૧૯૯૮માં કંડલા બંદર પર ત્રાટકેલાં સમુદ્રી વાવાઝોડાં પછી હવે છેલ્લાં થોડાં વર્ષોથી અરબી સમુદ્રમાં લગભગ દર વર્ષે વાવાઝોડાં સર્જાવા લાગ્યાં છે. એ પૈકી કેટલાંક દુરથી જ આંખ ફેરવી ગયાં તો કેટલાંકે બહુ નજદીક આવીને પણ આંખ દેખાડી. છેલ્લે બિપરજોય તો જાણે ત્રીજી આંખ ખોલીને પોતાનું તાંડવ નૃત્ય કરી જ ગયું.
આપણે ત્યાં બંગાળના ઉપસાગરમાં પણ દર વર્ષે વાવાઝોડાં પેદા થાય છે અને વધતો ઘટતો વિનાશ પણ ફેલાવે છે.
અવકાશ વિજ્ઞાનની ટેક્નોલોજિ વડે હવામાન ખાતું હવે વાવાઝોડાં અંગે બહુ સચોટ આગાહી કરી શકે છે અને તેની હિલચાલ પર ચાંપતી નજર રાખી શકે છે એટલે ટુંકા ગાળામાં માનવ જીવનની હાનિ લગભગ નથી થતી. પરંતુ, વાવાઝોડાંની તીવ્રતાનો સીધો માર પડતા વિસ્તારોમાં લોકોનાં ઘરબાર અને જીવનને તેમજ ખેતી, માછીમારી વગેરે વ્યવસાયોને કે વીજળીની લાઈનો અને સંચાર વ્યવસ્થા અને માર્ગ વ્યવહારો જેવી સંપત્તિને જે નુકસાન થાય છે તે દર વર્ષે સહન કરવું પડે એ આપણી દૂરંદેશીનો જ અભાવ કહી શકાય. આવાં નુકસાનો પણ સાવ નહીંવત થાય એ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજિને કામે લગાડવાની આલબેલ તો વાગી જ ચુકી છે.
ડૉ. પરેશ વૈદ્યે ઓક્ટોબર ૨૦૨૦માં આવાં વાવાઝોડાંઓ અંગે થયેલા વૈશ્વિક અભ્યાસો અને અનુભવોને સરળ ગુજરાતીમાં ‘નવનીત સમર્પણ’માં સમજાવ્યા. તે પછી તેમણે ચોમાસાની બધી જ પ્રાથમિક માહિતી સમાવી લેતું પુસ્તક ‘આપણું આગવું ચોમાસું’ કિંડલ આવૃતિ સ્વરૂપે પ્રકાશિત કર્યું, જે નવભારત સાહિત્ય મંદિર દ્વારા મુદ્રિત આવૃતિ તરીકે પણ ઉપલબ્ધ છે. આ પુસ્તકમાં પણ તેમણે વાવાઝોડાંને સમજાવતું પ્રકરણ પણ મુક્યું છે.
દરેક સામાન્ય નાગરીકમાં આવી સમજણ પેદા થાય એ આશયથી વેબ ગુર્જરીએ ડૉ. વૈદ્યને પોતાના લેખને બિપરજૉયના સંદર્ભમાં સંપાદિત કરી આપવા કરેલ વિનંતિના પ્રતિસાદ રૂપે તૈયાર થયેલ લેખ, ડૉ. પરેશ વૈદ્યનાં સૌજન્યથી, અહીં રજુ કરેલ છે.
