(૧) જેણે પાપ કર્યું ના એ કે
પથ્થર થરથર ધ્રુજે !
હાથ હરખથી જૂઠ્ઠા ને જડ પથ્થર ત્યાં કોણ વેદના બૂઝે ?
અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે,
“આ કુલટાને પથ્થર મારી, મારી નાખો !” એમ કિલોલે કૂજે,
એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો‘તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;
હાથ અને પથ્થર બન્નેને જોઈ એનું દિલ દયાથી દૂઝે !
આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :
”જેણે પાપ કર્યુ ના એકે,
તે પથ્થર પહેલો ફેંકે !”
એકે એકે અલોપ પેલા સજ્જન, ત્યારે શું કરવું ના સૂઝે !
અબળા રહી ને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજુયે ગુંજે.
– નિરંજન ભગત
(૨) ઝાડ એના પાંદડાંને પૂછે
ઝાડ એના પાંદડાંને પૂછે છે– કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?
પાંદડાંએ પૂછ્યું કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે ?
ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!
પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું
તૂટવાનો અર્થ તને અડકે નહીં, તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !
