વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

 • અભાગીનું સ્વર્ગ

  વાર્તાઃ અલકમલકની

  ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

  ઠાકુરદાસ મુખોપાધ્યાયના ઘરમાં એ દિવસે અત્યંત શોકનું વાતાવરણ છવાયેલું હતું. સાત સાત દિવસ સુધી તાવથી પીડાઈને એમની વૃદ્ધ પત્ની દેવશરણ થઈ હતી.

  આર્થિક-પારિવારિક અને સામાજિક રીતે સમૃદ્ધ એવા ઠાકુરદાસની પત્નીના અંતિમ પ્રસ્થાનની તૈયારી ચાલી રહી હતી. ઘરમાં ચાર પુત્ર, ચાર પુત્રીઓ, એમનો પરિવાર, પાડોશીઓનો સમૂહ, નોકર-ચાકરની ભીડ હતી.

  સેંથીમાં સિંદૂર, ભાલ પર ચંદનનો લેપ, પગમાં અળતો, મૂલ્યવાન વસ્ત્રોથી શોભી રહેલા મૃતદેહને જોવા કેટલાય લોકોની ભીડ જમા થઈ રહી હતી. પત્રપુષ્પ, સુગંધિત ફૂલોની માળાથી પ્રસરતી સુવાસ જાણે શોકમય વાતાવરણના બદલે કોઈ ઉત્સવની તૈયારી થઈ રહી હોય એવો આભાસ ઊભો કરતી હતી. શબ-યાત્રાની તૈયારી જોઈને એવું લાગતું હતું કે અંતિમ-યાત્રાના બદલે કોઈ ગૃહિણી પચાસ વર્ષે ફરી એક વાત પતિગૃહે પ્રસ્થાન કરી રહી છે.

  શાંત વદને બેઠેલા વયોવૃદ્ધ મુખોપાધ્યાયની આંખોમાંથી એમની ચિર-સંગિનીને અંતિમ વિદાય લેતી જોઈને સતત આંસુની ધાર વહે જતી હતી તેમ છતાં મન મક્કમ રાખીને સંતાનોને આશ્વાસન આપવાનો વ્યર્થ પ્રયાસ કરતા હતા.

  સવારનું શાંત વાતાવરણ “રામ-નામ સત્ય હૈ”ના ધ્વનિથી આંદોલિત થઈ ઊઠ્યું. પરિવારની સાથે ગામ આખાના લોકોએ એમને વિદાય આપવા અંતિમ સ્થાન તરફ પ્રયાણ આદર્યું.

  આ આખી ભીડથી થોડે દૂર કંગાલીની મા આ દ્રશ્ય જોઈ રહી હતી. પોતાના આંગણામાં ઊગેલા એક માત્ર રીંગણના છોડ પરથી ઉતારેલા રીંગણ વેચવા બજાર તરફ જવા એના પગ ન ઉપડ્યાં. તાજા તોડેલાં રીંગણ એના પાલવમાં બાંધીને એ શબ-યાત્રાની પાછળ જોડાઈ.

  આંખમાં વહેતાં આસું સાથે એ ગરુડ નદીના તટ પરના સ્મશાન ઘાટ પહોંચી. ત્યાં ઊભેલા પરિવારજનોની સાવ પાસે જવાની  હિંમત ન થઈ તો થોડે દૂરના ટીંબા પર જઈને વિસ્ફારિત આંખે  અંત્યેષ્ટિ માટે ખડકાયેલા ચંદનના લાકડાં, ઘી, ધૂપથી ઊઠતી ધૂણી એ જોઈ રહી.

  મોટી અને પહોળી ચેહ પર દેહ ગોઠવવામાં આવ્યો. અળતાથી રંગાયેલા પગ તરફ નજર જતાં જાણે આંખને ટાઢક પહોંચી એવું લાગ્યું. એને ઇચ્છા થઈ આવી કે દોડીને મૃતકના પગના અળતામાંથી એક બૂંદ લઈને એ પોતાના મસ્તક પર લગાડી દે.

  હરિનામ ધ્વનિ અને મંત્રોચ્ચાર સાથે માતાના દેહને દીકરાએ આગ મૂકી એ જોતાની સાથે કંગાલીની મા ના આંખમાંથી આંસુની ધાર વહી ચાલી. મનોમન એણે પ્રાર્થના કરી,

  “સૌભાગ્યવતી મા, તું તો સ્વર્ગે ચાલી પણ મને આશીર્વાદ તો આપતી જા કે હુ પણ કંગાલીના હાથે આમ દાહ પામું.”

  દીકરાના હસ્તે અગ્નિ સંસ્કાર કોઈ સાધારણ વાત નહોતી. પતિ, પુત્ર, પુત્રી-પુત્રવધૂ. પૌત્ર-પૌત્રીઓ, દાસ,દાસીઓ સમેત સંપૂર્ણ ગૃહસ્થીને ઉજાળીને સ્વર્ગારોહણ કરવું એ અત્યંત સૌભાગ્યની વાત હતી!

  હમણાં જ પ્રજ્વલિત થયેલી ધુમાડાની ઘેરી છાયા આછી થતી થતી આકાશને આંબવા મથી રહી હતી. એક નજરે એને તાકી રહેલી કંગાલીની મા ને આ છાયાની વચ્ચે નાના એવા રથની આકૃતિનો ભાસ થયો. આ રથની ચારેકોર અનેક ચિત્રો ઉપસી આવતા દેખાયા. રથની ટોચ અનેક ફૂલ-વેલથી સજાવેલી હતી. રથમાં બેઠેલી વ્યક્તિનો ચહેરો તો સ્પષ્ટ ન જોઈ શકી પણ એના સેંથાનું સિંદૂર, અળતાથી શોભતા પગ જોઈને કંગાલીની મા ફરી એક વાર રડી પડી.

  એને થયું આમ સૌની હાજરીમાં દીકરાના હાથે અગ્નિદાહ પામવાનું આ સૌભાગ્ય એનાય નસીબમાં હશે તો ખરુંને?

  અચાનક એકદમ ધ્યાનાવસ્થામાં સરી ગયેલી કંગાલીની મા નો પાલવ ખેંચાયો.

  “તું અહીં આવીને ઊભી છું, મારા માટે ભાત નહીં રાંધે મા?”

  પંદર વર્ષનો કંગાલી એના પાલવનો છેડો ખેંચીને એને સમાધિવસ્થામાંથી આ દુનિયામાં પાછી લાવવા મથતો હતો. “હા રે, કેમ નહીં રાંધુ, પણ પેલા રથમાં બેસીને એ બ્રાહ્મણી સ્વર્ગ તરફ જઈ રહી છે એ તો જો.” આકાશ તરફ આંગળી કરતા એ બોલી.

  “ક્યાં?“ આશ્ચર્યથી કંગાલી આકાશ તરફ જોઈ રહ્યો.

  “મા તું પાગલ થઈ ગઈ છો? ત્યાં તો માત્ર ધુમાડો છે અને હવે તો બપોર થઈ ગઈ છે. મને ભૂખ નહીં લાગતી હોય?” ભૂખના દુઃખથી ગુસ્સે થયેલા કંગાલીનો આક્રોશ મા પર ઠલવાયો અને તરત મા ની આંખમાં આંસુ જોઈને એ વ્યથિત થઈને બોલી ઊઠ્યો.

  “બ્રાહ્મણી મરી ગઈ છે મા, એમાં તું શાની રડે છે?”

  હવે કંગાલીની મા હોશમાં આવી. અન્યના સ્મશાનમાં ઊભા રહીને આમ રડવા માટે એને જરા લજ્જા આવી. તરત જાતને સંયત કરતા બોલી, “ના રે, મારે કોના માટે રડવાનું, આ તો ધુમાડાની અસરના લીધે આંખમાં પાણી આવી ગયા.”

  “હા, ધૂમાડો જ લાગ્યો હતો, તું ક્યાં રોતી હતી?” કંગાલીએ જરા મરડમાં કહ્યું. કદાચ દૂર ભડભડતી ચિતાના અગ્નિ  કરતાં જઠરાગ્નિનીની જ્વાળા એને વધુ દઝાડી રહી હતી.

  મા એ કોઈ વાદ-વિવાદમાં પડવાના બદલે કંગાલીનો હાથ પકડી લીધો અને ઘાટ પર પહોંચી. કંગાલીને સ્નાન કરાવીને પોતે પણ માથાબોળ સ્નાન કરી લીધું અને ઘરે પાછી વળી.

  સ્મશાન પર થતાં અંતિમ સંસ્કારની અંતિમ વિધિય જોવાનું પણ એના ભાગ્યમાં નહોતું.


  બંગાળી લેખક શરતચંદ્ર ચટોપાધ્યાયની વાર્તા “अभागी का स्वर्ग” આધારિત ભાવાનુવાદ


  સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

 • વોટ્સઅપ ઘર

  વ્યંગ્ય કવન

  વોટ્સઅપ ઘર

  રક્ષા શુક્લ

   

  વોટ્સઅપમા જઈ, ઝટ્ટ દઈ, લ્યો, ઘર લીધું પરબારું.

  વાનરની મૂળ જાત અને ઉપરથી પીધો દારુ.

   

  અહીં ઓટલો, અહીં ટેસડો, કહે ન કોઈ ‘ફૂટ્’,  

  છૂરી બગલમાં, જીભે રામ, વાણીવિલાસ લખલૂંટ.

  ફરે ટેરવાં ઉપર-નીચે, છૂટયો જાણે ખૂંટ,

  ટ્રાફિક, ટ્રાફિક, નો સિગ્નલ, ને પળપળ બદલો રૂટ.

   

  ખાખાખીખી, કાવાદાવા, કોઈ નથી બુઝારું.

  વોટ્સઅપમા જઈ, ઝટ્ટ દઈ, લ્યો, ઘર લીધું પરબારું.

   

  વાસી, ઉતર્યા ‘હાય’ અને ‘હેલ્લો’ને નાખ વખારે,

  વાતોના સૌ વડાં ખાય, હૈયું ભજીયાનું ભારે.

  ટગર ટગર કરીનાને જોતા ભાભો ઢોરાં ચારે,

  ચૂલે બેઠી પટલાણીને આંખ કદી ના મારે.

   

  કાચા ઘરની કઈ મેડીએ અજવાળું અવતારું ?

  વોટ્સઅપમા જઈ, ઝટ્ટ દઈ, લ્યો, ઘર લીધું પરબારું.

   

  હરુભરુંની ઐસી તૈસી, સ્ટીકર નિહાળી નાચો,

  નજરુંના કામણના ગાલે સીધોસટ્ટ તમાચો.

