સુખી અંગત જીવનની માર્ગદર્શિકા

દિવ્યભાષ સી. અંજારીઆ

આ પુસ્તક  મારા તમારા જેવા, નાણાંની આસપાસ ગોઠવાયેલાં રહેતાં આપણાં જીવન અને તેનાં વિવિધ પાસાંઓનું મહત્ત્વ સમજતા, પરંતુ અર્થશાસ્ત્રની પારિભાષિક આંટીઘુંટીઓથી અલ્પપરિચિત સામાન્ય લોકો માટે છે. માનવીય વ્યવહારો પરથી અર્થશાસ્ત્રના નિયમો ઘડવા ધારતા વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ માટેનું  આ કોઈ વ્યાવસાયિક પુસ્તક નથી.

આ પુસ્તકનો મૂળભુત આધાર એ માન્યતા છે કે માનવ જીવન સાથે કોઈ સંબંધ ન હોય એવું અર્થશાસ્ત્ર કોઈ કામનું નથી, કે અર્થશાસ્ત્ર એ વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓએ તારવેલા નિયમો મુજબ માત્રનો, વિજ્ઞાન આધારીત, વિષય નથી. આર્થિક નિર્ણય પ્રક્રિયા એ એવો વ્યક્તિગત વિષય છે જેમાં આર્થિક નિયમો લોકો માટે બનાવાતા નથી પણ લોકો તે નિયમો બનાવે છે, અને બનાવતાં રહેશે તેમજ તેમનો વ્યવહારમાં ઉપયોગ પણ એ લોકો જ કરે છે તેમજ કરતાં રહેશે..

વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓએ વ્યક્તિગત આર્થિક નિયમો તેમ જ મારા તમારા જેવાં સામાન્ય માણસોની આર્થિક નિર્ણય પ્રક્રિયા જાણવાં અને સમજવાં જોઇશે. જેટલાં આપણે વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રને આધીન છીએ તેટલું આપણે તેને ઘડીએ પણ છીએ. માટે, આ પુસ્તક આપણા જેવાં બિન-અર્થશાસ્ત્રીઓ માટે છે. તે સાથે સાથે આ પુસ્તક વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓને બિનઅર્થશાસ્ત્રી – સામાન્ય – માનવીની એક મહત્ત્વનાં આર્થિક પરિબળ તરીકે નોંધ લેવાનું આગ્રહભર્યું સુચન પણ કરે છે.

આપણું જીવન, આપણી જીવનદૃષ્ટિની ફિલસૂફી, સુખની આપણી પોતાની વ્યાખ્યા, અને આપણી પોતાની અર્થવ્યવસ્થા

આપણી દરેકની જીવન જીવવા માટેની આગવી જીવનદૃષ્ટિ, ફિલસૂફી છે.  નાણાંકીય કે બિનનાણાંકીય સાધનોની મદદથી યેન કેન પ્રકારેણ રીતે જીવનમાં સુખ મેળવવા માટેની ફિલસુફીની કોઈ ચાવી રજૂ કરવાનો આ પુસ્તકનો ઉપક્રમ કે આશય નથી.

આ પુસ્તકનો આશય તો અર્થશાસ્ત્રનાં વિજ્ઞાન તેમ જ જીવનનાં અર્થશાસ્ત્રની એટલી મૂળભૂત સમજ આપવાનો છે કે જેથી આપણાં જીવનની ફિલસૂફીને અમલમાં મુકીને જીવનનાં આપણાં સુખનાં ધ્યેયની સિદ્ધિ પ્રાપ્ત કરવાની મંજિલના મુકામ નજદીક પહોંચવામાં આપણને મદદ મળે.

