નીતિન વ્યાસ

“मधुराष्टकम्’ પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રી વલ્લભાચાર્યજી ઈસવીસનની પંદરમી સદીમાં લખ્યું. સર્વાંગ સુંદર ભગવાન કૃષ્ણ ની આંખ માટે नयनं मधुरं કહી આગળ हसितं मधुरम् ‌સાથે કડી  પુરી થાય છે. પણ કવિ શ્રી લલિત કિશોરીજી એ આ नयनं मधुरं ના ગુણગાન ગાતાં એક યાદગાર પદની રચના કરી.

વૃંદાવન નિવાસી કવિ શ્રી લલિત કિશોરી  દેવ નો જન્મ સાલ ૧૮૨૫, તેમનું રચેલું આ  ભજન કવિતા રૂપે નંદલાલના નયનોનું વર્ણન વાંચવા જેવું છે.

 

लजीले, सकुचीले, सरसीले, सुरमीले से,
कटीले और कुटीले, चटकीले मटकीले हैं।

रूप के लुभीले, कजरीले उनमीले, बर-
छीले, तिरछीले से फँसीले औ गँसीले हैं॥

‘ललित किशोरी’ झमकीले, गरबीले मानौं,
अति ही रसीले, चमकीले औ रँगीले हैं।

छबीले, छकीले, अरु नीले से, नसीले आली,
नैना नंदलाल के नचीले और नुकीले हैं॥

—–

રસદર્શન. નંદલાલના નયના.

છબીલે શ્યામના નયણાનું આવું લચકદાર વર્ણન ક્યારેક જ વાંચવા મળે છે. કલ્પના કરીએ કે નિર્દોષ, આંખો જરા શરમાળ છે. ગોપી પોતાના વિશે શું વિચારશે! કદાચ એ શંકાથી, સંકોચ ભર્યાં છે. સુંદર આંખો સુરમા ભરી છે, ગોપીને કૃષ્ણની ધારદાર આંખો મીઠું દર્દ આપી રહી છે. લુચ્ચાઈ ભરી અને વળી રમતિયાળ મટકા મારે છે. લોભામણું રૂપ, આંજણ આંજેલી આંખોના કાળા રંગોમાં દ્રશ્યમાન છે, કૃષ્ણનું છબીલું શૃંગાર સાથ લોભામણું રૂપ અનન્ય છે. તીક્ષ્ણ, તીરછી નજરમાં ફસાયેલા, બંધાયેલા, કૃષ્ણના જાદુ ભર્યા નૈનોમાં ઓતપ્રોત છે.!!

‘લલિત કિશોરી’ને જાણે એ નયણા ઉમંગ ભર્યા, ગરવિલા લાગે છે. જેમાં આશા અને ઉત્સાહનું તેજ ઝબૂકે છે. અત્યંત રસીલા, દેદિપ્યમાન અને રંગીલા છે. આ વર્ણન વાંચતા સ્મિત સભર આંખો અને ઓષ્ઠોની અનાયાસ કલ્પના આવે છે.! જે નયન છબીલા, મસ્તિખોર, વાદળીમાં મોહક ચંદ્રમા સમા મદહોશી ભર્યાં છે. સહેલી, કૃષ્ણના નયન નર્તન કરતાં ઘાયલ કરનાર છે. સખીને કહે છે કે તીક્ષ્ણ નયન તેને ઘાયલ કરે છે, તો પણ તેની મસ્તીમાં પોતે મદહોશ છે. નંદલાલના નૈનાનો જાદુઈ પ્રભાવ કવિના અંતરપટ પર છવાયેલો છે.

Saryu Parikh  સરયૂ પરીખ  www.saryu.wordpress.com

આજની બંદિશ:

આ ભજન ખાસ કરીને હોળી ધુળેટીની ઉજવણી સમયે મથુરા વૃંદાવન માં બહુ  મસ્તીથી ગાવામાં આવે છે:

મથુરાનાં શ્રી ગૌરવ ક્ર્ષ્ણ ગોસ્વામી મહારાજ. આ વિડિઓ વૃંદાવન, બરસાણા ધામ નો છે.

બહુમુખી પ્રતિભા ધરાવતા પદ્મશ્રી શ્રી શેખર સેન, અધ્યક્ષ સંગીત નાટક એકેડેમી.

ગાયિકા શ્રી પ્રીતિ પ્રેરણા, અવાજ ની મીઠાશ સાંભળવા જેવી છે:

રાગશ્રી એકેડેમી, હૈદરાબાદમાં એક ભજન સંધ્યા માં આહન, યશ, અગત્સ્ય, કિરાત, સમરા અને સ્તુતિ

શ્રી સોનાલી મિત્ર દ્વારા એક પ્રસ્તુતિ

 

શ્રી લલિતકિશોરીદેવ – Rasik Saint of Vrindavan

કવિ લલિત કિશોરીનું મૂળ નામ કુંદનલાલ હતું. તેમના શ્રી કૃષ્ણ પ્રેમી પિતા ગોવિંદલાલ લખનવ માં રહેતા. તેઓ અવારનવાર વૃંદાવન જતા, ત્યાં તેમણે રાધા-કૃષ્ણનું મંદિર બાંધ્યું. સાલ ૧૮૪૦માં કુંદનલાલ તે મંદિરની મુલાકાતે જન્માષ્ટમી સમયે માતા પિતા અને અન્ય  કુટુંબીજનો સાથે આવ્યા. પ્રસંગ પૂરો થયે સઘળું કુટુંબ લખનઉ જવા રવાના થયું. પણ  કુંદનલાલતો વૃંદાવન ખાતે તે મંદિરમાં જ રહ્યા. અહીં તેમનો ભેટો સ્વામી રસિકદાસજી સાથે થયો , અને કૃષ્ણ ભક્તિમાં લીન થતા ગયા, સ્વામીજી ની આજ્ઞા માથે ચડાવી સંન્યાસ લીધો. કુંદનલાલમાંથી સ્વામી લલિત કિશોર દાસનો જન્મ થયો. તેમણે “લલિતકિશોરી” ના નામે ભગવત લીલા સંબંધિત સુંદર પદોની રચના કરી.  લગભગ દસ હજાર જેટલાં પદો રચ્યા. સાલ ૧૮૭૩માં  તેમનું દેહાવસાન થયું. તેમની રચનાઓ “રાસ-વિલાસ”, “અષ્ટયામ”, “સમય પ્રબંધ” ઇત્યાદિ ગ્રંથ દ્વારા પ્રકાશિત થઇ છે, તેમની રચનાઓ ઉર્દુ, ખડીબોલી તથા મારવાડી મિશ્રિત વ્રજ ભાષામાં ઉપલબ્ધ છે.

વૃન્દાવન માં શ્રી લલિત નિકુંજ “શાહજી નું મંદિર” આજે પણ મોજુદ છે.

(“किशोरी” – किशोर अवस्था वाली। राधा रानी को नित्य किशोरी नाम से जाना जाता है क्योंकि वह नित्य किशोर ही रहती हैं।)

માહિતી “વ્રજ રસ” વેબસાઈટ માંથી સાદર


શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.