નયના પટેલ

શાંત સ્વભાવની બેલા એના રૂમમાં બેસીને કોમપ્યુટર પર એની કંપનીનું કામ કરતી હતી.

રીના બે વર્ષ પહેલાં જ્યારે બિમલને પરણીને આવી ત્યારથી એની નણંદ બેલાને આવી શાંત જ જોઈ છે. ઘણીવાર એની નજીક જવાનો પ્રયત્ન કર્યો પરંતુ દિવાલ સાથે માથું પછાડાયા જેવું થાય છે. બેલાની પોસ્ટ આવી હતી તે આપવા માટે રીના એના રૂમમાં આવી હતી.

‘દી, આ તમારી પોસ્ટ’ કહી વાત કરવી હોય એવા ભાવે બેલાના ખાટલા પર બેઠી.

‘થેંક્સ’ કહીને બેલાએ એનું કામ કરવાનું ચાલુ રાખ્યું.

રીનાને થયું એ એની સામે જોઈ તો આજે તો એને મેરેજ બ્યુરોમાં રજિસ્ટર થવા માટે આગ્રહ કરવો જ છે.

પણ બેલાએ તો જાણે રીનાને જોઈ જ ન હોય તેમ કામ ચાલુ જ રાખ્યું.

રીના અકળાઈને બોલી, ‘ દી, થોડો આરામ લો ને! સવારના સાડા આઠ વાગ્યાથી બેઠાં છો, આ દસ થવા આવ્યા. તમને ભાવતી કોફી બનાવી આવું?’

એકદમ સંયત સ્વરે બેલાએ કહ્યું, ‘ ના, રીના, આઈ એમ ફાઈન. હમણાં તું આવી તે પહેલાં જ ઊભા થઈને થોડી કસરત કરી છે.’

પછી રીના સામે જોઈ પૂછ્યું, ‘ તને કંઈ કામ છે? અને હોય તો ય બપોરે જમતી વખતે કરજે ને! હમણા ‘વર્કિંગ ફ્રોમ હોમ’ છે એટલે ઓફિસમાં હોઈએ એ પ્રમાણે કામ કરવું જોઈએ.’ કહી ફરી કામમાં મન પરોવ્યું.

રીનાને મોટેથી બોલવાનું મન તો થઈ આવ્યું, ‘ આમને આમજ દી, તમે ૩૫ વર્ષના થવાનાં અને…’એની વિચારમાળા અટકી કારણ બેલાએ એક શાંત નજર એની તરફ નાંખી. વગર કહ્યે સમજી જવાય એટલો સ્પષ્ટ એમાં જવા માટેનો આદેશ હતો!

રીના ગઈ.

અણગમાની એક પણ રેખા બેલાના મોં પર દેખાઈ નહીં છતાં રૂમમાં ક્ષણ માટે અણગમો એક મોજું બની તટસ્થ દેખાતાં વાતાવરણમાં ભળી ગયો.

હવે તો બેલા, લોકોની બોડી લેંગ્વેજ જોઈને જ સામેની વ્યક્તિ કયા વિષય પર વાત કરવા માંગે છે એ સમજી જતી.

વાસ્તવિક જીવનમાં બેલા જેટલી સ્વસ્થ દેખાય છે એટલી જ અંદરથી એ અસ્વસ્થ છે…..ના……અસ્વસ્થ નહીં, સાવ નિષ્પ્રાણ બની બેઠી છે.

એકલતાના સમુદ્રમાં તણાતી જતી બેલાના ભૂતકાળનાં વમળમાંથી નીકળવાનાં હવાતિયાં હવે શાંત પડી ગયાં છે અને આંખો બંધ કરીને બસ તણાતી જાય છે.

નાનાભાઈ બિમલને ગળે વળગાડી સાત વર્ષની ઉંમરે બેલા અચાનક મોટી થઈ ગઈ હતી.

છૂટકો જ નહોતો.

