ભગવાન થાવરાણી

મહાન સ્વીડીશ ફિલ્મ – સર્જક ઈંગમાર બર્ગમેન ( ૧૯૧૮ – ૨૦૦૭ ) ની મારી પસંદગીની દસ ફિલ્મોના સવિસ્તાર રસાસ્વાદની આ શ્રેણીમાં આપણે આવી પહોંચ્યા દસમા અને અંતિમ મુકામ પર. આ આખરી મણકામાં આજે વાત કરીશું એમની અમર ફિલ્મ THE SEVENTH SEAL ( 1957 )[1] વિષે.

વિશ્વભરના અગ્રણી ફિલ્મ – વિવેચકો લગભગ સર્વાનુમતે આ ફિલ્મને વિશ્વની સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન આપે છે. કેટલાક તો એને વિશ્વની શ્રેષ્ઠ દસ ફિલ્મોમાં પણ ગણે છે ! ભારતીય ફિલ્મ – સર્જક અને વિવેચક અદૂર ગોપાલકૃષ્ણન કહે છે કે આ એક એવી ફિલ્મ છે જેને સબટાઈટલ વિના પણ માત્ર દ્રષ્યોના આનંદ ખાતર જોઈ શકાય !  બર્ગમેને જે પચાસથી ઉપર ફિલ્મો બનાવી એમાંની આ સત્તરમી ફિલ્મ, પરંતુ આ જ એ ફિલ્મ છે જેના થકી બર્ગમેન એક મહાન સર્જક તરીકે પહેલી વાર વિશ્વના ફલક પર સ્વીકૃતિ પામ્યા.

ફિલ્મ વિષે વાત કરીએ પહેલાં થોડીક વધુ વાતો બર્ગમેન વિષે. આજની પેઢી એમને બહુ યાદ નહીં કરે. એમની નિષ્પલક આંતર-ખોજકારક દ્રષ્ટિ દર્શકો પાસે ઉચ્ચ સમજણની અપેક્ષા રાખે છે. એમણે એમની ફિલ્મોમાં ભાગ્યે જ માનવીય પરિસ્થિતિઓની હળવી બાજુ ચીતરી કારણ કે એમની નજર હંમેશા એમણે જે રીતે જિંદગીને જોઈ એના પર કેંદ્રિત રહેતી. બર્ગમેન વિશ્વના એકમેવ એવા ફિલ્મ સર્જક છે જેમની મોટા ભાગની ફિલ્મો આત્મકથાત્મક હતી. એમની ફિલ્મો પરિપક્વ દર્શકો માટે હતી, એમના પોતાના જેવા ગંભીર લોકો માટે ! અન્ય કોઈ પણ ફિલ્મકાર કરતાં સવિશેષ – એમણે જ સિનેમાને એક ખરા કલા – માધ્યમ તરીકે પ્રતિષ્ઠા અપાવી. એમની ફિલ્મોના લિસ્ટ પર દ્રષ્ટિપાત જાણે શેક્સપિયરના સમગ્ર સાહિત્ય પર નજર નાખવા તુલ્ય છે. આપણને આશ્ચર્ય થાય કે એક જ માણસ એક જ જિંદગીમાં આટલું બધું ઉત્કૃષ્ટ કઈ રીતે સર્જી શકે ! ( અને ૧૯૫૭ ના એક જ વર્ષમાં એમણે આ THE SEVENTH SEAL ઉપરાંત લગભગ એ જ હરોળમાં ઊભી શકે એવી મહાન ફિલ્મ WILD STRAWBERRIES પણ બનાવેલી જેના વિષે આપણે આ જ શ્રુંખલામાં અગાઉ વાત કરી ચૂક્યા છીએ. )  આટલી બધી ફિલ્મો લખવા અને નિર્દેશિત કરવા ઉપરાંત એમણે વિપુલ પ્રમાણમાં નાટકો, રેડિયો અને ટીવી માટે પણ લખ્યું. પુસ્તકો લખ્યાં, આત્મકથા લખી, સમગ્ર વિશ્વનાં નાટકો વિષે ભણાવ્યું પણ ખરું. આશ્ચર્ય એ કે તેઓ જિંદગી આખી સ્વીડનમાં જ રહ્યા ! એમને વિશ્વાસ હતો કે એમના સર્જન વિષે જાણવા લોકો, ભાષા અને સંસ્કૃતિના અવરોધોને અતિક્રમીને એમના લગી પહોંચશે . એમને હોલીવુડની જરૂર નહોતી. એમને અંગ્રેજી ભાષા અને આંતરરાષ્ટ્રીય કલાકારોની પણ ખપ નહોતી સફળતા માટે ! સફળતાની એમની પોતાની વ્યાખ્યા હતી અને એ વ્યાખ્યામાં ‘ ભવ્ય સફળતા ‘ ને કોઈ અવકાશ નહોતો !

એ જન્મજાત સર્જક નહોતા. સાચા અર્થમાં સ્વ-નિર્મિત હતા. એમના પિતા એક કડક ( અને ક્યારેક નિર્દય પણ ! ) શિસ્તવાન પાદરી હતા. બચપણમાં એ સજા તરીકે ઈંગમારને કબાટમાં પૂરી દેતા ‘ જ્યાં ભલે ઉંદરો તારા પગના આંગળાં કાતરી જાય . ‘ બર્ગમેનની શરુઆતની ફિલ્મો એ આકરા બચપણની સ્મૃતિઓની ગવાહી છે. એ પોતે દૈનંદિન જીવાતા જીવનથી ખુશ નહોતા. એમની આ THE SEVENTH SEAL અને WILD STRAWBERRIES માં સમાનતા એ કે બન્ને ફિલ્મોના નાયકો જીવનના અંતની નજીક છે અને ‘ જીવનનો અર્થ ‘ પામવા નીકળી પડ્યા છે. વળી બન્ને ફિલ્મોમાં ઈશ્વરના અસ્તિત્વ અને મૃત્યુની અનિવાર્યતાની વાત પણ છે. પોતાની કારકિર્દીના મધ્યાહ્ને બનાવેલી આ બે ઉપરાંત અન્ય કેટલીક ફિલ્મોના હાર્દમાં એમની આ આધ્યાત્મિક ખોજ હતી.

