વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • આ પીછેહઠ નહીં આગેકદમ છે

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    હરેક જાગૃતિ પૂર્વકનો અભિગમ પરિવર્તનશીલ અને પ્રગતિકર હોય છે. કૃષિને તે વાત સવિશેષ લાગુ પડે છે. આપણે એક અતિ ટુંકા ગાળામાં જ કૃષિઉત્પાદનમાં થઇ ગયેલી ચમત્કારિક પ્રગતિ જોઇ છે. હજુ હમણા જ ૧૯૬૦-૬૫ પહેલા ભારતની ખેતી ભારતીઓને ખાવા અનાજ ઉત્પન્ન કરી શકતી નહોતી. તેથી ઢોરા પણ ન ખાય તેવા મેક્સિકન ઘઉં અમેરિકાની દયાથી  આપણા પેટનો ખાડો પૂરતા હતા.

    કહેવાય છે કે જરૂરિયાત સંશોધનની જનની છે. પણ ચાલુ જીવન પધ્ધતિ નહીં બદલી શકતા લોકોને આ લાગુ પડતું નથી. દુનિયાની ૫ ટકા ભૌગોલિક ભૂમિસંપતિ ધરાવતું ભારત તે વખતેય અને આજેય વિશ્વની જનસંખ્યાનો ૧૫ ટકા હિસ્સો ધરાવતું હોવાથી આપણા રાજકર્તાઓએ પણ માની લીધેલું કે અનાજ બાબતનું પરાવલંબન ચલાવી શકાય તેવું નથી. ૩૦ કરોડની જનસંખ્યાનો ભાર ઉપાડવો ખેતીને અસહ્ય લાગતો હતો.

    પણ વીજળીના ઝબકારાની જેમ બહુજ અલ્પ સમય માટે વડા પ્રધાનપદે આવી ગયેલા લાલબહાદુરશાસ્ત્રીજીએ જોઇ લીધું કે પરાવલંબનરૂપી ગુલામીમાંથી દેશે બચવું જ રહયું. તેમણે દેશની રક્ષામાટે આપેલા મંત્ર ‘જય જવાન’ ની સાથોસાથ ખેત ઉત્પાદનમાં ક્રાંતિ લાવવા ‘જય કિસાન’ નો મંત્ર આપ્યો, અને આપણા ભારતીય કૃષિવૈજ્ઞાનિકો અને કિસાનોએ એ પડકારને ઉપાડી લઇને ૫ કરોડ ટનના ઉત્પાદનને ૨૫ કરોડ ટન પર પહોંચાડીને એક અબજથી વધુ દેશ બાંધવોની જરૂરિયાત સંતોષી, અનાજની નિકાસ કરતો દેશ બનાવી દીધો !

    પણ…..ભૂલ એ થઇ કે = આ માટે શોધી કઢાયેલા ઊંચુ ઉત્પાદન આપતાં બિયારણો, વધુ ખાતર-પાણીની અને પાકસંરક્ષણની વિશેષ કાળજી માગનાર હતા., અને તે આપણે રાસાયણિક ખાતરો, જમીનતળના પાણી માટે ઊંડા બોર, અને ઝેરીલા પેસ્ટીસાઇડ્ઝના ઉપયોગથી આટલા વરસો દરમ્યાન એ જરૂરિયાત પૂરી કરી. પણ ભૂલ એ થઇ કે વધુ ઉત્પાદન આપતાં એ બિયારણોની જરૂરિયાતો પૂરી કરવામાં-રાસાયણિક પધ્ધતિને પણ આપણે પ્રગતિનો જ એક અંશ માની લીધો. એ કારણે-રસાયણોના અતિ વપરાશના પરિણામે જળ, જમીન અને મનુશ્યો-પ્રાણીઓને પહોંચેલી ગંભીર જફાને રોકવા સજીવખેતીની વાત કરાય છે. તો ટુંકા ગાળાના ઉત્પાદનને પ્રાધાન્ય આપનારા ખેડૂતો–લોકો આ વાતને કૃષિ પ્રગતિની પીછેહઠ ગણે છે. પરંતુ કોઇ પણ કાર્યપધ્ધતિના આખરે જણાયેલાં પરિણામો અને જાત અનુભવ કોઇ નવો રાહ ચિંધે તો એને પ્રગતિના જ પંથે જનારું આગેકદમ ગણી શકાય અને પર્યાવરણને હાનિ પહોંચાડનારું કોઇપણ કદમ આપણા માટે ઘાતક નીવડે છે.

    તમે જૂઓ ! પહેલા પહેલા થોડુંક અમસ્તું રાસાયણિક ખાતર આપતા ત્યાં બહુસારો પ્રતિસાદ મળતો. પણ હવે પાંચગણો જથ્થો નાખવા છતાં મોલાતો એવો જવાબ આપતી નથી. જમીન જાણે સાવ મરૂભૂમિ ન બની ગઇ હોય ! ઉડા દારનાં પાણી મોંઘા પડે તો તે ખેડૂતને, તેમાં છોડવા-ઝાડવાને શાની ચિંતા ? તે બધા ભીના ક્યારામાં પણ તરસ્યા-તરફડતા અને સાવ અણોહરા કેમ દેખાય છે ?

    અરે ! એવા અનાજ પાકતા કે બાજુના ઘેર ઘડાતા બાજરાના રોટલાની સુગંધ આપણા ઘેર આવતી. જામફળ, બોર, કેરી જેવા ફળો ગમેતેમ સંઘરીએ તોયે તેની બળુકી સુગંધથી છતા થયા વિના રહેતા નહીં. આંગણે ગાય દોહવાતી હોય ત્યારે બાળકો તાંસળી-તાંસળી શેડ્યકઢું દૂધ ઊભાઊભા પી જતાં. માણસોની નરવાઇ એવી હતી કે બોઘરણીએક ઘી પી જવું કે ભેલીભેલી ગોળ ખાઇ જવો એના મનમાંય નહોતું. ભર્યા પાણીનો હાંડો દાંતમાં પકડી માઇલ-માઇલ દોડ્યા જતા. અરે ! એકલો જણ ગાડું ઊંધું નાખી દે તેવી તાકાત ધરાવતા. અને ક્યારેક કોઇ વઢી-ભઠી લે તો “હશે, મોટા છેને ! આપણી ભૂલ હોય તો વઢે પણ ખરા ! અને વઢતા હશે તો આપણા લાભને જ વઢતા હશે ને !” કહી ગમ ખાઇ જતા. અને અત્યારે ? કોઇનું નામ લેવાતું નથી !

    હવામાં ઝેર, પાણીમાં ઝેર, અન્ન અને ફળ-શાકભાજીમાં ઝેર, દૂધમાં ઝેર, અરે ! માતાના ધાવણમાં પણ ઝેર ! પરિણામે માનવશરીર માયકાંગલું બનવા લાગ્યું છે. જાતજાતના અને ભાતભાતના જીવલેણ દર્દો વરતાવા લાગ્યા છે. લોકોનું માનસ વિકૃત થવા લાગ્યું છે. અજંપો વધ્યો છે. શાંતિ હણાઇ રહી છે.

    આવું બનવાનું કારણ શું ? આપણે છોડવા-ઝાડવાને જે ખવરાવ્યું અને એને જેમાં રગદોળ્યા-ધમાર્યા એ બધું તેણે આપણા ખોરાકમાં ધરબીને, તેની ફરજ બજાવીને પરત કર્યું, તેમાં તેનો શો વાંક ? ડુંગળી ખાઇએ અને ઓડકાર સ્ટ્રોબેરીનો થોડો આવે ?

    થોડુંક પાછુવાળું જોયું હોત તો સર્વક્ષેત્રે ખોદાએલી ઊંડી ખાઇ ન ખોદાત. પણ ખેર ! માની લઇએ કે તે દિવસોની અનાજ-ખાધ પૂરી કરવા આ હંગામો મચાવ્યા વિના ચાલેતેમ નહોતું. માનોકે ખબર પડી ગઇ હોત કે ‘ આ બધું અવળા માર્ગે  છે’ તો ઘડીભર તો આ બધાનો સહારો ‘અનિવાર્ય અનિષ્ટ’ ગણીને પણ લીધા વિના ચાલેતેમ નહોતું. માટે આપણે એ કર્યું. ચાલો માફ !

    પણ હવે શું ? હવે એ ભૂતકાળ વાગોળવાનું બંધ કરીએ. જ્યારે આપણને ખબર પડી જ ગઇ છે કે આ બધાં હરિયાળી ક્રાંતિના પાગિયાઓએ જમીન, પાણી, હવા અને પાકને પોતાને પણ માઠી અસરોથી મુક્ત રહેવા દીધા નથી. તો હવે એ વધતી જતી આડ-અસરોમાંથી પાછા વળી, જે અવમૂલ્યન થયું છે તે નિપટવા જેટલાવહેલા કટિબધ્ધ થઇશકીએ તેટલા વહેલા ન થવું જોઇએ ?

    ધારીએ તો બધું થઇ શકે છે.= કોઇપણ બાબત એવી નથી કે સમયસર ભૂલ સુધારી લેવાય તો પરિણામ ન મળે,. કેંસર જેવા અસાધ્ય ગણાતાં દર્દમાં પણ પ્રાથમિક સ્ટેજે આંખ ઊઘડી જાય, અને ચેતી જવાય-સમયસર સારવાર લેવા પહોંચી જવાય તો સાજા થઇ શકાય છે.

    આપણી જમીન હજુ એટલી સાવ મરી નથી ગઇ કે જે યોગ્ય  સારવાર મળતાં પાછી બેઠી ન થઇ શકે, અને આપણા પાણીનાં તળ એટલા તૂટી- ખુટી પણ નથી ગયા કે જે આપણા એ બાબતના પુરુષાર્થથી ફરી સજીવન ન થઇ શકે ! અને હજુ આગળ કહું તો આપણા કૃષિના વિજ્ઞાનને તાળાં નથી દેવાઇ ગયા કે જે ઓછામાં ઓછા ઝેરી છંટકાવથી પાકપેદાશ લઇ શકાય તેવી પાકની જાતો  શોધવા બાબતે હાથ ઊંચા કરી દે ! જરૂર છે માત્ર આપણી સમજણમાં સુધારો લાવવાની. “લેવું લેવું’’ કરી રહેલી આપણી મનોવૃત્તિને થોડી ખેંચી રાખવાની. અતિ કંઇ સારું નથી.- તે વાતને સુપેરે સમજવાની.

    આપણા મનમાં એક વાત જો પાક્કી થઇ જાય કે આખરે બધા હંગામા પછી પણ જીવનની શાંતિ હણાઇ જવાની હોય તો ? તો પછી જરા થોભીએ. આવું પરિણામ લાવનારી –પાછલા વરસોમાં કરેલી ખેતી-પ્રક્રિયાઓ અને વપરાએલ જણસોને યાદ કરી સિંહાવલોકન કરીએ. શેમાં શેમાં ઊણા પડ્યા છીએ તે શોધીએ અને નવેસરથી સમજણ પૂર્વકનું પ્રયાણ આદરીએ. કેવા કેવા અને કેવડા ડગલા ભરવા તે પરિસ્થિતિ જ સુઝાડતી રહેશે.

    હજુ કાંઇ મોડું થઇ ગયું નથી = જાગ્યા ત્યાંથી સવાર ! જમીનને વેડે નહીં, પાણીના તળ તોડે નહીં, હવા, મોલ કે માલ કોઇને ઝેરી બનાવે નહીં તેવી નિર્દોષ જણસોનો ઉપયોગ આદરીએ. કુદરતની સામે પડવાના નહીં, પણ તેના સ્ત્રોતોની જાળવણી કરતા કરતા ,તેનો વધુમાં વધુ ઉપયોગ કેમ થાય તેવા કાર્યક્રમો કરતા કરતા ગાયો, વૃક્ષો, પંખીઓ, જમીનજન્ય જીણા જીવો-કહોને સમગ્ર પ્રકૃતિનો સાથ અને વિજ્ઞાનની સહાયથી પુરુષાર્થ શરુ કરીએ તો માત્ર ગયા દિવસો જ નહીં-એનાથી સવાયા સારા દિવસો પાછા આવી શકે !