ભૂતકાળની અમુક વાતો જે કોઈને જ ખબર નથી, માત્ર બેલાએ જ જોઈ છે, સાંભળી છે અને અમુક અંશે અનુભવી છે તે બનાવો ચામડીની જેમ એને જડબેલાસક ચોંટી રહ્યાં છે. એને ખબર છે કે શરીરની ચામડી કદાચ ઉતરડી શકાશે પણ પેલી ભૂતકાળની બિભત્સ પણે ચોંટેલી ચામડી તો ક્યારે ય નહીં ઉતરડાશે.

મમ્મી – પપ્પાના કમોત વખતે નાનો ભાઈ બિમલ માત્ર ચાર વર્ષનો હતો. મા-બાપ વગરના બન્ને બાળકોને કોઈ રાખવા તૈયાર નહોતું. કાકા-કાકીઓ, મામા-મામીઓ, માસી-માસા સૌ ચૂપ ચાપ તેરમાની વિધિ પતાવીને આસ્તે આસ્તે ખસી ગયા હતા.  બેબાકળા બની ગયેલા બિમલને ગળે વળગાડી સાત વર્ષની બેલા ચૂપચાપ એક ખૂણામાં બેસી રહેતી, કોઈએ તો ખૂણો પાડવો પડે ને?

જ્યારે કોઈ બેસવા આવ્યું ન હોય ત્યારે છાને ખૂણે મમ્મીના સગા પપ્પાનો વાંક કાઢતા અને પપ્પાનાં સગા મમ્મીનો વાંક કાઢતા બેલાએ સાંભળ્યાં હતાં, એ બધો ભાર વેંઢારીને એ ઘરમાં ગુમસુમ ફર્યા કરતી.

મેનાફોઈને દયા વસી ખરી, ફોઈ થોડા દિવસ એમના ઘરે રહી અને કાકા-કાકીઓ અને મામા-મામીઓ સાથે બેઠકો કરી. આખરે બેલાને રાખવા એક મામા-મામી તૈયાર થયા પણ બિમલનાં તોફાનને જોઈને સૌએ નન્નો ભણી દીધો. આ બધી ચર્ચાઓ વખતે ચૂપચાપ એક ખૂણામાં બિમલને ગળે વળગાડી બેસી રહેલી બેલા, ખંડમાં પડેલા સન્નાટાને ખળભળાવતાં બોલી હતી, ‘ હું મારા ભાઈથી છૂટી પડવાની નથી.’

લ્યો!

હવે?

ફુઆની સખ્ખત નામરજી છતાં ય આખરે મેનાફોઈ, ‘ભાઈનાં નિરાધાર બાળકોને પોતાની પાંખમાં સમાવે નહીં તો આ કૂમળા બાળકો જશે ક્યાં?’ ના વિચારે બન્ને બાળકોને, મક્કમ નિર્ધાર સાથે પોતાને ઘરે લઈ ગયાં.

ફોઈને ત્યાં નિમાણા થઈને રહેવાની શરૂઆત સાથે બિમલના ધમપછાડાને ઓછા કરાવવામાં જ બેલાનું ધ્યાન રહેતું.

ફોઈ વડોદરા રહેતાં હતાં એટલે સારું થયું બેલાને એની જૂની સ્કુલે જવાનું નહોતું. સાત વર્ષની ઉમ્મરે મમ્મી – પપ્પાનાં મોતનાં દુઃખ કરતાં શરમ કેમ લાગે છે તે જ્યારે બેલાને સમજાવા માંડ્યું હતું ત્યારથી એના આંસુ એના મનની મરુભૂમિમાં શોષાય જવા માંડ્યા હતાં….અને છતાં ય મમ્મી ડગલેને પગલે યાદ આવતી! આવડી ટચુકડી બેલાએ મમ્મીના ઉદાસીના જગતમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો પણ, મમ્મીનાં કણસવાના અવાજનાં  ભણકારા સિવાય એ કંઈ જ પામી શકી નહોતી.

