આપણાં જીવનનું પોતાનું અર્થશાસ્ત્ર
પણ સમજવું તો જોઇએ
પ્રકરણ # ૩ – અંશ : ૪ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
આપણી અંગત અર્થવ્યવસ્થાનું માળખું
અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનનાં સરળીકરણ કરેલ આર્થિક માળખાંથી આપણને આપણા ખર્ચાઓ, ફાયદાઓ અને ચોખ્ખા નફાતોટાઓની ગણતરી કરવાનો સંદેશ મળે છે. નાણાપ્રધાન અર્થવ્યવસ્થામાં જીવવા માટે આપણા પોતાના આર્થિક નિયમો શી રીતે ઘડવા તેમ જ બિનનાણાકીય વ્યવસ્થામાં પણ ખર્ચાઓ, ફાયદાઓ અને ચોખ્ખા નફાતોટાના હિસાબો માંડીને શી રીતે જીવવું તે વિશેના દિશાસંકેતો મળે છે. જેમકે, રૂપિયા-પૈસાનો સહેલાઈથી સમજી શકાય એવો હિસાબ માંડીને આપણે વધારે આર્થિક વળતર મળતો વ્યવસાય પસંદ કરવો કે વધારે મળતા નિજાનંદનું ‘મૂલ્ય’ ‘આંકીને’ પોતાને મનપસંદ વ્યવસાયમાં મસ્ત રહેવું એવો નિર્ણય લેવો.
તે જ રીતે રોજબરોજ પણ આપણે નિર્ણયો લેતા રહીએ છીએ કે, આપણી કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા છ રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય નિર્ણયોની આસપાસ રચાતું અંગત અર્થવ્યવસ્થાનું પણ પોતાનું આગવું માળખું છે, આપણી આગવી જીવન વ્યવસ્થાના નિયમો ઘડવા માટે તે જરૂરી પણ છે. આ કામમાં અર્થશાસ્ત્રીઓ, તેમનાં નાણાકેન્દ્રી ખર્ચ ને ફાયદાની ગણત્રી આધારિત વૈજ્ઞાનિક આર્થિક માળખાં વડે, આપણને, મદદરૂપ પણ થાય છે.
આમ, ખર્ચા અને ફાયદાના હિસાબોના નાણાકેન્દ્રી અને આપણી જીવન વ્યવસ્થાના બીનનાણાકીય નિર્ણયો લેવામાં, જરૂરિયાત મુજબ વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રનાં નાણાકેન્દ્રી અને અંગત અર્થવ્યવસ્થાનાં બીનનાણાકીય માળખાં એમ બન્નેનો, સ્વાભાવિકપણે, સંતુલિત, ઉપયોગ આપણે કરી લેતાં રહીએ છીએ.
બીજા શબ્દોમાં કહીએ તો કમાણી, ખર્ચા, બચત કે નફાતોટાનાં વળતરનો હિસાબ આપણે, સમય અને સંદર્ભની માંગની આપણી આગવી સમજણ મુજબ, રૂપિયા પૈસામાં કે પછી રૂપિયા પૈસાને બાજુએ મુકીને, કરી લેતાં રહીએ છીએ. જેમકે, આપણા સમય, પ્રયાસો, જ્ઞાન, અનુભવ કે આવડત જેવાં આપણાં સંસાધનોને નાણાંના વળતરની ગણતરી કરીને કામે લગાડવા માટેના કે પછી નાણા સિવાયના નિજાનંદ કે સેવા જેવા ઉદ્દેશ્યોથી કામે લગાડવા માટેના આપણા રોજબરોજના નિર્ણયો.
અંગત અર્થવ્યવસ્થામાં નાણાનું સ્થાન
નાણા વડે શું શું કરી શકાય ?
કમાઓ
આપણે જે નાણાકીય અર્થવ્યવસ્થામાં વસીએ છીએ તેમાં સૌ પહેલાં તો આપણે નાણાનાં માધ્યમમાં કમાણી કરીને આવકનો સ્રોત ઊભો કરવો પડે. જીવન નિર્વાહ માટે આવશ્યક એવી કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદવા માટે આપણી પાસે પુરતાં નાણાંનું હોવું અનિવાર્ય જ ગણાય. એટલે, નાણાંની આવકના પુરતા પ્રવાહ વિના નાણાકીય અર્થવ્યવસ્થામાં ટકી શકવું લગભગ અશક્ય કહી શકાય.
