અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
કન્નડ નવલકથાકાર એસ.એ.ક. ભૈરપ્પાનું નામ ડૉ. શિવરામ કારન્તની લગોલગ આદરથી લેવાય છે. આ નવલકથાનો સમયગાળો ૧૯૨૦ થી ૪૦-૪૫નું જે કર્ણાટક, કન્નડ જગત છે તેનું આલેખન કરતો રહ્યો છે. આપણે જયારે આ નવલકથામાંથી પસાર થઈએ છીએ ત્યારે ગુજરાતની જાનપદી નવલકથાઓ છે જેવી કે,પન્નાલાલની ‘માનવીની ભવાઈ’, ‘મળેલા જીવ’, ‘હિન્દીની મૈલા આંચલ’ કે બંગાળી ‘આરણ્યક’નું સ્મરણ થાય છે. આ બધી જ નવલકથાઓ અધ્યયનપૂર્વક વાંચવા જેવી છે કેમ કે અહીં પ્રદેશ, જનપદ કેવાં છે, તેમાં લોકો કેવા જીવન જીવતા હોય છે, તેમની માન્યતાઓ, જનજીવન, ગરીબી વગેરેનો અહીં કારમો પરિચય સહૃદયને સાંપડે છે. તીવ્ર ગરીબાઈની વચ્ચે માણસ ધારે તો એની સમજણ કેવી વિકસી, વિસ્તરી શકે એનો એક આલેખ સમસંવેદનપૂર્વક આ કૃતિઓમાં આલેખાય છે.
આ કૃતિ રામણ પરિવારની છે કે જે તહેસીલદાર રહી ચૂક્યા છે. એનો નાયક રામણ્ણાના મૃત્યુ પામ્યો છે.એમને બે પુત્રો છે જેમાં મોટો ચેન્નીગરાય અને બીજો અપ્પણ્ણય્યા. રામણ્ણાની પત્ની ગંગમ્મા ગુજરાતી કૃતિનાં પાત્રો માલીડોશી કે સંસ્કૃતના પાત્રો શૂર્પણખાને પણ વિસરાવી દે એવી ખલનાયિકા છે. એનામાં સંસ્કારનો છાંટો નથી. એની જીભેથી નીકળતો દરેક શબ્દ ગૃહભંગનું કારણ બને છે. એના બે દીકરા માતા જેવા આળસુ, અસંસ્કારી, સ્વકેન્દ્રી અને નીપટ સ્વાર્થી છે. તેમાંય એનો મોટો પુત્ર ચેન્નીગરાય. ગંગામ્મા પુત્રોને ચાહે છે પણ તેની ચાહવાની રીત નોખી છે. આ લોકોએ અમુલ્ય દેહ અને માનવજીવન વેડફીને ધૂળ કરી નાખ્યાં છે. એને કારણે તેમનું કુટુંબજીવન પણ ખલાસ થઇ ગયું છે. શરૂઆતથી ખલાસ થતાં જતાં એમનાં જીવનની અંતે ઘોર ખોદાઈ જાય છે. આ બધું જ ગંગમ્માને કારણે બને છે.
ગંગામ્માની મોટી પુત્રવધુ નજમ્મા ખાનદાન સ્ત્રી છે અને બીજી પુત્રવધુ સાનુ જે ઝઘડાળું છે. સાનુ બધાથી છૂટી પડીને પોતાનું જીવન જીવે છે. છેલ્લે તો તેનું ચારિત્ર્ય પણ ભ્રષ્ટ થઈ જાય છે. લેખકે બે અંતિમ છોરના પાત્રો આપ્યાં છે. એક બાજુ નિમ્મતમ જીવતી ગંગમ્મા અને બીજી બાજુ સતત વિકસતી જતી નજમ્મા બેઉ પરિવારની પ્રતિષ્ઠાની રક્ષા કરે છે પણ એનું પોતાનું જીવન કરુણપર્યવસાય છે. પતિ નિરક્ષર અને પેટભરો છે, તો સાસુ હૃદયહીન છે, નજમ્મા આ નરકને સ્વર્ગમાં પરિવર્તિત કરવા પ્રયત્ન કરે છે પણ એને એમાં સફળતા મળતી નથી. એની પરણાવેલી પુત્રી અને સમજુ પુત્ર બંને એક જ દિવસે પ્લેગનો શિકાર બને છે. નજમ્માને તો મૃત્યુ દ્વારા જ મુક્તિ મળે છે.
