શોમ અને અંજલિ મનાવે છે છતાં…પોતાની માન્યતાઓમાં મક્કમ દાદા જતા રહેવાનો નિર્ણય કરે છે. અંજલિ છેલ્લી કુમારિકાની રાત્રીમાં ભાવ વિભોર છે...”પાંખો  ફફડાવું,  તું   આવે,  ઓ રે સજન! અવની ને અંબરનું ઝરમર મીલન, સજન!” અંજલિના મામા પોતાની દીકરી માયાએ કરેલી લુચ્ચાઈ માટે શોમની માફી માગે છે.

આગળ વાંચો.

સરયૂ પરીખ

શોમ જોષી મુસ્લિમ માતાનો પુત્ર છે તે ખબર પડતા, અંજલિના દાદા નારાજ થઈને ગામડે પાછા ચાલ્યા ગયા. થોડા સ્વજનોનાં ધ્યાનમાં આવ્યું, તે સિવાય સાંજના લગ્નની યથાવત તૈયારીઓ ચાલતી રહી. સજાવેલા મંડપ સામે સફેદ ખુરશીઓ ગોઠવાયેલી હતી, જેથી મહેમાનોને વર-કન્યા અને પાછળ ઉછળતો દરિયો દેખાય. નાના ભૂલકાઓ તો નવા કપડામાં મંડપની ચારે બાજુ ચક્કર લગાવી રહ્યાં હતાં અને તેની પાછળ શોમનો ભાણિયો, અયન રેતીમાં દોડતો, પડતો અને ઊઠીને ફરી દોડતો હતો. જરી-કસબ વાળા કુર્તા-પજામા પહેરીને સજ્જ થયેલો રૉકી, થોડીવાર ચિંતાથી નાના અયનની પાછળ દોડ્યો પણ પછી સમજાઈ ગયું કે તેની શક્તિ એ ત્રણ વર્ષના કુંવર કરતા ઘણી ઓછી હતી.

નીનાને સાડી પહેરવામાં મદદ કરનારા ઘણા હતા. નીના સગાવહાલાની સ્નેહવર્ષા અને સંભાળથી ગદગદ થઈ ગઈ હતી. પરદેશમાં રહેવાથી શું ગુમાવ્યું છે તેની અનુભૂતિ થઈ રહી હતી. બીજા રૂમમાં તૈયાર થઈ રહેલી અંજલિએ સફેદ અને લાલ જરીવાળી કિનારનું રેશમી પાનેતર પહેર્યું હતું અને ઉપર સાસરેથી આવેલ લાલ ચૂંદડી ગોઠવેલી હતી. કલાત્મક પણ સાદા ઘરેણા અને શણગારમાં કમનીય નવવધૂ લાલિત્યપૂર્ણ લાગતી હતી.

સાજન મહાજન મંડપ સામે ગોઠવાઈ ગયું. શરણાઈના સૂર ગુંજતા હતા. વરરાજા શોમને મિત્રો સાથે આવતો જોઈ સહજ ઉમંગભાવથી બધાં ઊભાં થઈ તેના તેજસ્વી સ્વરૂપ સામે અહોભાવથી જોઈ રહ્યાં. શોમની સફેદ શેરવાની પર સોનેરી અને નીલા રંગનું ભરતકામ કરેલ હતું. છ ફૂટ ઊંચો, ગોરો વાન અને ઘુંઘરાળા વાળમાં જાણે શોમે બધાનું મન હરી લીધું. શોમ મંડપમાં રાજવી ખુરશી પર ગોઠવાયો, સ્ટિવ અને આરી તેની પાછળ ઉભા રહ્યા. વૈદ્યજીના આમંત્રણથી કન્યાનું આગમન જાહેર થયું.

એ સમયે, સર્વ મંગલ માંગલ્યે… મધુર મંત્રોથી વાતાવરણ પુલકિત થઈ ગયું. અંજલિ તેની સખીઓ સાથે આવતી દેખાઈ અને શોમ સહિત બધા ઉમંગથી આવકારવા ઊભાં થઈ ગયાં. અલતાથી શણગારેલા ચરણો પર બાંધેલી સોનેરી ઝાંઝરીના મીઠાં ઝણકાર સાથે અંજલિ મંડપ તરફ આગળ વધી. શોમની સાથે નજર મળતાં ક્ષણભર એ થંભી ગઈ…

આંખોથી આંખની હલચલ સંકેતમાં
હોઠની કળી હસી રોમાંચિત અંકમાં
હૈયાના સ્પંદનનો કંપ રોમ રોમમાં
મંગલ મિલન સર્વ સૃષ્ટિ આનંદમાં

સિતારના મંજુલ અવાજ અને સખીના સ્પર્શે અંજલિનું ધ્યાન ખેંચ્યું અને તે આગળ ચાલી અને શોમની બાજુમાં બેઠી. હસ્તમેળાપ હિંદુ વિધિ પ્રમાણે કર્યા પછી વૈદ્યજીએ કહ્યું કે, “ચાર ફેરા માટે અંજલિએ ચાર શ્લોક આપ્યા છે તે બોલાશે. તમે સાંભળશો કે આ વર-કન્યાને વચનોના બંધન માન્ય નથી. શોમ અને અંજલિ અગ્નિની સાક્ષીમાં પહેલા ફેરામાં તન, મન અને ધનનું સ્નેહ સમર્પણ કરે છે…બીજા ફેરામાં સદકર્મોમાં સદા સાથ રહી જનકલ્યાણના કર્મોમાં ઉભયનો સાથ માંગે છે…ત્રીજા ફેરામાં કુટુંબ-પરિવારની સેવામાં સમાન ભાવની અપેક્ષા રાખે છે…અને ચોથા ફેરામાં પોતાનાં બાળકોના ઉછેરમાં સર્વસ્વ અર્પણ કરવાનો નિશ્ચય કરે છે.” મંગળ ફેરા પૂરા થતાં વૈદ્યજીએ કહ્યું, “શોમ અંજલિને કંઈક કહેવા માંગે છે.”

