તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.

આજના જમાનામાં સ્વાસ્થ્ય વિષેની માહિતીનો તોટો નથી. વર્તમાન પત્રો, ટીવી, પુસ્તકો, પત્રિકાઓ, અને હવે ઇન્ટરનેટ ઉપર માહિતીનો ખજાનો મળી રહે છે. આમાંની ઘણી માહિતી સાચી અને ઉપયોગી હોવા છતાં તકલીફવાળા દર્દીઓ, સગા-સંબંધી કે મિત્ર ન હોય તેવી વ્યક્તિની સલાહ માનીને કોઈ પણ ડૉક્ટર પાસે દોડી જાય છે. જે બીમાર છે તેને માટે કયા ડૉક્ટર કે કયા ડિગ્રીધારી ડૉક્ટરને બતાવવાની જરૂર છે, તે સમજવું જરૂરી છે. આ વિષે મારા અનુભવો અને સમજણને આધારે આ લખું છું.

(૧) પહેલી વાર જ્યારે ડૉક્ટરને બતાવવાની જરૂર લાગે ત્યારે ફેમિલી ડૉક્ટર (જનરલ પ્રેક્ટિશનર), જે તમને અને તમારા કુટુંબને ઓળખતો હોય અને વિશ્વાસ હોય, તેની જ સલાહ લેવી. એ કહે ત્યારે જ બીજા ડૉક્ટર કે સ્પેશ્યાલિસ્ટને બતાવવા જવું.

(૨) કોઈ કારણથી દર્દી કે સગાંને અમુક-તમુક રોગનો વહેમ હોય તો ડૉક્ટર અભિપ્રાય આપે પછી જ પૂછવું, કે મને આ રોગનો વહેમ હતો. આમ કરવાથી ડૉક્ટર ફરીથી વિચારી જવાબ આપી શકે. પહેલેથી જ આપણે કહીએ કે “મેલેરિયા થયો છે,” તો ડૉક્ટરે શું કરવાનું? મેલેરિયાની દવા લખી દેવી? વળી પહેલેથી જ કોઈ ગંભીર રોગ છે તેમ માની લેવું નહીં, સામાન્ય રોગો જ વધારે પ્રમાણમાં થાય છે.

(૩) ડૉક્ટરનો અભિપ્રાય જુદો-જુદો હોઈ શકે. આનું કારણ એમનું જ્ઞાન (ડિગ્રી), અનુભવ અને રિપૉર્ટ વિષેનું તેમનું તારણ જુદું હોઈ શકે. એ જ કારણોથી તેમની દવા કરવાની પદ્ધતિ પણ જુદી હોઈ શકે. માટે, આ કે તે ડૉક્ટર ખોટો કે સાચો છે, એમ માની લેવાની ઉતાવળ ન કરવી. ઘણી વાર આગલા ડૉક્ટરે જે દવા કરી હોય તેનાથી જ બીજા ડૉક્ટર પાસે જતાં સારું થવાનું થયું હોય, કારણ કે દવાની અસર થતાં બે-ત્રણ દિવસ લાગતા હોય છે. મોટા ભાગની દવાઓ જાદુઈ લાકડી નથી હોતી! (આમાં ઇમર્જન્સી દવાની વાત નથી.)

(૪ ) જરૂર લાગે તો બીજા કે ત્રીજા ડૉક્ટરનો અભિપ્રાય લેવામાં કશું ખોટું નથી. બને તો જે ડૉક્ટર સારવાર કરતા હોય તેમને સાથે રાખીને બીજો અભિપ્રાય લેવો જોઈએ. ગંભીર અને ઑપરેશનને લગતા કેસમાં આ જરૂરી હોઈ શકે.

યાદ રાખો, ડૉક્ટર બદલવાથી આપણો રોગ બદલાતો નથી, એટલે વારંવાર ડૉક્ટર બદલવાનું હું યોગ્ય માનતો નથી. જ્ઞાની, અનુભવી ડૉક્ટર કહે તે માનીને પૂરો સહકાર આપવો. ઘણી વાર શરૂઆતના દર્દમાં ન દેખાઈ હોય એવી નવી નિશાનીઓ કે નવા રિપૉર્ટ કે નવું સંશોધન રોગનો પ્રકાર બદલી શકે છે.

(૫) ફક્ત એકલા રિપૉર્ટ લઈને ડૉક્ટરને કદીએ બતાવવા ન જવું, દર્દીને જોયા વગર સાચો અભિપ્રાય લગભગ અશક્ય છે. એમ સમજો, કે રિપૉર્ટ તો માણસનો પડછાયો છે, એનાથી માણસને ન ઓળખી શકાય.

એ જ રીતે દર્દી એકલાને બતાવો અને પહેલાં કરેલા ટેસ્ટના રિપૉર્ટ ન બતાવો તો પણ ન ચાલે.

ડૉક્ટર દર્દીની કે સગાંની પૂછતાછ કરી તપાસે અને છેલ્લે રિપૉર્ટ જોઈને નિદાન પર આવે એ સાચી રીત છે. રિપૉર્ટ બતાવવાની ઉતાવળ ન કરવી, ડૉક્ટર પૂછે તેના સાચા જવાબ આપવા એ ખૂબ જ અગત્યનું છે. જેમ તમને ડૉક્ટર ઉપર વિશ્વાસ હોવો જોઈએ એમ ડૉક્ટરને પણ તમારા પર વિશ્વાસ હોય એ જરૂરી છે.

