દીપક ધોળકિયા
૧૯૧૧ની ૧૨મી ડિસેમ્બરે બ્રિટનના રાજા જ્યૉર્જ પંચમના રાજ્યારોહણનો ઉત્સવ ઉજવવા માટે ‘દિલ્લી દરબાર’ યોજાયો. એમાં બ્રિટિશ રાજની સેવા કરનારા ઘણા કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા. એમાં એક હતો વિલિયમ બ્રેંડિશ. ૧૮૫૭ની ૧૦મી મેના દિવસે મેરઠમાં એ તાર કચેરીમાં કામ કરતો હતો. દિલ્લી દરબાર વિશે કૅનેડાના ઓંટારિયોમાંથી પ્રકાશિત થતા એક અખબાર The Napanee Expressના ૧૯૧૨ની પાંચમી જાન્યુઆરી ૧૯૧૨ના અંકમાં એક રિપોર્ટ પ્રકાશિત થયો. તેમાં વિલિયમ બ્રેંડિશે મેરઠામાં સિપાઈઓએ વિદ્રોહ કર્યો હોવાના સમાચાર એના ઊપરી અધિકારીઓને કેમ પહોંચાડ્યા તેનું વર્ણન છે. અહીં એ અખબારની કાપલી આપી છે. આપણી આજની કથાનો મુખ્ય આધાર એ જ રિપોર્ટ છે.

રિપોર્ટ કહે છે કે મેરઠમાં ત્રણ બ્રિટિશ રેજિમેંટ અને કેટલીક સિપોય બટાલિયનો હતી. એક બટાલિયનના અમુક સિપાઈઓએ હુકમોને ઠોકરે ચડાવ્યા. બીજા દિવસે ૧૦મી મેના રોજ એમના સાથીઓએ એમની મસ્કેટો બહાર કાઢીને જેલ ખોલાવી અને એમના સાથીઓને છોડાવ્યા. યુરોપિયન ઑફિસરોએ એમને ઠપકો આપ્યો તો સિપાઈઓએ એમને મારી નાખ્યા. તે પછી એ દિલ્હી તરફ ઊપડી ગયા અને તાર કાપી નાખ્યા કે જેથી શહેરમાં શું થયું તેની કોઈને ખબર ન પડે.
સોમવાર ૧૧મી મેની સવારે ટેલીગ્રાફ સુપરિંટેંડંટ સી. ટૉડ અને એમનો ક્લાર્ક વિલિયમ બ્રેંડિશ ઑફિસે જવા નીકળ્યા અને જોયું કે એમણે મેરઠમાં મોકલેલા સંદેશોના જવાબ નહોતા આવ્યા. શું અંતરાય આવ્યો તે જોવા માટે ટૉડ જમના નદી પરના નાવવાળા પુલ તરફ ગયા. ત્યાં એમણે સિપાઈઓને નદી પાર કરતા જોયા. ટૉડને જોઈને સિપાઈઓ એમના તરફ ધસ્યા અને એને મારી નાખ્યો. પછી વિદ્રોહીઓ શહેરમાં આવ્યા અને કેટલાંય યુરોપિયન સ્ત્રી-પુરુષોને ઠાર કરી દીધાં.
બ્રેંડિશ ઑફિસમાં હતો. એ આ બનાવોથી અજાણ જ રહ્યો. પણ એક દેશી છોકરો એનો મિત્ર હતો, એણે એને કહ્યું કે સિપાઈઓએ બળવો કર્યો છે. રિપોર્ટ હવે બ્રેંડિશનાં વખાણ કરતાં કહે છે કે એ શાંત રહ્યો અને લાહોરમાં ચીફ કમિશનરને મેરઠની ઘટનાઓના સમાચાર તારથી આપ્યા. બ્રેંડિશના સંદેશ પ્રમાણે ત્રીજી લાઇટ કૅવલરીના દોઢસો જેટલા સિપાઈઓએ મેરઠ સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો અને પુલનો કબજો લઈ લીધો હતો. એમણે કેટલાયે ઑફિસરોને પણ મોતને ઘાટે ઉતારી દીધા હતા.