ફિલ્મની વાત વિગતે કરીએ. ફિલ્મનું કથાવસ્તુ ચૌદમી સદીના મધ્યકાલીન યુરોપ – સ્વીડનમાં આકાર લે છે. આ એ ગાળો હતો જ્યારે યુરોપ દરેક મોરચે આફતોમાંથી પસાર થઈ રહ્યું હતું. પ્લેગ ( BLACK DEATH ) માં યુરોપની ૩૦ થી ૬૦ ટકા વસતી સાફ થઈ ગઈ હતી. એ ઉપરાંત દુષ્કાળ અને ફ્રાંસ અને ઈંગ્લેંડ વચ્ચેનું શતકીય યુદ્ધ પણ સામાન્ય પ્રજાની કમર તોડી ચૂક્યું હતું.

પોતાનો ગઢ અને પ્રેમાળ પત્નીને છોડીને ધર્મયુદ્ધ ( CRUSADE ) માટે નીકળી પડેલો ઉમરાવ એંતોનિયસ બ્લોક ( અભિનેતા મેક્સ ફોન સિંદો ) દસ અર્થહીન વર્ષો એ યુદ્ધમાં વેડફીને વતન પાછો ફર્યો છે. એ જીવનનો અર્થ પામવાની મથામણમાં છે. એની મૂંઝવણ એ છે કે આટલા બધા હાહાકાર અને તબાહી વચ્ચે પણ ઈશ્વર મૌન કેમ છે એની સાથે એનો સહાયક ( SQUIRE ) યોન ( અભિનેતા ગુન્નાર બ્યોર્નસ્ટ્રેંડ ) છે. ( આ બન્ને કલાકારો બર્ગમેનની અનેક ફિલ્મોના આધારસ્તંભ હતા. ) ચોમેર પ્લેગથી થઈ રહેલા ટપોટપ મોતના ચિત્કાર વચ્ચે આ બન્ને ઘોડેસ્વારો દેશમાં ફરીને અનાયાસ જેમના – જેમના સંપર્કમાં આવતા જાય છે એમની પાસેથી જાણ્યે – અજાણ્યે જીવનનો મર્મ સમજે છે. આ ગાથા એ સમજણની છે. એ લોકો જેમને મળે છે એ ચરિત્રોમાં જોફ ( અભિનેતા નીલ્સ પોપ )એની પત્ની મિયા ( અભિનેત્રી બીબી એંડર્સન )એમનો નાનકડો પુત્ર અને એમનો મેનેજર સ્કેટ છે. આ લોકો ગામેગામ ફરીને ખેલ અને અંગકસરતના દાવ થકી માંડ પેટિયું રળે છે. આ ઉપરાંત ગામનો લુહાર પ્લોગએની પત્ની લીસાદંભી ઉપદેશક પણ વાસ્તવમાં ચોર એવો રેવલજીવનથી ત્રસ્ત એવી એક મૂંગી યુવતી, જેના પર ડાકણ હોવાનો આરોપ છે અને જેને ધર્મગુરુઓ દ્વારા સળગાવીને મારી નાંખવાનો આદેશ અપાયો છે એવી એક નિર્દોષ સ્ત્રી અને ફિલ્મના અંત ભાગમાં દેખા દેતી બ્લોકની પત્ની કારીન – આટલા મુખ્ય પાત્રો છે.

પણ આ સૌમાં ફિલ્મનું સૌથી અગત્યનું પાત્ર રહી જાય છે એ છે મૃત્યુ ! સાક્ષાત મૃત્યુ પોતે ! ફિલ્મની શરુઆતના અદ્ભુત પ્રસંગથી મૃત્યુનો પરિચય મેળવીએ. દરિયાકિનારે શતરંજની બાજી ગોઠવી બ્લોક, બાજુમાં સૂઈ રહેલા પોતાના સહાયક યોનના જાગવાનો ઈંતેજાર કરે છે. અચાનક સામે કાળા વસ્ત્રોમાં સજ્જ મૃત્યુ પ્રગટ થાય છે ( અભિનેતા બેંગ એકેરોટ). આપણે એ બન્ને વચ્ચેનો સંવાદ જોઈએ :

બ્લોક :  કોણ છો તું

મૃત્યુ :  હું મૃત્યુ.

બ્લોક :  મને લેવા આવ્યો છો ?

મૃત્યુ :  હું ક્યારનો તારી પડખે જ છું.

બ્લોક :  જાણું છું. 

મૃત્યુ :  તૈયાર છો ને ?

બ્લોક :  હું તૈયાર છું, મારું શરીર ભયભીત છે !

મૃત્યુ એને પોતાના પાશમાં લેવા પોતાનો ઝભ્ભો ફેલાવે છે ત્યાં –

બ્લોક :  ઊભો રહે.

મૃત્યુ :  તમે બધા એવું જ કહો છો, પણ હું કોઈને સમય આપતો નથી !

બ્લોક : તને ચેસ આવડે છે, નહીં ?

મૃત્યુ :  તને કઈ રીતે ખબર

બ્લોક :  મેં ચિત્રોમાં જોયું છે. 

મૃત્યુ :  હા. હું કુશળ ખેલાડી છું. 

બ્લોક :  મારા કરતાં વધુ નહીં.

મૃત્યુ :  મારી સાથે કેમ રમવા માગે છે તું ?