એકબાજુ કંઠી જોઇશ છે, નજમ્માનો પિતા છે એ વિધુર છે ને ઘરમાં મોટી ઉમરની માતા છે-અકમ્મા, નજમ્માની દાદી. મોટોભાઈ ક્લ્લેશ. નજમ્માનો પિતા પુત્રીને ચાહે છે પણ એ છે આત્મકેન્દ્રી. ચેન્નીગરાય પહેલીવાર સાસરે જાય છે ત્યારે એનું સન્માન કરે છે એની દાદી સાસુ અકમ્મા, જે બહુ જ કોઢાસૂઝવાડી સ્ત્રી છે. આ કૃતિમાં સ્ત્રીઓ ભણેલી નથી, પણ તેનાં પાસે અનુભવે આપેલી કોઠાસૂઝ છે, માણસને પારખવાની શક્તિ છે, પોતાનું જીવનદર્શન છે. તેમને જીવનના રહસ્યનો ભેદ જડ્યો છે. નજમ્માપર જેનો બહુ પ્રભાવ છે એવી અકમ્મા પોતાની પૌત્રીને ચાહે છે. જમાઈને સત્કારે છે. નજમ્મા સાસરે આવે છે ત્યારે તેને જે સાસુનો પનારો પડે છે તેને ગાળો સિવાય કોઈ ભાષા આવડતી નથી. છીનાળ, રાંડ જેવા નિકૃષ્ટ શબ્દો એ વાપરે છે. એનાં પાત્રની દુષ્ટતા કૃતિમાં ક્રમશઃ વિકસતી જાય છે. ગંગમ્મા કોઈ પુત્રવધુ સાથે નથી પોતે જોડાતી કે નથી એમને જોડતી. એ પોતાના દીકરાઓને પણ પોતાની સાથે નથી જોડી શકતી. દીકરાઓને પણ તેની વિચિત્રતાનો પરિચય થતો રહે છે.
નજમ્માની દાદી અકમ્માનું પાત્ર પણ ગંગમ્મા સાથે હરીફાઈ કરે તેવી છે. તેને પણ જીવન પ્રત્યે વિદ્રોહ છે.
આ એવા સમયની કથા છે જયારે માને એકલી મૂકીને સંતાનો ક્યાંય દૂર ન જઈ શકે. એટલે એ લોકોએ આ બધું વેઠવાનું છે, ભોગવવાનું છે, પુત્રવધુએ સાચવવાનું છે. આ જ પરિસ્થિતિમાં રહેવાનું છે. ચેન્નીગરાય જીવે કે મરે પણ એ નંજમ્માનો પતિ છે. નંજમ્મા કેવાં કેવાં સ્વપનાં લઈને આવી છે ! તેના પિતાને ત્યાં ગાય છે, ઘી-દૂધ છે. પ્રેમાળ દાદી છે, પોલિસમાં નોકરી કરતો ભાઈ છે. આ બધું જ છોડીને ૧૨ વર્ષની નાની વયે એ સ્વકેન્દ્રી પતિને ઘેર પ્રવેશ કરે છે તે દિવસથી માંડી કૃતિના અંતમાં એ ચાલી ગઈ ત્યાં સુધી તેણે સુખનો ઓડકાર ખાધો નથી. એ જીવન સામે ઝઝૂમી છે. પરણીને આવી ત્યારે સાસુ ધક્કો મારે, ગાળો બોલે, પતિને પોતાના પક્ષમાં રાખે-એ બધું જ એણે વેઠવાનું છે. પતિને તલાટીની નોકરી મળી જાય છે પણ તેને કામ આવડતું જ નથી. નંજમ્મા ઓછું ભણી છે પણ મહાદેવીયા જેવા સાધુપુરુષને તે ઓળખી શકી છે. તેની મદદથી એ તલાટીગીરી શીખે છે. આ લેખકનો આધુનિક અભિગમ અહીં દેખાય છે. જે છોકરી નિમ્નકક્ષાના ઘરમાં રહે છે, લાજ-શરમ પાળે છે, તે છોકરી પછીથી પોતાના પગ પર ઊભી રહે છે. પોતાના આપબળે, પોતાની શક્તિ, બુદ્ધિ, પોતાના સંવેદનથી આત્મૌપમ્યથી. બીજાનું દુઃખ એ પોતાનું દુઃખ એવી સમતા ને સમજ સાથે નંજમ્મા વિકાસની કેડી પકડે છે. તેની આસપાસનાં જે પુરુષ પાત્રો તેને સમજે છે એમાંના એક છે મહાદેવીયાજી, જેઓ તેને રજીસ્ટર બનાવતાં, હિસાબ – કિતાબ કરતાં શીખવે છે. નંજમ્માને ગર્ભ રહે ઓછે અને પહેલી પ્રસુતિ કરવા એ પિયર જાય છે. અહીં તેને નથી મળતો પ્રેમ, આદર કે સંસ્કારી વાતાવરણ. ત્યાં તેની દાદી તેને પ્રેમથી ભરી દે છે, તેની કાળજી કરે છે. અને તેને પ્રથમ પુત્રી જન્મે છે. તેનું નામ પાડે છે પાર્વતી. તેને કોઈ જોવા નથી આવતું. કેટલાય વખત પછી તેનો પતિ દેખા દે છે. સાસરે બેસીને એ આખો દિવસ ખાય છે, પીવે છે, સુએ છે. છેક જતી વખતે એ દીકરીને માંડમાંડ જુએ છે. અને કશી જ લાગણી ન હોય એમ ચાલ્યો જાય છે.
