સમાજદર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

માનવતા કોઇ ધર્મ કે સંપ્રદાયની ઓશિયાળી નથી, એ જ રીતે તે કોઇ ચોક્કસ ધર્મ કે સંપ્રદાયનો ઇજારો પણ નથી. ઉલ્ટાનું ક્યારેક સંકુચિત ધર્મસંપ્રદાય કટ્ટર બનીને  માનવતાનો  દુશ્મન બની જતો હોય છે. માનવતાનું ઝરણું પૃથ્વીનાં કોઈપણ સ્થળે ફૂટી નીકળી શકે છે અને આગળ જતા ક્યારેક તે નદીનું સ્વરૂપ ધારણ કરે છે. પછી તેને નદીની જેમ જ દેશની સરહદ ઓળંગતા રોકી શકાતું નથી.

        આ વાતને ચરિતાર્થ કરનારાઓમાં ‘અબ્દુલ સત્તાર ઇધિ’ નું નામ ખૂબ જ આગળ પડતું હોવાછતાં તેની નોંધ પ્રમાણમાં ખૂબ જ ઓછી લેવાઈ છે. તેમનો જન્મ ગુજરાતમાં જૂનાગઢ પાસે આવેલા બાટવા ગામમાં તારીખ 28 ફેબ્રુઆરી ૧૯૨૮ના દિવસે એક મેમણ પરિવારમાં થયો હતો.  માતાનું નામ કુબરા અને પિતાનું નામ અબ્દુલ શુકુર હતું. અબ્દુલ સત્તારની ઉંમર જ્યારે 11 વર્ષની હતી ત્યારે માતા કુબરા લકવા થવાથી પથારીવશ થયાં. માતાને નવરાવવાનું, તેમની પથારી સાફ કરવાનું, કપડાં  ધોવાનું તથા તેને લગતું બધું જ કામ નાની ઉંમરના અબ્દુલે  સંભાળી લીધું. સતત આઠ વર્ષ એટલે કે માતાનાં અવસાન સુધી તેમણે માતાની આ પ્રકારે  સેવા ચાલું રાખી હતી.

મહમદલી જિ‌ન્હાના ભાષણોની અસરમાં ભારતના ઘણાબધા મુસ્લિમોને લાગેલું કે દેશના ભાગલા પછી મુસ્લિમોનાં સ્વર્ગ સમાન પાકિસ્તાન બનશે. તેથી અન્ય કેટલાક મુસ્લિમોની જેમ પાકિસ્તાન બન્યાના આઠમાં દિવસે જ ઇધિ સાહેબ પોતાની 19 વર્ષની ઉંમરે કરાચી પહોંચ્યા. પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેમને ખ્યાલ આવ્યો  કે અહીં તો પોતે હવે એક  નિરાશ્રિત  જ છે. હવે નિરાશ થયેથી ચાલે તેમ ન હતું. વળી મેમણ કોમ આખરે તો વેપારીનો જીવ. આથી ઈધિ સાહેબે કરાચીમાં ચાર રસ્તે ઉભા રહીને મેચિસબોક્ષ, પેંન્સીલ, હાથરૂમાલ જેવી પરચૂરણ ચીજવ્સ્તુઓ એક ટ્રેમાં રાખીને વેચવાનું શરૂ કર્યું. ક્યારેક ટેક્ષી ડ્રાઇવર તરીકે પણ કામ કર્યું. આગળ જતા કોઈ સ્થાનિક મેમણ વેપારીનો સાથ મળતા તેમણે નાનકડી કાપડની દુકાન શરૂ કરી.

