વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

 • જૂનું ઘણું ખાલી કરતાં…

  દેવિકા ધ્રુવ

  ખૂબ ચકડોળે ચડેલા સમયની વચ્ચે કંઈ કેટલાય વિચારો અને અનુભવોની આવનજાવન ચાલી. આ સમયરેખાને સ્થળ સાથે જોડવાથી એક સંપૂર્ણ ચિત્ર તમામ દૄશ્યોની સાથે તૈયાર થઈ નજર સામે ઊભું થાય છે.

  કેટલાં મકાનો બદલાયાં! કેટલી વખત સુસજ્જ માળાઓ સજાવ્યા અને સંકેલ્યા! જૂનું ઘણું ખાલી કર્યું. વિશ્વના મંચનો મહાન દિગદર્શક ક્યારે, શું કરાવે છે? કંઈ ખબર પડે છે!!!

  ત્રીસીની શરૂઆતમાં વિદેશગમન અને ન્યૂયોર્ક-ન્યૂજર્સીમાં ૩+૨૧ વર્ષ પસાર થઈ ગયાં.

  વળી પાછાં ૧૮ વર્ષ હ્યુસ્ટનના ‘સિએના પ્લાન્ટેશન’ વિસ્તારના ‘પોએટ કોર્નર’માં ગાળ્યાં. સાચા અર્થમાં ત્યાં જ વધુ સાહિત્યિક કામ (૧૧ પુસ્તકો) થયું. પોઍટ કોર્નર હતો ને?!!

  અને… હવે આ લગભગ પોણી સદીની પાળે, વળી પાછાં Fulshear (હ્યુસ્ટનની દક્ષિણ દિશાનો વિસ્તાર)ના, એક નાનકડા તળાવને કાંઠે, તદ્દન નવાં મકાનમાં મુકામ.

  પાછું વળી જોતાં થાય છે કે ઓહોહોહો કેટલું બધું ચાલ્યાં?!!!!….અત્યાર સુધી જુદે જુદે રસ્તે ફંટાતો, સરળ-કઠણ લાગતો રસ્તો હવે એક શાંતિભર્યા રહેઠાણ પર આવીને ઊભો.. વળી એક ઑર નવો અને જુદો અનુભવ.  એક નવી સવાર…

  વિસ્મયોનો કિલ્લો અને અનુભવોનો બિલ્લો એટલે જ જિંદગી. માનવ માત્રને પ્રત્યેક નવે તબક્કે અજબનાં આશ્ચર્યો અને ગજબના પડકારો મળતા રહે છે. અંધાર-ઉજાસના આ ખેલને શું કહેવાય? હારજીત તો આમાં છે જ નહિ. બસ, એક વર્તુળાકાર ગતિ છે, ચક્ડોળ છે અને તે પણ સતત છે. સમય નામ તો માણસે આપ્યું. બાકી નિયતિનો આ ક્રમ તો કુદરતમાં પણ છે જ, છે.

  આ બધાંની વચ્ચે આમ જોઈએ તો સંવેદનાએ પડકારો ઝીલ્યા છે. અતિશય નાજુક એવું આ ભીતરનું તંત્ર કેટકેટલી વાર અને કેવી કેવી રીતે ખળભળ્યું હશે! ક્યારેક સવાલો ઊઠે છે કે વિરાટના હિંડોળે ઝુલીને કે ઝીલીને, આ કોમલ સંવેદનાઓ ધારદાર બને છે કે પછી બુઠ્ઠી થઈ જાય છે?  એક સ્થાયી ભાવની જેમ નિર્લેપ અને સ્થિર થતી હશે? ઘણી મિશ્ર લાગણીઓ વચ્ચે અંદર કંઈક આવું સળવળે છે.

  ગઝલઃ 

  જૂનું ઘણું ખાલી કરતાં…

  જે ગયા હતા, મધુરા હતા, જે મળ્યા તે સારા પડાવ છે…
  છે વિરક્તિ ને જરી હાશ પણ હૃદયે જુદો જ લગાવ છે..      

  ન કશો હવે કંઈ રંજ છે, કે નથી કશોયે અજંપ કંઈ.
  અહીં તો સવાઈ નિરાંત છે, સખે જો આ શાંત ઠરાવ છે.

  અહીં નીકળ્યાં ભ્રમણે હતાં, ને હવે સફર તો સફળ થઈ.
  જે લકીર હાથ મહીં હતી, તેનો તો જવાનો સ્વભાવ છે.

  જે મળી સુગંધ ભરી કરે, તે કલમ થકી જ વહી રહી
  પમરાટ હો, દિનરાત હો, ન હવે જરાય તણાવ છે.     

  સરે શ્વાસના અણુએ અણુ, અને રોમરોમમાં નામ એ
  પછી તો સદાનો વિરામ છે, કહો ક્યાં કશોય અભાવ છે!!   


  સુશ્રી દેવિકાબેન ઘ્રુવનાં સંપર્ક સૂત્રો
  ઇ-મેલ ddhruva1948@yahoo.com

 • આલાં

  વાર્તાઃ અલકમલકની

  ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

  દુબઈ જતું પ્લેન ટેક ઓફ કરી ચૂક્યું હતું. શહેર પાછળ છૂટતું જતું હતું અને મન પણ. ઘણાં લાંબા સમય પછી અમ્મીને મળવાના સંયોગ ઊભા થયા હતા. જ્યારે જવાનું થાય ત્યારે અમ્મી તો રોકાઈ જ જવાનો આગ્રહ કરતી. આ વખતે અબ્બાની વરસીના નામે છેવટે રોકી જ લીધો.

  ધીમે ધીમે દૂર થતાં જતાં શહેરના મકાનોની લાઇટો નાની, વધુ ને વધુ નાની થતી જતી હતી. પ્લેનમાં એર હૉસ્ટેસ એના સ્મિત મઢ્યા ચહેરા સાથે યુ.ડી.કૉલનના ટિસ્યૂ આપી ગઈ. ચહેરો તો સાફ કર્યો પણ એનાથી મનમાં છવાયેલી ઉદાસી સાફ ન થઈ. આ ઉદાસી માત્ર અમ્મીને એકલી મૂકીને આવવા માટે હતી? દરેક વખતે અમ્મીને એકલી મૂકીને એ આવતો જ હતો પણ આ વખતે અમ્મીની સાથે આલાંની યાદ પણ કેડો મૂકતી નહોતી.

  આલાં.

  શરારતી આંખો, સહેજ અમસ્તી સાંવલી પણ તીખી સૂરત, કોઈનીય સાડાબારી રાખ્યા વગર, કશું પણ વિચાર્યા વગર મનમાં જે આવે એ બોલી નાખવામાં શૂરી. આલાંને પહેલાં ક્યારેય મળવાનું બન્યું નહોતું અને એટલે જ આલાં પણ મને ઓળખી શકી નહોતી.

  નાનપણમાં આલાંની મા મરી ગઈ અને એક વર્ષ પહેલાં બાપ. હવે આલાં એની જાતે, એની રીતે જીવતા શીખી ગઈ હતી.

  એ અમ્મી સાથે વાતો કરતી રહેતી અને હું એની તસવીર લેતો રહેતો. આ ક્ષણે પણ જાણે મારા હાથમાંની તસવીરોમાંથી એની બોલકી આંખો મારી સાથે વાત કરી રહી હતી. એનું ઘાટીલું દેહાતી બદન, બેસે ત્યારે સહેજ ઊંચે ચઢી ગયેલા પહોળા પાયજામામાંથી દેખાતી એની સુડોળ પીંડીઓ, તસવીરમાં સજીવ થઈને જાણે અજબનું આકર્ષણ ઊભું કરી રહ્યાં હતાં. એ વાતો કરતી ત્યારે મુંડી મરોડીને, ડોકને ઝાટકો આપીને જે રીતે મારી સામે જોતી એ અદા એક તસવીરમાં ઝીલાઈ હતી. મારા હાથમાં પકડેલી તસવીરમાંથી બહાર આવીને એ મારી સાથે વાત કરતી હોય એવું આ ક્ષણે હું અનુભવી રહ્યો.

  “તસવીરોનું શું કરશો? એણે એક દિવસ પૂછ્યું હતું.

  “મારી સાથે લઈ જઈશ.” જવાબ તો મેં આપ્યો પણ તીરછી નજરે જોતા એ બોલી, “એનાં કરતાં મને જ સાથે લઈ જાવ તો?”

  હું એવો અબૂધ હતો કે એ સમયે મને એની વાત સમજાઈ નહોતી. પણ બંને વચ્ચે કદાચ કોઈ આકર્ષણ જન્મી રહ્યું હતું એવું તો હું અને એ બંને સમજી ચૂક્યાં હતાં.  બંનેને નજીક રહેવાના કારણો જોઈતા હતા. એકબીજાના સ્પર્શની ઇચ્છા જાગતી હતી. આલાં એની હેસિયતથી અજાણ નહોતી પણ અમે બંને લાગણીના એક એવા ઉંબરા પર ઊભા હતાં જેને ઓળંગીને એકબીજા સુધી પહોંચવાની, એકબીજાને પામવાની ઇચ્છા જાગ્યા કરતી હતી. દેખીતી રીતે એ ઉંબરો અમે ઓળંગ્યો નહોતો પણ પ્રયત્નપૂર્વક જાતને રોકવા છતાં મનથી એ ઓળંગ્યા વગર પણ ક્યાં રહી શકયાં હતાં?

  આલાં એક સાવ ગરીબ મોચીની છોકરી હતી, આવી ખૂબસૂરતી લઈને એણે ગરીબના ખોરડામાં જન્મ નહોતો લેવા જેવો. ચક્કીમાં પીસાતા આટાની જેમ એની યુવાનીય ગરીબીમાં પીસાતી હશે પણ એનો રંજ ક્યાંય એનામાં દેખાતો નહોતો. એ તો એની મસ્તીમાં રાચતી. મોચીની દીકરી હોવા છતાં એક મોચીકામ છોડીને એને ઘણું બધું આવડતું હતું. આજે એ આટો પીસી આપતી તો કાલે પાણી ભરી આપતી, છત લીંપવાનું, ગાય માટે બારીક ચારો કરવાનું, ગાય દોહવાનું, બધું જ એને આવડતું અને એમાંથી એની રોજી-રોટી કમાઈ લેતી.

  અમ્મી માખણ વલોવતી અને માખણ તારવ્યા પછી નીચે રહી જતી છાશ લેવા આલાં આવતી.. એક ક્ષણ ચૂપ રહે તો એ આલાં નહીં. દરેક સવાલોના એની પાસે એની રીતના જવાબ હતા જે ત્યારે તો મારી સમજમાં નહોતા આજે હવે સમજાય છે ત્યારે હું એનાથી ઘણે દૂર નીકળી ગયો છું.

  એટલામાં એર હૉસ્ટેસ આવીને વાઇનની નાની બૉટલ અને વાઇનનો ગ્લાસ મૂકી ગઈ. પાણી વગર સૂકાતા ગળાને શરબત કે શરાબ ભીનું કરી શકવાના નહોતા એના માટે તો સાવ સાદું પાણી જ ખપે ને? પણ એવી જ એક તરસ સાથે લઈને હું આવ્યો હતો એનું શું?

