સંપાદકીય નોંધ:

વેબ ગુર્જરીના સમય પ્રત્રકમાં ઘણી વાર આકસ્મિક ખાલી જગ્યાઓ પડવાની સંભાવવાનાઓ સ્વાભાવિક છે. એ સમયે વિવિધ વિષયો વિશે અધિકૃત માહીતી મળી શકે તેવાં લેખો આવરી લેવાના આશયથી ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાનો આ ઉપક્રમ છે.

આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ  માટે જ છે તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો  ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.

સંપાદન મંડળ વેબ ગુર્જરી


ગુજરાતી વિશ્વકોશ : પરિચય

ગુજરાતી વિશ્વકોશ એ ગુજરાતી ભાષાનો પ્રથમ અને એકમાત્ર જ્ઞાનકોશ છે. આ જ્ઞાનકોશમાં વિશ્વભરનું વિવિધ વિષયોને લગતું જ્ઞાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેનું પ્રકાશન ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
બ્રિટીશ ઍન્સાઇક્લોપીડિયા જેવો ગુજરાતી ભાષામાં પણ જ્ઞાનકોશ હોવો જોઇએ તેવો સૌપ્રથમ વિચાર સંત પૂજ્ય શ્રી મોટાને આવ્યો. ગુજરાતીમાં વિશ્વકોશ તૈયાર કરવા માટે તેમણે ગુજરાત યુનિવર્સિટીને રૂ।.૧૦ લાખનું દાન આપ્યું. યુનિવર્સિટીએ આ માટે જુદો વિભાગ રચીને ડૉ. ધીરુભાઇ ઠાકરને તેનું કામ સોંપ્યું.[૧] પણ વધારાની સરકારી સહાય ઉપલબ્ધ ન થતા કામ આગળ ન વધ્યું. થોડા વર્ષો બાદ સાંકળચંદભાઇ પટેલે ભાષા પ્રેમથી પ્રેરાઇને આ માટે જરૂરી રકમ આપવાની બાંહેધરી આપી અને પુનઃ કામ શરું થયું. ત્યાર બાદ ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટની સ્થાપના થઈ. શ્રેણીક્ભાઇ કસ્તુરભાઇ તેના પ્રથમ મુખ્ય અધ્યક્ષ બન્યા. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ કામ કરવા માટે મકાનની સગવડ કરી આપી. તેમાં જરૂરી વ્યવસ્થા થતાં ૨ ડિસેમ્બર ૧૯૮૫ના રોજ વિદ્વાનો અને થોડા કર્મચારીઓના સ્ટાફ સાથે વિશ્વકોશ-નિર્માણની શુભ શરૂઆત થઈ.

૨૪ વર્ષના પુરુષાર્થના ફળસ્વરૂપ ગુજરાતી વિશ્વકોશના ૨૫ ગ્રંથોના ‘અ’થી ‘હ’ સુધીના ૨૬,૦૦૦ પૃષ્ઠોમાં માનવવિદ્યાના ૮,૩૬૦ વિજ્ઞાનના ૮,૦૮૩, સમાજવિદ્યાના ૭,૬૪૦ – એમ કુલ ૨૪.૦૮૩ અધિકરણો (લખાણો) સમાવેશ પામ્યાં છે. જેમાં ૧૧,૬૬૦ ચિત્રો અને આકૃતિઓ, ૭,૬૪૭ લઘુચરિત્રો, ૫૬૩3 વ્યાપ્તિ-લેખો અને ૨૪૬ અનૂદિત લેખોનો સમાવેશ થાય છે. આશરે ૧,૫૯૩ જેટલા લેખકો દ્વારા આ લખાણો તૈયાર થયાં છે. ૧,૭૩,૫૦,૦૦૦ જેટલી શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી ભાષાનો આ સર્વપ્રથમ વિશ્વકોશ છે.

ગુજરાતી વિશ્વકોષ એ ગુજરાતની અસ્મિતાને ઉપસાવી આપતો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન, વાણિજ્ય, ટૅક્નૉલૉજી, ઉદ્યોગ, વિશિષ્ટ વ્યક્તિઓ, સંસ્થાઓ અને ગુજરાતી પ્રજાની તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓનો વિગતસમૃદ્ધ રસપૂર્ણ અધિકૃત પરિચય કરાવવાનો અભિનવ પ્રકલ્પ છે.

વિશ્વકોશની યાત્રા વિશેષ આગળ ચાલતી રહી છે. તેના દ્વારા ‘બાળવિશ્વકોશ’ અને ‘પરિભાષાકોશ’ પણ તૈયાર થયા અને ‘બૃહદ્ નાટ્યકોશ’, ‘નારીકોશ’ અને ‘વિજ્ઞાનકોશ’ જેવા કોશ તૈયાર થઈ રહ્યાં છે. પુસ્તકો અને સામયિકના પ્રકાશન ઉપરાંત વ્યાખ્યાનશ્રેણી પણ ચાલે છે.

ગુજરાતી વિશ્વકોશનું પ્રકાશન થયા બાદ એનાં બે કે ત્રણ પુનઃસંસ્કરણ થયાં છે અને એના પુનઃસંસ્કરણમાં જરૂરી ઉમેરાઓ પણ કર્યા છે. જે તે વિશ્વકોશની રચના પછી ફરીવાર એનું પ્રકાશન થતી વેળાએ એનું પુનઃસંસ્કરણ થતાં વચ્ચે ઘણાં વર્ષોનો ગાળો વીતી જાય તે સ્વાભાવિક છે. આથી વિશ્વકોશની અહીં પ્રસ્તુત કરેલી માહિતીમાં કેટલીક માહિતી થોડા સમય અગાઉની હોય તે સ્વાભાવિક છે અને તેથી દરેક અધિકરણની ઉપર જે વર્ષમાં વિશ્વકોશનું પ્રકાશન થયું તેનું વર્ષ લખેલું છે. વિશ્વકોશના પચ્ચીસે ગ્રંથો ઑનલાઇન ઉપલબ્ધ થાય તે પહેલું કાર્ય સિદ્ધ કરવાનો પ્રયાસ પણ સક્રિય છે. એ પછી વિશ્વકોશનાં જુદાં જુદાં તજ્જ્ઞો દ્વારા એમાં જરૂરી શુદ્ધિ-વૃદ્ધિ કે સંવર્ધન કરવામાં આવશે.

આ સંદર્ભમાં કોઈ વિશેષ જાણકારી જોઈતી હોય તો વિશ્વકોશના ઈ-મેઇલ vishwakoshonline@gmail.com પર સંપર્ક કરી શકાય છે.