ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

હિન્દી ફિલ્મી વાદ્યવૃંદમાં સૌથી મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા તંતુવાદ્ય વાયોલીન વિશે અગાઉની કડીઓમાં જાણ્યા પછી હવે અન્ય તંતુવાદ્ય ગિટાર વિશેની વાત.

મૂળભૂત રીતે ગિટાર પાશ્ચાત્ય તંતુવાદ્ય છે. તે એક સપાટ તુંબડાની સાથે જોડાયેલા હસ્ત ઉપર છ તાર બાંધી શકાય તેવી સુવિધા ધરાવે છે. હસ્ત ઉપર ચોક્કસ સ્થાનોએ પરદા/Frets નામે  ઓળખાતા ધાતુના પાતળા પટ્ટા લગાડવામાં આવેલા હોય છે. વગાડતી વેળા વાદ્ય સાથે બાંધેલા છ (અથવા ક્યારેક ચાર) તાર ચોક્કસ સપ્તકના ચોક્કસ સ્વર સાથે મેળવેલા હોવા જરૂરી છે. કોઈ એક તારને એક હાથે તુંબડા પાસે નખલી/Striker તરીકે ઓળખાતી પાતળી રચના વડે ઝંકૃત કરી, બીજા હાથની આંગળી વડે તેના હસ્ત ઉપરના નિશ્ચીત પરદાને દબાવવાથી અપેક્ષિત સૂર પેદા કરી શકાય છે.

આ થઈ ગિટારની પાયાની રચના. સમય વિતવા સાથે આ વાદ્યના સ્વરૂપ અને તેને વગાડવાની પધ્ધતિમાં ફેરફારો થતા આવ્યા છે, ગિટારના સૌથી વધુ પ્રચલિત ત્રણ પ્રકાર અને તેના વાદનની વિશેષતા વિશે પ્રાથમિક માહીતિ મેળવીએ. નીચે ત્રણે પ્રકારની તસવીરો જોઈ શકાય છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ‘ઈલેક્ટ્રીક’ ગિટાર એ કોઈ અલગ પ્રકાર નથી. કોઈ પણ વાદ્યને જો વીજતાર વડે એમ્પ્લીફાયર તરીકે ઓળખાતા સાધન સાથે જોડી દેવામાં આવે તો તે વાદ્યના સ્વરનું વિશિષ્ટ રીતે નિયંત્રણ થઈ શકે છે. આમ, લીડ/બાસ/હવાઈયન ગિટારને એમ્પ્લીફાયર સાથે જોડી દેવાથી તેનું રુપાંતરણ ઈલેક્ટ્રીક ગિટારમાં થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે તેમાં તુંબડાની જરૂર રહેતી નથી. એટલે કે તેમાં નામ પૂરતું, વાદ્યરચના પૂરતું જ તુંબડું હોય છે, જે હકીકતમાં સપાટ આને નક્કર હોય છે.

એકોસ્ટીક અથવા સ્પેનીશ ગિટાર તરીકે ઓળખાતી ગિટાર કોઈ પણ ધૂન વગાડવા માટે ઉપયોગી છે. આથી વાદ્યવૃંદોમાં તે બહુ પ્રભાવક રીતે સાંભળી શકાય છે. આ કારણથી તેને લીડ ગિટાર પણ કહેવામાં આવે છે. એક ક્લીપ માણવાથી આ બાબત વધુ સ્પષ્ટ થશે. કપીલ નામેરી એક કલાકાર એકોસ્ટીક ગિટાર પર ફિલ્મ ‘કલાકાર’ના ગીત ‘નીલે નીલે અમ્બર પર’ની એ ધૂન વગાડી રહ્યા છે, જે તેના ગિટારવાદન માટે ખુબ જ જાણીતી છે.

