મારે ભણવું નથી છતાં પણ કોઈ મુજને હજુ ભણાવે છે.
હું જેને પળપળ બનાવું છું, મારું બગડ્યું બધું બનાવે છે.

 

બસ, યાદ નથી પ્રસાદ વગર, મેં કશું એને આપ્યું હોય,
તો પણ, શબરીનો રામ, કો’કની પ્રીતે જમ્યું જમાડે છે.

 

મારો કાળ નથી તે છતાં, મને એ ભીમ બની સતાવે છે.
દુર્યોધન સમજી જન્ઘા ઉપર, પાટું પર પાટું જડાવે છે.

 

નશ્વર શરીર, બનામ નામ, રિશ્તા માયા, રસમો છળ,
હવે, જાણ થઈ, દરગાહ ઉપર નામ નકામું ચઢાવે છે.

 

અન્ધ માતાના બાળક ને એ જુવાનીમાં જો લઈ લે છે,
અણધાર્યો પડદો પાડીને, એ નાટક અધૂરું બતાવે છે.

 

જો ઘો મરવાની થાય તો, એ ક્યાં એને લઈ જાય છે?
બસ, એ જ રોગીને હકીમના ઘરનું ઠેકાણું બતાવે છે.

 

મારી ધડકનમાં, મારા શ્વાસમાં, લય છે એ હું જાણું છું,
મારે નાચવું નથી ‘મનુજ’, કોઈ અમથું અમથું નચાવે છે.

‘મનુજ’ હ્યુસ્તોનવી

૦૩/૨૪/૨૦૨૩