    જેમણે જેમણે આવી ખેતીના રસ્તે પ્રયાણ કર્યા છે તેમના અનુભવો ખુબ હુંફાળા રહ્યા છે. તેમના અનુભવો પરથી ધડો લઇએ. હિંમતે મર્દાતો મદદે ખુદા ! કરવા ધારીએ તો બધું થઇ શકે છે. ઉંઘતાને જગાડી શકાય હો ! જાગતા સૂતેલાને થોડો જગાડી શકાય ? ખ્યાલ આવ્યા પછી પણ જો ન ચેતીએ તો જાગતા પથારી પલાળી ગણાય !


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ [૧]

    રામચંદ્ર ગુહા

                    અનુ. ડંકેશ ઓઝા

    ભારતના અન્ય કોઈ શહેરમાં જોવા ન મળે તેવી સમીક્ષાત્મક તપાસ અને સમાજસુધારાની એક ભવ્ય પરંપરા પૂણે સાથે જોડાયેલી છે. ભલે દાયકાઓ બાદ હું ફરી પૂણેની મુલાકાતે આવ્યો હોઉં પણ વચગાળાના સમયમાં પણ પૂણેની પરંપરાની બાબતોથી અવગત રહેતો આવ્યો છું. માધવ ગાડગીલ જાણીતા નિસર્ગપ્રેમી છે, વિદ્વાન છે અને નાગરિકતા એમનામાં રુંએરુંએ ભરેલી છે. તેમની સાથેની મારી સઘન બૌદ્ધિક મૈત્રી છેલ્લાં દસ વર્ષથી રહી છે. માધવ ભારતીય પુનર્જાગરણકાળના મહત્ત્વનાં વ્યક્તિત્વોમાંના એક એવા ડી.આર. ગાડગીલના સુપુત્ર છે. જેમણે ૧૯૮૨માં પરિસર વ્યાખ્યાન-માળાનું પ્રારંભિક વ્યાખ્યાન આપ્યું હતું. તેઓ લાંબા સમયથી પૂણેમાં જ રહેતા આવ્યા છે.

    ડી.આર.ગાડગીલની પેઢીના બીજા બે વિદ્વાનોની યાદ આવે છે. જેમને પૂણેના બૌદ્ધિકો ગણાવી શકાય. એ હતા ડી.ડી. કોશાંબી અને ઈરાવતી કર્વે. મેં અને માધવે જે અંગ્રેજી પુસ્તક ‘Thie Fissured Land’ ભારતના પર્યાવરણીય ઇતિહાસરૂપે લખ્યું તે તેમના પ્રત્યેના આદર અને સન્માનથી તેમને અર્પણ કરાયું છે. અર્પણમાં ત્રણ મહાનુભાવોનાં નામ છે. ત્રીજું નામ વેરિયર ઍલ્વિનનું છે જેમના જીવનની આસપાસ મારું સાંપ્રત સંશોધન પરિક્રમા કરતું રહ્યું છે. ઍલ્વિન પણ પૂણે સાથે ગાઢપણે જોડાયેલા હતા. ભારત નિવાસના શરૂઆતનાં વર્ષો તેઓ અહીં રહેલા અને પાછળનાં વર્ષોમાં તેમણે આદિવાસીઓ માટે કામ કર્યું તે તો સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના એ.વી. ઠક્કર એટલે કે ઠક્કરબાપાની પ્રગાઢ અસરને કારણે જ.

    આ પ્રસંગે આપણા જે યજમાનો છે એ પણ પૂણેની ભવ્ય પરંપરાને આગળ લઈ જઈ રહ્યા છે. પરિસર1 જેવો નાનકડો સમૂહ અને તેની સાથે જોડાયેલા સમર્પિત કાર્યકરોનો સમૂહ પુખ્ત બની રહેલી ભારતની પર્યાવરણીય ચળવળમાં પોતાની મૂલ્યવાન ભૂમિકા અદા કરી રહ્યો છે. તેથી જ ૧૯૯૩નું પરિસર વ્યાખ્યાન2 આપતી વખતે હું ઊંડા સન્માનની લાગણી અનુભવું છું.

    * * *

    આ વ્યાખ્યાન દ્વારા હું એક પ્રશ્ન કરીને એનો ઉત્તર મેળવવા પ્રયાસ કરું છું. પ્રશ્ન એ છે કે મહાત્મા ગાંધીને આપણે શરૂઆતના પર્યાવરણવાદી ગણી શકીએ ? એ તો જાણીતું છે કે સમકાલીન ભારતીય પર્યાવરણીય ચળવળ ઉપર ગાંધીના જીવન અને કાર્યની ઠીકઠીક અસર રહેલી છે. ચળવળની ખરી શરૂઆત તો એપ્રિલ – ૧૯૭૩ના ચિપકો આંદોલનથી થયેલી. એના શરૂઆતના મુદ્રિત સાહિત્યમાં એક પત્રકારે અધીર બનીને લખેલું કે ગાંધીના પ્રેતે હિમાલયનાં વૃક્ષોને બચાવ્યાં છે. ત્યારથી મહાત્મા ગાંધી સ્વીકૃત કે અસ્વીકૃત રીતે પર્યાવરણીય ચળવળના પુરોધા રહ્યા છે.

    ચિપકો આંદોલનથી લઈને નર્મદા બચાવો આંદોલન સુધીના પર્યાવરણીય કર્મશીલો અહિંસક વિરોધની ગાંધીની રીતને ભારપૂર્વક વળગી રહ્યા છે અને મોટા ઉદ્યોગો સામેના ગાંધીના આક્રોશમાંથી તેમને પુષ્કળ પ્રમાણમાં ઊર્જા મળતી રહી છે. વળી આ ચળવળનાં મહત્ત્વનાં વ્યક્તિત્વો એવાં ચંડીપ્રસાદ ભટ્ટ, સુંદરલાાલ બહુગુણા, બાબા આમ્ટે અને મેધા પાટકર કહેતાં રહ્યાં છે કે તેઓ આ ક્ષેત્રે ગાંધીના દેવાદાર છે.

    અન્ય અસરોનો પણ ઇન્કાર કરી શકાય તેમ નથી. કારણ કે ભારતીય પર્યાવરણીય ચળવળના વ્યાપમાં એવા ઘણા સમૂહો છે જેમને ગાંધી સાથે ઊંડો નાતો ન પણ રહ્યો હોય. ઉદાહરણ તરીકે ‘કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ’ સંસ્થાની વાત કરીએ. આ સમૂહને માકર્સવાદની વિચારણાનો વારસો મળેલો છે અને તેમનું પર્યાવરણ ચળવળને થયેલું પ્રદાન બીજા કોઈથી સ્હેજપણ ઓછું નથી. આ ક્ષેત્રે અન્ય સ્વયંસેવી સમૂહો છે જે સમાજવાદ, ઉદાર ધાર્મિકતા અને સ્વસહાયની પરંપરાઓથી પ્રેરિત રહ્યાં છે. આમ છતાં એ કહેવું વાજબી મનાશે કે પર્યાવરણીય ચળવળ પર સૌથી મોટી કોઈ અસર રહી હોય તો તે ગાંધીના જીવનવ્યવહારની  છે.

    મારી વાત કરું તો મને આજના બે અભૂતપૂર્વ ગાંધીવિચારના પર્યાવરણવાદીઓ ચંડીપ્રસાદ ભટ્ટ અને સુંદરલાલ બહુગુણાના કાર્ય વિશે સઘન અભ્યાસ કરવાની વિશેષ તક પ્રાપ્ત થઈ છે. બંને સાથેનો મારો અંગત પરિચય સામાન્ય હતો. પરંતુ તેમના જીવનકાર્ય વિશે સંશોધન કરતાં હું તેમની ઘણી નજીક પહોંચી ગયો. એ બધા જે તે સમયે ચિપકો આંદોલન સાથે જોડાયેલા હતા. જોકે મારા પુસ્તક ઝવય ઞક્ષિીશિં ઠજ્ઞજ્ઞમતમાં મેં લખ્યું છે તેમ ચિપકો આંદોલનને માત્ર ગાંધીવાદી ચળવળમાં ખતવી દેવાનું યોગ્ય નહિ ગણાય. કારણ કે આ ચળવળનાં મૂળિયાં સદીઓ જૂની પર્યાવરણ જાળવણી અને તેના વિનાશ સામે પ્રતિકારની પરંપરામાં પડેલાં છે જે દ્વારા આપણે જંગલોને બચાવતાં રહ્યાં છીએ. એ પણ સ્વીકારવું જોઈએ કે, આંદોલનના બહુ જાણીતા આ નેતાઓ – ભટ્ટ અને બહુગુણા – ગાંધીવિચારનાં સર્જનાત્મક કામોની પરંપરાનાં પોતે જ ઉત્તમ ઉદાહરણો છે.

    આજે ચિપકો આંદોલનના જે શહેરી પ્રશંસકો છે તેમને ચંડી-પ્રસાદ કે સુંદરલાલના ટેકેદારો તરીકે આપણે ઓળખી શકીએ અને છતાં એ બંને મહાનુભાવો હકીકતમાં સન્માનનીય છે. દશૌલી ગ્રામ સ્વરાજ મંડળ જે સાથે ભટ્ટ જોડાયેલા હતા તેનો ફાળો ચિપકો આંદોલનમાં પાયાનો છે. મંડળના ગ્રામવાસીઓને વૃક્ષ બચાવવાની આ ટેકનિક શીખવનાર ભટ્ટ હતા. જંગલોના વેપાર સામે શરૂઆતનો જે વિરોધ થયો તેનું સંકલન પણ આ મંડળે જ કરેલું. ધીરે ધીરે પોતાનું ધ્યાન પર્યાવરણની પુન: સ્થાપના પર કેન્દ્રિત કરેલું. અલકનંદા ખીણ વિસ્તારમાં આ ગામોની બહેનોને જ વૃક્ષારોપણ માટે સંગઠિત કરવામાં આવેલી. જે દ્વારા વૃક્ષો રોપાયાં અને તેની જાળવણી પણ થઈ. જંગલખાતું યોજનાના નામે આ કામ માટે જે પ્રકારનો પુષ્કળ ખર્ચ કરે છે તેના કરતાં મહિલાઓની કામગીરી ઓછા ખર્ચવાળી અને વધુ સફળ હતી.

    ચિપકો આંદોલનના પાયામાં ચંડીપ્રસાદ ભટ્ટ છે તો સુંદરલાલ બહુગુણાનું સામાજિક કાર્ય તો તેથી પણ આગળ ગયેલું છે. ૧૯૪૦માં મહાત્મા ગાંધીએ પોતાની અંગ્રેજ શિષ્યા કેથેરિન મેરી હિલમેન જેને તેમણે સરલાદેવી નામ આપેલું તેને કુમાઉની પહાડીઓમાં મોકલેલી. આ સરલાદેવી સાથે સુંદરલાલ બહુગુણાનાં પત્ની વિમળા અને તેમનાં સાથી સર્વોદય કાર્યકરોએ કામ કરેલું. ભાગીરથી ખીણ વિસ્તારમાં બહુગુણા રહેતા હતા. જેમણે ૧૯૭૭ અને ૧૯૮૦ દરમ્યાન ઘણાં બધાં ચિપકો  પ્રતિકારનું સંચાલન કરેલું. હિમાલયની પર્યાવરણ સૃષ્ટિની જાળવણી માટે ભટ્ટ અને તેમના કાર્યકરો લાંબા સમયથી કામ કરી રહ્યા હતા. બહુગુણા ચિપકોના આ સંદેશને દૂર સુધી લઈ ગયા. આ પદયાત્રી કદી થાક્યા ન હતા. તેમણે ભારત અને ભારત બહાર એમનાથી ઓછી ઉંમરનાને શરમાવે તેવા પ્રયાસો કર્યા હતા. એક વક્તા તરીકે પણ તેઓ પ્રભાવક રહ્યા. નગરવાસી બૌદ્ધિકોને બેરોકટોક આગળ વધી રહેલા ભૌતિકવાદની ભયાનકતાઓ વિશે જાગ્રત કરનાર પણ તેઓ જ હતા.