ખર્ચ કરો
કમાણીના સ્રોત દ્વારા મેળવેલ નાણાંનો ઉપયોગ આપણે ક્યાં તો જીવન માટે આવશ્યક, કે આપણાં જીવનના ઉદ્દેશ્યોની ઈચ્છાપૂર્તિ માટે જરૂરી, ચીજવસ્તુઓ અને સેવાઓ મેળવવામાં કરીશું કે પછી નાણાકીય રોકાણો કરવામાં કરીશું. અમુક ખાસ કારણસર થતા નાણાના સંગ્રહ સિવાય નાણા સ્વરૂપે જે કોઈ કમાણી થતી હોય છે તે કોઈને કોઈ સ્વરૂપે ખર્ચાતી જ હોય છે.
બચત કરો
જીવનની તડકી છાંયડીઓને કારણે તેમ જ કોવિડ મહામારી જેવાં બાહ્ય પરિબળોને કારણે અટવાઈ પડેલ આવક પ્રવાહો એ આજનાં જીવન વ્યવહારોની વાસ્તવિકતા છે. આવકનો પ્રવાહ અટકે તેની સીધી અસર આપણાં જીવનને ટકાવી શકવાની આપણી ક્ષમતા પર થાય તે કહેવાની ભાગ્યે જ જરૂર હોય. આવી આકસ્મિક અને અનિવાર્ય વિપરિત ‘સંભવિત ભાવિ’ ઘટનાઓના સમયે આવશ્યક ખર્ચાઓ કરી શકવા માટે જરૂરી નાણાં મળી રહે તે માટે ‘વર્તમાન’ આવકમાંથી બચત કરવાનો માર્ગ અપનાવાતો રહ્યો છે. બચત એ ભવિષ્ય માટે કરેલ નાણાનો આજનો વપરાશ છે.
રોકાણ કરો
આજની આવકમાંથી આજના આવશ્યક ખર્ચાઓ કર્યા પછી બચત કરી શકનાર સક્ષમ (કે નસીબદાર [!]) લોકો એ બચત કરેલ નાણાને તિજોરીમાં કે બેંકનાં ખાતામાં બિનઉત્પાદક રીતે પડી રહેવા નથી દેતાં. મોટા ભાગે આવી બચત એવાં રોકાણોમાં કરવામાં છે જેમાંથી મળી શકનાર વળતરનો પ્રવાહ ભવિષ્યની પૂર્વઆયોજિત કે/અને આક્સ્મિક ઘટનાઓના સમયે કરવા પડવાનાં ખર્ચને પહોચી વળી શકે.
ઉપાડ કરો
એક વાર કરેલ રોકાણ અને તેમાંથી વળતરોને જોઈને ખુશ થઈને બેસી નથી રહેવાતું. મોટા ભાગના કિસ્સાઓમાં આવાં રોકાણોનો, અને તેમાંથી મળતાં વળતરનો, ક્યાં તો જરૂરિયાતના સમયે ઉપાડ કરીને ખર્ચ કરવામાં આવે છે કે પછી સમય સમયની આવશ્યકતાઓ અનુસાર ઉપાડ કરીને વૈકલ્પિક માર્ગે પુનઃરોકાણ કરવામાં આવે છે.
વહેંચણી કરો
પોતાની આજની અને ભવિષ્યની પૂર્વયોજિત કે આકસ્મિક બધી જ જરૂરિયાતો પૂરી કર્યા પછી પણ જેમની પાસે નાણાં વધતાં રહે છે તેમાંના ઘણાં લોકો એ ‘ફાજલ’ નાણાં જરૂરિયાતમંદ અન્ય વ્યક્તિઓ (કે સંસ્થાઓને) આપી દેતાં હોય છે. સખાવતનો આ માર્ગ દરેક વ્યક્તિની અંગત પસંદ- નાપસંદ, પોતાનાં જીવન પ્રત્યેનાં મૂલ્યો અને ધોરણો, લાગણીઓનો કહી શકાય. ફાજલ નાણાંની વ્યવસ્થાઓનું એક બીજું અગત્યનું પાસું એ મિલકતને પોતાનાં કાયદેસરનાં વારસોને કરાતાં હસ્તાંતરણનું પણ છે.
હવે આગળના મણકાઓમાં આપણે ‘જીવનની અર્થવ્યવસ્થાનો વ્યાવહારિક અમલ’ વિષેનાં પ્રકરણમાં નાણાંથી શું શું કરી શકાય તે વિષે વિગતે વાત કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
