ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : મણકો ૫ – મહોરું – PERSONA (1966)

ભગવાન થાવરાણી

મહાન સ્વીડીશ ફિલ્મ-સર્જક ઈંગમાર બર્ગમેનની (૧૯૧૮ – ૨૦૦૭) સર્જેલી આશરે ૪૬ ફિલ્મોમાંથી એમની પસંદ કરેલી દસ ફિલ્મોની વિસ્તૃત ચર્ચાની આ શ્રેણીમાં આપણે અત્યાર લગી એમની ચાર ફિલ્મો SO CLOSE TO LIFE ( 1958 ), AUTUMN SONATA ( 1978 ), WILD STRAWBERRIES ( 1957 ) અને SCENES FROM A MARRIAGE ( 1973 ) વિગતે અવલોકી ચૂક્યા છીએ.

આજે વાત કરીશું એમની વધુ એક વિચક્ષણ અને જગતભરમાં ફિલ્મ-કળાના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે પંકાયેલી અને પોંખાયેલી ફિલ્મ PERSONA (1966)[1] અર્થાત ચરિત્ર  અર્થાત મહોરુંની  સિનેમાકીય વિશ્લેષણ માટે જગતભરના વિવેચકો આ ફિલ્મને માઉંટ એવરેસ્ટ ‘ – અંતિમ શિખર લેખે છે ! 

માત્ર ૮૪ મિનિટ લાંબી આ ફિલ્મની ગણના વીસમી શતાબ્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે. એના માનસશાસ્ત્રીય કથાવસ્તુએ અનેક રસિકો-વિવેચકોને મંત્રમુગ્ધ કર્યા છે. કેટલાય એ ફિલ્મ વારંવાર જોયા પછી પણ એનો પૂરેપૂરો તાગ મેળવી શક્યા નથી . એક વિવેચક પીટર કોવી ત્યાં સુધી કહે છે કે ‘ આ ફિલ્મ વિષે જે કંઈ કહેવાય એનાથી ઊલટું પણ એટલું જ સત્ય છે ! ‘ . માત્ર કથાવસ્તુ જ નહીં, આ ફિલ્મની બે મુખ્ય અભિનેત્રીઓ લીવ ઉલમાન અને બીબી એંડર્સન (બન્ને બર્ગમેનની બીજી કેટલીક ફિલ્મોની પણ આધારસ્તંભ) નો અભિનય, એમના ચહેરાઓની બર્ગમેનના મહાન કેમેરામેન સ્વેન નિકવીસ્ટ દ્વારા ઝડપાયેલી મુદ્રાઓ અને બર્ગમેનની સંપૂર્ણ સર્જકતા આ ફિલ્મને એક સીમાચિહ્ન ઠેરવે છે.

ફિલ્મની વાર્તા પાતળી છે પણ એની સર્વાંગી માવજત અદ્ભૂત ! સિનેમા અને તખ્તાની લોકપ્રિય અભિનેત્રી એલિઝાબેથ વોગલર ( લીવ ઉલમાન ) એક નાટકના મંચન દરમિયાન અચાનક મૌન બની જાય છે. એના તબીબોના મતે એ શારીરિક અને માનસિક રીતે પૂર્ણત: સ્વસ્થ છે અને ઈચ્છે તો બોલી શકે તેમ છે પરંતુ એની બોલવાની ઈચ્છા રહી નથી અથવા બીજા શબ્દોમાં, પ્રબળ ઇચ્છાશક્તિના કારણે એણે આ મૌન ધારણ કર્યું છે ! એની માનસશાસ્ત્રી મિત્ર ડોક્ટર (MARGARITA CROOK) એને નર્સ અલ્મા (BIBI ANDERSON) ની અંગત સારવાર હેઠળ મૂકે છે. પરિસ્થિતિમાં કશો ફેરફાર ન થતાં ડોક્ટર એ બન્નેને બાજુના ટાપુ પર આવેલા પોતાના કોટેજ પર થોડાક દિવસ ગાળવા મોકલે છે. બસ ! અહીંથી જ અસલ વાત શરુ થાય છે. બન્ને સ્ત્રીઓ હળે છે, મળે છે, અંતરંગ પરિચય કેળવે છે, ઝઘડે છે, એકબીજા પર હાથ પણ ઉપાડે છે અને સમયાંતરે બન્ને જાણે એક ચરિત્ર – એક વ્યક્તિમાં રૂપાંતરિત થઈ જાય છે. બન્નેના મહોરાં ખરી પડે છે, કહો કે એકમેકમાં વિલીન થઈ જાય છે. મજાની વાત એ કે ટાપુ પર અને સમગ્ર ફિલ્મમાં કેવળ અલ્મા જ બોલે છે. અલ્માના બધા પ્રયત્નો છતાં એલિઝાબેથે સ્વયં ધારણ કરેલું મૌન અભેદ્ય રહે છે. ફિલ્મની અંતિમ ક્ષણોને બાદ કરતાં !

પણ આવી ફિલ્મની વાત આટલામાં આટોપી ન શકાય. ફિલ્મને યથાશક્તિ પામવા એના વિસ્તૃત વિશ્લેષણની જરૂર પડે. હવે પછીના શબ્દોમાં એવો વિનમ્ર પ્રયત્ન છે. પ્રયત્ન એટલા માટે કે જગવિખ્યાત ફિલ્મ વિવેચક રોજર એબર્ટ પણ આ ફિલ્મથી મંત્રમુગ્ધ થઈને એટલું જ કહે છે કે ‘આ ફિલ્મ પાસે આપણે વારંવાર પાછા આવીએ છીએ એના દ્રષ્યોના સૌંદર્ય ખાતર અને એ આશા સહિત કે ધીરે-ધીરે આ ફિલ્મના રહસ્યોને આપણે પામી શકીશું !‘ ખુદ બર્ગમેને કહેલું કે આ ફિલ્મ ‘સમજાયા કરતાં અનુભવાય‘ તો મને વધુ ગમે .

