કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
એ વખતે હું મારા જૂના ગામ ચોસલામાં રહેતો હતો. એ અરસામાં માલપરામાં બાજરીનું બીજ ઉત્પન્ન કરવાનો પ્રોગ્રામ લેવાતો. અને એમની સાથે જોડાઇ મેં ચોસલામાં પણ આ બીજ ઉત્પાદન કાર્યક્રમ લીધેલો. કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં ગામના બધા ખેડૂતોની એક મીટિંગ બોલાવી, કાર્યક્રમ અંગેની બધી સમજણ આપી રહ્યો હતો કે “ આ બિયારણ ઉત્પન્ન કરવાની ખેતીમાં બાજરાના બે જાતના બિયારણ આવશે. જેમાં ચાર ચાસ “નારી” બાજરીના અને બે ચાસ “નર” બાજરીના – એમ બન્નેનું ભેળું વાવેતર કરવાનું, બીજ ઊગીને છોડ મોટા થયા પછી તેમાં કોઇ ઓફ પ્રકારના છોડ ભળાય તો તેને ખેંચતા રહેવાના, અને બાજરી પાકી ગયે ખળું પણ બીજ નિગમના સુપરવાઇઝરોની હાજરીમાં જ લેવાનું, વળી બિયારણના તૈયાર થયેલ જથ્થામાંથી નમૂના લઈ પ્રયોગશાળામાં જશે, ત્યાં એના ઉગાવાના ટકાની તપાસ થયા પછી જેનું બીજ પાસ થશે એમને આપણા ચાલુ બાજરા કરતાં પાંચગણા વધારે ભાવ મળશે. બોલો ! આવી ખેતી કરવાની સૌની તૈયારી હોય તો આગળ વધીએ.”
બધા ખેડૂતો તૈયાર થયા. પણ મારા ખેતરનો આથમણો શેઢાપાડોશી પાણીમાં બેસી ગયો. એ કહે “ આવાં બધાં વાની વાનીનાં કામો મારાથી નૈ થાય ભૈ ! આવા ઉજરેલા પાજરેલા છોડવા ખેંહવામાં જેનું મન આંચકો નો ખાતું હોય એવા ન’દયા બધા તમતમારે ઉગાડો આવી બાજરી ! મારું મન ના પાડે છે.” કહી એતો ઊભો થઈ હાલતો થઈ ગયો. હવે ? પાછી આ બીજપ્લોટમાં એવી શરત હતી કે વચ્ચે તો નહીં, પણ બીજપ્લોટની આસપાસના ૧ ,૫૦૦ ફૂટની દૂરી સુધી કોઇ બીજો બાજરો વવાએલો ન હોવો જોઇએ. અમે તો મુંઝાયા. એ ભાઇને ઘણું સમજાવ્યો પણ એ એકનો બે ન થયો. અને પાછો “ખાવા માટે બાજરો તો મારા પડામાં મારે કરવાનો જ છે” એવો કક્કો ચાલુ રાખ્યો ! છેવટે અમે “નર” બાજરીનું બીજ એની વાડીમાં વાવવાની સગવડ કરી દીધી અને ઉપરિયામણમાં કેટલીક રકમ પણ ચૂકવી ત્યારે અમે બીજપ્લોટ કાર્યક્રમ આરંભી શક્યા.
પણ જ્યારે આખા ગામના ખેડૂતોની બીજપ્લોટની બાજરી પાકી, ખળાં લેવાયાં, નમૂના પાસ થયા અને સૌને ચાલુ બાજરાના ભાવ કરતા પાંચગણા ભાવ ચૂકવાયા ત્યારે તે ભાઇને ઘણો પસ્તાવો થયો, પણ હવે શું થાય ? કહો ! એના જ ઢીલા મને બાજરાની ખેતીમાં એને જ કેવી ખોટ ખવરાવી ?