    ચિપકો આંદોલનના આ બે નેતાઓને મેં મારા પુસ્તકમાં આપણા મહાન સમકાલીન ભારતીયો તરીકે બિરદાવ્યા છે. બંનેના જીવનને ઝંકૃત કરનાર ગાંધી હતા. પણ મને એવું વિચારવું ગમે છે કે બંને જણ પોતાના ગુરુથી જુદા અને આગળ હતા. ગાંધીએ ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ’ નામની નાકડી ચોપડી લખી હતી. જેમાં આધુનિક સંસ્કૃતિ વિરુદ્ધ મોટું તહોમતનામું છે. બહુગુણા પણ ઔદ્યોગિક સમાજના સખત ટીકાકાર છે. એમની પ્રેરણા પેલા ટચૂકડા પુસ્તકમાં રહેલી છે. બહુગુણાની પદયાત્રાઓ અને વ્યાખ્યાનો મારફત તેઓ મુખ્યત્વે લોકોનાં હૃદયને જાગ્રત કરતા રહ્યા છે. ઉપભોક્તા-વાદથી દૂર રહેવાની વિનવણીઓ કરતા રહ્યા છે. અને સાદગીભર્યા જીવન તરફ પાછા ફરવાનું સૂચવતા રહ્યા છે. વિકલ્પે, ચંડીપ્રસાદ ભટ્ટ અને એમના કાર્યકરો ગાંધીના સાબરમતી અને વર્ધા આશ્રમની નજીકના લાગે છે જે કેન્દ્રિત વિકાસના બદલે ટકાઉ આર્થિક વિકલ્પો તરફ વળવા અને વ્યવહારમાં મૂકવાનું કામ કરતા રહ્યા છે. ગાંધી ગ્રામસ્વરાજની વાત કરતા હતા, એ એમનો આદર્શ હતો. ચંડીપ્રસાદ પોતાના કાર્ય દ્વારા એ જ આદર્શને નવો અર્થ અને નવું પરિમાણ પૂરું પાડતા રહ્યા.


    (ક્રમશ:)


    1 Parisar, Yamuna, ICS Colony, Ganeshkhind Road. Pune, Maharashtra, 411 007 India

    2Mahatma Gandhi and the Environmental Movement – Parisar Annual Lecture by Ramchandra Guha – 1993


    ભૂમિપુત્ર : ૧૬ નવેમ્બર, ૨૦૨૪

  • દુષ્કાળની આ પરિસ્થિતિ માનવસર્જિત નહીં, સરકારસર્જિત

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    દુષ્કાળ માનવસર્જિત હોય કે કુદરતસર્જિત? આ સવાલ જ અસ્થાને જણાય, કેમ કે, દુષ્કાળનું સીધું કારણ અનાવૃષ્ટિ કહી શકાય, જે કુદરતને આધીન છે. પણ એક તરફ પાણીની અછતને પહોંચી વળવા માટે વિવિધ જળપ્રકલ્પો અમલમાં હોય, એમાં પણ નવા નવા વિસ્તારો લાભાન્‍વિત થઈ રહ્યા હોય, છતાં કેટલાક વિસ્તારોને કેવળ રાજકીય કારણોસર બાકાતર રાખવામાં આવે ત્યારે દુષ્કાળ માનવસર્જિત, અને વધુ ચોકસાઈથી કહીએ તો સરકારસર્જિત બને છે.

    આનું એક નમૂનેદાર ઉદાહરણ એટલે કર્ણાટક રાજ્યમાં આવેલો ‘અપર ભદ્રા સિંચાઈ પ્રકલ્પ’. તેના વિશે વધુ વાત કરતાં પહેલાં આ પ્રકલ્પનું મહત્ત્વ સમજી લઈએ. કર્ણાટકની બે નદીઓ તુંગ અને ભદ્રા પશ્ચિમ ઘાટમાંથી નીકળીને કૂડલી ગામે મળે છે, અને ત્યાંથી આગળ આ સંયુક્ત પ્રવાહ તુંગભદ્રા નદી તરીકે ઓળખાય છે. આ નદી કર્ણાટકનો મહત્ત્વનો જળસ્રોત ગણાય છે અને તે કૃષ્ણા નદીની ઊપનદી છે. તુંગભદ્રા પર,  હોસ્પેટ નગર પાસે બંધાયેલો બંધ અતિ મહત્ત્વનો છે, તેમ ભદ્રા નદી પર, લક્કવલ્લી નગર પાસે બંધાયેલો બંધ પણ અતિ મહત્ત્વનો છે. આ બંધ લક્કવલ્લી બંધના નામે પણ ઓળખાય છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    અહીંના ‘અપર ભદ્રા સિંચાઈ પ્રકલ્પ’ને રાજકીય ગ્રહણ લાગ્યું છે. શી છે આ યોજના? આ પ્રકલ્પનો મૂળભૂત હેતુ ચિક્કમગલૂર, ચિત્રદુર્ગ, તુમકુરુ અને દાવણગેરે તાલુકાઓને સિંચાઈનું તેમજ પીવાનું પાણી પૂરું પાડવાનો છે, કેમ કે, પાકની નિષ્ફળતા, તેને કારણે થઈ રહેલાં સ્થળાંતર તેમજ ફ્લોરાઈડયુક્ત પાણી જેવાં પરિબળોને કારણે આ ક્ષેત્રો દુષ્કાળગ્રસ્ત છે. ‘અપર ભદ્રા સિંચાઈ પ્રકલ્પ’ એક રીતે ‘લિફ્ટ ઈરિગેશન પ્રોજેક્ટ’ છે, એટલે કે તુંગ અને ભદ્રા નદીના પાણીને ઊપરની તરફ આવેલા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં લઈ જવાનું છે. એમ કરવાથી અહીંના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીની સવલત થવાથી સિંચાઈની સુવિધા ઊભી થશે, ભૂગર્ભજળનાં સ્તર ઊંચે આવશે તેમજ ઊપર જણાવેલા ચારે વિસ્તારોમાંના કુલ ૩૬૭ તળાવોને પણ ભરવામાં આવશે. આમ, આ એક મહત્ત્વાકાંક્ષી, બહુહેતુક અને દુષ્કાળની સમસ્યાનું ઘણે અંશે નિવારણ લાવતો પ્રકલ્પ બની રહે એમ છે.

    આ પ્રકલ્પની મહત્તાને પારખીને ફેબ્રુઆરી, ૨૦૨૨માં કર્ણાટકના તત્કાલીન મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ ઘોષિત કરેલું કે કેન્‍દ્રિય જળ આયોગની એક ઉચ્ચસ્તરીય સમિતિએ આ પ્રકલ્પને રાષ્ટ્રીય પ્રકલ્પ ગણવાની ભલામણ કરી છે. જલશક્તિ મંત્રાલય દ્વારા કરાયેલા ટેક્નિકલ નિરીક્ષણ પછી આ પગલું લેવાયેલું. આ ઘોષણાના એક વર્ષ પછી કેન્‍દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ વેળા ૫,૩૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ ઘોષિત કરી હતી, જેથી આ પ્રકલ્પના અમલીકરણને વેગ મળે. આ ઘોષણા સમયે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હતી.

    એ વાતને બે વર્ષ વીતી ગયાં. ઘોષિત કરાયેલી આ રકમમાંથી એક પૈસો હજી સુધી ફાળવવામાં આવ્યો નથી. એ તો ઠીક, કેન્દ્ર સરકારે હવે હાથ ઊંચા કરી દીધા છે કે આ પ્રકલ્પ કેન્‍દ્ર સરકાર પ્રયોજિત નથી. નવાઈ લાગે એવી વાત એ છે કે બજેટ દરમિયાન આ રકમની ઘોષણા ખુદ કેન્‍દ્ર સરકાર દ્વારા જ કરવામાં આવી હતી. કેન્‍દ્ર સરકારે પોતે ફાળવેલા બજેટ બાબતે એ પોતે જ ફરી જાય તો શું કરવાનું?

    કારણ સાફ છે. અગાઉ આ ઘોષણા વખતે કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષની સરકાર હતી, જ્યારે હવે કોંગ્રેસ પક્ષની સરકાર છે. એટલે આખા મામલાના મૂળમાં પક્ષીય રાજકારણ છે.

    પક્ષીય રાજકારણ એ હદે કથળી ગયું છે કે સમસ્યાઓના ઊકેલ પણ એ મુજબ વિચારવામાં આવે છે? આનો જવાબ ‘હા’માં છે, અને આવાં એક નહીં, અનેક ઉદાહરણો જોવા મળી શકે એમ છે. સંકુચિત પક્ષીય વલણ દાખવતા રાજકારણીઓ સર્વસામાન્ય પ્રજાલક્ષી હિતના મામલે પણ પક્ષીય વિચારધારાથી ઊપર ઉઠીને વિચારી શકતા નથી એ ખેદજનક કહી શકાય. સાથે જ એટલું કહેવું રહ્યું કે આ અપવાદ નહીં, નિયમ છે.

    એવુંય નથી કે પક્ષીય રાજકારણ અને એને લગતી સંકુચિત વિધારધારા નવીનવાઈનાં અને આજકાલનાં છે. પક્ષ બન્યા ત્યારથી જ પક્ષીય રાજકારણ પણ શરૂ થયું. આમ છતાં, એ કદી એક મૂલ્ય નહોતું, અને આટલું ખુલ્લેઆમ નહોતું. દરેક પક્ષમાં એવા નેતાઓ હતા ખરા કે જે વ્યાપક, સર્વસમાવેશી હિત જોઈવિચારી શકતા હોય. હવે એ નવું મૂલ્ય બની રહ્યું છે અને વર્તમાન નેતાઓના વલણથી એ છેક લોકોના મનમાં પણ પેઠું છે.

    અગાઉ પોતે જ કરેલી જાહેરાત બાબતે હવે સાવ નામક્કર જવું અને કહી દેવું કે એ રાષ્ટ્રીય પ્રકલ્પ નથી, એ કેવળ બોલીને ફરી જવા પૂરતી વાત નથી. સંસદમાં કરેલી ઘોષણા પર રાજકીય અથવા તો પક્ષીય હિત કઈ રીતે હાવી થઈ જાય છે એનો નમૂનો છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારના લોકોની વાસ્તવિક જરૂરિયાત કરતાં પણ પક્ષીય હિત અગ્રતાક્રમે આવે એવી આ વરવી પરિસ્થિતિ છે.

    ચૂંટણીનાં પરિણામ પોતાની વિરુદ્ધમાં આવે એટલે શું ત્યાંના જરૂરિયાતમંદ લોકોને દંડવાના? શું આ રાજ્ય દેશની બહારનો અન્ય કોઈ પ્રદેશ છે? એક વરસ અગાઉ પણ કર્ણાટકે કેન્‍દ્ર સરકાર દ્વારા અપાતા દુષ્કાળ રાહતના બાકી નાણાં મેળવવા માટે સર્વોચ્ચ અદાલતનો દરવાજો ખટખટાવવો પડ્યો હતો. હવે વધુ એક વાર ‘અપર ભદ્રા પ્રોજેક્ટ’ માટે પણ એ જ માર્ગ અપનાવવાની તૈયારી છે. કોઈ રાજ્યને પોતાનો વાજબી હિસ્સો મેળવવા વારંવાર અદાલતનો સહારો લેવો પડે, એ સ્થિતિ સંસ્થાગત વિશ્વાસ તૂટી રહ્યો હોવાનો સંકેત છે. એ સહેજ પણ ઈચ્છનીય નથી. આ લડાઈ કેવળ પાણી માટે નથી; પરંતુ ચૂંટણી પત્યા પછી પણ બંધારણીય ખાતરીઓ અને સંસદીય વચનો અર્થપૂર્ણ બની રહે છે કે કેમ એની એક પ્રકારે કસોટી છે.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૮ – ૧– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૧૦

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    સરસ્વતી વિદ્યા નિકેતનમાં પણ છ-સાત કલાક દરદીઓની તપાસમાં અમે વ્યસ્ત રહ્યાં. પછી બન્યું એવું, કે ત્યાંનાં કેટલાંક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પણ, ધીરે ધીરે કરીને, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની સાથે વાત કરવા તૈયાર થવા માંડ્યાં. દરેકના પ્રૉબ્લૅમ સરખા જ હતા- કૌટુંમ્બિક અને પ્રેમપાત્ર વિષેના.

