ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
પિયાનો એક વિશિષ્ટ વાદ્ય છે. તેને વગાડવા માટે ચાંપોનો ઉપયોગ થતો હોવાથી પ્રાથમિક દૃષ્ટીએ તેનો સમાવેશ ચાંપ/કળવાદ્યોની શ્રેણીમાં કરવો યોગ્ય ગણાય. પણ, તેની આંતરિક રચના એવી છે કે જે તે કળ દબાવવાથી તેની સાથે જોડાયેલા તાર વડે વાદ્યની અંદરની રચનાના ધાતુથી બનાવેલા ઘન નળાકાર પર પ્રહાર થાય છે અને એ રીતે ચોક્કસ સ્વર ઉત્પન્ન થાય છે. આ કારણથી જાણકારો તેને કળવાદ્ય અને તારવાદ્યની ખૂબીઓ ધરાવતા સંકર વાદ્ય તરીકે ઓળખવાનું પસંદ કરે છે. આ વાદ્યની રચના અને તેની કાર્યપધ્ધતિ બન્ને અતિશય સંકિર્ણ છે તેથી આ શ્રેણીમાં તેનો વિશેષ ઉલ્લેખ અસ્થાને છે.
પિયાનોનું જોનારને પહેલી જ નજરે પ્રભાવિત કરી દે તેવો ભવ્ય દેખાવ ધરાવે છે. આ કારણથી તેને ‘ગ્રાન્ડ પિયાનો’ તરીકે ઓળખવામાં આવે છે. તેના ભવ્ય દેખાવને લીધે દૃશ્ય વધુ સીનેમેટીક બની શકે છે. આથી અસંખ્ય ફિલ્મી ગીતોમાં પિયાનોને ગીતના એક મહત્વના હિસ્સા તરીકે દર્શાવવામાં આવે છે. સમયના વહેણની સાથે સાથે આ વાદ્યની રચંના અને દેખાવમાં નાનામોટા ફેરફારો થતા રહ્યા છે. એક વિશિષ્ટ રચના ધરાવતા પિયાનોની છબી પ્રસ્તુત છે.
હવે તો મૂળ પિયાનો ભાગ્યે જ જોવા/સાંભળવા મળે છે. ઈલેક્ટ્રોનીક વાદ્ય વડે પિયાનોનો અસલથી ખુબ જ નજીક એવો અવાજ નીપજાવી શકાતો હોવાથી કેટલીયે જગ્યાઓએ તેનો જ ઉપયોગ કરવામાં આવે છે.
પિયાનો મૂળભૂત રીતે પાશ્ચાત્ય ધૂનો વગાડવા માટેનું વાદ્ય છે. તેના સૂર તૂટક તૂટક વાગતા હોય તેમ લાગે. અલ્બત્ત, તે બન્ને હાથથી વગાડવામાં આવતો હોવાથી તેમાં સૂર સતત ચાલુ રહી શકે છે. આ ઉપરાંત તેનો અવાજ ઘેરો છે. વળી તેમાં થોડેઘણે અંશે સૂર પડઘાય છે. આથી ગીતમાં તેનો ઉપયોગ સાચવીને કરવો પડે. નહીંતર તે કાં શબ્દોને ઢાંકી દે કે પછી અન્ય વાદ્યો ઉપાર હાવી થઈ જાય. પાશ્ચાત્ય વાદ્ય હોવા છતાં અનેક કલાકારોએ તેની ઉપર હિંદુસ્તાની શાસ્ત્રીય રાગો પણ વગાડ્યા છે.
યુરોપના એક કલાકારે ગ્રાન્ડ પિયાનો ઉપર વગાડેલી સુખ્યાત સંગીતકાર બીથોવને સર્જેલી ‘મૂનલાઈટ સોનાટા’ તરીકે જાણીતી ધૂન સાંભળીએ.
ઉત્સવ લાલ નામના યુવાને ગ્રાન્ડ પિયાનો ઉપર છેડેલી રાગ ભીમપલાસીની ધૂનની એક ઝલક માણીએ.
હિન્દી ફિલ્મી ગીતોમાં પિયાનોનું ચલણ શરૂઆતના તબક્કાથી જ રહ્યું છે.
૧૯૩૯માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘કપાલ કુંડલા’ના આજે પણ જાણીતા એવા પંકજ મલિકે ગાયેલા અને તેમણે પોતે જ સ્વરબદ્ધ કરેલા ગીતમાં સુસ્પષ્ટ પિયાનોવાદન સાંભળી શકાય છે.
ફિલ્મ ‘દાસ્તાન’ (૧૯૫૦)ના સુરૈયાએ ગાયેલા પ્રસ્તુત ગીતમાં પણ પિયાનોના કર્ણપ્રિય ટૂકડા છે. આ ગીતને નૌશાદે સ્વરબદ્ધ કર્યું હતું.