લીડ ગિટારની સરખામણીએ બાસ ગિટારનો હસ્ત લાંબો હોય છે. તેમાં જરૂર પ્રમાણે છ અથવા ચાર તાર બાંધવામાં આવે છે. મોટા ભાગે આ ગિટારની સ્વરબાંધણી એવી રીતે કરવામાં આવે છે કે તે લીડ ગિટારની સરખામણીએ એક કે બે સપ્તક નીચે હોય. તેનો ઉપયોગ ગીતની પશ્ચાદભૂને સમૃદ્ધ કરવા માટે તેમ જ ક્યારેક ક્યારેક તાલ પૂરો પાડવા માટે પણ થાય છે. ગિટારના આ પ્રકારનું વાદન માણવા માટે કાનને સહેજ કેળવવા પડે છે. આકાશદીપ ગોગોઈ નામના કલાકારનું બાસ ગિટાર વાદન સાંભળતાં આ મુદ્દો સારી રીતે સમજાશે. ફિલ્મ ‘મૈં ખિલાડી તુ અનાડી’ના ગીત સાથે તેઓ બાસ ગિટારનો પ્રયોગ કરી રહ્યા છે.

ઉપર જાણ્યા તે બે પ્રકારો સાથે શ્રુતી/મીંડવાદન (સૂરોનું સતત વાગવું) શક્ય નથી. આ બાબતે હવાઈયન ગિટાર અલગ પડે છે. તેમાં સૂરનું નિયંત્રણ ધાતુના નાનકડા નળાકાર જેવી રચના વડે થાય છે. આથી વાદનની સળંગસૂત્રતા જળવાઈ રહે છે. વળી સામાન્ય રીતે આ વાદ્યને કલાકાર ખોળામાં રાખીને વગાડતા હોય છે. આથી તેને ‘લેપ ગિટાર’ પણ કહે છે. શ્યામલ ચૌધરી નામના કલાકારે આ વાદ્ય ઉપર વગાડેલા ફિલ્મ ‘બદલાપૂર’ના ગીત ‘જીના જીના’ની ધૂન માણીએ. અન્ય એક વાદક તેમને લીડ ગિટાર ઉપર સાથ આપી રહ્યા છે.

હવાઈયન ગિટાર વડે શ્રુતીવાદન શક્ય હોવાથી તેનો શાસ્ત્રીય રાગોને વગાડવામાં પણ ઉપયોગ કરાયો છે.  સુખ્યાત કલાકાર પંડીત બ્રીજભૂષણ કાબરાએ આ વાદ્યને શાસ્ત્રીય વાદ્યસંગીતના ક્ષેત્રમાં બહુ ઊંચા સ્થાને બેસાડી દીધું છે. તેમના કસબની એક ઝલક માણીએ.

એવા જ એક અનન્ય વાદક કલાકાર વિશ્વમોહન ભટ્ટે હવાઈયન ગિટારમાં કેટલાક ફેરફારો કરી, એક વિશિષ્ટ વાદ્યની રચના કરી છે. આ વાદ્ય ‘મોહનવિણા’ તરીકે જાણીતું છે. તેની ઉપર તેમણે છેડેલા શાસ્ત્રીય રાગો થકી વિશ્વમોહન ભટ્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સુખ્યાત થયા છે. તેમને ખુબ જ પ્રતિષ્ઠિત એવા ‘ગ્રામી એવોર્ડ’થી નવાજવામાં આવ્યા છે. મોહનવિણા ઉપર તેમના શાસ્ત્રીય વાદનની એક ઝલક માણીએ.

આ વાદ્ય અને તેમાંથી નીપજતા સ્વર વિશે જાણ્યા પછી હવે કેટલાંક ફિલ્મી ગીતો માણીએ, જેમાં અહીં ઉલ્લેખ થયો છે તેમાંના કોઈ એક અથવા વધુ પ્રકારની ગિટારનો ઉપયોગ થયો હોય. ચાહકો ગીતમાં તેના થયેલા પ્રયોગને આસાનીથી ઓળખી શકશે.