સંપાદન મડળ, વેબ ગુર્જરી
ડો. પરેશ ર. વૈદ્ય
આ મહીને પાંચમી તારીખથી ૧૬મી સુધી ગુજરાતના જીવન માં ‘બીપરજોય’ વાવાઝોડું ઝળુંબતું રહ્યું. ‘બીપરજોય’ એ બંગાળી શબ્દ છે જેનો અર્થ જ ‘વિપત્તિ’ (Disaster) છે. ભારતીય ઉપખંડમાં વાવાઝોડાં ચોમાસાથી પહેલાં અથવા ચોમાસું પૂરું થાય તે પછી તુરત આવે છે. જો કે આ નિયમમાં છેલ્લાં બેએક વર્ષથી અપવાદ દેખાયા છે; ચોમાસાની અધવચ્ચે પણ વાવાઝોડાં આવ્યાં. બાકી સાધારણપણે મે મહિનામાં અને પછી ઓક્ટોબર-નવેમ્બરમાં એ આવે છે. છેલ્લાં ત્રણ વરસ બાદ કરતાં, સામાન્ય અનુભવ એવો છે કે મોટા ભાગનાં વાવાઝોડાં બંગાળના ઉપસાગરમાં જન્મે છે; અરબી સમુદ્રમાં ઓછી સંખ્યામાં અને ઓછી શક્તિવાળા તોફાન આવે છે.
જેમ ચોમાસું દુનિયામાં અમુક સ્થળોએ જ છે, તે રીતે વાવાઝોડાં પણ અમુક ચોક્કસ વિસ્તારોમાં જ આવતાં જણાયાં છે. ચિત્ર-૧ માં આ ક્ષેત્રો જોઈ શકાય છે. આપણા ઉપરાંત એ પૂર્વ એશિયાના દેશો (ફિલીપાઈન્સ વગેરે)માં દેખાય છે. ત્યાં એ પ્રશાંત મહાસાગર બાજુથી આવે છે. બીજો વિસ્તાર વેસ્ટ ઈન્ડિઝના ટાપુઓ છે, જ્યાં ક્યારેક તો આટલાંટિક સમુદ્રમાં ઉઠેલું તોફાન ધરતી પાર કરી પ્રશાંત સાગર તરફ જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સુધી લટાર મારી આવે છે. કુદરતી પ્રક્રિયા એકની એક જ હોવા છતાં વિશ્વના જુદા જુદા પ્રદેશો એને જુદાં નામથી ઓળખે છે. ગુજરાતીમાં આપણે વાવાઝોડું કહીએ છીએ તેનું અહીં અંગ્રેજી નામ Cyclone (સાયક્લૉન) છે. એવું તોફાન વેસ્ટ ઈન્ડિયન ટાપુઓ ઉપર ‘હરિકેન’ કહેવાય અને જાપાનને કાંઠે ટાઈફૂન. આ બધાં વચ્ચે એક સામ્ય છે કે એ બધાં વિષુવવૃત્તની નજીકથી શરૂ થયાં હોય છે. પછી ભલે હજારો કિલોમીટરની યાત્રા કરી દૂરનાં સ્થળે પટકાતાં હોય અને ત્યાં વિનાશ વેરે.

ઉત્પત્તિ સ્થાન :
આપણે જાણીએ છીએ કે ચોમાસામાં ભારતની ધરતી તરફ સમુદ્ર પરથી પવનો વાય છે. પરંતુ જયારે ચોમાસું નથી હોતું ત્યારે વિષુવવૃત્તની નજીક ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, એમ બંને તરફથી પવનો સામસામા મળતા હોય છે. ( જુઓ ચિત્ર ૨).