દીકરીને લઈને નંજમ્મા સાસરે આવે છે ત્યારે ફરી એ જ દુઃખો ચાલુ થી જાય છે. ઘરમાં દેરાણી સાતુ આવે છે. દેર અણપ્પામાં પણ ઝાઝી સમજણ નથી. પણ તેમ છતાં નંજમ્મા સાસુને ક્યારેય કશું નથી કહેતી. માત્ર એકાદવાર પોતાની વેદના એ સાસુ પાસે વ્યક્ત કરી બેસે છે- અત્યંત ખાનદાનીપૂર્વક. નંજમ્માનું દુઃખ જોઈને દેરાણી પણ નવાઈ પામીને નંજમ્માને આ બધું સહન કરવા અંગે પૂછે છે ત્યારે નંજમ્માનું દુઃખ જોઈને દેરાણી પણ નવાઈ પામીને નંજમ્માને આ બધું સહન કરવા અંગે પૂછે છે ત્યારે નંજમ્માનો ઉતર છે તેમ આપણે આ જોગવવાનું છે કારણ કે, આપણું ઘર તૂટવું ન જોઈએ. આપણે શ્વસુર ગૃહને જોડવા આવ્યાં છીએ. ને એના માટે એ મથતી રહે છે. અને બીજીવાર ગર્ભ રહે છે ત્યારે દીકરો આવે છે. રામન્ના નક્કી કરે છે કે તે દીકરાને ભણાવશે, બાપના જેવો નહીં રાખે. ફરી ત્રીજું સંતાન આવે છે જેનું નામ છે વિશ્વાધાર. સૌ તેને વિશ્વા કહીને બોલાવે છે. દાદી અકમ્મા પીઢ સ્ત્રી છે. તે કહે છે : ‘તારા પતિને તારી નથી પડી તો તે પ્રસવેલા બાળકોની તો શા માટે પડી હોય ? તારે તેને તારી નજીક આવવા દેવો નહીં જોઈએ. ત્યારે નંજમ્માએ આપેલો ઉત્તર એ જમાનાની બધી જ સ્ત્રીઓનો પ્રશ્ન બનીને મૂકાયો છે. જો અમસ્તુ પણ આવું વર્તન કરે છે તો બિસ્તર પર ન આવવા દેવાથી યો શું જ થાય ? નંજમ્માને મુખે મુકાયેલો આ ઉત્તર સહૃદય ભાવકનાં ચિત્તને વલોવી નાખે છે. સમગ્ર કૃતિમાં સાનંદાશ્ચાર્ય જગવે એવી આ વાત એ છે કે નંજમ્મા ક્યાંય નકારાત્મક નથી. પછીથી દેરાણી ચાલી જાય છે. ગંગામ્મા પુત્રોને અલગ કરે છે ત્યારે નંજમ્મા ઘર ગોતવા જાય છે અને ગૌડમહાશયને ઘેર જઈને એને ઘર આપવા માટે વિનવે છે ત્યારે ગૌડમહાશયે નંજમ્મા માટે ઉચ્ચારેલો અભિપ્રાય એક બાજુથી નંજમ્માનું ચરિત્ર ઉજાગર કરે છે તે બીજી બાજુ ગૌડમહાશયની નિરીક્ષણ શક્તિ. ‘આવો, આવો તમારાં જેવાં લક્ષ્મી ઘેર ક્યાંથી ?’ પછી ‘પત્નીને બોલાવીને જણાવે છે ;જુઓ, કોણ આવ્યું છે? નંજમ્મા આવી છે. એની મોં કળા જોઈ? કેવી સીતામાતા જેવી લાગે છે !’ પાત્રચિત્રણનું આ સર્વોચ્ચ દ્રષ્ટાંત છે. અહીં લેખકે જાણે નંજમ્માને અંતિમ અર્ધ્ય આપી દીધો છે. આ ગૌડજી નંજમ્મા માટે રહેવાની સગવડ કરી આપે છે.