મમ્મી પાસે વાળ હોળાવતા રડીને ધમાલ કરતી સાત વર્ષની બેલાને, મમ્મી જતાં જ જાતે વાળ હોળતાં આવડી ગયું, વાસણ લૂછીને ગોઠવતાં શીખી ગઈ, સાંજનો કચરો વાળવાની જવાબદારી ઉઠાવી લીધી. ‘ફોઈ, લાવો હું બિમલને નવડાવું?’ કહી ફોઈને બને એટલી સહાય કરવા તત્પર રહેતી બેલાની સામે જોઈને ઘણીવાર મેનાની આંખ છલકાઈ જતી.

મેનાને માત્ર એક ૧૨ વર્ષની દીકરી રીચા હતી. શરૂઆતમાં આ બન્ને મામાના બાળકો ઘરમાં કાયમ માટે અચાનક આવી પડ્યાના બનાવે એ દિગ્મૂઢ બની ગઈ હતી. કેટલેક અંશે પોતાને અસલામત માનવા માંડી હતી. વળી એ સંદર્ભે એના મમ્મી પપ્પા વચ્ચે થતાં ઘર્ષણે પણ એને મુંઝવી.

બેલા – બિમલની જવાબદારી આવ્યા પછી મેનાએ જોબ છોડી દેવી પડી, ત્યારે ઘણી વખત ફુઆ અને ફોઈ વચ્ચે થતી બોલાચાલી વખતે ઓશિયાળી બનીને, ભાઈલાને લઈને બેલા ઓટલાના એક ખૂણે સંતાઈ રહેતી. ઘરની આર્થિક પરિસ્થિતિમાં સમાધાન કરવા મેનાએ ઘરે ટ્યુશન કરવા માંડ્યા હતાં. ફોઈના આગ્રહને લીધે બેલાએ સ્કુલે જવાનું શરૂ તો કર્યું પણ એ ઉમ્મરે સ્કુલે ભણતી વખતે પણ એનું ધ્યાન ઘરે ફોઈ પાસે રહેતા બિમલની આસપાસ ઘૂમ્યાં કરતું.

ધીમે ધીમે બધું થાળે પડવા માંડ્યું.

બિમલે ફરીને હવે વડોદરામાં બાલમંદિરે જવાનું શરુ કર્યું હતું. એના બાળ હૃદયને ખબર પડી ગઈ હતી કે મમ્મી અને પપ્પા હવે ક્યારેય આવવાના નથી. એના ધમપછાડા શાંત પડવા માંડ્યા હતા. રીચાએ પણ હવે આ બન્ને બાળકોને ઘરની વ્યક્તિઓ તરીકે સ્વીકારી લીધાં હતાં – માત્ર મેનાનો પતિ દીપક, એ લોકોને સ્વીકારી શક્યો નહોતો. એનો વિરોધ ધીમે ધીમે શાંત પડી ગયો હતો અને જીંદગીને સમથળ કરવામાં મેનાને સાથ આપવા તો માંડ્યો હતો. છતાં ક્યારેક  ‘કેમ મેનાએ એને પૂછ્યાં વગર આ નિર્ણય લીધો’ નો આક્રોશ એના વર્તનમાં આવી જતો.

ઘણી બધી રાતોએ બેલા અચાનક જાગી જતી, મમ્મીને ત્યાં હતી ને જાગી જતી તેમ!

પણ એ અવાજ એણે મેનાફોઈને ત્યાં ક્યારેય સાંભળ્યો નહોતો. પછી બધું બરાબર છે એમ લાગતાં એ ઘસઘસાટ સૂઈ જતી.

સમજણો થતો જતો બિમલ જ્યારે ઘરમાં કોઈ નહી હોય ત્યારે બેલાને પૂછતો, ‘ હેં, બેન આપણે આપણા ઘરે ક્યારે જઈશું?’