લાહોરના અધિકારીઓને સ્થિતિનો અંદાજ આવી ગયો. એમણે તરત પંજાબ અને વાયવ્ય સરહદ પ્રાંતના દેશી સિપાઈઓનાં શસ્ત્રો લઈ લીધાં.મેરઠમાં યુરોપિયનોની કતલે-આમ ચાલુ રહી અને એમના બંગલાઓને આગ લગાડી દેવાઈ. વિદ્રોહીઓએ દારુગોળાનો ભંડાર પણ ઉડાવી દીધો. બ્રેંડિશ હજી પણ ઑફિસમાં રહીને તાર મોકલતો રહ્યો પણ પછી એને છેલ્લો સંદેશ લાહોરને મોકલ્યો કે હવે અમારે બંધ કરવું પડશે. બળવાખોર સિપાઈઓ આજે સવારે અહીં આવ્યા હતા. એમણે ઘણા બંગલા બાળી નાખ્યા છે અને નવ યુરોપિયનો માર્યા ગયા છે. હવે અમે જઈએ છીએ. એનો સુપરિંટેન્ડંટ ટોડ પણ માર્યો ગયો હતો એ સમાચાર એને હવે મળી ચૂક્યા હતા અને એણે લાહોરમાં ચીફ કમિશનરને એની જાણ કરી દીધી.
બ્રેંડિશ એક ઐતિહાસિક ઘડીનો સાક્ષી હતો. એ ત્યાંથી ભાગી છૂટ્યો અને ભટકતો રહ્યો. અંતે કોઈક જગ્યાએ એને આશરો મળ્યો પણ એ ૧૮૫૮માં રાણીએ ભારતમાં પોતાની આણ સ્થાપી તે પછી પણ ગુમનામ જ રહ્યો અને ૫૪ વર્ષ પછી જઈફ વયે ‘દિલ્લી દરબાર’માં પ્રગટ થયો.
મેરઠના વિદ્રોહનું મહત્વ
પણ આ તો તાર ઑફિસના એક યુવાન ક્લાર્ક બ્રેંડિશના રિપોર્ટની વાત થઈ. એને એ ઘડીએ ખબર પણ નહીં હોય કે ભારતના ઇતિહાસમાં એક નવો વળાંક લાવનારી એ ઘડી હતી. રાષ્ટ્રીય વિદ્રોહની આગેવાની મેરઠે લીધી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. મેરઠના સિપાઈઓએ એનાથી મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો અને અંગ્રેજોથી નારાજ હતા તે બધા જ એમાં જોડાઈ ગયા અને ખરેખર જ ૧૮૫૭નો સંગ્રામ રાષ્ટ્રીય વિદ્રોહ બની ગયો.
મેરઠ (Meerut)ની પાંચ માઇલમાં ફેલાયેલી છાવણીમાં કેટલીયે રેજિમેન્ટો હતી. આમાંથી થર્ડ રેજિમેન્ટના કર્નલ કારમાઇકલ સ્મિથ (Carmichael Smyth)ની વર્તણૂકને ઉદ્દંડ મેરઠના સિપાઈ વિદ્રોહ માટે જવાબદાર ગણી શકાય. . કારતૂસોનો વિરોધ એટલો ઊગ્ર હતો કે અંગ્રેજ ફોજની ટોચેથી હુકમ આવી ગયો હતો કે સિપાઈઓએ એ કારતૂસો દાંતેથી ખોલવાની જરૂર નહોતી. આમ છતાં સ્મિથે એ કારતૂસોમાં કંઈ વાંધાજનક નથી એ દેખાડવા માટે ૨૩મી ઍપ્રિલે ખાસ પરેડ રાખી અને સિપાઈઓને એ ખોલવા કહ્યું. પરેડમાં એક મુસલમાન સિપાઈએ કહ્યું કે જોવામાં તો એ પહેલાં હતાં એવાં કારતૂસો જેવાં જ લાગે છે પણ એમાં ડુક્કરની ચરબી નથી વપરાઈ તેની કેમ ખબર પડે? તે પછી સ્મિથે એક હિન્દુ સિપાઈને બોલાવ્યો. આ સિપાઈ માત્ર યુરોપિયન અફસરોનાં ઘરોમાં કામ કરતો હતો અને બધા એને ખુશામતખોર માનતા હતા. એ શખ્સે અંગ્રેજી અફસરને રાજી કરવા માટે કારતૂસ દાંતેથી ખોલી દેખાડ્યું. દેખાડ્યા છતાં સિપાઈઓ તૈયાર ન થયા એટલે એમાંથી આગળપડતા ૮૫ જણને કોર્ટ માર્શલ કરવાનો સ્મિથે હુકમ આપ્યો. ૬ઠ્ઠી મેના રોજ કોર્ટ માર્શલમાં બધાને દસ વર્ષની કેદની સજા થઈ અને એમનૅ જેલમાં નાખી દેવાયા હતા.
