વેદનાં અધ્યયનથી જે અનભિજ્ઞ છે, યજુર્વેદનો જેને બોધ નથી અને સામવેદનો જેણે અભ્યાસ કર્યો નથી તેવી વ્યક્તિ કોઈપણ પ્રકારથી આટલી વિવેકી વાત કરી શકતાં નથી. નિશ્ચયથી જ આમણે પૂર્ણ વ્યાકરણનો અભ્યાસ કર્યો હોવો જોઈએ. કારણ કે આપણી સાથેની વાતચીત દરમ્યાન આમણે એકપણ અશુધ્ધ શબ્દ બોલ્યાં નથી. આમની સંસ્કાર સંપન્ન, શાસ્ત્રીય પધ્ધતિથી ઉચ્ચારીત કરેલી વાણી મને કલ્યાણી અને હૃદયને હર્ષિત કરનારી લાગે છે. આમ જ્યાં રામ વાત કરે છે; ત્યાં વાલ્મીકિજી એમ પણ કહે છે કે, હનુમાનજી ચતુર ભાષાવિદ્ છે, તેથી જ તેણે અત્યંત કુશળતાપૂર્વક રામચંદ્રજીને પોતાની અને પોતાના સ્વામી સુગ્રીવની ઓળખ આપી છે. જોવાની વાત એ છે કે, હનુમાનજીની ભાષાવિદ્વતાનો કે સમજદારીનો આ એક જ પ્રસંગ નથી, બીજો પ્રસંગેય સુંદર કાંડમાં બતાવતાં કહ્યું છે કે, જ્યારે હનુમાનજી અશોકવાટિકામાં પહોંચ્યાં ત્યારે તેમણે રાક્ષસીઓથી ઘેરાયેલ સીતાજીને જોયા. ભગવતી સીતાને જોઈ હનુમાનજી વિચારવા લાગ્યાં કે,
यदि वाचं प्रदास्यामि द्विजातिरिव संस्कृताम्।
रावणं मन्यमाना मां सीता भीता भविष्यति ।।१।।  

सेयमालोक्य मे रूपं जानकी भाषितं तथा।
रक्षोमिस्त्रासिता पूर्व भूयस्त्रासं गमिष्यति ।।२।। 

ततो जातपरित्रासा शब्दं कुर्यान्मनिस्विनी।
जानाना मां विशालाक्षी रावणं कामरूपिणम् ।।३।। 
સુંદર કાંડ -૧૭/ ૧૮/ ૨૦/ ૩૦ )
મારી વનવાસી જેવી કાયા સાથે જો હું બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય જેવી દ્વિજાતિ જેવી સુસંસ્કૃત સંસ્કૃત ભાષાનો પ્રયોગ કરીશ તો ભગવતી સીતા મને રાવણ કે અન્ય અસુર સમજીને ડરી જશે અને કોલાહલ કરી મૂકશે આથી હું નાગરિકને યોગ્ય એવી પરિમાર્જિત પ્રાકૃત ભાષાનો જ પ્રયોગ કરીશ. આ વાતથી પ્રતીત થાય છે કે, હનુમાનજીમાં કેટલી બધી બુધ્ધિ હશે કે તેઓ સીતાજી સાથેનાં વાર્તાલાપ માટે પણ સ્વયં ને તૈયાર કરી રહ્યાં છે. આનાથી વિપરીત જો તેઓ વાનરપ્રાણીની કક્ષાનાં જ હોય તો તેઓ કેવી રીતે આટલો બધો વિચાર કરી શકે? બીજું આ બાબતમાં એ સમજવા મળે છે કે; એ સમયે રાવણનાં બ્રહ્મકુલને કારણે મોટાભાગનાં મંત્રી લોકો સંસ્કૃત ભાષાનો પ્રયોગ કરતાં હશે જ્યારે સામાન્ય જનપદની ભાષા સંસ્કૃતથી ભિન્ન હશેજનપદ ભાષાની વાત કરીએ તો, કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે અવધનાં પ્રાંતમાં હનુમાનજી આવાગમન હંમેશા થતું હોઈ આપ અવધિભાષાને પણ જાણનારા હતાં.
હનુમાન માતા અંજની દેવી સાથે મહારાજ સુગ્રીવ અને તારા
 સુગ્રીવ.. હનુમાનજીનાં સાથી સુગ્રીવને પણ વાલ્મીકિજીએ મધુરભાષી અને વિવેકી બતાવ્યાં છે, રામાયણમાં જેટલીવાર રામ સાથે કે અન્ય સમ જાતિના લોકો સાથે સુગ્રીવનો વાર્તાલાપ થયો છે તે તમામ વાર્તાલાપ શ્રી રામ અને લક્ષ્મણ બંને સમજી શક્યાં છે આ બાબત દર્શાવે છે કે, રામ અને સુગ્રીવની વાણી વચ્ચે સામ્યતા હોવી જોઈએ અન્યથા શ્રીરામને વાનરોની ભાષા શી રીતે સમજાય? મહર્ષિ વાલ્મીકિજીની જેમ બીજી તરફ તુલસીદાસજી પણ છે, જેમણે હનુમાનજી માટે “જ્ઞાનગુણ સાગર” શબ્દનો ઉપયોગ કર્યો છે, જે દર્શાવે છે કે હનુમાનજી કોઈ અવિચારી માંકડા જેવા નથી બલ્કે વનમાં રહેનારા વાનર-વનનર છે, અલબત્ત તેમણે પણ આ વાનર શબ્દ ઉપર પ્રકાશ નથી પાડ્યો તેથી પૂંછ જેવી શારીરિક રચના ધરાવતાં હનુમાનજી કોણ છે તેનાં પર પ્રશ્નચિન્હ તો ઊભું જ રહે છે.