મોટા નિ:સાસાને અંદર સમાવી એ કહેતી, ‘તું અને હું જલ્દી ભણી લઈને એટલે અહીંથી દૂ……ર દૂર એક ઘર લઈને રહશું. પછી આપણે બન્ને ‘આટલું બધું કમાઈશું’(બે હાથ પહોળા કરીને) અને આરામથી રહીશું’

બન્ને ભાઈ બહેનનું આ એક સહિયારું સ્વપ્ન હતું.

ફોઈની દીકરી રીચાને જ્યારે જ્યારે એના પપ્પાકે મમ્મી સાથે લાડ કરતી જોતાં ત્યારે ત્યારે બન્ને બાળકો તરસી આંખ્યે જોઈ રહેતાં. મેનાફોઈનાં ક્યારેક પ્રત્યક્ષ અને ક્યારેક અપ્રત્યક્ષ વહાલે તો આ બન્ને ભાઈ-બહેનને મમ્મીનાં વહાલને વિસારવામાં મદદ કરી હતી અને જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એ વહાલની અમૂલ્ય કિંમત સમજતા થયા હતા.

૧૨મા ધોરણમાં આવેલી બેલાએ ટ્યુશન કરીને ફોઈને આર્થિક સહાયરૂપ થવાની શરૂઆત જ્યારે કરી ત્યારે મેનાની આંખો અનાયાસે વરસી પડી હતી!

બેલા બિઝનેસ મેનેજમેંટમાં જ્યારે આખા રાજ્યમાં ફર્સ્ટ આવી ત્યારે અત્યાર સુધી અળગા રહેતા દીપકે પણ એને અંતરથી અભિનંદી હતી.

ખેર, આ જ તકની રાહ જોતી હોય તેમ બેલાએ ગુજરાત બહાર નોકરી માટે અરજીઓ કરવા માંડી હતી.

ત્રણ ત્રણ જગ્યાએથી નોકરીની ઓફર આવી ત્યારે બેલા, એનાં પલટાતાં નસીબે આપેલા પ્રથમ અક્લ્પ્ય અચંબાની મારી રડી પડી હતી…..રીચા તો નવાઈથી એને જોઈ જ રહી હતી, ‘ બેલી, આટલા આનંદના સમયે રડે છે, મૂર્ખી!’

નસીબે પાસું બદલ્યું અને એણે પૂણેની નોકરી સ્વીકારી લીધી. બિમલ પણ કોંપ્યુટિંગ પ્રોગ્રામિંગમાં ડિગ્રી કરતો હતો. આટ આટલા વર્ષો સુધી જે ફોઈએ મમ્મી અને પપ્પાની ખોટ ન સાલે એનો ભરપૂર પ્રયત્ન કર્યો હતો, જે ફુઆને એ લોકોનું આગમન ગમ્યું નહોતું તો પણ કાઢી નહોતાં મૂક્યા- રસ્તે રખડતાં નહોતા કર્યા એમનો ઉપકાર માથે ચઢાવી અને રીચા તથા ફોઈને એક મોટું ‘હગ’ આપી બન્ને ભાઈ – બહેન પડખું બદલતાં નસીબ પર સવાર થઈને ચાલી નીકળ્યાં હતાં.

પૂણે સેટલ થયા પછી બેલાએ પાછળ વળીને જોયું નથી. નોકરીમાં પ્રમોશન, ઘર અને ભાઈલો બિમલ એ જ એનું કેંદ્રબિંદુ.

કોમ્પુટર પર કામ કરતાં હાથ ક્યારે અટકી ગયાં હતાં એ પણ બેલાને ખ્યાલ ન આવ્યો.

બિમલે આવીને એને પાછળથી વહાલ કરી , ગળે હાથ વિંટાળી, જમવા બોલાવી ત્યારે એ એકદમ ચમકી ગઈ.