૯મી મે, શનિવારની પરેડમાં કોર્ટ માર્શલ થયેલાઓને લાઇનમાંથી બહાર આવવાનો હુકમ અપાયો. એમના બિલ્લા, યુનિફૉર્મ વગેરે લઈ લેવાયાં, બેડી-ડસકલાંમાં ઝકડીને એમને જેલમાં મોકલી દેવાયા. આનાથી સિપાઈઓમાં ક્રોધનો ચરુ ઊકળવા લાગ્યો.
વિલિયમ કૅય લખે છે કે “અંગ્રેજી આંખો જોઈ શકી હોય, અથવા અંગ્રેજી મગજ સમજી શક્યાં હોય તો એટલું જ, કે દિવસ શાંતિથી પૂરો થયો!” પરંતુ સિપાઈઓની સજાની અસર બજારોમાં અને ગલીગલીમાં શું હતી તે એ સમજી ન શક્યા. સાંજ પડતાં અંગ્રેજ અફસરો મેસમાં મોજમસ્તી અને ડિનર માટે એકઠા થયા તેમાં કમિશનર અને ‘ઇલેવંથ સિપોય’નો કમાંડર પણ હતા. શહેરમાં લાગેલાં પોસ્ટરો વિશે વાત નીકળી પણ બન્નેએ હસી કાઢ્યું. ૧૦મી મે, રવિવારની સવારે અંગ્રેજી અફસરોના ઘરે કામ કરવા કોઈ શહેરમાંથી ન ગયું. બધા અંગ્રેજો ચર્ચમાં જવાની તૈયારી કરતા હતા. એ દિવસે એકસામટા બધા જ ન આવ્યા તો પણ અફસરોને કંઈક ગરબડ હોવાનું ન લાગ્યું. સંકેતો સ્પષ્ટ હતા. સાંજની પ્રાર્થના વખતે બધા ફરી ચર્ચમાં જવા નીકળ્યા ત્યારે લાગ્યું કે વાતાવરણ તંગ છે.
શહેરના કોટવાલ ધનસિંહ ગુર્જર ખાનગી રીતે અંગ્રેજોની વિરુદ્ધ હતા. એમણે તરત જ ગામેગામ સંદેશા પહોંચાડી દીધા અને હજારો ગુજ્જરો મેરઠમાં એકઠા થઈ ગયા. આખા પશ્ચિમી ઉત્તર પ્રદેશ. દહેરાદૂન, દિલ્હી,મોરાદાબાદ, બિજનૌર, આગરા, ઝાંસી, પંજાબ રાજસ્થાન થી માંડીને મહારાષ્ટ્ર સુધીના ગુર્જરો સ્વાતંત્ર્ય સંગ્રામમાં કૂદી પડ્યા. બધા મેરઠમાં સદર કોટવાલી થાણા પાસે એકઠા થઈ ગયા. રાતે બે વાગ્યે ધન સિંહની આગેવાની નીચે ક્રાંતિકારીઓ જેલ પર ધસ્યા અને ૮૩૬ કેદીઓને છોડાવ્યા.
