ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

દિનેશ.લ. માંકડ

           બાળપણમાં સાંભળેલી વાર્તા યાદ આવે છે .છ પ્રજ્ઞાચક્ષુઓ હાથીનો સ્પર્શ કરીને; હાથી કેવો છે તે અનુમાન લગાવતા હતા.કોઈએ સાપ જેવો તો  કોઈએ થાંભલા જેવો કહ્યો..કોઈએ સૂપડાં જેવો તો કોઈએ દીવાલ જેવો. હાથીનું હાથીત્વ કોઈ કહી ન શક્યું.. શાળા કોલેજ શિક્ષણ પૂરું કરે એટલે સમાજને કોઈ ડોક્ટર મળશે તો કોઈ ઈજનેર કે કોઈ અન્ય વ્યવસાયી પણ તેમાંથી માણસ કેટલા મળશે તે ખબર ન પડે.

કેળવે તે કેળવણીની પાયાની વાતતો વર્તમાન શિક્ષણમાંથી લગભગ લુપ્ત જેવી જ થઇ ગઈ છે. પરિણામ સ્વરૂપ સમાજમાં અનેક સમસ્યાઓનું સર્જન થાય છે અને એમાંથી અનેક વણઉકેલી રહે છે.કમનસીબે અંગ્રેજકાળમાં મેકોલેએ દાખલ કરેલી શિક્ષણ પદ્ધતિએ તો ભારતીય શિક્ષણનું કલ્પી ન શકાય તેટલું અહિત કર્યું છે. છેક હજી પણ  વિશ્વફલકની સાથે રહેવા માટે આપણે મોટાભાગે પશ્ચિમની શિક્ષણ પદ્ધતિના પ્રવાહમાં ખેંચાવું પડે છે.પરિણામ સ્વરૂપ ઉત્તમ માણસ-નાગરિક તૈયાર કરવામાં શિક્ષણની ભૂમિકા ઓછી રહે છે.  મૂલ્ય શિક્ષણનો કાં તો અભાવ છે કાં તો તેને અગ્રતા નથી.પુસ્તકિયા શિક્ષણના ભારમાં મૂલ્ય શિક્ષણને નહિવત પ્રાધાન્ય અપાય છે અથવા તો અપાતું જ નથી.અને તો ઉત્તમ માનવ તૈયાર કરવાની શિક્ષણ પાસે કઈ અપેક્ષા રાખી શકાય ?

નિર્વિવાદ છે કે પ્રાચીનકાળમાં ભારતીય ઉપખડમાં વૈદિકકાળમાં ઉત્તમ શિક્ષણપદ્ધતિ હતી. એ વાત આપણે અને સમગ્ર વિશ્વ સ્વીકારીએ છે. આપણા સદ્ભાગ્યે આપણા વેદ,ઉપનિષદ અને શાસ્ત્રો પાસે જીવનમંત્રના પાઠ  વિશાળ રીતે પડેલા છે.ઉત્તમ નાગરિક- શ્રેષ્ઠ મનુષ્ય બનવા માટેના દિશા સૂચન કરે છે  શાસ્ત્રીય શિક્ષણ સાથે મૂલ્ય શિક્ષણ-ચારિત્ર્ય શિક્ષણ એ શિક્ષણનો જ ભાગ હતો.