        વાસ્તવિકતાનો ખ્યાલ આવતા તેમને ધર્મની સંકુચિતતાનો સમજાઈ ગઈ હતી. ઉપરાંત બાળપણમાં માતાની સેવા કરતી વખતે પ્રગટેલી સેવાભાવના હવે વિસ્તરી રહી હતી.  કોઇપણ ગરીબ  માણસને જોઈને તેમનું  હૃદય દ્રવી ઉઠતું. એમાંય કોઇ ગરીબ માણસ બીમાર પડે તો તેને કઈ રીતે મદદ કરવી તેનો વિચાર સતત પજવ્યા કરતો. એવામાં ઇ સ 1957માં પાકિસ્તાનમાં  ફ્લુની મહામારી ફાટી નીકળી. ગરીબ દર્દીઓને મદદ કરવાના હેતુથી ઇધિ સાહેબે કેટલાક મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓની મદદ મેળવીને પોતાની દુકાનમાં જ એક નાનકડું દવાખાનું ખોલ્યું. આ કામમાં તેમને બિલ્કિસબાનુ નામના એક નર્સની મદદ મળી જે ઇધિ સાહેબનાં જીવનસાથી પણ બન્યા. તેમની સેવાભાવનાને જોઇને એક મેમણ ભાઈએ એમ્બ્યુલ્‌ન્સ દાનમાં આપી,  જેને  ઇધિ સાહેબ જાતે જ હંકારતા.  જરૂરિયાત તો ઘણી વધારે એમ્બ્યુલંસોની હતી. એટલે નાણાની જરૂર પણ ખૂબ વધારે હતી. આથી ઇધિ સાહેબ કરાચીના ચાર રસ્તે  અગાઉ જ્યાં ફેરિયા તરીકે ઊભા રહેતા ત્યાં ઝોળી ફેલાવીને  બેસી  ગયા. હંમેશા બનતું આવ્યું છે તેમ સુખી માણસો ગાડીમાંથી હાથ બહાર કાઢે નહિ પરંતુ સાધારણ માણસો તો પાંચ રૂપિયા, દસ  રૂપિયા કે ક્યારેક પોતાનાં ગજા ઉપરાંત પણ પચાસની નોટ પણ આપી દે. ધીમે ધીમે તેમનું કામ અને નિષ્ઠા જોઈને દેશમાંથી અને પરદેશમાંથી પણ મદદનો પ્રવાહ વહેવો શરૂ થઈ .પરંતુ સરકાર પાસેથી તો રાતી પાઈ પણ લેવામાં ન આવી.

ઇધિ સાહેબે પાંચેક હજારની મૂડીથી ‘ઇધિ ટ્ર્સ્ટ’ સ્થાપ્યું. પરંતુ પછીથી વધુ ને વધુ નાણાં સહાય રૂપે મળવા લાગ્યા. આથી તેમણે પ્રવૃતિઓનો વિસ્તાર વધાર્યો અને પત્નીનાં નામ પરથી ‘બિલ્કિસ ઇધિ ટ્રસ્ટ’ અને ‘ઇધિ ફાઉ‌ન્ડેશન’ની સ્થાપના કરી. તેમનાં ઉત્સાહ અને ધગશને કારણે અનેક જ્ગ્યાએથી સાથ મળતો ગયો. પરિણામે એક નાનકડા દવાખાનામાંથી  આજે પાકિસ્તાનમાં ઇધિ સાહેબના ત્રણસો જેટલા ક્લ્યાણ કેન્દ્રો સેવારત છે. આ કે‌ન્દ્રોમાં બધી મળીને પંદર હજાર જેટલી એમ્બ્યુલ‌ન્સો  સેવા આપી રહી છે! સ્વાભાવિક છે કે આ કાંઈ રાતોરાત ન થયું હોય. તે માટે ઇધિ સાહેબને ખૂબ લંબા સમય સુધી બહુ મોટો પુરુષાર્થ કરવો  પડ્યો, ઉપરાંત અનેક વિઘ્નો સામે સંઘર્ષ કરવો પડ્યો.

