ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા (ગ઼ઝલ)
શેર ૧ થી ૩થી આગળ
(શેર ૪ થી ૬)
મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા (રસદર્શનકાર)
ઉજ઼્ર-એ-વામાંદગી ઐ હસરત-એ-દિલ
નાલા કરતા થા જિગર યાદ આયા (૪)
[ઉજ઼્ર-એ-વામાંદગી= થાકનું બહાનું; હસરત-એ-દિલ= દિલની ઇચ્છા; નાલા= ફરિયાદ]
રસદર્શન :
ગ઼ાલિબ કે કોઈપણ ગ઼ઝલકારની ગ઼ઝલોમાં જિગર, દિલ કે હૃદય પ્રયોજાતાં તો હોવાનાં જ, કેમ કે ગ઼ઝલને એની સાથે ગાઢ નાતો હોય છે. ગ઼ઝલ એ દિલની કવિતા છે. દિલના કેટકેટલા સંવેગો હોય છે, જેવા કે હર્ષપુલકિત થઈ જવું, રડવું, તડપવું, દ્રવવું, ઝુરાપો અનુભવવો, અકળાવું, તૃપ્ત થવું, દયાભાવ જાગવો, ફરિયાદી બનવું, તિરસ્કારવું વગેરે. ગ઼ાલિબ તેમની ગ઼ઝલોમાં શરીરશાસ્ત્ર સાથે સંબંધિત રૂધિરાભિસરણ તંત્રને સાહિત્યિક ઢબે પ્રયોજે છે. અહીં પ્રત્યક્ષ રૂપે તો નહિ, પણ સહેજ આડકતરી રીતે દિલની એ વાત આવે છે. દિલની લોહી ધકેલવાની સ્થુળ કામગીરી તો નહિ, પણ તેની અમૂર્ત એવી તેની સંવેદનાત્મક હાલતની આ વાત છે. ગ઼ાલિબ કાબિલે દાદ ગણી શકાય તેવી પરિકલ્પના કરે છે કે માશૂકા સાથેના મિલનની દિલમાં ઇચ્છાઓ તો ઘણી હતી, પણ કોણ જાણે એ ઇચ્છાઓ સિદ્ધ ન થવાના કારણે હવે એ દિલ થાકી ગયું છે. વાત પણ યથાર્થ છે કે આપણે કોઈ લક્ષની સિદ્ધિ માટે પુરુષાર્થ કરતા હોઈએ અને પરિણામનું કોઈ ચિહ્ન પણ આપણી નજરે ન આવતું હોય, ત્યારે આપણો ઉત્સાહ મંદ પડી જતો હોય છે અને આપણે થકાવટ અનુભવતા હોઈએ છીએ. શેરના પહેલા મિસરાને બીજા મિસરા સાથે સાંકળી લેતાં સંગૃહિત અર્થપ્રાપ્તિ એ થાય છે કે ઇચ્છાઓની અતૃપ્તિના કારણે હારી-થાકી ગયેલા એ દિલને હવે વધારે ન સંતાપવું જોઈએ, કેમ કે માશૂકને પોતાના જિગરની એ ફરિયાદ યાદ આવી જાય છે કે હવે તે વધારે વેદના સહન કરી શકશે નહિ.
* * *
જ઼િંદગી યૂઁ ભી ગુજ઼ર હી જાતી
ક્યૂઁ તિરા રાહગુજ઼ર યાદ આયા (૫)
[રાહગુજ઼ર= પસાર થવાનો રસ્તો]
રસદર્શન :
અંતરને સ્પર્શતી સાવ સરળ અને વાતચીતમાં પ્રયોજાતી હોય તેવી શૈલીમાં લખાયેલો ગ઼ાલિબનો આ શેર ભવ્યાતિભવ્ય છે. માશૂકાને સંબોધીને કહેવાયેલા આ શેરમાંની હળવાશમાં ભારોભાર વેદના ઘુંટાયેલી છે. જીવનભર માશૂકાને પામવા માટે તેની પાછળ પાછળ રસ્તે ભટકવામાં અને તેના નિવાસસ્થાનની ગલીમાં આંટાફેરા મારવાના પોતાના નિષ્ફળ પ્રયત્નોની માશૂકને અચાનક યાદ આવી જાય છે અને મનોમન ‘ક્યૂઁ’ પ્રશ્નથી તે અફસોસ જાહેર કરે છે કે આ બધું કરવાની શી જરૂર હતી! માશૂકાનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવાના કોડ જ્યારે નિરાશામાં પરિણમ્યા જ છે, ત્યારે માશૂકને વિચાર આવે છે કે માશૂકા વગર પણ હાલ સુધીની જિંદગી પસાર થઈ છે અને હવે પછી પણ પસાર થઈ જ જવાની છે; તો માશૂકાની પ્રાપ્તિ માટેની એ દિવાનગી સાવ વ્યર્થ હતી, તો હવે તેને શા માટે યાદ કરીને વ્યથા અનુભવવી! આ શેરમાંના બીજા મિસરાને પહેલો ચર્ચીને પછીથી પહેલા મિસરાને સમજાવવાનો આશય માત્ર એ છે કે જેથી શેરનું અર્થઘટન સરળ અને સુગ્રાહય બની રહે. હાલ સુધી આપણે શેરના આંતરિક સૌંદર્યને માણ્યું, પણ તેના બાહ્ય સૌંદર્ય ઉપર નજર નાખીએ તો આપણને દેખાશે કે ગ઼ાલિબે ‘ગુજ઼ર’ અને ‘રાહગુજ઼ર’ શબ્દોને એકબીજા સાથે પડઘાવીને આપણને તેમના ધ્વનિસૌંદર્યની અનુભૂતિ કરાવી છે. ગ઼ઝલ હોય, કાવ્ય હોય કે કોઈ ગીત હોય; પણ તેમાંની સર્જકની ઉચિત શબ્દપ્રયોજના પણ ભાવક માટે હૃદયસ્પર્શી બની રહેતી હોય છે.
