પ્લાસ્ટિક પ્રતિબંધ, પર્યાવરણ સંરક્ષણ અને રોજગાર

નિસબત

ચંદુ મહેરિયા

ભારત સરકાર ૨૦૨૨ના અંત સુધીમાં દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા સંકલ્પબધ્ધ છે. તે માટે બે વરસથી પ્રયાસો ચાલે છે. પહેલાં સરકારે પ્લાસ્ટિક બેગની જાડાઈ ૫૦ ને બદલે ૭૫ માઈક્રોનની કરી હતી. હવે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ  એમેન્ડમેન્ટ એક્ટ મુજબ પહેલી જુલાઈ ૨૦૨૨થી સિંગલ યુઝ(એકલ ઉપયોગ)ની પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ લાદ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, વેચાણ, આયાત, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને સરકારે પ્લાસ્ટિકમુક્ત  ભારતની દિશામાં મહત્વનું કદમ લીધું છે.

ચાળીસ માઈક્રોન કે તેથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની વસ્તુ  એક વાર વપરાયને ફેંકી દેવાતી હોઈ તેને સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. આઈસ્ક્રીમ સ્ટીક, શાકભાજીની થેલી, કેન્ડી સ્ટીક, પ્લાસ્ટિકના ધ્વજ, ચાના પ્લાસ્ટિકના કપ, ગ્લાસ, પાણીની બોટલ, સ્ટ્રો, પાણીપુરી અને ચાટની પ્લાસ્ટિકની પ્લેટ, પ્લાસ્ટિકના ચમચા-ચમચી, સિગારેટના પેકેટ, મીઠાઈના ડબ્બાના રેપર, ફુગ્ગાની સ્ટીક, પ્લાસ્ટિકના ઢાંકણાં  અને પાતળા પ્લાસ્ટિકની બનેલી આવી બીજી ચીજો હવે પ્રતિબંધિત છે. પ્લાસ્ટિકનો નાશ થતો ન હોઈ તે પર્યાવરણ અને માનવજાત માટે ખતરનાક છે. એટલે આરંભે સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ પ્રતિબંધિત કર્યો છે.

ઈ.સ. ૧૯૦૭માં અમેરિકી વૈજ્ઞાનિક લિયો બૈકેલૈંડે સિન્થેટિક પ્લાસ્ટિક બનાવ્યું હતું. તેના પગલે ૧૯૩૩માં પોલિથીનનો આવિષ્કાર થયો હતો. ત્યારે કલ્પના પણ નહીં હોય કે તેમની આ શોધ એક દિવસ લોકો માટે આશીર્વાદને બદલે શાપરૂપ બની જશે.અને તેના ઉત્પાદન અને વપરાશ પર બંધી  લાદવી પડશે.

દુનિયામાં નવ અબજ ટન પ્લાસ્ટિક છે. દર વરસે વિશ્વમાં ૨૬ ટ્રિલિયન પ્લાસ્ટિક બેગોનું વેચાણ થાય છે. દર સેકન્ડે ૧૫,૦૦૦ અને દર મિનિટે ૧૦ લાખ પ્લાસ્ટિકની બોટલો વેચાય છે. ભારતમાં ૧.૪૦ કરોડ ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. ૨૦૨૧ના વરસમાં જ ૪૧,૦૦૦ ટન પ્લાસ્ટિક ઉત્પન્ન થયું હતુ. દેશમાં દર વરસે  ૫૬ લાખ ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે. ભારતના પ્રત્યેક શહેરમાં રોજનો સરેરાશ ૧૫,૦૦૦ ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે. પ્લાસ્ટિકના કચરાનો નિકાલ સૌથી મોટી સમસ્યા છે મોટાભાગના કચરાનો  નિકાલ નદીઓ અને સમુદ્રોમાં ફેંકી દઈને કરવામાં આવે છે.. પ્લાસ્ટિકનો સેંકડો વરસો સુધી નાશ થતો નથી. તે સડતું પણ નથી. કે અન્ય તત્વ કે જૈવિક ચીજોની જેમ પર્યાવરણમાં ભળતું પણ નથી. વળી એ જે જમીન પર પડી રહે છે તે જમીનને ઝેરી અને બિનફળદ્રુપ બનાવે છે.

પ્લાસ્ટિક સસ્તું છે અને સુલભ છે.તેથી લોકો તેનો બહોળો ઉપયોગ કરે છે.પરંતુ તેનો વપરાશ કેટલો નુકસાનકર્તા છે તેનાથી કાંતો વાકેફ નથી કે પછી જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયું હોઈ વપરાશ ટાળતા નથી. દુનિયાભરમાં પ્લાસ્ટિકનો વ્યાપક ઉપયોગ થાય છે. સુદૂર વસેલા અને શેષ દુનિયાથી અછૂતા એન્ટાર્ટિકાના બરફમાં પણ માઈક્રોપ્લાસ્ટિકના કણો મળ્યા છે. પ્લાસ્ટિકના સામાનના વપરાશથી કેન્સર થવાની શક્યતા ૯૦ ટકા હોવાનું વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે. એક પુખ્ત વયની વ્યક્તિ ખોરાક-પાણીમાં વરસે સરેરાશ ૧.૨૧ લાખ માઈક્રોપ્લાસ્ટિકના કણ આરોગે છે. આટઆટલા ગેરફાયદા છતાં માનવી પ્લાસ્ટિકનો વપરાશ કરતો રહે છે એટલે ન છૂટકે સરકારોને તેનું ઉત્પાદન અને ઉપયોગ સજાપાત્ર ગુનો બનાવવું પડ્યું છે.