  ધોધમાર વરસાદ પડે પણ બંધ સાંકળે ખાંચો,

  સપનામાં કાગળની હોડી લઈને તર, તો સાચો.

   

  ‘મી ટુ’ની મંછા ડાકણથી ફફડે મંન બિચારું.

  વોટ્સઅપમા જઈ, ઝટ્ટ દઈ, લ્યો, ઘર લીધું પરબારું.


  સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

 • હૈયામાં હામ

  સરયૂ પરીખ

  સ્નેહ સરવરમાં આછો નિશ્વાસઆર્ત દેહલીએ વિલો વિશ્વાસ.
  આજ  મનડામાં  હિમાળો  શ્વાસચહે  દિલડું  હૂંફાળો ઉશ્વાસ.
  સખીહૈયુ બળે ને હામ ઓગળે.

  કેમ માપું મારા હેતની તનાળમારા કોઠાની હૈયા  વરાળ!
  ભલો મોર્યોતો આંબાનો કોરઝાંય લાગી તે શ્યામળી કરાળ.
  સખીહૈયુ બળે ને હામ ઓગળે.

  મેં તો કૂવો ઉલેચી કુસુમે ભર્યોતપ્ત તોરણ તાડપને નીરે ઝર્યો.
  બંધ મુઠ્ઠીમાં  બાંધ્યો પરપોટો,  હાથ ખોલું  ને તારો  બની સર્યો.
  સખીહૈયુ બળે ને હામ ઓગળે.

  ગ્રહણ આવ્યું હતું ને સરી ગયુંઘડીક આવીને કાળજ કોરી ગયું.
  કરમ કુંડળીમાં કરતુંગ્યું ભાતઆજ આતમમાં ઊજળું  પ્રભાત.
  સખીહૈયું હેલે ને હામ ઝળહળે.


  કંઈક ખોવાયાની નિરાશા પછી અંતરમંથન અને સ્વાર્થી ઈચ્છાઓને તજી,
  ફરી હિંમત જાગૄત કર્યાનો હરખ.        

   તનાળ =સાંકળ ;  કરાળ=ભયજનક


  સુશ્રી સરયૂ પરીખ – saryuparikh@gmail.com

 • વાદ્યવિશેષ : (૪) – કળવાદ્યો : એકોર્ડીયન [૧]

  ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

  પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

  ૧૯૫૦ થી ૧૯૭૦ સુધીના અરસાનાં હિન્દી ફિલ્મી ગીતોમાં આ વાદ્યનો ભરપૂર ઉપયોગ થયો છે. આમ તો આ ક્ષેત્રે પાશ્ચાત્ય વાદ્યોનો ઉપયોગ ૧૯૪૦ના શરૂઆતના ગાળામાં જ શરૂ થઈ ગયો હતો. પણ એકોર્ડીયનનો પ્રવેશ પ્રમાણમાં મોડો થયો.

  એકોર્ડીયનની કાર્યપધ્ધતિ હાર્મોનિયમ જેવી જ છે. એક છેડે આવેલી ધમણ જેવી રચનાથી વાદ્યના આંતરિક ભાગમાં હવા દાખલ કરવામાં આવે છે, જે અન્ય છેડેથી બહાર નીકળે તેના પરિણામે ધ્વનિ ઉત્પન્ન થાય છે. બહાર નીકળતી હવા ચાંપપટ્ટી/Keyboard માંથી પસાર થાય છે. આ રચનામાં જે તે કળ દબાવવાથી ધાર્યો સૂર વાગે તેવી વ્યવસ્થા હોય છે. નીચેની તસવીરોમાં ધમણ, મુખ્ય ઘટક અને ચાંપપટ્ટી સ્પષ્ટ જોઈ શકાય છે. આ વાદ્યને હાર્મોનિયમથી અલગ પાડનાર રચના બહુ વિશિષ્ટ છે. ડાબી બાજુની તસવીરમાં ધમણની ઉપર કાળાં અને જમણી બાજુની તસવીરમાં સફેદ બટન્સની હારમાળા જોઈ શકાય છે, જેને ‘બાસ બટન્સ’ કહેવામાં આવે છે. આ બટન્સની મદદથી ચોક્કસ સૂર અથવા વિવિધ સૂરોના સંયોજનની અસર નીપજાવી શકાય છે. તે ઉપરાંત વાદનની સાથે સાથે ચોક્કસ લય પણ બટન્સના ઉપયોગ વડે પેદા કરી શકાય છે.

  એકોર્ડીયનના મુખ્ય બે પ્રકાર છે. એક, જેમાં કળપટ્ટી બિલકુલ હાર્મોનિયમ જેવી જ હોય છે. તેને પિયાનો એકોર્ડીયન કહેવામાં આવે છે. ડાબી તસવીરમાં એ જોઈ શકાય છે. અન્ય પ્રકારમાં પરંપરાગત ચાંપોની જગ્યાએ બટન્સ હોય છે. એ પ્રકાર બટન એકોર્ડીયન તરીકે ઓળખાય છે.   આવો રચનાત્મક ફેર હોવા છતાં તે બેય પ્રકારોમાં કોઈ જ સૈધ્ધાંતિક ભેદ હોતો નથી. માત્ર વગાડવાની પધ્ધતિ અલગ પડે છે.

  સામાન્ય રીતે વ્યવસાયિક ધોરણે વગાડી શકાય તેવાં એકોર્ડીયન્સ ૮ થી લઈને ૧૩ કિલોગ્રામ્સ સુધીના વજનનાં હોય છે. વાદક કલાકારની સુવિધા માટે આ વાદ્યના બે સામેસામેનાં પડખે મજબૂત પટ્ટા લગાડેલા હોય છે. વાદક એક એક પટ્ટો પોતાના એક એક ખભા ઉપર લગાડી વાદ્યને ઉંચકી શકે છે અને પછી આસાનીથી વાદન કરી શકે છે.

  આ બન્ને પ્રકારનાં એકોર્ડીયન્સ વગાડવાની પધ્ધતિ બે કુશળ વાદકોની ક્લીપ્સ વડે સમજી શકાશે. પહેલી ક્લીપમાં વરિષ્ઠ વાદક અનિલ ગોડે પિયાનો એકોર્ડીયન ઉપર એક લોકપ્રિય ગીત વગાડી રહ્યા છે.

  આ ક્લીપમાં એક વાદક બટન એકોર્ડીયન ઉપર પાશ્ચાત્ય ધૂન વગાડી રહ્યા છે.

  વાદ્યની રચના અને વાદન પધ્ધતિ વિશે આટલી પ્રાથમિક માહીતિ મેળવ્યા પછી હવે કેટલાંક યાદગાર ફિલ્મી ગીતો સાંભળીએ.

  હિન્દી ફિલ્મી ગીતોના વાદ્યવૃંદમાં સર્વપ્રથમ એકોર્ડીયન વાદન કઈ ફિલ્મના કયા ગીતમાં થયું એ ચોક્કસપણે કહી શકાય તેમ નાથી. છતાં એક મત એવો છે કે ફિલ્મ ‘દાસ્તાન’ (૧૯૫૦)માં સંગીતકાર નૌશાદે પહેલ કરી. તે ગીત માણીએ.

  અન્ય મત મુજબ ફિલ્મ ‘સમાધિ’ના સદાબહાર ગીત ‘ગોરે ગોરે’ માટે સી. રામચન્દ્રના વાદ્યવૃંદમાં સૌ પહેલી વાર એકોર્ડીયન પ્રયોજાયું હતું. જો કે આ ફિલ્મ સહેજ મોડી પ્રદર્શિત (૧૯૫૧) થતાં યશ નૌશાદને ફાળે ગયો. મહત્વ કયા ગીતમાં એકોર્ડીયન પહેલું પ્રયોજાયું એ નથી, પણ એ યાદ રાખવા જેવું છે કે બેય ગીતોમાં એકોર્ડીયનના ખુબ જ કર્ણપ્રિય અંશો વાગ્યા છે.

  એક વાર સફળ પ્રવેશ થયો પછી ફિલ્મોનાં વાદ્યવૃંદોમાં બહુ નિયમિત ધોરણે એકોર્ડીયનનો ઉપયોગ થવા લાગ્યો.

  ૧૯૫૦માં આવેલી ફિલ્મ ‘જાદૂ’ના એક ગીતમાં એકોર્ડીયનના ટૂકડા ખુબ જ આકર્ષક છે. આ ગીતનું સંગીત નૌશાદે તૈયાર કર્યું હતું. આ ગીત દ્વારા ફિલ્મી સંગીતમાં એકોર્ડીયનનો પ્રવેશ થયો એવું પણ ઘણા માને છે.

  ૧૯૫૩માં આવેલી ફિલ્મ ‘આહ’નાં બધાં જ ગીતો એકદમ લોકપ્રિય બન્યાં હતાં. તે પૈકીનું એક એકોર્ડીયન પ્રધાન ગીત સાંભળીએ. સંગીતનિર્દેશન શંકર-જયકિશનનું છે.

  ફિલ્મ ટેક્સી ડ્રાઈવર’ (૧૯૫૪)ના આ ગીતમાં અદભુત એકોર્ડીયન વાદન છે. સંગીતકાર હતા સચીનદેવ બર્મન.

  ૧૯૫૭માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘જૉની વૉકર’ બહુ સફળ નહોતી થઈ. પણ તેમાં ઓ.પી.નૈયરનું સંગીત વખણાયેલું. એ ફિલ્મનું એકોર્ડીયનના યાદગાર અંશો ધરાવતું એક ગીત પ્રસ્તુત છે. આ ગીતમાં તાલ આપવા માટે ‘સ્ટીક્સ’ તરીકે ઓળખાતા ઉપતાલવાદ્યની હાજરી પણ સતત ધ્યાન ખેંચતી રહે છે.

  ફિલ્મ ‘હાવરા બ્રીજ’(૧૯૫૮)માં ઓ.પી.નૈયરનું સંગીત હતું. તેનાં બે ગીતો (આઈયે મહેરબાં અને મેરા નામ ચીં ચીં ચૂં) એટલાં પ્રસિધ્ધ થઈ ગયાં કે તે જ ફિલ્મનું ખુબ જ પ્રભાવશાળી એકોર્ડીયન વાદન ધરાવતું એક ગીત હાંસિયામાં ધકેલાઈ ગયું. વાદ્યસંગીતના જાણકારોના મતે આ જટિલ ટૂકડાઓ વગાડવા પડકારરૂપ છે અને કોઈ અત્યંત કુશળ કલાકાર જ તે સંપૂર્ણતાથી વગાડી શકે. આ ક્લીપમાં ગૂડી સિરવાઈ કે જેમણે મૂળ ગીતમાં વગાડ્યું છે તે અવારનવાર પરદા ઉપર પણ એકોર્ડીયન વગાડતા નજરે પડે છે.