  અમ્મી કહેતી, આલાંનો મિજાજ તીખા મરચાં જેવો છે, કોઈની હિંમત નહોતી કે એની મરજી વિરુદ્ધ એની પાસે પણ ફરકી શકે. એનો મતલબ એ કે મારું એની નજીક હોવું એની મરજી હતી અને પછી તો અબ્બાની વરસી નિમિત્તે ઘરમાં કેટલીય એવી નાની મોટી ઘટના બનતી ગઈ કે અજાણતાંય અમે બંને એકબીજાની સામે આવી જતાં. અમ્મીની મદદમાં ખડે પગે ઊભી રહેતી આલાંએ મારા મનમાં, મારા વિચારોમાં પણ પગદંડો જમાવા માંડ્યો હતો.

  ઘરમાં અબ્બાની વરસીના લીધે દિવસભર ચાલેલી ચહલપહલ પછી મહેમાનો, કામ કરવાવાળાં સૌને મેં વિદાય આપી આપી હતી પણ આલાં કે એની યાદને હું ક્યાં વિદાય આપી શક્યો હતો? એ સન્નાટાભરી રાતમાં હું એને શોધતો હતો.

  કદાચ અમ્મી પાસે હશે એમ વિચારીને હું અમ્મીના રૂમમાં ગયો. ત્યાંય નહોતી. અમ્મી કહેતી હતી કે આખા દિવસનું કામ પૂરું કર્યા પછી આલાંએ મારા કપડાંની સુટકેસ તૈયાર કરી હતી. બીજી દિવસે નીકળવા માટે ટાંગાની વ્યવસ્થા કરવાનું પણ ભૂલી નહોતી.

  “તો પછી અત્યારે ગઈ ક્યાં?” અમ્મીને મેં પૂછી લીધું.

  મહેમાનોથી માંડીને સૌને મેં રૂખસદની ભેટ આપી પણ એને પૂછવાનું, કહેવાનું ભૂલી ગયો હતો એટલે એ મારાથી એ નારાજ હતી એવું અમ્મીએ કહ્યું સાથે અમ્મીએ એ પણ ઉમેર્યું હતું કે આ વાત આલાંએ હસવામાં કહી હતી પણ એ સમયે એની આંખ ભીની થઈ ગઈ હતી. અમ્મી કહેતી હતી કે જેને હસવાની આદત હોય છે એનું હ્રદય અંદરથી સતત રડતું હોય એ વાતની કોઈને ખબર નથી હોતી, મને પણ ક્યાં ખબર પડી હતી કે આટલી ખુશમિજાજ દેખાતી આલાંના હ્રદયમાં કેવા વલોપાતનું વલોણું ઘૂમતું હશે?

  હું ચાવલની પોટલી લઈને એને આપવા એના ઘેર ગયો. થોડી ખુશ પણ થઈ. ચાવલની પોટલી લઈને એ ઘરમાં દોડી અને વળતી ક્ષણે પાછી આવી. એના હાથમાં એક પેકેટ હતું.

  “આરિફ મિયાં, તમારી બેગમાં આના માટે જગ્યા થશે?” એ કશીક અપેક્ષા સાથે મારી સામે જોઈ રહી હતી.

  પેકેટ ખોલી જોયું તો એમાં મારા માટે આલાંએ જાતે સીવેલો ઝભ્ભો હતો જેની પર એણે ઝીણાં વેલબુટ્ટાનું ભરત કર્યું હતું. આલાંએ સાચે જ દિલથી સરસ કામ કર્યું હતું. આલાં આ પણ કરી શકતી હતી? આલાં કેટલું બધું કરી શકતી હતી?

  “પસંદ આવ્યો?” એની લાગણીઓને કાબૂમાં રાખવાનો વ્યર્થ પ્રયાસ કરતી વખતે એના અવાજનું કંપન મને સ્પર્શતું હતું. ઝભ્ભો મારા માપનો છે કે નહીં એ ચકાસવા એ મારી પાસે આવી, ખૂબ પાસે. એ ક્ષણે એના શ્વાસની ગરમી હું અનુભવી શકતો હતો.

  આલાં ઘરનું કામ, ગમાણનું કામ બધું જ કરી શકતી હતી એ મેં જોયું હતું પણ આવું નાજુક સ્ત્રી સહજ કામ પણ એ કરી શકતી હશે એવી મને કલ્પના નહોતી.

  “તું આ પણ કરી શકે છે આલાં?  કેટકેટલું તું કરી શકે છે?” ઝભ્ભો જોઈને મારાથી પૂછાઈ ગયું.

  એ ઘડીભર ચૂપ થઈ ગઈ પણ એની નજર ક્યાં ચૂપ રહી શકે એમ હતી? એ નજર પણ ઘણું કહી જતી હતી. બંને વચ્ચે વ્યક્ત ન કરી શકાય એવો ભાર હું અનુભવી રહ્યો, કદાચ એ પણ અનુભવતી હશે. થોડી ક્ષણો માટે પણ મૌનની દીવાલ એનાથી ક્યાં સહન થવાની હતી!

  એ હસી પડી. બરાબર અમ્મી કહેતી હતી એવું જ હસી પડી. એ ક્ષણે એના હસવા પાછળનું રૂદન હું સમજી, અનુભવી શક્યો હતો.

  એક ઊંડો શ્વાસ લઈને એ બોલી,

  “હા આરિફ મિયાં, હું બધું જ કરી શકું છું, પ્રેમ પણ…….જે તમે ક્યારેય જોયો જ નહીં.”

  એના ગળામાં ડૂમો બાઝ્યો. એ ક્ષણે એના અવાજમાં રૂદનની છાંટ ભળી. એ તરત મારાથી ઊંધી દિશામાં ફરી ગઈ. કદાચ આજ સુધી કોઈએ ન જોયેલા અને અજાણતાં છલકાઈ આવવાની અણી પરના આંસુ મને પણ નહીં બતાવવા હોય.

  આ ક્ષણે એણે એની આંખમાં સમાવી લીધેલા આંસુ મારી આંખમાંથી છલકાવાની અણી પર હતા. એના ગળામાં બાઝેલો ડૂમો મારા ગળામાં અટક્યો હતો.

  અને હું દૂર, એનાથી ઘણો દૂર જઈ રહ્યો હતો.


  એહમદ નદીમ કાસિમિની વાર્તા ‘આલાં’ પર આધારિત ભાવાનુવાદ.


  સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

 • ફિલ્મ સંગીત વાદ્યવિશેષ : (૫) – કળવાદ્યો : પિયાનો [૧]

  ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

  પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

  પિયાનો એક વિશિષ્ટ વાદ્ય છે. તેને વગાડવા માટે ચાંપોનો ઉપયોગ થતો હોવાથી પ્રાથમિક દૃષ્ટીએ તેનો સમાવેશ ચાંપ/કળવાદ્યોની શ્રેણીમાં કરવો યોગ્ય ગણાય. પણ, તેની આંતરિક રચના એવી છે કે જે તે કળ દબાવવાથી તેની સાથે જોડાયેલા તાર વડે વાદ્યની અંદરની રચનાના ધાતુથી બનાવેલા ઘન નળાકાર પર પ્રહાર થાય છે અને એ રીતે ચોક્કસ સ્વર ઉત્પન્ન થાય છે. આ કારણથી જાણકારો તેને કળવાદ્ય અને તારવાદ્યની ખૂબીઓ ધરાવતા સંકર વાદ્ય તરીકે ઓળખવાનું પસંદ કરે છે. આ વાદ્યની રચના અને તેની કાર્યપધ્ધતિ બન્ને અતિશય સંકિર્ણ છે તેથી આ શ્રેણીમાં તેનો વિશેષ ઉલ્લેખ અસ્થાને છે.

  પિયાનોનું જોનારને પહેલી જ નજરે પ્રભાવિત કરી દે તેવો ભવ્ય દેખાવ ધરાવે છે. આ કારણથી તેને ‘ગ્રાન્ડ પિયાનો’ તરીકે ઓળખવામાં આવે છે. તેના ભવ્ય દેખાવને લીધે દૃશ્ય વધુ સીનેમેટીક બની શકે છે. આથી અસંખ્ય ફિલ્મી ગીતોમાં પિયાનોને ગીતના એક મહત્વના હિસ્સા તરીકે દર્શાવવામાં આવે છે. સમયના વહેણની સાથે સાથે આ વાદ્યની રચંના અને દેખાવમાં નાનામોટા ફેરફારો થતા રહ્યા છે. એક વિશિષ્ટ રચના ધરાવતા પિયાનોની છબી પ્રસ્તુત છે.

  હવે તો મૂળ પિયાનો ભાગ્યે જ જોવા/સાંભળવા મળે છે. ઈલેક્ટ્રોનીક વાદ્ય વડે પિયાનોનો અસલથી ખુબ જ નજીક એવો અવાજ નીપજાવી શકાતો હોવાથી કેટલીયે જગ્યાઓએ તેનો જ ઉપયોગ કરવામાં આવે છે.

  પિયાનો મૂળભૂત રીતે પાશ્ચાત્ય ધૂનો વગાડવા માટેનું વાદ્ય છે. તેના સૂર તૂટક તૂટક વાગતા હોય તેમ લાગે. અલ્બત્ત, તે બન્ને હાથથી વગાડવામાં આવતો હોવાથી તેમાં સૂર સતત ચાલુ રહી શકે છે. આ ઉપરાંત તેનો અવાજ ઘેરો છે. વળી તેમાં થોડેઘણે અંશે સૂર પડઘાય છે. આથી ગીતમાં તેનો ઉપયોગ સાચવીને કરવો પડે. નહીંતર તે કાં શબ્દોને ઢાંકી દે કે પછી અન્ય વાદ્યો ઉપાર હાવી થઈ જાય. પાશ્ચાત્ય વાદ્ય હોવા છતાં અનેક કલાકારોએ તેની ઉપર હિંદુસ્તાની શાસ્ત્રીય રાગો પણ વગાડ્યા છે.

  યુરોપના એક કલાકારે ગ્રાન્ડ પિયાનો ઉપર વગાડેલી સુખ્યાત સંગીતકાર બીથોવને સર્જેલી ‘મૂનલાઈટ સોનાટા’ તરીકે જાણીતી  ધૂન સાંભળીએ.

  ઉત્સવ લાલ નામના યુવાને ગ્રાન્ડ પિયાનો ઉપર છેડેલી રાગ ભીમપલાસીની ધૂનની એક ઝલક માણીએ.

  હિન્દી ફિલ્મી ગીતોમાં પિયાનોનું ચલણ શરૂઆતના તબક્કાથી જ રહ્યું છે.

  ૧૯૩૯માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘કપાલ કુંડલા’ના આજે પણ જાણીતા એવા પંકજ મલિકે ગાયેલા અને તેમણે પોતે જ સ્વરબદ્ધ કરેલા ગીતમાં સુસ્પષ્ટ પિયાનોવાદન સાંભળી શકાય છે.

  ફિલ્મ ‘દાસ્તાન’ (૧૯૫૦)ના સુરૈયાએ ગાયેલા પ્રસ્તુત ગીતમાં પણ પિયાનોના કર્ણપ્રિય ટૂકડા છે. આ ગીતને નૌશાદે સ્વરબદ્ધ કર્યું હતું.

  તલત મહમૂદે ગાયેલા ફિલ્મ ‘અનહોની’ (૧૯૫૨) ના ગીતમાં વાદ્યવૃંદનું નિયોજન એ રીતે કરાયું છે, જેથી પિયાનોના સ્વરો ઉપસી આવે છે. સંગીત રોશને તૈયાર કર્યું હતું.