ફિલ્મ સીધી-સાદી રીતે તો એલિઝાબેથની વાર્તા છે. એને એની નર્સ અલ્મા સાજી કરે છે. સંસર્ગ દરમિયાન બન્ને સ્ત્રીઓ એકબીજાના ચરિત્રને પિછાણે છે. બન્ને વચ્ચે સમાનતા કેવળ એટલી કે બન્ને સ્ત્રી છે. બન્નેની પૃષ્ઠભૂમિ નોખી છે. એક પરિણિત અને માતા છે, બીજી અપરિણિત. બન્નેની સામાજિક સ્થિતિ, મિજાજ અને નૈતિક મૂલ્યોમાં આભ જમીનનું અંતર છે. બન્નેનો અકસ્માતે ભેટો થાય છે અને એક સંઘર્ષ શરુ થાય છે. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે જીવન અલ્માના પક્ષે છે. એ તંદુરસ્ત છે, યુવાન છે, આશાવાદી છે પણ આખી વાત આટલી સરળ હોય તો એ બર્ગમેન શાના ? ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ બન્ને સ્ત્રીઓ વચ્ચેનું ‘ સત્તા – સંતુલન ‘ નવા પરિમાણો ધારણ કરતું રહે છે.

વધારે વિગતે જોઈએ. એલિઝાબેથ એક સફળ અભિનેત્રી ઉપરાંત એક સંકીર્ણ ચરિત્ર છે. એના માનસપટલ પર બે ચિત્રો સતત ઉભરતા અને એને ખલેલ પહોંચાડતા રહે છે. એક વિયેટનામ યુદ્ધ વખતે જાતને સળગાવીને યુદ્ધનો વિરોધ કરતા બૌદ્ધ સાધુનું જીવંત ચલચિત્ર અને બીજું બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નિર્દોષ યહૂદીઓ (બાળકો સહિત) પર કરાતા અમાનુષી અત્યાચારનું ચિત્ર. કદાચ આવા જઘન્ય કૃત્યો સામે પોતે કશું કરી શકતી નથી એની લાચારી એને પીડે છે – વિશેષ કરીને એક નિર્દોષ યહૂદી બાળકના ચહેરા પરના હેબતના ભાવ – અને એ પશ્ચાતાપરૂપે મૌન ધારણ કરી લે છે.

ફિલહાલ, આપણે ત્યાંથી શરૂ કરીએ જ્યાં નર્સ અલ્માને એલિઝાબેથને સાચવવાની જવાબદારી સોંપવામાં આવે છે. અલ્માને પોતાની વાચાળતાની તુલનાએ એની દર્દીનું સંપૂર્ણ મૌન આકરું લાગે છે. એને એમ લાગે છે કે એની જગાએ કોઈક ઉમરવાન, પરિપક્વ, અનુભવી નર્સ હોત તો સારું થાત. એ કમને આ જવાબદારી સ્વીકારે છે.

એલિઝાબેથને મૌનમાંથી ઉગારવાના છેલ્લા ઉપાય તરીકે એની માનસશાસ્ત્રી મિત્ર એને પાસેના ફારો ટાપુ પરના પોતાના કોટેજ પર હવાફેર માટે મોકલવાનું નક્કી કરે છે. સાથે અલબત્ત અલ્મા પણ. એ બન્નેને રવાના કરતાં પહેલાં ડોક્ટર જે કહે છે એ પરથી એલિઝાબેથને અને જિંદગીને સમજવાના એના કૌશલ્ય બદલ માન થાય ! સાંભળો.એ કહે છે, ‘ હું જાણું છું અસ્તિત્વના આ નિરાશાજનક સ્વપ્નને !  હું એ ખાઈ વિષે પણ અવગત છું જે તારા વિષેની લોકોની સમજણ અને તારી પોતાની માન્યતાઓ વચ્ચે છે. કાયમ માટે મહોરા-વિહીન થઈ જવાની આકાંક્ષા શું છે એ પણ જાણું છું હું . આપણને લાગ્યા કરે જાણે અવાજનું પ્રત્યેક સ્પંદન એક જૂઠ છે અને આપણી દરેક મુદ્રા એથીય મોટું જૂઠાણું ! દરેક સ્મિત એક અભિનય. આપઘાત કરીએ એ રસ્તો તો સાવ ગલત. મૌન ધારણ કર્યાનું તારું પગલું હું સમજું છું. તું સ્વયંને જગતથી કાપી નાંખી પોતાની ભીતર પાછી ફરી છો. તારે કોઈ ભૂમિકાઓ ભજવવી નથી. કોઈ મહોરાં પહેરવા નથી. કોઈ નકલી મુખમુદ્રાઓ ઓઢવી નથી. પણ વાસ્તવિકતા તારી સાથે અલગ જ રમત રમે છે. તારું છુપાવાનું ઠેકાણું એવું જડબેસલાક નથી. ચારે ખૂણેથી જીવન ઝરે છે. આપણે પ્રતિભાવ આપવો જ પડે. એ સાચો છે કે ખોટો એ સવાલ મહત્વનો નથી. એ પ્રશ્નો અને જવાબો જીવનમાં તો શું, થિયેટરમાં પણ અગત્યના નથી. હું તને ઓળખું છું. તેં તારી તટસ્થતાને એક જબરજસ્ત પાંજરામાં પરિવર્તિત કરી છે. હું તને બિરદાવું છું એ બદલ. તારે આ રોલ પૂરો થાય અથવા તને રસ પડે ત્યાં લગી ભજવવો જ રહ્યો . બીજી ભૂમિકાઓ પડતી મૂકે છે તેમ પછી કાળેક્રમે તું આ પણ પડતી મૂકી શકે.