‘શું થયું, બેની?’ બિમલે પૂછ્યું તો ખરું પણ એને ખબર છે કે બેલા અણગમતાં, કાંટાળા ભૂતકાળમાં સરી પડી હશે!

રીના જમી પરવારીને બેલાના રૂમમાં આવી, ‘ દી, મારે તમારી સલાહ જોઈએ છે.’ કહી સમાચારપત્ર વાંચતી બેલા પાસે ખાટલામાં બેઠી.

સંમતિસૂચક નજરે એણે રીના સામે જોયું.

‘દી, મને થાય છે હું નોકરી માટે એપ્લાઈ કરું તો કેમ?’

બેલાને મલકાઈને કહ્યું, ‘ મને શું પૂછે છે? તારા વર ને પૂછને.’

બિમલ તો કહે છે કે, ‘ભણી લીધું તો હવે થોડો સમય આરામ કર પછી આખી જીંદગી નોકરી કરવાની જ છેને!’

બિમલ અને રીનાના લગ્ન વખતે રીનાનું સાયકોલોજીમાં પી.એચ.ડીના રીસર્ચનું કામ ચાલતું હતું એ પતી ગયું હતું અને રીનાને હવે ડૉક્ટરેટ મળી ગયું હતું.

રીનાની સામે ખૂબ જ ઝળહળતી કારકિર્દી પડી હતી. અને બે મહિના આરામ કરીને હવે એ પુણેની એક  ખૂબ જ પ્રખ્યાત હોસ્પિટાલમાં સાઈકોલોજીસ્ટ તરીકે જોડાવા માટે ઉત્સાહિત હતી.

બેલા એની સામે વહાલથી જોઈ રહી.

‘તારું મન શું કહે છે એ કર.’

‘મારે તો બને એટલો જલ્દી જોબ શરુ કરવો છે, દી.’

‘તો શરુ કરી દે ને, બિમલે સૂચન કર્યું છે, ઓર્ડર થોડો કર્યો છે?’ કહી પેપરની ગડી વાળી બાજુ પર મુકી આળસ મરડ્યું.

‘દી, સૂઈ જવું છે?’ જે વાત કરવાનો નિર્ણય કેટલાય દિવસોથી કર્યો હતો તે બેલા સામે આવતાં જ પડી ભાંગતો.

બેલાનું વ્યક્તિવ્ય જ એવું હતું કે એની મરજી સિવાય કોઈ પણ વ્યક્તિ બેલાની નજીક જવા પ્રયત્ન કરે તો એની આસપાસ રચેલા કિલ્લાની બારી – બારણા વગરની દિવાલ સાથે અથડાઈને પાછા વળી જવું પડતું.

‘હા, થોડીવાર આડી પડી લઉં.’ કહી પથારીમાં લંબાવ્યું.

વાત કરવી કે નહીંની અવઢવમાં બેઠેલી રીના સામે જોઈ બેલાએ પ્રેમથી પૂછ્યું, ‘ શું કહેવું છે તારે, રીના?’ બોલવાની મંજુરી મળતાં જ રીના ખુશ થઈ ગઈ પણ ક્યાંથી અને કેવી રીતે વાત શરુ કરવી તેની મુંઝવણ એના ચહેરા પર લીંપાઈ ગઈ.

‘દી, છે ને તે તમે….. અમ…..’

મોઢા પર મલકાટ સાથે એ રીનાની મુંઝવણને જોઈ રહી.

‘તમે દી, મેરેજ બ્યુરોમાં…’ બોલીને રીના અટકી, બેલાના મોંના ભાવ કળવા પ્રયત્ન કર્યો.

‘કેમ રીના, હું તને ભારે પડું છું? અવાજમાં થોડી રમુજ સાથે એણે રીનાને પૂછ્યું.

‘ના, દીદી, પ્લીઝ, ડોન્ટ ટેઈક મી રોંગ. આઈ વુડ લાઈક ટુ સી યુ હેપ્પી, ધેટ્સ ઓલ.’