    ગયાનાના ગરીબ તેમજ નિમ્ન-મધ્યમ વર્ગમાં નિષ્ક્રીયતા અને નિરુત્સાહને કારણે મોટી ઉંમરના લોકોમાં માનસિક ઉદાસીનો ઘણો પ્રૉબ્લૅમ છે, અને આ કારણે શારીરિક પીડા અને રોગોના ભોગ પણ એ લોકો બનતા હોય છે, તેનો ઉલ્લેખ મેં પહેલાં કર્યો હતો. પણ અહીંના સમાજનો યુવા વર્ગ પણ, આ સ્થગિત જેવા જીવનને કારણે, અમુક મુશ્કેલીઓ અનુભવતો હોય છે, તે અમને આ સ્કૂલનાં વિદ્યાર્થીઓને લીધે જાણવા મળ્યું.

    ગણવેશમાં છોકરાઓ

    લગભગ દરેક યુવાનને કઈ રીતે સમય પસાર કરવો, તે પ્રશ્ન તો હતો જ, પણ ઉપરાંત, માતા-પિતાની સાથે  કોઈ બૌદ્ધિક સંબંધ નહીં હોવાથી, યુવાનો ઘરમાં પણ ખુશી-આનંદમાં રહી શકતા નહતા. છોકરીઓને પણ મા-બાપ સાથે સમજણનો અભાવ લાગતો હતો. વળી, સાવ સાદા જીવનમાં પ્રેમમાં પડવાનો ભાવ એક પ્રવૃત્તિ બની જતો હોય છે, તેથી છોકરીઓ, સામેની વ્યક્તિ યોગ્ય છે કે નહીં, તે જોયા-જાણ્યા વગર પ્રેમમાં પડતી હતી, અને એમાંની કેટલીક નિરાશ થઈ જતાં પછી આત્મહત્યા પણ કરી બેસતી હતી.

    ગયાનાના સમાજમાં યુવા પ્રજા, તેમજ ઉંમરલાયક લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ ઘણું છે. આ, દારૂ પીવાનો અતિરેક, તથા ઘરેલુ હિંસા જેવા, સતત બનતા રહેતા બનાવો અહીં મોટી સમસ્યારૂપ બનેલા છે. અહીંના લોકો દેખાય છે શાંત સ્વભાવના, અને સંકોચ સાથે વાત કરતા હોય, તેથી અહીંનાં જીવનની આ સમસ્યાઓનો ખ્યાલ આપણને તરત આવે નહીં. આ કૉર્નેલિયા ઇડા ગામની સ્કૂલમાં અમે આ બધું જાણવા પામ્યાં. એ વિષે વિચારો અમારાં મનમાં લાંબા સમય સુધી ચાલુ રહ્યા.

    ગયાનામાં આવ્યે અમને ચાર દિવસ થયા હતા. એ ચારેય દિવસો, ચાર જુદાં ગામોમાં ગોઠવાયેલા તબીબી-કૅમ્પ ખાતે પસાર થયા હતા. વહેલી સવારથી રાત સુધી અમે, આવવા-જવામાં અને દરદીઓની તપાસમાં, સતત વ્યસ્ત રહ્યાં હતાં. અહીંનો સમાજ જોવા મળ્યો, અહીંનાં જીવન વિષે જાણવા મળ્યું, પણ ફ્રી સમય બીલકુલ મળ્યો નહતો.

    સરસ્વતી વિદ્યા મંદિર નું વ્યવસ્થિત મકાન અને ચોગાન

    મોડી બપોર સુધીમાં, સરસ્વતી વિદ્યા નિકેતનમાં બધું કામ પતાવ્યું; ઘણી દવાઓ વધેલી, તે બધી ત્યાં જ આપી દીધી; ત્યાંનાં કાર્યકરોની વિદાય લીધી, અને મોટી વૅનમાં જ્યૉર્જ ટાઉનની હોટેલ પર જવા અમે નીકળી ગયાં. વિશાળ અને વિપુલ પ્રવાહવાળી ડૅમૅરારા નદી પરનો, લાકડાંનો બનેલો, લાંબો પુલ પસાર કર્યો.

    ખરેખર જ, આ નદીઓનો બનેલો દેશ છે. કેટલી નદીઓ આવતી રહે છે કોઈ પણ રસ્તે. નાની હોય તે પણ જાણે હરખતી, ઊભરાતી; ને ડૅમૅરારા જેવી મોટી નદીઓ તો જાણે પ્રગલ્ભ જળ-પદ્મિની.

    આજે પહેલી જ સાંજ હતી, જ્યારે કૈંક નિરાંત અનુભવી શકાય તેમ હતી. જેને માટે ગયાના આવેલાં તે મદદ-મિશન સમાપ્ત થયું હતું. બધાં ગયાનિઝ સ્ટાઇલનું ખાવાનું ખાઈને જરા કંટાળ્યાં હતાં. ઇન્ડિયન સ્ટાઇલના ભોજનની બધાંને ઇચ્છા હતી. મેં એક સ્થાનિક મૅગૅઝીનમાં એક ઇન્ડિયન રૅસ્ટૉરાઁની જાહેરાત જોઈ હતી.  એનું સૂચન કર્યું, ને બધાંને પસંદ પડ્યું.

    જોકે હું એમની સાથે ગઈ નહીં. ન્યૂયૉર્કના એક મિત્ર દ્વારા મને, જિયોમાં રહેતા એક સજ્જનનો પરિચય થયેલો. ન્યૂયૉર્કથી જ ઇ-મેલનો સંપર્ક રાખેલો. જિયો પહોંચીને મેં ફોન કરીને એમની સાથે વાત કરેલી. આ પહેલી જ સાંજ મને ફ્રી મળવાની હતી, તેથી એ સાંજે એમની સાથે બહાર જમવા જવાનું નક્કી થયેલું. મારા જૂથનાં ચૌદ જણ ઇન્ડિયન રૅસ્ટૉરાઁમાં જમવા ગયાં, અને મેં સ્થાનિક વ્યક્તિને મળવાની તક લીધી.

    અસાધારણ રહ્યો એ અનુભવ. અત્યાર સુધી મેં ગયાનાનો, મહેનત કરીને સાદગીથી જીવતા લોકોનો બનેલો,  નિમ્ન-વર્ગીય સમાજ જોયો હતો. હવે સિક્કાની બીજી બાજુ જેવી, અહીંના સુખી અને ધનિક લોકોની, રસપ્રદ અને રંગીન જિંદગી જોવા મળી.

    એ મિત્ર મને હોટેલ પૅગાસસની ખૂબ મોટી, મૉડર્ન, અને સુંદર ઇમારત પર લઈ ગયા. એક તરફ દરિયો, બીજી તરફ હોટેલનું કમ્પાઉન્ડ. અંદર જતાં જ મોટી લૉબી, અને સર્વત્ર સફેદ આરસની ફર્શ, અહીંત્યહીં મૂકેલા સોફા અને પૉલિશ કરેલાં લાકડાંની ખુરશીઓ. જુદા જુદા ખંડમાં લોકો ખાતા કે પીતા દેખાતા હતા. ખુલ્લા વરંડામાં થઈને અમે પાછલી તરફ ગયાં. ત્યાં હતાં ફુવારા, નાનો પુલ, અને ગાર્ડન જેવી શોભા.

    ત્યાં ગોઠવેલાં ટેબલોમાંનાં એક પર અમે બેઠાં. એ તો સ્થાનિક બિઝનેસમૅન, અને વારંવાર આ સોફિસ્ટિકેટેડ જગ્યાએ આવતા હશે એવું લાગ્યું, કારણકે બધાં એમને ઓળખતાં હતાં. આસપાસ નજર કરતાં મેં જોયું, કે  બેઠેલા બાકીના બધા સ્થાનિક ગયાનિઝ લોકો હતા. એટલેકે, સ્થાનિક પ્રજામાં પણ ઘણા લોકો ધનિક વર્ગના હતા. ભૂલી જ જવાય કે આ જગ્યા પણ ગયાનામાંની જ હતી.

    એક તરફ બાંધેલા સ્ટેજ પરથી મ્યુઝિશિયનોનું એક જૂથ સરસ જાઝ વગાડી રહ્યું હતું. એક છોકરી સાથે ગાતી પણ હતી. મને બહુ જ આનંદ એ થયો, કે આ સંગીત સરસ તો હતું જ, પણ એ ગાજી-ગજવીને વગાડાતું નહતું. વાહ, આ સાઉન્ડ પણ સોફિસ્ટિકેટેડ હતો. કાન ફાડી નાખે તેવું વૉલ્યુમ સાધારણતાનો પર્યાય ગણાય છે.

    દુનિયાના દરેક દેશની જેમ, આ દેશના સમાજમાં પણ, “છે અને નથી”, કે “બહુ છે અને કશું નથી” જેવા ભાગ બનેલા છે. આજના જમાનામાં જાણે આ પરિસ્થિતિ અનિવાર્ય બની ગઈ છે.

    વાતો દરમ્યાન મારા યજમાન કહે, અહીં પૈસાદારોની જિંદગી સહેલી નથી, કારણકે એમને હંમેશાં ચોરી તેમજ હુમલાનો ભય રહે છે. ગુનાખોરી બહુ વધી ગઈ છે અહીં- ખાસ કરીને જિયો જેવા શહેરમાં. તેનાં કારણમાં, ગરીબી, બેકારી, તથા “છે અને નથી” જેવા, સ્પષ્ટ દેખાઈ આવતા ભેદ હશે, તેમ કહી શકાય.


    ક્રમશઃ


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : ડો. દિનેશ ઓ. શાહ – (૨)

    પહેલાં આપણે ડૉ. દિનેશ ઓ શાહના બાળપણ અને યુવાનીનાં ભારતનાં વર્ષોની ગાથા જાણી.
    અમેરિકામાં પદાર્પણ પછીની તેમની જીવન સફર વિશે હવે જાણીએ.

    બે દિવસની લાંબી મુસાફરી બાદ ન્યુયોર્ક એરપોર્ટ આવ્યું.  મારા ખીસામાં સંબંધીઓએ આપેલા હજાર  જેટલા રૂપિયા હતા.  ત્યારે મને ખબર પડી કે અહીં ડોલર નામની કરંસી વપરાય છે.  અહીં રૂપિયા કોઈ સ્વીકારતું જ નથી.  મારી પાસે એરપોર્ટથી જવા માટે ડોલર હતા જ નહિ.  તે સમયે વિદેશી વિદ્યાર્થીઓને મદદ કરવા માટેની સંસ્થા હતી.  તેના વૉલીનટીયર બધે બેસતા અને માર્ગ દર્શન આપતા .  એ વોલિન્ટિયરે મારી એરપોર્ટથી ન્યૂ યોર્કના સેન્ટ્રલ બસ સ્ટેશન સુધીની ટિકિટ કઢાવી આપી.  ત્યાંથી બસ લઇ મારે મોરિસટાઉન,  ન્યુજર્સી જવાનું હતું.  બસમાં મારી બાજુમાં એક માણસ ખુબ દારૂ પીને બેઠેલો.  તે મોટે  મોટેથી ગીત ગાતો અને મને પૂછે કે યંગમેન, વુડ યુ લાઈક તો હેવ એ ગર્લફ્રેન્ડ ?  રસ્તામાં  એક બસ સ્ટોપ ઉપર તે ઉતરી ગયો ત્યારે મને કંઈક શાંતિ થઇ.  મોરિસટાઉન આવ્યું ત્યારે રાતના 8 વાગી ગયેલા.  મારે કોઈ અમેરિકન કુટુંબ સાથે હોમ હોસ્પિટાલિટી માટે બે દિવસ રહેવાનું હતું .  મને ખુબ ગભરાટ થતો કે મારો સમાન ઉંચકીને આ કુટુંબનું ઘર કઈ રીતે શોધીશ?  બસમાંથી નીચે ઉતર્યો ત્યારે એક અમેરિકન આવીને મને પૂછે. કે આર યુ મિસ્ટર દિનેશ શાહ?  મેં હા પાડી તો એણે  પોતાની ઓળખાણ આપી કે મારુ નામ યુજીન ડેન્ટન છે અને એણે એની પત્ની અને બે નાની દીકરીઓની ઓળખાણ કરાવી.   એણે  કહ્યું કે પેલા વોલિન્ટિયરે તેમને ફોન કરી હું બસમાં બેસી ગયો છું તેમજ મારી બસ કેટલા વાગે મોરિસટાઉન આવશે તે જણાવેલું.  આ જાણીને મને અમેરિકામાં કઈ રીતે ફાસ્ટ કમ્યુનિકેશન થાય છે તેનો પહેલો અનુભવ થયો.  રાત્રે થાકી ગયેલો તેથી ખુબજ ગાઢ નિદ્રા આવી ગઈ.  મનમાં થતું કે  હાશ,  હવે અમેરિકા આવી ગયો.