સમુદ્ર કે ધરતીની સપાટી નજીકના આ પવનો મિલન સ્થળે આવી, ત્યાંથી ઉપર જાય છે અને ઉપરના સ્તરે પોતપોતાના ગોળાર્ધની દિશામાં પાછા જાય છે. ચિત્રમાં ABCD માર્ગે. મિલનના આ સ્થળને આંતર વૃત્તીય મિલન પટ્ટો Inter Tropical Convergence Zone – ITCZ ) કહે છે. આ પટ્ટો બરોબર વિષુવવૃત્ત ઉપર નહિ પરંતુ થોડો ઉત્તર કે દક્ષિણ તરફ હોય છે. ભારતીય ઉપખંડમાં એ થોડો ઉત્તર તરફ જ હોય છે. ઋતુ બદલાતી હોય ત્યારે પવનોની દિશા બદલવાની હોય છે. ત્યારે અહી પવનો અસ્થિર થાય છે. તેવામાં જો અમુક સ્થળે પાણીનું ઉષ્ણતામાન આસપાસના પાણી કરતાં વધી જાય તો ત્યાંની હવા વધુ ઝડપે ઉપર જાય છે. તો ત્યાં નાનો શો ઓછાં દબાણનો વિસ્તાર બને છે. તેને ભરવા કોઈ ત્રીજી જ દિશામાંથી હવા ધસી આવે તો અસ્થિરતા નિર્માણ થાય છે. તેને ભરવા ITCZ સિવાયની કોઈ ત્રીજી દિશામાંથી હવા ધસી આવે તો અસ્થિરતા નિર્માણ થાય છે. જો તે વખતે ITCZ નો પટ્ટો વિષુવવૃત્તની બરાબર ઉપર જ હોય તો કંઈ નથી થતું, પરંતુ જો ઉત્તર કે દક્ષિણમાં પાંચ અંશ અક્ષાંશ જેટલો ખસી ચૂક્યો હોય તો ત્યાં પૃથ્વીનાં ધરીભ્રમણનો વેગ ભાગ ભજવે છે. પૃથ્વી પ્રચંડ ગતિ એ પશ્ચિમથી પૂર્વ તરફ ફરતી હોવાથી તેની સાથે લાગેલા વાતાવરણ ને પણ પૂર્વ તરફ મરડે છે. તેથી વિષુવવૃત પર થી ઉત્તર તરફ જતા પવનો જમણી તરફ વંકાય છે. પેલી ધસી આવતી હવાની દિશાને પણ એ મરડે છે અને સ્થાનિકે ચક્રિય ગતિ શરૃ થઈ જાય છે. ગોળ ફરતી હવા ઉપર પણ જતી હોવાથી પાણીની સપાટી પર હવાનું દબાણ હજુય ઓછું કરે છે તેથી વળી વર્તુળાકાર ગતિ વધે છે અને અસ્થિરતાનું ‘વિષચક્ર’ શરૂ થઈ જાય છે.

મધ્યમાં ઓછાં દબાણવાળી આ પ્રણાલિ ITCZના પટ્ટાથી વિખૂટી પડી એક સ્વવંત્ર ઘટના તરીકે ફરે છે. આ થઈ વાવાઝોડાંની શરૂઆત. ભૌતિકશાસ્ત્રના નિયમો મુજબ ઉત્તર ગોળાર્ધમાં આ ચક્ર ઘડિયાળના કાંટાથી વિરુદ્ધની દિશામાં ફરે છે (anti-clockwise) અને દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળની દિશામાં. એક પંપની જેમ એ સમુદ્રની સપાટી પરની ભેજવાળી હવાને ઉપર ધકેલતું રહે છે; ઉપર જઈ ઠંડી થતાં એ હવાના ભેજના વાદળાં બનતા રહે છે. કુદરતનો એ નિયમ છે કે ભેજવાળી હવા ઠંડી પડે ત્યારે પોતાની આંતરિક ઊર્જા બહાર ફેંકે છે અને એ ગરમીના કારણે હવાનો જથ્થો વધુને વધુ ઉપર જતો રહે છે. આ પ્રક્રિયામાં અહીં તો વળી વર્તુળાકાર ગતિ પણ છે. એટલે વાદળાંનો એક ઊંચો નળાકાર રચાય છે અને તેની ટોચે પહોંચી વાદળાં બહાર તરફ ફેલાતાં રહે છે. ઉપગ્રહનાં ચિત્રમાં એ થાળી જેવું દેખાય છે. સમુદ્રથી એ ૧૦-૧૨ કિ.મી. ઉપર હોય છે અને એનો વ્યાસ ૨૦૦ થી ૪૦૦ કિ.મી.નો હોઈ શકે. સમુદ્રનાં પાણીનું ઉષ્ણતામાન ૨૭૦ સે. કે તેથી વધુ હોય ત્યારે જ વાવાઝોડાં સર્જાય છે.