  ૧૯૫૮ની જ ફિલ્મ ‘ફીર સુબહ હોગી’ના આ ગીતમાં એકોર્ડીયનના ખુબ જ કોમળ ટૂકડા કાને પડે છે. ફિલ્મના સંગીતકાર હતા ખય્યામ.

  કેટલાંક ગીતો સાથે એક વાદ્યનો પ્રયોગ એવી રીતે થાય છે કે તે વાદ્ય ગાયકીનું અવિભાજ્ય અંગ બની રહે. હેમંતકુમારનું સંગીતનિર્દેશન ધરાવતી ફિલ્મ ‘બીસ સાલ બાદ’ (૧૯૬૨)ના આ ગીતમાં મુખડાની ગાયકી સાથે એકોર્ડીયન જાણે કે વણાઈ ગયું હોય એ રીતે વાગતું રહે છે.

  ૧૯૬૨માં જ પ્રદર્શિત થયેલી રવિના સંગીત નિર્દેશન વાળી ફિલ્મ ‘ચાયના ટાઉન’ના આ ગીતમાં એકોર્ડીયન ઉપરાંત અન્ય વાદ્યો પણ વાગતાં રહે છે. પણ, અંતરાને સમાંતરે વાગતા ‘ઓબ્લીગેટો’ તરીકે ઓળખાતા અંશોમાં માત્ર અને માત્ર એકોર્ડીયનનો જ ઉપયોગ થયો છે. આ ગીતની ક્લીપમાં પણ ફિલ્મી વાદ્યવૃંદના પ્રતિષ્ઠિત વાદક ગૂડી સીરવાઈ અવારનવાર વાદન કરતા નજરે પડે છે.

  https://www.youtube.com/watch?v=t7tTei9K0WY

  ૧૯૬૮ની રાહુલદેવ બર્મનના સંગીતનિર્દેશન વાળી ફિલ્મ ‘પડોસન’ના બનાવેલા આ ગીતમાં એકોર્ડીયનનો એવો અસરકારક ઉપયોગ થયો છે કે તેના તરફ શ્રોતાઓનું ધ્યાન સતત ખેંચાતું રહે.

  ફિલ્મ ‘મીનુ’ (૧૯૭૭)ના ખુબ જ જાણીતા ગીતમાં પરદા પર અભિનેતાને હાર્મોનિયમ વગાડતા દર્શાવાયા છે. પણ હકીકતમાં ગીતના વાદ્યવૃંદમાં એકોર્ડીયનનો ઉપયોગ થયો છે. સંગીતકાર છે સલિલ ચૌધરી.

   


                                                                          (ક્રમશ🙂


  નોંધ :

  ૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

  ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.

  ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


  સંપર્ક સૂત્રો :

  શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
  શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

 • પુનર્જન્મ/રહસ્ય ગીતો – आयेगा आयेगा आयेगा आनेवाला

  નિરંજન મહેતા

  આપણી હિંદી ફિલ્મોમાં રહસ્યકથા અને પુનર્જન્મ પર આધારિત કેટલીયે ફિલ્મો બની છે અને તેમાં આવતા ફિલ્મીગીતો પણ તેને અનુરૂપ મુકાયા હોય છે.

  આ સંદર્ભમાં ૧૯૪૯ની ફિલ્મ ‘મહલ’ એ કદાચ આ પુનર્જન્મ/રહસ્યકથાવાળી સર્વ પ્રથમ ફિલ્મ ગણી શકાય. આ ફિલ્મનું જે રહસ્યમય ગીત છે તેને આજે પણ યાદ કરતા અને તે સાંભળતા તેની સાથે તાલ મેળવીએ છીએ.

  आयेगा आयेगा आयेगा आनेवाला

  મધુબાલા પર રચાયેલ આ ગીતના રચનાકાર છે નકશાબ જારવચી અને સંગીત આપ્યું છે ખેમચંદ પ્રકાશે. સ્વર છે  લતાજીનો.  આ ગીત બાદ લતાજીને બહુ પ્રસિદ્ધિ મળી હતી અને તેમનો સિતારો ચમક્યો હતો એમ મનાય છે.

  ૧૯૫૮ની ફિલ્મ ‘મધુમતી’ એક પુનર્જન્મને લગતી જાણીતી ફિલ્મ છે જેમાં દિલીપકુમાર પોતાના આગલા પ્રેમની વાત કરે છે અને સમજે છે કે આ જન્મમાં પણ તેને પૂર્વજન્મની પ્રેમિકાનો ભેટો જરૂર થશે.

  आजा रे परदेसी
  मै तो कब से खडी इस पार
  अखिया थक गई पंथ निहार

  વૈજયંતીમાલા આ ગીતના કલાકર છે. શૈલેન્દ્રનાં શબ્દોને સલીલ ચૌધરીએ સંગીત આપ્યું છે અને સ્વર આપ્યો છે  લતાજીએ.

  ૧૯૬૨ની ફિલ્મ ‘બીસ સાલ બાદ’ પણ બહુ પ્રખ્યાત રહસ્યકથા છે અને તેને અનુરૂપ ગીત પણ મુકાયું છે. બિશ્વજીત પર રચાયેલ આ ગીત હકીકતમાં તેને પોતાની તરફ ખેંચવા વહીદા રહેમાન પર રચાયું છે.

  कही दीप जले कही दिल
  जरा देख ले आ के परवाने

  શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત છે હેમંતકુમારનું. ગાનાર કલાકાર છે લતાજી.

  ૧૯૬૪ની ફિલ્મ ‘વો કૌન થી’નું ગીત એક રહસ્યમય ગીત છે

  जो हमने दास्तां अपनी सुनाई आप क्यों रोये

  મનોજકુમારને ઉદ્દેશીને સાધના આ ગીત ગાય છે. ગીતના સબ્દો છે રાજા મહેંદી અલી ખાનના અને સંગીત મદનમોહનનું. ગાયક કલાકાર લતાજી.

  ૧૯૬૪ની અન્ય ફિલ્મ ‘કોહરા’ એક રહસ્યમય ફિલ્મ છે જેમાં નીચેનું ગીત પાર્શ્વગીત તરીકે મુકાયું છે.

  ज़ूम ज़ूम ढलती रात
  लेके चली मुझेअपनी साथ

  વહીદા રહેમાન પર રચાયેલ આ ગીત હકીકતમાં તેને ડરાવવા માટે છે. ગીતના શબ્દો છે કૈફી આઝમીના અને સંગીત  હેમંતકુમારનું. સ્વર આપ્યો છે લતાજીએ.

  ૧૯૬૫ની ફિલ્મ ‘ગુમનામ’ રહસ્ય ફિલ્મોમાંની એક ઉત્કૃષ્ટ ફિલ્મ છે. અંગ્રેજી કથાનક પરથી બનેલી આ ફિલ્મનું આ ગીત પણ પાર્શ્વગીત છે જેનું સંગીત રહસ્યનો માહોલ ઉભો કરવામાં પણ સારો એવો ભાગ ભજવે છે.

  गुमनाम है कोई बदनाम है कोई
  किस को खबर कौन है अनजान यहाँ

  શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનું. ફરી એકવાર લતાજી આ ગીતના ગાયિકા.

  https://youtu.be/Kjyr9JYd3-I
  ૧૯૬૫ની અન્ય ફિલ્મ ‘પૂનમ કી રાત ‘ પણ એક રહસ્યમય ફિલ્મ છે,

  साथी रे तुज बिन जिया उदास रे
  ये कैसी उन्बुज प्यास रे आजा आजा

  મનોજકુમારને પોતાની તરફ ખેંચતી કુમુદ છુગાની પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને તેને સંગીત આપ્યું છે સલીલ ચોંધરીએ. સ્વર છે લતાજીનો.

  ૧૯૬૬ની ફિલ્મ ‘મેરા સાયા’ રહસ્યમય કથાનકવાળી એક અત્યંત પ્રચલિત ફિલ્મ છે

  तू जहा जहा चलेगा
  मेरा साया साथ होगा

  સાધનાનાં વિરહમાં સુનીલ દત્ત ઉદાસ હોય છે ત્યારે આ ગીત સાધના દ્વારા રજુ કરાયું છે જેના રચયિતા છે રાજા મહેંદી અલી ખાન અને સંગીત છે મદન મોહનનું. ગાયિકા ફરી એકવાર લતાજી

  આ જ ફિલ્મનું અન્ય ગીત છે

  नैनो में बदरा छाये बिजली सी चमके हाये
  ऐसे में बालम मोहे गरवा लगा ले

  વિગતો ઉપર મુજબની

  ૧૯૬૭ની ફિલ્મ ‘મિલન’ પુનર્જન્મને લગતી ફિલ્મ છે જેનું આ ગીત બે વાર આવે છે

  हम तुम युग युग से
  गीत मिलन के गाते चले

  સુનીલ દત્ત અને નૂતન પર રચાયેલ આ ગીતનાં શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે મુકેશનો.

  ૧૯૬૭ની અન્ય ફિલ્મ ‘રાઝ’નું આ ગીત પણ ફિલ્મના નામ મુજબ રહસ્યમય અર્થમાં આવે છે.

  अकेले है चले आओ जहाँ हो

  કલાકાર છે રાજેશ ખન્ના. શમીમ જયપુરીના શબ્દોને કલ્યાણજી આણંદજીએ સંગીત આપ્યું છે અને ગાયક કલાકાર છે  રફીસાહેબ

  https://youtu.be/IkrLvHqMv4A
  ૧૯૬૭ની વધુ એક રહસ્યમય ફિલ્મ છે ‘અનીતા’.

  तुम बिन जीवन कैसे बिता
  पूछो मेरे दिल से.

  ફરી એકવાર સાધના મનોજકુમારની જોડી આ ગીતમાં દેખાય છે. કલ્યાણજી આણંદજીએ રાજા મહેંદી અલી ખાનનાં શબ્દોને સંગીત આપ્યું છે અને તેના ગાયક છે મુકેશ.

  https://youtu.be/ScpgGscC1Ec

  આ જ વિષયના વધુ ગીતો આવતા મહીને.