    સવારના ઉઠ્યો ત્યારે મિસિસ ડેન્ટને મને અમેરિકન  બ્રેકફાસ્ટ આપ્યો.  એક વાડકામાં કોર્નફ્લેક્સ, કાપેલું કેળું અને દૂધ આપ્યું.  મને પૂછ્યું કે તમે બોઈલૅંડ એગ લેશો તો મેં ના  પાડી કે હું વેજીટેરીઅન છું અને અમે ઈંડા  નથી ખાતા.  એમને ખુબ મુંઝવણ થતી કે આ ભાઈને શું ખાવા આપવું?  મને ઇન્ડિયાના ગાંઠિયા, ખારી પુરી, ચવાણું, સેવો અને ગરમ ગરમ મસાલા વાળી  ચા યાદ આવી ગઈ.

    મેં ખુદ પોતાને યાદ કરાવડાવ્યું કે દિનેશ શાહ આ નવો દેશ છે, નવું ખાવાનું છે અને  નવું ભણવાનું છે એટલે જૂની વસ્તુ નહિ પકડી રાખવાની.  સ્વાદના ગુલામ નહિ થવાનું.

    ગાંધીજી લીમડાના પાનની ચટણી ખાતા હતાં તે મેં યાદ કર્યું.  આ ઘરમાં મોટી બાથરૂમ તેમજ દસ બાય  ચાર ફૂટનો અરીસો અને લાઇટોની ઝમક મને સ્વર્ગ જેવું લાગ્યું.  ભારતમાં બાથરૂમને સજાવવાની કલ્પના જ નહોતી.  તેમજ હું તો ધર્માદાની હોસ્ટેલમાં રહીને ભણ્યો હતો એટલે બાથરૂમ સાવ સાદી  હતી. .  ત્યાર પછી બીજા બે દિવસ મારે મિસ્ટર અને મિસિસ હર્મેન્સની ત્યાં રહેવાનું હતું.  એટલે એ લોકો મને એમની ઘેર લઇ ગયા.

    અહીં પણ ખાવાનાનો મારે મોટો પ્રશ્ન હતો.  ભારતમાં મોસંબીનો રસ માંદા પડો ત્યારે પીવાનો થાય.  ભારતમાં મોસંબીના રસમાં મરી, મીઠું વી નાખીને માં પીવા આપે કે રસ વાયડો ના પડે.  તો મેં સવારના બ્રેકફાસ્ટમાં ઓરેન્જ જ્યુસમાં મરી અને મીઠું નાખ્યું તો ખુબ આશ્ચર્યથી મારા યજમાન જોઈ રહ્યા કે હું શું કરી રહ્યો છું?  મેં તેમને ઇન્ડિયાની ગરમ અને વાયડો ખોરાક વિષે આપણી માન્યતાઓ સમજાવી.  બહાર સ્નો પડતો હોય તો પણ ઘરમાં બેસી અમેરિકનો આરામથી આઈસ્ક્રીમ ખાય તે મેં અહીં અનુભવ્યું. ઘરમાં એક કૂતરું પણ હતું અને બધા એને ખુબજ લાડ લડાવતા.  અહીં કૂતરાની હોસ્પિટલ, મોટેલ, તેમજ દફન માટેના અલગ લોટ હોય છે.  ત્યારે ભારતના કૂતરાની ખરાબ પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. એમની આઠમા ધોરણમાં ભણતી દીકરીને શનિવારે પાર્ટીમાં જવું હતું અને માબાપની ઈચ્છા નહોતી.  તો એની મમ્મીએ ઘણા કામ બતાવ્યા કે તારે હોમવર્ક કરવાનું છે, તારે પિયાનોની પ્રેકટીસ કરવાની છે વી. વી. લગભગ ૪૫ મિનિટ રક્ઝક કરી. ત્યારે મને લાગ્યું કે ભારતમાં તો માં કે બાપ ના પડે એટલે પતિ ગયું આગળ વધારે કોઈ દલીલ કે વાત જ ના હોય.

    એમની સાથે રવિવારે હું ચર્ચમાં ગયો.  પ્રાર્થના અને લેક્ચર પતિ ગયા પછી દરેક લાઈનમાં લોકો ઉભા થઇ સ્ટેજ ઉપર જાય એન્ડ પ્રિસ્ટ એક પ્યાલામાંથી કશુંક પીવડાવે. અને એક પ્લેટમાંથી કશું ખવડાવે.  મેં ધીમે રહીને મિસિસ હર્મેન્સને પૂછ્યું તો તેમને ખુબ ધીમા અવાજે જવાબ આપ્યો .  મને માત્ર એટલું સંભળાયું કે લોકો ફ્લેશ અને બ્લડ ઓફ જીસસ મોમાં મૂકી રહ્યા છે.  તો મેં કહ્યું,    આઈ એમ નોટ કમિંગ ટુ  ધ પ્રિસ્ટ બિકોઝ આઈ એમ વેજીટેરીઅન! મિસિસ  હર્મેન્સ તેમનું હસવાનું રોકી ના શક્યા . તેમણે પોતાના મોં પાર હાથ દબાવી રાખ્યો.  ચર્ચની બહાર  નીકળી તેમણે મને સમજાવ્યું કે પ્રિસ્ટ વાઈન તેમજ પોટેટો ચિપ્સ જીસસના ફ્લેશ અને બ્લડ તરીકે લોકોને આપતા હતાં .

    રવિવારે સાંજે તેઓ મને કોલંબિયા યુનિવર્સીટીની હોસ્ટેલમાં મુકવા આવ્યા.  હું લિફટમાં મારા સામાન સાથે દાખલ થયો.  મિસિસ હરમેન્સે ગુડબાય કહેવા હાથ લંબાવ્યો.મેં શેકહેન્ડ કર્યું પણ મારો હાથ છૂટતો નહોતો. જેમ કોઈ માં પોતાના બાળકને બાલમંદિરમાં મુકવા જાય અને બાળક માનો હાથ ના છોડે તેવી મારી હાલત હતી. ચાર દિવસ જે ઉષ્મા અનુભવી હતી તે ખોવાની  હતી અને ફરીથી એકાકી જીંદગી  જીવવાની હતી.  નવી મુસીબતોનો સામનો કરવાનો હતો.  અકલ્પીત બનાવોનો અનુભવ કરવાનો હતો.

    મારી રૂમની બારી એમસ્ટરડમ એવેન્યુ ઉપર પડતી.  આખી રાત પોલીસ કારની સાયરન સંભળાયા  કરતી.  વેજીટેરીઅન હોવાથી મને કોલેજના કાફેટેરિયામાં ખુબ મુસીબત પડતી.  ભાત, બ્રેડ, બાફેલા ગાજર અને મેશ્ડ પોટેટો એટલું પ્લેટમાં લઇ ભોજન પૂરું કરતો.  મુંબઈના મારા બાયોફિઝીક્સના પ્રોફેસર ડો. કે. એસ. કોરગાંવકર ના એક અમેરિકન મિત્ર ડો. સીમોર લિવાઇન   ન્યૂયોર્કની નજીક કામ કરતાં હતા. તેમણે મને આ મિત્રનો ફોન નંબર આપેલો.  મેં  તેમને ફોન કર્યો અને અમે શનિવારે મળવાનું નક્કી કર્યું.  ડો. લિવાઇન કહે કે ક્યાં ડીનર  માટે જવું છે?  તેમણે મને ઇટાલિયન, ચાઈનીઝ, ઇન્ડિયન વી ની ચોઈસ આપી.  તે વખતે મેનહટ્ટનમાં માત્ર બે ભારતીય રેસ્ટોરન્ટ હતા.  એક નું નામ કાશ્મીર અને બીજું હતું મહારાજા.  તો અમે કાશ્મીરમાં. ગયા. દોઢ મહિના પછી પહેલી વાર ભારતીય મસાલાવાળું જમીને ખુબ આનંદ અને સંતોષ થયો.  એક મહિના પછી ડો. લિવાઇન ફરીથી મને મળવા આવ્યા અને પૂછ્યું કે ક્યાં જમવા જવું છે? તો મેં કહ્યું ચાલો ઇન્ડિયન રેસ્ટોરન્ટ માં જઈએ.  તો એમણે કહ્યું કે દિનેશ તને ખબર જ નહિ પડે કે બીજા દેશોના જમણ કેવા સ્વાદિષ્ટ હોય છે.  મને ખબર છે કે તું વેજીટેરીઅન છે તો હું તને જ્યુઈશ વેજીટેરીઅન રેસ્ટોરન્ટમાં લઇ જાઉં છું.  અમે આ રેસ્ટોરન્ટમાં બીટરૂટનો સૂપ, ચીઝઃબ્લિન્ટચીસ અને ચીઝ  કેક ખાધો.  આ બધી ડીશો મને ભાવી .  આ રીતે ડો. લિવાઇને મને બીજા દેશોનું ખાવાનું ખાતો કર્યો.  મને કહેતા કે બીજા લોકોને એ જે ભાવે છે તો તને કેમ ના ભાવે?  જીભને બીજા દેશનું જમવાનું એપ્રિસિએટ કરતા શીખવાડો.  અમેરિકામાં જન્મેલા મારા બાળકો તેમજ પૌત્રો અને પૌત્રીઓ બીજા દેશોનું જમવાનું મારા કરતા વધારે એપ્રિસિએટ કરે છે.   ભારતમાં હું માત્ર ગુજરાતી ખાવાનું ખાઈને રહેલો તેથી બીજા દેશોના જમણનો મને અનુભવ જ નહોતો. હું ૪૫ દેશોમાં લેક્ચરો આપવા ફર્યો છું અને બધા જ દેશોનું ખાવાનું ખાધું છે તે મારું અમેરિકામાં રહીને થયેલું પરિવર્તન બતાવે છે.  દરેક દેશોમાં સારી સારી વેજીટેરીઅન વાનગીઓ  હોય છે.

    બીજી સેમેસ્ટરમાં અમે બધા ક્યાં સમર જોબ કરવી તેના પ્લાન કરવા માંડ્યા.  મારા બન્ને રૂમપાર્ટનરોએ


    બ્રુકહેવન નામની પ્રખ્યાત નેશનલ લૅબોરેટોરિમાં એપ્લાય કર્યું. મને થયું કે આવી પ્રખ્યાત લેબ ફોરેન સ્ટુડન્ટને લેવાને બદલે અમેરિકન સ્ટુડન્ટ્સને લેશે. એટલે મેં એપ્લાય ના કર્યું.  મારા બન્ને રમ પાર્ટનરોને ત્યાં સમર જોબ મળી અને ખુબ સારો અનુભવ મળ્યો.  આ બનાવ થી મેં મનમાં ગાંઠ વાળી કે જિંદગીમાં કદાપી નેગેટિવ ના વિચારવું.  આ ગાંઠ હજુ સુધી મેં ઉકેલી નથી.  સફળતાનાં વિચારો કરવાથી મને ઘણી જગાએ સફળતા પ્રાપ્ત થઇ છે.  એક અમેરિકન કહેવત જે મને ખુબ ગમે છે તે અહીં ટાંકુ છું.   “વેન ગોઈંગ ગેટ્સ ટફ ઈટ ઇસ ટફ ગેટ્સ ગોઈંગ “.

    હવે મેં કેમ્પસમાં જ કોઈ પ્રોફેસરની લેબમાં કામ શોધવા માંડ્યું. એક પ્રોફેસરે બીજાનું નામ સૂચવ્યું, બીજાએ ત્રીજાનું નામ સૂચવ્યું અને છેવટે પ્રોફેસર શૂલમન ની લેબમાં સમર જોબ મળી.  એ વખતે તો મને ખબર પણ નહોતી કે આ બહુ પ્રખ્યાત અને જાણીતા પ્રોફેસર છે.  તેઓ મને ડો. જ્યોગ્રાફીની ગાઈડન્સ પ્રમાણે રિસર્ચ કરવાનું સમજાવી યુરોપ સમર માટે જતા રહ્યા.  આ પ્રોજેક્ટ મોનોમોલેક્યુલર ફિલ્મનો હતો.  મારી જાતે જુના પ્રગટ થયેલા પેપરો વાંચીને આગળ કામ કરવાનું હતું. જયારે પ્રોફેસર શૂલમન યુરોપથી પાછા આવ્યા ત્યારે મારા કામથી અને રિઝલ્ટથી ખુબ પ્રભાવિત થયા અને મને કામ ચાલુ રાખવા કહ્યું.   મેં મારી પી.એચ.ડી ની રિસર્ચ ઉપર એક પ્રપોસલ લખી નેશનલ ફાઉન્ડેશનને સબમીટ કર્યું. એ ગ્રાન્ટ મંજુર થઇ ગઈ.   ચાર વર્ષમાં તેમના હાથ નીચે મેં પી.એચ.ડી  નું સંશોધન પતાવ્યું.