‘કોણે કહ્યું કે હમણાં હું ખુશ નથી? લગ્ન કરે તો જ સ્ત્રી સુખી થાય?’

ધારદાર જવાબથી રીના થોડી ઝંખવાણી પડી ગઈ.

રીના નિરાશ થઈને ઊઠવા જતી હતી એનો હાથ પ્રેમથી પકડી બેલાએ એને ફરી ખાટલા પર બેસાડી દીધી, ‘જો રીના, તારી લાગણીની હું કદર કરું છું. પણ …..’ બોલતાં અટકીને બેલા બારી બહાર તાકી રહી.સાતમા માળની બાલકનીમાંથી નીચે દેખાતાં સોસાયટીના સ્વિમિંગ પુલ પર એની નજર સ્થિર થઈ ગઈ.

પછી એક ઉદાસ નજર રીના પર ઠેરવીને બોલી, ‘ રીના, તું પાણીમાં તરવા માટે જાય અને પહેલે જ દિવસે ડૂબી જતાં જતાં બચી જાય. બીજે દિવસે હિંમત કરીને ફરી જાય, ફરી પાણીમાં કૂદે અને આગલા દિવસ કરતાં પણ ખરાબ રીતે ડૂબતાં ડૂબતાં બચી જાય, એમ વારંવાર થતું રહે તો તું ક્યાં સુધી તરવાનું ચાલુ રાખે?’

રીના, બેલાનો કહેવાનો અર્થ સમજી તો ગઈ છતાં કહ્યું, ‘ના, દી, થોડા દિવસ રહીને તરવાનું પડતું મુકું. પણ જીવનની વાત જુદી છે. પાણીમાં તરવું એ જરૂરી નથી પણ જીવન તો જીવ્યા વગર છૂટકો નથીને?’

‘તું તો સાઈકોલોજીસ્ટ છે, તને ખબર છે હું શું કહેવા માંગું છું. પાણીમાં તરવું ભલે જરૂરી ન હોય પરંતુ વારંવાર ગુંગળાવાનો અનુભવ ખૂબ વસમો છે, પછી તે પાણી હોય કે જીવન, રીના.’ કહી રીનાનો હાથ થપથપાવી ઓશીકે માથું ટેકવી સુવાની તૈયારી કરી.

જવા માટેના સંકેતને સમજીને રીના ઊઠી, ‘ દી, કોઈ દિવસ તમે મને તમારા દિલમાં ડોકીયું ન કરવા દો?’

હસીને બેલા પડખું ફેરવીને સૂઈ ગઈ.

એટલીસ્ટ ‘ગુંગળાવા’ની વાત કરી એ પણ દીદીની નજીક જવાની પગદંડી મળી હોય એટલી રીના ખુશ થઈ ગઈ.

આંખો મીંચી રીનાથી છૂટકારો તો મેળવ્યો પણ અંદરને અંદર વર્ષોથી ધરબાયેલા કંઈ કેટલાય પ્રસંગો અંતરની સપાટી પર આવવા મથતાં હતાં તેનાથી છૂટકારો ક્યારે મળશે?

મીંચેલી આંખને ગણકાર્યા વગર એક મોટ્ટો નિસાસો નીકળી ગયો.

અને બારણા બહાર પગ મૂકતી રીનાએ એ નિસાસો સાંભળ્યો. એ નિસાસાએ રીનાના નિશ્ચયને પ્રબળ બનાવ્યો – ‘દીદી, તમારા મનને ખાલી થવા દો, પછી જોજો એક નવી જ બેલા પ્રગટશે.’

એ વાતને ઘણા દિવસો – મહિનાઓ પસાર થઈ ગયા. રીનાને એની મનગમતી નોકરી મળી ગયાને ય છ મહિના થઈ ગયા.

એક દિવસ બેલાએ જોયું કે કેસ રિપોર્ટ લખતી રીના ખૂબ ગંભીર લાગતી હતી.