  Niranjan Mehta

  A/602, Ashoknagar(old),
  Vaziranaka, L.T. Road,
  Borivali(West),
  Mumbai 400091
  Tel. 28339258/9819018295
  વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
 • પેરન્ટ : પૂરક કે પોષક

  ચેલેન્‍જ.edu

  રણછોડ શાહ

  શાળા સમાજની લઘુ આવૃત્તિ છે. દરેક કટુંબ એક અવૈધિક શાળા છે. પ્રત્યેક શાળા વિદ્યાર્થીનું બીજું ઘર છે. શાળા અને ઘર એક સિક્કાની બે બાજુઓ જેવાં છે. શાળાએ કુટુંબમાં રહેલ વાલીને પૂરક બનવાનું છે, તો વાલીએ બાળકના વિકાસમાં સહાયરૂપ ભૂમિકા ભજવવાની છે. આ સંજોગોમાં શાળા અને વાલીએ એકબીજા સાથે તાલમેલ રાખવો જરૂરી જ નહીં, અત્યંત આવશ્યક છે. જ્યારે બંનેએ કદમથી કદમ મિલાવીને ચાલવાનું હોય ત્યારે એકબીજાના ગમા-અણગમા ભૂલી જઈને ‘ગમતાનો ગુલાલ’ કરવાનો છે. શાળાનો વિકાસ વાલીની મદદથી જ થઈ શકે. શાળા સારી હશે તો તે સંતાનને જ ઉપયોગી બનવાની છે. તેવી સીધી સમજ વાલીમાં હોય તે આવકારદાયક છે.

  ઘેર પાલ્યના વાલી એક શિક્ષક છે. શાળામાં વિદ્યાર્થીના શિક્ષક તેના વાલી પણ છે. આ રીતે જોઈએ તો વાલી અને શિક્ષક વચ્ચે મધુર સંબંધ હોય તો જ બાળકની પ્રગતિ શક્ય બને. શાળાના સંચાલકોએ વાલીઓને માત્ર નામ-ઠામથી જ ઓળખવાના નથી, પરંતુ શાળામાં સદાય તેમનું સ્વાગત છે તેવો અહેસાસ કરાવવાનો છે. પ્રત્યેક વાલી શાળાની પસંદગી કરે ત્યારે તો તે શાળા તરફ સંપૂર્ણપણે હકારાત્મક જ હોય છે. શાળા વિશે સમાજમાંથી માહિતી પ્રાપ્ત કરીને જ બાળકનો પ્રવેશ લે છે. વાલી શાળા પાસે ખૂબ મોટી આશા અને અપેક્ષા સાથે આવે છે. તેને શાળાની ફિલોસોફી સાથે સહમતી હોય ત્યારે જ તે શાળા પસંદ કરે છે.

  શાળામાં આવતાં બાળકોના વાલીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં વિવિધતા હોય છે. વાલીઓ જુદીજુદી લાયકાતો ધરાવતા હોય છે. કેટલાકે ઉચ્ચ અભ્યાસ કરેલો હોય છે. તો અશિક્ષિત કે અર્ધશિક્ષિત વાલી પણ હોઈ શકે. વેપારી વાલી શાળામાં બાળકના પ્રવેશ માટે આવે, તો કયારેક નોકરિયાત પણ બાળકને શાળામાં દાખલ કરવા આવતા હોય છે. વાલીઓની આર્થિક સ્થિતિ પણ બહુ મોટો તફાવત હોય છે. શાળામાં આવતા વાલીઓ અલગ–અલગ જ્ઞાતિ, જાતિ કે ધર્મના હોય તે સ્વાભાવિક છે. આ તમામ તફાવતોની વચ્ચે શાળાએ વાલીઓને એકસૂત્રતાથી બાંધી સૌને સાથે રાખવાના હોય છે. બધા વાલીઓ સાથે એક સરખો સંબંધ અને વર્તણૂક રાખવાની સંપૂર્ણ જવાબદારી શાળાની છે. શાળાએ પ્રત્યેક વાલીને સમદૃષ્ટિએ જોવાના છે. અહીંયાં ભેદભાવથી મુક્ત સંબંધ બંધાય તે પાયાની શરત છે.

  બાલમંદિરમાં પ્રવેશ માટે આવે ત્યારથી લગભગ ૧૨ થી ૧૪ વર્ષ સુધી વાલીનો શાળા સાથે સંબંધ જોડાય છે. જીવનનાં સક્રિય વર્ષોની લંબાઈની દૃષ્ટિએ જોઈએ તો આ સમય જિંદગીના લગભગ ૧૫ થી ૨૦ ટકા જેટલા સમયગાળા માટે હોય છે. તે સંજોગોમાં બંને પક્ષે સમભાવ અને સહકાર હોય તે આવશ્યક છે. લાંબા અનુભવે સમજાયં છે કે પ્રત્યેક વાલી શાળાને મદદરૂપ થવા હંમેશા તત્પર જ હોય છે. ઍમિટી શાળામાં પચીસ વર્ષ પહેલાં ઉચ્ચતર માઘ્યમિક વિભાગ શરૂ થયો ત્યારે સાધનો ખૂબ ટાંચા હતા. આ વિભાગની શરૂઆત કરી ત્યારે શાળા સ્થાપનાને પણ માંડ પાંચ વર્ષ થયા હતા. વિજ્ઞાનપ્રવાહની શરૂઆત એટલે સૌ પ્રથમ પ્રયોગશાળા બનાવવાની જવાબદારી શાળાના પક્ષે આવે છે. જુલાઈ માસમાં પરવાનગી મળી હતી, તેથી સમય પણ ઓછો હતો. ઉચ્ચતર માઘ્યમિક વિભાગનું પ્રથમ વર્ષ હોવાથી માંડ ચોત્રીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. વાલીઓ વિજ્ઞાન પ્રવાહમાં ખૂબ કાળજીપૂર્વક પ્રવેશ લેતા હોય છે. કારણ કે અહીંયાંથી જ કારકિર્દીની પસંદગી કરવાની શરૂઆત થતી હોય છે.

  વાલીઓની સભા બોલાવી શાળા કઈ રીતે કાર્ય કરશે તેની સમજ આપવામાં આવી તથા તાત્કાલિક પ્રયોગશાળાની કામગીરી પૂર્ણ કરવાની રજૂઆત પણ કરી. પ્રયોગશાળા માટેનાં સાધનો તો ખરીદી કરીને લાવી શકાય પરંતુ ફર્નિચરનું શું? તે બાબતે મદદ કરવા વિનંતી કરી. એક વાલી તુરંત જ ઊભા થયા અને જણાવ્યું કે તેઓ તે જવાબદારી પોતાના શિરે લે છે. સભા બાદ વ્યકિતગત રીતે મળ્યા તો ખબર પડી કે તેઓ ફેબ્રિકેશનનું કાર્ય કરે છે. પ્રયોગશાળાના ટેબલની ડિઝાઈન તેમને બતાવવામાં આવી. લાકડાના પાટીયાંની સાઈઝ અને લોખંડના એંગલની ડિઝાઈન તેઓએ નક્કી કરી નાખી. માત્ર સાત દિવસમાં બધો સામાન આવી ગયો. વાલીશ્રી તેમના કારીગરોને લઈને શાળામાં આવી ગયા. તેઓએ રાતદિવસ જોયા વિના પ્રયોગશાળાના ટેબલો તૈયાર કરી નાંખ્યા. રસાયણશાસ્ત્રની પ્રયોગશાળામાં બેન્ચ અને ટેબલ રિએજન્ટ માટેના લોખંડના ઘોડા બનાવી ટેબલ ઉપર ફિટ કરી દીધા. વાલીશ્રીએ જાતે જમીન ઉપર બેસી લાકડાના ટેબલ ઉપર લોખંડના ઘોડા ફિટ કરી સૌને ગદગદિત કરી દીધા. જિંદગીપર્યત તેઓ શાળાનું અવિભાજ્ય અંગ બની ગયા. આજે પણ એ પ્રસંગ યાદ આવે તો રોમાંચ થાય છે.

  શાળા સંચાલકોની જવાબદારી માત્ર શિક્ષણ જ આપવાની નથી. વાલીઓ સાથે માનવીય વ્યવહાર કરવાનો અને સૌહાર્દપૂર્ણ સંબંધો પણ કેળવવાના હોય છે. શાળાના તમામ વિદ્યાર્થીઓને સમદૃષ્ટિએ નિહાળવાના હોય છે. કોઈની પણ સાથે ભેદભાવયુકત વ્યવહાર ન થાય તેની કાળજી રાખવાની હોય છે. શિક્ષકોના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોને કારણે શાળાની પ્રતિષ્ઠા વધવા લાગી. ઉચ્ચ ગુણવાળા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ લેવા લાગતાં વાલીઓનું સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્તર બદલાયું. એક દિવસ એક વાલી સભા ચાલી રહી હતી. સૌ સૂચનો કરતાં હતાં. તેમાં એક વાલી બાજુ ઉપર શાંતિથી બેસી રહ્યા હતા. ખાસ શિક્ષણ મેળવ્યું હોય તેવં લાગતું નહોતું, પરંતુ તેમનો ચહેરો તેમની નિખાલસતાને પ્રદર્શિત કરતો હતો. તેમની સાથે વાર્તાલાપ કરવાનું સભા ચાલતી હતી ત્યારે મનોમન નક્કી કરી લીધું હતું. સભા પૂર્ણ થયા બાદ તેમની પાસે જઈ ખબરઅંતર પૂછયા. તેમના સંતાનના અભ્યાસ બાબતે ચર્ચા કરી. તેઓએ જણાવ્યું કે તેઓ તો બહુ ભણ્યા નથી પરંતુ તેમની દીકરી સારું ભણે માટે આ શાળા પસંદ કરી છે. વિદ્યાર્થીની પણ બહુ તેજસ્વી નહોતી. અલબત્ત, મહેનતુ, નિયમિત અને સ્નેહાળ જરૂર હતી. અમે શકય તે તમામ મદદ કરવાનું વચન આપ્યું. તેમની આંખમાં આનંદના અશ્રુ ઉભરાઈ આવ્યાં. તેઓએ ધીરજથી સંકોચાતાં સંકોચાતાં પૂછ્યું કે શાળાને તેઓ કઈ રીતે મદદ કરી શકે? આર્થિક રીતે તો શકય નથી તેમ તેમણે જણાવ્યું. તેઓએ અત્યંત નમ્રતાપૂર્વક પણ સંપૂર્ણ લાગણીસહ જણાવ્યું કે પોતે ધોબીનો વ્યવસાય કરે છે. શાળાના સ્ટાફરૂમમાં જે ટેબલ ક્લોથ વાપરવામાં આવે છે તે તથા રસાયણ શાસ્ત્રની પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓ જે એપ્રન પહેરે છે તેને સમયાંતરે ધોઈ આપશે. અલબત્ત, તેઓ તેને માટે કોઈપણ પ્રકારનું મહેનતાણું સ્વીકારશે નહીં તેવી સ્પષ્ટતા બે હાથ જોડીને કરી ! સૌની પાંપણો ભીની થઈ ગઈ. જે શાળાને વાલીનો ઉત્તમ સહકાર પ્રાપ્ત થાય તે જ શાળા પ્રગતિ કરી શકે અને સમાજમાં સ્વીકૃત બની શકે.