    ક્રમશઃ

  • વામા-વિશ્વ – ‘લેડી ભગીરથ’ના હુલામણા નામે જાણીતી ગૌરી નાયક

    આલેખનઃ અનુરાધા દેરાસરી

    મુશ્કેલીઓને પણ અવસરમાં ફેરવી શકે, તેવી નારાયણી શક્તિ ધરાવનાર મહિલાઓને કુદરત પણ મદદ કરે છે.

    ‘તારી હાક સુણી કોઈના આવે તો તું એકલો જાને રે…’ કવિવર રવિન્દ્રનાથજીનો આ બંગાળી કવિતાનો અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ કર્યો. જીવનમાં મુશ્કેલીઓને પચાવી ચાલનારા એકલવીર અથવા વીરાંગના જૂજ હોય છે.

    આજે વાત કરવી છે એવી એક એકલવીર વીરાંગનાની જેણે જાણે આ કવિવરની કવિતાને આત્મસાત કરી, જીવન જીવી બતાવ્યું અને કર્ણાટક અનેન હવે આખા ભારતમાં આધુનિક યુગની ‘લેડી ભાગીરથ’નું બીરુદ મેળવ્યું.

    અત્રે યાદ આપવું જરૂરી છે કે, આપણા જૂના ગ્રંથો પ્રમાણે રાજા ભાગીરથે ગંગાને સ્વર્ગમાંથી જમીન પર ઉતારી.

    કર્ણાટકની આ ગ્રામ્યનારીએ પાતાળમાંથી પાણી કાઢ્યું અને પોતાના ખેતરો અને આસપાસના ખેતરો, તેમજ આંગણવાડીના બાળકોને પાણી પૂરું પાડયું.

    આ ‘લેડી ભાગીરથ’નું નામ ગૌરી નાયક. ગૌરી નાયક કેમ આધુનીક ‘લેડી ભાગીરથ’ કહેવાઈ, તેની વાત કંઈક આમ છે.

    કર્ણાટકના સીરસી ગામમાં ગૌરી નાયક, તેના પતિ અને બે બાળકોનું કુટુંબ રહે આર્થિક સ્થિતિ અતિ સામાન્ય. થોડા વીઘા ખેતર, તેમાં, પતિ ખેતી કરે અને ગૌરી છૂટક મજૂરી કરે. સંસારનું ગાડુ ગબડે રાખતું હતું. તેમાં તેના પતિનું મૃત્યુ થયું. ગૌરી પર આભ તૂટી પડયું. બે બાળકોનો ઉછેર ઘર સંભાળવાનું.

    ગામમાં ગૌરીને બધા બિચારી બાપડી નબળી મહિલા માનવા લાગ્યા. પરંતુ ખરેખરી કહાની હવે જ શરૂ થાય છે.

    ગૌરીએ શોકને બાજુએ મૂક્યો. બે સંતાનોના ભવિષ્ય માટે તેણે સવારના ને સાંજના ભાગમાં મજૂરી શરૂ કરી દીધી ને દિવસ દરમ્યાન થોડા વીઘાની ખેતી સંભાળી લીધી. ખેતીમાં પામ, કેળા અને સોપારીની ખેતી કરવાનું નક્કી કર્યું.

    પરંતુ સમસ્યા એ આવી કે જાન્યુઆરી, ફેબુ્રઆરીમાં પાણીનો પૂરવઠો ખૂટી પડયો. ગૌરીનો પામ, કેળ અને સોપારીના પાકને પાણી કેવી રીતે મળે ? એ મહાપ્રશ્ન સર્જાયો અને જો પાણી ના મળે તો બધા જ પાકો સૂકાઈ જાય તો આર્થિક સંકટ આવી પડે. બાળકોને ભણાવવાથી માંડી, છેક સુધીનો પ્રશ્ન ઊભો થાય. આથી ગૌરી નાયકે નક્કી કર્યું કે ગમે તે રીતે પાણીની વ્યવસ્થા કરવી.

    અહીં થોડો ભૂતકાળના ફ્લેશ બેકમાં જઈએ.

    ગૌરી ધોરણ બે સુધી જ ભણેલી. ભણેલી ઓછું પરંતુ તેનો એક બહાદુરીનો ગુણ આગવો. છોકરાઓ જે કામ ના કરે તે, ગૌરી છોકરી થઈને કરે. ગામને છેવાડે આવેલા ફળોના ઊંચા ઊંચા વૃક્ષો પર પટ દઈને ચડી જાય, જ્યાં છોકરાઓ પણ ચડતા ડરે. એવા ઊંચા ઊંચા વૃક્ષો પર જરાય ડર્યા વગર ચડી જાય અને ફળો લઈ આવી બધાને આપે.

    ફરી વર્તમાન તરફ ફ્લેશ બેક…

    જ્યારે તેના ખેતરો માટે પાણીનો પ્રશ્ન સર્જાયો ત્યારે તેના નીડર અને બહાદુરીના સ્વભાવે વિચાર્યું કે જો કૂવો ખોદીને પાતાળમાંથી પાણી કાઢવામાં આવે તો તેના ખેતરોના પાકને પાણી મળી જાય.

    બીજે દિવસે સવારે મજૂરી કરીને આવીને ગૌરીએ નક્કી કર્યું કે તેના ઘર અને ખેતર વચ્ચે જાતે પાતાળ કૂવો ખોદવો. અને તે સાદા ઘરમાં પડેલા ઓજારો ત્રીકમ, પાવડો અને તગારું લઈને ઉપડી. જમીનની જગ્યા જોઈ તેણે કૂવો ખોદવાનું કર્યું. ના કોઈ ભૂસ્તર શાસ્ત્રીની મદદ લઇ જમીનનું બંધારણ જાણવાનો પ્રયત્ન કર્યો કે ના કોઈ બ્રાહ્મણને પૂછી મૂર્હત જોવડાવ્યું.

    બસ જગ્યા નક્કી કરી પોતાના ઘરેલુ ઓજારોથી ખોદકામ શરૂ કર્યું. ગૌરી દિવસના ૬ કલાક સતત કામ કરતી. સવારે આંગણવાડીમાં જતી દિવસ દરમ્યાન કૂવાનું ખોદકામ અને સાંજે છૂટક મજૂરી.

    ઘરેલુ ઓજારો વડે ગૌરી ખોદકામ કરતી માટી નીકળે તે યોગ્ય જગ્યાએ ઢગલો કરતી. ગૌરી નાયકે ના કોઈ માણસ ના કોઈ અદ્યતન સાધન કે ના કોઈ સરકારી લાભનો સપોર્ટ લીધા વગર એકલે હાથે કૂવો ખોદવા માંડયો.

    ગૌરી નાયકને ઘણી સામાજીક અને સરકારી મુશ્કેલીઓ નડી. શરૂઆતમાં અચરજથી ગામ લોકો જોતા. પછી ગૌરીને પાગલ છે તેમ કહી મશ્કરી કરતા, કોઈ કાંકરી ચાળો પણ કરતા પરંતુ ગૌરીએ તે તરફ ધ્યાન ન આપ્યું.

    વચ્ચે સરકારી ઓફિસરો કામથી નીકળ્યા ત્યારે પરમિશન લીધા વગર ખોદકામ કેમ કરે છે તેવા પ્રશ્નો ઉભા કર્યા અને કૂવાનું ખોદકામ અટકાવી દીધું. પરંતુ સમજાવટથી ગૌરીએ પાછું ખોદકામ શરૂ કર્યું.

    શારીરિક રીતે પણ જેમ જેમ ખોદકામ ઊડું થતું જાય તેમ તેમ માટી ઉપર લાવવી તે ખૂબ મહેનતનું કામ હતું પરંતુ તે પણ જરાય ધીરજ ગુમાવ્યા વગર કે થાક્યા વગર ગૌરીએ કર્યું.

    અને…અને… ૬ મહિનાની કાળી મહેનતે ગૌરીએ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખોદ્યો અને પાતાળમાંથી પાણીનો સ્વચ્છ ઝરો ફૂટયો અને કૂવો પાણીથી ભરાઈ ગયો.

    આમ આધુનિક કળયુગની લેડી ભાગીરથે પાતાળમાંથી પાણી કાઢ્યું અને પાઇપ વાટે તેના ખેતરના પાકો એરીકા પામ, કેળના વૃક્ષો ને સોપારીના વૃક્ષોને આપ્યું અને ગૌરી નાયકના ખેતરો હરિયાળા બની ગયા અને તેમનો તેમજ આસપાસના લોકોનો પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો.

    આ પછી ગૌરી જે આંગણવાડીમાં કામ કરતી હતી ત્યાં પાણી બાળકો માટે દૂર લેવા જવું પડતું આથી ઘણીવાર બાળકોને વધારે વરસાદ તાપ ને ઠંડીમાં પાણી વગર તરસ્યા બેસી રહેવું પડતું.

    ઓછું ભણેલી ગૌરી નાયક પાણીનું મહત્વ જાણતી હતી, આથી તેણીએ ૭૫ ફૂટ ઊંડો કૂવો બાળકો માટે ખોદ્યો અને બાળકોને પાણી મળવા લાગ્યું.

    બે બે પાણીના કૂવા જાતે ખોદવાની હિંમત કરનાર ગૌરી નાયકની વાત એટલું જ કહી જાય છે કે ‘મુશ્કેલીને પણ અવસરમાં ફેરવી શકે તે મહિલાની નારાયણી શક્તિ’ સેલયુટ ટુ ગૌરી નાયકા સો સો બહાદુરીને સલામ

  • પવનપાતળો કાગળ લઈને નભમાં ઊડે અગાશીજી

    ૧૪મી જાન્યુઆરી એટલે ઉતરાયણઃ
    કવિ શ્રી ભગવતીકુમાર શર્માની એક કવિતાઃ
     

    પવનપાતળો કાગળ લઈને નભમાં ઊડે અગાશીજી;
    વાંસ-સળીનો કિત્તો લઈને લખતી ગઝલ ઉદાસીજી!

    પવન સૂસવે ઘડીક સામટો, ઘડીક ખાતો ખત્તાજી;
    શ્વાસ હાવરા-પુલશા થઈને સાચવતા કલકત્તાજી !
    ઠાગાઠૈયા, ઠુમકા, ઝૂમખાં હુંકારે અવિનાશીજી…

    કાગળ પર રેશમના દોરે કન્યા બાંધે કન્નાજી;
    પવન ટપાલી થઈ પહોંચાડે કાગળ એ જ તમન્નાજી!
    કંઈ ગગનમાં તરે માછલી, એકલ મીન પિયાસીજી…

    વિના અમાસે સૂર્ય ઘેરતા રાહુ બની પતંગાજી;
    ધોળે દા’ડે નભમાં આલે અંધકારના દંગાજી!
    આ જ ધરાનું પાણીપત ને આ જ ગગનનું પ્લાસીજી!

    ભગવતીકુમાર શર્મા

  • ઇશ્વરના ઇ મેઇલ.. – ૨૦

    કાગળિયા લખી લખી થાકયા

    નીલમ  હરીશ દોશી

    કે કાગળ હરિ લખે તો બને,
    અવર લખે તે એકે અક્ષર નથી ઉકલતા મને..

    રમેશ પારેખ

    પ્રિય દોસ્ત,

    હમણાં મને યે  રોજ રોજ તને કાગળિયા લખવાની એટલે કે ઇ મેઇલ કરવાની આદત પડી પડી ગઇ છે. હવે તો કાગળ લખવો એટલે ઇ મેઇલ કરવો એવો જ અર્થ કરાય છે ને ? દોસ્ત, મને પણ ધીમે ધીમે તારી ભાષા આવડી ગઇ છે ને ?