બ્લોક :  એ મારો પ્રશ્ન છે. પણ હું તારો સામનો કરું, હારું નહીં ત્યાં સુધી મને જીવાડવાનો. જીતી જાઉં તો છોડી મૂકવાનો. કબૂલ ? ‘ મૃત્યુની હા સાંભળી બ્લોક સફેદ – કાળું મહોરું પોતાની મુઠ્ઠીઓમાં સંતાડી મૃત્યુને એક પસંદ કરવાનું કહે છે. મૃત્યુ હાથ મૂકે એમાં કાળું મહોરું નીકળે છે.

મૃત્યુ : ( મરકીને ) મને એ રંગ બરાબર માફક આવે છે. 

આ શતરંજની બાજી બન્ને વચ્ચે આખી ફિલ્મ દરમિયાન બન્નેના અનુકુળ સમયે ચાલતી રહે છે.

ફિલ્મમાં આ ઉમરાવ બ્લોક જેવું જ સુરેખ – સુસ્પષ્ટ પાત્રાલેખન એમના સહાયક યોનનું છે. એની પ્રકૃતિ પોતાના માલિક કરતાં સદંતર વિરુદ્ધ છે. પોતાના માલિકની ઈશ્વરના અકળ મૌનવાળી વાત એને વેદિયાવેડા લાગે છે. એ મૃત્યુને એક કડવી પણ નક્કર મજાક લેખે છે અને સ્પષ્ટપણે માને છે કે આપણે બધાએ એ મજાકમાંથી પસાર થવાનું જ છે. આપણે મૃત્યુ સાથે સંતાકૂકડી રમવી જ પડે જેમાં અંતિમ વિજય એનો જ થવાનો ! આ રમત સારી રીતે રમવી એટલે સારી રીતે જીવવું. આ માટે માનવીને એની ભૌતિક સ્થિતિમાં ચાહવો પડે. ધિક્કાર કે અલિપ્તતાથી નહીં ! એ જીવનને એક ઉજવણી માને છે. માલિકનો વિરોધી હોવા છતાં એ કાયમ એમની આમન્યા રાખે છે, છેલ્લા એક દ્રશ્યને બાદ કરતાં ! એ ચરિત્ર બ્લોક કરતાં મજબૂત છે કારણ કે એના વિચારોમાં સંશયને કોઈ સ્થાન નથી. એ પોતાની માન્યતાઓમાં મક્કમ છે. એ માનવીઓ પ્રત્યે હમદર્દી ધરાવે છે. એને જેહાદ – ધર્મયુદ્ધ સામે ચીડ છે. એ માને છે કે ‘ કોઈ મૂરખ આદર્શવાદી જ એમાં જોડાવાનું વિચારી શકે ! ‘ એનામાં વિનોદવૃતિ ઠાંસી – ઠાંસીને ભરી છે. ક્યારેક એ નિજાનંદમાં ગીતો લલકારવા માંડે છે ઘોડે બેઠો – બેઠો ! એના માલિકને ગીતો પ્રત્યે અણગમો હોવા છતાં ! ફિલ્મમાં પ્લોગ જ્યારે એને પૂછે છે કે ‘ આટલો બધી સલાહ આપો છો તો એમાં પોતે માનો છો ખરા ? ‘ ત્યારે જવાબમાં કહે છે કે ‘ બિલકુલ નહીં, પણ કોઈ એક સલાહ માંગે તો હું બે આપું. નહીંતર હું વિદ્વાન કેમ ગણાઉં ? ‘ બર્ગમેનના અમર પાત્રોમાંનું એક પાત્ર.

બન્ને ઘોડે બેસી ભમે છે અને રસ્તે અકાળ મૃત્યુ પામેલા માનવ – કંકાલો જૂએ છે. એ દરમિયાન જ ગામના પાદરે પડાવ નાંખી પડેલા અને અનેક અભાવો છતાં જીવનને મોજથી જીવતા જોફ, મિયા અને એમના શિશુને જૂએ છે. એ લોકો ગામેગામ ફરી પોતાનો ખેલ કરી પેટિયું રળે છે. પ્લેગના આતંક વચ્ચે ગામલોકોને એમના તમાશામાં કોઈ દિલચસ્પી નથી. બન્ને સરળ, પારદર્શક અને જીવનને દિલોજાનથી ચાહતા લોકો છે અને પોતાના પુત્રના ભાવિ અંગે સોનેરી સપનાં સેવે છે. જોફ તો એવો સ્વપ્નસેવી છે કે જાગૃત અવસ્થામાં જ એને પોતાની નજીકથી માતા મેરી અને બાળ ઈસુ ખ્રિસ્ત આશીર્વાદ વરસાવતા પસાર થતા દેખાય ! મિયાને એના આ દિવાસ્વપ્નો પ્રત્યે મીઠી ચીડ છે. જોફને પોતે ગીતો રચી પોતાની વીણા પર કોઈ સાંભળે નહીં તો પણ ગાવાનો શોખ છે ! એ મસ્ત – મૌલા છે !