સાધુ શ્રુતપ્રજ્ઞજીના લખાણમાં ઉદાહરણ વાંચેલું કે “ધરતીની ગોદમાં બે બીજ પડ્યાં હતાં. એકમાંથી અંકુર ફૂટ્યું અને તે ઉપર તરફ વધવા લાગ્યું. તો બીજું બીજ બોલ્યું “ ભાઇ ! ઉપર ના જઈશ, ત્યાં ભય છે. બીજા તને પગ નીચે કચડી નાખશે.” આ સાંભળીને પણ પેલું બીજ તો ભય પામ્યા વિના મલકાતું મલકાતું ઉપર તરફ વધવા લાગ્યું. સૂર્યનો પ્રકાશ, હવા અને ભેજ મેળવીને અંકુરે તો છોડનું રૂપ ધારણ કરી લીધું. અને ધીરે ધીરે વિકસતા વિકસતા તે પૂર્ણ વિકસિત બની મોટું વૃક્ષ બની ગયું અને અંત સમયે પોતાના જેવા અસંખ્ય બીજ છોડીને આત્મસંતોષ અનુભવી રહ્યું.” જ્યારે બીજું બીજ જ્યાંનું ત્યાં જ રહી ગયું. જીવનમાં પ્રગતિ એ જ કરી શકે છે, જે પડકારો સામે લડવાનો જુસ્સો રાખે છે.
આપણી જ વાત કરીએ : આપણા ખેડૂતોમાં પણ ઓલ્યા બીજા બીજની જેમ “ ખેતીમાં તો વરસાદનો કોઇ મેળ હોતો નથી. દુશ્કાળો પડ્યા કરે છે. મોલાતોમાં રોગ-જીવાતોના હુમલા આવ્યા કરે છે. અરે ! અધૂરામાં પૂરું રોઝ-ભૂંડ-હરણાં અને રઢિયાર ઢોરાના ટોળાં ઉજરેલ મોલાતને ખાઈ-ખુંદી દાળવાટો વાળી મૂકે છે. ક્યારેક કૂવા-બોરમાં થોડુંક પાણી હોય તો બહાર કાઢવા વિજળીના ધાંધિયા ચાલુ હોય ! અને કોઇ વરહે વળી માલ ઠીક પાક્યો હોય, ને વેચવા જઈએ ત્યાં પાણીના મૂલે મગાય છે. ખેડ્યમાં જ્યાં બાર સાંધીએ ત્યાં તેરની તૂટ્ય પડતી હોય ત્યાં ખાતર-બિયારણ અને દવા-દારૂનાં ખરચાય ન નીકળે એમ હોય ત્યાં પંડ્યની મજૂરી કોની પાંહે માગવી કહેશો ? વરા-ખરાને વિવા-વાજમ તો કોરાણે રહ્યા, રોટલા ખાવા માટે પણ માથે લેણું કરવાનો સંજોગ ઊભો થતો હોય એવી ખેતી કરવા કરતા તો દાડી-દપાડી કરવી સાતથોકે સારી, સાંજ પડ્યે મજૂરીનું મૂલ તો રોકડું હાથમાં આવે અને નિરાંતનો રોટલો તો ખાઇ હકાય !”
હું નથી કહેતો કે ખેતીમાં ગણાવાયેલી આ મુશ્કેલીઓની વાત ઉપજાવી કાઢેલી છે. વાત સાવ સાચી હોવા છતાં યે એનો અર્થ એવો પણ નથી કે, કામ શરૂ જ ન કર્યું હોય ત્યાં આપણે મુશ્કેલીઓની યાદી આગળ કરી, હરેરી જઈ, હેઠા બેહી પડવું, ને કામનો આરંભ જ ન કરવો. મુશ્કેલીઓની સંભાવનાઓથી અજાણ ન રહેવું જરૂરી છે, પરંતુ નવાં કામો તો હિંમત પૂર્વક નુકસાનીની તૈયારી સાથે કર્યા વિના નવું કશુ પ્રાપ્ત થતું નથી એ વાત પણ એટલી જ સાચી છે મિત્રો !
ખેતી વ્યવસાયમાં આવા ઓહાણિયા ખેડૂતોથી કશુ નથી થઈ શકવાનું મિત્રો ! કામ શરૂ કરતાં પહેલાં જ “ આ મારાથી નહીં થઈ શકે” , “આ કામ માટે મારું ગજું નહીં”, “અમે નાના પડીએ”. “આવા અખતરા અમને ન પોહાય”, “કાગડાની હાલ્ય છોડી હંસની હાલવા જતાં ક્યાંક ફસાઇ જ પડીએ ભૈલા !” આવી આવી મનઘડત કહેતીઓ રજુ કરી મુશ્કેલીઓના નિવારણો કે નવા નવા આયામોને પૂરા જાણ્યા-સમજ્યા વિના જ છેટેથી જ રામ રામ કરી દઈ, ઢુંકડા જ ન આવે એવું ઢીલું મન રાખ્યા કરશું તો પાછળથી પસ્તાવા સિવાય કશુ હાથમાં રહેવાનું નથી.