    દોસ્ત, હમણાં તારે રોજ કોઇ ને કોઇ પ્રશ્નો ઉભા થતા જ રહે છે. એવું તને લાગે છે, એક પ્રશ્ન પૂરો થાય અને જયાં માડ હાશ કરાય ત્યાં તો બીજી કોઇ સમસ્યા ગમે ત્યાંથી સામે આવી જાય છે.એવું તને લાગે છે.અને તું કદીક નિરાશ બની જાય છે.

    પણ દોસ્ત, એમ થાકીને, હારીને નિરાશ બનીને બેસી રહેવું તાને શોભે નહીં. જીવન છે. મુશ્કેલીઓની આવનજાવન તો ચાલતી જ રહેવાની ને ?

    જીવનનાવ હાલકડોલક થતી હોય ત્યારે હલેસા મારવાનું છોડી ન દેવાનું હોય. બલ્કે ત્યારે તો બમણા જોશથી હલેસા મારવાના હોય. અને હલેસા મારવાનું ચાલુ રહેશે તો કિનારો ગમે તેટલો દૂર હોય પણ એ આવવાનો જ. મંઝિલે પહોંચાશે જ.પણ નિરાશ બનીને હલેસા છોડી દેશો તો કિનારાની આશા જ નહીં રહે અને મધદરિયામાં ફસાઇ જશો. દોસ્ત, જીવન એક યાત્રા છે. યાત્રામાં આગળ વધતા રહેવાનું હોય, થાક લાગે ત્યારે ઘડી બે ઘડી વિસામો ખાઇ આગળ ચાલતા રહેવું એ જ તારું એક માત્ર કર્તવ્ય. માર્ગના વિઘ્નોની પરવા કર્યા સિવાય, તેમનો સામનો કરી, એ વિઘ્નો પાર કરતા જઇને આગળ વધીશ તો કોઇ મુકામે તને આવકારવા હું તત્પર  રહીશ જ.

    તું તને ગમે તે માગવાને બદલે મારા પર એટલો વિશ્વાસ રાખીને એમ ન કહી શકે કે

    હે ભગવાન, મારા માટે શું શ્રેષ્ઠ છે તે તમે જાણો છો, તમને ગમે એમ જ થાઓ, તમે જયારે, જેટલું આપશો એ મને મંજૂર છે. નરસિંહ, મીરા જેવા અનેકે એ રાહ તને બતાવ્યો જ છે ને ? દોસ્ત, મને તું અંતર્યામી કહે છે પણ દિલથી જો એ માનતો હોય તો પછી તારે કશું કહેવાની જરૂર જ કયાં રહી ? મને જાણ છે જ કે તને કયારે શું આપવાનું છે ? દુખ કે સુખ જે આપું એનો તું સ્વીકાર ન કરી શકે ? દુખ કે પીડા આપવા પાછળ પણ કોઇ કારણ હશે જ..એમ માનીને એવા સમયે પણ થોડું ધૈર્ય જાળવી ન શકે ? તને વધારે દુખ આપ્યું છે એવું લાગે ત્યારે એમ ન સ્વીકારી શકે કે મને તારું ગજું અન્ય કરતા મોટું લાગ્યું છે.અન્ય કરતા તું વધારે ખમતીધર લાગ્યો છે. અને તો એ તારા માટે ગૌરવની વાત ન કહેવાય ?

    લિ. ઇશ્વરની સ્નેહયાદ


    પ્રાર્થના એટલે હળવાશ સાથે મોરપીંછ જેવી સુંવાળપ ધરાવે તેવી દિલની આરત.

    જીવનનો હકાર

    પોતાની પાસે કશાકનો ઉત્તર છે તેથી પંખી નથી ગાતું, તે તો તેની અંદર ગીત છે માટે ગાય છે.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • કુદરતની કેડીએ – કેડી કંડારનારા – ૧૩ (૧)

    કુદરતની કેડીએ વિશાળ પક્ષનું નિર્માણ કરનારા : ચાર્લ્સ ડાર્વિન (૧)

    લેખન-સંકલન : યાત્રી બક્ષી

    ૧૮૦૧ થી ૧૮૯૯ સુધીમાં માત્ર વિકિપીડિયાને વાંચીએ તો ૪૫ પ્રખર વિજ્ઞાનીઓ મળે છે અને પ્રત્યેક શાખામાં સંખ્યાબંધ શોધો અને પ્રયોગો મળે છે, જેમના પ્રવાસો, શોધો, ચિંતનોના કારણે પૃથ્વી પર માત્ર માનવ જીવન જ નહિ જૈવિક, પ્રાકૃતિક, ભૌગોલોક, સામાજિક, તબીબી, રાજકીય તમામ ક્ષેત્રને પ્રભાવિત કરતા બદલાવોને ગતિ મળી છે અને આ એ સમયગાળો પણ છે જયારે વિશ્વમાં ધર્મ પ્રતિપાદિત રૂઢિઓ અને કુરિવાજોના અંધકારની સામે માનવીને ઉન્નત જીવન માટે વૈચારિક પ્રગતિ માટે પ્રકાશ પથરાવો પણ શરૂ થયો.

    આપણે જોયું કે યુરોપ માલિકીભાવથી કેન્દ્રિત ભૌતિકવાદ સંતોષવા વૈશ્ર્વિક સંસાધનોનું શોષણ કરતુ હતું ત્યારે વૈચારિક, સામાજિક, શૈક્ષણિક ક્રાંતિ વચ્ચે પશ્ર્ચિમી ગોળાર્ધમાં વયક્તિક સ્તરે એ ભૌતિકવાદ માટે જાણે એક નવું વિશ્ર્વ જન્મી રહ્યું હતું અને એ સમયે પણ જાગૃત ચેતનાઓ, ચેતવણીના સુર ઉચ્ચારી રહ્યા હતા. મૂર્તિ કે મંદિરો, ચર્ચ કે મસ્જિદોમાં રહેલા ઈશ્ર્વરથી વધુ પ્રબળ કુદરતની સુચારુ વ્યવસ્થા છે, જે જીવન પોષી રહી છે એ હકીકતની વૈચારિક સ્તરે અને વૈજ્ઞાનિક સ્તરે સાબિતીઓ આ સમયમાં જ સ્થાપિત થઈ રહી હતી.

    પૃથ્વી પર જીવનના અસ્તિત્વ, વિકાસ અને નૈસર્ગિક વ્યવસ્થા વિશેના પદ્ધતિસરના તર્કબદ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓનો સૌથી મહત્ત્વનો ઘટસ્ફોટ કરનારા વિજ્ઞાની એટલે ચાર્લ્સ ડાર્વિન. કુદરતના વિશાળ પથવ્યવસ્થાપનની જે કંઈ કેડીઓ કંડારાઈ ચૂકી હતી તેમાં નિર્વિવાદિતા સ્થાપનાર પ્રવાસી એટલે ચાર્લ્સ ડાર્વિન.

    શૈશવ અને શિક્ષણ

    ચાર્લ્સ ડાર્વિનનો જન્મ ફેબ્રુઆરી ૧૮૦૯ માં શ્રોપશાયરના શ્રુસબરીમાં થયેલો. ડાર્વિનના દાદા, ઈરાસ્મસ ડાર્વિન, ફ્રેન્ચ ક્રાંતિ પહેલાં એક સ્વતંત્ર વિચારસરણીના ચિકિત્સક, કવિ અને ઝૂનોમિયા અથવા ‘કાર્બનિક જીવનના નિયમો’ના લેખક હતા; ડાર્વિન જ્યારે આઠ વર્ષના હતા ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. ત્રણ મોટી બહેનોની સંભાળ હેઠળ ડાર્વિન એમના દમદાર તબીબ પિતાની ધાકમાં ઊછરી રહ્યા હતા. પરંતુ એ તબીબીવિજ્ઞાન માત્ર શારીરિક વાસ્તવિકતાઓ જ શીખવી રહી હતી. એ સમયે માનવના મનોવિજ્ઞાનની પણ જાણકારી મળતી હતી પરંતુ એ સિવાયની વિજ્ઞાનશાખાઓને માનવજીવન માટે ઊતરતી કક્ષાની મનાતી. ડાર્વિનને ચર્ચના તાબા હેઠળનું રૂઢિચુસ્ત શિક્ષણ અકળાવતું હતું. ડાર્વિનના રસાયણ વિજ્ઞાનમાં વધતા રસ વિશે હેડમાસ્તરનો ઠપકો મળતો રહેતો એટલું જ નહિ સહપાઠીઓ પણ તેને ‘ગેસ’ ના નામથી ચીડવતા.

    ડાર્વિનની એવી છાપ ઊભી થયેલી કે તેઓ એડિનબર્ગમાં બે વર્ષ દરમિયાન ખાસ કંઈ શીખ્યા નહોતા. હકીકતમાં,આ તેમના વ્યક્તિત્વ વિકાસનો મહત્ત્વનો ગાળો હતો. બ્રિટિશ યુનિવર્સિટી કરતાં વધુ સારું વિજ્ઞાનનું શિક્ષણ બીજે ક્યાંય ઉપલબ્ધ નહોતું. અહીં તેઓને છોડનું વર્ગીકરણ કેવી રીતે કરવું તે સમજવાનું શીખવવામાં આવ્યું હતું. એડિનબર્ગ મ્યુઝિયમમાં તેમને મુક્ત કરાયેલા એક દક્ષિણ અમેરિકન ગુલામ જ્હોન એડમોન્સ્ટોન દ્વારા પક્ષીઓને ‘સ્ટફ’ કરવાનું અને ખડકના સ્તર અને વસાહતી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને ઓળખવાનું શીખવવામાં આવ્યું હતું. યુવા ડાર્વિન એડિનબર્ગના સમૃદ્ધ બૌદ્ધિક વાતાવરણમાં ઘણું શીખતા, પરંતુ ધ્યેય વિનાના પ્રકૃતિવાદી માટે ચર્ચ સાથે તાલમેલ ધરાવતું શિક્ષણ જ યોગ્ય રહેશે એમ વિચારી તેમના ચતુર વિચારશીલ પિતા, ડાર્વિનને ૧૮૨૮ માં કેમ્બ્રિજ મોકલે છે. ડાર્વિનનું અહીં એક પરંપરાગત વ્યક્તિત્વ વિકસે છે. અહીં તેને એક યુવાન પ્રોફેસર દ્વારા વનસ્પતિશાસ્ત્રની રૂઢિચુસ્ત બાજુ બતાવવામાં આવી. એ પણ શીખવવામાં આવ્યું કે જગતના તમામ સર્જનની સત્તા એક ઈશ્ર્વર પાસે છે જે તેની રચના ધરાવે છે. આ માન્યતા સાથે રેવરેન્ડ આદમ સેડગવિક, ડાર્વિનને ૧૮૩૧માં ભૌગોલિક ક્ષેત્રની સફર પર વેલ્સ લઈ ગયા.

    ડાર્વિન માટે જાણે કુદરત રાહ જોઈ રહી હતી, એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ- ના પ્રવાસવર્ણનોથી ઉત્તેજિત ડાર્વિનને એક તક મળે છે અને તેઓ દરિયાઈ પ્રવાસમાં ઝંપલાવે છે.

    પ્રકૃતિની પરિયોજના – ‘એચએમએસ બીગલ’માં ડાર્વિનની સાહસિક સફર

    એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટના દસ્તાવેજ, દક્ષિણ અમેરિકાના જંગલોની વાસ્તવિકતાથી પ્રભાવિત, ૨૧ વર્ષના ઉત્તેજિત ચાર્લ્સ ડાર્વિન હેન્સલોવેના એક વાર સફર ખેડી ચૂકેલા જહાજ, એચએમએસ બીગલની બીજી સફરની ટુકડી સાથે જોડાઈ, દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડે, ટિએરા ડેલ ફ્યુગોની સફરના સૂચનને તરત સ્વીકારી લીધું. ડાર્વિનને શિખાઉ પ્રકૃતિવાદી તરીકે નહીં પરંતુ ૨૬ વર્ષીય કેપ્ટન, રોબર્ટ ફિટ્ઝરોયની એકલતા દૂર કરવા એક સજ્જન સાથી તરીકે સફર કરવાની પરવાનગી મળેલી. ફિટ્ઝરોયે એક શાહી-ઇવેન્જેલિકલ સફરનું આયોજન કરેલું, જેમાં બ્રિટિશ વેપારને સરળ બનાવવા માટે દરિયાકાંઠાના પેટાગોનિયાનું સર્વેક્ષણ કરવાની યોજના હતી. ડાર્વિને પોતાની જાતને શસ્ત્રો, પુસ્તકોથી સજ્જ કરી. કેપ્ટન ફિટ્ઝરોયે તેને ચાર્લ્સ લાયેલ દ્વારા લિખિત પ્રિન્સિપલ ઓફ જીઓલોજીનો પહેલો ગ્રંથ આપ્યો અને લંડન ઝૂના નિષ્ણાતો પાસેથી શબને સાચવવા માટેની તાલીમ આપી. બીગલ પ્રવાસી ટુકડી ઈંગ્લેન્ડથી ૨૭ ડિસેમ્બર, ૧૮૩૧ના રોજ જહાજમાં નીકળી.