(૬) પહેલીવાર જ્યારે ડૉક્ટર નિદાન (Diagnosis) કરે, ત્યારે સૌથી વધારે જે રોગની શક્યતા (Most probable) હોય તેના ઉપર આધાર રાખે છે. સામાન્ય લાગતી ઊલટી ડૉક્ટરની નજરે ઘણાં બધાં કારણોથી હોઈ શકે, તેમાંથી તેણે નિદાન કરવાનું હોય છે. (એટલે જ જાતે દવા લેવી ન જોઈએ.) આ નિદાન સમય, સંજોગો અને દર્દીની જે તે વખતની (હા, જે તે વખતની) હાલત પર આધારિત છે. સમય જતાં નવી નિશાનીઓ, નવા રિપૉર્ટ પછી નિદાન અને સારવાર બદલાઈ શકે.

(૭) કોઈ પણ દર્દમાં એક્સ-રે કે બીજા લૅબોરેટરી ટેસ્ટની જરૂર હોય તો ડૉક્ટર કહે તે પ્રમાણે કરવું અત્યંત જરૂરી બની જાય છે, પણ જાતે આ ટેસ્ટ અને પેલો ટેસ્ટ કરાવો એવી વાત કરવી યોગ્ય નથી.

રિપૉર્ટ ઉપર ઘણી વાર આધાર રાખી શકાતો નથી, કારણ કે લગભગ બધી જ તપાસમાં ખોટાં કે ખરાં( False positive and False Negative) પરિણામ આવી શકે છે. અમુક ચેપી રોગોમાં દિવસો કે મહિના સુધી રિપૉર્ટ પૉઝિટિવ ન આવે.(Window Period).

(૮) લેટેસ્ટ ટ્રીટમેન્ટની જાહેરાતોથી ભરમાઈ ન જવું, પણ તેની સમજીને યોગ્ય જાણકારી મેળવવી. ઘણી વાર માર્કેટમાં આવ્યા પછી ગંભીર આડઅસરોને લીધે દવાઓ પાછી ખેંચી લેવી પડી છે.

(૯) હાઈ ડોઝનો અર્થ થાય છે માત્રામાં વધારો. જો ૫૦૦ મિ.ગ્રા.ની જગ્યાએ ૧૦૦૦ મિ.ગ્રા. આપવી પડે તો એ હાઈ ડોઝ કહેવાય. તેને ઊંચી કિંમત સાથે કોઈ સંબંધ નથી. એ જ રીતે કિંમતી દવા લેટેસ્ટ હોય કે હાઈ ડોઝ હોય તે પણ જરૂરી નથી.

(૧૦) કોઈ પણ દવા ગરમ કે ઠંડી હોવી એવું આધુનિક (Allopathy) વિજ્ઞાનમાં નથી. વળી દરેક જણ એનો જુદો-જુદો અર્થ કાઢે છે. (આમાં ખાસ કરીને જે જરૂરી હોય તે જ ન ખવાય એવી ઘણી માન્યતાઓ છે.) આવું જ દવાના રિએક્શન/આડ-અસરની બાબતમાં થાય છે. જોકે ખાસ તકલીફ થાય એવી વાત ડૉક્ટરે કરવી જોઈએ અને આપણે પણ પૂછવું જોઈએ. બની શકે કે દર્દીને જે થતું હોય એ રોગના લીધે કે અન્ય કોઈ કારણે પણ હોય.

(૧૧) દવા એ બેધારી તલવાર છે, સમજીને વાપરીએ તો ફાયદો જ છે, પણ એટલું યાદ રાખવું કે ડૉક્ટરને પૂછ્યા વગર દવાનો ડોઝ બદલવો, ઓછો-વત્તો કે બંધ ના કરવો, એ ઘણું જ નુકસાન કરી શકે છે. ખાસ કરીને,ડાયાબિટીસ, ઊંચું બીપી, રસી (પાક), કેન્સર, વગેરે રોગોમાં ખાસ ધ્યાન રાખવું.

(૧૨) જો ઇમર્જન્સી, તાત્કાલિક સારવારની જરૂર ન હોય, તો દવાખાનાનો અને ડૉક્ટરનો સમય સાચવવો, જેથી યોગ્ય તપાસ અને સારવારની વ્યવસ્થા થઈ શકે, અને ફરીથી ના જવું પડે.

(૧૩) અને છેલ્લે, ખાસ… ડૉક્ટરને ભગવાન માનવાની ભૂલ ન કરવી. ભગવાન સમયાંતરે મટાડે છે અને દુઃખ સહન કરવાની શક્તિ આપે છે. જો કે ડૉક્ટર પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે, અને તેણે આપેલાં સલાહ-સૂચનનું પાલન કરવું.

છેલ્લું ઇન્જેક્શન –

સારામાં સારો ડૉક્ટર તો એ છે કે જે ઘણી ખરી દવાઓની નિરુપયોગિતા સમજે છે.– ડૉ. સર વિલિયમ ઓસ્લર (એમ.ડી.)

आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः

सर्वे सन्तु निरामया

No Opinion Is Final In Medical Science!


ક્રમશ: 


ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.