તલત મહમૂદે ગાયેલા ફિલ્મ ‘અનહોની’ (૧૯૫૨) ના ગીતમાં વાદ્યવૃંદનું નિયોજન એ રીતે કરાયું છે, જેથી પિયાનોના સ્વરો ઉપસી આવે છે. સંગીત રોશને તૈયાર કર્યું હતું.
તિમીર બરન નામના હિન્દી ફિલ્મી દુનિયામાં પ્રમાણમાં ઓછા જાણીતા સંગીતકારે ફિલ્મ ‘બાદબાન(૧૯૫૪)માં એક અસાધારણ પિયાનોવાદન ધરાવતું સ્વરનિયોજન તૈયાર કર્યું હતું. આ ગીત તેમણે ગીતા દત્ત અને હેમંતકુમાર પાસે અલગ અલગ રેકોર્ડ કરાવ્યું હતું. અહીં ગીતા દત્તના અવાજમાં તે ગીત અને તેમાં સાથ આપી રહેલા પિયાનોના સ્વરને માણીએ.
ફિલ્મ ‘મીટ્ટી મેં સોના’(૧૯૬૦)માં સંગીતકાર ઓ પી નૈયરે આશા ભોંસલેના સ્વરમાં એક યાદગાર ગીત તૈયાર કર્યું હતું. સમગ્ર ગીત દરમિયાન પિયાનોના સ્વર કાને પડતા રહે છે.
૧૯૬૧માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘શોલા ઔર શબનમ’ના પ્રસ્તુત યુગલગીતને સંગીતકાર ખય્યામે પિયાનોના યાદગાર અંશો વડે સજાવ્યું છે.
સંગીતકાર હેમંતકુમારે ૧૯૬૬ની ફિલ્મ ‘અનુપમા’ના ગીતમાં પ્રયોજેલ પિયાનોવાદન વડે ગીત ખુબ જ લોકપ્રિય બની રહ્યું છે.
૧૯૭૦ના દાયકાની આસપાસ હિન્દી ફિલ્મી વાદ્યવૃંદોમાં ઈલેક્ટ્રોનીક વાદ્યોનો પ્રવેશ થયો. આના સીધા પરિણામે આદિવાદ્યોનો ઉપયોગ ઘટતો ચાલ્યો. તેમ છતાં પણ અમુક રચનાઓ માટે સંગીતકારો આવાં વાદ્યોની અનિવાર્યતા સમજતા હતા. ૧૯૭૧ની સાલમાં આવેલી બે ફિલ્મો – ‘કટી પતંગ’ અને ‘લાલ પથ્થર’નાં નીચેનાં ગીતોમાં સંગીતકારો અનુક્રમે રાહુલદેવ બર્મને અને શંકર-જયકિશને મૂળ પિયાનોનો ઉપયોગ કર્યો છે.
૧૯૮૬ની ફિલ્મ ‘દિલવાલે’ના આ ગીત માટે સંગીતકાર બેલડી નદીમ-શ્રવણે પિયાનોના કર્ણપ્રિય અંશો તૈયાર કર્યા છે.
૨૦૦૫માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘પરીણિતા’માં સંગીતકાર શાંતનુ મોઈત્રાએ મૂળ વાર્તામાં રજૂ થયેલ પોણી સદી પહેલાંના માહોલને જીવંત કરતું સંગીત તૈયાર કર્યું હતું. તેમાંનું પિયાનોવાદન ધરાવતું યાદગાર ગીત માણીએ,
આવતી કડીમાં પિયાનોવાદન ધરાવતાં કેટલાંક વધુ ગીતો માણીશું.
નોંધ :
૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com
સારી સારી રચનોને તમે જે ન્યાય આપ્યો છે તે બદલ ધન્યવાદ. આ સંકલનમાં જરૂર દિલીપકુમાર ના અંદાઝ ફિલ્મ ના તેના પિયાનો પર ગયેલા કેટલાય ગીતો કેમ નથી તે સહેજે સવાલ થાય છે. રૂમ ઝૂમ કે નાચો આજ, નિગાહે ભી મિલા કરતી તૂટે ના દિલ તૂટે ના.. વગેરે તે જરાક ખચકે છે. કોઈ બીજું કારણ હોય તો વાત જુદી છે. સરસ અભિવાદન કરું છું. દિલીપભાઈ કપાસી
LikeLike
શ્રી દિલીપભાઈ, પ્રોત્સાહક શબ્દો માટે આભાર. આપે ઉલ્લેખ કર્યો તે ગીતો ન સમાવી શક્યાના અફસોસ સહિત આપનું ધ્યાન FB પરની પોસ્ટ તેમ જ લેખ નીચેની નોંધ ઉપર દોરવું વાજબી લાગે છે. નીચે મૂકું છું.
અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.
અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
આશા છે કે આપને સંતોષ થયો હશે.
LikeLike