સહુ પહેલી વાત બ્રહ્નચર્યની.તમામ ઉપનિષદમાં ગુરુ -શિષ્યના પ્રથમ મિલન વખતે જ શિક્ષણ પ્રારંભ કરતા પહેલા, બ્રહ્મચર્યએ પૂર્વશરત રહેતી.આઠ કે નવ વર્ષની વયે બાળક ગુરુકુળમાં જાય એટલે ગુરુ તેને યજ્ઞોપવિત ધારણ કરાવે અને બ્રહ્મચર્યનું વ્રત લેવરાવે. શાંડિલ્ય ઉપનિષદના પ્રથમ અધ્યાયમાં યોગ ધારણમાં દસ યમમાં એક બ્રહ્મચર્ય બતાવાયું છે. तत्राहिंसासत्यास्तेयब्रह्मचर्यदयाजप|  છાંદોગ્ય ઉપનિષદના આઠમા અધ્યાયના પાંચમા ખંડમાં તો બ્રહ્મચર્યનું મહત્ત્વ બતાવતાં પૂરાં ગુણગાન ગાવામાં આવ્યા છે. બ્રહ્મચર્યના માધ્યમથી બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. तद्य एवैतं ब्रह्मलोकं ब्रह्मचर्येणानुविन्दन्तितेषामेवैष ब्रह्मलोकस्तेषाꣳ सर्वेषु लोकेषु कामचारोभवति ॥ ‘ બ્રહ્મચર્ય દ્વારા મનુષ્ય ઇચ્છાનુસાર આત્માને પ્રાપ્ત કરે છે.’ ब्रह्मचर्यमेव तद्ब्रह्मचर्येण ह्येवेष्ट्वात्मानमनुविन्दते|

બ્રહ્મચર્ય શબ્દનો અર્થ સંકોચ થયો છે અને તેને શરીરક્રિયાઓ સાથે જોડી દેવાયો છે હકીકતમાં તો ‘બ્રહ્મ’ના માર્ગ પર આચરણ’ એટલે બ્રહ્મચર્ય. બાળક ગુરુકુળમાં જાય  ત્યારે વિદ્યાભ્યાસના સમય  દરમિયાન પરિવાર અને સમાજ સુદ્ધાથી વિમુખ રહે. કેવળ અને કેવળ શિક્ષણ જ. તમામ ભૌતિક બંધનોથી પર થયેલું મન, તેની એકાગ્રતા શિક્ષણમાં લગાવી શકે. ઉપાડેલાં દુઃખ અને અગવડથી જ જીવન ઘડતર થાય.પડકારો ઝીલવા માટે તમામ પ્રકારના સંઘર્ષોનો સામનો કરવા તૈયાર થવું એ જ પૂર્ણ શિક્ષણ. છાંદોગ્ય ઉપનિષદ તો એટલે સુધી કહે છે કે એક તરફ ચાર વેદ અને બીજી તરફ બ્રહ્મચર્ય મુકવામાં આવે તો બંને પલ્લાં સરખા રહે છે. एकतश्चतुरो वेदा ब्रह्मचर्य तथैकतः। એટલું જ નહિ પ્રશ્નોપનિષદ પણ કહે છે કે  જેમણે બ્રહ્મચર્ય તપનું પાલન કર્યું હોય અને જેમના હૃદયમાં સત્ય વિરાજમાન હોય તેમને સ્વર્ગ સુખ પ્રાપ્ત થાય છે. तेषामेवैष स्वर्गलोको येषां तपो ब्रहचर्य येषु सत्यं प्रतिष्ठिम्।

સત્ય એજ પરમેશ્વર એમ આપણે સહુ બોલીએ છીએ ખરા,પણ એ કઠિન કેટલું છે એની આપણને પણ ખબર છે. મુણ્ડકોપનિષદ ભારપૂર્વક કહે છે કે, सत्यमेव जयते नानृतं सत्येन पन्था विततो देवयानः। ‘ઈશ્વર સન્મુખ જવાનો એક જ માર્ગ છે જે સત્ય છે.’ માનવમાત્ર સામાન્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક અસત્ય સાથે કે અસત્યની નજીક જીવતો હોય.અંધકાર રૂપી દિશા વિહીનતા ભોગવતો હોય અને મૃત્યુનો ભય તો સહુને સ્વાભાવિક જ છે. બૃહદારણ્યક ઉપનિષદમાં ઈશ્વરને પ્રાર્થના છે.-ॐ असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमय।मृत्योर्मामृतं गमय ॥ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ નાન્હાલાલએ  આ ઉપનિષદ વિચાર આપણામાં દૃઢ થાય એટલે આપણી માતૃભાષમાં ભાવાનુંદિત પણ કર્યો છે. “અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈજા.ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈજા.મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈજા .તુ  હીણો હું છું તો તુજ દર્શના દાન દઈ જા.”