૧૯૬૫માં ભારત અને પાકિસ્તાનની લડાઇ દરમિયાન ઇજા પામેલા નાગરિકો માટે તેમની એમ્બ્યુલ‌ન્સો ઉપયોગમાં લેવામાં આવી. જ્યારે જ્યારે પાકિસ્તાનમાં ત્રાસવાદી હુમલાઓ થયા ત્યારે  ઘાયલોને લઈ જવામાં એમ્બ્યુલ‌ન્સોને દોડવવામાં આવી. આ દરમિયાન મૃત્યુ પામેલા  ૪૫ જેટલા નાગરિકોની અંત્યેષ્ટિ પણ ઇધિ દંપતિએ કરેલી

ટ્રસ્ટે આરોગ્ય ઉપરાંત બીજા અનેક ક્ષેત્રે પોતાની પ્રવૃતિઓ વિકસાવી. ત્યક્તા, વિધવા અને અન્ય દુ:ખી સ્ત્રીઓ  આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે તેમને વ્યવસાયિક તાલીમ આપવા માટે સંસ્થાઓ ખોલવામાં આવી. આ ઉપરાંત અસહાય વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમો પણ  ખોલવામાં આવ્યા.

પરંતુ સારા કામોમાં વિઘ્નો નાખનારા તો દરેક સમયે અને દરેક સ્થળે હાજર  હોવાના જ. કેટલાક લોકોએ બિલ્કિસબાનુનાં બાળકો તેમનાં પોતાના નથી એવી અફવા ફેલાવી. આટલું  ઓછું હોય તેમ ટ્રસ્ટનાં જ એક કે‌ન્દ્રની ત્રણ મહિલાઓએ ઇધિ સાહેબના દોહિત્ર પર એસિડ ફેંક્યો અને તે બાળક મૃત્યુ પામ્યો. આમછતાં ઇધિ સાહેબના દિલમાં તે બહેનો પ્રત્યે લગીરે વેરભાવ થયો નહિ.  કેટલાક લોકોની સલાહ અવગણીને પણ તેમણે એ મહિલાઓ પર ફરિયાદ ન નોંધાવી. તેમણે કહ્યું કે જેલમાં જશે તો તેઓ વધારે રીઢી  ગૂ‌ન્હેગાર બનશે. કોઇના પર વેર વળવાને તેઓ માનવાતાની વિરુદ્ધનું કૃત્ય માનતા. ઘરમાં એક વાર ચાર લાખ રૂપિયાની ચોરી થઈ હતી તેની પણ તેમણે ફરિયાદ ના નોંધાવી.

અબોલ પ્રાણીઓ પર પણ તેમની કરુણા વરસી. વૃદ્ધાવસ્થાથી અશક્ત અને બીમાર એવા તરછોડાયેલા ખોડાં ઢોર માટે તેમણે એનિમલ કેર સે‌ન્ટર પણ ખોલ્યું. કોઈ બીનવારસી લાશ મળે તો તેની અંત્યેષ્ટિ પણ ધર્મના કોઇ ભેદભાવ વિના તેઓ કરતા. એમ કહેવાય છે કે ઇધિ સાહેબે પોતાના હાથે એક હજાર જેટલા મૃતદેહોને સ્નાન કરાવ્યું હતું!

હિંદુઓ અને ખ્રિસ્તીઓને એમ્બ્યુલ‌ન્સની સેવા આપતા એ બાબત રૂઢિચૂસ્ત મુસ્લિમોને ખટકતી. આ પ્રકારના ધર્માંધ લોકોએ જ્યારે તેમનો વિરોધ કર્યો ત્યારે તેમણે અદભૂત જવાબ આપ્યો. “મારી એમ્બ્યુલ‌ન્સ તમારા કરતા વધારે મુસલમાન છે.” ઇધિ સાહેબના આ જવાબમાં  ધર્મસંપ્રદાય કરતા માનવતાનું સ્થાન ઘણું ઊંચુ છે તેવી તેમની દૃઢ માન્યતા પણ દેખાય છે. અંગ્રેજ કવિ લેહ હ‌ન્ટના કાવ્યમાંના “અબુ બેન આદમ’ની જેમ માનવસેવાને જ પ્રભુસેવા માનતા હોવાથી અલ્લાનો રાજીપો મળ્યા પછી  ધર્માંધ લોકોની નારાજગીની તેમને  પડી ન હતી