* * *
ક્યા હી રિજ઼વાઁ સે લડ઼ાઈ હોગી
ઘર તિરા ખ઼ુલ્દ મેં ગર યાદ આયા (૬)
[રિજ઼વાઁ= જન્નતનો દ્વારપાળ; ખ઼ુલ્દ= જન્નત, સ્વર્ગ; ગર= અગર, જો]
રસદર્શન :
ગ઼ાલિબની નિસર્ગદત્ત કવનશૈલી એવીક તો છે કે તે લખે છે, સહજ; અને કોઈક ને કોઈક ભાષાશાસ્ત્રીય અલંકાર બની જાય છે. આ ગ઼ઝલના પ્રત્યેક શેરમાં તો વળી વિરોધાભાસ અને વ્યતિરેક અલંકારો એવી રીતે પ્રયોજાયેલા દેખાશે કે તેમને ઓળખવામાં પણ ભૂલથાપ ખાઈ જવાય. અલંકારશાસ્ત્રનો અહીં વ્યતિરેક અલંકાર પ્રયોજાયો છે, જ્યાં ઉપમેય (માશૂકાનું ઘર)ને ઉપમાન (જન્નત) કરતાં ચઢિયાતું બતાવાયું છે. આ શેરમાં જ જોઈએ તો માશૂકને જન્નતના સુખ કરતાં માશૂકાનું ઘર વધારે સુખદાયક લાગે છે. ગુજરાતી કવિ દયારામે પણ પોતાના એક પદમાં લખ્યું જ છે કે ‘વ્રજ વહાલું રે, વૈકુંઠ નહિ આવું!’ બીજી આ ગ઼ઝલના દરેક શેરની વિશેષતા એ છે કે તેના બંને મિસરાઓ કાર્યકારણના સંબંધથી જોડાય છે. ‘યાદ આયા’ રદીફથી આપણને હરીન્દ્ર દવેની આ પંક્તિ પણ યાદ આવ્યા સિવાય રહેશે નહિ કે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’.
ઉપરોક્ત શેરને આનુષંગિક વાતો તો ઘણી થઈ, પણ હવે આપણે આપણા શેર ઉપર આવીએ. પહેલા મિસરામાંનો રિજ઼વાઁ એટલે કે રિજવાન શબ્દનો ઈસ્લામિક મજહબ અનુસાર અર્થ થાય છે, એ નામનો ફરિસ્તો કે જે જન્નતના દરવાન તરીકેની ફરજો બજાવે છે. અહીં ‘ક્યા હી’ શબ્દને ‘કેવીક તો’ એ અર્થમાં લઈશું તો શેર સારી રીતે સમજાશે. આમ આનો વાચ્યાર્થ થશે, ‘કેવીક તો રિજવાન સાથે લડાઈ થશે’, અર્થાત્ ‘રિજવાન સાથે જબરદસ્ત લડાઈ થશે.’ આમ આ મિસરામાં ‘કાર્ય’ એટલે કે એવી લડાઈની ઘટના સર્જાશે. હવે આનું કારણ બીજા મિસરામાં એ છે કે અગર જો જન્નતમાં માશૂકાનું ઘર યાદ આવી જશે, તો રિજવાન સાથે રકઝક થશે. અહીં ‘રકઝક’, ‘જીભાજોડી’ કે ‘બોલાચાલી’ શા માટે હશે તે અધ્યાહાર હોવા છતાં સમજી શકાય છે કે ‘જન્નતને છોડી જવા માટે તે હશે.’ રિઝવાન જન્નતી જીવને એકવાર જન્નતમાં પ્રવેશ આપ્યા પછી બહાર ન જવા દે અને માશૂક જન્નતમાંથી બહાર જવા દેવા માટેની જીદ કરે અને આમ એ બેઉ વચ્ચે ઝપાઝપી થવા માંડે. આપણને એ યાદ રહે કે આ વબાલ ‘ગર’ શબ્દ થકી શરતી હોવાનું સમજાય છે, તો વળી માશૂકના મતે માશૂકાનું નિવાસસ્થાન જન્નત કરતાં વધારે સુખદાયક હોવાનું પણ સમજાય છે. આ શેરમાં માશૂકની માશૂકા પરત્વેની દિવાનગીની પરાકાષ્ઠા અનુભવાય છે.
(ક્રમશ:)
* * *
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577 // +91 94261 84977
નેટજગતનું સરનામુઃ William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો
