કેવળ એક વ્યક્તિનો નહીં, આખેઆખી જાતિનો અંત

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

મૃત્યુ પામનારનું નામ: ખબર નથી.

મૃત્યુ પામનારનું સગુંવહાલું: કોઈ નથી.

મૃત્યુ પામનારની જાતિ: ખબર નથી.

મૃત્યુ પામનારની ભાષા: ખબર નથી.

આમ છતાં, આ વ્યક્તિના મૃત્યુથી જગતભરના સંશોધકો શોકગ્રસ્ત છે. બ્રાઝિલના સાવ અંતરિયાળ ભાગમાં, એમેઝોનના પશ્ચિમ ભાગનાં વર્ષાજંગલમાં વસવાટ કરી રહેલો એ અનામી માણસ ઑગષ્ટ, ૨૦૨૨ના છેલ્લા સપ્તાહમાં મૃત્યુ પામ્યો. તેની વય સાઠેક વર્ષની અને મૃત્યુ નૈસર્ગિક રીતે થયું હોવાનું માનવામાં આવે છે. પોતાના દેહને તેણે રંગબેરંગી પીંછાઓથી ઢાંક્યો હોવાને કારણે એમ લાગે છે કે તે મૃત્યુ માટે તૈયાર હશે. એ માણસ એકલો જ રહેતો હતો. પોતાની જરૂરિયાત પૂરતાં ફળ અને શાકભાજી જાતે જ ઊગાડી લેતો હતો. જરૂર પડ્યે પ્રાણી યા પક્ષીનો શિકાર કરતો. ટૂંકમાં કહીએ તો એ પૂર્ણપણે સ્વનિર્ભર રીતે જીવન જીવતો હતો. એ કોઈ ટાપુ પર આવી ચડેલો એકલજીવ નહોતો, પણ પશ્ચિમ એમેઝોનનાં ગાઢ જંગલમાં રહેતી અનેક જનજાતિઓ પૈકીની એકનો સભ્ય હતો.1 ‘સુધરેલા’ શિકારીઓએ તેની જનજાતિના સમૂહનો વારંવારના હુમલાઓથી ધીમે ધીમે કરતાં ખાત્મો બોલાવી દીધો હતો. આ કારણે પોતાની જનજાતિનો એ એક જ બચી ગયેલો માણસ રહી ગયેલો. એની મનો:સ્થિતિનો વિચાર કરતાં જ ધ્રુજારી છૂટી જાય. કોઈ પણ મનુષ્ય સાથે કશો સંપર્ક નહીં, તેને પરિણામે વાત કરવા માટે કોઈ સાથીદાર નહીં. પોતાના સાથીઓની નિર્મમ હત્યાની સતત ઝળૂંબતી રહેતી સ્મૃતિઓ અને પોતાના અસ્તિત્ત્વ પર પણ સતત તોળાયેલું રહેતું જાનનું જોખમ. આ બધા વચ્ચે એ શી રીતે જીવન ગુજારતો હશે?

તેના વિશે જેમને ખ્યાલ હતો એ લોકો તેને ‘મેન ઑફ ધ હોલ’ (ખાડાનો માણસ) તરીકે ઓળખતા, કેમ કે, પોતાના છુપાવા કે પછી પ્રાણીઓને પકડવા માટે તે ખાડાનો ઉપયોગ કરતો. આ વ્યક્તિએ સ્વેચ્છાએ જ આવું જીવન પસંદ કર્યું હતું, પણ નવાઈ લાગે એવી વાત એ છે કે આ રીતે, બહારની દુનિયાના સંપર્ક વિના જીવતો હોય એવો એ એકલો નહોતો. ‘સર્વાઈવલ ઈન્ટરનેશનલ’ સંસ્થાના અહેવાલ મુજબ વિશ્વભરમાં આ પ્રકારની સોએક જનજાતિઓ વસવાટ કરે છે, અને એમાંની મોટા ભાગની એમેઝોન પ્રદેશમાં છે. બહુ સૂઝપૂર્વક એ સૌએ આ રીતે જીવવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. ‘સર્વાઈવલ ઈન્ટરનેશનલ’ સંસ્થા સાથે સંકળાયેલાં ફિયોના વૉટ્સને જે કંઈ આછીપાતળી વિગત મેળવીને જે તારણ કાઢ્યાં એના આધારે તેમને એમ લાગે છે. પોતાના પર થતા રહેતા હુમલા, હત્યાઓએ તેમને આ નિર્ણય લેવા પ્રેર્યા હશે.

માનવજાતનો ઈતિહાસ એ બાબતને વારંવાર અધોરેખિત કરતો રહ્યો છે કે જેમ તે ઉત્ક્રાંત થઈને સભ્ય અને સંસ્કૃત બનતો ગયો એમ એમ તેનામાં જંગલિયતનું પ્રમાણ પણ વધતું ચાલ્યું. પહેલાં તે કેવળ ખોરાક માટે અને ટકી રહેવા પૂરતો શિકાર કે હત્યા કરતો હતો, અને એ પણ માનવોની નહીં, મુખ્યત્વે પશુઓની. કહેવાતી સંસ્કૃતિના ઉદય અને વિકાસની સમાંતરે તે માલમિલકત, ધર્મ કે રાજ્યના વિસ્તાર માટે બીજા માનવોને હણતો ચાલ્યો. બીજાઓને પોતાના જેવા બનાવવાની અને એમ ન થાય તો એનો જીવ લેતાં ન અચકાવાની એની વૃત્તિ તીવ્રતર બનતી ચાલી. તમામ નૈસર્ગિક સંસાધનો પર તે પોતાનો હક જમાવવા લાગ્યો. એમાં ને એમાં તેણે કુદરતનો ભોગ તો લીધો જ, સાથેસાથે એમ કરવામાં પોતાને ‘નડતરરૂપ’ લાગતા મનુષ્ય સહિતના તમામ જીવોનો પણ એક યા બીજી રીતે ખાત્મો બોલાવતો ચાલ્યો.

જેને ‘ઈન્ડીજિનીયસ’, ‘નેટિવ’ જેવાં નામે ઓળખવામાં આવે છે એવા, વિવિધ વિસ્તારના મૂળભૂત નિવાસીઓની જાતિઓનું સાગમટે નિકંદન નીકળવા લાગ્યું. તદ્દન પ્રાકૃતિક જીવનશૈલી ધરાવતી આ જાતિઓ ધીમે ધીમે નષ્ટ થવા લાગી ત્યારે કેટલાકને ખ્યાલ આવ્યો કે તેમની સાથોસાથ એક આખેઆખી સંસ્કૃતિ જડમૂળથી ઉખેડાઈ રહી છે. એવી સંસ્કૃતિ કે જેના વિશે બહારની ‘સુધરેલી’ દુનિયાને જાણ સુદ્ધાં નથી, અને હવે એ થશે પણ નહીં. આ નિવાસી લોકો પૃથ્વી પર વસતા એવા વિશિષ્ટ લોકો છે કે જેમનું જીવન સમગ્રપણે આસપાસની પ્રકૃતિ અને પર્યાવરણ આધારિત છે. ખરા અર્થમાં સ્વનિર્ભર અને સ્વાવલંબી જીવન જીવતા આ લોકો પાસે પ્રકૃતિની જાળવણીની, તેને અનુકૂળ થવાની જે સમજ છે એ ભાગ્યે જ અન્ય ‘સુધરેલી’ જાતિઓ પાસે હશે. એક તરફ જગત આખું વિકાસની આંધળી દોટમાં ગુલતાન છે, જ્યારે બીજી તરફ આપણા આ ગ્રહને બચાવવાની, તેને પ્રદૂષિત થતો અટકાવવાની સમજણ પણ મોડેમોડે ઊગી છે અને એની ઝુંબેશ ચાલી રહી છે. અલબત્ત, આ ઝુંબેશ જાણીજોઈને દૂધ ઢોળી દીધા પછી તેની પર અફસોસ વ્યક્ત કરવા જેવી છે. તેનો ખાસ અર્થ સરતો નથી, કેમ કે, વિકાસની દોટ દિન બ દિન વધુ ને વધુ તેજ બનતી ચાલી છે.

વિવિધ પ્રદેશોના મૂળભૂત નિવાસીઓ ઘણે ભાગે રાજકીય મુદ્દો બનતા હોય છે, પણ તેમની સંખ્યા સાવ ઓછી હોવાને કારણે રાજકારણીઓને તેમનો ખાસ ખપ નથી હોતો, અથવા તો એટલા પૂરતો જ ખપ હોય છે.

આ વ્યક્તિના મૃત્યુને પગલે પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત કર્મશીલોએ આ જાતિના નિકંદનની સ્મૃતિમાં વનના એટલા હિસ્સાને કાયમ માટે આરક્ષિત ઘોષિત કરવાની માંગણી કરી છે. વીસેક હજાર એકરનો આ આરક્ષિત વિસ્તાર બ્રાઝિલના સાત પ્રદેશો પૈકીનો એક છે, જેને જમીન સંરક્ષણ કાનૂન લાગુ પડે છે. બ્રાઝિલના પ્રમુખ જાઈર બોલ્સોનારોએ ઘણા સમય પહેલાં આ કાનૂનને નાબૂદ કરવાની ઘોષણા કરી દીધી છે, કેમ કે, તેઓ માને છે કે બ્રાઝિલ આ મૂળભૂત નિવાસીઓ પાસે વધુ પડતી જમીન છે. આનો અર્થ સ્પષ્ટ છે કે હજી ધ્યાનમાં ન આવી હોય એવી કેટલીય જાતિઓનું નિકંદન આમ ને આમ નીકળતું રહેશે અને વિકાસગાનમાં સૂર પુરાવનારાઓનો સમૂહ વધતો રહેશે.

1


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪-૦૯ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

1 thought on “કેવળ એક વ્યક્તિનો નહીં, આખેઆખી જાતિનો અંત

Leave a Reply

Your email address will not be published.