અર્થશાત્રનાં વિજ્ઞાનનું ધ્યેય

અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનની હાલમાં પ્રવર્તતી પદ્ધતિ માત્ર, અને જરૂર પડે તો હજુ વધુ,  નાણાંકીય સાધનોની જ મદદથી જીવનનાં સુખને પ્રાપ્ત કરવાનાં ધ્યેય માટે પ્રવૃત રહે છે. પરિણામે, કદાચ આજનું અર્થશાત્ર એમ પૂર્ણધારણા  પણ કરી લે છે કે સુખ પ્રાપ્તિ માત્ર નાણાં વડે જ શક્ય બની શકે. એટલે અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનનું ધ્યેય પણ નાણાંના નવાં નવાં સંસાધનો ઉભા કરવાનું જ રહેતું જોવા મળે છે.

આપણા જીવનનાં અર્થશાસ્ત્રનો આશય

જીવન જીવવા માટે પૈસાની જરૂર છે એ જેટલું સાચું છે તેટલું જ સાચું  એ પણ છે કે જીવનમાં સુખ અને આનંદ પૈસા સિવાય પણ મળી શકે તેમ હોય છે.

જીવનનું અર્થશાસ્ત્ર એટલે આપણું જીવન અને તેની આસપાસ બનતી રોજબરોજની આર્થિક ઘટનાઓ. એ અર્થશાસ્ત્રને આપણે આપણી માન્યતાઓ, વિચારો અને વર્તણૂકો વડે મૂર્ત કરીએ છીએ. અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનથી આપણે પરિચિત હોઇએ કે ન હોઇએ, તેને જાણ્યે અજાણ્યે અનુસરતાં હોઇએ કે ન હોઇએ, અર્થશાસ્ત્રનું વિજ્ઞાન અને તેના નિયમો તેમજ  તેના દ્વારા માનવ જીવનમાં સુખની, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ, શોધ આપણાં જીવનનાં અર્થશાસ્ત્રનો એક અવિભાજ્ય હિસ્સો જરૂર બની રહેતો હોય છે. પરંતુ આ નાણાંકીય અર્થશાસ્ત્રને બાજુમાં મુકીને  માનવ જીવનનાં અર્થશાસ્ત્રનો મૂળભૂત આશય, આપણી પાસે કેટલા પણ પૈસા કે નાણાકીય સમૃદ્ધિ હોય તેને અલગથી રાખીને, જીવનમાં સુખની પ્રાપ્તિનો હોય છે.

વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જીવનની ફિલસૂફીનો આશય

આપણા જીવનની ફિલસુફી, પોતાના મનમાં, કે અન્યો સામે, વ્યક્ત કરેલ હોય કે ન હોય, આપણું જીવન તેને આધિન હોય જ છે. સભાનપણે કે અભાન પણે દરેક વ્યક્તિને અવિરતપણે પોતાનાં જીવનમાં સુખની શોધ રહેતી હોય છે.  જીવનની એ વ્યક્તિગત ફિલસૂફી જ નક્કી કરે છે કે આપણે શું, કેટલું, કેમ અને ક્યારે કમાવું, અને એ કમાણી મદદથી, જે તે સમયે વાંછિત સુખ કેમ પ્રાપ્ત કરવું, ટકાવી રાખવું તેમજ તેમાં સતત વૃદ્ધિ થતી રહે તે પણ જોવું. આ ફિલસૂફી એ પણ નક્કી કરે છે કે એ સુખની પ્રાપ્તિ માટે કેટલી આર્થિક, અને કેટલી બિનઆર્થિક, સમૃદ્ધિ જોઇશે.

આમ, જીવનની ફિલસૂફી દરેક વ્યક્તિનાં જીવનનું – તેને પરિણામે પોતાનાં જીવનનાં આગવાં વ્યક્તિગત અર્થાશાસ્ત્રનું – ચાલક બળ બની રહે છે. સ્વાભાવિક જ છે કે જીવનનાં અર્થશાસ્ત્રનો ઓછાયો આપણી વ્યક્તિગત ફિલસૂફી, આપણાં જીવનનાં અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનાં વિજ્ઞાન વિશેના આપણા દૃષ્ટિકોણ પર પથરાયેલો જ રહે.