‘રીના, સાંજે શું ખાવું છે?’

‘તમને જે ભાવે તે બનાવો, દી’ રિપોર્ટ લખવાનું અટકાવી બેલા સામે જોઈને રીના બોલી.

‘રીના, તું રડે છે?’ રીનાની આંખો સુજેલી અને લાલ લાગી એટલે બેલાએ ચિંતિત થઈ પૂછ્યું.

‘દી, ચા બનાવશો, પ્લીઝ? પછી હિંચકે બેસી ચા પીતાં પીતાં વાત કરું. ત્યાં સુધીમાં આ થોડું લખવાનું પતાવી લઉં.’ કહી એક ઉદાસ નજર નાંખી ફરી રિપોર્ટ લખવાનું શરુ કર્યું.

રીનાને ‘ચા થઈ ગઈ છે’ ની હાક મારી, બેલાએ ચા અને ખારાં સક્કરપારાની પ્લેટ બાલકનીમાં રાખેલા ટેબલ પર મૂકી હિંચકા પર બેઠી. દૂર દૂર ખેતરોની હારમાળ હતી. લીલીછમ ધરતી આંખને ઠંડક આપતી હતી. ધૂળ ઊડાડતું ગાયોનું ધણ દૂરથી પસાર થતું હતું,

એને ‘ગોધૂલી’ શબ્દ યાદ આવ્યો. એ સાથે સારંગ યાદ આવી ગયો.

‘સારંગ’ લેખક હતો…….’હતો!’ બેલાથી એક દયામણું સ્મિત થઈ ગયું. જે પૃથ્વી પર ‘છે’ પણ એને માટે ‘હતો’ શબ્દ મનમાં આવ્યો!

બાજુમાં રીના આવીને બેઠી ત્યારે અચાનક બેલા ચમકી, ‘ ઓહ, તું આવી ગઈ? તારો રિપોર્ટ પત્યો?’ પોતાની ચમક છૂપાવવા એણે બે પ્રશ્નો સાથે પૂછ્યા એમ રીનાને લાગ્યું.

‘શું વિચારમાં પડી ગયા દી’?’

‘ખાસ કંઈ નહી. પેલું ગાયોનું ધણ દેખાય છે ને? એમના ચાલવાથી ધૂળ ઊડે છે તે જોઈને એક ખૂબ સરસ શબ્દ યાદ આવ્યો, એને ‘ગોધૂલી’ કહેવાય.

બેગ્લોરમાં જ ઉછરેલી રીના ગુજરાતી હોવાં છતાં એનું ગુજરાતી માત્ર બોલચાલ પૂરતું જ મર્યાદિત હતું.

‘વાહ, કેટલો સરસ શબ્દ છે!’

બેલાએ રીના સામે જોયું અને નોંધ્યું કે જાણે એ બોલવા માટે જ બોલી હતી. એનું ધ્યાન તો કશે બીજે જ હતું.

બેલા ઊઠી અને એક ચાનો કપ રીનાને આપ્યો, બીજો એણે લીધો અને સક્કરપારાની ડીશ વચ્ચે રાખી ફરી હિંચકે બેઠી.

રીનાને આવી શાંત ભાગ્યે જ બેલાએ જોઈ હતી.

એ રીનાને કાયમ પતંગિયા સાથે સરખાવતી. નિર્દોષ, ચંચળ અને સપ્તરંગ જેવી આનંદી!

બન્ને જણ ચૂપચાપ ચા પીતા રહ્યાં. એકદમ ફેવરિટ સક્કરપારાને રીનાએ હજી હાથ પણ નથી લગાવ્યો.

‘’બોલ, રીની, કેમ આટલી બધી ડિસ્ટર્બ દેખાય છે?’

‘હં…..દી’, હમણા જે કેસ મારી પાસે આવ્યો છે ને…..’ વાક્ય અધૂરું રાખી એ ક્ષિતિજ તરફ શૂન્ય નજરે જોતી રહી.