    એચએમએસ બીગલ એ પ્રવાસી ટુકડીઓના જથ્થાની અને જહાજની ઓળખ છે. ૧૦ થી ૧૮ ગન ધરાવતા રોયલ નેવીના યુદ્ધ જહાજોની શ્રેણીમાં બે જહાજોની આ ટુકડી હતી, જે સર્વેક્ષણ માટે મોકલાતી અને તેમાં સર્વે કરનારા નિષ્ણાતો, કર્મીઓ, ગુલામો અને ખલાસીઓની બનેલી ટુકડીઓ પ્રવાસે નીકળતી. એચએમએસ બીગલ એક વાર ૧૮૨૬ થી ૧૮૩૦ સફર ખેડી ચૂક્યું હતું. ત્યારબાદ સમારકામ અને નવી ટુકડી અને નવા કપ્તાન સાથે બીજી વાર ૧૮૩૧માં નીકળે છે અને ત્રીજી સફર ૧૮૩૭ માં આદરે છે. બીગલની બીજી સફર દુનિયાને નવી દૃષ્ટિ અને અને પોતાને માનવઇતિહાસ અને વિજ્ઞાનના ઇતિહાસમાં અમરત્વ અપાવે છે.

    પ્રારંભમાં ૧૮ મહિના કે મહત્તમ બે વર્ષ માટે માટે આયોજિત દરિયાઈ સફરના સ્થાને ડાર્વિને ડિસેમ્બર ૧૮૩૧થી ઓક્ટોબર ૧૮૩૬ સુધી- કુલ પાંચ વર્ષ સફર ખેડી. ખાસ કરીને, તેમણે દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠે આવેલા ગાલાપાગોસ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા સહિત પેસિફિકના વિવિધ ટાપુઓની મુલાકાત લીધી હતી. એચએમએસ બીગલ પર સવાર, ચાર્લ્સ ડાર્વિને સહીત ૧૪ જુદા જુદા દેશોની મુલાકાત લીધી.

    આ પ્રવાસોએ ડાર્વિનને આ પ્રદેશોની અનન્ય વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનો અભ્યાસ કરવાની અને કુદરતી પસંદગી દ્વારા ઉત્ક્રાંતિના તેમના સિદ્ધાંતને વિકસાવવાની તક આપી. જોકે ડાર્વિને એશિયાના ભારત દેશ સહિત દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના ત્રણ વિશાળ ભૂમિગત પ્રાંતો પ્રદેશો ની મુલાકાત લીધી નહોતી. તેઓને ગાલાપાગોસ ટાપુઓની મુલાકાત માં મળેલા અકલ્પ્ય જૈવવૈવિધ્યનાં અવલોકનોએ જ ઉત્ક્રાંતિ વિશેના ચિંતન માટે ખૂબ પ્રભાવિત કર્યા હતા. ત્યારબાદ તેઓએ અન્ય ખંડોની મુલાકાત દરમ્યાન શોધખોળ કરી ન હતી.

    વિશ્ર્વની પરિક્રમા દરમ્યાન ૨૨ વર્ષના ડાર્વિનનું ઘડતર થયું હશે. બ્રાઝિલનાં જંગલો અને એન્ડીઝ પર્વતમાળામાં વિશાળ ખુલ્લી તકોથી ભરપૂર, વહાણની દીવાલો વચ્ચે પાંચ વર્ષની શારીરિક કષ્ટ અને માનસિક કઠોરતા, ડાર્વિનને નવી ગંભીરતા આપવાનાં હતાં. જુવાન ડાર્વિન જિંદગી અને પશ્ર્ચિમી વૈજ્ઞાનિક વિચારસરણીને ધરમૂળથી બદલવાની હતી. પોતે જે દુનિયા જોઈ સમજી હતી તેનાથી તદ્દન નવી અજાણ દુનિયા, તેનાં અનમોલ સ્વરૂપો ખજાનાઓ અને વ્યવસ્થાઓને ડાર્વિનને સાક્ષાત્કાર થવાનો હતો. ડાર્વિન વિશે વાંચતાં લખતાં સમજતાં મને પણ એવો જ અનુભવ થયો કારણ કે તેઓનાં સંગ્રહો, અવલોકનો, પત્રો, પ્રકાશનો, નોંધો અને થિયોરી ને સંકલિત કરવામાટે પણ એક પુસ્તક લખવું પડે તેવો પડકાર સામે ખડો થયો છે. ડાર્વિનના કાર્ય અને તેના યોગદાનને સર્વપ્રથમ તો સમજવું જ ખાસ્સો અભ્યાસ માંગી લે તેમ છે. ઇન્ટરનેટ ઉપરની લાયબ્રેરી કે કોઈ પુસ્તકાલય એક સંકલિત પરિચય પૂરા પાડી શકતા નથી, માત્ર ઝલક જ મળે છે કારણ કે એ કદાચ સંભવ જ નથી. આથી જ મેં પણ તેઓ દ્વારા જગતને આપવામાં આવેલા મૂળભૂત સિદ્ધાંતો અને વ્યાખ્યાઓના આધારે જ તેમના કાર્યને આગામી ભાગમાં રજૂ કરવા પ્રયાસ કર્યો છે.


    યાત્રી બક્ષી : ઈમેલ: paryavaran.santrigmail.com


    સંદર્ભ- ઈન્ટરનેટ ઉપર ઉપલ્બધ માહિતીઓ, સંશોધન લેખો અને સંગ્રહસ્થાનો

     

     

  • ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ : ઓલીઓગ્રાફ પર આધારીત ચિત્રો

    બીરેન કોઠારી

    એક સમય હતો કે ઓલીઓગ્રાફ તરીકે ઓળખાતાં ‘પોસ્ટર’ લોકોનાં ઘરમાં ફ્રેમ કરાયેલાં જોવા મળતાં. આ ઓલીઓગ્રાફમાં મોટે ભાગે દેશનેતાઓ, સ્વાતંત્ર્યવીરો યા દેવીદેવતાનાં ચિત્રો રહેતાં. મારા મોસાળના ઘરમાં, ઉપરના માળે જવાહરલાલ નહેરુનો ફોટો ફ્રેમમાં લગાવેલો હતો, અને એ એક રિવાજ તરીકે. મને યાદ નથી કે મારા નાના કે મામાઓને નહેરુ કે કોંગ્રેસ સાથે કશી લેવાદેવા હોય. ઓલીઓગ્રાફની એક ચોક્કસ શૈલી રહેતી. તેમાં વચ્ચોવચ્ચ જે તે મહાન વ્યક્તિની જાણીતી મુદ્રાની તસવીર રહેતી. એ મુખ્ય મુદ્રાની આસપાસ તેમના જીવનના જાણીતા પ્રસંગોની ઝલક અપાયેલી રહેતી. અહીં મૂકાયેલો નહેરુનો ઓલીઓગ્રાફ જોવાથી આ બાબત સ્પષ્ટપણે સમજી શકાશે. બીજો ઓલીઓગ્રાફ ગાંધીજીનો છે, જેમાં તેમનું ‘સ્વર્ગારોહણ’ બતાવ્યું છે. આ રીતે ગાંધીજી, બાબાસાહેબ આંબેડકર સહિત ઘણા નેતાઓના ઓલીઓગ્રાફ સાવ સસ્તામાં, સામાન્ય માણસને પરવડે એવી કિંમતે મળતા.

    (જવાહરલાલ નહેરુનો ઓલિઓગ્રાફ)
    (ગાંધીજીનો ઓલીઓગ્રાફ)

    ચિત્રકાર ભૂપેન ખખ્ખરે પોતાની શૈલીઓમાંની એક જે વિકસાવી તે આવા ઓલીઓગ્રાફ પરથી પ્રેરિત હતી. પણ તેમના વિષયનું કેન્દ્ર કોઈ મહાન વ્યક્તિ નહીં, બલ્કે સાવ સામાન્ય, કોઈ ચહેરા કે ઓળખ વિનાનો માણસ હતો.

    અહીં ભૂપેને ચીતરેલાં બે ચિત્રો મૂક્યાં છે. એમાંના એકનું શિર્ષક છે ‘Man with bouquet of plastic flowers’. સાવ સસ્તો, નાયલોન જેવા કાપડનો શર્ટ પહેરેલો એક માણસ હાથમાં પ્લાસ્ટિકનાં ફૂલોનો બુકે લઈને ઊભેલો છે. ફૂલ ખીલેલાં છે, કેમ કે, પ્લાસ્ટિકનાં હોવાને કારણે એ કરમાવાનાં નથી. શર્ટ અને બુકે આ માણસનું જીવનસ્તર બતાવે છે. એને મન કળાની વિભાવના એટલી જ કે ફૂલો એવાં હોવાં જોઈએ કે જે સદાય તાજાં રહે, અને રોજ તાજાં ફૂલ ખરીદવાનું એને પોસાય એમ નથી. આથી તે દૃઢપણે માને છે કે પ્લાસ્ટિકનાં ફૂલો જ વપરાય. આવું ચિત્રમાં ક્યાં બતાવ્યું છે? ખરું. એવું નથી બતાવ્યું, પણ આ માણસની ફરતે તેના રોજિંદા જીવનની ઘટમાળ ચીતરવામાં આવી છે, જેમ નહેરુના ઓલીઓગ્રાફમાં તેમના જીવનની મહત્ત્વની ઘટનાઓ દર્શાવાઈ છે એમ જ. આ ઘટમાળ જોઈને આપણને એ આપણા જેવો જ, બલ્કે આપણાથી પણ ઊતરતા જીવનધોરણવાળો માણસ લાગી શકે. ખુરશીમાં બેઠે બેઠે ઝોકું મારવું પણ તેના જીવનક્રમનો હિસ્સો છે. તેના ચહેરાનો લગભગ ત્રીજો ભાગ છાયામાં છે, જે કદાચ બતાવે છે કે એની કોઈ ખાસ ઓળખ નથી. આ ચિત્ર ભૂપેને 1976માં ઑઈલ રંગોમાં ચીતરેલું.

    (Man with bouquet of plastic flowers)

    આ શૈલીના બીજા ચિત્રનું શિર્ષક છે ‘Man in pub’. 1979માં પોતાના ઈન્ગ્લેન્ડનિવાસ દરમિયાન તેમણે આ ચિત્ર બનાવેલું. ઈન્ગ્લેન્ડની કાતિલ ઠંડી ત્યાંના જીવનને થીજાવી દે છે. એક સામાન્ય માણસ આખો દિવસ કામ કરે, અને સાંજે પબમાં જઈને એકલો એકલો પીણું પીએ. બસ, આ જ તેના જીવનનો રસ. તેના જીવનની આ ઘટમાળ ચિત્રમાં બતાવેલી છે. આ ચિત્રમાં પબમાં બેઠેલા માણસની એકલતા અને જીવનની નીરસતા ઘેરી બતાવવાનો પ્રયત્ન છે. માણસના હાથમાં પકડેલાં હાથમોજાં કદાચ તેની ઠરી ગયેલી કામેચ્છા દર્શાવે છે.

    (Man in pub)

    આ ચિત્રોને વિગતવાર જોવા માટે તેને મેગ્નીફાય કરવા. કદાચ અહીં મૂકેલી ઈમેજ બરાબર ન હોય તો આ શિર્ષક અને ‘ભૂપેન ખખ્ખર’ લખીને ગૂગલમાંથી વધુ સારી ઈમેજ મેળવીને જોવી.


    (ચિત્રો નેટ પરથી)


    [ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી  સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)