  તિમીર બરન નામના હિન્દી ફિલ્મી દુનિયામાં પ્રમાણમાં ઓછા જાણીતા સંગીતકારે ફિલ્મ ‘બાદબાન(૧૯૫૪)માં એક અસાધારણ પિયાનોવાદન ધરાવતું સ્વરનિયોજન તૈયાર કર્યું હતું. આ ગીત તેમણે ગીતા દત્ત અને હેમંતકુમાર પાસે અલગ અલગ રેકોર્ડ કરાવ્યું હતું. અહીં ગીતા દત્તના અવાજમાં તે ગીત અને તેમાં સાથ આપી રહેલા પિયાનોના સ્વરને માણીએ.

  ફિલ્મ ‘મીટ્ટી મેં સોના’(૧૯૬૦)માં સંગીતકાર ઓ પી નૈયરે આશા ભોંસલેના સ્વરમાં એક યાદગાર ગીત તૈયાર કર્યું હતું. સમગ્ર ગીત દરમિયાન પિયાનોના સ્વર કાને પડતા રહે છે.

  ૧૯૬૧માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘શોલા ઔર શબનમ’ના પ્રસ્તુત યુગલગીતને સંગીતકાર ખય્યામે પિયાનોના યાદગાર અંશો વડે સજાવ્યું છે.

  સંગીતકાર હેમંતકુમારે ૧૯૬૬ની ફિલ્મ ‘અનુપમા’ના ગીતમાં પ્રયોજેલ પિયાનોવાદન વડે ગીત ખુબ જ લોકપ્રિય બની રહ્યું છે.

  ૧૯૭૦ના દાયકાની આસપાસ  હિન્દી ફિલ્મી વાદ્યવૃંદોમાં ઈલેક્ટ્રોનીક વાદ્યોનો પ્રવેશ થયો. આના સીધા પરિણામે આદિવાદ્યોનો ઉપયોગ ઘટતો ચાલ્યો. તેમ છતાં પણ અમુક રચનાઓ માટે સંગીતકારો આવાં વાદ્યોની અનિવાર્યતા સમજતા હતા. ૧૯૭૧ની સાલમાં આવેલી બે ફિલ્મો – ‘કટી પતંગ’ અને ‘લાલ પથ્થર’નાં નીચેનાં ગીતોમાં સંગીતકારો અનુક્રમે રાહુલદેવ બર્મને અને શંકર-જયકિશને મૂળ પિયાનોનો ઉપયોગ કર્યો છે.

  https://youtu.be/hV7EAqGy5y8

  ૧૯૮૬ની ફિલ્મ ‘દિલવાલે’ના આ ગીત માટે સંગીતકાર બેલડી નદીમ-શ્રવણે પિયાનોના કર્ણપ્રિય અંશો તૈયાર કર્યા છે.

  ૨૦૦૫માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘પરીણિતા’માં સંગીતકાર શાંતનુ મોઈત્રાએ મૂળ વાર્તામાં રજૂ થયેલ પોણી સદી પહેલાંના માહોલને જીવંત કરતું સંગીત તૈયાર કર્યું હતું. તેમાંનું પિયાનોવાદન ધરાવતું યાદગાર ગીત માણીએ,

  આવતી કડીમાં પિયાનોવાદન ધરાવતાં કેટલાંક વધુ ગીતો માણીશું.

  નોંધ :

  ૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

  ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.

  ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


  સંપર્ક સૂત્રો :

  શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
  શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

 • ‘આવારા’ શબ્દવાળા ફિલ્મીગીતો

  નિરંજન મહેતા

  આવારા શબ્દ સાંભળતા જ એક જ ગીત ધ્યાનમાં આવે અને તે છે ૧૯૫૧ની ફિલ્મ ‘આવારા’નું જગપ્રસિદ્ધ ગીત જેને ન કેવળ ભારતમાં પણ વિદેશોમાં પણ ધૂમ મચાવી હતી અને આજે પણ તેના તાલે લોકો નાચે છે.

  आवारा हु, आवारा हु
  या गर्दिश में हु या आसमान का तारा हु

  રાજકપૂર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે મુકેશનો.

  ૧૯૫૮ની ફિલ્મ ‘સોલવા સાલ’નું ગીત એક નફિકરા યુવાનની મનોભાવના વ્યક્ત કરે છે.

  है अपना दिल तो आवारा
  न जाने किस पे आयेगा

  ટ્રેનમાં મુસાફરી કરતા દેવઆનંદ સાથી સુંદર આગળ આ ગીત ગાય છે જે હકીકતમાં વહીદા રહેમાનને ઉદ્દેશીને ગવાયું છે. મજરૂહ સુલતાનપુરીના શબ્દો છે અને સંગીત છે સચિનદેવ બર્મનનું. ગાયક છે હેમંતકુમાર.

  ૧૯૬૧ની ફિલ્મ ‘છાયા’ના આ ગીતમાં બે પ્રેમીઓનો સંગીતમય સંવાદ રજુ થાય છે

  इतना ना मुज से तू प्यार बढ़ा
  के मै एक बादल आवारा
  कैसे किसी का सहारा बनू की
  मै खुद बेघर बेचारा

  આશા પારેખ અને સુનીલદત્ત પર આ ગીત રચાયું છે જેના રચયિતા છે રાજીન્દર કૃષ્ણ અને સંગીત છે સલીલ ચોંધરીનું. ગીતની શરૂઆતનું સલીલ દાનું સંગીત કર્ણપ્રિય છે. ગાયકો છે લતાજી અને તલત મહેમુદ

  આ જ ગીતનું વ્યથિત રૂપ પણ છે જે તલત મહેમુદના સ્વરમાં છે

  https://youtu.be/0OblBifWzUs
  ૧૯૬૨ની ફિલ્મ ‘ડો. વિદ્યા’નું આ ગીત પ્રેમિકાને મળવા જનાર પ્રેમીના મનોભાવને વ્યક્ત કરે છે જેમાં પોતાના દિલને આવારા માને છે.

  एई दिले आवारा चल
  फिर वही दुबारा चल

  મનોજકુમાર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપૂરી અને સંગીત છે સચિનદેવ બર્મનનું. ગાયક છે મુકેશ. ગીતનો વિડીઓ નથી એટલે ઓડીઓ મુક્યો છે.

  ૧૯૬૩ની ફિલ્મ ‘આવારા અબ્દુલ્લાહ’ના નામ પરથી જ સમજાઈ જશે કે એકાદ ગીતમાં આવારા શબ્દને આવરી લીધો હશે. આ ફિલ્મનું શિર્ષકગીત જ આવું છે.

  हो आवारा अब्दुल्लाह हो आवारा अब्दुल्लाह
  ये प्यार का हल्ला गुल्ला

  ફિલ્મના મુખ્ય કલાકાર છે દારાસિંઘ. અસદ ભોપલીના શબ્દો અને એન.દત્તાનું સંગીત. ગાયકો રફીસાહેબ અને ગીતા દત્ત.

  ૧૯૬૩ની અન્ય ફિલ્મ ‘બનારસી ઠગ’માં બે પ્રેમીઓનું આ ગીત છે

  एक बात पूछता हु मै

  આગળ બીજા અંતરામાં શબ્દો છે

  बेदिल तुम्हे बनाकर
  खुद हो गया आवारा

  મનોજકુમાર અને વિજયા ચોંધરી પર રચાયેલ આ ગીતના શબ્દો છે અખ્તર વરસીના અને સંગીત આપ્યું છે ઇકબાલ કુરેશીએ. સ્વર છે મુકેશ અને ઉષા મંગેશકરનો.

  ૧૯૬૭ની ફિલ્મ ‘રાત ઔર દિન’નું આ ગીત ફિલ્મમાં બે વાર આવે છે.

  आवारा एई मेरे दिल
  जाने कहा है तेरी मंजिल

  પ્રથમ ગીત પાર્શ્વગીત છે. કેબ્રે નૃત્ય દ્વારા ગવાતા આ ગીતના કલાકાર છે લક્ષ્મી છાયા. ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસનનું. ગાયિકા લતાજી.

   

  આ જ ગીત ધીમી ગતિએ મુકાયું છે જેની વિગતો ઉપર મુજબ.

  ૧૯૭૨ની ફિલ્મ ‘જંગલ મેં મંગલ’નું ગીત કોલેજિયનો પર રચાયું છે. પીકનીક પર ગયેલા યુવાન યુવતીની સ્પર્ધામાં યુવાનોની હાર થવાને કારણે યુવતીઓ ગાય છે

  आवारा भवरो कुछ शरम करो कुछ शरम करो

  ગીતના મુખ્ય કલાકારો છે રીના રોય અને કિરણકુમાર. હસરત જયપુરીના શબ્દો અને શંકર જયકિસનનું સંગીત. સ્વર આપ્યો છે ઉષા મંગેશકર અને આશા ભોસલેએ.

  ૧૯૭૭ની ફિલ્મ ‘અનુરોધ’નું ગીત છે

  आते जाते खुबसूरत आवारा सडको पे
  कभी कभी इत्तेफाक से
  कितने अनजान लोग मिल जाते है

  આગલે દિવસે રસ્તે મળેલા અજાણી યુવતીના રૂમાલના સંદર્ભમાં રાજેશ ખન્ના રેડીઓ પર આ ગીત ગાય છે જે હકીકતમાં સિમ્પલ કાપડીયાનો હોય છે. આનંદ બક્ષીના ગીતોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે કિશોરકુમારનો.

  https://youtu.be/lEnh1p6-Y7A
  ૧૯૮૦ની ફિલ્મ ‘સાહેબ બહાદુર’નું આ ગીત પ્રેમ વ્યક્ત કરાતું ગીત છે

  राही था मै आवारा
  फिरता था मारा मारा

  પ્રિયા રાજવંશને ઉદ્દેશીને દેવઆનંદ એક પાર્ટીમાં આ ગીત ગાય છે જેના શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત છે મદન મોહનનું. સ્વર આપ્યો છે કિશોરકુમારે

  ૧૯૮૯ની ફિલ્મ ‘ત્રિદેવ’નું ગીત છે જે એક પાર્ટી ગીત છે.

  गली गली में फिरता है क्यों बन के बंजारा
  आ मेरे दिल में बीस जा बनके आशिक आवारा

  અનેક કલાકારો વચ્ચે સંગીતા બિજલાની આ નૃત્ય કરે છે જેમાં જેકી શ્રોફ પણ દેખાય છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. ગાનાર કલાકારો અલકા યાજ્ઞિક અને મનહર ઉધાસ.

  ૧૯૯૭ની ફિલ્મ ‘સપને’નું આ ગીત એક અનન્ય પ્રકારનું છે.

  आवारा भंवरे जो हौले हौले गाये
  फूलो के तन पे हवाए जो सरसराये

  શાળાના વર્ગમાં દિવાસ્વપ્નમાં રાચતી કાજોલ આ ગીતની કલાકાર છે જેમાં અન્ય વિદ્યાર્થીનીઓ તેને સાથ આપે છે. જાવેદ અખ્તર આ ગીતના રચયિતા છે જેને સંગીત આપ્યું છે એ.આર.રહેમાને. ગાયકો છે હેમા સરદેસાઈ અને મલયેસિયા વાસુદેવન.

  ૨૦૧૫ની ફિલ્મ ‘કારવાં’નું ગીત જોઈએ.

  आवारा ख़याल हु मै
  लौटे ना बहार हु मै

  ગીતકાર પિંકી પૂનાવાલા, સંગીતકાર અંજાન ચક્ર્બોર્તી અને ગાયિકા કૌશિકા ચક્ર્બોર્તી. ગીતનો ઓડીઓ પ્રાપ્ત છે એટલે કલાકારની જાણ નથી.