  ખુદને જરા જોવાય ને, ત્યારે જીવાય છે!
  સંવાદ ખુદથી થાય ને, ત્યારે જીવાય છે!
  પીડ પરાઈ સાવ પોતીકી જણાય ને;
  ભીતર જરા ભીંજાય ને, ત્યારે જીવાય છે!</br/>
  ‘છાંયો મળે છે’ એમ ક્યાં વૃક્ષો લખે કદી?
  એમ જ કશું વ્હેંચાય ને, ત્યારે જીવાય છે.

  દક્ષા બી. સંઘવી

  વાલી અને શાળા વચ્ચે ઉત્તમ સંબંધો ત્યારે જ બને કે જ્યારે બંને એકબીજા સાથે નિખાલસ બને. છેલ્લા થોડાક વર્ષોમાં શિસ્તના પ્રશ્નો વઘ્યાં છે. બાળકો વહેલા મોટાં થઈ રહ્યાં છે. ડિજિટલ ઉપકરણોની સુવિધાને કારણે જાતીયતાની સમસ્યાઓ રોજિંદો ક્રમ બની રહી છે. બહુ જ ઓછા વાલીઓ સંતાનની મર્યાદા સમજવા અને સ્વીકારવા તૈયાર હોય છે. આ સંજોગોમાં પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ન હોય તો શાળામાં રોજ મહાભારત સર્જાય. આ સસયે વાલી અને શિક્ષકનો એકબીજા ઉપરનો ભરોસો ખૂબ ઉપયોગી બને છે. સમસ્યાજનક પ્રશ્નો ઉદ્‍ભવે ત્યાર પહેલાં જ એકબીજાને અવૈધિક રીતે મળવાનું થતું હોય તો ‘આઈસ બ્રેકીંગ’  ખૂબ સરળ બની જાય છે. એક સનાતન વાકય છે : ‘જ્યારે જેની જરૂર નથી ત્યારે તેને મળીએ તો જરૂર પડ્યે મળવામાં સંકોચનો અનુભવ થશે નહીં.”

  મોટાભાગની શાળાઓ વાલીસભા ટાળવાનો પ્રયત્ન કરે છે. કારણ કે સભામાં કોઈ વાલી ગમે તેમ બોલે તો વાતાવરણ બગડી જતાં બિનજરૂરી ઘર્ષણ પેદા થઈ જાય છે. કેટલેક અંશે આ વાત સાચી પણ છે. પરંતુ કાલ્પનિક ભયને કારણે વાસ્તવિકતાથી કેવી રીતે ભાગી છૂટાય. જો વાલીઓને વિશ્વાસમાં લેવામાં આવે તો એક વાલી ગુસ્સે થઈ અયોગ્ય વાત કરતા હોય તો અન્ય વાલી તેમને સમજાવે છે. વાલીઓને બોલાવી તેમના દ્વારા વાલીસભાનું સંચાલન થાય તેવું પણ ગોઠવી શકાય. આ સમય દરમિયાન શાળાની કોઈ મર્યાદા જાહેર થાય તો શાળાએ તેનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. ભવિષ્યમાં તે બાબતે કેવા પગલાં લેવામાં આવશે તેની જાહેરાત કરવી જોઈએ.

  એક વખત વાલીસભામાં માત્ર પ્રશ્નો કહેવા જ વાલીઓને બોલાવ્યા હતા. તેઓએ તેમની તથા પાલ્યોની મશ્કેલી સભામાં રજૂ કરી. શાળાએ તે નોંધ લીધી. છ માસ બાદ તેમને રજૂ કરેલ સમસ્યાઓના ઉકેલની માહિતી પરિપત્ર દ્વારા આપવામાં આવી. જે સમસ્યોઓના ઉકેલ આવ્યા હતા તેની જાણ કરી. કેટલાક પ્રશ્નો શાળા સંચાલક મંડળની મર્યાદા બહારના હોવાથી તેનો તાત્કાલિક ઉકેલ આવી શકે તેમ નથી તેની પણ લેખિત જાણ કરી.

  પપ્પા પોતાના વ્યવસાયમાં અત્યંત વ્યસ્ત હોવાથી તેઓ ઈચ્છે તો પણ વાલીસભામાં આવી શકતા નથી. માતાઓમાં શિક્ષણનં પ્રમાણ વધ્યું છે એટલે વાલીસભામાં બહુ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત હોય છે. આ બહેનો સાથે ઘરોબો કેળવવા શાળામાં ‘માતાઓની કલબ’ (Mother’s club) ની સ્થાપના કરી છે. આ મમ્મીઓ માટે વ્યકિતત્વ વિકાસના વર્ગો, અંગ્રેજી બોલચાલના વર્ગો, રમત-ગમત સ્પર્ધા કે રસોઈ કળાના વર્ગો વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરી તેમને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરવા જેવો છે.

  એક વખત શાળામાં સરકારી સેમિનાર હતો. તેમાં નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવાનો હતો. માર્ચ માસ હોવાથી વિદ્યાર્થીઓની મદદ લઈ શકાય તેમ નહોતી. શાળાના શિક્ષક ભાઈ-બહેનોએ વાલીઓની મદદથી કાર્યક્રમ રજૂ કરતાં એકબીજાની નજીક આવવાનું સરળ બની ગયું.

  શાળા સંનિષ્ઠ પ્રયત્નો કરે તો વાલીઓ ચોક્કસ જ મદદરૂપ બને છે. શાળાનું આ અવિભાજ્ય અંગ શાળાની મોટી મૂડી છે. વાલીઓ પણ સમાજસેવાના કામમાં મદદરૂપ થવા તૈયાર જ હોય છે. પ્રત્યેક વ્યકિતમાં કંઈક ને કંઈક સારાપણું હોય જ છે. તેને બહાર લાવવા શાળાએ પ્રયત્નશીલ રહેવાનું હોય છે. શાળા-કુટુંબના સહિયારા પ્રયત્નથી જ વિદ્યાર્થીઓના વિકાસના ઉચ્ચતમ શિખરો સર કરી શકાય.

  આચમન:

  સાર્થક બને છે જીવવું પણ મોતી છીપનું,
  એક બુંદમાં સૌ સત્ત્વ સાગરનું ભરી જવું,
  બીજી વળી જીવનમાં આકાંક્ષા ય હોય શું,
  ઊગી, ખીલી, મહેંકી અને છેવટે ખરી જવું!

  ગૌતમ વકાણી


  (શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )

  (તસવીર નેટ પરથી)

 • બાળ ગગન વિહાર – મણકો ૧૮ – વાત અમારી ડુલસેની

  શૈલા મુન્શા

  “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,
  ક્યાંક પંખી ટહુક્યુંને તમે યાદ આવ્યા”
   
  હંસાબેન દવેના સુમધુર કંઠે ગવાયેલું આ ગીત ભલે જેને યાદ કરીને હરિન્દ્રભાઈએ લખ્યું હોય પણ મને મારા નાનકડાં પંખીડા યાદ આવી ગયા જે બે ત્રણ વર્ષ અમારી પાસે રહી ઊડી જાય.
   
  રવિવારની સવારે અમારા હ્યુસ્ટનમાં એક કલાક ગુજરાતી કાર્યક્રમ આવે છે, અને જુના નવા ગુજરાતી ગીતો સાથે  દર વખતે કોઈ ખાસ વિષય પર વાર્તાલાપ થતો હોય. આજે રેડિયો ચાલુ કર્યો અને વાતનો વિષય હતો સ્પેસિઅલ નીડ બાળકો અને અમેરિકામાં એમને મળતી સગવડો.
   
  આવી જ એક પંખિણી ડુલસે મને યાદ આવી ગઈ.
   
  આજે મારે મારા ક્લાસની નટખટ, તોફાની અને સાથે સાથે ખુબ ચબરાક એવી ટેણકી ડુલસેની વાત કરવી છે. લગભગ ત્રણ વર્ષ પહેલાં સ્કુલના અંતભાગમાં એટલે કે માર્ચની શરૂઆતમાં એ અમારા ક્લાસમાં આવી. જેવા ત્રણ વર્ષ પુરા થયા ને ડુલસે દાખલ થઈ. અમેરિકામાં દિવ્યાંગ બાળકોને સ્કૂલમાં ત્રણ વર્ષ પૂરાં થાય અને દાખલ કરી શકાય જેથી આ બાળકોને વિશેષ સવલતો જેવી કે સ્પીચ થેરપીસ્ટ, ફીઝીકલ થેરાપી જેવી સગવડ મળવા માંડે. ડુલસે નાનકડી સ્પેનિશ છોકરી, નાનુ મોઢું ને સાવ હલકી ફુલ્કી. અંગ્રેજી ખાસ આવડે નહિ. એના ડાબા હાથમાં થોડી તકલીફ અને જીભ થોડી થોથવાય, એ કારણસર એ અમારા ક્લાસમાં.(ફિજીકલ એન્ડ સ્પીચ ડીસએબીલીટી).
  જ્યારે આવી ત્યારે દેખાવમાં ટેણકી પણ સ્વભાવે જમાદાર. નાની અમસ્થી પણ બધાને ભારે પડે. પહેલા દિવસથી જ જરા પણ ડર નહિ, જરાયે અજાણ્યું ન લાગે, વાતવાતમાં હાથ ઉપડે. ખાસ તો રમતના મેદાનમાં. બે વેંતની છોકરી, પણ  એનાથી મોટા છોકરાઓ વચ્ચે રમવા પહોંચી જાય અને કોઈ જરા એને હાથ લગાડે તો સામો જવાબ મળી જ જાય.
  ધીરે ધીરે ક્યારેક સમજાવટથી તો ક્યારેક સખત થઈને એની એ આદત અમે છોડાવી. ડુલસે જેટલી હોશિયાર બાળકી અમે જોઈ નથી. નવુ શીખવાની ધગશ એટલી કે ક્લાસમાં જેટલી પ્રવૃતિ કરાવીએ એમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે. સંગીત એને ખુબ ગમે અને જેટલા બાળગીત ગવડાવીએ એ બધા પુરા અભિનય સાથે ગાવાની કોશિશ કરે, અંગ્રેજી પણ ઝડપભેર શીખવા માંડી.
  એની એક ખાસિયત. જ્યારે પણ એને ગુસ્સો કરીએ એટલે મમ્મી મમ્મી કરીને રડવા માંડે પણ બે જ મિનિટમાં આવીને અમારી સોડમાં ભરાય, અમે જાણી કરીને એને દૂર કરીએ તો એવું મીઠું હસીને લાડ કરે, અથવા કોઈનુ પણ નામ આપી અમારૂં ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ કરે. “મુન્શા ડેનિયલએ મને માર્યું” અમને ખબર હોય કે ડેનિયલ તો એનાથી દૂર બેઠો છે, પણ એટલું કહીને  એવું ખિલખિલ હસી પડે કે અમારો ગુસ્સો પળમાં ગાયબ કરી દે.
   