બેલા એના સ્વભાવ મુજબ શાંત રહી હિંચકાને ઠેસ મારતી રહી.

‘અમને કાઉંસેલિંગમાં શીખવવામાં આવ્યું હતું કે ‘તમે કાઉંસેલરો ભગવાન નથી કે ક્લાયંટનું દુઃખ દૂર કરી દો. તમે માત્ર જ્યારે  જે ક્લાયંટ વિચારોનાં વમળમાં ઘેરાયેલા હોય ત્યારે તેને તેમાંથી બહાર આવવામાં મદદ કરો છો. આખરે તો ક્લાયંટે જ એમના પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવાનું છે. એ લોકોની સંવેદનાથી તમારે ડિચેડ્ રહેવાનું’

થોડીવાર જમીન સામે જોઈને પછી બેલા સામે જોઈને બોલી, ‘ તમે જ કહો દી, આપણે આખરે તો  માણસ છીએને?’

સંમતિસૂચક માથું હલાવી બેલા રીના સામે જોઈ રહી.

‘ગયા મહિને અમારા વિભાગમાં એક છોકરીને દાખલ કરવામાં આવી. ઊંમર છે ૧૨ વર્ષની, એનો  કેસ મને સોંપ્યો. મનોવૈજ્ઞાનિક અભ્યાસ સાથે મારે એને કાઉંસેલિંગ પણ કરવાનું છે. અને એ જ તો મારો જોબ છે એટલે એ કંઈ નવું નથી.’

રીના આટલું કહી ચૂપ થઈ ગઈ અને આંખો મીંચી પાછળ માથું નાંખી બેસી રહી.

સાંભળવું એ પણ એક કળા છે અને એ કળામાં બેલા પરંગત છે.

સામે દેખાતાં ખેતરો પર અંધારાના ઓળા ઉતરી આવ્યા હતાં. તમરાં અને કંસારીઓના અવાજ શાંત વાતાવરણને સંગીતમય બનાવતા હતાં.

ચૂપ વાતાવરણને ખળભળવવાનું બેલાને ગમ્યું તો નહીં પણ સાંજના ખાવાનાની ચિંતા થવાથી એણે એનો મોબાઈલ ઉઠાવ્યો અને પિઝાનો ઓર્ડર આપ્યો.

ચૂપચાપ બેઠેલી રીનાએ બેલાનો હાથ પોતાના હાથમાં લઈને પંપાળ્યા કર્યો, જાણે સ્પર્શથી કહેવાનો પ્રયત્ન કરતી ના હોય!

‘શરૂઆતમાં એ છોકરી ખાટલામાં બેસી જ રહેતી. સૂવાનું કહીયે તો અમારી સામે જોયા કરે, કોઈ જવાબ ન આપે. લગભગ એ બેઠી બેઠી જ ઊંઘે. એક વખત એને નર્સે, જ્યારે એ ભર ઊંઘમાં હતી ત્યારે આસ્તેથી ખાટલામાં સુવાડી દીધી. કેટલાય દિવસથી એ છોકરી સરખી રીતે સૂતી નહોતી એટલે ઘસઘસાટ ઊંઘતી હતી. અમારા મેંટલહેલ્થનાં પેશંટોની શારીરિક તપાસ માટે જે ડોક્ટર આવે એણે ધીમેથી એ છોકરીનાં હૃદયનાં ધબકારા સાંભળવા સ્કેથેસ્કોપ એની છાતી પર મુક્યું…….અને દીદી………..


ભાગ ૨ ૨૧ -૦૫ -૨૦૨૩ ના રોજ


સુશ્રી નયના પટેલ:નાં સંપર્ક સૂત્રો
29, Lindisfarne Road, Syston,  Leicester, UK. LE7 1QJ
TEL: +44 7800548111 | E-mail: ninapatel47@hotmail.com