સીતાશોધ કરતાં શ્રી રામનો સુગ્રીવ, હનુમાન આદી વાનરોનો પરિચય થાય છે ત્યારે સુગ્રીવ પણ બતાવે છે કે, ભયંકર કર્મ કરવાવાળા એક રાક્ષસને મે આકાશમાર્ગે એક દેવીનું અપહરણ કરીને જતાં જોયેલો. આ દેવી હાં રામ, હાં લક્ષ્મણ વગેરે નામોનાં ચિત્કાર કરી રહી હતી. મને લાગે છે કે  જરૂર એ દેવી ભગવતી સીતા જ હશે. આગળ વધતાં સુગ્રીવ કહે છે કે, જ્યારે અમે પાંચ જયારે આ પર્વતની ચોટી પર બેસેલાં હતાં તે સમયે તે દેવીએ અમને જોઈ પોતાનાં આભૂષણો અમારી પાસે નાખેલાંહું એ આભૂષણો લાવું છું તે આપ ઓળખી લો. એમ કહી સુગ્રીવ ઊભા થયાં અને ગુફામાં સાચવી રાખેલ તે આભૂષણોની પોટલી લાવી રામનાં હસ્તમાં મૂકી. આ પ્રસંગમાં એ તરફ દોરાય છે કે, અગર સુગ્રીવ અને તેનાં સાથીઓ જો બંદરની જાતિનાં વાનરો હોય તો તેમને મનુષ્યની ભાષા શી રીતે આવડે છે, અને નારીનાં આભૂષણોમાં તેમને શું ખબર પડે? પણ સુગ્રીવ દ્વારા આભૂષણનું સાચવી રાખવું અને પછી રામનાં હસ્તમાં આભૂષણોની પોટલી પરત કરવી તે બાબત દર્શાવે છે કે; સુગ્રીવ, હનુમાન, અંગદ વગેરે બંદર જાતિનાં વાનર ન હતાં, પણ પૂંછ જેવી એક શારીરિક રચના ધરાવનાર વનમાં રહેનાર નરો હતાં.   

મહર્ષિ વાલ્મીકિજી જેમ સુગ્રીવ, હનુમાન માટે વાત કરે છે તેમ વાલિપુત્ર અંગદને માટે પણ વાત કરે છે. આપ કહે છે કે; રામસેતુ બન્યાં પછી રાવણને આખરી મોકો આપવા જવા માટે તેનાં દરબારમાં કોને મોકલવા તે અંગે શ્રી રામની સેનામાં વાર્તાલાપ થતો હતો. તે સમયે હનુમાનજી વાલિપુત્ર યુવરાજ અંગદને ધ્યાનમાં રાખીને કહે છે કે,
बुध्धया ह्याष्टांगअंगयुकतं चतुर्बलसमन्वितमम्
चतुर्दशगुणं मेने हनुमान् बालिनः सुतम् ॥ 
 
( કિષ્કિંધાકાંડ ૫૪ .૨)
 યુવરાજ અંગદમાં અષ્ટાંગ બુધ્ધિબળ છે. તે ચાર બળ અને ચાર અસ્ત્ર ધરાવનારો છે. ઉપરાંત તે વીર, વિદ્વાન અને રાજનીતિનાં ચૌદગુણોથી યુક્ત છે માટે મારી દૃષ્ટિએ અંગદ જ આ કાર્ય માટે સુયોગ્ય રહેશે. હવે હનુમાનજી કહેલાં ગુણો ઉપરે ય એક નજર કરી લઈએ.
૧) અષ્ટાંગ બુધ્ધિબળ:-
     ૧) સાંભળવાની ઈચ્છા અને સંભળાવવાની ઈચ્છા,

    ૨) સાંભળીને જે મન-મગજમાં ઉતારે છે,

    ૩) જે સાંભળીને અયોગ્ય વાત પર ઉહાપોહ કરે છે,

    ૪) જે સતત સમજવાની કોશિશ કરતો રહે છે,

    ૫ ) જે અર્થ, તાત્પર્ય ને પોતાનાં ધ્યાનમાં લે છે,

    ૬ ) જે દરેક નાના -મોટા વિદ્વાનો અને મંત્રીઓની વાતમાં ધ્યાન આપે છે,

    ૭ ) જે વિજ્ઞાનને જાણે છે

    ૮) જે તત્ત્વજ્ઞાનનેય પારખે છે તે

૨) ચાર બળ અને ચાર અસ્ત્ર:-
     ૧) જેની પાસે બાહુબળ, મનોબળ, બંધુબળ અને ઉપાયબળ પણ છે
 