આરોગ્ય ક્ષેત્રે સેવાની શરૂઆત કર્યા પછી તો ટ્ર્સ્ટે સેવાના અન્ય ક્ષેત્રોમાં પણ કામગીરી શરૂ કરી. અનાથ બાળકો માટે અનાથાશ્રમો શરૂ કર્યા. સમાજમાં કુંવારી માતાની કુખે જન્મેલા  નવજાત શિશુને  કલંક માનીને  ગમે ત્યાં ફેંકી દેવાતાં હોય છે. આથી ઇધિ સાહેબે સંસ્થાની બહાર એક પારણું મૂકાવ્યું જેમાં કુંવારી માતા બાળકને મૂકી જતી જેની સારસંભાળ અનાથ આશ્રમમાં લેવામાં આવતી.

એક વખત બન્યું એવું કે આઠેક વર્ષની એક બહેરીમૂંગી બાળકી ‘સમજોતા એક્સ્પ્રેસમાં’ ભૂલથી ચડી ગઈ અને લાહોર પહોંચી ગઈ. સત્તાવાળાઓએ તેને ઇસ્લામાબાદના અનાથ આશ્રમમાં મૂકી. ત્યાંથી પછી તેને  કોઇ  કરાચીના અનાથ આશ્રમમાં લઈ આવ્યું. ઇધિ સાહેબેની બારીક નજરે  જોયું કે આ બાળકી મંદિર પાસે થોભી જઈને હિંદુઓની જેમ હાથ જોડીને પ્રણામ કરે છે. તેથી તેમને ખાતરી થઈ કે  બાળા જન્મે હિંદુ જ હશે. આથી તેનો ઉછેર પણ હિંદુ તરીકે થાય તે માટે તેનું નામ  ગીતા રાખ્યું અને એક નાનકડું મંદિર પણ બનાવી આપ્યું. આ વાતની જાણ તે સમયના ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને  થતા તેમણે ગીતાને ભારત લાવવાની ગોઠવણ કરી. ઇધિ સાહેબનો સમગ્ર પરિવાર ગીતાને વળાવવા આવ્યો. તેમનાં આ માનવતાનાં કાર્ય બદલ ભારત સરકારે ઇધિ સાહેબને એક કરોડ રૂપિયા આપવાની ઓફર કરી જેનો તેમણે ખૂબ જ નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો.

પછી તો ઇધિ સાહેબની સેવાપ્રવૃતિઓએ  પાકિસ્તાનના સીમાડા ઓળંગી દીધા. અમેરિકા, બ્રિટન, જાપાન અને બાંગ્લાદેશમાં પણ ટ્રસ્ટની શાખાઓ કાર્યરત થઈ. ઈથોપિયામાં પડેલા દુષ્કાળમાં તેમણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરેલી. એમેરિકામાં આવેલા વાવાઝોડા ‘કેટરિના’ વખતે તેમણે દસ લાખ ડોલરની મદદ કરેલી. તેમની માનવતાની સુગંધ વિશ્વભરમાં પ્રસરતા. પાકિસ્તાન સરકારે તેમને દેશનો સર્વોચ્ચ ઇલ્કાબ ‘નિશાને પાકિસ્તાન’ આપ્યો. આ ઉપરાંત દુનિયાભરમાંથી તેમને ખિતાબો મળતા રહ્યા. ભારતે તેમને ‘ગાંધીશાંતિ’ પુરસ્કારથી નવાજ્યા. એશિયાનો સર્વોચ્ચ પુરસ્કાર “રોમન મેગ્સેસે એવોર્ડ”  પણ તેમને મળ્યો. રશિયાએ 1998માં લેનિન પુરસ્કાર આપ્યો. આ પ્રકારના અનેક પુરસ્કારો ઉપરાંત બે યુનિવર્સિટિઓએ તેમને ડોક્ટરેટની માનદ પદવી પણ આપી.