  ડુલસેની પ્રગતિ જોઈ અમે બીજા વર્ષે એને બે કલાક માટે સામાન્ય બાળકોના ક્લાસમાં મોકલવાનું નક્કી કર્યું. થોડા દિવસ તો ઠીક ચાલ્યું, પછી ફરિયાદ આવવા માંડી, ડુલસે જમવાના સમયે કાફેટેરિઆમાં થી ભાગી જાય છે, ક્લાસમાં બાજુમાં બેસેલા બાળકની પેન્સિલ છીનવી લે છે, કોઈવાર મારવાનો પ્રયાસ કરે છે, વગેરે વગેરે….
   
  તરત જ કાઉન્સલિંગ શરૂ થયું અને નિદાન આવ્યું કે ડુલસે A.D.H.D.(Attention-Deficit/Hyperactivity Disorder.) બાળકી છે. આ બાળકો જેને આપણે ધ્યાન બહેરા કહીએ એવા હોય. પોતાનુ ધાર્યું થવું જ જોઈએ. કોઈ એમના પર ધ્યાન ન આપે તો ધ્યાન ખેંચવા અવનવી હરકતો કરે, માટે જ તો આ બાળકો અનોખા હોય છે.
   
  અમારા ક્લાસમાં લગભગ દસ થી બાર બાળકો હોય, જ્યારે સામાન્ય બાળકોના ક્લાસમાં પચ્ચીસ જેટલા.
  હવે તમે જ કહો, શિક્ષક ક્યાંથી વ્યક્તિગત ધ્યાન દરેક વખતે કેવી રીતે આપી શકે?
   
  ધીરે ધીરે સમજાવટ,સારા વર્તનનો શિરપાવ મળવાની એક બાંહેધરી થી ડુલસેમાં ઘણુ પરિવર્તન જોવા મળ્યું. વધુ સમય નિયમિત ક્લાસમાં રહેવા માંડી. આવતા વર્ષથી એ નિયમિત પહેલા ધોરણની વિધ્યાર્થીની બની જશે. ગઈકાલના બનાવે મને ભૂતકાળ યાદ કરાવી દીધો. હું ને ડુલસે કોમ્પ્યુટર પર બાળકોની કોઈ વેબસાઈટ ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, વારંવાર ક્લીક કરવા છતાં વેબસાઈટ ખુલતી નહોતી. ડુલસે મને કહી રહી હતી “Wait Ms. Munshaw, wait Ms. Munshaw,  ઘણીવાર થોડી રાહ જોવી પડે, પણ મારી ધીરજ નહોતી રહેતી, આખરે ગુસ્સામાં ડુલસે બોલી ઊઠી “Do you know WAIT”
   
  ડુલસેનુ આ રૂપ અને એની ધીરજે મને ત્રણ વર્ષ પહેલાની ડુલસે યાદ આવી ગઈ, ક્યાં તોફાની ડુલસે અને ક્યાં આજની ઠાવકી, ઠરેલ ડુલસે !!!!!!
  કેટકેટલા અનોખા બાળકો સાથે રહેવાનો, એમની સાથે સ્વનો વિકાસ કરવાનો અદ્ભૂત મોકો મને સાંપડ્યો છે!! આ દિવ્યાંગ બાળકોને યોગ્ય દોરવણી મળે તો એમની પ્રતિભા કેવી ખીલી ઊઠે છે એનો અનુભવ મને હમેશ થયો છે અને એમની નિર્દોષતાએ મને જીવવાનુ બળ આપ્યું છે!!!
  અસ્તુ,


  સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

  ઈ-મેલ: smunshaw22@yahoo.co.in

  બ્લૉગ: www.smunshaw.wordpress.com

 • કોઈનો લાડકવાયો (૧૨) ઓડીશાનો પાઇકા વિદ્રોહ

  દીપક ધોળકિયા

  ૧૮૧૭માં ઓડીશામાં અંગ્રેજી શાસન વિરુદ્ધ આગ ભડકી ઊઠી અને તે છૂટક છૂટક ૧૮૩૬ સુધી સળગતી રહી.  ૧૮૦૩માં  ઈસ્ટ ઇંડિયા કંપનીએ ઓડીશામાં પ્રવેશ કર્યો. એ જ વખતથી એની સામે વિરોધ શરૂ થઈ ગયો હતો. ખુર્દાના ગજપતિ રાજાના દરબારમાં જયકૃષ્ણ મોહાપાત્રા રાજગુરુ મુખ્ય પુરોહિત હતા. એ જયી રાજગુરુ તરીક ઓળખાતા. એમણે મરાઠાઓ સાથે  મળીને કંપનીને પડકાર ફેંકવાનું નક્કી કર્યું. પણ એમની યોજના છતી થઈ ગઈ. અંગ્રેજોના દબાણ નીચે રાજાએ એમને દરબારમાંથી પાણીચું પકડાવી દીધું અને અંગ્રેજોએ એમને પકડી લીધા. એમની સામે કેસ ચાલ્યો અને ૧૮૦૬ની છઠી ડિસેમ્બરે એમને મોતને ઘાટે ઉતારી દેવાયા. એ માત્ર ફાંસી નહોતી. કંપનીના અધિકારીઓ યાતના આપવાની મઝા પણ લૂંટવા માગતા હતા એટલે એમના પગ એક ઝાડની બે દૂર દૂરની ડાળીએ બાંધ્યા અને પછી ડાળીઓને છોડી દીધી, જયી રાજગુરુનું શરીર આમ બે ભાગમાં ચિરાઈ ગયું.

  ઓડીશામાં આમ ભારેલો અગ્નિ હતો.  આ પાશવી હત્યાના પડઘા દૂર દૂર સુધી પડ્યા. લોકોમાં અરેરાટીની લાગણી હતી. એ જ વખતે અંગ્રેજોએ પોતાની નવી મહેસૂલ નીતિ લાગુ કરી. પાઇકાઓ આમ તો ખેડૂતો હતા, પણ સામાન્ય ખેડૂતો નહીં,  ગજપતિ રાજવંશના રાજાઓ એમને સૈનિક તરીકે રાખતા. એમને હથિયારો પણ આપ્યાં હતાં. લડાઈ હોય ત્યારે પાઇકાઓ રાજાના સૈન્યમાં જોડાય અને તે સિવાય શાંતિના કાળમાં ખેતી કરે.  એમની જુદી જુદી શ્રેણીઓ હતી, જેમ કે, એક દળ ખાંડા-ઢાલ દળ હતું. આમ હથિયારો તો એમની પાસે હતાં જ. નવી મહેસૂલ નીતિ વિરુદ્ધ એમનો વિદ્રોહ એવો જોરદાર હતો ને બે-ત્રણ વર્ષ પહેલાં ઓડીશા સરકારે પાઇકા વિદ્રોહને પહેલા સ્વાતંત્ર્યસંગ્રામ તરીકે માન્યતા આપવાની માગણી કરી હતી.

  ૧૮૧૭ના માર્ચમાં પાઇકાઓ ખુર્દા શહેરમાં જગબંધુ બિદ્યાધર મોહાપાત્રાની આગેવાની હેઠળ એકત્ર થયા.  ખુર્દાના છેલ્લા રાજા મુકુંદ દેવ અને બીજા રાજાઓનો પણ સાથસહકાર મળ્યો. મુકુંદ દેવનાં રાજપાટ કંપનીએ ૧૮૦૪માં જ છીનવી લીધાં હતાં. અંગ્રેજોએ એમને પણ પકડી લીધા. એમનું જેલમાં જ ૧૮૧૭માં મૃત્યુ થયું.

  જગબંધુએ ૪૦૦ કાંધ (અથવા કોંધ) આદિવાસીઓને પણ વિદ્રોહમામ જોડ્યા અને ખુર્દામાં અંગ્રેજોની સત્તાનાં પ્રતીકો – કોર્ટકચેરીઓ, પોલીસ સ્ટેશનો અને સરકારી ઑફિસોને આગ લગાડી દીધી. કટકના મૅજિસ્ટ્રેટ ઈમ્પીએ લેફ્ટેનન્ટ કર્નલ ફારિસની સરદારી નીચે એક ટુકડી મોકલી પણ વિદ્રોહીઓ સાથેની લડાઈમાં ફારિસ પોતે જ મર્યો ગયો અને કંપનીને પીછેહઠ કરવી પડી. બળવાખોરોને દબાવી દેતાં એક મહિનો લાગી ગયો. જગબંધુ પોતાના સાથીઓ સાથે જંગલમાં ભાગી ગયા અને ત્યાંથી છૂટાચાવાયા હુમલા કરતા રહ્યા. અંતે જો કે કંપનીએ કબજો કરી લીધો પણ જગબંધુ છેક ૧૮૨૫માં પકડાયા અને ૧૮૨૯માં જેલમાં જ એમનું મૃત્યુ થઈ ગયું.

  પરંતુ પાઇકાઓનો રોષ  શાંત ન થયો. ૧૮૫૭માં પણ ઓડીશામાં વિદ્રોહીઓ માથું ઊંચક્યું. એમાં સંબલપુરના વિદ્રોહના નેતા વીર સુરેંદ્ર સાઈનું નામ આગળપડતું છે. એમના એક સાથી માધો સિંઘના ત્રણ પુત્રો અંગ્રેજો સામે લડતાં માર્યા ગયા અને મોટા પુત્રને જનમટીપ આપવામાં આવી. માધો સિંઘની પૌત્રીનો પતિ પણ શહીદ થયો, માધો સિંઘને પણ ૧૮૫૮માં ફાંસી આપવામાં આવી. એ વખતે એ ૭૨ વર્ષના હતા.