  Niranjan Mehta

  A/602, Ashoknagar(old),
  Vaziranaka, L.T. Road,
  Borivali(West),
  Mumbai 400091
  Tel. 28339258/9819018295
  વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
 • બાળ ગગન વિહાર – મણકો ૨૦ – વાત અમારી કિઆનાની

  શૈલા મુન્શા

  કિઆના પાંચ વર્ષની આફ્રિકન છોકરી. વર્ષના અંતમાં અમારા ક્લાસમાં આવી. પહેલે દિવસે એની મમ્મી જ્યારે એને લઈને આવી તો એ સ્ટ્રોલર(બાળકોની બાબાગાડી) માં હતી. અમને પહેલો વિચાર એ આવ્યો કે આ બાળકીને ચાલતાં આવડે છે કે નહિ? જ્યારે મમ્મીને સવાલ કર્યો તો જવાબમાં મમ્મીએ એને નીચે ઉતારી અને એક ક્ષણમાં એ દડબડ દોડવા માંડી. સમન્થા એ સવાલ કર્યો કે એને શા માટે સ્ટ્રોલરમાં રાખી છે? તો મમ્મીએ જવાબ આપ્યો કે એ થાકી જાય તો? હવે આનો કોઈ જવાબ અમારી પાસે ન હતો. મમ્મીને જોતાં એવું લાગી રહ્યું હતું કે મમ્મીની માનસિક અવસ્થામાં પણ કાંઈ તકલીફ છે. કિઆનાના પપ્પા વિશે પૂછ્યું તો મમ્મીનો જવાબ એવો હતો કે ખબર નહિ ક્યાં છે? પતિ તો જીવનમાં હતો જ નહિ પણ બે દિકરીને એક દિકરાની મા પચીસ વર્ષની ઉમ્મરે હતી અને ચોથું આવવાની તૈયારી હતી.
  અમેરિકાની એક વિટંબણા છે, જાતીય સુખ કે સંભોગ સામાન્ય વસ્તુ છે, નાની ઉંમરે માતા બનવું સહજ છે, પણ બાળઉછેરનુ જ્ઞાન હોતું નથી. ડ્રગ્સ કે શરાબના અતિસેવનની અસર બાળક પર પડે છે અને બાળક માનસિક રીતે પછાત કે શારીરિક ખામી સાથે જન્મે છે.

  અમેરિકામાં ખાસ સ્પેસીઅલ નીડ બાળકોના ક્લાસને PPCD (pre-primary children with disability) કહે છે. બાળકો ત્રણ વર્ષે આ ક્લાસમાં દાખલ થઈ શકે, પણ કિઆના લગભગ ચાર વર્ષ પુરા થવા આવ્યા ત્યારે આવી. શરૂઆતમાં અડધા દિવસ માટે આવતી, તેમા પણ એક દિવસ આવે અને ચાર દિવસ ગેરહાજર. મમ્મીને ફોન કરીએ તો જાતજાતના બહાના ન મોકલવા માટે. પિતાને કદી જોયા નહોતા અને હશે કે નહિ તે ખબર નહોતી. કિઆનાને જોઈને સહાનુભૂતિની લાગણી મનમાં જાગે, ગુસ્સો પણ આવે કે આ બાળકીની શી દશા છે! ફક્ત ખાવા સિવાય કશાની ગતાગમ નહિ. માનસિક પંગુતા તો હતી પણ આ બાળકો પણ ઘણુ શીખી શકે જો થોડી જહેમત લેવામાં આવે, અને એ માટે શિક્ષકો સાથે ઘરની વ્યક્તિઓનો પણ પુરો સહકાર જોઈએ. ઘરમાં તો કિઆનાને આખો દિવસ સ્ટ્રોલરમાં બાંધી રાખે. કેમ? તો એ ઝપટ મારી ખાવાનુ ઝુંટવે અને આખો કોળિયો મોઢામાં ઠોંસે પછી અંતરસ જાય અને જાણે હમણા જીવ નીકળી જશે એમ આકળ વિકળ થાય. મમ્મીને પોતાની જાત સિવાય કશામાં રસ હોય એવું લાગે નહિ. એ વર્ષ તો પુરૂં થયુ અને અમને પણ વિશેષ કાંઈ કરવાનો મોકો મળ્યો નહિ.

  ખેર! નવા વર્ષે જ્યારે સ્કૂલ શરૂ થઈ તો શરૂઆતમાં થોડા દિવસ કિઆનાની હાજરી જવલ્લે જ રહી. મમ્મીને ફોન કરીએ તો એ જ બહાનુ કે એને શરદી થઈ જાય તો, એ માંદી પડે તો? કિઆનાની નાનીને કિઆનાની ઘણી ચિંતા.
  છેવટે સ્કૂલના રજિસ્ટારનો ફોન ગયો કે “કિઆના જો રોજ નહિ આવે તો એનુ નામ સ્કૂલમાંથી થી કાઢી નાખવામાં આવશે. આ ફોનની અસર થઈ અને નાનીએ કિઆનાનો કબ્જો લીધો, તરત જ અમને કિઆનામાં ફરક દેખાયો. સહુ પ્રથમ નાનીએ એને સ્પેસીઅલ નીડ બાળકો માટેની ખાસ સ્કૂલ બસમાં મોકલવા માંડી એટલે એની હાજરી નિયમિત થઈ. નાનીની કાળજી દેખાઈ આવતી, ચોખ્ખા કપડાં અને સરસ રીતે વાળ ગુંથેલા. કિઆનાનો તો જાણે દેખાવ જ ફરી ગયો.

  અમારા દિવ્યાંગ બાળકોને પણ અમે જમવા માટે કાફેટેરિઆમાં લઈ જઈએ. એના બે કારણો, એક તો આ બાળકોને પણ સામાન્ય બાળકો સાથે હળવા મળવાનો મોકો મળે અને સામાન્ય બાળકો પણએમની સાથે બેસી મદદરુપ થતાં શીખે. એ વર્ષે બાળકો વધારે અને નવા આવેલા બધાં લગભગ ત્રણ વર્ષના, એટલે અમે એક રબરનુ દોરડું જેમા રબરની રીંગ હોય એ વાપરીએ. દરેક બાળકનો હાથ એમાં પરોવી માળાના મણકાની જેમ એક લાઈનમાં ચલાવવાનો પ્રયાસ કરીએ. સમન્થા કે હું એક જણ આગળ અને એક પાછળ રહીએ. એ દોરડું જાણે અમારી લાઈફલાઈન. કાફેટેરિઆ, રમતના મેદાનમાં જવા એમ બધે અમે એનો ઉપયોગ કરીએ. અને સ્કૂલમાં પણ બધા નવાઈ પામે કે “વાહ! આ બાળકો કેવા લાઈનમાં ચાલે છે.”

  જે વાત અમને નવાઈ પમાડી ગઈ તે  તમને કહેવી છે. લગભગ અઠવાડિઆ પછી અમારો કાફેટેરિઆમાં જવાનો સમય થવા આવ્યો અને હજી અમે ઊભા થઈ પેલું દોરડું લેવા જઈએ, એ પહેલા કિઆના ઊઠીને ખાનામા રાખેલું દોરડું ખેંચી લાવી.

  હું ને સમન્થા જોતા જ રહી ગયા. કિઆના કે એના જેવા કોઈપણ બાળકમાં ભલે એનો માનસિક વિકાસ પુરો ના થયો હોય પણ સતત પ્રયત્ન અને ધીરજ આ બાળકોને પણ ઘણુ શીખવાડવામાં મોટો ભાગ ભજવે છે. દરેક બાળકમાં શિખવાના ગુણ હોય જ છે, એ સામાન્ય હોય કે માનસિક રીતે વિકલાંગ. કિઆનાને બીજી કોઈ સમજ હજી પડે કે નહિ પણ એના પેટે અને મગજે સિગ્નલ આપી દીધું કે જમવાનો સમય થઈ ગયો છે!

  “Persistence will get you there
  Consistency will keep you there”

  અમારો સતત પ્રયત્ન અને પ્રાર્થના કે કિઆના જેવા બાળકોને વધુ ને વધુ પ્રેમ આપીએ અને એમના જીવન પંથમાં પ્રગતિના સોપાનનુ એક પગથિયું બની શકીએ!!

  અસ્તુ,


  સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

  ઈ-મેલ: smunshaw22@yahoo.co.in

  બ્લૉગ: www.smunshaw.wordpress.com

 • આધાર, નિર્ધાર અને રોજગાર

  ચેલેન્‍જ.edu

  રણછોડ શાહ

  મનુષ્યના જન્મથી મૃત્યુ સધીની યાત્રા પ્રત્યેક વ્યક્તિ માટે ફરજિયાત છે. જન્મથી મરણ સુધીનો સમય એક લાંબા અંતરાલ જેવો છે. આ સમય દરમિયાન અનેક ઘટનાઓ ઘટે છે. કેટલીક પૂર્વ આયોજિત અને સંચિત હોય છે તો કયારે અચાનક અને આકસ્મિક, ન કલ્પી હોય તેવી પરિસ્થિતિઓ ઊભી થઈ જતી હોય છે. પરંતુ કેટલીક વાતો તો જીવનમાં નિશ્ચિત જ હોય છે. શિક્ષણ, જીવનનિર્વાહ, કૌટુંબિક વિકાસની જવાબદારીઓ, સામાજિક કાર્યો, વ્યાવસાયિક પ્રગતિ કે અધોગતિ જેવી કેટલીક બાબતો જીવનના અવિભાજય અંગ જેવી હોય છે.

  શિક્ષણ પ્રત્યેક વ્યક્તિના જીવનનું એક અભિન્ન પાસું છે. કયારેક વિધિવત શિક્ષણ નહીં લઈ શકતી વ્યક્તિ પણ સમાજમાંથી કંઈક તો જરૂરથી શીખે જ છે. શૈક્ષણિક સંસ્થાના માઘ્યમથી જ શિક્ષણ પ્રાપ્ત થાય તેવું જરૂરી નથી. લખતાં-વાંચતાં આવડે એ જ માત્ર શિક્ષણ નથી. જે શિક્ષણથી ધનપ્રાપ્તિ થાય તેને જ શિક્ષણ કહેવાની ભ્રમણામાંથી પણ બહાર આવવાની જરૂ૨ છે. શિક્ષણ અને કેળવણી એક સિક્કાની બે બાજુ છે. શિક્ષણ જીવન જીવવા માટે ઉપયોગી જરૂર બને છે પરંતુ તે એક માત્ર રસ્તો નથી. જયારથી આપણે શિક્ષણને અર્થકારણ સાથે જોડી દીધું ત્યારથી શિક્ષણમાંથી તત્ત્વ અને સત્વ દૂર થઈ ગયું. જે વ્યકિત શિક્ષણ પ્રાપ્ત કરે તેને જ રોજગારી પ્રાપ્ત થાય તેવી ખોટી માન્યતા આપણા સમાજમાં અને સ્વભાવમાં ઘર કરી ગઈ છે. ઉપાધિ (Degree) અને રોજગારને પરસ્પર સાંકળી લીધા હોવાથી શિક્ષણ માત્ર અર્થોપાર્જન માટેનું સાધન બની ગયું. આ સંબંધ જેટલો જલદી તૂટી જશે તેટલો સમાજ વ્યકિતઓની શકિતઓને વધારે ઉપયોગમાં લઈ શકશે.