જે ખેડૂતને કાર્ય શરૂ કરતા પહેલાં જ નિષ્ફળતાનો ભય સતાવવા લાગે કે “ હું કૂવામાં ઉતરવાનું શરૂ તો કરું, પણ મારા હાથમાંથી દોરડું તો નહીં વછૂટી જાય ને ? હું ક્યાંક કૂવામાં તો નહીં પડી જાઉં ને ?” આવું મન જો પહેલેથી જ ઢીલું રહ્યું તો નક્કી દોરડું હાથમાંથી છૂટી જ જાય ! અને કૂવામાં ખાબકવાનું બને જ, એ વાત પણ એટલી જ પાક્કી છે હો ભાઇઓ !
મારું એક ઓળખીતું કુટુંબ હળિયાદમાં રહે છે. કુટુંબ ખેતી કરે છે. ઘેર મોટરસાયકલ રાખે છે. પણ પોતાને ચલાવવાની જીગર નથી. બહારગામ જવું હોય તો લાચારી ભોગવી કોઇ હાંકનારને શોધી, એની પાછળ બેસે. અરે ! એ તો ઠીક પણ એનો દીકરોયે થયો છે ત્રણ છોરુંનો બાપ ! એ પણ મોટરસાયકલ ચલાવતા બીવે બોલો ! હવે એ ખેડૂતને કૂવામાં ઉતરી ફૂટવાલ ચોખ્ખો કરવાનું થાય કે જૂતેલ ગાડે તલ-મગ-મગફળી-કે કડબ-સાંઠીનું ભરોટું ભરવાનું થયું હોય તો શું કરે, તમે જ કહો, તૈયાર થાય ખરો ?
બનેલો જ પ્રસંગ : ભાદરવી અમાસ વીત્યાને આઠેક દાડા થયેલા. ચોસલાની ખળાવાડમાં સૌ ખેડૂતોએ ખળાં ટોરી, માથે છાણનું લીંપણ કરી- કોઇ કોઇ લણેલાં બાજરાના ડુંડાં ભરેલો વિંટો ખળામાં ઠલવતા હતા તો કોઇ વળી ડૂડાને તપાવવા આગલા દિવસે કરેલ ઢગલાને વીંખી ખળામાં પાથરી રહ્યા હતા, તો કોઇ લાલ-ધોળી જુવારના લણેલાં કરહડાંના પગર પર ત્રણ-ચાર બળદિયાંનું હાલરું કરી મહળી રહ્યા હતા, કોઇ વળી મગફળીમાં નાખેલી મકાઇની છાંટમાંથી પાકી ગયેલા ડોડાને સૂર્યતાપમાં તપાવવા આખા ખળામાં વીંખી રહ્યા હતા- હું યે મારા બાજરાના પગરમાં ટ્રેક્ટર ચલાવી ડુંડાં મહળી રહ્યો હતો.-આમ સૌ પોતપોતાના ખળામાં મહેનતમાં લાગેલા હતાં. બરાબર એવે ટાણે ઓચિંતાનું આથમણેથી કાળું ડીબાંગ એક મોટું વાદળ ચડી આવ્યું, ને જોત જોતામાં વીજળીના લબકારા સાથે હરૂડાટ શરૂ થયો. હવે ? ન કરે નારાયણ ને આમાં વરસાદ વછૂટી પડ્યો હોય તો ?
ખળાવાડમાં તો દોડધામ મચી ગઈ ! સૌ માંડ્યા પહોળા કરેલાં ડુંડાં-કરહડાં ભેળાકરી ઢગલા બનાવવા-જેથી ઢાકવાનું સહેલું પડે. પણ એક આળસુનો પીર ખેડૂત-હરખો એવો નીકળ્યો કહે, “આખા ખળામાં પહોળા કરેલા ડુંડાં ક્યારે ભેળા કરી રહેવાય ? ઇ તો આ ચોમાહાની રત્ય છે તે વીજળીને હરૂડાટ તો થયા કરે. હરૂડ્યા ભેળો થોડો વરસી પડવાનો છે? આ ઘડીએ બધું શમી જશે-પગર કાંઇ ભેળો કરવો નથી” કહી એ તો નિરાંતે ચલમ પીવા બેસી ગયો.