  ઓડીશામાં આ અરસામાં કાંધ આદિવાસીઓએ બે વાર બળવા કર્યા. એમના નેતાઓ હતા, ડોરા બિસોઈ અને ચક્ર બિસોઈ.

  ઓડીશાના આ બધા વીરોને શ્રદ્ધાંજલિ આપીએ.

  000

  દીપક ધોળકિયા:
  વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
  બ્લૉગ સરનામું: મારી બારી

 • મરવું હોય એ મરો, પણ અમારું તરભાણું ભરો

  ફિર દેખો યારોં

  બીરેન કોઠારી

  મૃત્યુ પ્રત્યેક મનુષ્યની નિયતિ છે, પણ તે કયા સમયે અને કયા સ્વરૂપે આવી પહોંચશે એની જાણ હોતી નથી, એટલે તેનો ડર લાગતો હોય છે. યમદૂત ઘણી વખત સાવ અણધાર્યા સ્વરૂપે આવી પહોંચતો હોય છે. જેને આપણે જીવનદાતા માની બેઠા હોઈએ એ પણ ક્યારેક યમદૂત નીકળે એમ બનતું હોય છે.

  પશ્ચિમ આફ્રિકાના ગામ્બિયા દેશમાં બેએક મહિના અગાઉ એક દુર્ઘટના પ્રકાશમાં આવી. છેલ્લા ત્રણેક મહિનામાં ૬૬ જેટલાં બાળકો કિડનીની બિમારીને કારણે મૃત્યુ પામ્યાં. આ મામલો જરા વિચિત્ર હતો. આથી તેના કારણની તપાસ ચાલી. એમાં નિદાન થયું કે તાવ માટે ઉપયોગમાં લેવાતા પેરાસીટામોલનું સિરપ પીધા પછી આ બાળકોની કિડની પર અસર થઈ હતી. દવા વિશેની સામાન્ય સમજણ ધરાવનાર પણ જાણે છે કે પેરાસીટામોલનો ઉપયોગ આપણે લોકો સાવ સામાન્યપણે કરતા હોઈએ છે. એ લેવા માટે ડૉક્ટરને પૂછવાની સુદ્ધાં જરૂર નથી જણાતી. પણ આવી, પ્રમાણમાં ‘નિર્દોષ’ ગણાતી દવાએ બાળકોની કિડની પર અસર કરી અને તેઓ મરણને શરણ થયાં. આમ તો આ મામલો ગામ્બિયા જેવા દૂરદેશાવરનો હોવાથી આપણાં પ્રસાર-પ્રચાર માધ્યમોમાં ભાગ્યે જ ચમકત, છતાં એમ થયું. કારણ? કારણ એ કે પેરાસીટામોલનું જે સીરપ બાળકોનાં મૃત્યુનું કારણ બન્યું હતું એનું ઉત્પાદન એક ભારતીય કંપની દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેની નિકાસ કરવામાં આવી હતી.

  દિલ્હીસ્થિત ‘મેઈડન ફાર્માસ્યુટિકલ્સ લિ.’ નામની કંપનીનું આ સીરપ જીવલેણ શી રીતે બની ગયું? ગામ્બિયાના સત્તાધીશોએ કામચલાઉ ધોરણે તમામ પ્રકારનાં પેરાસીટામોલ સીરપની આયાત અને વેચાણને બંધ કરવાનો આદેશ આપ્યો. તમામ ફાર્મસીમાંથી તેમજ ઘરોમાંથી પણ આ દવાને પાછી ખેંચવાના આદેશ અપાયા. આ દુર્ઘટનાની ગંભીરતાને કારણે ‘વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા’ (હુ) પણ કાર્યરત બની ગઈ. તેના દ્વારા ખાંસી અને શરદીનાં સીરપમાં ભેગ હોવાની શક્યતા દર્શાવવામાં આવી. એક લૅબ રિપોર્ટમાં ડાઈઈથીલીન ગ્લાયકોલ અને ઈથીલીન ગ્લાયકોલની ‘અસ્વીકૃત’ માત્રા તેમાં હોવાનું જણાયું, જે ઝેરી બની શકે છે અને કીડનીની જીવલેણ બિમારી માટે કારણભૂત બની શકે છે.

  નવાઈ લાગે એવી વાત એ છે કે લગભગ એ જ અરસામાં ઈન્‍ડોનેશિયામાં પણ આવા જ કિસ્સા બનેલા જણાયા. ત્યાં પણ ભારતીય બનાવટનાં કફ સીરપ લેવાને કારણે બાળકોની કીડની પર જીવલેણ અસર થઈ. આશરે ૧૪૩ બાળકોએ જાન ગુમાવ્યા. તેને પગલે તમામ પ્રકારનાં કફ સીરપના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ સીરપમાં પણ ડાઈઈથીલીન ગ્લાયકોલ તેમજ ઈથીલીન ગ્લાયકોલની ‘અસ્વીકૃત’ માત્રા હોવાનું માલૂમ પડ્યું. અલબત્ત, તેના ઉત્પાદક વિશે જાણકારી નથી.

  છેલ્લા અહેવાલ અનુસાર ગામ્બિયાએ ફેરવી તોળ્યું છે અને જણાવ્યું છે કે હજી આ બાળકોનાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

  આ સમયગાળામાં ‘હુ’ દ્વારા કરાયેલી જાહેરાતના પગલે ભારત સરકારે તેમજ હરિયાણા સરકારે ઉત્પાદક ‘મેઈડન ફાર્માસ્યુટિકલ્સ’ને પ્રતિબંધિત કરી છે. સ્વાભાવિકપણે જ આ દુર્ઘટના ભારતની ‘વૈશ્વિક  ફાર્મસી’ તરીકેની છબિને ગંભીર નુકસાન પહોંચાડનારી છે, આથી ભારત દ્વારા ‘હુ’ના વિસ્તૃત અહેવાલની રાહ જોવાઈ રહી છે.

  ગામ્બિયા અને ઈન્‍ડોનેશિયા બન્નેમાં લગભગ એક જ પ્રકારની દુર્ઘટના બની છે, જેનો ભોગ બાળકો જ બન્યાં છે. કોઈ ભારતીય કંપનીના ઉત્પાદનને કારણે જ આમ બન્યું છે કે કેમ એ તો સાચોખોટો અહેવાલ આવશે અને જાણવા મળશે તો મળશે. મૂળ સવાલ એ છે કે નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે કેવી બેકાળજી ઉત્પાદક કંપનીઓ દાખવે છે! ફરી પાછો એનો એ જ સવાલ સામે આવે છે કે અહેવાલમાં કોઈને પણ દોષી ઠેરવ્યા પછી જેમણે જીવ ગુમાવ્યાં એ પાછા આવવાનાં છે? અને ફરી વખત આમ નહીં બને એની કશી ખાતરી કોઈ આપી શકે એમ છે?

  ધારો કે, આપણા દેશમાં જ આવી કોઈ દુર્ઘટના બની હોત તો શું થાત? કલ્પનાને બહુ દોડાવવાની જરૂર નથી. સુરતમાં ‘તક્ષશિલા’ જેવી ગોઝારી આગની દુર્ઘટના કે તાજેતરમાં મોરબીનો પુલ તૂટી પડ્યાની દુર્ઘટનામાં ભોગ બનનાર પૈકી બાળકોની સંખ્યા ઘણી મોટી છે, છતાં નથી અસલી કસૂરવાર સામે પગલાં લેવાયાં કે નથી તેનું પુનરાવર્તન ટળે એ માટે ચુસ્તી દેખાડાઈ! જે પણ પગલાં લેવામાં આવેલાં છે એ થાગડથીગડ જેવા છે. એમાં સમસ્યાના મૂળ સુધી પહોંચીને એનો ઊકેલ વિચારવાનો ઈરાદો જણાતો નથી કે અસલી કસૂરવારને સજા કરવાની દાનત પણ હોય એમ લાગતું નથી! અને આ બધું ચોરીછૂપીથી નહીં, બેશરમીથી ઉઘાડેછોગ થઈ રહ્યું છે. દલપતરામની કાવ્યપંક્તિ ‘શોધી ચડાવો શૂળીએ, જાડા નરને જોઈ’ પોતાના સમયમાં જ નહીં, કદાચ સદાકાળ પ્રસ્તુત બની રહે એવી છે, જેની પ્રતિતિ આપણને વખતોવખત થતી રહી છે.

  કેવળ આપણા દેશમાં જ નહીં, સમગ્રપણે સંવેદનાનું સ્તર જાણે કે સતત ઘટતું જતું હોય એમ લાગ્યા વિના રહેતું નથી. બેજવાબદારીપણું બેશરમીપૂર્વક ઊજવવામાં આવી રહ્યું હોય એમ જણાય છે.

  કોઈ ને કોઈ દુર્ઘટનામાં થતાં સામૂહિક મૃત્યુ ખરેખર તો મંથનનું, અને તેને પગલે સંભવિત ભાવિ દુર્ઘટના નિવારવાનું નિમિત્ત બનવાં જોઈએ. તેને બદલે એ રાજકીય લાભ ખાટવાનો અવસર બની રહ્યાં છે. ગામ્બિયા હોય, ઈન્‍ડોનેશિયા હોય કે ભારત હોય, માનવસર્જિત ભૂલને કારણે મોતને ભેટેલાં બાળકોનો શો વાંક! ભૂલ ભલે ગમે એની હોય, સ્વજનો તો ગયાં જ ને! રાજકીય રંગનો કૂચડો ફેરવાશે એટલે આ દુર્ઘટનાઓ વિસારે પાડી દેવામાં આવશે.


  ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭-૧૧ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


  શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
  ઈ-મેલ: bakothari@gmail.com
  બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

 • કલમના કસબી:કનૈયાલાલ મુનશી : અડધે રસ્તે – ૩

  પુસ્તક પરિચય

  રીટા જાની

  ગત બે અંકથી આપણે વાત કરી રહ્યા છીએ મુનશીની આત્મકથા ‘અડધે રસ્તે’ની.