  શિક્ષણ તો વ્યક્તિને પ્રસંગે પ્રસંગે ઉપસ્થિત થતી પરિસ્થિતિમાં કઈ રીતે આગળ વધવું તે શીખવે છે. જીવનમાં આવતી સમસ્યાઓના ઉકેલમાં શિક્ષણ સહાયરૂપ બને છે. શિક્ષણ વ્યકિતને જીવનની ઘટમાળમાં આવતી ઘટનાઓનો સુખદ અને જનહિતાય ઉકેલ કેવી રીતે લાવી શકાય તે શીખવે છે. જિંદગી અને સમસ્યા એક સિક્કાની બે બાજુ જેવાં છે. બાળપણમાં શાળાકીય ભણતર સમસ્યા ઉકેલનું શિક્ષણ આપે છે તો વ્યવસાયિક કારકીર્દિમાં પણ વિવિધ પ્રશ્નો વ્યકિતને ઉકેલવા પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય જ છે. જે વ્યકિત યોગ્ય શિક્ષણ પામે છે તે પ્રત્યેક સમસ્યાનો ઉકેલ શક્ય છે જ તેવો નિર્ધાર પ્રગટ કરી શકે છે. એ વાત ચોક્કસ જ છે કે આ વિશ્વમાં કોઈ પ્રશ્ન એવો નથી કે તેનો ઉકેલ ન હોય. દરેક સવાલનો જવાબ હોય જ છે. કયારેક તો એક સમસ્યાના અનેક ઉકેલ હોય છે. આ જીવનપદ્ધતિ જ શિક્ષણને કેળવણી તરફ લઈ જાય છે. જે વ્યક્તિ પોતે પ્રાપ્ત કરેલ જ્ઞાનનો ઉપયોગ અન્ય પરિસ્થિતિમાં પણ કરી શકે તેને સફળતા સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય છે. જ્ઞાન કરતાં જ્ઞાનનો ઉપયોગ જીવનમાં વધારે જરૂરી છે.

  જ્ઞાનનો ઉપયોગ આપણા જીવનમાં પાયાના આધાર તરીકે હોય છે. આ ઉપયોગ આપણને પ્રાપ્ત તાલીમમાં પરિવર્તન લાવી જીવનને વધારે સુખરૂપ કેવી રીતે બનાવી શકાય તે શીખવે છે. આ આધાર જેનો જેટલો મજબૂત, સુદૃઢ અને સ્પષ્ટ તેટલી તે વ્યકિતની પ્રગતિ વધારે થાય. કોઈપણ મજબૂત ઈમારતની મજબૂતાઈનો આધાર માત્ર અને માત્ર તેના પાયા-આધાર ઉપર જ હોય છે. તેથી તો બાંધકામ નિષ્ણાતો પાયા ઉપર સૌથી વધારે ઘ્યાન આપે છે. કોઈ પણ મહાન વ્યકિતના જીવનને તપાસીએ તો તેના પાયામાં રહેલા બાળપણના દિવસોમાં તેમને કેવું, કેવી રીતે અને કોના દ્વારા શિક્ષણ પ્રાપ્ત થયું છે તેના ઉપરથી તેની પ્રગતિનું માપ નીકળે છે. કયારેક વ્યક્તિ પોતે પણ પોતાની ગુરુ બની હોય તેવાં ઉદાહરણો પણ ઈતિહાસમાં છે.

  જે વ્યકિતના જીવનનો પાયો (આધાર) મજબૂત હોય તેનો નિર્ધાર અકલ્પનીય શકિતશાળી હોય છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં અનેક તકો પ્રાપ્ત થાય છે. પરંતુ બહુ ઓછી વ્યક્તિઓ તકને અવસરમાં પલટી સફળતાના શિખરો સર કરી શકે છે, કારણ કે તેનો નિર્ધાર ડગમગતો હોય છે. ‘આ હું કરી જ શકીશ’વાળો નિર્ધાર જ પ્રગતિના પંથે લઈ જઈ શકે. મજબૂત, તાકાતવાન અને અવિચળ નિર્ધાર કોઈને પ્રગતિના પથ ઉપર આગળ વધતાં અટકાવી શકતો નથી. જેની પાસે જેટલી નિર્ધારશક્તિ વધારે તેટલો તેની સફળતાનો ગ્રાફ ઊંચો.

  આધાર અને નિર્ધાર જ વ્યક્તિના આર્થિક વિકાસને પણ સુદૃઢ બનાવે છે. જીવનના આ બે મહત્વના અંગો જ વ્યકિતને રોજગારીમાં આગળ વધવામાં ઉપયોગી બને છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ અથવા ઉત્તમ સંસ્થાઓના સર્જકોમાં તેમનામાં રહેલી નિર્ધારશક્તિએ જ અદ્‍ભુત ભાગ ભજવ્યો હોવાનું આપણને સ્પષ્ટ નજરે પડે છે. આપણે ‘રોજગાર’ને માત્ર અને માત્ર નાણાંકીય વાતો સાથે જોડવાને બદલે વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમાજ માટે ઉપકારક કાર્યો કરનારાઓ પણ પોતાનાં કાર્યો બાબતે ખૂબ ચોક્કસ નિર્ધાર કરીને જ આગળ વઘ્યા હોય છે.

  શિક્ષણના પાયામાં રહેલાં આ ત્રણ તત્ત્વો પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે. આધાર, નિર્ધાર અને રોજગાર જીવનમાં આગળ વધવામાં વ્યક્તિગત રીતે અને સામૂહિક સફળતા બક્ષવામાં, સમાજને સુખી અને પ્રગતિકારક કરવામાં મહત્ત્વનો ફાળો ભજવે છે. આ ત્રણે પાયાના ગુણો શીખવા અને વિકસાવવામાં શિક્ષણ અત્યંત મહત્વનો ફાળો આપે છે. આ ત્રણ બાબતો જ જીવનસાફલ્યની ગુરુચાવી છે.

  આચમન:

  મને એવી ક્યાં ખબર હતી
  કે ‘સુખ અને ઉંમર’ને બનતું નથી,
  પ્રયત્ન કરીને સુખ લાવ્યો,
  પણ ઉંમર રીસાઈને ચાલી ગઈ.


  (શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


  (પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)

 • દોષી ગમે એ ઠરે, ગયેલા જીવ પાછા આવવાના છે?

  ફિર દેખો યારોં

  બીરેન કોઠારી

  કરુણાંત દુર્ઘટનાનું વધુ એક વાર પુનરાવર્તન થઈ રહ્યું છે અને એ પણ ઝડપભેર! નવેમ્બર, ૨૦૨૨માં આ કટારમાં ગામ્બિયા નામના આફ્રિકન દેશ અને ઈન્‍ડોનેશિયામાં કફ સિરપને કારણે થયેલાં બાળકોનાં મૃત્યુ વિશે જણાવવામાં આવ્યું હતું. આ કફ સિરપનું ઉત્પાદન એક ભારતીય કંપની દ્વારા થયેલું હોવાની વાત શરૂઆતમાં થઈ, પણ પછી ગામ્બિયાએ ફેરવી તોળ્યું.

  નેટ પર પ્રકાશિત થતા અહેવાલો પરથી આ તસ્વીર સાભાર લીધેલ છે.

  હવે ઉઝબેકિસ્તાનમાં બિલકુલ આવી જ દુર્ઘટના બની છે, જેમાં ઓછામાં ઓછાં અઢાર બાળકોનાં મૃત્યુ થયાં હોવાની ભીતિ છે. ઉઝબેક સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ વિગત જાહેર કરવામાં આવી છે. એ અનુસાર નોઈડાસ્થિત ‘મેરીઅન બાયોટેક’ નામની કંપની દ્વારા ઉત્પાદિત ‘ડૉક-1 મેક્સ’ કફ સિરપને કારણે આમ બન્યું છે. લેબોરેટરીના ટેસ્ટમાં ‘ઈથીલિન ગ્લાયકોલ’ની ઉપસ્થિતિ હોવાનું માલૂમ પડ્યું છે અને તેને પગલે તમામ ફાર્મસીમાંથી આ કફ સિરપને પાછું ખેંચી લેવામાં આવ્યું છે.

  ગામ્બિયામાં તેમજ ઉઝબેકિસ્તાનમાં વેચાતા આ કફ સિરપમાં પણ ઈથિલીન ગ્લાયકોલ કે ડાઈઈથિલીન ગ્લાયકોલ હોવાનું જણાયું હતું, જે ઔદ્યોગિક રસાયણો છે, અને કફ સિરપમાં તેમનું હોવું એટલે મોતને નિમંત્રણ. આ સિરપ બાળકોને કોઈ ડૉક્ટરની ભલામણ વિના, ઘરમેળે આપવામાં આવ્યાં હતાં. દવાખાને દાખલ કરાયેલાં બાળકોએ બેથી લઈને સાત દિવસ સુધી તેનું સેવન અઢીથી પાંચ મિ.લી.ની માત્રામાં દિવસના ત્રણથી ચાર વખત કર્યું હતું. બાળકોનાં મૃત્યુ બે મહિના જેટલા સમયગાળામાં થયાં હતાં.

  ગામ્બિયાની દુર્ઘટનાને પગલે ભારત સરકારે તેમજ હરિયાણા સરકારે ઉત્પાદક ‘મેઈડન ફાર્માસ્યુટિકલ્સ’ને પ્રતિબંધિત કરી હતી. આ  દુર્ઘટનાની ગંભીરતાને કારણે ‘વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા’ (હુ) પણ સક્રિય બની ગઈ હતી. અલબત્ત, ભારતીય સત્તાવાળાઓએ એ પછી ‘હુ’ની મૂલ્યાંકન પદ્ધતિ અંગે શંકા વ્યક્ત કરી હતી. ‘ડ્રગ કન્‍ટ્રોલર જનરલ ઑફ ઈન્‍ડિયા’ (ડી.સી.જી.આઈ.) દ્વારા ‘હુ’ને લખાયેલા એક પત્રમાં જણાવાયું હતું કે ‘મેઈડન ફાર્માસ્યુટિકલ્સ’ દ્વારા ચકાસવામાં આવેલા નમૂનાઓમાં કશી ભેળસેળ માલૂમ પડી નહોતી. એથી આગળ વધીને ‘ડી.સી.જી.આઈ.’ અને સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે ગામ્બિયાનું કૌભાંડ ફાર્માસ્યુટિકલ સામગ્રી પૂરા પાડનાર તરીકેની ભારતની છબિને નુકસાન કરવાનું કાવતરું છે.

  આ વખતે પણ ભારત ‘મેરીઅન બાયોટેક’ના એક્સપોર્ટ લાઈસન્‍સને રદ કર્યું છે અને તેની ઉત્પાદન ગતિવિધિઓને સ્થગિત કરાવી દીધી છે. પણ હજી ‘હુ’ દ્વારા કશી ગતિવિધિ થઈ ન હોવાને કારણે આગળનાં પગલાં માટે તેણે ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી છે.