બધા ખેડૂતોએ પગર ભેળા કરી-કોઇએ ઉપર કડબ ઢાંકી દીધી, કોઇએ ઢગલા ઉપર બે ત્રણ વડા સાદરા ને બુંગણ ઢાંકી દીધાં, મેં પણ મહળેલા પગરને ભેળો કરી ઉપર તાડપત્રી ઢાંકી દીધી. અને સૌ ભેળા થયા હરખાના ખળે. અને હરખાને કહ્યું, “હરખાભાઇ ! હાલ્ય, તું કહેતો હોય તો બધા થઈને તારા ડુંડાનોય ઢગલો કરી દેવામાં મદદ કરીએ” પણ ખાટલે મોટી ખોટ્ય કે પાયા જ નહીં ! હરખામાં જ હરખની ઉણપ એમાં બીજા શું કરે કહો ! ત્યાં તો રૂપિયા રૂપિયા જેવડા મોટાં ફોરે વાદળીએ એવી બઘડાટી બોલાવી કે ભેળા થઈ ઊભેલા અમે બધા દૂર ક્યાંય ઝાડવાના ઓથારેય ન પહોંચી શક્યા ને ઘડીકની વારમાં બધે પાણી…પાણી કરી મૂક્યું ! ઢાંકેલા ડુંડા-કરહડા-ડોડા સૌના કોરા રહ્યા અને હરખાના એના ઢીલા મનના ભોગ બનેલા બધા ડુંડાં પલળીને ટહા જેવા થઈ ગયા ! જેમ દૂબળાને બે જેઠ મહિના આવે એમ એની કઠણાઇ તો જુઓ ! બીજા દિવસે તડકો તો ન નીકળ્યો, ઉલટાના થોડા છાંટા થયા. હરખાના ડુંડા બે દિવસ સતત ભીના રહેવાથી ડુંડાંમાં કોંટા ફૂટી જઈ જુવારા બની ગયા તે નફામાં !
ખેતીનો વ્યવસાય જ કુદરતી પરિબળો પર આધારિત હોવાથી એમાં અનેક જાતનાં જોખમો આવ્યાં કરવાનાં. ક્યારેક પાસ થવાને બદલે નાપાસ પણ થઈ જવાય ભાઇ ! પણ પહેલેથી જ “નાપાસ થઈ જઈશું” એમ મોળું ઓહાણ દાખવ્યા કરી, આવું સાહસ કે નોખો કાર્યક્રમ નથી કરવો-એમ ધારી પાછા જ રહ્યા કરીએ તો ક્યારેય આગળ અવાતું જ નથી.
તમે જુઓ ! આજે ખેતીના નવા વિજ્ઞાને સમયાનુસાર જે જે નવી નવી ટેકનીકો, અલગ અલગ કાર્યક્રમો અને વિશિષ્ટ ખેતી પદ્ધતિઓની ભલામણ કરી છે તેવાં: ટપક પિયત પદ્ધતિ, નેટ અને ગ્રીનહાઉસ દ્વારા ખેતી, જાતજાતના ફૂલો, દાડમ, સરગવા, આમળા કે સુગંધી ઘાસ જેવા પાકોની વિશિષ્ટ ખેતીના કાર્યક્રમો, મધુમખ્ખી પાલન, અળસિયાં ઉછેર, ગાય પાલન, સજીવ ખેતી, જેવા નવા આયામોના અમલ થકી કેટલાય દ્રષ્ટિવંત અને મક્કમ મનવાળા ખેડૂતો નરવ્યું અને નમતું ઉત્પાદન આપણી નજર સામે જ મેળવી રહ્યા છે.
વિન્સટન ચર્ચિલની વાતમાં વાંચ્યું છે કે “નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલીઓ શોધે છે. જ્યારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીમાં તકો શોધે છે.” તમે જૂઓ ! ઘણી વખત સામાજિક જીવનમાં પણ આપણે કામ શરૂ કરીએ એ પહેલાં જ નિષ્ફળતાનો ભય સતાવવા લાગે છે-“મારાથી ભૂલ તો નહીં થાય ને ?” “વાત કરું પણ એને ખોટું તો નહીં લાગેને ?” “ કામ ન થઈ શક્યું તો અપયશ તો નહીં મળેને?” “મંચ ઉપર બોલવા ઊભો થઇશ તો જીભ તો નહીં થોથરાયને ?” આ બધા ભયથી મુક્ત બની મક્કમ મન કેળવીએ તો જ આપણા માટેના હિતકારી કાર્યો કરી શકીએ છીએ. આપણે કેવું-ઢીલું મન રાખવું કે મનને મક્કમ રાખી આગળ વધવું એ આપણે પોતે જ નિશ્ચિત કરવું પડે, ભાઇઓ !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