આંતરિક રચના :
સાથેનાં ચિત્ર (આ. ૪)માં એક વાવાઝોડાંનો ઊભો છેદ (એટલે કે આંતરિક ઘટના) બતાવ્યો છે. તેના કેન્દ્રમાં કંઈ નથી. ત્યાં ઊભા હો તો માથે ભૂરું આકાશ દેખાય. આ વાવાઝોડાંની આંખ છે, તેનો પાંચ થી પચાસ કિ.મી.નો વ્યાસ હોઈ શકે. તે પછી મુખ્ય દિવાલ છે અને તેની બહાર વાદળાંના તૂટક તૂટક નળાકારો છે. આ બધું ફરે છે અને ‘ક્યુમુલો નિમ્બસ’ પ્રકારનાં વાદળાં નીચેનાં સ્થળોએ વરસાદ વરસાવતાં રહે છે.

આ આખી પ્રણાલિ હટતી પણ રહે છે. જેમ ભમરડો ફરતો ફરતો હટતો રહે છે તેવું જ વાવાઝોડું પણ કરે છે. આ ગતિ ઠગારી છે. ક્યારેક રોજના ૨૦-૨૫ કિ.મી. ખસે તો ક્યારેક કલાકો સુધી એક જગ્યાએ ઊભી જઈ હવામાનશાસ્ત્રીઓ અને લોકોની ધીરજની પરીક્ષા લે છે.

બીપરજોય કલાકે છ થી આઠ કી.મિ ખસતું હતું .વાવાઝોડાના ખસવાનો માર્ગ ધીરે ધીરે વૈજ્ઞાનિકોને સમજાવા લાગ્યો છે. અને તેની આગાહી વધુ ને વધુ સચોટ થતી જાય છે. એ ઉપગ્રહનાં ચિત્રો સાદાં રડાર અને ડૉપ્લર રડારની મદદથી તેના ઉપર નજર રખાય છે. આમ છતાં એ આગાહી કરતાં જુદા માર્ગે ચાલ્યું જાય તો આશ્ચર્ય નથી. કલાકે ૨૦૦ કિ.મી. ઝડપે ફરતો ભમરડો માર્ગમાંથી થોડો હટી જાય અને સરવાળે જુદી જ જગ્યાએ પહોંચી જાય તે સમજાય તેવી વાત છે.
વાવાઝોડાંનાં માર્ગ :
બંગાળના ઉપસાગરનાં વાવાઝોડાં સામાન્ય રીતે અરબી સમુદ્રનાં વાવાઝોડાં કરતાં વધુ શક્તિશાળી હોય છે અને તે મુજબ તેનો માર્ગ પણ એકદમ નક્કી નથી. પરંતુ અરબી સમુદ્રનાં વાવાઝોડાંનો માર્ગ ભાખવો સરળ છે. એ વેરાવળ કાંઠે આવે તેવું જ મનાય છે. તાજેતરમાં મોટાભાગનાં વાવાઝોડાં ઓમાન તરફ વળી જાય છે. પૂર્વ કાંઠે તમિળનાડુમાં નાગાપટ્ટનમ્, આંધ્રમાં વિશાખાપટ્ટનમ્ અને ઓરિસ્સામાં પારાદીપ અને જગન્નાથપૂરીની આસપાસ પટકાય છે. તોફાનનો માર્ગ કેવો હશે તેનો આધાર ઠેકઠેકાણે સમુદ્ર તેને કેટલીક ગરમ-ભેજવાળી હવા પૂરી પાડે છે તેના ઉપર છે. ગુજરાત તરફ આવતાં, ત્યાં સમુદ્રનાં પાણીનું ઉષ્ણતામાન ઓછું હોવાથી તેને મળતી ઊર્જા ઘટતી જાય છે. તેથી તેની ગતિ પણ ઘટે છે. પોતાનો વરસાદ એ સમુદ્રમાં જ ઠાલવી દે છે. બીપરજોય વિષે આઠમી જુન સુધી મનાતુ રહ્યું કે એ ઓમાન તરફ જશે.