  ગામ્બિયા, ઈન્‍ડોનેશિયા અને હવે ઉઝબેકિસ્તાનમાં એક જ પ્રકારની દુર્ઘટના સમયાંતરે બને અને એ આ હદે ગંભીર હોય ત્યારે એ મામલે યોગ્ય તપાસ કરવાને બદલે પોતાની વિરુદ્ધ કાવતરું હોવાનું કહેવું કદાચ દેશની છબિને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

  દરમિયાન ભારતના રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા, માર્ચના અંતથી ઈથીલીન ગ્લાયકોલના વેચાણ પર નિયંત્રણ મૂકતો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. બીજી તરફ ઉઝબેકિસ્તાનમાં આ મામલાસાથે સંકળાયેલા ચાર જણની ધરપકડ કરવામાં આવી છે. આ ચાર પૈકીના બે લોકો સાયન્ટિફિક સેન્ટર ફોર સ્ટાન્‍ડર્ડાઈઝેશન ઑફ મેડિસીન્‍સના વરિષ્ઠ કર્મચારીઓ છે, જેમણે આ કફ સિરપને યોગ્ય ટેસ્ટિંગ વિના ફરતું કર્યું. બાકીના બે લોકો ક્વૉરામેક્સ મેડિકલ કંપનીના એક્ઝિક્યુટિવ છે, જેમણે ભારતની ‘મેરીઅન બાયોટેક’માંથી આ દવાને આયાત કરી હતી.

  સેન્‍ટ્રલ ડ્રગ્સ સ્ટાન્‍ડર્ડ કન્‍ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (ઉત્તર ક્ષેત્ર) અને ઉત્તર પ્રદેશ ડ્રગ્સ કન્‍ટ્રોલિંગ એન્‍ડ લાયસન્‍સિંગ ઑથોરિટીની ટીમ દ્વારા સંયુક્ત તપાસ પણ થઈ રહી છે અને તેમાં જે પરિણામ આવે એ અનુસાર આગળનાં પગલાં લેવાશે એમ કેન્‍દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેર કર્યું છે.

  નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઑથોરિટીના પૂર્વ નિદેશક રાજેશ અગ્રવાલે એક ટી.વી. મુલાકાતમાં જણાવ્યું હતું કે આવા કિસ્સામાં જવાબદારી ઉત્પાદક દેશ અને આયાતી દેશની બને છે. કોઈક ઔષધને નિકાસ માટે તૈયાર કરવામાં આવે ત્યારે તેની નિકાસ કરવાની હોય એ દેશનાં ધોરણોને અનુસરવાના હોય છે.

  આ અગાઉ ગામ્બિયામાં થયેલી દુર્ઘટનાને પગલે ભારતના ડ્રગ્સ કન્‍ટ્રોલર જનરલ વી.જી.સોમાણીએ જણાવ્યું હતું કે ગામ્બિયામાં કફ સિરપની નિકાસ કરનાર ‘મેઈડન’નાં ઉત્પાદનોને પ્રયોગશાળામાં ચકાસવામાં આવ્યાં હતાં અને તેઓ ધારાધોરણ મુજબનાં જણાયાં હતાં. તેમાં કોઈ ઝેરી પદાર્થ જણાયો નહોતો.

  આ ઘટનાનો રાજકીય વિવાદ ધીમા સૂરે થઈ રહ્યો છે. આમ પણ, વિરોધ પક્ષના અવાજ જેવું કશું રહ્યું નથી. છતાં કૉંગ્રેસના જેરામ રમેશે ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે મોદી સરકારે ભારત સમગ્ર વિશ્વની ફાર્મસી હોવાની બડાશ મારવી બંધ કરવી જોઈએ અને સખત પગલાં લેવાં જોઈએ. આના જવાબમાં ભા.જ.પ.ના અમીત માલવીયાએ કહ્યું છે કે ગામ્બિયામાં થયેલાં બાળકોનાં મૃત્યુને ભારતમાં બનેલા કફ સિરપ સાથે કશો સંબંધ નથી. ગામ્બિયન સત્તાવાળાઓ તેમજ ડ્રગ કન્‍ટ્રોલર જનરલ ઑફ ઈન્‍ડિયા દ્વારા એ બાબતે સ્પષ્ટતા થઈ ગઈ છે.

  આમ, અત્યારે જોઈએ તો આ ઘટનાના તમામ છેડા લટકતા છે. સૌ પોતાનો પક્ષ યોગ્ય હોવાનું જણાવે છે. આમ છતાં, ઈથિલીન ગ્લાયકોલ કે ડાઈઈથિલીન ગ્લાયકોલ મળી આવ્યો એ હકીકત છે અને મૃત્યુનું કારણ પણ એ જ છે એ હકીકત અફર જણાય છે. ગામ્બિયા, ઈન્‍ડોનેશિયા અને હવે ઉઝબેકિસ્તાનમાં જે થયું એમાં ભારતીય કંપની દ્વારા નિર્મિત કફ સિરપનું હોવું કેવળ યોગાનુયોગ ન હોઈ શકે, કેમ કે, ત્રણે કિસ્સે ઘણી બધી બાબતો સામાન્ય જણાય છે.

  ક્યાંક, કોઈનાથી કશીક ચૂક થઈ છે એ નક્કી છે. એની પર ઢાંકપિછોડો થઈ રહ્યો છે કે કેમ એ કહી શકાય એમ નથી, પણ આ બાબતે ફોડ પાડીને સ્પષ્ટ શબ્દોમાં તપાસની વિગતો જાહેર કરવામાં નહીં આવે તો હજી કયા દેશમાં કેટલાં બાળકોનો ભોગ એ લેશે એ કહી શકાય એમ નથી.


  ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૯ – ૦૧ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


  શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
  ઈ-મેલ: bakothari@gmail.com
  બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

 • કોઈનો લાડકવાયો – (૧૬) બિરસા મુંડાનો ઉલગુલાન

  દીપક ધોળકિયા

  આપણા ઇતિહાસમાં ૧૮૯૯માં બિરસા મુંડાના બળવો બહુ મહત્ત્વનો હતો. નોંધવા જેવી વાત એ છે કે ૧૮૫૭ પછી ઇંગ્લેંડે સીધી જ સત્તા સંભાળી લીધી હતી અને ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના પણ થઈ ગઈ હતી. રેલવેનો સારો વિકાસ થઈ ગયો હતો. આદિવાસી વિસ્તારોમાં મિશનરીઓ ઘૂસી ગયા હતા અને આદિવાસીઓ માટે એમણે સ્કૂલો ખોલી હતી અને વટાળ પ્રવૃત્તિ જોરમાં હતી. સરકાર પણ મિશનરીઓને નાણાં અને રક્ષણ આપતી હતી. આ સંયોગોમાં બિરસા મુંડાએ આદિવાસીઓને એકઠા કર્યા, એમને સ્વમાનના પાઠ શીખવ્યા અને ઉલગુલાન માટે તૈયાર કર્યા. ઉલગુલાન મુંડારી ભાષાનો શબ્દ છે અને એનો અર્થ સંઘર્ષ કે વિદ્રોહ એવો થાય છે.

  ૧૮૭૫ની ૧૫મી નવેમ્બરે આજના ઝારખંડના ખૂંટી ગામે થયો. બાળપણથી એમની બુદ્ધિબળ દેખાવા લાગ્યું હતું. પણ માબાપ મજૂરી માટે બીજે ગામ જતાં છ વર્ષના બિરસાને  મામાને ઘરે રહેવું પડ્યું. તે પછી માશી પરણી તે એને પોતાની સાથે ચાઇબાસા લઈ ગઈ. ચાઈબાસામાં  એને મિશનરી સ્કૂલમાં દાખલ કરી દેવાયો. મિશનરીઓએ દસ વર્ષના આ બાળકની પ્રતિભાને પિછાણી અને એને ખ્રિસ્તી બનાવી દીધો. એ હવે ડેવિડના નામે ઓળખાવા લાગ્યો. પણ વર્ગમાં એક પાદરી મુંડાઓ માટે ખરાબ બોલ્યો ત્યારે બિરસા વર્ગ છોડીને બહાર નીકળી ગયો અને સ્કૂલના બધા શિક્ષક પાદરીઓને ખૂબ ભાંડ્યા. એને કહ્યું, “સાહેબ સાહેબ એક ટોપી” એટલે કે સરકારી અફસર હોય કે પાદરી બધા સરખા. આના પછી એને સ્કૂલમાં તો પાછા લેવાનો સવાલ જ નહોતો.

  બિરસાએ ખ્રિસ્તી ધર્મ છોડી દીધો અને પોતાના ‘સરના’ ધર્મમાં પાછો આવ્યો.

  ૧૮૯૩–૯૪માં અંગ્રેજ સરકારે જંગલોની વચ્ચે આવેલાં ગામો, ખેતીની જમીન અને પડતર જમીનની હદબંધી કરી દીધી. એની બહારનાં જંગલોમાં સરકારે લોકોના હકદાવા પર નિયંત્રણો મૂકવાનું શરૂ કરી દીધું. મુંડાઓએ અરજીઓ કરી, છ ગામોના લોકો એકઠા થયા અને સરકાર સમક્ષ માગણીઓ મૂકી કે જંગલ પર એમનો પેઢી-દર-પેઢીનો અધિકાર છે પણ સરકારે ન માન્યું. બિરસાનું વ્યક્તિત્વ આકર્ષક હતું; છટાદાર ભાષણો કરતો એટલે આદિવાસીઓ એની પાછળ એકઠા થવા લાગ્યા અને એ આંદોલનનો મુખ્ય સૂત્રધાર બની ગયો.

  તે દરમિયાન એ એક વૈષ્ણવ સાધુના સંપર્કમાં આવ્યો અને હિન્દુ ધર્મથી પરિચિત થયો.  તુલસીમાતા અને વિષ્ણુ ભગવાનનો ભક્ત પણ બન્યો અને જનોઈ ધારણ કરતો થયો. એક કથા એવી છે કે વિષ્ણુ ભગવાન એને સપનામાં આવ્યા અને એને રાજ કરવાનો આદેશ આપ્યો. બિરસાએ પોતાને ભગવાને મોકલેલો દૂત જાહેર કર્યો અને કહ્યું કે હવે અંગ્રેજી રાજ ગયું અને મુંડા રાજ પાછું આવ્યું. મુંડાઓ એને ’ધરતી અબા’ (ધરતીના પિતા) તરીકે ઓળખવા લાગ્યા. એણે હવે બદીઓથી દૂર રહેવાની મુંડાઓને મનાઈ કરી દીધી.

  આદિવાસીઓના રોષને દબાવવા માટે એક રાતે બિરસાની ધરપકડ કરી લેવાઈ. એને બે વર્ષની જેલાની સજા કરવામાં આવી.

  સજા ભોગવ્યા પછી બિરસાએ પાછા આવીને ઉલગુલાન (સંઘર્ષ કે વિદ્રોહ) શરૂ કરી દીધો આંદોલન) જે બે વર્ષ ચાલ્યો. એમની દોરવણી નીચે આદિવાસીઓએ બે વર્ષમાં બ્રિટિશ હકુમતનાં કામ થતાં એવાં સોએક ભવનો પર હુમલા કર્યા અને બ્રિટિશ સત્તાને હંફાવી.

  ૧૮૯૯ની ૨૫મી ડિસેમ્બર – ક્રિસમસની રાતે સાત હજાર મુંડા ડોમ્બારીની ટેકરી પર ભેગા થયા અને એક ચર્ચ પર હુમલો કર્યો. આમાં બે સિપાઈ માર્યા ગયા. ૧૯૦૦ની પાંચમી જાન્યુઆરી સુધીમાં તો ઠેર ઠેર મુંડા રાજની આણ ચોમેર વર્તાઈ ગઈ.