ગામોમાં હવે માણસો ઓછા બચ્યા છે અને અવાવરુ ત્યજી દેવાયેલા ખંડિયેર જેવા મકાનો ઝાઝા . બ્લોક અને યોન ગામના ચર્ચમાં પ્રવેશે છે. ત્યાં એક કલાકાર તન્મયતાપૂર્વક ચર્ચની દિવાલ પર DANSE MACABRE – મૃત્યુ નર્તન ચીતરી રહ્યો છે. મરી રહેલા, મરી ચૂકેલા, મૃત્યુથી ભયભીત લોકોનું ચિત્ર. ‘ આવું કેમ ચીતરો છો ? ‘ યોન. ‘ લોકોને ઝળુંબી રહેલા મૃત્યુની યાદ અપાવવા. ‘ ‘ એનાથી લોકોને શું રાહત મળશે ? ‘ ‘ ભલે રાહત નહીં, ચેતવણી તો મળે. ‘  ‘ તમારા ચિત્ર સામે જોશે કોણ ? ‘  ‘ લોકોને ખોપરીનું ચિત્ર હમેશા નગ્ન સ્ત્રીના ચિત્ર કરતાં વધુ આકર્ષે ! ‘  ‘ એમને આવા ચિત્રોથી બીવડાવશો તો એ પાદરીઓના શિકંજામાં જઈ પડશે. ‘  ‘ મારું કામ ચિત્રો દોરવાનું. જે જોઉં તે ચીતરું. લોકોને જે માનવું હોય તે. જીવવું તો ખરું ને. પ્લેગ ભરખી ન લે ત્યાં સુધી ! ‘  ‘ આ બધું જુગુપ્સાપ્રેરક છે. ‘  ‘ લોકો એમ માને છે કે પ્લેગ ઈશ્વરનો શ્રાપ છે. લોકોના ટોળેટોળાં ઘૂમી રહ્યા છે, સ્વયંને અને અન્યોને ચાબુકથી ફટકારતા, જેથી ઈશ્વર પ્રસન્ન થઈ માફી આપે. ‘  ‘ એકમેકને પીડા આપવાથી ઈશ્વર રાજી થાય ? ‘

આ સંવાદ પ્રવર્તમાન પરિસ્થિતિનું બયાન કરે છે અને યોનની પ્રકૃતિનું પણ !

એ જ ચર્ચમાં બનતો એક પ્રસંગ નાયક બ્લોકના ચરિત્રને ઉજાગર કરે છે. બ્લોકને ચર્ચની બારીની સામે પાર ‘ પાદરી જેવું કોઈક ‘ દેખાય છે. એ CONFESSION – કબૂલાત અર્થે બારીની આ પાર જાય છે. સંવાદ :

મારું હૃદય ખાલીખમ ભાસે છે. જાણે મારું પોતાનું પ્રતિબિંબ. હું નફરત અને દહેશત અનુભવું છું. બધાથી કપાઈ ગયો છું. મારી જ રચેલી ભૂતાવળ જોઉં છું ચોમેર. મારા જ સપનાઓનો કેદી જાણે.

‘ તેમ છતાં તું મરવા માગતો નથી ? ‘  પાદરી .

‘ ઈચ્છું છું. પણ થોડુંક જાણી લઉં એ પછી.

‘ તો હું તને શી બાંહેધરી આપું ? ‘

‘ મને લાગે છે, ઈન્દ્રિયો દ્વારા ઈશ્વરને પામવા અઘરા છે. પણ એણે અદ્રષ્ય ચમત્કારોની આડમાં લપાવું શા માટે જોઈએ ? આપણને આપણામાં જ શ્રદ્ધા ન રહે તો એનામાં કેમ શ્રદ્ધા રાખીએ ? એ કરતાં આપણી ભીતરના ઈશ્વરને મારી ન નંખાય ? હું ઈચ્છું છું કે ઈશ્વર પોતાનો હાથ લંબાવે. મોં દેખાડે. વાત કરે. 

‘ પણ ઈશ્વર તો મૌન જ હોય. તું પોકારે છે એનો જવાબ નથી એનો અર્થ જ એ કે કોઈ છે જ નહીં. ‘

‘ તો બધું શૂન્ય છે એ જાણવા છતાં માણસ કોના સહારે જીવે ? ‘ 

‘ મોટા ભાગના લોકો મૃત્યુ અને શૂન્યતા અંગે વિચારતા નથી. તું અસ્વસ્થ છો. ‘

‘ મને આજે સવારે જ મૃત્યુનો ભેટો થયો. મેં એમને ચેસના રમતમાં રોકી રાખ્યા છે.  એનાથી મને જે મુદ્દત મળી છે એ મને એક અગત્યનું કામ પતાવવામાં કામ લાગશે.‘  

‘ કયું કામ ? ‘

‘ મેં આખી જિંદગી અર્થહીન શોધખોળ કર્યા કરી. હવે કશુંક સારું કરું. મૃત્યુ ઉસ્તાદ ખેલાડી છે પણ હું હજી લગી એની આગળ એક પણ મહોરું હાર્યો નથી.

‘ તું મૃત્યુ જેવા મૃત્યુને કઈ રીતે હરાવીશ ? ‘

‘ ઊંટ અને ઘોડાના સહિયારા આક્રમણ દ્વારા હું એની સંરક્ષણ હરોળને છિન્નભિન્ન કરી નાંખીશ.

‘પાદરી’  હવે બ્લોક તરફ મોઢું ફેરવે છે. એ પાદરી નહીં, મૃત્યુ પોતે છે ! બ્લોક સ્તબ્ધ ! એણે કેવડી મોટી ભૂલ કરી ! પોતાનો વ્યૂહ દુશ્મન સમક્ષ ખોલી દીધો !

‘ હું તારી વાત યાદ રાખીશ. ‘

‘ તેં મને છેતર્યો. કંઈ નહીં . હું કોઈક રસ્તો શોધી લઈશ.

‘ આપણે આપણી રમત ચાલુ રાખીશું ‘ કહી મૃત્યુ રવાના થાય છે.

બ્લોક પોતાના હાથ સામે જોઈ કહે છે ‘ આ મારા હાથ છે. હું એને મારી મરજીથી હલાવી શકું છું. મારી નસોમાં હજી લોહી ધબકે છે. મારો સૂર્ય હજી અસ્ત પામ્યો નથી. હું એંતોનિયસ બ્લોક મૃત્યુ સાથે રમું છું અને હજી હાર્યો નથી. ‘ 

ગામલોકોએ એક સ્ત્રીને કેદ કરી છે. સૈનિકો એને જીવતી સળગાવી નાંખવાના છે. એના પર આરોપ છે કે એણે શયતાન જોડે સહશયન કર્યું છે અને એ કારણે જ પ્લેગની મહામારી ફેલાઈ છે.