પરંતુ એક વાર એ મુંબઈની ઉત્તરે ગયું ને ગુજરાત ની આસપાસ ના સમુદ્ર નું ઉષ્ણતામાન થોડું ઓછું હોવા થી તેને મળતી ઊર્જા ઘટતી ગઈ. એટલે ૧૨ મી જુન ની ભવિષ્યવાણી તેને જમણી તરફ વાળી જખૌ તરફ જતું બતાવે છે.

આથી ઉલટું, એક વાવાઝોડું ઓખા પાસેથી પૂર્વ તરફ વળી કચ્છના અખાતમાં ઘૂસેલું. તેના પાણીમાંથી નવી ઊર્જા લઈ એ કંડલા ઉપર ત્રાટક્યું હતું. ઈતિહાસમાં અગાઉ આવું ક્યારેય નહોતું બન્યું.

જમીનને સ્પર્શ :
વાવાઝોડું ત્રાટકવુ એટલે તેની આંખ સમુદ્ર છોડી જમીન પર દાખલ થવી. અંગ્રેજી માં Landfall કહે છે. એનાથી થતો વિનાશ ત્રણ પ્રકારે થાય છે.
૧. હવાની ગતિના કારણે. આંખની આસપાસ નળાકારની સામસામી દિવાલોમાં હવાની ગતિ પણ વિરુદ્ધ દિશામાં હોય છે. એકસોથી બસ્સો કિલોમીટરની આ ગતિના કારણે ઝાડ ઉખેડવા તો સામાન્ય વાત છે; લોખંડના થાંભલા પણ મરડાઈ જાય છે.
૨. સમુદ્રનું પાણી ફેલાવાથી. નળાકારના કેન્દ્રમાં સમુદ્રની હવા સતત ઉપર ખેંચાતી હોવાથી જેવું વાવાઝોડું જમીનને સ્પર્શે કે તેનું ઓછું દબાણ સમુદ્રનાં પાણીને જ ઊંચકીને કાંઠે ફેંકે છે. તેમાં યાંત્રિક શક્તિ હોવાથી નુકશાન થાય છે અને વધારામાં ખેતી અને રહેણાંક ખારા પાણીમાં ડૂબે છે. પવન ની ગતિ ઉપરાંત સમુદ્ર ની છાજલી ના આકાર ઉપર આ નુકશાન નો આધાર છે. સામાન્ય રીતે બંગાળ ના ઉપસાગર કરતા અરબી સમુદ્ર ના વાવાઝોડા માં આ ઘટના ઓછી બને છે.
૩. પાણીનું પૂર. વાવાઝોડાંનાં વાદળો ક્યુમ્યુલોનિમ્બસ પ્રકારનાં છે, જે સહેલાઈથી વરસે છે. આંખની દિવાલમાં ભરપૂર પાણી હોય છે. જે વરસવાથી પૂર આવે છે. કેન્દ્રની બહારના વિસ્તારમાં પણ સારો વરસાદ થાય છે, જે અંતર પ્રમાણે ઘટતો જાય છે.
પવનની ઊર્જા ઝાડો અને ઈમારતો સાથે સંઘર્ષમાં ખપી જાય છે; સમુદ્રનો સંપર્ક કપાઈ જવાથી નવી ઊર્જા મળતી નથી. આમ ક્રમશઃ ચક્રવાત ઘટતો જઈ આગળની યાત્રા નીચા દબાણનાં ક્ષેત્ર (ડિપ્રેશન) તરીકે કરે છે અને માત્ર વરસાદ આપે છે. જે વાવાઝોડામાં કેન્દ્રનું દબાણ બહુ ઓછું હોય (જેમ કે ૯૯૫ મિલીબાર) તે નુકશાન તો કરે જ છે પણ દેશની અંદર લાંબી યાત્રા કરે છે. બંગાળના ઉપસાગરનાં વાવાઝોડાંની અસર છેક રાજસ્થાન પહોંચવાના પણ દાખલા છે. આ રીતે જોતાં કાંઠાના ગામો માટે Landfall એ ઈંતજારની અંતિમ ઘડી છે પરંતુ જમીન ઉપર તેનાથી આગળના વિસ્તારો માટે તોફાન અને વરસાદ ની શરૂઆત છે. જેમ કે બીપરજોય ના કેસમાં ભુજ અને બીજા વિસ્તારોમાં પવન અને વરસાદ ૧૬ તારીખે વધુ હતા કારણ કે નબળા થયેલ વાવાઝોડાનું કેન્દ્ર તેમનાથી ૨૫/૩૦ કિલોમીટર ના અંતરથી પસાર થઇ રહ્યું હતું.