માન ,આદર વગર-શ્રદ્ધા વગર મેળવેલ વિદ્યા કદી સાર્થક જ ન થાય.પ્રત્યક્ષ દેવ આવશે કે નહિ આવે પણ જે સામે દેખાય છે તે પ્રત્યક્ષ એટલે કે માતાપિતા અને આચાર્ય જ દેવ છે .આ ભાવના હોય તો જ વિદ્યા ચડે. તૈત્તરિય ઉપનિષદના શિક્ષાવલ્લી અનુવાર્કમાં સ્પષ્ટ ગુરુ આદેશ છે  मातृ॑देवो॒ भव । पितृ॑देवो॒ भव । आचार्य॑देवो॒ भव । अतिथि॑देवो॒ भव। સરળ મંત્રોમાં આ સંદેશમાં પ્રત્યેક પરિવારની અનેકાનેક સમસ્યાઓનું નિરાકરણ છે.એક વખત આદર વધે અને વિસંવાદિતા ઘટે એટલે પરિવારમાં -સમાજમાં ઉત્પન્ન થતી હકારાત્મક ઉર્જા સમાજને કેટલો તંદુરસ્ત બનાવે તે કલ્પના બહારની વાત છે.

માનવ માત્રનું અંતિમ લક્ષ્ય તે સંતોષ અને આનંદ છે.તે ક્યારે મળે ? અને એ માટે ઉપનિષદ કેવા યુવાનની અપેક્ષા રાખે છે ? તૈત્તરિય ઉપનિષદ કહે છે સમાજને એવા યુવાનોની આવશ્યકતા છે જે શ્રેષ્ઠ આચરણ વાળા હોય વૈદિકશાસ્ત્રના ઊંડા અભ્યાસુ હોય.સંપૂર્ણ નિરોગી હોય,ઉત્સાહી અને આશાવાદી હોય ,દૃઢ મનોબળ વાળા હોય વૈભવી વસુંધરાના અધિકારી હોય.  युवा स्यात्‌ साघु युवाध्यापकः। आशिष्ठो दृढिष्ठो बलिष्ठः। तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात्‌।

ઈશ્વરે માણસ માત્રને જન્મ એટલે જ આપ્યો છે કે તે કોઈ ધ્યેય સાથે જીવે.ધ્યેય વિનાનું જીવન જીવન જ નથી.સંઘર્ષ આવે તો પણ પડકાર રૂપ જીવીને ધ્યેય હાંસલ કરવાનો સંદેશ કઠોપનિષદનો આ મંત્ર કહી જાય છે. उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ॥ તલવારની ધાર જેવો દુર્ગમ માર્ગ હોય તો પણ ઉઠો,જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહિ. ખુબ ટૂંકી આવરદા  પણ ભારતીય સંસ્કૃતિને વિશ્વફલક પર શ્રેષ્ઠ પુરવાર કરનાર સ્વામી વિવેકાનંદના ખુબ પ્રિય આ મંત્રમાં उत्तिष्ठत जाग्रत ‘ઉઠો’ અને ‘જાગો’  એમ બે શબ્દ છે.સામાન્ય રીતે બંને શબ્દને આપણે પર્યાયવાચી જ ગણીએ છીએ પણ આ તો ઉપનિષદ મંત્ર છે.એટલે ‘જાગો’  પદ નો ભાવાર્થ જાગૃત થવું એ છે .અને આ જ સૌથી અઘરી પડકાર રૂપ બાબત છે.ધ્યેયલક્ષી જ જીવનમાં કશુંક સાચું પ્રાપ્ત કરી શકાય

આત્મવિશ્વાસ અને આત્મબળ જ વ્યક્તિમાત્રને આગળ લઇ જવામાં નિમિત્ત બને છે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે,: ‘नायमात्मा बलहीनेन लभ्यः।’ આત્મબળ વગર પરમાત્મા પ્રાપ્ત થતા નથી. અને એ આત્મબળને સાચા આત્મબળ તરીકે પ્રતિપાદિત કરવા માટે ,એની અંદરના માંહ્યલાને જગાડવા છાંદોગ્ય ઉપનિષદ દૃઢતાપૂર્વક કહે  છે,’તું જ બ્રહ્મ છે’  तत्त्वमसि। અને એટલે સુધી કે જાગેલો બોલી ઉઠે, ‘ હું જ બ્રહ્મ છું.’   अहं ब्रह्मास्मि। ( બૃહદારણ્યક ઉપનિષદ).