બ્લોક અને યોન એક ઝૂંપડામાં પીવાના પાણીની તલાશમાં પ્રવેશે છે. એક મૃતદેહ પડ્યો છે અને કોઈક એ મૃતદેહના હાથ પરથી બંગડી ચોરી લેવાની વેતરણમાં છે. યોન એ ચોરને ઓળખી જાય છે. આ એ જ રેવેલ છે જેણે એના માલિક બ્લોકને બધું છોડી – છાંડી ધર્મયુદ્ધમાં જોડાવા પ્રેરેલો ! યોનને પોતાના એ સાવ એળે ગયેલા દસ વર્ષનો મોટો વસવસો છે! યોન એ જ વખતે એક મૂંગી સ્ત્રીને પણ રેવેલના કુકર્મથી બચાવે છે. એ પાછો પોતે કંઈ ધર્માત્મા નથી એટલે જતાં-જતાં એ સ્ત્રીને કહેતો જાય છે ‘ મારે એક ઘરરખ્ખુ સ્ત્રીની જરૂર છે. મેં તને બચાવી એનો અહેસાન માનતી હો તો આવ મારી સાથે , બાકી તારી મરજી ! ‘ સ્ત્રી કશુંક વિચારી એની સાથે ચાલી નીકળે છે.

બહાર એક પાદરી આત્મ – પીડક લોકોના જુલુસની સરદારી લઈ લોકોને ઉદ્દેશી બરાડે છે. ‘ ઈશ્વર આપણને આપણા કર્મોની સજા આપી રહ્યો છે. બધા મરીશું. તમારામાંના ઘણાની આ અંતિમ ઘડીઓ છે. મૃત્યુની તલવાર સૌ પર ઝળુંબે છે. ‘ ( યોનને પહેલેથી બીક હતી કે આવા પાદરીઓ પ્રજાને ગેરમાર્ગે દોરશે ! )

લોકો ભ્રમિત છે. બધાંને લાગે છે કે આ કયામત છે. અનેક જીવનની છેલ્લી ઘડીઓને ઉપભોગવામાં પડ્યા છે, તો કેટલાય શું કરવું એ બાબતે હતપ્રભ છે. કેટલાય જાતજાતની ધડમાથા વિનાની અફવાઓ ઉડાડે છે. લુહાર પ્લોગની પત્ની જોફના મેનેજર સ્કેટ સાથે ભાગી ગઈ છે. જોફને એનું નિમિત માની પ્લોગ અને અન્ય લોકો એને ધક્કે ચડાવે છે. યોન એને એ ટોળાના મારથી બચાવે છે.

હવે ફિલ્મનું સૌથી યાદગાર દ્રષ્ય . દરિયાકિનારે ચેસના મહોરા ગોઠવી ‘ જોડીદાર’ ની રાહ જોતા બ્લોકની નજર પોતાના બાળકને રમાડતી પ્રસન્ન મિયા પર પડે છે. નજીક જઈ એ પતિ – પત્નીએ ગામમાં રજૂ કરેલા નાટકની પ્રશંસા કરે છે ‘ તમારા ટાબરિયાને શું બનાવશો ? ‘  ‘ ઉમરાવ ‘  ‘ ના, ના, એમાં કશું દાટ્યું નથી ‘  ‘ તમે થાકેલા લાગો છો ? ‘  ‘ ખોટા સંગાથના કારણે ‘  ‘ સંગાથ એટલે તમારા સહાયક યોનના કારણે ? ‘ ના. મારા પોતાના કારણે . ‘  ‘ હા, લોકો પોતે જ પોતાને પીડે છે.’

ત્યાં તો માર ખાધેલો જોફ વિસામે પાછો આવે છે. મિયા ‘ શું થયું ? ‘ પૂછી એના ઘાની સુશ્રુષા કરે છે. એ ઘણા સમયે દીકરાને મળી પોતાની ઈજા ભૂલા જાય છે અને એને બાથમાં લઈને સૂંઘે છે. ‘ આપણા છોકરામાંથી કેવી સુગંધ આવે છે, નહીં ! ‘ 

થોડેક દૂર બેઠેલો બ્લોક સંતોષપૂર્વક આ સુખી કુટુંબ અને સુખ પામવાની એમની રીત જૂએ છે. મિયા એની ઓળખાણ પતિ જોડે કરાવે છે. ‘ તેં મહેમાનને કશું ખવડાવ્યું ? ‘  ‘ ઊભા રહો. હું ગાડીમાંથી જંગલી સ્ટ્રોબેરી અને તાજું દુધ લઈ આવું. આજે અમારી સાથે જમજો તમે ‘ 

અહીંથી હવે ક્યાં નાટક દેખાડવા જવાના ? ‘ મિયા હવે પછીના મુકામનું નામ કહે છે. ‘ ના ના. એ તરફ ન જતા. ત્યાં પ્લેગ ખૂબ ફેલાયો છે. ઘણા મરી ગયા. એ કરતાં મારી સાથે મારા ગઢમાં આવો. ત્યાં સલામત છે બધું. ‘ 

મિયા ખાણું લાવી મહેમાનને ધરે છે. ત્યાં તો યોન એની સ્ત્રીને લઈને આવે છે અને ખાણામાં જોડાય છે. બધા આનંદિત. જોફ ટહુકે છે ‘ મેં વસંત વિષે એક ગીત લખ્યું છે. સંભળાવું ? ‘ યોન ટાપસી પૂરે છે  ‘ એમ તો હું પણ ગાઉં છું ક્યારેક ‘ જોફ પોતાનું વાદ્ય લઈને આવે છે. બ્લોક પોતે ગઢમાં છોડીને આવ્યો એ નવવિવાહિત પત્ની સાથેના સોનેરી દિવસો યાદ કરે છે ‘ કોણ જાણે એ પ્લેગમાંથી બચી હશે કે કેમ ? ‘ જોફ વાદ્ય વગાડી ગીત ગાતો પત્ની અને બ્લોક વચ્ચેનો સંવાદ પ્રસન્નતાપૂર્વક  સાંભળે છે.