સ્વચ્છ ભારત અભિયાન છતાં દેશમાં ઠેર ઠેર પ્લાસ્ટિક વેસ્ટ જોવા મળે છે. એક અંદાજ મુજબ જો તેને એક જગ્યાએ ભેગો કરવામાં આવે તો ત્રણ હિમાલયની ઉંચાઈ જેટલા પ્લાસ્ટિક વેસ્ટના પહાડ બની શકે. દુનિયાની જે દસ નદીઓ મહાસાગરોમાં પ્લાસ્ટિક કચરો ઠાલવે છે તેમાંની ત્રણ, ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ ભારતની છે. પ્લાસ્ટિક કચરાને કારણે નદીઓનું પાણી અને જળસ્ત્રોત પ્રદૂષિત થાય છે તે સમુદ્રી જીવો માટે પણ જીવલેણ છે. એક લાખ સમુદ્રી જીવો પ્લાસ્ટિકને કારણે મરે છે. પ્લાસ્ટિકને કારણે ગટરો અને નાળા જામ થઈ જાય છે તેથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી.કુલ પ્લાસ્ટિક ઉત્પાદનના વીસ ટકા જ રિસાઈકલ થાય છે.જ્યારે ૪૯ ટકા પ્લાસ્ટિકને જમીનમાં દાટીને અને ૧૫ ટકાને સળગાવીને નિકાલ કર્યાનો સંતોષ મનાય છે ત્યારે તે કેટલું જોખમી છે તેનો અહેસાસ થતો નથી.

પ્લાસ્ટિકના જોખમોથી દુનિયા વાકેફ થયા બાદ એકવીસમી સદીના આરંભથી જ તેના વિરુધ્ધ વૈશ્વિક આંદોલન આરંભાયું હતું. દુનિયાના સો જેટલા દેશોએ તેના ઉપયોગને પ્રતિબંધિત કરતા કાયદા અને નિયમો ઘડ્યા છે. એશિયા ખંડના દેશોમાં સૌ પ્રથમ બાંગ્લાદેશમાં ૨૦૦૨થી જ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો હતો.ભારતનો હાલનો પ્રતિબંધ ઘણો સીમિત છે અને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત થતાં ઘણા વરસો લાગશે.

એકલ ઉપયોગના પ્લાસ્ટિક પરના હાલના પ્રતિબંધ અંગે પણ વિવાદ પ્રવર્તે છે. પર્યાવરણ સંરક્ષણની રીતે આ એકમાત્ર ઉપાય હોવાનું એક વર્ગ માને છે તો બીજો વર્ગ તેના વિકલ્પો તલાસવા જણાવે છે. જ્યાં સુધી ઉચિત વિકલ્પ ન મળે ત્યાં સુધી પ્રતિબંધની અમલવારી શક્ય નહીં બને તેમ માને છે. પ્લાસ્ટિકના વિકલ્પે કાગળ, માટી અને ફાઈબર તુરત સૂઝે છે. પરંતુ કાગળનો વપરાશ વધતાં વૃક્ષોનું છેદન વધવાની શક્યતા છે અને તે પણ પર્યાવરણને હાનિકારક બનશે. માટીકલા ભારતની મહત્વની કલા છે. આજે માટીના વાસણોનો વપરાશ નહીવત રહ્યો છે .પરંતુ ચા-દહીં-છાશ વગેરે માટે માટીના પાત્રોનો ઉપયોગ થાય છે. જોકે પેકેજિંગમાં મોટાપાયે સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાય છે તેનો વિકલ્પ ઝટ દેખાતો નથી.

રોજગારની દ્રષ્ટિએ પણ વર્તમાન પ્રતિબંધ માઠી અસરો જન્માવે છે. દુનિયાના ટોચના સો પોલીમર ઉત્પાદકોમાંથી છ ભારતમાં છે.કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માહિતી અનુસાર લગભગ સાતસો મોટા એકમો સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવે છે અને અનેક નાના વેપારીઓ તેના પર નિર્ભર છે.ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેકચર એસોસિએશનના જણાવ્યા પ્રમાણે  ૮૮ હજાર પ્લાસ્ટિક બનાવતા નાના એકમો આ પ્રતિબંધથી રાતોરાત બંધ થઈ ગયાં છે અને દસ લાખ લોકો બેરોજગાર થયા છે. તેનો ઉકેલ સરકાર અને ઉત્પાદકો પાસે નથી.

લોકજાગ્રતિ આ મુદ્દે ખૂબ જ અગત્યની છે પરંતુ તેનો સર્વથા અભાવ છે. સરકારની પ્લાસ્ટિકના ઉપયોગ અંગેની પર્યાવરણ નિયમન નીતિ અસંગત છે, તો પ્લાસ્ટિક મુક્ત ભારતના નારામાં જેટલી બુલંદી છે તેટલી અમલીકરણમાં નથી. તેથી પરિણામ મળવાની શક્યતા નથી કે બહુ વિલંબથી મળશે. પ્રતિબંધના બે મહિનાનો અનુભવ એવું જણાવે છે કે કાયદો કાયદાપોથીમાં કેદ છે અને ઉત્પાદન અને વપરાશ ચાલુ છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.