બિનીતા બોઝે ગાયેલા ૧૯૪૫ની ફિલ્મ ‘હમરાહી’ના ગીત ‘બહાર કે દિન આયે’થી શરૂઆત કરીએ. સંગીતકાર હતા રાય ચંદ (આર સી) બોરાલ. આ ગીતમાં લીડ ગિટારના કર્ણપ્રિય ટૂકડાઓ અવારનવાર કાને પડ્યા કરે છે.

૧૯૪૯ના વર્ષની ફિલ્મ ‘લાહોર’માં શ્યામસુંદરનું સંગીત હતું. હવાઈયન ગિટારના યાદગાર અંશો ધરાવતું લતા મંગેશકર અને કરણ દીવાનનું ગાયેલું એક યુગલગીત ‘દુનિયા હમારે પ્યાર કી યૂં હી જવાં રહે’ માણીએ.

ગીતા દત્તના ગાયેલા અને સંગીતકાર સચીનદેવ બર્મને સ્વરબદ્ધ કરેલા ફિલ્મ ‘બાઝી’ (૧૯૫૧)ના ગીત ‘તકદીર સે બીગડી હુઈ તદબીર બના લે’માં લીડ ગિટારના ખુબ જ પ્રભાવક અંશો માણી શકાય છે.

https://youtu.be/NxAKYpzyoEc

એ જ વર્ષમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘સઝા’ના પ્રસ્તુત ગીતમાં પણ સચીનદેવ બર્મનનું સંગીત હતું. તેના ગીત ‘તુમ ના જાને કિસ જહાં મેં ખો ગયે’માં હવાઈયન ગિટારનો અવિસ્મરણીય ઉપયોગ થયો છે.

ચોક્કસ પધ્ધતિથી એકસાથે એક કરતાં વધારે સૂર છેડવાથી ઉત્પન્ન થતો ધ્વનિ ‘કોર્ડ’ કહેવાય છે. લીડ ગિટાર ઉપર તાલબદ્ધ ક્રમમાં એક પછી એક કોર્ડ સતત વગાડવાની ટેકનીક ‘વેમ્પીંગ’ અથવા ‘સ્ટ્રમીંગ’ તરીકે ઓળખાય છે. ૧૯૫૩ની ફિલ્મ ‘અનારકલી’ના લતા મંગેશકરે ગાયેલા ગીત ‘દુઆ કર ગમ એ દિલ’માં સંગીતકાર સી. રામચન્દ્રના નિર્દેશનમાં આવો પ્રયોગ માણી શકાય છે.

ફિલ્મ ‘મિરઝા ગાલીબ’ (૧૯૫૪)માં ગુલામ મહંમદનું સંગીત હતું. તેનાં બધાં જ ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં. તે પૈકીનું તલત મહમૂદનું ગાયેલું પ્રસ્તુત ગીત ‘ફીર મુઝે દીદા એ તર યાદ આયા’ સાંભળતાં જ ખ્યાલ આવશે કે તેની સાથે હવાઈયન ગિટાર વાગી રહી છે.

ફિલ્મ ‘એક મુસાફીર એક હસીના’ (૧૯૬૨)ના ગીત ‘મૈં પ્યાર કા રાહી હૂં’માં સંગીતકાર ઓ પી નૈયરે એક અસાધારણ પ્રયોગ કર્યો હતો. મહંમદ રફી અને આશા ભોંસલેના ગાયેલા આ ગીતમાં પરંપરાગત તાલવાદ્યોનો ઉપયોગ કરાયો જ નથી. ગીતના લય સાથે લીડ ગિટારના વેમ્પીંગ વડે તાલ પૂરાવાયો છે. માણીએ તે ગીત.


આ કડીમાં અહીં અટકીએ. આવતી કડીમાં વધારે ગીતો સાથે મળીશું.


નોંધ :

૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com