અને બ્લોકના મોંએથી અચાનક અને સ્વયંભૂ આ શબ્દો સરી પડે છે :

‘ હું આ પ્રશાંત ક્ષણોને જીવનભર યાદ રાખીશ. તમારું ભોજન. તમારા સૌના સાંધ્યકાળે ચમકતા સોનેરી ચહેરા. તમારું નિદ્રાધીન બાળક. જોફનું ગાયન – વાદન. આપણો આ સંવાદ. આ સ્મૃતિને હું સદૈવ સાચવીશ. આ ક્ષણો જાણે તાજા દૂધની તાંસળી. આ એક નિશાની મારી સ્મૃતિમાં જડાઈ જશે.‘ 

આ ઉદ્દગારો સાંભળી આપણે અગાઉ ચર્ચી ગયા છીએ એ ફિલ્મ CRIES AND WHISPERS ની કેંસર – પીડિત નાયિકાના આવા જ ઉચ્ચારણો યાદ આવે જે ફિલ્મના અંતે દોહરાવાય છે.

બ્લોક ઊભો થઈ મૌનપુર્વક ચોમેર ફેલાયેલી સૃષ્ટિની ખૂબસુરતીને નિહાળે છે. ( કદાચ એને મનોમન પ્રતીત થઈ રહ્યું છે કે આવો આનંદ એ ચર્ચની પીંજણ અને ઈશ્વરની શોધ કરતાં વધુ અગત્યનો છે ! )

શતરંજની બાજી આગળ ચાલે છે. મૃત્યુ આક્રમક શરુઆત કરે છે કારણ કે એણે ચબરાકીથી બ્લોકની વ્યુહરચના જાણી લીધી છે. ‘ જલદી કર. હું ઉતાવળમાં છું. ‘  ‘ જાણું છું. તારે કેટલાયને પતાવવાના છે. ‘ અચાનક મૃત્યુ પૂછે છે ‘ તું જોફના પરિવારને લઈને તારા ગઢ તરફ આજે નીકળવાનો ને ? ‘ બ્લોક મૃત્યુનો ઈરાદો સમજી જાય છે. મનોમન કોઈ ગાંઠ વાળે છે.

બ્લોક, યોન, જોફ, મિયા, એમનું બાળક, પ્લોગ અને પેલી મૂંગી સ્ત્રીનો કાફલો બ્લોકના ગઢમાં ‘ પ્લેગ અને મૃત્યુથી સલામતીની શોધમાં ‘ નીકળે છે. રસ્તામાં પ્લોગની પત્ની લીસા અને એનો પ્રેમી સ્કેટ મળે છે. લીસા પતિની માફી માંગે છે અને એની પાસે પાછી ફરે છે જ્યારે સ્કેટને રસ્તામાં જ મૃત્યુ દબોચી લે છે. આ કાફલાને રસ્તામાં પેલી ‘ ડાકણ ‘ માની લેવાયેલી સ્ત્રીને સળગાવી નાખવા લઈ જતા સૈનિકોનો કાફલો મળે છે. યોન એ નિર્દોષને સૈનિકો પાસેથી છોડાવવા તત્પર છે પણ બ્લોક એને એમ કહીને રોકે છે કે ‘ એ સ્ત્રી લગભગ મરી જ ગઈ છે. ‘ એને સાવ મારી નંખાય એ પહેલાં બ્લોક એને શયતાન વિષે પૂછે છે જેથી કદાચ એની પાસેથી ઈશ્વરના સગડ મળે ! સ્ત્રી કહે છે કે ઈશ્વરની જેમ એ પણ સર્વત્ર છે ! મારી આંખોમાં પણ તમને એ દેખાશે ! બ્લોકને ત્યાં જ થોડે દૂર ઊભેલું મૃત્યુ દેખાય છે.

કાફલાનો રસ્તે પડાવ નાંખી રાતવાસો. બન્ને ખેલાડીઓ. આખરી વાર શતરંજની બાજી. ‘ ચાલો, પૂરું કરીએ ‘ મૃત્યુ અંતિમ ચાલ ચાલીને બ્લોકનો વજીર કબ્જે કરે છે. ચેક અને મેટ ! 

પાસે જ ગાડીમાં મિયા અને બાળક સંગે બેઠેલા જોફને બન્ને ખેલાડી રમતા દેખાય છે. એ મૃત્યુને ઓળખી જાય છે. આતંકિત થઈ પત્નીને કહે છે ‘ આ તો મૃત્યુ. આપણી સાવ પડખે. ચાલ, એનું ધ્યાન આપણા પર જાય એ પહેલાં ભાગી છૂટીએ. ‘ એ લોકો ઘોડાગાડી મારી મૂકે છે. બ્લોક નિરાંતનો શ્વાસ લઈ એમને છટકી જતા જૂએ છે. મરતાં પહેલાં એણે કરવા ધારેલું ઉમદા કાર્ય આખરે પૂરું ! મૃત્યુ એને પૂછે પણ છે ‘ ચાલ નથી ચાલવી ? રસ નથી ? ચિંતામાં છો ? કશુંક છુપાવે છે ? ‘  ‘ તારાથી કોઈ છટકતું નથી, નહીં ? ‘  ‘ હા, કોઈ જ નહીં , પણ તારી ચાલ લંબાવીને શું મેળવ્યું તેં ? ‘  ‘ ઘણું બધું ‘   ‘ સરસ. હવે પછી મળીએ ત્યારે તું અને તારા મિત્રો મારી સાથે આવવા તૈયાર રહેજો. ‘  ‘ ત્યારે તો તમારા રહસ્યો કહેશો ને ? ‘  ‘ મારું કોઈ રહસ્ય નથી. હું સાવ અણજાણ છું.