શોમ અંજલિ તરફ ફર્યો અને તેના બંને કોમળ હાથ પોતાના હાથમાં લઈ બોલ્યો, “મારી પ્યારી અંજલિ, આજે આપણા મિલનથી આપણે બે મટી એક થઈશું તો પણ હંમેશા પોતાના અસ્તિત્વમાં મુક્ત રહીશું. મને તારામાં અનન્ય વિશ્વાસ છે, જેને હું કોઈ વચનોના બંધનમાં બાંધવા નથી માંગતો. આપણી વચ્ચે મિત્રતા, સ્નેહસંબંધ અને સ્વતંત્રતા અબાધ્ય રહેશે. મારો પ્રેમ સમય સાથે પ્રબળ બનશે. અંજલિ! મારા જીવન પંથમાં તારા સાથને હું મારું અહોભાગ્ય માનું છું.” અને શોમે નમીને અંજલિના ગાલ પર ચૂમી કરી…સ્વજનોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધાં.

લગ્ન પછી મિજબાનીની રાહ જોવાઈ રહી હતી ત્યારે આ અવનવી લગ્નોક્તિ વિષે આગળ ચર્ચા ચાલી. શોમ અને અંજલિ પોતાની લાગણીઓ, અરમાનોને વચનનું બંધન લાદવા નહોતા માંગતા એ ચર્ચાનો વિષય રસપ્રદ બની ગયો. અંજલિ અને શોમને ઘેરીને બેઠેલા મિત્રમંડળે સવાલ કર્યો. અંજલિએ વૈદ્યજીને આમંત્ર્યા,

“બાબા, તમે આ બિનઅનુભવી મિત્રોને સમજાવો કે અમારો આશય શું છે!”

“આપણે વર્તમાનમાં જે ભાવથી વચનો આપીએ તે આજને માટે તથ્ય છે. જીવનસફરમાં ભાવ બદલાય પણ વચનના બંધનને લીધે તમારે એ સાથ નિભાવવો જ પડે…તે વાતનો અંજલિ અને શોમને અર્થ નથી લાગતો. તે બન્નેને શ્રધ્ધા છે કે તેમનો સાથ અતૂટ છે. જે પ્રેમને વચનોમાં જકડવો પડે તે વ્યવહાર છે, પ્રેમ નહીં.” વૈદ્યજીએ સમજાવ્યું. “હું એક સલાહ આપું કે કોઈ પણ પરિસ્થિતિમાં પતિ-પત્ની ઉભય સાથે સન્માનથી વર્તે.” સૌ ધ્યાનથી સાંભળી રહ્યાં.

“ચાલો, જમવાનો સમય…” ની બૂમ સંભળાઈ અને ‘ઓહો’ અને ‘આહા’ ગરમ ગરમ જલેબી આવતાં બધા મીઠા સ્વાદમાં મગ્ન થઈ ગયાં.

પંખીનો મેળો વિખરાયો અને હ્યુસ્ટન જવા માટે ડો.રમેશ, માહી અને સાથે અંજલિના મમ્મી પણ રવાના થયાં. નવદંપતી, ગોઆથી નીકળી પોંડિચેરી જઈને અંજલિના સહાધ્યાયી અને ગુરુજનોને મળીને પછી હ્યુસ્ટન ગયાં.

બે સપ્તાહ પછી હ્યુસ્ટનમાં અત્યંત ઉમંગથી, શોમ અને અંજલિના લગ્નની ભવ્ય ઉજવણીની યોજના કરવામાં આવી હતી. મોટો હોલ ભારતીય ઝલકથી શણગારેલો હતો. તેમાં વળી નામી પિયાનો વગાડનાર હાજર હતા. અનેક ઉમદા ડોક્ટરો, મિત્રો અને સહકાર્યકર્તાઓ હાજર હતા. દેશી અને અમેરિકન શાકાહરી ખાણું હતું. અને છેલ્લે ગીત, સંગીત અને નૃત્ય મોડી રાત સુધી ચાલ્યું.

અંજલિનું જોષી પરિવાર સાથે પુત્રવધુ તરીકે રહેવાનું બહુ સહજ હતું. જ્યાં સંવાદિતા હોય ત્યાં સ્વર્ગ વરતાય છે. વર્ષોના વહેણમાં, શોમ અને અંજલિ, તેમના કામની સફળતા અને નિષ્ફળતામાં અડગ સાથીદાર રહ્યાં. તેમનાં ત્રણ બાળકો દાદા-દાદી અને નાનીના સ્નેહની છાંવમાં ઉછરી રહ્યાં હતાં.

આવ આપણે એક ઘર એવું બનાવીએ,
જ્યાં સ્નેહની છતછાંવ હો, શ્રધ્ધાની ભીંત હો, ભરોસાની ભોમ હો.
આવ આપણે એક પરિવાર એવો સજાવીએ,
જ્યાં સંવાદિત તાલ હો, પ્રીતિના ગાન હો ને મોટાનું માન હો.


ઊર્મિલ સંચાર. નવલિકા,સત્યકથા,કવિતાનું પુસ્તક નિઃશુલ્ક ઉપલબ્ધ છે.

પ્રપ્તિસ્થાનઃ શિશુવિહાર, ભાવનગર. shishuviharbhavnagar@gmail.com

મુનિભાઈઃ વડોદરા. chairman@glsbiotech.com


——-   સમાપ્ત


સરયૂ પરીખ –  saryuparikh@yahoo.com  |  http://www.saryu.wordpress.com