બાહ્ય અને આંતરિક મુશ્કેલીઓ વચ્ચે ઝઝૂમતી રહેલી નંજમ્માનું જીવન એક પછી એક દુઃખમાં અટવાય છે. એ વચ્ચે થોડી સુખદ ક્ષણો આવે છે. પાર્વતી મોટી થાય છે. એ દેખાવડી છે. સૌ મુગ્ધ થઈ જાય એવાં નેણ – નાક વાળી છે. નાની નંજમ્મા જ જોઈ લ્યો જાણે. નંજમ્માને પાર્વતીને પરણાવવાનો વિચાર આવે છે. ગામમાં એ રિવાજ છે છોકરી ઋતુવતી થાય પછી એને કોઈ પરણે નહીં. તે પહેલા વર ગોતવો પડે. આધુનિક અભિગમ ધરાવતી નંજમ્મા તેના પતિ જેવો વાર પુત્રીને ને ન મળે એમ વિચારીને નંજમ્મા પાર્વતીની પસંદગીને પ્રાધાન્ય આપે છે. નંજમ્મા પોતાની બધી જ ભૂમિકામાં સફળ થઇ છે. મા, પત્ની, પુત્રવધુ, જેઠાણી, ભાડુઆત, શિષ્યા અને પૌત્રી તરીકે. તેની કોમળતાની રગ હંમેશાં લીલી રહી છે.
નંજમ્માની વિધાયકતા છેક સુધી ટકી રહી છે. એ ગામના શિક્ષક પાસે જાય છે અને શિક્ષકને પુત્રી માટે વર શોધવાનું કહે છે. આ પણ આ ભૈરપ્પાની કમાલ છે. શિક્ષક આશ્વાસન આપતાં સારો છોકરો શોધવાનું વચન આપે છે. અચાનક એક દિવસ પાર્વતી ઋતુવતી થઈ બેસે છે અને નંજમ્માને ફાળ પડે છે કે જમાઈ નહીં મળે તો ? એટલે એ આ ઘટના છુપાવે છે. એ દરમિયાન માસ્તર માગું લઈને આવે છે. છોકરાનું નામ સૂર્યનારાયણ છે. એ સત્યાવીસ વર્ષનો છે. એની પ્રથમ પત્ની ગુજરી ગઈ છે. એને નાની દીકરી છે રત્ના. પણ છોકરો પાર્વતીને લાયક છે અને મા-દીકરીને એ પસંદ પડે છે. તે દરમિયાન નંજમ્માના પિતા પોતાના દિકરા માટે પાર્વતીનું માગું લઈને આવે છે. નંજમ્મા વિચારવા માટે સમય માંગે છે અને પછીથી પિતાને આ અંગે નકાર ભણે છે. આમ કહેવાની તાકાત તેનામાં છે. આ તાકાત તેને વારસામાં મળી છે. નંજમ્માના પિતા ગુસ્સે થઈને પુત્રી સાથે સંબંધ કાપી નાખે છે અને પછી સૂર્ય નારાયણ એના જીવનમાં આવે છે. એ બહુ સુંદર શિક્ષક છે. નંજમ્માને એ કહે છે તેમ પાર્વતી એને ગમી છે. એ પાર્વતી પાસે પોતાની પુત્રી રત્નાનું માતૃત્વ ઈચ્છે છે. આ ક્ષણે પણ નંજમ્મા પુત્રી પાસે નાનકડી રત્નાને પ્રેમ કરવાનું વચન માગે છે. પાર્વતીનું લગ્ન થાય છે. પણ નંજમ્માનું કમનસીબ તો જુઓ ! પાર્વતીને પ્લેગ લાગુ પડે છે. બંને હાથમાં ગાંઠ થાય છે. નંજમ્મા તેને બચાવવા પ્રત્યનો કરે છે. બીજી બાજુ નંજમ્માને પુત્ર રામણ્ણા ભણવા ગયો છે. તે પણ પ્લેગમાં સપડાય છે અને મૃત્યુ પામે છે. નંજમ્મા પર દુઃખના ઝાડ ઉગે છે. નંજમ્મા સાવ એકલી પડી જાય છે. કૃતિના કરુણ રસની અહીં પરાકાષ્ઠા આવી જાય છે. અહીં કાવ્ય ન્યાય નથી જળવાયો નથી નથી એવું અનુભવાય છે.