અલ્લા કે ખુદાને બદલે તેમનું રટણ ઇ‌ન્સાનિયતનું જ  હતું. ધર્મ કે સંપ્રદાય જોયા વિના જ તેઓ લોકોની સેવા કરતા રહ્યા. ધર્માંધ લોકોને આ શાનું રુચે? તેઓ તેમને બદદુવા આપતા  કહેતા કે અલ્લા તેને  જન્નત(સ્વર્ગ)માં પ્રવેશ નહિ આપે. આના જવાબામાં ઇધિ સાહેબ કહેતા  “મારે ક્યાં સ્વર્ગમાં જવું છે? હું તો જહન્નુમ(નર્ક)માં જઈશ તો પણ ત્યાં દુ:ખિયારાઓની સેવા જ કરીશ!.

તેમનો સેવાયજ્ઞ અવિરત ચાલતો રહ્યો. 87 વર્ષની જૈફ ઉંમરે પણ તેમને સપનાઓ તો કોઇ દુ:ખી માનવ કે પ્રાણીની સેવા કરવાના જ આવતા. આટલા બધા ખિતાબો અને માન મળવા છતાં તેમનામાં ભારોભાર નમ્રતા હતી. તેઓ કહેતા “હું તો  એક  અભણ મુફલિસ છું. મને ગુજરાતી સિવાય કોઇ ભષાનું જ્ઞાન નથી અને લખવામા તો હું માત્ર મારી સહી જ કરી જાણું છું.”  એ જ રીતે તે તેઓ કહેતા, “હું ન તો ધાર્મિક છું કે  ન ધર્મનો વિરોધી છું.

તેઅની પાસે પહેરવા માટે માત્ર બે જોડ કપડાં અને રહેવા માટે એક નાનકડો ઓરડો  હતો.  રહેણાકનો ઓરડો પોતે જાતે જ સાફ કરતા અને જરૂર પડે ગટરની સફાઇ પણ જાતે કરતા. એક ગરીબ માણસને  હોય તેવું સાદગીભર્યું જીવન તેઓ  જીવતા. પરંતુ  ભારોભાર માનવતાને કારણે પાકિસ્તનના સૌથી અમીર કહેવાયા. માનવતાના આ ફરિશ્તાએ  આઠમી જુલાઈ 2016ના દિવસે અંતિમ શ્વાસ લીધા. મૃત્યુ  પછી તેમની આંખોનું દાન  કરવામાં આવ્યું જેથી બે વ્યક્તિઓની આંખોને  રોશની મળી. પાકિસ્તાનની સરકારે તેમને રાષ્ટ્ર્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપી. તેમના ગયા પછી બિલ્કિસબાનુ અને તેમના પુત્ર ફૈજલ સહિત પરિવારના સભ્યોએ માનવતાની જ્યોત પ્રજવલિત રાખી. 15 એપ્રિલ 2022ના દિવસે   બિલ્કિસબાનુના અવસાન થયા પછી ટ્રસ્ટની પ્રવૃતિઓ આજે પણ ચાલું છે. ઇધિ સાહેબ ગુજરાતી હતા. પરંતુ એક ગુજરાતી તરીકે તેમને માટે ગૌરવ અનુભવવાનો હક આપણને ત્યારે જ છે, જ્યારે આપણે ધર્મ, સંપ્રદાય અને સંકુચિત રાષ્ટ્રવાદથી ઉપર ઊઠીને માનવતાને જ અગ્રતાક્રમ આપીએ.


(આ લેખ લખવા માટે નવનીત સમર્પણ સપ્ટે‌મ્બર૨૦૨૦માં પ્રગટ થયેલા  શ્રી યજ્ઞેશ દવેનો લેખ તથા ગૂગલનો આધાર લેવામાં આવ્યો છે.}


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.