એલિઝાબેથને પણ સ્વયંનું પોતાની મિત્ર દ્વારા કરાયેલું વિશ્લેષણ યથાર્થ હોય એવું એના ચહેરા પરથી લાગે છે.

ફારો ટાપુ. બન્ને સ્ત્રીઓ વચ્ચે ઘનિષ્ઠતા કેળવાઈ રહી છે. બન્ને સાથે દરિયે ફરવા જાય છે, ફિશીંગ કરે છે, ભોજન પકાવે છે અને દરેક રીતે જીવન ઉજવી રહી છે પરંતુ એલિઝાબેથનું મૌન યથાવત્ છે. બીચ પર અલ્મા એલિઝાબેથને કોઈક પુસ્તકનો પરિચ્છેદ વાંચી સંભળાવે છે ‘ આપણી ભીતરની બધી ચિંતાઓ, સ્વપ્નો, ક્રૂરતાઓ, ભય અને આપણી ભૌતિક પરિસ્થિતિ બાબતની સભાનતા – આ બધાના કારણે એવો આશાવાદ જન્મ્યો છે કે કોઈક અલગ વિશ્વમાં આપણે મુક્તિ પામીશું.  તને આ સત્ય લાગે છે ? ‘ એલિઝાબેથ હકારમાં માથું ધૂણાવે છે. ‘ મને એવું લાગતું નથી. મારો મંગેતર કાર્લ કાયમ મને વઢે છે કે હું મહત્વાકાંક્ષી નથી. હું ઊંઘમાં બબડું એ એને ગમતું નથી. હું ભણવામાં હોશિયાર હતી. મને લાગે છે કે મારા નર્સના વ્યવસાય માટે હું જોઈએ એટલી પ્રતિબદ્ધ નથી. ‘ પછી અટકીને  ‘ કોઈક શ્રદ્ધા પાછળ જિંદગી ખરચી નાંખવી બહુ મોટી વાત છે. કોઈક માટે મહત્વના હોવું એ પણ. ‘ એલિઝાબેથ મૂંગી મૂંગી એને વહાલપૂર્વક નીરખી રહે છે. અલ્મા એને પોતાના પ્રથમ પરિણિત પ્રેમીની વાત પણ કરે છે.

મને ઘણાએ કહ્યું છે કે હું સારી શ્રોતા છું. પણ મારી પોતાની વાત ક્યારેય કોઈએ ધ્યાનથી સાંભળી જ નહીં. તું સાંભળે છે તો કેવું સારું લાગે છે ! ‘ એ એલિઝાબેથના ખભે માથું ઢાળી દે છે.’ મારે એક બહેન જોઈતી હતી. ભાઈઓ તો છે. તું અભિનેત્રી છો એટલે તને ખબર જ હોય . મને મારો મંગેતર કાર્લ ગમે તો છે પણ જીવનમાં પ્રેમ એક જ વાર થાય.

હવે એક ખૂબ જ ચર્ચાયેલું અને વિવાદાસ્પદ દ્રષ્ય. અલ્મા ‘ હું અને કાર્લ એકવાર દરિયાકિનારે વેકેશન ગાળવા ગયેલા. કાર્લ કોઈક કામે શહેરમાં ગયો હતો. સરસ હૂંફાળો દિવસ હતો. હું એકલી દરિયાકિનારે સૂર્યસ્નાન કરવા ગઈ. બાજુમાં એક યુવાન અજાણી છોકરી પણ મારી જેમ નગ્ન સૂતી હતી . અમે બે યુવાન છોકરાઓને દૂરથી અમને તાકતા જોયા. છોકરીનું નામ કેટરીના .’ એલિઝાબેથ સિગારેટ પીતાં પીતાં ધ્યાનપૂર્વક સાંભળે છે. ‘ છોકરાઓ અમારી નજીક આવ્યા. બન્ને અમારા કરતાં નાના હતા. કેટરીનાએ એકને પોતાની પાસે બોલાવ્યો. બન્નેએ શરીરસુખ માણવાનું શરૂ કર્યું. પછી એ છોકરાએ મારી સંમતિથી મારી સાથે એ જ કર્યું. એ પછી બીજા છોકરા સાથે પણ. શું મજા ! (બર્ગમેન ફરી એકવાર સાબિત કરે છે કે વિચારો જ વાસ્તવિકતાનું સર્જન કરે છે !) 

મને ગર્ભ રહી ગયો. ગર્ભપાત કરાવ્યો. મને અને કાર્લને એ તબક્કે બાળક જોઈતું નહોતું. ‘ આ સમગ્ર એકાલાપ દરમિયાન કેમેરા માત્ર અલ્મા અને એલિઝાબેથ પર મંડાયેલો રહે છે. ખરેખરી ‘ઘટના’ નું કોઈ ચિત્રણ નથી ! અલ્માને એ સ્મૃતિઓ પશ્ચાત્તાપમાં ધકેલે છે. એલિઝાબેથને હસવું આવે છે.

સવાર. ‘ મેં તારી એક ફિલ્મ જોયેલી. ઘેર આવી અરીસામાં જોતાં વિચાર આવ્યો, આપણે બન્ને કેટલા સરખા લાગીએ છીએ ! મને હવે લાગે છે કે પ્રયત્ન કરું તો હું તું માં પરિવર્તિત થઈ શકું. એ જ રીતે તું હું બની શકે. ‘ બરાબર આ સમયે અલ્માને પ્રત્યુત્તરમાં એલિઝાબેથ કશુંક બોલી હોય એવો ભાસ થાય છે.

સિનેમા-કળાની દ્રષ્ટિએ ફરી એક ચિરસ્મરણીય દ્રષ્ય ! એલિઝાબેથ અલ્માના બેડરૂમ તરફ આવતી દેખાય છે. એના પલંગ આગળ ઊભી રહે છે. કશુંક વિચારી પાછી વળે છે. અલ્મા બેઠી થઈ એને ભણી જૂએ છે. ઊભી થઈ એના ખભે માથું ઢાળે છે. બન્ને સાથે કેમેરા ભણી – આપણા ભણી જૂએ છે. એલિઝાબેથ એના માથે હાથ ફેરવે છે. અલ્મા એલિઝાબેથની કેશરાશિને પાછળથી આગળ લાવીને પોતાના પર પાથરે છે. આખું દ્રષ્ય જાણે એક સ્વપ્ન હોય !

બીજા દિવસે અલ્મા પૂછે છે ત્યારે એલિઝાબેથ કહે છે કે એ તો એના શયનકક્ષમાં આવી જ નહોતી !

એક ઘટના બને છે. લોકભોગ્ય અર્થમાં જોઈએ તો ફિલ્મની એકમાત્ર ઘટના ! એલિઝાબેથે પોતાની મિત્ર ડોક્ટરને લખેલો પત્ર અલ્મા પોસ્ટ ઓફિસમાં નાખવા લઈ જાય છે. ભૂલથી પત્ર બીડવાનો રહી ગયો છે. અલ્મા પત્ર વાંચવા લલચાય છે. પત્રમાં અન્ય બાબતો ઉપરાંત જણાવાયું છે કે એલિઝાબેથ અલ્માના ચરિત્રનો અભ્યાસ કરી રહી છે. અલ્માએ આચરેલા પાપ ( સમૂહ સંભોગ ) અને એણે પડાવી નાંખેલા ગર્ભનો પણ ઉલ્લેખ છે એમાં. અલ્માને ભારોભાર આઘાત લાગે છે.

પરત ઘર. અલ્મા સૂનમૂન ફળિયામાં બેઠી છે. ત્યાં ફૂટેલા કાચના ટુકડાઓ પડ્યા છે. અલ્મા એ ટુકડા સમેટે છે પણ એક ટુકડો ઈરાદાપૂર્વક રહેવા દે છે ! 

એલિઝાબેથ બહાર આવે છે. અલ્માએ રહેવા દીધેલ કાચનો ટુકડો એને પગમાં વાગે છે. અલ્મા એ જૂએ છે. એલિઝાબેથ એની સામે પ્રશ્નસૂચક નજરે જૂએ છે. અલ્માના ચહેરા પર કોઈક સંતુષ્ટિનો ભાવ છે. એક રીતે બન્ને સ્ત્રીઓ વચ્ચેના ગજગ્રાહમાં આ એલિઝાબેથનો વિજય છે. એ અલ્માને એના વ્યવસાય – નર્સ – ના સિદ્ધાંતો નેવે મૂકાવવામાં સફળ થઈ છે ! પડદા પર સિનેમાનું રીલ તૂટે છે. ભરોસો તૂટ્યા જેવું.

દરિયાકિનારે બન્ને સ્ત્રીઓ. ‘હવે તને સારું થયા જેવું લાગતું હોય તો શહેર પરત ફરીએ. હું કંટાળી છું હવે. અને હા, તારો ઈરાદો મને સ્હેજ પણ સુખ આપવાનો હોય તો મારી સાથે વાત કર. ભલે રોજ થોડીક મિનિટ. હું તો એમ માનતી હતી કે મહાન કલાકારોને બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ હોય પણ તેં તો મારો ઉપયોગ કર્યો. મને દૂભવી. મારો ઉપહાસ કર્યો. હવે મારી જરૂર નથી એટલે મને ફગાવે છે.

તેં તારી મિત્રને લખેલો પત્ર મેં વાંચ્યો. તે જ મને કોઈને ન કહેલી એ વાતો કહેવા મજબૂર કરી અને હવે આવો વિશ્વાસઘાત ?’ અલ્મા એલિઝાબેથને ફેંટથી પકડીને ખેંચે છે. એલિઝાબેથ એને તમાચો મારે છે. એ એલિઝાબેથ પર થૂંકે છે. અલ્માના નાકમાંથી લોહી નીકળે છે. ઘરના રસોડામાં અલ્મા ઉકળતું પાણી એલિઝાબેથ પર રેડવા હાથ ઉગામે છે અને એલિઝાબેથ ‘ ના. એવું ન કરતી. ‘ બોલતી હોય એવો ભાસ થાય છે. એના કહેવાનું એક અર્થઘટન એ પણ કરી શકાય કે ‘ મારે પીડા નથી જોઈતી. મારે મરવું નથી. મારે જીવવું છે. ‘ બી ગઈ ને? મૃત્યુનો ભય તને પણ છે. તને એમ કે તારો ભયભીત ચહેરો મને પીગળાવી દેશે. ‘ અલ્મા એલિઝાબેથના ગાલે ચીંટિયો ભરે છે. ‘તને તો હું બરાબરનો સબક શિખવાડીશ.‘ ‘એલિઝાબેથ પહેલાં એને ભયથી નીરખે છે, પછી હસે છે. અલ્માને ખુન્નસવાળો ચહેરો જોઈ એનું સ્મિત વિલાઈ જાય છે. અલ્માને ટાઢી પાડવા એ એને કોફી આપે છે. ‘ ડોકટરે મને કહ્યું હતું કે તું મનથી સ્વસ્થ છો. મને એવું લાગતું નથી. તારું ગાંડપણ ભયંકર છે. કરુણતા એ કે બધા તારો ભરોસો કરે છે. પણ મને ખબર છે, તું કેવી સડેલી છો. ‘ વધારે પડતું બોલાઈ ગયું એનો અહેસાસ થતાં અલ્મા પસ્તાવો અનુભવે છે.

અલ્માથી છૂટવા બહાર નીકળી ગયેલી એલિઝાબેથની માફી માંગવા અલ્મા એની પાછળ દોડો છે. ‘ મને ખબર છે, તું મને માફ નહીં કરે. તું ઘમંડી છો.

ફરી એક અવિસ્મરણીય પ્રસંગ અને દ્રષ્ય. ઘરની બહાર કોઈક પુરુષ એલિઝાબેથનું નામ લઈને બોલાવે છે. એ એલિઝાબેથનો પતિ વોગલર ( GUNNAR BJORNSTRAND ) છે. સૂતેલી એલિઝાબેથ પાસે બેઠેલી અલ્મા દોડીને બહાર જાય છે કે તુરત એલિઝાબેથ આંખો ખોલે છે.

વોગલર અલ્માના ખભે હાથ મૂકે છે. ‘ હું એલિઝાબેથ નથી. ‘ ત્યાં એલિઝાબેથ બહાર આવી અલ્માની લગોલગ ઊભી રહે છે. બન્નેની શક્લ – સૂરતમાં ભેદ પામવો મુશ્કેલ છે. વોગલર – ‘ તું કોઈક અન્યને ચાહે છે એ જાણું છું પણ આપણો દીકરો તને બહુ યાદ કરે છે. ‘  ‘ પણ હું તમારી પત્ની નથી. ‘ એલિઝાબેથ અલ્માનો હાથ ઉપાડીને પોતાના પતિના ચહેરે ફેરવે છે ! ( જાણે પરકાયાપ્રવેશ ) શું એને લાગે છે કે અલ્મા એટલે એ પોતે જ ? અલ્મા વોગલરને વળગીને ચૂમે છે. એલિઝાબેથ બાજુમાં ઊભી એ દ્રષ્ય નિર્વિકારપણે નિહાળે છે. ‘ આપણા દીકરાને કહેજો કે મમ્મી તુરંત પાછી ફરશે. માંદી છે હમણાં પણ તારા માટે તરફડે છે. મારા વતી એના માટે કોઈક ભેટ લઈ જજો. ‘ આ શબ્દો એલિઝાબેથ નહીં, અલ્મા કહે છે ! એલિઝાબેથ પોતે પણ જાણે અલ્મા હોય તેમ જુએ છે, જેમ અત્યારે અલ્મા એલિઝાબેથ છે તેમ ! અલ્મા અને વોગલર પથારીમાં પ્રેમમગ્ન . એલિઝાબેથ પ્રેક્ષક . અચાનક અલ્મામાંની અલ્મા જાગૃત થતાં ચીસો પાડી વોગલરના પાશમાંથી બળપૂર્વક છૂટે છે. એલિઝાબેથનો ચહેરો હજી પણ ભાવશૂન્ય છે. દર્શકને વિચારતા કરી મૂકે એવું દ્રષ્ય અને ક્રિયાકલાપ!

એલિઝાબેથના હાથ હેઠળ ઢંકાયેલો એના પુત્રનો ફોટો. અલ્મા એને એના દીકરા વિષે પૂછે છે. એ મૌન રહેતાં અલ્મા ‘ તું ન કહે તો લે, હું તને આખી વાત કહું. ‘ કહી, એ બધું જ જાણતી હોય તેમ એલિઝાબેથને એની જ વાત કહે છે ‘ તું એક રાતે પાર્ટીમાં હતી ત્યારે તને કોઈકે કહ્યું – એક સ્ત્રી અને અભિનેત્રી તરીકે તારી પાસે બધું જ છે, એક માતૃત્વ સિવાય . તું વિચારમાં પડી ગઈ. તેં પતિને એ માટે અનુરોધ કર્યો. જ્યારે તારી સગર્ભાવસ્થા પાકી થઈ, તને ચિંતા થઈ આવી. જવાબદારીની, કારકિર્દીની, તારી સ્વતંત્રતાની, પીડાની, મૃત્યુની અને ફૂલી રહેલા શરીરની. પણ તું અભિનય કરતી રહી. સુખી ગર્ભવતીનો અભિનય. તેં ગર્ભપાતના છુપા અને નિષ્ફળ પ્રયત્નો પણ કર્યા. તને જ્યારે લાગ્યું કે હવે બાળકને જન્મ આપ્યા વિના છૂટકો નથી ત્યારે તેં ગર્ભમાંના બાળકને ધિક્કારવાનું શરુ કર્યું. એવી આશા પણ રાખી કે બાળક મૃત જન્મશે . ‘ એલિઝાબેથ માથું ઝુકાવી જાણે કબૂલાતમાં બધું સાંભળે છે. ‘ તારી પ્રસૂતિ આકરી હતી. દીકરો જન્મતાં તું મનોમન બોલી – તું મરી કેમ ન ગયો ? પણ એ તારી બદદુઆ છતાં બચી ગયો. તારું અંત:કરણ ગુનાહિત હતું. તારા છોકરાને સગાંઓએ સાચવી લીધો અને તું પાછી થિયેટરમાં જોડાઈ ગઈ પણ તારા દુખનો પાર આવ્યો નહોતો હજી. તારો દીકરો તારા માટે તડપતો પણ તને એ ડર હતો કે તું એના પ્રેમનો પડઘો પાડી શકીશ નહીં. તને એ કદરૂપો પણ લાગતો, એના તરફની નફરતના કારણે. ‘ એલિઝાબેથ ગુનેગારની જેમ નતમસ્તક છે.

રસપ્રદ વાત એ પણ કે ઉપરનો અલ્માનો એકાલાપ ફરી એકવાર ફિલ્મમાં પુનરાવર્તિત થાય છે પરંતુ હવે કેમેરા એલિઝાબેથની જગ્યાએ અલ્મા પર કેંદ્રિત હોય છે.

અલ્માનુ બયાન પૂરું થયા બાદ બન્ને સ્ત્રીઓના અડધા ચહેરા જોડાઈને એક જ ચહેરો – PERSONA – મહોરું બને છે જે જોઈને ગૂંચવાઈ જવાય કે એ એલિઝાબેથ છે કે અલ્મા કે બન્ને !

‘ ના. હું તારા જેવી નથી. હું સિસ્ટર અલ્મા છું. તને મદદ કરવા અહીં આવી છું. હું એલિઝાબેથ વોગલર નથી. તું છે. ‘ એવું લાગે જાણે અલ્મા જેટલું એ નકારવાનો પ્રયાસ કરે છે કે પોતે એલિઝાબેથ નથી એટલું જ એ કળણમાં ખૂંપતી જાય છે !

અંત. અલ્મા પોતાના નર્સના પહેરવેશમાં. (જેની જરૂર એ અહીં ટાપૂ પર આવી ત્યારથી નથી પડી !) એ એલિઝાબેથને આદેશ કરે છે ‘ કશું નહીં એમ બોલ‘ એલિઝાબેથ પરાણે એ શબ્દો બોલે છે. અલ્માના હાથની નસો તણાય છે. લોહી વહે છે. એલિઝાબેથ ત્યાં હોઠ અડાડે છે. અલ્મા એને ઝનૂનપૂર્વક તમાચા પર તમાચા ચોડે છે.

અલ્મા એલિઝાબેથના કમરામાં પ્રવેશે છે. એલિઝાબેથ લગભગ બેહોશ છે. અલ્મા એને જેમતેમ ઊભી કરી બાથમાં લે છે. હવે એલિઝાબેથ આજ્ઞાંકિત રીતે એનું કહેલું ‘ NOTHING ‘ બોલે છે. ફરી બન્ને ચહેરા એકમેકમાં ઓગળી જાય છે.

અલ્મા પોતાનો સામાન સમેટે છે. અરીસામાં એને પોતાના બદલે એલિઝાબેથ દેખાય છે. એ સામાન લઈ બહાર નીકળે છે. નિર્જન દરિયાકિનારે રાહ જૂએ છે. બસ આવે છે. અલ્મા એકમાત્ર મુસાફર છે. એને લઈ બસ ચાલી નીકળે છે.

ફિલ્મની શરુઆતમાં આવ્યું હતું એ જ દ્રશ્યનું પુનરાવર્તન. એક બાળક માના ચહેરાના વિશાળ પડદા પરના ચિત્રને બાથમાં લેવાનો પ્રયત્ન કરતું દેખાય છે. 

ફિલ્મનો વિષય ઘણા અર્થઘટનો અને ચર્ચાઓના કેંદ્રમાં રહ્યો છે. એ બેવડા વ્યક્તિત્વ ( ડો જેકીલ એંડ મિસ્ટર હાઈડની જેમ ), ગાંડપણ ( સંમોહન ) અને સ્વયંની ઓળખ પામવાના માણસના વલખાં વિષે પણ છે. એમાં કાર્લ જંગે ઉદ્બોધેલી માનસશાસ્ત્રીય છણાવટ છે તો એમાં સજાતિયતા, માતૃત્વ અને ગર્ભપાતની વાત પણ છે. કોઈકને એ હોરર ફિલ્મ પણ લાગી શકે.

સમગ્ર ફિલ્મમાં એલિઝાબેથ માત્ર ચૌદ શબ્દો બોલે છે. ફિલ્મની મૂળ પટકથામાં એલિઝાબેથ સાજી થઈને પાછી ફરે છે અને એણે બોલવાની શરૂઆત કર્યાની જાહેરાત એની ડોક્ટર મિત્ર કરે છે. એ અંત ફિલ્મના નિર્માણ દરમિયાન બદલીને ઉપર ઉલ્લેખ્યો એ અંત ફિલ્માવવામાં આવ્યો.

એલિઝાબેથનું અચાનક મૌન થઈ જવું એ કેટલાકના મતે એનો માતૃત્વના અસ્વીકારનું પ્રતીક છે. એ એકમાત્ર ભૂમિકા છે જે આ સફળ અભિનેત્રી નિભાવી ન શકી. એક વિવેચકના મતે ‘ એલિઝાબેથ ઈશ્વરનું પ્રતીક છે તો અલ્મા પાર્થિવ ચેતનાનું. ‘ PERSONA – મહોરું એ આત્મા ઉપરાંતની વ્યક્તિની બાહ્ય ઓળખ છે જે અસલને છુપાવે છે. ફિલ્મના બન્ને સ્ત્રીપાત્રો આ મહોરાં હળવે – હળવે ઉતારે છે જેના પરિણામે એમના બટકણા અને અનધિકૃત ચહેરાઓ ખરી પડે છે. બન્ને ભાવનાકીય રીતે એકબીજા આગળ અનાવૃત બને છે. ક્યારેક બન્ને પોતાની સ્થિરતા પણ ગુમાવે છે. મૂંગી અને ‘ બંધ ‘ એલિઝાબેથ આગળ દેખીતી રીતે મુક્ત પંખી એવી અલ્મા સ્વયંને એકથી વધુ વાર ‘ ખોલે ‘ છે. ફરક એટલો કે અલ્માનો ખુલ્લો તાજગીભર્યો ચહેરો કોઈ જડ મુખવટો ધરાવતો નથી જ્યારે સામે પક્ષે એલિઝાબેથે લાદેલ મૌન આવરણોથી ભરચક છે. અલબત્ત ફિલ્મમાં એ આવરણની પાછળ શું છે એની વાત ઓછી છે. એક રીતે આ ફિલ્મમાં એલિઝાબેથ ચુપચાપ પોતાની નર્સ અલ્માનુ વિશ્લેષણ કરે છે માટે એ ડોક્ટર છે અને અલ્મા દર્દી ! 

ફિલ્મમાં બન્ને સ્ત્રીઓ વચ્ચે પાંગરતા સંબંધો પ્રેમ અને ધિક્કારની વચ્ચોવચ છે. એલિઝાબેથ (અને બર્ગમેન પણ) મોટી આફતો (વિયેટનામ યુદ્ધ અને યહૂદીઓનો નરસંહાર) નો સામનો કરવા અક્ષમ છે. એલિઝાબેથને ક્યાંક લાગે છે કે બૌદ્ધ સાધુનું આત્મવિલોપન એ જ સાચો વિદ્રોહ છે. એની સામે મૌન ધારણ કરવાનો એનો પ્રતિરોધ કશી વિસાતમાં નથી ! એનું મૌન એક શૂન્યાવકાશ સર્જે છે જેને અલ્મા શબ્દોથી ભરવાનો પ્રયત્ન કરે છે. જો કે મૌન વાચાળતાને ગળી જાય છે ! એલિઝાબેથને આ મૌન એના અભિનેત્રી તરીકેના વ્યવસાયના બોલકાપણાથી છુટકારો આપે છે. અલ્મા એમાં એક સત્ય ઉમેરી આપે છે કે મહોરા નીચે કોઈ અસલિયત નથી. મહોરું જ સત્ય છે ! 

એલિઝાબેથ પોતે જે છે તે એ હોવાનું પસંદ કરે છે. એનું પાત્ર એક પીડિત અદાકારનું છે. એ આપણને યાદ અપાવે છે જગવિખ્યાત ચિત્રકાર વિન્સેંટ વાન ગોગની. એમણે એક વાર આવેશમાં પોતાનો જ કાન કાપી નાંખ્યો હતો. પોતાના ભગ્ન લગ્ન અને વણજોઈતા સંતાનની વ્યથામાંથી બચવા એલિઝાબેથ એવું કોઈ હિંસક પગલું તો ભરતી નથી પણ એ પોતાના હોઠ સીવી લે છે. તારતમ્ય એ કે અલ્મા એ છે જે એલિઝાબેથ પોતે બનવા માંગે છે . અલ્મા એ બધું છે જે એલિઝાબેથ ક્યારેય બની ન શકી.

બર્ગમેનની PERSONA પછીની ફિલ્મો SHAME ( 1968 ) અને THE PASSION OF ANNA (1969) માં પણ એ જ કથાવસ્તુની અસર છે. ROBERT ALTMANની IMAGES (1972) અને 3 WOMEN (1977) પણ આ ફિલ્મથી પ્રેરિત છે. ફ્રેંચ સર્જક જ્યાં લુક ગોડાર્ડની WEEKEND (1967) માં અલ્માના સમૂહ-સંભોગવાળા પ્રલાપનો ઉલ્લેખ છે. DAVID LINCH ની MULHOLLAND DRIVE (2001) માં એકબીજામાં ઓળખ ગુમાવી દેનારી આવી બે સ્ત્રીઓની વાત છે તો DONT LOOK NOW (1973) , APOCALYPSE NOW (1979) અને SILENCE OF THE LAMBS (1991) ના કેટલાક દ્રષ્યોમાં આ ફિલ્મની અસર છે.

ફિલ્મમાં ૧૭મી સદીના મહાન જર્મન સંગીતકાર યોહાન સેબાસ્ટિયન બાકનું સંગીત અનેક પ્રસંગોમાં નેપથ્યે વાગે છે. એ સંગીત બર્ગમેનની અન્ય કેટલીક ફિલ્મોમાં પણ પ્રયોજાયું છે.

આપણે સૌ જેને ‘આપણી જાત‘ માનીએ છીએ એ ખરેખર દુનિયા – વિષયક આપણો અનુભવ નથી. એ છે આપણા વિચારો, સ્મૃતિઓ, વાંચન, આપણું કામ, આપણા સંસર્ગમાં આવતા અન્ય લોકો, આપણી અલગ-અલગ ભૂમિકાઓ, ફરજો, વાસનાઓ, આશાઓ અને આપણે સેવીએ છીએ એ ડર !

PERSONA આપણને આ હકીકતની યાદ અપાવે છે.

[1]

https://youtu.be/HTJwTGAZE50


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

7 thoughts on “ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : મણકો ૫ – મહોરું – PERSONA (1966)

 1. બે વખત વાંચી  ગયો. “Persona” અને બર્ગમેન નું દિર્ગદર્શન, શ્વેત-શ્યામ માં કેમેરા, કલાકારો  અને સાથે અન્ય કસબીઓ પાસેથી ધાર્યું કામ લેવાની રીત આ બધું તમે બહુ અસરકારક રીતે બિરદાવ્યું છે. ગ્રીક કરુણાંતિકા “ઇલેક્ટ્રા” ની ભૂમિકા ભજવવામાં એલિઝાબેથ નું  એટલું  ઓતપ્રોત થઈ જવું તે દિર્ગદર્શકે બખૂબી તેના મૌન .થી દર્શાવ્યું છે. 
  શ્રી ચં, ચી. મહેતા પોતાની ફ્રાન્સ ની યાત્રા દરમિયાન સાત્રે નું નાટક “No Exit” જોયાની અસર એવી થઈ કે તેમને વિચાર વાવ્યો કે જે નાટક મારી જેવા પ્રેક્ષક પર એટલી અસર કરે તો એ નાટક ભજવતા કલાકારોની મનની સ્થિતિ કેવી હશે? “બાંધ ગઠરિયાં” માં એ વાંચવા જેવું છે. 
  બંગાળી દિગ્દર્શક રીતુ પર્ણ ઘોષ ને ટાગોર નું નાટક “ચિત્રાંગદા” પર આધારિત ફિલ્મ માં પોતે ચિત્રાંગદા ની ભૂમિકા ભજવી. કરુણાતો એ છે કે  ફિલ્મ ની સાથે તેમણે પોતાના જીવન નો પણ અંત અન્યો. આટલા સુંદર રસપ્રદ લેખ વાંચી ને બર્ગમેન ને સાચી રીતે સમજવાની મજા આવે છે. દસ ફિલ્મો જે આપે નક્કી કરી છે તેમાં “The Seventh Seal” તો હશે જ. આતુરતા છે. 