નંજમ્માએ પોતાની જાતને પ્રશ્ન કર્યો હતો : ‘મારા જીવનમાં છે શું?’ પતિનો પ્રેમ ? સાસુ નો સ્નેહ ? પિયરનું સુખ ? તોય હું જીવતી રહી, બાળકો થયા. હવે એ પ્રશ્નનો જવાબ શોધું છું કે હું શું કામ જીવું છું તો જવાબમાં છોકરાં સામે આવી જાય છે.’ આ જ છે નંજમ્માના જીવનની કરુણતા.
આ પછીનું નંજમ્માનું જીવન દુઃખોની હારમાળા સમું વીતે છે. સાસુનું મૃત્યુ, પતિની વિચિત્રતાઓ અને પુત્ર વિશ્વની જવાબદારી. નંજમ્મા એને પસાર કરતી રહે છે. ‘ગૃહભંગ’માં ક્રમશઃ બધાનું ઘર ભાંગતું રહે છે. પણ વિશ્વાનું ભવિષ્ય આવું ન બને એ માટે મહાદેવય્યાજી એને ભૂતકાળના પડછાયામાંથી બહાર કાઢે છે. કૃતિમાં પછીથી બનતી અનેક કરુણ ઘટનાઓ શીર્ષકને જુદી જુદી રીતે ઉપસાવતી રહે છે. એને આ ગૃહભંગ ભોગવવાનું, જોગવવાનું ન આવે એ જ મહાદેવય્યાજીનો હેતુ છે. કૃતિને અંતે ઢાળ ઉતરતો વિશ્વા જીવતરનો ઢાળ પણ ઉતરી જાય છે.
સમગ્ર કૃતિમાં કથાવસ્તુ, પાત્રો, ભાષા, પરિવેશ આ સઘળું કાંઈ એને એક ઉત્તમ તળપદી પ્રાદેશિક કૃતિ સિદ્ધ કરે છે. ગૃહભંગની સાથોસાથ અહીં જીવતરના અનેક ભ્રમો પણ ભંગ થતા રહે છે ને કૃતિનો કરુણ ઘૂંટાતો રહે છે. નંજમ્માને અનુલક્ષીને મહાદેવય્યાજીને જાગેલો પ્રશ્ન શાશ્વત બનીને સહૃદયના ચિત્તમાં પડઘાય છે : ‘ઈશ્વર સજ્જનોની રક્ષા કરે છે, દુર્જનોને દંડ દે છે – પણ નંજમ્માએ શું બૂરું કર્યું ? સાસુની મૂર્ખતા અને પતિની હિનતાનું કષ્ટ એણે શું કામ વેઠવું પડ્યું ? પ્લેગે શું એના જ ઘરમાં એના જ બાળકોને અને છેવટે એને જ ઝડપવા આવવાનું હતું ? એમણે તત્વ અને લાવણીના પદોમાં વાંચ્યું હતું કે સંસારમાં ધર્મ-કર્મને આધારે સજા આપવા માટે ભગવાને રોગ, બિમારીઓ પેદા કરી છે. તેઓ પણ એમ જ સમજતા હતા, પણ હવે સમજમાં ઉતરનું નહોતું આ રહસ્ય.’ આ મૂંઝવણ ગૃહભંગની લગોલગ સહૃદયના ચિત્તમાં ન્યાયભંગની લાગણીને પણ ઉદ્દીપ્ત કરે છે. કૃતિની આ પ્રકારે થયેલી માવજત તેને નોંખી મુદ્રાની કૃતિ ઠેરવે છે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