સામાન્ય રીતે આંખ જમીન ને અડે તે ઘટના વિનાશકારી હોય છે અને કોઈ ના છૂટકે જ ત્યાં રહેવું પસંદ કરે. પરંતુ બીપરજોય ની આંખ જ્યાં જમીનને અડે તે સ્થળે દૃશ્ય જોવા ની ઈચ્છા થી ૮૦ વર્ષ ના ભુજ આ એક ‘યુવાન’ શ્રી ડી.વી. મહેશ્વરી ૧૫ તારીખે સાંજે ખાસ જખૌ ગયા હતા. આંખ થોડે દૂર થી અને થોડી મોડી પસાર થઇ તેથી તેઓને એ દૃધ્ય જોવા ન મળ્યું પરંતુ એ પરિવારે ૭૦ થી ૮૦ કિલોમીટર ની ઝડપે વાતા વાયરાનો જરૂર અનુભવ કર્યો. આટલી હિંમત દાખવ્યા પછી પણ landfall જોઈ ન શકવાનો તેઓને અફસોસ છે.
સામાન્ય રીતે આપણા સાગરોમાં ઉત્પન્ન થતાં વાવાઝોડાં કરતાં એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરમાં વાવાઝોડાં વધારે તીવ્ર હોય છે. ૨૦૦૫નાં ‘કટ્રિના’ની ઝડપ ૨૦૦ કિ.મી./કલાક હતી અને અમેરિકાનાં ન્યૂ આર્લિયન્સ રાજ્યને રગદોળી નાંખ્યું હતું. ઈતિહાસમાં સૌથી પ્રબળ તોફાન “હૈયાન” હતું, જે ૩૧૫ કિ.મી.ની ઝડપે ફિલીપાઈન્સ પર ત્રાટકેલું. પવનની એટલી ગતિ હોય ત્યારે સમુદ્રનું પાણી લાંબા અંતર સુધી જમીન ઉપર ફેલાઈ વળે છે.
સાથેના કોષ્ટકમાં વાવાઝોડાંની તીવ્રતાનો તેમાંના પવનોની ગતિ જોડે સંબંધ બતાવ્યો છે. હવાના દબાણના આંકડા નથી બતાવ્યા પણ તે તીવ્રતા ઠરાવવામાં ભાગ લે છે. બીપોર્જોય શરુ માં અતિ તીવ્ર (Extremely Severe) શ્રેણી માં હતું પરંતુ નબળું પડ્યા બાદ તેને ખૂબ તીવ્ર ( Very Severe) કરી નાખવામાં આવ્યું. એક વાર જમીન ને અડે તે પછી તે ક્રમશઃ ઘટતી શ્રેણી માં જાય છે. રાજસ્થાન પહોચ્યા પછી પણ એ વાવાઝોડું જ રહ્યું હતું, પરંતુ ત્યાર બાદ કેન્દ્ર ની હવા ની ગતિ પર થી તેને ‘ડીપ્રેસન’ ગણવામાં આવ્યું.