    ૨) જે શત્રુને વશ કરવા માટે સામ, દામ, દંડ અને ભેદ એ ચાર અસ્ત્ર છે જેને અંગદ જાણે છે
 
૩) રાજનીતિનાં ચૌદગુણો:-
    ૧) દેશકાળનું જ્ઞાન,

   ૨) કષ્ટસહિષ્ણુતા,

   ૩) સર્વવિજ્ઞાનતા,

   ૪) વાણીદક્ષતા, ઉત્સાહી,

   ૫) મંત્રગુપ્તીમાં યુક્ત,

   ૬) એકવાકયતામાં રહેનારો,

   ૭) શૂરવીર,

   ૮) દૃઢતા ધરાવનારો,

   ૯) કૃતજ્ઞતા રાખનારો,

   ૧૦) શરણાગતવત્સલ,

   ૧૧) અધર્મ પ્રતિ રોષ રાખનારો,

   ૧૨) એક જ સમય પર ચપળતા અને અચપળતા રાખનારો

   ૧૩) ગંભીરતાને સમજનારો

   ૧૪) પડકાર ફેંકવાની હિંમત કરનારો

આમ હનુમાનજીએ અંગદનાં ચૌદ રાજનૈતિક ગુણોને શ્રી રામ પાસે પ્રસ્તુત કર્યા છે. જોવાની વાત એ કે, મહર્ષિ વાલ્મીકિ અહીં જ નથી અટક્યાં. આપે તો એમ પણ કીધું છે કે, વાનરરાજ વાલિની પત્ની પણ અત્યંત વિદ્વાન છે, સૂક્ષ્મ વિષયોને જાણીને નિર્ણય કરનારી છે, નાના પ્રકારોના ઉત્પાતોનાં ચિન્હોને સમજવાવાળી અને સર્વ કાર્યમાં નિપુણ છે. મહર્ષિ વાલ્મીકિજીએ વાલિ પત્ની તારાનાં જે ગુણો દર્શાવ્યાં છે તે જોતાં ખ્યાલ આવે છે કે; આ તમામ ગુણો માનવકન્યાનાં ગુણો જેવા છે. પણ વાલિ એ વાનર રાજા છે. તો આ તારા કોણ છે જેમાં માનવગુણો ભર્યા છે. તારા માટેનું વિશેષ વિશ્લેષણ કરતાં રામાયણમાં કહ્યું છે કે; મેઘનાદ સાથેનાં યુધ્ધમાં મૂર્છિત થયેલ લક્ષ્મણજીને પાછા ઊભા કરવામાં મદદ કરેલી તે “સુષેણ વૈદ્યની પુત્રી તે વાલિની પત્ની છે. “આ વાતનું તાત્પર્ય એ થયું કે, જો સુષેણજી જો માનવ હોય તો તેની પુત્રી પણ માનવ જ હોવી જોઈએ અને માનવ કન્યાનાં વિવાહ માનવ સાથે જ થવા જોઈએ, પણ તેમ થયું છે કે નથી થયું તે બાબત વિચારણીય છે. કારણ કે વાત તો એટલી જ ઉજાગર થાય છે કે; કિષ્કિંધા નરેશ “વાનરરાજ” વાલિની પત્ની એ તારા છે. ( કિષ્કિંધાકાંડ ૨૫/૩૦ )

આગળ વધતાં કિષ્કિંધાકાંડમાં મુનિ વાલ્મીકિ કહે છે કે, વાલિવધ પછી મહારાજ બનેલા સુગ્રીવનાં રાજતિલક સમયે અક્ષત, અંગરાજ, ગોરોચન, મધુ, ધૃત આદિ લઈને આવેલી સોળ સુંદર કન્યાઓ સાથે યજ્ઞોને જાણનારા વિદ્વાન બ્રાહ્મણો ત્યાં આવ્યાં અને હવનયજ્ઞ પૂરો કર્યો. આમ સુગ્રીવનાં રાજતિલકમાં સોળ કુમારી કન્યાઓ અને જે બ્રાહ્મણોનો ઉલ્લેખ થયો છે તે સર્વે માનવજાતિનાં જ છે તે વાત અહીં સાબિત થઈ જાય છે. મહર્ષિ વાલ્મીકિનાં આ વર્ણન અને વિવરણ જાણ્યાં પછી અંતે હવે એક પ્રશ્ન તો રહે જ છે કે, સુગ્રીવ, હનુમાન અંગદ વગેરે કઈ જાતિનાં હતાં? મનુષ્ય જાતિનાં કે વાનરજાતિનાં??


 © પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ | purvimalkan@yahoo.com