  અંતે, એની સામે ભારે હથિયારોથી સજ્જ દળકટક મોકલવામાં આવ્યું. મુંડાઓ પરાજિત થયા. પોલીસે ભારે ગોળીબાર કરીને ચારસો મુંડાઓ અને ઓરાઓંને મારી નાખ્યા અને એમની લાશો પણ ખાઈઓમાં ફેંકી દીધી. બિરસા તો ત્યાંથી ભાગીને સિંઘભૂમના ટેકરિયાળા પ્રદેશમાં છુપાઈ ગયા હતા પણ ૧૯૦૦ની ત્રીજી માર્ચે એ પકડાઈ ગયા.

  એમના ૪૮૨ સાથીઓ સામે કેસ ચાલ્યો. એકને દેહાંતદંડ અપાયો. કેટલાયને કાળા પાણીની સજા થઈ. કેટલાયને ૧૪ વર્ષની જેલ મળી. કમનસીબે એ અરસામાં કૉલેરા ફેલાયો અને એ રાંચીની જેલમાં પણ પહોંચ્યો. બિરસા પણ એમાં ઝડપાયા અને ૧૯૦૦ની ૯મી જૂને  એમનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ સમયે એમની ઉંમર માત્ર ૨૪ વર્ષ અને  ૭ મહિનાની હતી.

  બિરસા મુંડાનો પ્રભાવ એટલો બધો હતો કે આજે પણ  બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસીઓ બિરસા મુંડાને ભગવાન માને છે. આપણે પણ એમની સ્મૃતિમાં નતમસ્તક થઈએ.

  0x0x0

  દીપક ધોળકિયા

  વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

  બ્લૉગ સરનામું: મારી બારી

 • કલમના કસબી : કનૈયાલાલ મુનશી – મુનશી સાહિત્ય પર મારી લેખનયાત્રા

  પુસ્તક પરિચય

  રીટા જાની

  આભ અટારીએ ઊભી છે માનવજાત અને ઇંતેજાર છે એક વધુ વર્ષ. ૨૦૨૨ની વિદાય અને નવલા વર્ષ ૨૦૨૩નું આગમન. એક તરફ રોજિંદી ઘટમાળ અને બીજી તરફ છે જીવનના ધબકાર સાથે નવા વર્ષનો પ્રેમભર્યો સત્કાર. આ સત્કારમાં પડકાર અને પ્રતિકાર સાથે ઝૂલે છે રાતદિનનું લોલક, સમયના સેન્ડ ગ્લાસની પારાશીશી સાથે આશા નિરાશાનો જંગ અને પ્રારબ્ધ અને પુરુષાર્થના ખેલમાં માનવજાત સાક્ષી છે પૃથ્વીની અવકાશી અનંત યાત્રાની. નવું વર્ષ, એક નવું સીમાચિહ્ન ઇતિહાસની આગેકૂચનું.
  વેબ ગુર્જરી પર મુનશી સાહિત્ય પરની મારી લેખમાળાને આજે બે વર્ષ પૂર્ણ થયા અને તૃતીય વર્ષમાં પ્રવેશ નિમિત્તે મારે વાત કરવી છે મુનશી સાહિત્ય પર મારી લેખનયાત્રાની. જ્યારે દિલનો ઉમંગ અને મનનો તરંગ શબ્દની પાંખે ઉડી સાહિત્ય ગગનમાં વિહરે, ઉરની લાગણીઓના બંધ તૂટે અને કલ્પનાના મેઘધનુષમાં નિખરે વિવિધ રંગો. આ રંગો લેખમાળા સ્વરૂપે પ્રગટ થયા અને આજે એ વિચારયાત્રા અને સાહિત્યની સ્મરણ યાત્રાના પ્રસંગો યાદ કરતાં લાગે છે કે ઉર્મિઓના અવિરત પ્રવાહે સોનામાં સુગંધ ભળી, શબ્દોનો સાથ અને કલમનો ઠાઠ મળી સર્જાઈ મારી શબ્દયાત્રા.
  ભર્તૃહરિ નીતિશતકના 24 મા શ્લોકમાં કહે છે :
  जयंति ते सुकृतिनो रससिद्धा: कविश्वरा: ।
  नास्ति येषां यश: काये जरामरणजं भयं ।।
  એટલે કે મહાન કવિઓ, જેમની કૃતિ રસપ્રચૂર હોય તેઓ હંમેશા લોકોના હૃદયમાં સ્થાન પામે છે. તેમના દેહવિલય બાદ પણ તેમની કીર્તિ અને યશ લોકોનાં મન અને હૃદયમાં કાયમ રહે છે. આ વાત મુનશીજીને પણ એટલી જ લાગુ પડે છે. ભલે તેઓ કવિ નથી પણ રસપ્રચુર સાહિત્યના રચયિતા છે.
  આજે ગુજરાતની અસ્મિતા જ્યારે વિશ્વસ્તરે છવાઈ જતી હોય ત્યારે ગુજરાતની અસ્મિતાનું સ્વપ્ન જોનાર સૌ પ્રથમ વ્યક્તિવિશેષ એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી. ભારતીય વિદ્યાભવન એ માત્ર ઈમારત નથી. તેની ઈંટ ઈંટમાં સ્વપ્નદૃષ્ટા મુનશીના મૂર્તરૂપ બનેલા વિચારબીજ છે. આજે મારું પણ એક સ્વપ્ન તેમાં સામેલ છે.
  મારા સાહિત્યપ્રેમી સાથીઓ, કેવો સંયોગ રચાયો છે – એને હું અદ્ભુત યોગાનુયોગ કહું કે મુનશીજીની મરજી, મુનશીજી પરના મારા પુસ્તકનું પ્રાગટ્ય તેમના જન્મદિને, તેમની જ સ્થાપેલી સંસ્થા ભારતીય વિદ્યાભવનની ભૂમિ પર તારીખ 30 ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ થયું. આથી વધુ સૌભાગ્યની ક્ષણ કઈ હોઈ શકે? મારા પ્રથમ પુસ્તકના લોકાર્પણ સમારોહમાં ભારતીય વિદ્યાભવન અમદાવાદના ચેરમેન શ્રી મુકેશ પટેલ, પ્રખ્યાત લોકપ્રિય કવિ શ્રી કૃષ્ણ દવે, લેખક, પત્રકાર, કોલમ રાઈટર અને બીજું ઘણું બધું એવા મારા પરમ મિત્ર શ્રી પ્રદીપ ત્રિવેદી, દેશ વિદેશના સાહિત્યકારો, સર્વે મિત્રો અને પરિવારજનો, વિશેષરૂપે મારા બેંકના સાથીઓ, યોગના સાથીઓ ઉપસ્થિત રહ્યા.
  મુનશી ભગવાન કૌટિલ્યની પ્રસ્તાવનામાં ખૂબ સુંદર વાત કરે છે કે તેઓ પાત્રો સર્જતા નથી. પાત્રો પોતે જ બળજબરીથી સર્જાવા માંગે છે. તેઓ તો ફક્ત એ પાત્રના સર્જનના નિમિત્ત બને છે. મારી સાથે પણ કંઈક આવું જ બન્યું એમ કહું તો એમાં અતિશયોક્તિ નથી. એક વહેલી સવારે બેઠક, કેલિફોર્નિયાના આયોજક પ્રજ્ઞાબેન ફોન પર રણક્યા. તમારા પ્રિય લેખક કોણ? સવાલ અણધાર્યો હતો, પણ જવાબ ખૂબ સહેલો હતો. મિત્રો, તેથી જરા પણ સમય લીધા વગર પ્રજ્ઞાબેનને મારો જવાબ હતો -ઐતિહાસિક નવલકથાના કિંગમેકર, ગુજરાતની અસ્મિતાના ઉદગાતા, અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિખ્યાત અને સમર્થ સર્જક.- કનૈયાલાલ મુનશી -અને ત્યારે 30 /12/ 2019 ના રોજ મુનશી જન્મદિન સમારોહમાં મેં હાજરી આપી.. અને મનોમન નિર્ણય લેવાઈ ગયો. મુનશીના એ શબ્દ વૈભવ, સંસ્કાર વૈભવ ને સંસ્કૃતિ વૈભવની અનુભૂતિ જે મેં કરેલી તેના ઘુંટડાઓનું રસપાન સૌને કરાવી આજના ફાસ્ટ ફોરવર્ડના યુગમાં પણ મુનશીના સાહિત્ય વારસાની ઝલક આજની પેઢીને મળે એમ વિચારી આરંભ થયો મારી લેખમાળાનો- કલમના કસબી : કનૈયાલાલ મુનશી, અને જોતજોતામાં જેના 51 હપ્તા પણ થઈ ગયા. જે પહેલા બેઠક પર પ્રકાશિત થઈ અને હાલમાં વેબ ગુર્જરી પર પ્રકાશિત થઈ રહી છે જે હવે પુસ્તક રૂપે પ્રકાશિત થઇ.
  મુનશીના ખ્યાતનામ પુસ્તકોનો રસાસ્વાદ એટલે બત્રીસ ભોજન અને તેત્રીસ પકવાન. ઇતિહાસ, પુરાણ અને પૌરાણિક વાતો સાથે વર્તમાનને સાંકળી લઇ ઇતિહાસને જીવંત કરવાનો કસબ એ મુનશીની વિશેષતા છે. મુનશીએ ભૂતકાળમાંથી જીવંત ઇતિહાસના પ્રસંગો લીધા, વર્તમાન સમયને અનુરૂપ રસપ્રચુર ઢાળ્યા અને ભવિષ્યની પેઢી માટે સંસ્કૃતિવારસાનું સર્જન કર્યું. પણ મારે આપ સૌ સાહિત્ય રસિકો સાથે એ ક્ષણોની વાત કરવી છે જેને પ્રસ્તુત કરતા મેં અનુભવેલ હર્ષ અને રોમાંચ આજે તમારા સુધી પહોંચે.
   સાહિત્યના અદ્ભુત સર્જક, કલમના કસબી, શબ્દના શિલ્પી, ગુજરાતની અસ્મિતાના આરાધક એવા કનૈયાલાલ માણેકલાલ મુનશી મારા પ્રિય લેખક. શાળા જીવન દરમિયાન તેમને એક નહિ પણ અનેક વખત વાંચતી. પણ આજે ફરીને એક નવી નજરે મુનશીને વાંચવાનું શરૂ કર્યું. એ ઉંમરે એક વાચક તરીકે વાંચવું અને આ ઉંમરે એક લેખક તરીકે વાંચવું તેમાં જમીન આસમાનનો ફેર છે. આજે જ્યારે હું મુનશી વિશે લખું તો હવે એક એવી દ્રષ્ટિ છે કે વાચકને શું ગમશે, આજના સમયમાં વાચકોની અપેક્ષા શું છે સાહિત્ય પાસેથી, એવી કઈ વાતો છે જે વર્તમાન સમયમાં પણ પ્રસ્તુત છે, એવી કેટલીક જાણી અજાણી વાતોને ઉજાગર કરવી જે આ સાહિત્યના લેખનનો ભાગ હોય. લેખક વિશેની એવી માહિતી જેમાં વાચકને પણ રસ પડે. માટે જ આ પુસ્તકમાં વાચકને મુનશીજીના સર્જનના તમામ સાહિત્ય પ્રકારો – ઐતિહાસિક નવલકથા, પૌરાણિક ઐતિહાસિક નવલકથા, સામાજિક નવલકથા, નવલિકા, નાટક, આત્મકથા – તમામની ઝાંખી મળી રહેશે.
  એક ઝરણાને જેમ માર્ગ મળી જાય વહેવાનો તેમ મને પણ મારી અભિવ્યક્તિ માટે એક પ્લેટફોર્મ મળ્યું છે જેના માટે વિશેષ જરૂરિયાત છે ફક્ત આત્મચિંતન અને આત્મ મંથનની. ક્યારેક એવું બને કે મહાસાગર પાર કરવાની ક્ષમતા હોય અને એવામાં કોઈ નૌકા દેખાય અને થાય કે બસ હવે પાર ઉતરવું કોઈ મોટી વાત નથી. પણ ઝંખના અને ઉત્સાહને પણ જરૂર હોય છે કોઈ અનુભવી સુકાનીની. લેખક અને વાચક વચ્ચે એક અદ્રશ્ય કડી હોય છે તેનું જોડાણ લેખક માટે આનંદનો વિષય છે.