  1. સમગ્ર આલેખન આટલું ઝીણવટથી વાંચવા બદલ આભાર !
   આપે ઉલ્લેખએલા બન્ને પ્રસંગો કમાલ છે!
   મૂળ વિચાર પ્રમાણે SEVENTH SEAL અંતિમ હપ્તા તરીકે લેવાનું આયોજન છે પણ હું હજીય અવઢવમાં છું કે એ સંકીર્ણ ફિલ્મને ન્યાય આપી શકીશ કે કેમ?
   ફરી આભાર !

 2. આલેખન એટલું મજબૂત છે કે એક એક પ્રસંગ આંખ સામેથી પસાર થતો હોય એમ લાગ્યું. બે જ પાત્ર અને તેમાં પણ એક મૌન પાત્ર સાથે ફિલ્મ બનાવવી ખરેખર ખૂબ જ કપરું કામ છે. આવી ફિલ્મમાં ત્રીજો કલાકાર કેમેરો હોય છે અને એ કામ ખૂબ સરસ પાર પડ્યુ હોય તેમ તમે મુકેલા ફોટોગ્રાફ્સ પરથી પ્રતિત થાય છે. સંગીતનું પણ એટલું જ મહત્વ છે. કેટલાક સંવાદો ખૂબ જ સરસ છે. મને જે ખૂબ ગમ્યો એ…

  એલિઝાબેથને મૌનમાંથી ઉગારવાના છેલ્લા ઉપાય તરીકે એની માનસશાસ્ત્રી મિત્ર એને પાસેના ફારો ટાપુ પરના પોતાના કોટેજ પર હવાફેર માટે મોકલવાનું નક્કી કરે છે એ વખતે જે એ કહે છે એ આખો લાંબો સંવાદ ખૂબ સરસ છે પણ એની આખરી પંચ લાઈન….’ બીજી ભૂમિકાઓ પડતી મૂકે છે તેમ પછી કાળેક્રમે તું આ પણ પડતી મૂકી શકે. ‘
  આ લાઈનથી ડૉક્ટર આ કેસ માટે આશાવાદી છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે.

  એક ગુજરાતી નાટક મને યાદ આવી ગયો.નાટકનું નામ મને યાદ નથી પણ અભિનેત્રી લગભગ સુજાતા મહેતા હતી તે આવી જ કોઈ ઘટનાની અસર હેઠળ પાગલ થઈ જાય છે અને એનો અભિનય એટલો અસરદાર હતો અને એ પોતે પણ એના અભિનયમાં એટલી ઓતપ્રોત હતી કે એને ડર હતો કે એનો આ અભિનય એની માનસીક હાલત બગાડી ન નાંખે એટલે ઘણા એપિસોડ પછી એ નાટક કરવાનું એણે બંધ કરી દીધેલું.
  ઉમદા આલેખન બદલ ખૂબ ખૂબ અભિનંદન.

  1. આટલી બારીકાઈથી સમગ્ર લેખ નિરખી જવા બદલ દિલથી આભાર !
   આપે ઉલ્લેખએલ નાટક ‘ ચિત્કાર ‘ ( કદાચ! ) હતું અને એ મેં પણ જોયાનું સાંભરે છે.
   એલિઝાબેથના ડૉક્ટરના લગભગ સ્વગત લાગે એવા ઉચ્ચારણો મારા મતે પણ ફિલ્મનો યાદગાર હિસ્સો છે.

   ફરીથી शुक्रिया !

 3. ઈંગમાર બર્ગમેનનું — મહોરું – PERSONA (1966) , તેની અન્ય ફિલ્મ ની જેમજ સમજવી ખરેખર અઘરી છે. બર્ગમેઈંગમાર બર્ગમેનનું — મહોરું – PERSONA (1966) , તેની અન્ય ફિલ્મ ની જેમજ સમજવી ખરેખર અઘરી છે. બર્ગમેન કહે છે તેમ આ ફિલ્મ ‘સમજાયા કરતાં અનુભવાય‘ એવું જ વધારે લાગે છે. .ફિલ્મ વ્યક્તિ ના ખાસ કરી ને એના બંને પાત્રો ની તેમની ભૂતકાળ ની યાદો અને વર્તમાન પરિસ્થિતિ ના માનસિક તાણાવાણા ના અભિવ્યક્તિ થી ભરપૂર છે. જયારે કોઈને આપણે સરખી રીતે જાણીયે નહીં ત્યાં સુધી તેના મોહરા થી જ તેને મૂલવીએ છીએ. પુરા પરિચય પછી મોહરા થી ભિન્ન વ્યક્તિત્વ ની જાણ થાય છે.
  અદભુત કથા ના સુંદર ફિલ્માંકન નો ચિત્ર જોતા હોઈએ એ સ્વરૂપ માં રસાસ્વાદ કરવા બદલ આપનો આભાર અને અભિનંદન.ન કહે છે તેમ આ ફિલ્મ ‘સમજાયા કરતાં અનુભવાય‘ એવું જ વધારે લાગે છે. .ફિલ્મ વ્યક્તિ ના ખાસ કરી ને એના બંને પાત્રો ની તેમની ભૂતકાળ ની યાદો અને વર્તમાન પરિસ્થિતિ ના માનસિક તાણાવાણા ના અભિવ્યક્તિ થી ભરપૂર છે. જયારે કોઈને આપણે સરખી રીતે જાણીયે નહીં ત્યાં સુધી તેના મોહરા થી જ તેને મૂલવીએ છીએ. પુરા પરિચય પછી મોહરા થી ભિન્ન વ્યક્તિત્વ ની જાણ થાય છે.
  અદભુત કથા ના સુંદર ફિલ્માંકન નો ચિત્ર જોતા હોઈએ એ સ્વરૂપ માં રસાસ્વાદ કરવા બદલ આપનો આભાર અને અભિનંદન.

Leave a Reply

Your email address will not be published.