  પ્રેમ એ જીવનનું રસાયણ છે. પ્રેમ એ હૃદયની તરસ છીપાવતું અમૃત છે. પ્રેમ વાતાવરણમાં છે. એક દૃષ્ટિ, એક સ્પર્શ, એક કાર્યમાં પ્રેમ છે. જરૂર છે સભાન બની તેને અનુભવવાની. આપણે જ્યારે મુનશીની વાત કરતાં હોઈએ તો આપણે સૌ જાણીએ છીએ તેમના પ્રેમ ભરેલા પાત્રો વિશે ને કાક અને મંજરીના પ્રણય સંબંધ વિશે. ત્યારે પ્રશ્ન એ થાય કે  મુનશી પોતે અંગત જીવનમાં પ્રેમ, પ્રેમિકા ને પત્ની માટે કેટલા નસીબદાર હતા?

  જીવનસંગિની એ કોઈના પણ જીવનનો અતિ અગત્યનો હિસ્સો છે. મુનશીના સંસ્મરણોમાં છે કે તેમના માટે વહુની વરણી થતી હતી ને તેઓ સાંભળ્યા કરતાં, રસથી કે કેમ તે ખબર નહોતી. આખરે ચાર વર્ષની વહુ સાથે તેમના વિવાહ થયા ને લગ્ન સમયે તેની ઉંમર હતી આઠ વર્ષની. તે ગૃહસ્થ બન્યા, પાઘડી પહેરી ઘોડે ચડ્યા ને રડતી ધર્મપત્નીને પાછળ બેસાડીને લઈ આવ્યા.

  બાપાજી સુરતની બાજુમાં આવેલા સચીનના દિવાન નિમાયા. ત્યાં એક આઠ-નવ વર્ષની ગૌરવવંતી, તેજસ્વી, હેતાળ અને તોફાની  છોકરી હતી. નાના છોકરાઓ રમે એમ તેઓ બંને રમતા, લડતાં, રડતાં ને તોફાન કરતાં. પણ બાલ મુનશીની કલ્પનાએ એની આસપાસ કંઈ કંઈ સૃષ્ટિઓ ઘડી ને ભાંગી. ૧૯૦૩ માં ફરી ચાર દિવસ એ બાળાને મળ્યા  વાસ્તવિક રીતે તો એ સામાન્ય પ્રસંગ હતો પણ એ બાળાએ તેમની કલ્પનાનો કબજો લીધો. દિવસે તેનું હાસ્ય સંભળાય ને રાતે તેને દેખ્યા કરે. સાત વર્ષ થયાં બંને એકબીજાને ઝંખતા હતા. મુનશી નોંધે છે કે “અમે બંને પરણવા સર્જાયા હતાં. હું એના વિના તરફડતો હતો. એ મારા વિના ઝૂરતી હતી.” એ સ્મરણોના સમૃધ્ધરંગી ચિત્રો મુનશીએ  “વેરની વસૂલાત” માં ચીતર્યા છે તો તેના કેટલાક પ્રકરણોની જીવંતતા વર્ષોના આંસુ સીંચીને તેમણે ઉછેરી છે.

  એ વખતના શિષ્ટાચાર પ્રમાણે વહુ બાર વર્ષની થાય એટલે તેને સાસરે બોલાવી લેવાતી. અહીઁ વહુ શરીરમાં છેક નાની હતી ને એને ભણાવવાની કોઈ તસ્દી લેતું નહિ. સંસ્કારી સાસરિયામાં જે પ્રકારની રીતભાત જોઈએ તે કોઈ તેને શીખવતું નહિ. “ભાઈ” તો મોટી વિદ્વાન સ્ત્રીઓની વાતો કરતો ને તેનો વહુ તરફનો અણગમો વધતો હતો. “ભાઈ” ના વહુ વિશેના ખ્યાલ નાટકી હતા. એને તો સાથે ગાય, વગાડે ને અંગ્રેજીમાં વાતો કરે એવી વહુ જોઈએ. વહુ અભણ છે, મૂર્ખ છે, માટે હું એને નહિ બોલવું એવી વાત કરે ને ઘણીવાર તો “ભાઈ”  આંસુ પણ સારે. હેત અને કાળજીથી સાસુમા વહુ અતિલક્ષ્મીને ઘેર લાવ્યા ને તેના સંસ્કાર પરિવર્તનનું કામ માથે લીધું, જે પત્થર ઘડવા કરતા પણ કઠિન હતું. જે છોકરીના જીવનનો આધાર પોતે હતા, તેને દુઃખી કરવામાં પાપ દેખાતું. પણ એ પ્રતિજ્ઞા પાળતા તેમનો જીવ રહેસાઈ જતો. તેમને તો પ્રેમવિવાદ કરી શકે, કેન્ટ અને સ્પેન્સર વાંચી શકે એવી સહચરીની ઝંખના હતી. તેમને મળી લક્ષ્મી…જે તદ્દન બાળક હતી – શરીરે ,બુદ્ધિમાં, વિકાસમાં. આથી હતાશ થઈ તે રડતાં રહેતા. એટલું જ નહિ પણ તેમણે મરવાનો નિશ્ચય કર્યો. લક્ષ્મી નિર્દોષ, અજ્ઞાન ને શ્રદ્ધાળુ હતી. એની આંખોમાં સદાય ભક્તિ તરવરતી. એની સાથે ક્રૂર થઈ ન શકાય. તેથી જાત પર ક્રૂર બન્યા. એકલા એકલા આક્રંદ કરીને ધગધગતા શબ્દોમાં પોતાનું દુઃખ વ્યક્ત કરતા. તેઓએ વેદનાને આ રીતે નોંધી-”  …વેદના ને જીવલેણ દુઃખ હું સતત અનુભવું છું. મારો અભ્યાસ, મારી ખાસિયતો અને  રંગભૂમિના મારા શોખે મને બગાડી મૂક્યો છે. મેં બહુ ઊંચા આદર્શો સેવ્યા. મે સ્વપ્નાં જ જોયા કર્યા. તિલોત્તમા અને સાવિત્રી –  એ મારા આદર્શો. મેં તો સુંદર વાત કરનારી ને સાથે ગંભીર, વિચારશીલ ને સમસંસ્કરી પત્ની ઝંખેલી; પણ એ આશા તો હંમેશ માટે કચડાઈ ગઈ…” છેવટે બીજા કોઈ નહિ તો બા માટે માટે જીવવું એવું નક્કી કર્યું. તેમના સુખમય સંસાર પર અંધારું ફરી વળ્યું તો રાત અને દિવસના  દારુણ દુઃખ ન શમતાં હૈયાભંગ થયો. આના કારણે તેમનું  મન અશાંત રહેવા લાગ્યું અને રાતની ઊંઘ ઊડી ગઈ. પરિણામે તેઓ વાંચ્યા કરતાં. તેમણે તત્વજ્ઞાનના વાંચન ઉપરાંત ફ્રાન્સના વિપ્લવનો વિસ્તૃત અભ્યાસ કર્યો. હ્યુગોની કૃતિઓ વાંચી. દુમાની એકએક કૃતિ એકથી વધુ વાર વાંચી. ઉપરાંત વડર્ઝવર્થ, બાયરન, શેલી અને ટેનીસનના બધાં કાવ્યો વાંચી નાખ્યા.

  1902માં કોલેજમાં જવું તે આજે વિલાયત ભણવા જવા કરતાં પણ વધારે મોટુ સાહસ ગણાતું હતું. ઇ.સ. 1902 થી 1906 સુધી તેમણે વડોદરા કોલેજમાં બોર્ડિંગમાં રહીને અભ્યાસ કર્યો. નાટક જોવાનો શોખ ત્યાં પણ ચાલુ જ રહ્યો. કોલેજનું વાતાવરણ તેમણે “સ્વપ્નદૃષ્ટા” માં વર્ણવ્યું છે એટલું જ નહિ પણ તેમના મિત્ર “પી.કે.” અને પ્રો. શાહનું ચિત્ર પણ આપ્યું છે. તેમના સમયે કોલેજમાં અત્યંત પ્રભાવશાળી, વિદ્યાર્થીઓને પ્રેરણા આપી તેમના ભવિષ્યના જીવન પર સચોટ અને સ્થાયી અસર કરવાની શક્તિ ધરાવનાર બે શક્તિશાળી પ્રોફેસરો હતા. એક હતા તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાનના  પ્રોફેસર જગજીવન વલ્લભજી શાહ, જેમને પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ પક્ષપાત હતો. તેઓ ધાર્મિક અને નૈતિક જીવનના ચુસ્ત હિમાયતી હતા અને વિદ્યાર્થીઓને આડકતરી રીતે ઉપદેશ આપી તેમની દૃષ્ટિ મર્યાદા વિશાળ બનાવતા હતા. બીજા હતા અંગ્રેજી અને ફ્રેંચના પ્રોફેસર અરવિંદ ઘોષ. ફ્રેન્ચ વિપ્લવ વખતના વિચારતરંગોથી મુગ્ધ બની તેઓ મિરાબો, દાંતાં ને નેપોલિયનના પરક્રમોનું મનન ને  કીર્તન કર્યા કરતા. પહેલા જે ધર્મચુસ્ત હતા, હવે તેઓએ પાશ્ચાત્ય સંસ્કારોને વશ થઈ જનોઈ ને શિખાનો ત્યાગ કર્યો. સાથે સાથે દેશ અને દેશબંધુ માટે કંઈક ચિરંજીવ કરી જવાની ઈચ્છા જાગી. અરવિંદ ઘોષે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં ઝુકાવ્યું ને “વંદેમાતરમ્” નું તંત્રીપદ લીધું. તેમના લેખો અને તેમના ભાષણની વિદ્યાર્થી મુનશી પર ગહેરી અસર હતી. તેમના કોલેજકાળની ઘણી વાતો તેમણે “સ્વપ્નદ્રષ્ટા” માં વણી છે.

  પાંચ વર્ષનો કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી ગ્રેજ્યુએટ થયા ને અંગ્રેજીમાં “ઇલિયેટ” પારિતોષિક મળ્યું. શારીરિક દુર્બળતા એ મોટી મુશ્કેલી હતી. માંદગી દરમ્યાન યોગસૂત્ર સાથે ગીતા વાંચી. બંને ગ્રંથો સારી રીતે સમજવાની અશક્તિ છતાં સંયમ કેળવવાના પાંચ-છ શ્લોક અને બે -એક સૂત્રો તેમને સાંપડ્યા, જે સ્વસ્થતા જાળવવામાં ખૂબ ઉપયોગી થઈ પડ્યા. આ દરમ્યાન તેમણે ખૂબ વાંચ્યું અને નોંધપોથીમાં ઉતાર્યું.

  આ સાથે મુનશીજીની  આત્મકથાને અડધે રસ્તે વિરામ આપીએ.


  સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com