અંગ્રેજોના પાસા પલટ્યા ત્યારે ધન સિંહને વિદ્રોહ માટે મુખ્ય આરોપી માન્યા અને મેરઠના એક જાહેર ચોકમાં એમને જુલાઈની ચોથી તારીખે ફાંસી આપી દીધી. ધન સિંહનું ગામ પાંચલી પણ અંગ્રેજોની ખફગીનો ભોગ બન્યું. ગામ પર અંગ્રેજી ફોજે દસ તોપોથી હુમલો કર્યો અને આખા ગામને ઉડાવી દીધું. અસંખ્ય લોકોના જાન ગયા અને ૮૦ જણને ફાંસી આપી દેવાઈ. ગામ ગગોલ પણ અંગ્રેજોના હુમલાનું નિશાન બન્યું. ગામના નવ જણને દશેરાના દિવસે જાહેરમાં ફાંસી આપી દેવાઈ. ગામ આજે પણ દશેરાનો તહેવાર ઊજવતું નથી.
તે સાથે જ ૧૧મી અને ૨૦મી ઇન્ફન્ટ્રીએ ખુલ્લો બળવો કરી દીધો. ‘૧૧મી’નો કમાંડન્ટ ફિનિસ તરત એમને ઠપકો આપવા પહોંચ્યો. એ બોલતો હતો ત્યાં જ ‘૨૦મી’ના એક સિપાઈએ એના પર ગોળી છોડી, એ ઘોડા પરથી પડી ગયો, તરત ‘૨૦મી’માંથી ધાણી ફૂટે એમ ગોળીઓ વરસી અને ફિનિસ માર્યો ગયો. ફિનિસ ‘૧૧મી’નો કમાંડર હતો પણ ‘૨૦મી’એ એને માર્યો. સામાન્ય સંજોગોમાં ‘૧૧મી’ના સિપાઈઓએ આનો બદલો લીધો હોત પણ આ ૧૮૫૭ની ઐતિહાસિક ૧૦મી મે હતી. ‘૧૧મી’ને એમાં કંઈ ખોટું ન લાગ્યું. બન્ને ઇન્ફન્ટ્રીઓના સિપાઈઓ એક સાથે થઈ ગયા.
બજારોમાં અને ગામેગામ અંગ્રેજો સામેનો રોષ બહાર આવવા લાગ્યો. એક જ દિવસમાં મેરઠ આખું અંગ્રેજવિરોધી છાવણી બની ગયું. લોકો જેલ પર ત્રાટક્યા અને બધા કેદીઓને છોડાવી લીધા. હવે પોલીસ દળના માણસો પણ એમની સાથે જોડાયા વિલિયમ. કૅય લખે છે કે પ્રબળ આસ્થાવાન અંગ્રેજ મહિલાઓને ખાતરી હતી કે અંતે તો ખ્રિસ્તી ધર્મનો વિજય નિશ્ચિત છે અને બિચારા સિપાઈઓનું નિકંદન નીકળી જવાનું છે. પરંતુ અંગ્રેજ સૈનિકોની તૈયારીઓ નકામી નીવડી અને એમની પત્નીઓની ખ્રિસ્તી ધર્મ માટેની આસ્થા પણ ઠગારી સાબીત થઈ. દરમિયાન હવે કેન્ટોનમેન્ટમાં લૂંટફાટ કરાનારાઓનાં ધાડાં ત્રાટક્યાં હતાં અંગ્રેજ સ્ત્રી-બાળકો બળતાં ઘરો છોડીને પરેડ ગ્રાઉંડમાં એકઠાં થઈ ગયાં હતાં. કારણ કે, ગોરી ચામડી દેખાઈ કે ગોળી છૂટી કે છરો ભોંકાયો. આખી રાત ગોરાઓ બીકથી ફફડતા રહ્યા.
મેરઠ આઝાદ થઈ ગયું હતું, પણ આખો દેશ હજી ગુલામ હતો. સિપાઈઓનાં નામ ક્યાંય મળ્યાં નથી પણ દિલ્હી તરફ ધસમસતા એમના ઘોડાઓના ડાબલા હજી પણ ઇતિહાસમાં પડઘાય છે!
સંદર્ભઃ
૧. The Napanee Express (5 Jan. 1912) પૃષ્ઠ ૨૬-૨૭
(archive.org પર Sepoy Mutiny in Delhi ટાઇપ કરીને ડાઉનલોડ કરી શકાશે).
૩. ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૨૩: ૧૮૫૭ – મેરઠ આગેવાની લે છે (૩) (લેખકની અહીં પ્રકાશિત લેખમાળા).
૪. હિંદી વિકી પીડિયા – ધનસિંહ ગુર્જર.
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
