નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ
આશા વીરેન્દ્ર
પહેલાના સમયમાં રાજાઓ-મહારાજાઓ, શહેનશાહો કોઈ સૌમ્સર્યવાન સ્ત્રીની વાત સાંભળે તો એને નિહાળવા આકુળ—વ્યાકુળ થઈ જતાં. એમ અમે પણ કૌસાનીનાં પ્રાકૃતિક સૌંદર્ય, ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિષે એટલી બધી વાતો સાંભળેલી કે અમે પણ ત્યાં પહોંચવા વ્યાકૂળ બની ગયાં હતાં. તે ઉપરાંત અહીની ભૂમિ સાથે કેવી કેવી મહાન વ્યક્તિઓનાં નામ પણ જોડાયેલાં છે. એવી વિભૂતિઓની પદરજથી પાવન થયેલી આ ભૂમિ પાવન થયેલી છે તેથી હવે આ ભૂમિમાટે અહોભાવ પણ જાગેલો.
જેમણે જિંદગીભર ગાંધી કાર્યને પોતાનું ગણીને કૌસાનીમાં ધૂણી ધખાવેલી અને લક્ષ્મી આશ્રમની ૧૯૪૬માં સ્થાપના કરેલી એવાં સરલાબેન (મૂળ નામ કેથરીન મે હૈલમેન (લંડન)) કે પછી સ્વામી આંનંદ જેમણે અહીં રહીને કેટકેટલું સાહિત્ય રચ્યું હતું કે ખુદ ગાંધીજી જેમને ૧૯૨૯માં અહીં જ ‘અનાસક્તિ યોગ’ લખેલ એવું આ સ્થળ છે. તે ઉપરાંત હિંદી ભાષાના પ્રસિદ્ધ કવિ સુમિત્રાનંદન પંતનું પાણ આ જન્મસ્થળ છે. તેમની સ્મૃતિમાં પણ અહીં એક મ્યુઝીયમ બનેલું છે.

અમે એ અનાસક્તિ આશ્રમ પર જ સીધાં પહોંચ્યાં. ખુલ્લાં, વિશાળ ચોગાનની વચ્ચોવચ્ચ આશ્રમ આવેલો છે. આશ્રમમાં ગાંધીજીના જન્મથી માંડીને મૃત્યુ સુધીના અનેક પ્રસંગો, તેમની સાથે સંપર્કમાં આવેલ વ્યક્તિઓ અને સ્થળોના ફોટાઓ અને લખાણો અહીં સચવાયેલાં છે. દરરોજ સમજે છ વાગે ત્યાં પ્રાર્થના થાય છે. ત્યાંના બે ભાઈ સાથે અમે પણ એ પ્રાર્થનામાં જોડાયાં.

આશ્રમનાં પ્રાંગણમાંથી નંદાદેવી, ત્રિશૂલ અને પાંચ પાંડવોની હિમાલય પર્વતમાળા હારબંધ ઊભેલી જોવા મળે છે.

એ પર્વતોની પછીતે હળવે પગલે વિદાય થઈ રહેલા સૂરજદાદાની એ સમયની આભાની અંગછટા સ્તબ્ધ અને નતમસ્તક કરી દેતી હતી. સૃષ્ટિના સર્જનહારને અનાયાસે જ બે હાથ અને ત્રીજું મસ્તક જોડીને પ્રણામ થઈ જાય એવું દિલ થંભાવી દેવું એવું એ યાદગાર દૃશ્ય હતું.

અહીં લગભગ બે કલાક જેટલો સમય ગાળીને અમે હોટલ પર પહોંચ્યાં. કૌસાનીમાં હજુ થોડો સમય વ્યતીત કરવાની ખૂબ ઇચ્છા હોવા છતાં બીજે દિવસે સવારમાં નાસ્તો કરીને નીકળી જવાનું અમારે નક્કી કરવું પડ્યું.
ક્રમશ:
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