| : કોષ્ટક – ૧: | ||
| વાવાઝોડાંની તીવ્રતા | ||
| નામ | પવનની ઝડપ (કલાકે) | |
| સામુદ્રિક માઈલ | કિલોમીટર | |
| નીચાં દબાણનું ક્ષેત્ર
(ડિપ્રેશન) |
૧૭ થી ૩૩ | ૩૧ થી ૬૪ |
| અતિ નીચાં દબાણનું ક્ષેત્ર | ૨૮–૩૩ | ૫૧ થી ૬૨ |
| વાવાઝોડું
(Cyclonic Strom) |
૩૪–૪૭ | ૬૩ થી ૮૭ |
| તીવ્ર વાવાઝોડું
(Severe Cyclonic Strom) |
૪૮–૬૩ | ૮૮ થી ૧૧૬.૫ |
| ખૂબ તીવ્ર વાવાઝોડું
(Very Sever Cyclonic Strom) |
૬૪– ૮૯ | ૧૧૮–૧૬૬ |
| અતિ તીવ્ર વાવાઝોડું
Extremely severe cyclonic Storm |
૯૦ – ૧૧૯ | ૧૬૭ – ૨૨૧ |
| સુપર સાઈક્લોન | ૧૨૦થી વધારે | ૨૨૨થી વધારે |
| નોંધ: વાવાઝોડાંની આગાહી નાવિકો માટે બહુ અગત્યની છે. આથી પવનની ઝડપ સામુદ્રિક માઈલમાં બતાવવાનો રિવાજ છે.
એક સામુદ્રિક માઈલ (નૉટ) = ૧.૧૫ માઈલ = ૧.૮૫ કિલોમીટર |
||
શૈતાનનાં નામો:
યમરાજના આ દૂતોને નામથી ઓળખવાની પ્રથા ભારતીય ઉપખંડમાં તાજેતરમાં ( ઈ.સ. ૨૦૦૦ થી) જ આવી છે. પશ્ચિમના દેશોમાં પહેલાંથી છે. હિન્દ મહાસાગરનાં વાવાઝોડાં પહેલાં તો માત્ર શહેરના નામ અને વર્ષથી ઓળખાતાં. જેમ કે ઢાકા (૧૯૯૧), પારાદીપ (૧૯૯૯) વગેરે. હવે આ વિસ્તારના ૧૩ દેશો પોતપોતાનાં પસંદગીનાં નામોની યાદી દિલ્હીમાં આવેલ પ્રાદેશિક હવામાન કેન્દ્રને આપે છે. વારાફરતી દેશો નામ ચૂંટે છે. હમણાંથી વાવાઝોડાંની સંખ્યા વધી હોવાથી નામોનો ભંડાર જલદી ખતમ થાય છે. બીપરજોય નામ બંગલા દેશ ની યાદી માંથી પડ્યું. હવે જે વાવાઝોડું ( જેમાં પવનો ની ગતિ કલાકે ૬૩ કી.મી.થી વધારે હોય) આવશે તેને ભારત નું સૂચવેલું નામ ‘તેજ’ અપાશે.
વાવાઝોડાંની બાબતે સંતોષની વાત એ છે કે એની આગાહી બહુ વહેલી અને વધુ સચોટ થવા લાગી છે. આંધ્ર અને ઓરિસ્સાની સરકારોએ વાવાઝોડાં દરમિયાન લોકોને શરણ આપવાના ‘શૅલ્ટર’ બનાવ્યા છે. આગાહીનો લાભ લઈ પ્રજા આ સલામત સ્થળે આવી જાય છે. એક ઉદાહરણ તરીકે જુઓ તો ૧૯૯૯નાં વાવાઝોડામાં ૯૮૮૭ જાન ગઈ હતી જ્યારે તેનાથી બીજા નંબરનાં વાવાઝોડાં ફાઈલીન અને ફણી (અનુક્રમે ૨૦૧૩ અને ૨૦૧૯)માં અનુક્રમે ૪૫ અને ૮૯ લોકોએ જ જાન ખોયા. બીપરજોય ભલે નબળું પડીગયું હતું પણ તેનાથી એક પણ જાન ગઈ નથી તે વિજ્ઞાન ના ઉપયોગ નું પરિણામ છે. આ રાહત પછી વૈજ્ઞાનિકોની આગાહી ક્યારેક આઘી પાછી થાય તો ટીકા કરવાપણું ન હોવું જોઈએ.
છેવટે અવકાશ વિજ્ઞાનનો આવો પ્રજાલક્ષી ઉપયોગ કરવાનું જેમને સૂઝયું તે ડૉ. વિક્રમ સારાભાઈને દરેક વાવાઝોડા વખતે વંદન કરવા જોઈએ.
ડો. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