નાણાં ઓછાં  હોય કે વધારે હોય, કે ન પણ હોય, એવા જીવનના કોઈ પણ તબક્કાના, જે તે સમય પ્રવર્તમાન સંજોગોના સંદર્ભમાં, જીવનનાં સુખની ચિરઃસ્થાયી પ્રાપ્તિ એ આ પુસ્તકનો મૂળભુત આશય  છે.


પરિચય –

૧૯૬૮માં આઇ આઇ એમ , અમદાવાદથી એમ બી એનો ઉચ્ચ અભ્યાસક્રમ પુરો કર્યા પછી શ્રી દિવ્યભાષ સી. અંજારીઆએ સાત વર્ષ ભારતમાં અને તેર વર્ષ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ કક્ષાએ બેંકિંગ ક્ષેત્રમાં કામ કર્યું.

૧૯૮૯માં ભારતમાં પાછા આવ્યા પછી તેમણે ભારત સરકારની અને સેબીની કેપિટલ માર્કેટ્સ, મ્યુયુઅલ ફંડ્સ અને ઇન્વેસ્ટમેંટ બેંકિગના માળખાં અને નિયમન માટેની વિવિધ સમિતિઓમાં પોતાની સેવાઓ આપી. ઈંડોનેશિયામાં પણ તેમણે આ જ પ્રકારનું કામ પણ કર્યું. યુનિટ ટ્ર્સ્ટ ઑફ ઈંડિયાની યુટીઆઇ ઇન્સ્ટિટ્યુટ ઑફ કેપિટલ માર્કેટ્સની સ્થાપના કરવામાં તેમણે મહત્ત્વની કામગીરી પણ કરી.

૧૯૯૯માં તેઓ ગુજરાતમાં આવીને સ્થિર થયા. તે સમયે ગુજરાત સરકારને એક નાણાંકીય પ્રવૃત્તિઓનું કેંદ્રવર્તી મથક સ્થાપવા અંગેની સલાહ આપવાની સાથે તેનાં માળખાંની તૈયારી કરી આપી. જેનાં પરિણામ રૂપે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાંસ ટેક-સિટી લિ (ગિફ્ટ) ની સ્થાપના થઈ અને ડાયરેક્ટર તરીકે ગુજરાત સરકારના મહાત્વાકાંક્ષી પ્રક્લ્પ, ગિફ્ટ સિટી,ની વિભાવનાના વિકાસ અને પ્રારંભિક આલેખનમાં શ્રી દિવ્યભાષ સી. અંજારીઆએ પાયાની ભૂમિકા ભજવી.

તેઓ ગુજરાત સરકારની કેટલીક કંપનીઓમાં તેમજ ખાનગી સેક્ટરની કંપનીઓમાં સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે તેમની સક્રિય સેવાઓ આપતા રહેવાની સાથે ગુજરાતમાં કેપિટલ માર્કેટ્સને લગતા પદ્ધતિસરના અભ્યસક્રમો વિકસાવવા માટે પણ સતત પ્રયત્નશીલ રહ્યા છે.

૨૦૧૯માં કોવિડની મહામારી સમયે જે ફરજિયાત ઘરનિવૃતિ તેમણે ભોગવી તે અનુભવે તેમણે અંગ્રેજીમાં The Economics of Life  પુસ્તક લખ્યું,જે હાલમાં પ્રકાશન પ્રકિયાના તબક્કામાં છે.  હવે એ પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ તેઓ તૈયાર કરી રહ્યા છે, જે વેબ ગુર્જરી પર દર મહિનાના બીજા અને ચોથા મંગળવારે, ક્રમશઃ, પ્રકાશિત થશે.

વેબ ગુર્જરી શ્રી દિવ્યભાષ સી અંજારીઆનો વેબ ગુર્જરી પરિવારમાં સહર્ષ આવકાર કરે છે.

સંપાદક મંડળ – વેબ ગુર્જરી


શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.