મૃત્યુને થાપ આપીને દૂર નીકળી ગયેલા જોફ અને એના પરિવાર વિનાનો કાફલો આગળ વધે છે. બધા બ્લોકના ગઢમાં પહોંચે છે.

બ્લોકની પત્ની કારીન એને પાછો આવેલો જોઈને રાજી છે, એ એને અંતરિયાળ છોડી ગયો હોવા છતાં ! ‘ હું રાહ જોતી હતી. બાકી બધા તો પ્લેગથી ડરીને નાસી ગયા. હું યાદ તો છું ને ? ‘ એ બ્લોકની આંખોમાં ધારી – ધારીને જુએ છે. ‘ તમારી આંખોમાં વર્ષો પહેલાં મને છોડીને જતો રહેલો કુમળો યુવક ભાળું છું. તમને અફસોસ નથી થતો મને છોડી ગયાનો ? ‘ 

બધા સાથે આખરી વાર જમવા બેસે છે. જાણે Last Supper ! બ્લોકની પત્ની બાઇબલમાંથી Seventh Seal વાળા પરિચ્છેદનું પઠન કરે છે. દરવાજો જોર – જોરથી પછડાય છે. બધાંને લાગે છે કે ‘ ‘ આવ્યો . યોન જઈને તપાસ કરે છે. કોઈ નથી. ત્યાં અચાનક દરવાજો વટાવી મૃત્યુ સફાળું સામે આવી ઊભે છે. બધા એને ઓળખી અદબપૂર્વક ઊભા થઈ એનું અભિવાદન કરે છે. પોતપોતાનો ભૌતિક પરિચય આપે છે.

મૃત્યુને સાક્ષાત સામે ઊભેલું જોઈ યોન પોતાના માલિકની અત્યાર સુધી જાળવેલી આમન્યા ખંખેરી નાંખી સ્પષ્ટ કહે છે  ‘ આગળ આવો. ત્યાં અંધારામાં તમારો વલોપાત કોઈ જોશે નહીં. મેં તમારી માન્યતાઓ ક્યારની ખંડિત કરી દેખાડી હોત, પણ હવે એ માટે બહુ મોડું થઈ ગયું. તમારે ખરેખર તો છેવટ લગી જીવતા હોવાના આશીર્વાદને માણવો જોઈએ. ‘ બ્લોકની પત્ની એને ચૂપ રહેવા કહે છે તો જવાબમાં ‘ ભલે ચૂપ રહીશ, પણ વાંધા સહિત ! ‘ કહીને એ ચૂપ થાય છે !

એક માત્ર યોન સાથે આવેલી મૂંગી સ્ત્રી જ એવી છે જે મૃત્યુના આગમનથી રાજી દેખાય છે. એ પહેલી વાર મોં ખોલી રાહતથી પૂછે છે  ‘ તો હવે બધું પૂરું ને ? ‘ 

જોફ સપરિવાર એક ઉજ્જવળ સવાર વચ્ચે જાગે છે. એ લોકો જાણે મૃત્યુને શેહ આપી સામે પાર સલામત પહોંચ્યા છે. જોફને વધુ એક દ્રષ્ય દેખાય છે. સ્વાભાવિક છે, એ મિયાને દેખાતું નથી. દૂર ટેકરી પર તોફાની ક્ષિતિજે મૃત્યુ બધાંને દોરીને લઈ જઈ રહ્યું છે. એ હરોળમાં બ્લોક છે, યોન છે, પ્લોગ, સ્કેટ અને કારીન છે, પણ પેલી મૂંગી સ્ત્રી અને સળગાવી દેવાયેલી ડાકણ નથી ! ( કારણ કે એ બન્નેને મૃત્યુનો ભય નહોતો ! ) બધા મૃત્યુ – નર્તન  DANSE MACABRE કરી રહ્યા છે, મૃત્યુ એમને નચાવી રહ્યું છે. બધા ઊગી રહેલા પ્રભાતથી મોઢું ફેરવી જાણે અનંત મુસાફરીએ જઈ રહ્યા છે, અંધારિયા પ્રદેશો ભણી !

એ મિયાને  પોતે શું જોયું એ કહે છે. મિયા વધુ એક વાર એના વહાલા પતિ જોફને ચીડવે છે ‘ તારી કલ્પનાના તરંગોનો જોટો નથી !

_=_=_=_=_=_=_=_=_=_=_=

‘ જે લોકો મૃત્યુ, ઈશ્વર, જીવન, અસ્તિત્વ વિષે ગહન ચિંતન કરતા રહ્યા, એ વિશ્લેષણમાં જ રહી ગયા અને મૃત્યુ લાગલું એમને ઉપાડી ગયું અને જેમણે વર્તમાનને, કુટુંબને અને જીવ માત્રને ચાહ્યા એ જીવતા રહ્યા – દરેક અર્થમાં ! ‘ જોફનું બચી ગયેલું કુટુંબ તો માત્ર એક પ્રતીક છે. આ કુટુંબ એટલે વસ્તુત: એવા લોકો જે ઝાઝા બહાદુર પણ નથી અને બહુ બાયલા પણ નહીં. એ લોકો ઈશ્વર કરતાં પોતાના પરિવારને વધુ સમર્પિત છે અને એટલે જ ઈશ્વરની એમના પર મહેરબાની છે !

ફિલ્મ એક ઐતિહાસિક ફેંટેસી છે અને સમગ્ર ફિલ્મને એવા પરિવેશમાં બાંધીને બર્ગમેને એ સુનિશ્ચિત કર્યું છે કે ફિલ્મને સમયનો કાટ ન લાગે !  ફિલ્મ બર્ગમેનના પોતાના લખેલા નાટક WOOD PAINTING  ઉપરથી બનાવવામાં આવી છે. એ નાટકનું દિગ્દર્શન એમના મિત્ર બેંગ એકેરોટ કર્યું હતું. આ જ કલાકારે ફિલ્મમાં મૃત્યુનો રોલ અદા કર્યો છે. ફિલ્મની પટકથા સ્વયં બર્ગમેનની અને ફોટોગ્રાફી ગુન્નાર ફીશરની છે, જે સ્વેન નિકવીસ્ટ ના આગમન પહેલાં બર્ગમેનના સ્થાયી કેમેરામેન હતા.

