શૈલા મુન્શા
હાથી ભાઈ તો જાડા,
લાગે મોટા પાડા,
આગળ ઝુલે લાંબી સૂંઢ,
પાછળ ઝુલે ટુંકી પૂંછ!
આ બાળગીતની પંક્તિ અમારા સેસારને જોઈ સહજ જ યાદ આવી જાય.
સેસાર સદાય હસતો ને ગોળમટોળ મેક્સિકન છોકરો. હાથીભાઈની જેમ ડોલતો ડોલતો ચાલે. બે વર્ષ અમારા PPCD(Pre-primary children with disability) ક્લાસમાં રહ્યો. આ ક્લાસના બધા છોકરા માનસિક રીતે પછાત નથી હોતા. ઘણા બોલતા મોડા શીખે અથવા થોડો વર્તણૂકને તોફાનનો પ્રશ્ન હોય.
સેસાર જ્યારે ત્રણ વર્ષની ઉંમરે ક્લાસમાં આવ્યો ત્યારે એક ઘડી ખુરસી પર બેસે નહિ, ટેબલ નીચે ભરાઈ જાય કે પછી આખા રૂમમાં દોડાદોડી . એની વાચા પણ ખૂલી નહોતી. અંગ્રેજી જરાય સમજે નહિ. ઘરેથી સાથે લાવેલું રમકડું જો એની પાસેથી લઈ લઈએ તો રડીને, ચીસાચીસ કરીને આખો ક્લાસ માથે લે.
ધીરે ધીરે અમારી મહેનત રંગ લાવી. તોફાનો થોડા કાબુમાં આવ્યા. ક્લાસની રીતભાત પ્રમાણે વર્તતા શીખ્યો. બોલતાં શીખ્યો. સવારે ક્લાસમાં આવે ત્યારે બધાને એટલા લહેકાથી કહે ” Good Morning” બે વર્ષમાં એની રીતભાત, શેક્ષણિક પ્રગતિ એ અમારી સફળતા હતી.
પાંચ વર્ષનો આ નટખટ સેસાર એના નિર્દોષ હાસ્યથી આપણો ગુસ્સો ભુલાવી દે. બધા સાથે તરત દોસ્તી કરી દે. એની પ્રગતિ જોઈ એને અમે ૮.૦૦ થી ૧૨.૦૦ નિયમિત છોકરાઓના ક્લાસમાં મોકલવાનુ શરૂ કર્યું. ચપળ એટલો કે બધાની ખબર રાખે અને ક્લાસમાં કાંઈ પણ નવું દેખાય તો એની નજરે તરત ચઢી જાય.
અમારા ક્લાસમાં ટ્રીસ્ટન કરીને નવો છોકરો થોડા દિવસથી આવ્યો હતો. પહેલે દિવસે જ સેસાર બાજુના ક્લાસમાંથી પોતાનો કલર બોક્ષ લેવા આવ્યો અને ટ્રીસ્ટન ને જોઈને કહે “આ શું છે?”(What is this?) આ કોણ છે ( who is this?) કહેવાને બદલે જાણે કોઇ અચરજની વસ્તુ જોઈ હોય એવો એનો ભાવ હતો.
થોડા દિવસથી સેસાર ઘણો માંદો હતો. લગભગ પાંચેક દિવસ પછી એ સ્કૂલમાં આવ્યો. સવારે મેં એને બસમાંથી ઉતરતા જોયો હતો. માંદગીને લીધે સુકાઈ ગયો હતો. ગોળમટોળ ચહેરો નાનો થઈ ગયો હતો, પણ એનુ હાસ્ય એવું જ સુંદર હતું.
સવારે તો એ સીધો બાજુના ક્લાસમાં જતો રહ્યો જ્યાં રોજ સવારે જાય પણ બપોરે જેવો ક્લાસમાં આવ્યો કે તરત મને વળગીને કહે “હાય મીસ મુન્શા Happy Valentine’s day.”
એ દિવસે તો ૧૬મી તારીખ હતી અને વેલેન્ટાઇન તો ૧૪મી તારીખે હતો પણ કેવી એની યાદશક્તિ! સાથે સાથે મને કહે હું બધા માટે સ્પાઈડર મેનના ગીફ્ટ કાર્ડ પણ લાવ્યો છું.
કેટલી એ બાળકને એ દિવસ ઉજવવાની તાલાવેલી. વેલેન્ટાઈન ડે પ્રેમનો, વ્હાલનો દિવસ ગણાય છે અને સેસાર અમારા માટે રોજનો વેલેન્ટાઈન છે. અમારા માટે સેસારની એ વહાલભરી બાથથી મોટો કોઈ વેલેન્ટાઈન નથી.
બે વર્ષમાં તો એણે એટલી પ્રગતિ કરી કે ઊઘડતી સ્કૂલે અમે એને એને રેગ્યુલર પહેલા ધોરણના ક્લાસમાં મોકલ્યો. એ જ વર્ષે એની બહેન પણ સ્કૂલમાં Pre-K માં દાખલ થઈ.
ગઈકાલે અમારી સ્કૂલમાં ઓપન હાઉસ હતું. સ્કૂલ ખૂલે લગભગ મહિનો થાય એટલે માતા પિતા ટીચરને મળવા આવે અને પોતાના બાળકની પ્રગતિ વિશે જાણે, સલાહ સૂચન મેળવે.
અમે અમારા ક્લાસમાં અમારા વાલીઓ સાથે વાત કરતાં હતાં, ત્યાં જાણે તુફાન મેલ ધસી આવ્યો હોય તેમ સેસાર ધસી આવ્યો, આવી ને મને જોરથી વળગી પડ્યો એનો એ જ લહેકો ને એ જ હસતો ગોળમટોળ ચહેરો “Hi Ms Munshaw” કહેતાં તો તુફાન મેલની જેમ કંઈ કેટલાય સવાલો ને કેટલી વાતો એનુ અડધું સ્પેનિશ ને અડધા અંગ્રેજીમાં બોલી કાઢ્યું. ક્લાસમાં નવા ટીચરને જોઈ કહે મીસ મેરી ક્યાં છે? આ કોણ છે? મારો હાથ પકડી મને કહે ચાલો તમને મારી બેન પાસે લઈ જઉં.
પોતે મોટો ભાઈ અને આ સ્કૂલ જાણે એની પોતાની હોય એવી બહાદુરી એ બેન પાસે બતાડવા માંગતો હતો. એની મમ્મીને મળી તો મને કહે સેસાર તમને ખૂબ યાદ કરે છે. ઘરમાં પણ દરેક વાતમાં ક્યાંક ને ક્યાંક તમારો અને મેરીનો ઉલ્લેખ આવે જ. હું તો જોતી જ રહી ગઈ.
બે વર્ષ પહેલાનો સેસાર મને યાદ આવી ગયો. જરા સરખી લાગણીની આ બાળકો કેટલી મોટી કિંમત આપે છે, એક નમણું હાસ્ય કે બાથમાં જકડીને વરસતું વહાલ.
કોણ કહે કે આ બાળકો દિવ્યાંગ છે!! અરે આ તો નભમાં ચમકતા સિતારા છે જે એક દિવસ નભોમંડલમાં અવિરત ચમકતા રહેશે.
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com