  મારી લેખમાળાના તમામ વાચકોનો તેમના પ્રેમ, પ્રોત્સાહન અને પ્રતિભાવ માટે હૃદયપૂર્વક આભાર માનું છું. મુનશીના સર્જનો પરનું આ અભ્યાસપૂર્ણ પુસ્તક સાહિત્યરસિકોને અને અભ્યાસુઓને ઉપયોગી થઈ પડશે એવી આશા. ફરી મળીશું અદ્ભુત રંગોના આસમાનમાં મોરપિચ્છની કલમને સાહિત્યમાં ઝબોળીને… ફરી કોઈ નવી રસ ગાથા સાથે…


  સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com

 • સરોવરના સગડ : ગુજરાતી સાહિત્યકારોનાં શબ્દચિત્રો

  પુસ્તક પરિચય

  પરેશ પ્રજાપતિ

  હર્ષદ ત્રિવેદી વિવિધ પ્રકારો અને વિષયો પર સતત હાથ અજમાવતા રહ્યા છે. 17 જૂલાઇ 1958ના રોજ ખેરાળી (જિ, સુરેન્દ્રનગર)માં જન્મેલા હર્ષદ ત્રિવેદીનું કાવ્ય ‘જો તમે સાંભરી આવો કોઇ વાર’ પહેલીવાર પ્રકાશિત થયું એ પછી તો તેમણે ‘એક ખાલી નાવ’ (1984) નામે આખો કવિતાસંગ્રહ આપ્યો. આ સંગ્રહને કવિ શ્રી જયંત પાઠક પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. તેમણે કેટલાંક કવિતાસંગ્રહો ઉપરાંત વાર્તાસંગ્રહ, નવલકથા, બાળવાર્તા, નિબંધલેખન તેમજ ઘણાં સંપાદનો કર્યા છે. ‘કુમાર’માં લોકગીત આસ્વાદ કરાવતી લેખમાળા ‘કંકુચોખા’ને 2017નો કુમારચંદ્રક પણ મળ્યો છે. તેઓ ઘણા સાહિત્યકારોના પ્રત્યક્ષ સંપર્કમાં આવ્યા હતા. એ દરેકની તેમના મનમાં કોઈ ને કોઈક રીતે અંકિત થયેલી છબી હતી. આ મનોછબીની આગવી શબ્દછબીમાં રજૂઆત એટલે હર્ષદ ત્રિવેદીનું પુસ્તક ‘સરોવરના સગડ’.

  ‘સરોવરના સગડ’માં ઉમાશંકર જોશી, કવિ રાજેન્દ્ર શાહ, ઉશનસ, ચંદ્રકાંત બક્ષી, દિલીપ રાણપુરા, વિનોદ ભટ્ટ સહિત કુલ ઓગણીસ સાહિત્યકારોનાં શબ્દચિત્રો છે. આ બધાં સાહિત્યકારોનું લેખકે નજીકથી દર્શન કર્યું છે. કેટલાંક સાથે અંગત ઘરોબો પણ કેળવાયો. આ દરમ્યાન પોતાના ચિત્તમાં ઉપસી આવેલી છબીને તેમણે શબ્દોમાં ઢાળી છે. શબ્દછબી ઉપસાવવા લેખકે આંતરિક ગુણોનાં, તો ક્યાંક બાહ્ય પહેરવેશનાં ઝીણવટભર્યાં વર્ણનનો સહારો લીધો છે. ક્યારેક વ્યક્તિની કથનશૈલી, તો ક્યાંક તેના વિશિષ્ટ ઉચ્ચારણોની વાત કરી છે. કોઇક સ્થળે વિશિષ્ટ કિસ્સા કે અનુભવો, તો ક્યારેક તેમના રહેઠાણનાં કે આસપાસના વર્ણનોની મદદથી લીધી છે.

  સ્વજનનું મૃત્યુ હંમેશાં પીડે છે. આ પુસ્તકમાં આલેખન પામેલા કેટલાક સાહિત્યકારોના બુઝાવાને આરે આવેલા યા બુઝાઇ ચૂકેલા જીવનદીપના સાક્ષી બનવાનું લેખકના નસીબમાં આવ્યું છે. આવાં લખાણોમાં લેખકે અનુભવેલી વ્યથા વાચકને પણ સ્પર્શે છે. એ જ રીતે મિત્રભાવે કરેલી મજાક કે મસ્તીના કિસ્સાઓ વાચકને હસાવી જાય છે. આ રીતે ક્રમશ: આગળ વધવાની સાથે જે તે વ્યક્તિની લાક્ષણિકતા પણ ઉજાગર થતી જાય છે. લેખકે નોંધ્યું છે કે તેમણે જે-તે સાહિત્યકારને પોતાની પંચેન્દ્રિયોથી જોયા અને અનુભવ્યા છે અને તેમનાં હૈયાએ જે પ્રતિભાવ આપ્યો તેને આધારે કોઇ રાગદ્વેષથી અંતર જાળવીને જ આ આલેખન કરાયાં છે.

  પુસ્તકમાં સમાવાયેલા ઓગણીસે સાહિત્યકારો વિશેનાં લેખન અંગત અનુભવો પર આધારિત હોવાથી શક્ય છે કે કોઇ વાચકને કોઇ સાહિત્યકારના સંપર્કમાં આવવાનું બન્યું હોય અને તેમને જુદો અનુભવ પણ થયો હોય! પરંતુ એવા કિસ્સામાં લેખકે છબી જે ‘ખૂણે’થી ઝીલી છે, એ ખૂણો જે-તે વાચકને નસીબ નહીં થયો હોય એમ કહી શકાય. આ બાબતે ખુદ રતિલાલ બોરીસાગરે ઉપોદ્‍ઘાતમાં સહર્ષ લખ્યું કે ઓગણીસમાંથી છ સિવાયનાં સહુને તે નજીકથી ઓળખે છે, છતાં લેખકના સગડનો આધાર લઇ જોતાં દરેકને જાણે પહેલી જ વાર મળ્યાનો અનુભવ થતો હતો!

  સાહિત્યકારોને નજીકથી જાણવા-માણવાનું નસીબ સૌને પ્રાપ્ત થતું નથી. તેથી ક્યારેક જે તે લેખમાં હર્ષદ ત્રિવેદીએ આપેલા કેટલાંક સંદર્ભો ન સમજાય તે શક્ય છે. પરંતુ, ઉપોદ્‍ઘાતમાં રતિલાલ બોરીસાગરે વિસ્તૃત વિવરણ આપ્યું છે. આ વિવરણ દ્વારા એક રીતે તેમણે વાચકોની આંગળી પકડીને દોરવાનું શુભ કાર્ય કર્યું છે અને એ કસર પૂરી કરી દીધી છે. ઉપોદ્‍ઘાતનું લખાણ પુસ્તક માણવામાં ખાસું મદદરૂપ નીવડે છે એ નોંધનીય છે. જે-તે સાહિત્યકાર વિશેનાં વિવિધ લેખોનાં મથાળાં ઘણાં અર્થપૂર્ણ છે.

  આ પુસ્તકમાં હર્ષદ ત્રિવેદીની લેખનશૈલીનો બરાબર અંદાજ મળે છે. તેમનાં લખાણમાં અજાણ્યા લાગે તેવાં પણ ઉંડાણવાળા શબ્દો વાંચવાની સાથે કેટલીક અર્થસભર શબ્દરમતો પણ વાંચવા મળી રહે છે. કેટલાંક ઉદાહરણો;

  • (મનુભાઇ પંચાળી) મનુદાદા જાણીને છેતરાતા અને છેતરનારાને જાણતા.
  • …જો કે ત્યારના નિરીક્ષકમાં અત્યારને મુકાબલે પ્રાવીણ્ય ઓછું અને પ્રામાણ્ય વધુ.
  • …પણ, ઇનામોની બાબતમાં કાવ્યબળ કરતાં ઘણી વખત કાળબળ મહત્વનું બની રહેતું હોય છે!
  • (રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત બાબતે) બંનેની તાસીર અને કવિતસવીર જુદી.
  • (અપરિણીત નિરંજન ભગતના સંદર્ભે) આગ અને રાગ બંનેને એ જાણતા હતા.

  લેખકે ઝીલેલી જે-તે સાહિત્યકારની છબી બાબતે સ્વયં કબૂલ્યું છે કે તે આખરી કે સંપૂર્ણ નથી જ. તેમણે સભાનતાથી લખ્યું છે કે ખાસ કરીને સર્જકોની હયાતીમાં લખવા જતાં સામા પક્ષે ન્યાયના અને પોતાના પક્ષે પ્રામાણિકતાના પ્રશ્નો ઊઠે. રતિલાલ બોરીસાગરે પણ તેને તંગ દોરડા પર સમતુલા જાળવીને ચાલવા જેવું અઘરું કાર્ય ગણાવ્યું છે. જો કે તેમણે આલેખનોમાં લેખક ઉત્તીર્ણ થયા હોવાનું સહર્ષ નોંધ્યું છે; એટલું જ નહીં, તેમની સરાહના કરતાં આ આલેખનોને રજનીકુમારનાં ‘ઝબકાર’ શ્રેણી, રઘુવીર ચૌધરીનાં ‘સહરાની ભવ્યતા’ કે વિનોદ ભટ્ટનાં ‘વિનોદની નજરે’ની પંગતમાં બેસે એવાં સક્ષમ ગણાવ્યા છે. આ પુસ્તક વાંચીને એટલું ચોક્કસ કહી શકાય કે લેખક હર્ષદ ત્રિવેદીએ વિવિધ સાહિત્યકારોને પોતાની આંખોથી જોવાની સાથે હૃદયથી અનુભવ્યા છે. આ લાગણીને લેખકે શબ્દોમાં સચોટતાથી વ્યક્ત કરી છે. એટલી સચોટ કે વાચક પોતાની સજ્જતાને અનુરૂપ એ ‘શબ્દછબી’ને ‘મનોછબી’માં પલટો કરાવી શકે! આ તદ્દન સંભવિત છે.

  *** * ***

  પુસ્તક અંગેની માહિતી:

  સરોવરના સગડ – લેખક: હર્ષદ ત્રિવેદી

  પૃષ્ઠસંખ્યા : 231
  કિંમત : રૂ. 220
  પ્રથમ આવૃત્તિ, 15 જુલાઇ 2018

  પ્રકાશક :  ડિવાઇન પબ્લિકેશન્સ, અમદાવાદ
  મુદ્રણ : યુનિક ઑફસેટ, અમદાવાદ

  વિજાણુ સંપર્ક: divinebooksworld@gmail.com

  વિજાણુ સરનામું :www.divinepublications.org


  પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com