આંતરિક ઉચ્ચતા પ્રાપ્તિ માટે ઉપનિષદ અતિ આગ્રહ રાખે છે.સામાન્ય માણસ કશુંક મેળવીને આનંદ મેળવે છે, પણ મનની એથી પણ ઉચ્ચતમ સ્થિતિનું નિર્માણ કરવા ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે ,’તેને ત્યાગીને તું ભોગવ. ‘तेन त्यक्तेन भुञ्जीथाः| ભાષાકીય રીતે એ વિરોધાભાષી અલંકાર છે .ત્યાગીને વળી ભોગવવાનું ! અહીં આપીને, આપ્યાના આનંદની વાત છે.મનની સર્વોત્તમ સ્થિતિ છે.જ છતાં એથી પણ આગળ વધીને ઉપનિષદ આદેશ કરે છે કે બીજાનું તો પડાવી લેવાની વૃત્તિ તો ન જ હોવી જોઈએ.. मा गृघः कस्यस्विद् घनम्’-‘ કોઈનું ધન મારુ થાય તેવું ઈચ્છીશ નહિ.’

વેદ ઉપનિષદના પ્રત્યેક મંત્ર,રુચા કે અનુવાક,પુરુષને પુરુષોત્તમ બનાવવાની દિશામાં વાત કરે છે . ભારતદેશના સુવર્ણકાળની પ્રશસ્તિ આજે ઘણાને કદાચ કલ્પિત જાગે પણ જયારે હજારો વર્ષ પહેલાના આ શાસ્ત્ર અને ઋષિ વિચાર વાંચીએ ત્યારે તે સમયે ઉત્તમ જીવન શૈલી, ઉત્તમ નાગરિક અને ઉત્તમ સમાજ જ હોય એની કોઈ શંકા એક ભારતીયને તો ન જ હોવી જોઈએ.બલકે તેના આદર્શોમાંથી જરા સરખું પાલન પોતાના જીવનમાં થઇ શકે તો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

સ્વામી વિવેકાનંદ કહે છે: ‘ ઉપનિષદો શક્તિની ખાણ છે. તે શક્તિ પ્રદાન કરવા સમર્થ છે જર્મન તત્ત્વચિંતક આર્થર શોપન હોવર ઉપનિષદ માટે કહે છેઃ’ ‘દરેક વાક્યમાંથી કેટલો ગહન, મૌલિક ને ગૌરવપૂર્ણ વિચારસમૂહ પ્રાપ્ત થાય છે આખી પૃથ્વીમાં ઉપનિષદ જેવો ફલોત્પાદક ને ઉચ્ચ ભાવનાઓને ઉદ્દીપન કરનાર ગ્રંથ ક્યાંય નથી આ શબ્દોની પુષ્ટિ કરતાં અંગ્રેજ તત્ત્વવેત્તા મેક્સ મૂલરે કહ્યું’ ‘જો શોપન હોવરના આ શબ્દોને કોઈ ટેકાની જરૂર હોય તો હું તે આપવા તૈયાર છુ’  પાશ્ચાત્ય વિદ્વાન ડૉ. એનીબેસન્ટ કહે છે : ‘મારા મતે ઉપનિષદો માનવ મસ્તિષ્કની સર્વોચ્ચ ફળશ્રુતિ છે.’

પ્રત્યેક ઉપનિષદનો પ્રત્યેક મંત્ર માનવમાત્રને ઉત્કૃષ્ટ બનાવવાનો સંદેશ લઈને આવે છે.અહીં તો વિહંગાવલોકનની જેમ તેના કેટલાંક ઉદાહરણથી સંતોષ માનીએ -કશુંક પામીએ.


શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com