ફિલ્મનું શીર્ષક અંતિમ બાઈબલ – BOOK OF REVELATION માં જગતના અંત વિષયક પરિચ્છેદમાં ઉલ્લેખાયું છે ‘ અને જ્યારે લેમ્બ ( એટલે ઈસુ ખ્રિસ્ત પોતે ! ) દ્વારા સાતમું સીલ ઉઘાડવામાં આવ્યું ત્યારે સ્વર્ગમાં લાંબો સમય સન્નાટો છવાઈ ગયો ! ( આ દરેક સીલ ઉઘાડતી વખતે વિશ્વ પર અલગ – અલગ પ્રકારની આફત ઉતરી આવે છે ! )

બર્ગમેને આ ફિલ્મની પટકથા પાંચ વાર લખીને મઠારેલી. ફિલ્મના પ્રારંભિક અને અંતિમ સિવાયના બધા દ્રષ્યો સ્ટુડિયોમાં ફિલ્માવાયેલા. ફિલ્મને પ્રતિષ્ઠિત કાન ફિલ્મોત્સવમાં જ્યૂરીનું સ્પેશિયલ પ્રાઈઝ એનાયત થયેલું.

ફિલ્મમાં નાના – મોટા પાત્રો ભજવતા બધા કલાકારોએ એમના પાત્રોને અદ્ભૂત અંજામ આપ્યો છે, વિશેષ કરીને મેક્સ ફોન સિંડો, ગુન્નાર બ્યોર્નસ્ટ્રેંડ અને બીબી એંડર્સન . 

આ ફિલ્મ દ્વારા બર્ગમેનની સાત ફિલ્મોની એક એવી શ્રેણી શરુ થઈ જે હિટલરની બર્બરતા અને જાપાન પરના અણુ – હુમલા પછીના માણસની ઈશ્વરમાંની શ્રદ્ધાને નવેસરથી નિરૂપે છે.

ઘણા બધા અર્થોમાં આ એક ‘મૂંગી ફિલ્મ’ છે. આવી ફિલ્મો હવે ચલણમાં નથી. એનો વિષય ઈશ્વરની અનુપસ્થિતિથી કમ અંધારિયો નથી ! હવેની ફિલ્મો ઈશ્વરના મૌન સાથે નહીં, માનવીની વાચાળતા સાથે સંબંધિત છે. એની પારદર્શકતા જ એની શક્તિ છે. એ અસમાધાનકારી કૃતિ છે. બર્ગમેનની બીજી કેટલીક ફિલ્મો પણ ‘ ઈશ્વરના અદ્રષ્ય રહેવાના નિર્ણય ‘ પ્રતિ એમનો રોષ ઠાલવે છે પરંતુ અહીં એ વાત એટલે નિર્ભયતાપૂર્વક શબ્દોમાં અંકિત કરી છે કે કોઈ મર્ત્યને સાક્ષાત મૃત્યુ સાથે ચેસ રમતો જોવાની કલ્પના જ અવિસ્મરણીય છે ! એક દર્શક તરીકે આપણને એ નિષ્કર્ષ પર પહોંચવાની લાલચ થાય કે કદાચ મૃત્યુ જ ઈશ્વર છે ! બર્ગમેને આત્મવિશ્વાસપૂર્વક ફિલ્મનો અંત કોઈ વિધાન સાથે નહીં, પોતાના શિકારોને દોરી જતા મૃત્યુની છબી સાથે આણ્યો છે. જોફ એ દ્રષ્ય જોઈને કહે છે  ‘ કઠોર મૃત્યુ એ બધાંને નચાવી રહ્યું છે ! 

ફિલ્મમાં જે રીતે ઉમરાવ બ્લોક મૃત્યુ પહેલાં એક આખરી ઉમદા કાર્ય કરી જવાની ખેવના મૃત્યુ આગળ વ્યક્ત કરે છે, સ્વયં બર્ગમેન પણ ‘ મૃત્યુ પછી એમને સદૈવ યાદ કરવામાં આવે ‘ એવી ફિલ્મો સર્જવાની સળગતી મહત્વાકાંક્ષા ધરાવતા લાગે છે!

મૃત્યુ અને બ્લોક વચ્ચેની રમત હજી પણ મનુષ્ય અને મૃત્યુ વચ્ચે જારી છે. પરિણામ પહેલાં પણ મનુષ્યની વિરુદ્ધમાં હતું, હજી પણ છે અને કદાચ કાયમ રહેશે. હા, મનુષ્યની જિજીવિષાની જ્યોત કાયમ જલતી રહેશે. કદાચ અંતિમ અનિવાર્ય પરિણામ છતાં મૃત્યુને બ્લોક સાથે ચેસ રમવાની મજા પડી હશે કારણ કે બ્લોક મર્યાદાઓને ઉલ્લંઘી ઈશ્વરને પડકારતો હતો અને માણસના મનમાં સદીઓ સુધી ધરબાઈને પડેલા SEVENTH SEAL સુધી પહોંચવા પ્રયત્ન -રત્ત હતો !

THE SEVENTH SEAL એ બર્ગમેનનું હેમલેટ છે, એમનું ફોસ્ટ છે..


[1]

https://youtu.be/AVjTOK4NG1M


મહાન સ્વીડીશ ફિલ્મ – સર્જક ઈંગમાર બર્ગમેન (૧૯૧૮ – ૨૦૦૭) ની દસ ફિલ્મોના સવિસ્તાર રસાસ્વાદની આ શ્રેણીના બધા મણકા ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ   પર ક્લિક કરવાથી વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.